"સિને-GRAM - જયદેવ પુરોહિત"
*? અન્ય આર્ટિકલ વાંચો....?*
*https://www.facebook.com/purohit.jaydev1*
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
?ચલો જીવી લઈએ : પા...પા... પગલી?
https://m.facebook.com/story.php?story_fbid=1400247040113747&id=100003853948670
એક્ઝામ પુરી કરી, હાંફતા પગલે હું ગેટની બહાર નીકળ્યો. દોડતાં દોડતાં જ રિક્ષામાં બેસી ગયો અને રિક્ષાવાળાના કાનનો કાગડો બની ગયો. એમનું મગજ ખાઈ ગયો કે "જલ્દી... કરો... જલ્દી કરો...". મારા મિત્રો ઓલરેડી થિયેટરમાં બેસી ગયા હતા. અને મને એક પણ ફોન આવ્યો નહોતો કે "ફિલ્મ શરૂ થઈ ગયું છે.. " અંતે હું પણ પહોંચી ગયો અને ફિલ્મનું નામ સ્ક્રીન પર આવ્યું... “ચલો જીવી લઈએ..”
આજે પણ આ મુવી હજી ડિમાન્ડ પર છે. હજી શનિ-રવિમાં હાઉસફુલ રહે છે. એવું તો છે શું કે આ ફિલ્મ ચાલી ગઈ. સાવ સિમ્પલ થિયરી છે બોસ, "ઈમોશનલ વિથ લાઈફલેશન" આ કેમેસ્ટ્રી ભલભલાને દીવાના બનાવી દે. આ એક ટ્રાવેલિંગ ફિલ્મ છે. વાર્તા હજારો વાર સાંભળેલી, જોયેલી. ડાયલોગ્સ પણ 'ઠીક હવે...' કેમ કે લગભગ બધા વોટ્સપિયા મેસેજ જ છે. પણ ફિલ્મ ચાલી, જોરદારની ફાવી ગઈ. હા..મોજ..હા...
સિદ્ધાર્થ રાંદેરીયા, યશ સોની અને ગુજરાતનો ક્રશ❤ આરોહી પટેલ. આ ત્રણેય ત્રિપુટીએ ફિલ્મને આસમાને પહોંચાડી છે. સ્ટોરીની શરૂઆતમાં જ ખબર પડે કે એજ ચવાયેલી થિયરી... ડૉક્ટર કહે કે, .. હવે ઘરે લઈ જાઉં અને જીવાય એટલું જીવી લેજો....!! એટલે પછી હૃદયમાં ઊંડાણમાં ધરબી દીધેલું "ડ્રિમ-લિસ્ટ" સપાટીએ આવે. અને છેલ્લી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં બાપ-દીકરો નીકળી પડે છે. સિદ્ધાર્થ અહીં પિતા છે અને આદિત્ય એટલે કે યશ સોની એ એમનો ઓફિસઘેલો, કામધેલો પુત્ર. ફોન કોલ્સ, ડીલ કરવી અને બિઝનેસ બસ એજ એમની લાઈફ. વર્કોહોલિક...!!
અચાનક જ આદિત્યને યેન કેન પ્રકારેણ લઈ બીપીનચંદ્ર(સિદ્ધાર્થ રાંદેરીયા) ખુલ્લી જીપમાં ઉત્તરાખંડની સફરે નીકળી જાય છે. વચ્ચે રસ્તામાં મળે છે કેતકી(આરોહી). હવે એ પણ જીપમાં બેસી ગઈ. એટલે ત્રિપુટીએ ફિલ્મ આગળ ચલાવી. ગુજરાતી ડાયરેક્ટરોનો વ્યુ બદલાયો છે. વિઝ્યુઅલ રીતે ઉત્તરાખંડના દૃશ્યો એ સુંદરતાથી દેખાડવામાં આવ્યા છે કે બહાર નીકળીને ડાયરેકટ ત્યાં જ જવાની ઈચ્છા થાય. પણ આપણને હજી કોઈ ડોકટરે એવું કીધું નથી કે....!!
સચિન-જીગરનું મ્યુઝિક અફલાતૂન. ચાંદને કહો આથમે નહિ.... આ ગીત નથી એક ભાવભીની લાગણી છે જે વસંત વિના પણ ખીલે. એવું મધુર મ્યુઝિક આપ્યું. ઈન્ટરવલ પછી ફિલ્મમાં જે પિતા-પુત્રનો પ્રેમ બતાવવામાં આવ્યો છે બસ, એ જ છે ફિલ્મની સફળતાની ચાવી. એમાં પણ જયારે "પા...પા... પગલી.." ગીત આવે એટલે આંખો ભીની થઇ જ આવે. અનુભવે લખેલું છે. બધી રીતે ફિલ્મ મસ્ત છે.
ગુજરાતી સિનેમા એક નવી પેઢીને પોષણ આપી રહ્યું છે. નવા ચહેરા અને નવી વાર્તાઓ લઈ ગુજરાતની શોખીન જનતા સામે સરસ પ્રસ્તુતિકરણ કરી રહ્યા છે. ગુજરાતી ભાષાની પ્રગતિમાં ગુજરાતી ફિલ્મોનો મહત્ત્વનો ફાળો રહેશે. હવે ડાયરેક્ટર બદલાયા, નજર બદલી એટલે સીનેગ્રાફી પણ બદલી છે. અભિનય ક્ષેત્રે ધીરે ધીરે પરિપક્વતા આવતી જાય છે આરોહી અને યશના કેરેક્ટરમાં. સિદ્ધાર્થ એક પૂર્ણ અભિનેતા છે. એ જે સીનમાં લાઈવ હોય છે એ સીન અફલાતૂન હોય છે. ટ્રાવેલ સ્ટોરીમાં પણ સસ્પેન્સનો તડકો મારી દર્શકને બાંધી રાખવામાં ફિલ્મ સફળ રહી છે.
"જિંદગી જીવવા માટે કામ કરવાનું હોય છે નહિ કે કામ કરવા માટે જ જિંદગી જીવવાની હોય..." એવો મેસેજ આપી આ ફિલ્મનું થોડું સસ્પેન્સ ઉઘાડું કરી ફિલ્મ પૂરું થાય છે. અને સમજાય કે હા યાર ફિલ્મમાં તો સાચું કહ્યું કે, "ચલો જીવી લઈએ..."
ગુજરાતી સિનેમાને ચલો જીવી લઈએ.. હૃદયમાં ભરી લઈએ..!!
- જયદેવ પુરોહિત
(સંજોગ ન્યૂઝ - અમરેલી)
પ્રતિભાવો મેઇલ કરો...
Mail@jaydevpurohit.com