પ્રેમ-અગન:-12
"તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે…
તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!"
શિવ જ્યારથી અમદાવાદથી નીકળ્યો હતો ત્યારથી એનું મન બેચેન હતું પોતાની શ્રી ને મળવાં માટે..એને શ્રી ને મળવું હતું..એને મનભરીને જોવી હતી..એને ગળે લગાવવી હતી..આજ ઈચ્છા સાથે શિવ જૂનાગઢ આવી પહોંચ્યો.
બસમાંથી ઉતરતાંની સાથે શિવે ચોતરફ નજર ઘુમાવીને પોતાની શ્રી ને શોધવાનો પ્રયત્ન કર્યો.. પણ શિવને એ ક્યાંય નજરે ના પડી..એટલામાં શિવનાં મોબાઈલની રિંગ વાગી..શિવે બેતાબીપૂર્વક ફોન ખિસ્સામાંથી નીકાળી સ્ક્રીન તરફ નજર કરી.. શિવનો ફિક્કો પડેલો ચહેરો એ જોઈ હરખાઈ ગયો કે એની ઉપર કોલ કરનાર શ્રી હતી..જૂનાગઢમાં પગ મુકતાં ની સાથે જ શિવ માટે ખુશીનાં સમાચાર આવ્યાં હતાં શ્રીનાં કોલ સ્વરૂપે.
"Hello.. શ્રી..ક્યાં છે..હું જૂનાગઢ આવી ગયો છું.."ફોન રિસીવ કરતાં જ શિવ મોટેમોટેથી બોલવા લાગ્યો.
શિવ ને સામેથી શ્રીનાં પ્રતિભાવની આશા હતી..પણ શ્રી નો કોલ કટ થઈ ગયો..શિવે શ્રી નો કોલ કટ થતાં જ એનો નંબર ડાયલ કર્યો..શિવને કોલ કરતાં જ શ્રીનાં મોબાઈલની રિંગ સંભળાઈ..આ રિંગ પોતાની શ્રી ની જ હતી જે એને પોતાનાં માટે ખાસ સેટ કરી હતી..રિંગ સાંભળતાં જ શિવ સાન-ભાન ભૂલી ફોનની રિંગ ક્યાંથી વાગી રહી હતી એનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
"આ રહ્યો ઈશિતા નો ફોન.."શિવને એક ભારે અવાજ કાને પડ્યો.
શિવે અવાજની તરફ નજર ફેરવી જોયું તો ત્યાં એક છવ્વીસ-સત્તાવીસ વર્ષનો યુવક ઉભો હતો..જેની જોડે એનાં સમવયસ્ક યુવકો પણ હતાં.. શિવ એ યુવકને જોતાં જ ઓળખી ગયો..એ બીજું કોઈ નહીં પણ ઈશિતાનો મોટોભાઈ સહદેવ હતો..ઈશિતા એ શિવને પોતાનાં ભાઈનો ફોટો બતાવેલો હતો એટલે શિવ સહદેવ ને ઓળખી ગયો હતો.
સહદેવ એક અઠવાડિયા પહેલાં જ દુબઈથી પાછો આવ્યો હતો..સહદેવ જે દિવસે આવ્યો એ દિવસે ઘરે આવવાનાં બદલે પોતાનાં લુખ્ખા દોસ્તારો જોડે સમય પસાર કરવાં પહોંચી ગયો..જ્યાં એને જાણવા મળ્યું કે પોતાની નાની બહેન ઈશિતા ને એક અન્ય જ્ઞાતિનાં યુવક જોડે અફેયર છે..એ છોકરાંનું નામ શિવ છે અને એ ઈશિતાની કોલેજમાં અભ્યાસ કરે છે એ પણ એને પોતાનાં મિત્રો જોડેથી જાણવાં મળ્યું.
આ ઉપરાંત સહદેવ ને એનાં મિત્રોએ એ પણ કહ્યું કે ઈશિતા અને શિવને એ લોકોએ ઘણીવાર ફરતાં જોયાં છે..આ બધું સાંભળ્યાં પછી તો સહદેવ ઉકળી ગયો..બીજાં દિવસે એ જ્યારે ઘરે આવ્યો ત્યારે એને ઈશિતા ને આ વિષયમાં કડકાઈ સાથે પૂછ્યું..સહદેવનાં લાખ પુછવા છતાં ઈશિતા એ આ વાત ખોટી હોવાનું રટણ ચાલુ રાખ્યું..ઈશિતા ની વાત પોતે માની ગયો હોવાનું નાટક કરીને સહદેવે થોડો સમય એ વાત પડતી મૂકી..ઈશિતા સહદેવ ની હાજરીમાં પોતાનાં મોબાઈલને સ્પર્શ કરી શકે એમ નહોતી.
ઈશિતા ઘણાં પ્રયત્નો છતાં પોતાનો મોબાઈલ હાથમાં લઈ શિવને સહદેવનાં આમ અચાનક આગમનની અને એને એમનાં રિલેશન વિશે ખબર પડી ગઈ હોવાની ખબર ના આપી શકી..સાંજે જ્યારે ઈશિતાનું આખું ફેમિલી જોડે જમવા બેઠું હતું એ જ સમયે શિવે ઈશિતા ને મેસેજ કર્યો.
વર્ષો બાદ સહદેવ ઘરે આવ્યો હોવાથી જમ્યા બાદ પણ બધાં સાથે બેસી મોડે સુધી વાતો કરતાં રહ્યાં.. આ તરફ કલાક સુધી રાહ જોવાં છતાં ઈશિતા નો રીપ્લાય ના આવતાં શિવે રઘવાઈને ઈશિતાનાં મોબાઈલ પર કોલ કર્યો..ઈશિતા નાં ફોનની રિંગ જેવી વાગી એ સાથે જ ઈશિતા નાં ચહેરા નાં ભાવ બદલાઈ ગયાં.. એનો ડરી ગયેલો ચહેરો જોઈ સહદેવ સમજી ચુક્યો હતો કે દાળમાં કંઈક કાળું છે.
ઈશિતા દોડીને પોતાનાં રૂમ તરફ આગળ વધી રહી હતી ત્યાં સહદેવ એનો રસ્તો રોકીને ઉભો રહી ગયો..અને ગુસ્સામાં બોલ્યો.
"કોનો ફોન છે..કે આટલી ઉતાવળી બનીને દોડે છે..?"
"એની કોઈ ફ્રેન્ડ નો હશે..જવાં દે ને.."ઈશિતા નું ઉપરાણું ખેંચતા એનાં મમ્મી વચ્ચે બોલ્યાં.
"મમ્મી તું વચ્ચે ના બોલ..હું જઈને જોવું કે કોલ કોનો છે..ઈશી તું અહીં જ બેસ.."આક્રમક મૂડમાં સહદેવ બોલ્યો.
સહદેવનાં ગુસ્સાથી ઘરે બધાં વાકેફ હતાં એટલે કોઈ કંઈ ના બોલ્યું..એનાં પિતા ગજેન્દ્રસિંહ પણ ચૂપચાપ બેઠાં બેઠાં કાચી પાંત્રીસ નો મસાલો ખાવામાં મશગુલ હતાં.
સહદેવ ઈશિતાનાં રૂમમાં આવ્યો ત્યાં સુધી તો શિવનો કોલ કટ થઈ ગયો હતો..સહદેવે ઈશિતાનો ફોન હાથમાં લઈ સ્ક્રીન તરફ નજર કરી તો એમાં લખેલું હતું..શિવ..આ જોઈ સહદેવ સમજી ગયો કે એનાં મિત્રો ખોટું નહોતાં બોલી રહ્યાં.. આવેશમાં આવી સહદેવ શિવને કોલ કરવાં જતો હતો ત્યાં શિવનો પુનઃ કોલ આવ્યો.
સહદેવ ગુસ્સામાં આવી શિવને ખરીખોટી સંભળાવવા જતો હતો ત્યાં એને એક વિચાર આવતાં એને પોતાનો ગુસ્સો કાબુમાં કર્યો અને પોતાનાં શબ્દોને રોકી લીધાં.. સહદેવે શિવનો કોલ રિસીવ કર્યો અને ચુપચાપ શિવની બધી વાત સાંભળી..શિવની વાત સાંભળ્યાં બાદ સહદેવે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો..અને તુરંત ફોન સ્વીચઓફ કરી પોતાનાં ખિસ્સામાં સેરવી દીધો.
ઈશિતાનાં રૂમમાંથી બહાર આવીને સહદેવે ગુસ્સામાં પોતાની બહેન ઈશિતા ને ત્રણ-ચાર લપડાક લગાવી દીધી..ઈશિતા પોતાનાં ભાઈનાં ગુસ્સાનું કારણ સમજી ચુકી હતી..હવે બધું સત્ય કહી દેવું જોઈએ એમ વિચારી ઈશિતા એ પોતાનાં માતા-પિતા અને મોટાંભાઈ સહદેવ સમક્ષ પોતાનાં અને શિવ નાં વચ્ચે જે કંઈપણ હતું એ બધું જણાવી દીધું.
"અમે આ બધું કરવા તને મોકલી હતી કોલેજ..તું કોલેજમાં જઈને પોતાનાં ઘરનું નામ બદનામ કરે એ માટે અમે તને ભણાવી ગણાવીને મોટી કરી હતી.."હવે તો ઈશિતા નાં પિતાજી પણ ગુસ્સે થઈને ઈશિતા પર ભડકતા બોલ્યાં.
"પણ પિતાજી તમે એકવાર શિવને મળી તો લો..એ બહુ સારો છોકરો છે.."ઈશિતા રડતાં રડતાં બોલી.
"ચૂપ કર તું..એ સારો છે ખોટો છે એ બધું અમે નક્કી કરીશું.. આમપણ તારું ભણવાનું પતિ જ ગયું છે..આવતાં મહિને જ ક્યાંક સારો છોકરો જોઈ તારાં વિવાહ ગોઠવી દઈશું.."ઈશિતાનાં પિતાજી ગુસ્સે થઈને બોલ્યાં.
"પિતાજી આ હવે પોતાનાં રૂમમાંથી ત્યાં સુધી નિકળવી ના જોઈએ..એ શિવને તો હું જોઈ લઈશ.."આવેશમાં આવી સહદેવ બોલ્યો.
એ દિવસ પછી ઈશિતા ને પોતના રૂમમાં કેદ કરીને રાખવામાં આવી..બહાર કોઈની સાથે એ વાત ના કરે એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું..એને જમવાનું પણ રૂમમાં જઈને આપવામાં આવતું..ઈશિતા ને પોતાની આ હાલતનાં દુઃખ કરતાં વધુ ચિંતા શિવની હતી..કેમકે ઈશિતા જાણતી હતી કે સહદેવ ગુસ્સામાં શિવ સાથે કંઈપણ કરી શકે છે..ઈશિતા નો મોબાઈલ હવે સહદેવ જોડે જ હતો..અને સહદેવ ફોનને સ્વીચઓફ જ રાખતો હતો..જે દિવસે પોતાનાં જૂનાગઢ આવવાની વાત જણાવતો મેસેજ ઈશિતાને કર્યો એ દિવસે સાંજે જ સહદેવે ઈશિતાનો ફોન ચાલુ કર્યો હતો.
શિવનાં મોકલેલા મેસેજ પરથી એ ક્યારે જૂનાગઢ પાછો આવવનો હતો એની માહિતી સહદેવને મળી ચુકી હતી..અને એટલે જ એ અત્યારે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડમાં મોજુદ હતો.
"સહદેવ ભાઈ..તમે..હું તમને બધું.."શિવ ડરતો ગભરાતો શિવ તરફ આગળ વધતાં બોલી રહ્યો હતો ત્યાં સહદેવ નાં એક મિત્ર એ હાથમાં રહેલી હોકી સ્ટીક શિવનાં માથામાં ફટકારી દીધી..અચાનક થયેલાં હુમલાનો શિવ પ્રતિકાર કરે એ પહેલાં તો માથામાં થયેલાં જોરદાર ઘા નાં લીધે એ જમીનદોસ્ત થઈને નીચે પડ્યો..શિવ નાં કપાળ ઉપર લોહી વહી રહ્યું હતું.
"તું મારી નાનકી ને તારા ચક્કરમાં ફસાવી પોતાની જાતને મોટી સ્માર્ટ સમજતો હતો..તારી હિંમત જ કઈરીતે થઈ ઈશિતા ની તરફ નજર ઉઠાવીને જોવાની.."શિવની નજીક પહોંચી એનાં પેટ ઉપર જોરદાર લાત મારતાં ગુસ્સામાં સહદેવ બોલ્યો.
આટલું કહી સહદેવે પોતાનાં એક મિત્રની તરફ જોયું..એને પોતાનાં હાથમાં રહેલી લાકડી સહદેવ તરફ ફેંકી..સહદેવે એ લાકડી હાથમાં લઈ શિવનાં બંને પગ પર જોરથી ફટકારી દીધી..સહદેવ નો પ્રહાર એટલો જોરદાર હતો કે શિવની જોરથી ચીસ નીકળી ગઈ..શિવ નાં બંને પગનું હાડકું આ પ્રહારમાં તૂટી ગયું હતું..સહદેવ ને હજુ શિવની આવી હાલત થઈ હોવાં છતાં મન નહોતું ભરાયું એટલે એને પોતાની એક લાત શિવનાં ચહેરા પર ઝીંકી દીધી.
"આહ.."નાં ઉદગાર સાથે શિવ બેહોશ થઈ ગયો..આ દરમિયાન ઘણાં લોકો આ બધું બની રહ્યું હતું એ તરફ આગળ વધી રહ્યાં હતાં.. એ લોકોનાં ટોળામાં એક પોલીસ ઇન્સ્પેકટર પણ હતો..ટોળાંને ત્યાં આવતું જોઈ સહદેવ અને એનાં મિત્રો શિવને ત્યાં જ પડતો મૂકી રફુચક્કર થઈ ગયાં.
લોકોનાં ટોળાં એ ત્યાં પહોંચીને જોયું તો શિવ ગંભીર હાલતમાં જમીન ઉપર પડ્યો હતો..એમાંથી કોઈક એ 108 ને કોલ કરી ત્યાં બોલાવી લીધી.. શિવને જલ્દીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો.શિવનાં મોબાઈલમાંથી પોલીસ ઓફિસર દ્વારા એનાં પાપા લખેલાં નંબર પર કોલ કરવામાં આવ્યો..શિવ જોડે જે કંઈપણ થયું છે એ વિશે હસમુખભાઈ ને માહિતગાર કરવામાં આવ્યાં.
થોડીવારમાં શિવનાં મમ્મી કુસુમબેન અને પિતા હસમુખભાઈ શિવને જ્યાં એડમિટ કરાયો હતો ત્યાં જઈ પહોંચ્યા..શિવ ને માથામાં ચૌદ ટાંકા આવ્યાં હતાં અને બંને પગે ફ્રેક્ચર હોવાની વાત ડૉકટરે કરી.શિવને બે મહિના સુધી પથારીમાં રહેવું પડશે એવી ડૉકટરે સલાહ આપી.
પોલીસ દ્વારા શિવ પર હુમલો કરનાર કોણ હતું એ વિશે શિવને સવાલો કરવામાં આવ્યાં પણ શિવે મગનું નામ મરી ના પાડ્યું.. શિવે સહદેવ અને એનાં મિત્રોનું નામ છુપાવતાં પોલીસને એવી માહિતી આપી કે એ હુમલાખોરોને પોતે ઓળખતો નથી..કે એને ક્યારેય એમને જોયાં પણ છે.
સાગર ને જ્યારે શિવ પર જીવલેણ હુમલો થયો હોવાની વાત માલુમ પડી ત્યારે એ તાબડતોડ કેશોદથી જૂનાગઢ આવી પહોંચ્યો..હસમુખભાઈ અને કુસુમબેનની ગેરહાજરીમાં શિવે સાગરને બધી હકીકત જણાવી દીધી..સાગરે ઈશિતાનાં ઘરે કેવું વાતાવરણ છે એની તપાસ કરવાનું કામ જામનગરથી પાછી ફરેલી નિધિ ને સોંપ્યું..નિધિ માલુમ કરીને લાવી કે ઈશિતા ની સગાઈ થઈ ગઈ છે અને કોલેજ પુરી થયાં પહેલાં તો એનાં લગ્ન નક્કી થઈ ગયાં છે.
શિવ ઈચ્છવા છતાં હવે કંઈપણ કરી શકે એમ નહોતો..અને બીજી તરફ ઈશિતા ને એમ કહી લગ્ન માટે મનાવી લેવામાં આવી કે જો એ ઘરવાળા ની મરજી મુજબ લગ્ન નહીં કરે તો શિવ પોતાનાં જાનથી હાથ ધોઈ બેસશે..પોતાનાં ભાઈ અને પિતાજીનાં ગુસ્સાથી વાકેફ ઈશિતા એ શિવની સલામતી માટે લગ્ન માટે હામી ભરી દીધી..ઈશિતા ની હા પડતાં જ એનાં લગ્ન વડોદરા નિવાસી કોઈ બિઝનેસમેન સાથે ગોઠવી દેવાયાં..જેની ઉંમર ઈશિતાથી સાત વર્ષ વધુ હતી.
શિવ પર હુમલો થયાનાં એક મહિના બાદ ઈશિતા નાં લગ્ન કરી દેવામાં આવ્યાં.. શિવ પોતાનાં ઘરે પથારીમાં પડ્યો પોતાની લાચારી ઉપર રડી રહ્યો હતો..એનું હૃદય આજે લોહીનાં આંસુ રડી રહ્યું હતું એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહોતી..પોતાનાં પિતાનાં ઘરેથી વિદાય લેતી પોતાની શ્રી ને યાદ કરી શિવ મનોમન જાણે કહી રહ્યો હતો.
"લોકો ને લાગે છે કે કેટલાં ધામધૂમથી એની જાન જાય છે..
એમને કેમ કરી સમજાવું એનાં દિવાનાની અહીં જાન જાય છે.."
નિધિ અને સાગર ઈચ્છવા છતાં ઈશિતા અને શિવ ની કોઈ જાતની મદદ ના કરી શક્યાં..ઈશિતાને જે વસ્તુનો ડર હતો આખરે એ થઈને જ રહી..નાત-જાતનાં ભેદભાવ નાં નામે આજે એક બીજી પ્રેમકહાની કુરબાન થઈ ગઈ..શિવ શારીરિક રીતે તો હજુ સ્વસ્થ નહોતો થયો ત્યાં પોતાની શ્રીનાં લગ્ન થયાં બાદ તો શિવ તૂટી ગયો હતો.શિવ ઈશિતા ની વિદાય અને એ પછી જે કંઈપણ થશે..એ વિશે વિચારતો ત્યારે એ હચમચી જતો..જે ઈશિતા જોડે આટલાં વર્ષોનાં સંબંધ પછી પણ પોતે એક ચુંબનથી આગળ નહોતો વધ્યો એને કોઈ વ્યક્તિ સ્પર્શ કરશે એ વિચારી શિવનાં મનમાં એક આગ ઉભરી આવતી, એક પ્રેમ અગન ઉભરી આવતી.
શિવ નાં મનમાં શું ચાલી રહ્યું હતું એ વિશે કુમાર વિશ્વાસની આ પંક્તિઓ સરસ નિરૂપણ કરી રહી હતી.
"हार गया तन-मन पुकार कर तुम्हें
कितने एकाकी हैं प्यार कर तुम्हें
जिस पल हल्दी लेपी होगी तन पर माँ ने
जिस पल सखियों ने सौंपी होंगीं सौगातें
ढोलक की थापों में, घुँघरू की रुनझुन में
घुल कर फैली होंगीं घर में प्यारी बातें
उस पल मीठी-सी धुन
घर के आँगन में सुन
रोये मन-चैसर पर हार कर तुम्हें
कितने एकाकी हैं प्यार कर तुम्हें
कल तक जो हमको-तुमको मिलवा देती थीं
उन सखियों के प्रश्नों ने टोका तो होगा
साजन की अंजुरि पर, अंजुरि काँपी होगी
मेरी सुधियों ने रस्ता रोका तो होगा
उस पल सोचा मन में
आगे अब जीवन में
जी लेंगे हँसकर, बिसार कर तुम्हें
कितने एकाकी हैं प्यार कर तुम्हें.."
શિવ ઉપર હુમલો કયા કારણથી થયો હતો એની હસમુખભાઈ ને હુમલો થયાંનાં બે મહિના પછી ખબર પડી... આ સમય એવો હતો કે શિવ શારીરિક રીતે લગભગ ઠીક થઈ ગયો હતો..હવે હસમુખભાઈ એ એક નિર્ણય લીધો..જે સાચો હતો કે ખોટો એ સમય જ બતાવવાનું હતું..પણ એક બાપ તરીકે હસમુખભાઈને એ નિર્ણય લેવો ઉચિત લાગ્યો.
★★★★★★★
વધુ નવાં અધ્યાયમાં.
હસમુખભાઈએ શું નિર્ણય લીધો હતો....?શિમલામાં શિવની સાથે શું થશે.?શિવની જીંદગીમાં બીજું કોઈ આવશે કે નહીં...?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.
આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)