Love at first sight in Gujarati Love Stories by Arti Rupani books and stories PDF | લવ એટ ફસ્ટ સાઈટ

Featured Books
Categories
Share

લવ એટ ફસ્ટ સાઈટ

"કોની રાહ જુએ છે દિકરી..? હવે ઠાકોરજીનો આરામ કરવાનો સમય થયો છે. મંદિર બંધ કરવાનું છે.." પૂજારી ની લગભગ આ ત્રીજી ટકોર હતી. 

"હું અહીં મંદિરની બહારનાં ઓટલા પર બેસી શકું..? એકચ્યુલિ.. હું જેમની વેઇટ કરું છું એ હજી આવ્યા નથી." વિશાખાએ કહ્યું.

"અરે દિકરી.. ફોન કરી લે ને પણ.. ઓકે.. તું બહાર બેસી શકે છે. મને કોઈ વાંધો નથી પણ જમી તો આવ.. સવાર ની ભૂખી તરસી અહીં જ બેઠી છે.." પૂજારીએ સહાનુભૂતિ પૂર્વક કહ્યું.

"જી મહારાજ.. હું જમી લઈશ.." વિશાખા આટલું બોલી મંદિર બહારનાં ઓટલા પર ચાલી ગઇ. પૂજારીએ પણ મંદિર બંધ કર્યું. 

વિશાખા વિચારમાં પડી ગઇ.. એ આવશે તો ખરો ને..! ક્યાંક નહીં આવે તો હું શું કરીશ..!"

સવારે મમ્મી પપ્પા સૂતા હતાં ત્યારે એમને છેલ્લી વાર પ્રણામ કરી, મનોમન માફી માંગી, એક ચિઠ્ઠી ઘરમાં છોડીને એ નીકળી ગઇ હતી.. એ ચિઠ્ઠી અત્યાર સુધીમાં મમ્મી પપ્પાએ વાંચી લીધી હશે..! વાંચી હશે તો ઘરનું વાતાવરણ શું હશે એની એ કલ્પના કરી શકતી હતી. એકદમ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતી હતી એ.. નાત બહાર કે પ્રેમ લગ્નની ઘરમાં છૂટ જ નહોતી.. એનાં ફઇએ પ્રેમ લગ્ન કર્યા હતાં. છોકરો સારો હોવા છતાં એનાં પિતા, દાદા.. બધાએ ફઇ સાથેનો સંપર્ક જ કાપી નાખ્યો હતો. 

એ પછી તો..બાળકોમાં પ્રેમનાં 'કુસંસ્કાર'નાં બીજ ના રોપાય એ માટે ઘરનું વાતાવરણ જ એટલું જડબેસલાક બનાવવામાં આવ્યું હતું કે વાત જવા દો...છોકરાઓ સાથે હળવા મળવાની કે એકલા બહાર જવાની છૂટ નહોતી. વિશાખાનું પ્રાથમિક અને આગળનું શિક્ષણ પણ મહિલા સ્કુલ તેમજ કૉલેજમાં થયું હતું. ટીવીને ઘરમાં એન્ટ્રી નહોતી મળી. ઘરમાં ધાર્મિક વાતાવરણ જાળવી રાખવાની પૂરી કોશિશ કરવામાં આવી હતી. ત્યાં સુધી કે વિશાખાનાં જન્મ બાદ જ્યારે એનું નામ પાડવાનું હતું ત્યારે પણ રાધા, મીરા એવા જ બધાં નામ પસંદ કરાયા હતાં. છેવટે મમ્મીએ કહ્યું કે નામ ભલે ધાર્મિક હોય પણ થોડું આધુનિક પણ લાગવું જોઈએ. આખરે 'વિશાખા'નાં નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. 'વિશાખા'... રાધાજીની સખી વિશાખા.. આઠ મુખ્ય ગોપીઓમાંની એક વિશાખા.. આમ પણ એ જન્મી ત્યારે એનો વર્ણ પણ એક્દમ વિશાખા દેવી જેવો જ તો હતો.. લાલાશ લેતો ગૌર વર્ણ.. અને એક આભા હતી એનાં ચહેરામાં..

અત્યારે તો વિશાખાને એક ચિંતા સતાવતી હતી કે એની ચિઠ્ઠી હાથમાં આવ્યા બાદ ઘરમાં શું ધમાલ થઇ હશે. પપ્પા અત્યાર સુધીમાં મમ્મી પર ખૂબ વરસી રહ્યાં હશે અને ઘરમાં એક ફરમાન આવી ચુક્યું હશે કે "વિશાખાએ જે ઘડીએ આ ઘરનો ઉંબરો ઓળંગ્યો છે ત્યારથી જ એ આપણાં માટે મરી ગઇ છે. ખબરદાર.. હવે કોઇએ એને શોધવાની કે એનો સંપર્ક પણ કરવાની કોશિશ કરી છે તો.." મમ્મીએ રડી રડીને મન મનાવી લીધું હશે.. પપ્પાનાં ગુસ્સાની કે આદેશની ઉપરવટ જવાની ઘરમાં કોઈની હિમ્મત નથી.. વિશાખા માટે ઘરનો દરવાજો હંમેશ માટે બંધ થઇ ગયો હશે..

વિશાખાનો હાથ સાથે લઇ આવેલ સિતાર પર પડ્યો. એક જોડી કપડા, અને આ સિતાર...ફક્ત બે જ મહામૂલી સંપત્તિ લઇને એ ઘરમાંથી નીકળી ગઇ હતી. નાનપણથી આ એક જ શોખ હતો. સિતાર વગાડવાનો.. આજે શ્યામ આવશે તો એને એ સિતાર સંભળાવશે એવી ઇચ્છા હતી એને.. પણ શ્યામ આવશે તો ખરો ને...

આજે વેલેન્ટાઈન ડે હતો... આજનો દિવસ વિશાખા અને શ્યામનાં પ્રેમનો સાક્ષી બને એ માટે તેણે ગઇ કાલે જ શ્યામને પ્રેમ પત્ર આપ્યો હતો જેમાં તેણે પોતાનાં પ્રેમનો સ્વીકાર કર્યો હતો અને વેલેન્ટાઈન ડે નાં દિવસે જ એ ઘર છોડીને હંમેશા માટે શ્યામની થઇ જવા માંગતી હતી. શ્યામને એ વાત મંજૂર હોય તો આવીને આ મંદિરે મળે એ માટે પણ એનાં પ્રેમ પત્રમાં અનુરોધ કર્યો હતો.  

આ જ મંદિરમાં પહેલી વાર જોયો હતો શ્યામને.. અને એટલે જ ઇચ્છતી હતી કે આ મંદિર જ એમનાં મિલનનું સાક્ષી બને.. 15 જ વર્ષની હતી એ.. મમ્મી પપ્પા સાથે જન્માષ્ટમીની ઉજવણી માટે મંદિર આવ્યા હતાં બધા.. ત્યાં જ પહેલી વાર શ્યામને જોયો હતો અને જોતી જ રહી ગઇ હતી.. કેટલાં દિવસો સુધી તો બુધ ખોઈ બેસી હતી. એક નશામાં જીવી હતી. મમ્મી પપ્પાને સમજાયું નહોતું કે એની દીકરીને અચાનક શું થઇ ગયું છે. વૈદ્યને બોલાવવા પડ્યા હતાં.. પણ આ કંઇ શરીરની બીમારી થોડી હતી કે વૈદ્ય પકડી શકે. અને પ્રેમની નાડ પારખવાનું વૈદ્યનાં અભ્યાસક્રમમાં હજુ આવતું નહોતું. કશું જ જાણતી નહોતી એનાં વિશે.. કોણ છે.. ક્યાં રહે છે.. કશું જ નહીં.. નામ પણ પાછળથી જાણ્યું હતું. પ્રેમનો અર્થ પણ નહોતી ખબર એ ઉંમરે... 'લવ એટ ફસ્ટ સાઈટ' જેવો શબ્દ તો એણે બહુ પાછળથી સાંભળ્યો.. પણ એનો અનુભવ બહુ પહેલાં જ કરી લીધો હતો.. શ્યામની મોહિનીમાં એ પહેલી જ નજરે દીવાની બની ગઇ હતી.. એ પછી તો 10 વર્ષ થયા છતાં એનાં પ્રેમમાં ઓટ આવવી તો દૂર.. પ્રેમ વધતો જ ચાલ્યો.. દિવસ રાત બસ શ્યામનાં જ વિચારો આવતાં.. હથેળી પર કેટલી વાર આ નામ ઘૂંટયુ હશે અત્યાર સુધીમાં એનો કોઈ હિસાબ નહોતો... શ્યામ પણ એને પ્રેમ કરે છે કે નહીં એ જાણવાની પણ પરવા નહોતી એને..

વિશાખાનાં વિચારો પર બ્રેક લાગી..મંદિરનો દરવાજો ખુલી ગયો હતો.. ઠાકોરજી બપોરની ઉંઘ પૂરી કરીને જાગી ગયા હતાં.. એ ધીરે રહીને મંદિરમાં પ્રવેશી.. ઠાકુરજી સમક્ષ બે હાથ જોડી ઉભી રહી.. મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તમારા સિવાય કોઈ મારા પ્રેમ વિશે જાણતું નથી. હવે તમે જ મારો સહારો છો..

સાચું જ તો હતું.. ઘરમાં કે બહાર કોઈ એનાં પ્રેમ વિશે જાણતું નહોતું.. ફક્ત એક સખી સિવાય.. એની બાળપણની સખી સુજાતા.. સુજાતા બાળપણમાં તો શ્યામનાં નામથી વિશાખાને ચીડવતી અને બન્ને બહેનપણીઓ ખૂબ આનંદ કરતી.. પણ સમય સાથે બન્ને પુખ્ત બની. કોલેજમાં પણ સાથે ભણતી અને હવે તો બંનેનાં ઘરમાં એમનાં લગ્ન વિશે પણ વાતો થવા લાગી હતી. છોકરાઓની શોધ ચાલી છતાં વિશાખાએ શ્યામની જીદ ના છોડી.. એ પછી સુજાતા ઘણી વાર વિશાખાને સમજાવતી.. " અલી.. તું કશું જાણે પણ છે શ્યામ વિશે.. તારા સિવાય કોઇએ જોયો પણ છે એને? બસ એનાં નામથી વધારે કશી ખબર નથી તને.. કોણ છે.. ક્યાં રહે છે.. શું કરે છે.. શું ભણેલો છે.. કંઇ કમાય છે કે નહીં.. એનાં મમ્મી પપ્પા શું કરે છે.. જો વિશાખા.. બાળપણ સુધી વાત બરાબર હતી.. પણ હવે તારે ગંભીર થવું જોઈએ.. લગ્ન એ કંઇ ઢીંગલા પોતિયાંનો ખેલ નથી. તારે શ્યામ સાથે લગ્ન કરવા હોય તો પહેલાં જાણ એનાં વિશે.. અરે.. એ તને પ્રેમ કરે છે કે નહીં એ તો જાણ પહેલાં.."

વિશાખા પર સુજાતાની વાતની જાણે કોઈ અસર જ ના થઇ. "સુજાતા.. તેં જે વાત કરી એ સાવ સાચી.. પણ આ બધી ગણતરી પૂર્વક થાય એ પ્રેમ નહીં.. પ્રેમ તો આમાંનું કશું જ જોતો નથી. પ્રેમમાં કોઈ જ શરતો હોતી નથી. અરે.. પ્રેમમાં તો પોતાનું અસ્તિત્વ જ ઓગળી જાય છે.. બે અલગ અલગ વ્યક્તિઓ પણ રહેતાં નથી... રહે છે તો એક માત્ર પ્રેમ.."પ્રેમ ગલી અતિ સાંકરી, તાં મેં દો ના સમાયે.." અને તેં શ્યામને જોયો નથી ને એટલે આ બધી ગણતરી કરી શકે.. એક વાર જો એને જોયો હોત ને તો તું પણ ભાન ભૂલી ગઇ હોત.. શું એનું રૂપ છે.. અને શું એની આંખો... આખી દુનિયાને ભૂલાવી દે એવી આંખો છે એની.. તારા શાહરૂખ, સલમાન એ બધાં મારા શ્યામ આગળ પાણી ભરે પાણી...!"

"જો વિશાખા.. કદાચ તારો શ્યામ તેં કીધો એવો રૂપાળો હશે એ પણ સાચું.. પણ ગાંડી.. આ પ્રેમ નથી આકર્ષણ છે.. ને એવા આકર્ષણનાં આધારે જીંદગી ના નીકળે.. લગ્ન માટે તો મેં કીધી એ બધી જ ગણતરી કરવી પડે.. અને એ બધી વાત છોડ..પહેલાં એ તો નક્કી કર કે એ તને પ્રેમ કરે છે કે નહીં.. ધાર કે એ તને પ્રેમ નહીં કરતો હોય કે એ બીજી કોઈ છોકરીને પ્રેમ કરતો હોય એવું પણ બને.. અરે.. પરણેલો પણ હોઇ શકે.. આવું કશું હશે તો શું કરીશ તું એ તો કે.."

"તો હું એનાં પ્રેમમાં જોગણ બની જઈશ..અને એ પણ મને પ્રેમ કરે ત્યાં સુધી રાહ જોઇશ" વિશાખાએ એક પણ સેકન્ડનાં વિલંબ વગર જવાબ આપ્યો..

સંધ્યા થઇ ચૂકી હતી.. મંદિરમાં આવન જાવન લગભગ નહિવત થઇ ગઇ હતી. હજુ સુધી શ્યામ આવ્યો નહોતો.. પૂજારીજી પણ અનેક વાર ટકોર કરી ગયા હતાં.. અને એને ઘરે જવા કે થોડું જમી લેવા સમજાવી ચૂક્યા હતાં. વિશાખા દૃઢ નિર્ધાર સાથે મંદિરની બહાર નીકળી.. કાનમાંથી અને ગળામાંથી આભૂષણો દૂર કર્યા. અને બહાર બેઠેલા ભિખારીનાં હાથમાં આપ્યા. એ તો રાજીનો રેડ થઇ ગયો. વિશાખા ફરી મંદિરમાં આવી.. ઠાકુરજીની મૂર્તિ સમક્ષ બે હાથ જોડી બેસી ગઇ. આંખમાંથી ગંગા જમુના વહી રહ્યાં હતાં.. તેણે પ્રાર્થના કરી.. " હે શ્યામ...! હે ગોપાલ..! હે ગિરિધર...! તારા સિવાય આ રહસ્ય કોઈ જાણતું નથી કે મારો શ્યામ બીજો કોઈ નહીં પણ તું જ છે..! નાની હતી ત્યારે તેં મને દર્શન આપેલા.. તારું એ ભુવન મનોહર રૂપ આજે પણ મારી આંખો સમક્ષ જેમનું તેમ છે.. એ મેઘ શ્યામ વર્ણ, ત્રિભંગ કાયા, માથે મોરપીંછ, અધર પર વાંસળી, આ બધું સાક્ષાત નજર સમક્ષ જોયાને  દસ દસ વર્ષનાં વહાણા વહી ગયા મારા પ્રભુ.. મારા પ્રિયતમ..! તારી આ દાસી તારા દર્શનની પ્યાસી છે.. તારો વિરહ હવે મારાથી સહન નથી થતો. મને દર્શન દે મારા શ્યામ...! હું તારી છું.. મારો સ્વીકાર કર. મને અપનાવી લે.. તારા ચરણોમાં સ્થાન દે મારા નાથ...! રુકમણીજી તમારા પ્રેમમાં પડ્યા હતા ત્યારે તમને પ્રેમ પત્ર લખેલો અને એક પ્રેમ પત્રનાં આધારે જ તમે તેનું અપહરણ કરવા પહોંચી ગયેલા.. બધા રાજાઓનો સામનો પણ કરેલો. મારા શ્યામ..! મારો શો દોષ છે...? કાલે જ તને મારો પ્રેમ પત્ર અહીં આ મંદિરમાં જ મેં ધરાવેલો.. હજી દર્શનમાં કેટલો વિલંબ.. મારાં પ્રાણ આકુળ વ્યાકુળ થઇ રહ્યાં છે.. હૃદય નિચોવાઈ જાય એવી પીડા થઈ રહી છે.. મારો ક્યારે સ્વીકાર કરશો મારા નાથ..! આટલું બોલતાં વિશાખા ચોધાર આંસુએ રડી પડી. અચાનક તેનો હાથ બાજુમાં પડેલા સિતાર પર ગયો.. તેમાંથી સૂર રેલાઈ રહ્યાં અને વિશાખાનાં કંઠમાંથી એક ભજન સરી પડ્યું.. "મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ના કોઈ...જા કે સિર મોર-મુકુટ મેરો પતિ સો હી..." આ ગાતી વખતે તેના ચહેરા પર એક અનેરો પ્રકાશ છવાઈ ગયો.. અને તેણે પહેરેલા કેસરી ડ્રેસમાં ભગવાનો આભાસ થઈ રહ્યો..

ડો. આરતી રૂપાણી