એક ઝટકા સાથે બસ ઉભી રહી. બે ની સીટમાં બારી પાસે બેઠેલી રૂપલીનું ધ્યાન ચડી રહેલા નવા પેસેન્જરો તરફ ગયું. માથે પાઘડી ને લાકડીને ટેકે ચાલતા દાદા, એની પાછળ ઇન્સર્ટ વગરનાં સ્કુલ યુનીફોર્મ વાળો છોકરો, અને સૌથી છેલ્લે, ઝાલરવાળો ચણિયો, માથે વિખરાયેલા વાળને ઢાંકી દેતા ભૂરા સાડલા વાળી આધેડ ઉમરની બાઈ. ચકળ-વકળ ફરતી આંખોથી ચાંદલા વગરનો ચાહેરોએ આકર્ષક લાગતો હતો. ખાલી જગ્યા ગોતવા એણે આખીયે બસમાં ને સાથે એના પેસેન્જરો પરેય એક નજર ફેરવી. સીટની ઉપરના હેન્ડલને પકડીને એણે ચાલવાનું શરુ કર્યું ને ડ્રાઈવરે બસ મારી મૂકી. રૂપલી એને પોતાની સામેની સીટ પર બેસતા જોઈ રહી.
“આંખું ફાડી ફાડીને સું જોયા કરસ?” બાજુમાં બેસેલા રૂપલીના વરે ઠોસો માર્યો. ને એકી ટસે તાકી રહેલી રૂપલીનું ધ્યાન ભંગ થતા ટેવ મુજબ એના હાથે માથેથી ઓઢણું ખેચ્યું ને ઘૂમટો તાણ્યો.
“ટીકીટ... ટીકીટમાં બાકી...” કંડકટરનો અવાજ પણ બસની ઘરેરાટી સાથે ગુંજી ઉઠ્યો. કોણ જાણે કેમ પણ રૂપાલીનું ધ્યાન ફરી ફરીને સામેની સીટ પર બેઠેલી પેલી ભૂરા સાડલા વાળી બાઈ પર જતું. ને એના પારદર્શક ઘૂમટા માંથીએ એણે સામેની સીટ તરફ જોઈ લીધું. બાજુમાં બેઠેલા એના વરનું શરીર એને જોવામાં આડું આવ્યું. પણ રૂપલી નમીને પીઠ પાછળથી, પેલી પોલકાના ખિસ્સામાંથી પૈસા કાઢીને કંડકટર પાસેથી ટીકીટ લેતી, બાજુમાં બેઠેલા છોકરા સાથે વાતો કરતી બાઈ તરફ વિસ્મયથી જોઈ લેતી.
બસ આગળ વધી, ને સાથે સાથે ભીડ પણ, ભરચક બસમાં રૂપલીનું ધ્યાન સીટ પકડીને ઉભેલા નાનકડા છોકરાં પર ગયું. “કઉં સું, આ નાનકાને પડખે બેહારી લો ને!” “ઊહું, સાનીમુની બેઠી રે ને...” રૂપલીના વરે વડકું ભર્યું. રૂપલી ને પેલો નાનકો, બેય એકબીજા તરફ દયામણા મોઢે જોઈ રહ્યા. “આયા આવતો રે” સામેની સીટ પરથી અવાજ આવ્યો ને રૂપલીની નજર પહોચે એ પેલ્લા છોકરો પેલી ભૂરા સાડલા વાળી બાઈની સીટ પાસે પહોંચી ગયો.
“બસ દસ મિનીટ ઉભી રેસે” કંડકટરની સુચના પહેલા તો બસની ઘરેરાટી શાંત થઇ ગઈ. પેસેન્જરો પગ છુટો કરવા ઉતરવા લાગ્યા. રૂપલી બેસી રહી. બારીનો આડો સળિયો પકડી, બહાર આંટા મારતા, દુકાન પાસે ટોળે વળેલા પેસેન્જરોને જોતી રહી. બસની બહાર બારી પાસે ઉભો રહી રૂપલીનો વર બીડી ફૂંકવા લાગ્યો. રૂપલીથી રહેવાયું નહિ.
“કઉંસું, એકાદ પડીકું લઇ આલો ને!!”
“હમણાં પુગી જાસું. આટલી વારમાં પડીકા સું લેવાના હોય? નાની કીકલી સો તે પડીકા ખાવા સે!”
ને રૂપલીએ મોઢું ફેરવી લીધું. બસનો હોર્ન વાગ્યો ને પેસેન્જરો ચડવા લાગ્યા. પેસેન્જરોના કોલાહલ ની સાથે નાસ્તાના પડીકાઓ ને પ્લાસ્ટીકના કાગળિયાંના અવાજથી બસ ગુંજી ઉઠી. રૂપલીનું ધ્યાન બસના બારણાં બાજુ ગયું, હાથમાં ચમકીલા નાસ્તાના પડીકા સાથે ચડતી પેલી બાઈને એ લાલચથી જોઈ રહી. એની સીટ પર સાડલો સંકોરીને બેસતી રૂપલી એને જોઈ રહી. એટલામાં એનો વર આવી ને બેઠો ને દેખાતું બંધ થયું.
બસ ઉપડી, ને રૂપલીએ એક હાથે સળિયો પકડી બારી બહાર જોયા કર્યું. ઉડતી ધૂળ, વહેતા ઝાડવા ને બધુય જોયા કર્યું. આંખો બંધ રાખીનેય એણે જોયા કર્યું. “ટન...ટન...” ઘંટડીના અવાજથી એની આંખ ખુલી ગઈ. બસ ધીમી પડી. એણે સાડલો સરખો કર્યો. વાળ પર હાથ ફેરવ્યો ને માથેથી ઘૂમટો ખેચ્યો. એના વરે ઉપરથી સામાન ઉતાર્યોને આગળ બસના દરવાજા પાસે જઈ ઉભો રહ્યો. રૂપલી બારીના આડા સળિયા વચ્ચેથી જોઈ રહી. ‘ગામની નીસાળ દેખાણી, હવે ઉતરવાનો વડલો આવસે...’ શાળાની દીવાલ પરના ચિત્રો જોતી રહી. સમજતી રહી. ‘વૃક્ષ બચાવો, પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છતા રાખો, બાળવિવાહ અટકાવો, વિધવા વિવાહ...’ બસ છેલ્લા ચિત્રનો સંદેશો ગળે ન ઉતર્યો. બ્રેક લાગી. એક ઝટકા સાથે બસ ઉભી રહી ને રૂપલી એના વરની પાછળ ઢસડાતી બસના પગથીયા ઉતરી ગઈ.
બસ ચાલી. ખાલી સીટ તરફ કમળાએ નજર કરી. ને ક્યાંય સુધી એ ખાલી સીટને જોઈ રહી. પેલી સતારા વાળો લાલ સાડલો પહેરેલી બાઈ એને હજી દેખાઈ રહી. એના હાથની બંગડીઓનો અવાજ સંભળાતો રહ્યો. જોડાયેલી સીટની જેમ અડોઅડ બેઠેલા બેય માણસોનો આભાસ એને ક્યાંય સુધી ખાલી સીટોમાં થતો રહ્યો. ને મોઢું ફેરવી એણે પરાણે એનો ભૂરો સાડલો સંકોર્યો.