ભેદી ટાપુ
ખંડ ત્રીજો
(11)
પત્તો ન લાગ્યો
સ્પિલેટે ખોખું ઉઘાડ્યું. તેમાં લગભગ બસ્સો ગ્રેઈન જેટલો સફેદ પાઉડર હતો. ખાતરી કરવા તેણે એ ધોળી ભૂકીમાંથી ચપટી ભરીને જીભ પર મૂકી જોઈ. અતિશય કડવાશથી સ્પિલેટને હવે કોઈ શંકા ન રહી. એ સલ્ફેટ ઓપ ક્વિનાઈન જ હતી!
હજી સમય હતો. આ ઝેરી તાવનો ત્રીજો હુમલો હજી શરૂ થયો ન હતો. બધા ઝંખતા હતા કે ત્રીજો હુમલો ન આવે તો સારું! વળી બધામાં નવી આશાનો સંચાર થયો હતો. રહસ્યમય માનવી ફરી મદદે આવ્યો હતો; અને એ પણ એવે કટોકટીને સમયે કે જ્યારે બધા હતાશ થઈને બેસી ગયા હતા.
થોડા કલાકમાં હર્બર્ટ શાંત થઈ ગયો. હવે બધા આ ભેદી ઘટના વિશે ચર્ચા કરી શકે તેમ હતા. એ ભેદી માનવીની મદદ આ વખતે વધારે ખુલ્લી મળી હતી. એ ગ્રેનાઈટ હાઉસમાં કેવી રીતે પ્રવેશ્યો હશે, એનો ખુલાસો થઈ શકે એમ ન હતો. દિવસ દરમિયાન દર ત્રણ કલાકે હર્બર્ટને આ દવા આવપામાં આવી હતી.
બીજે દિવસે હર્બર્ટની તબિયતમાં થોડો સુધારો થયો. જો કે તે હજી ભયમુક્ત ન હતો. કારણ કે આ પ્રકારના તાવ વારંવાર ઊથલો મારે છે. અત્યારે તો એની અકસીર દવા હાથમાં હતી. એ દવા ઘણે દૂરથી લાવવામાં આવી હશે. એમાં કોઈ શંકા ન હતી. બધાને ટાઢક વળી હતી.
દસ દિવસ પછી, 20મી ડિસેમ્બરે, હર્બર્ટના વળતા પાણી થયાં. જો કે હજી નબળાઈ લાગતી હતી. ખોરાકમાં પણ કડક પરેજી હતી. પણ હવે તાવ સાવ ઊતરી ગયો હતો. છોકરો બધી દવા વિના વિરોધે પી જતો હતો. એ સાજો થઈ જવા ઝંખતો હતો.
ખલાસીને હર્બર્ટ યમરાજના મુખમાંથી પાછો ફર્યો હોય એટલો આનંદ થતો હતો. તાવનો ત્રીજો હુમલો આવવાનો સમય પસાર થઈ ગયો. સદ્દભાગ્યે ત્રીજો હુમલો આવ્યો નહીં. ખલાસીએ સ્પિલેટને ભેટીને તેને ગૂંગળાવી નાખ્યો. હવેથી તે તેને ડોક્ટર સ્પિલેટ કહીને બોલાવવાનો હતો.
સાચા ડોક્ટરને હજી સુધી શોધી શકાયો ન હતો! આ રહસ્યમય માનવી ખલાસીના હાથમાં આવે તો તો એ જરૂર એને પ્રેમથી ગૂંગળાવી નાખે.
ડિસેમ્બર મહિનાનો અંત આવ્યો; અને તે સાથે 1867ની સાલ પૂરી થઈ. છેલ્લા મહિનામાં લીંકન ટાપુઓના રહેવાસીઓની આકરી કસોટી થઈ હતી. 1868ની સાલનો પ્રારંભ સુંદર હવામાન સાથે થયો હતો. હર્બર્ટની તબિયત રોજ રોજ સુધરતી હતી. તેનો ખાટલો ગ્રેનાઈટ હાઉસની એક બારી પાસે રાખ્યો હતો. ત્યાંથી તે તાજી હવા શ્વાસમાં લેતો હતો. તેની ભૂખ ઊઘડી હતી. નેબ તેને પચી શકે એવી વાનગીઓ બનાવીને ખવડાવતો હતો.
આ સમય દરમિયાન ચાંચિયાઓ એક વખત પણ ગ્રેનાઈટ હાઉસની આજુબાજુ ફરક્યાં ન હતા. આયર્ટનના કંઈ ખબર ન હતા. જો કે ઈજનેર અને હર્બર્ટ તે પાછો આવશે એવી આશા રાખતા હતા. જ્યારે બાકીના તે મરી પરવાર્યો છે એમ માનતા હતા.
આ અનિશ્વિતતાનું નિવારણ ટૂંક સમયમાં થઈ શકે તેમ હતું. હર્બર્ટ સાજો થાય કે તરત જ ચારે બાજુ શોધખોળ માટે નીકળી પડવાનું હતું. કદાચ તેઓને હજી એકાદ મહિનો રાહ જોવી પડે. હર્બર્ટની તબિયતમાં સારા પ્રમાણમાં સુધારો ચાલુ રહ્યો હતો. કાળજામાં થયેલો ભરાવો અદશ્ય થતો હતો અને તેના ઘા પૂરેપરા રુઝાઈ ગયા હતા.
જાન્યુઆરી મહિનામાં સરોવરના ઉચ્ચપ્રદેશમાં થોડું ઘણું કામ કર્યું. પણ નાશ પામેલાં મકાનો હમણાં ફરી ચણવાનો કોઈ અર્થ ન હતો. જ્યાં સુધી ચાંચિયાઓનું નિકંદન ન નીકળે ત્યાં સુધી એ કામગીરી મુલતવી રાખી હતી. કદાચ ફરી ચણતરકામ કરે ને ચાંચિયા તેને તોડી નાખે તો બધી મહેનત વ્યર્થ જાય.
હર્બર્ટ હરવાફરવા લાગ્યો હતો. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં એક કલાક, બીજા અઠવાડિયામાં બે કલાક એમ એ ધીરે ધીરે હરતો ફરતો હતો. તેની તાકાત પાછી આવવા લાગી હતી. તેની ઉંમર અઢાર વર્ષની થઈ હતી. તે એક ઊંચો, ઉમદા અને પ્રભાવશાળી આદમી બન્યો હતો. હવે તેની તબિયત કૂદકે ને ભૂસકે સુધરતી હતી. જાન્યુઆરીના અંત ભાગમાં હર્બર્ટ દરિયા કિનારે અને સરોવરના ઉચ્ચપ્રદેશમાં હરીફરી શકતો હતો; અને ખલાસી સાથે દરિયામાં નહાવા પણ પડતો હતો.
15મી ફેબ્રુઆરીએ શોધખોળ માટે નીકળી પડવું એવું નક્કી થયું. તેમણે એવો સંકલ્પ કર્યો હતો કે તેમના બંને ઉદ્દેશ સફળ ન થાય ત્યાં સુધી ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફરવું નથી. એક તો ચાંચિયાઓનું નિકંદન કાઢી નાખવું અને આયર્ટન જો જીવતો હોય તો તેને બચાવવો. અને બીજુ, રહસ્યમય માનવીની શોધ કરવી.
લીંકન ટાપુનો પૂર્વ કિનારો તો તેઓ આખેઆખો જોઈ વળ્યા હતા. બંને ભૂશિરો ભેજવાળો દરિયાકિનારો, સરોવર, મર્સી નદીનો કિનારો, રાતી નદી અને ફ્રેન્કલીન પર્વત -- એટલો ભાગ તેઓ જોઈ વળ્યા હતો. પણ એની તપાસ પદ્ધતિસર થઈ ન હતી. વળી, સંર્પદ્વીપકલ્પનું ગાઢ જંગલ જોવું બાકી હતી. એ જંગલમાંથી આગળ જઈને પશ્વિમ કિનારોથી ધોધવાળી નદીને માર્ગે પાછા પશુશાળાએ આવવું એવી ગોઠવણ હાર્ડિંગે કરી હતી.
એ સાથે ફ્રેન્કલીન પર્વતની પાછળનો લગભગ 3/4 ભાગ તપાસવો બાકી હતો. તે પણ જોઈ લેવાની યોજના હતી. આ ભાગમાં છૂપી રીતે રહી શકાય એવાં સ્થળો હશે એમાં શંકા નથી. પરિણામે ટાપુના અનેક માઈલોમાં પથરાયેલા વિસ્તારને તપાસવાનું હજી બાકી રહી ગયું હતું. આથી પશ્વિમના ભાગમાંથી પ્રવાસ શરૂ કરવો એમ નક્કી થયું.
બીજી યોજના એવી વિચારવામાં આવી કે અહીંથી સીધા જ પશુશાળામાં જવાય તો એક ફાયદો થાય એમ હતો; કદાચ ચાંચિયાઓએ ત્યાં ધામા નાખ્યા હોય. પણ એ સંજોગોમાં તેમણે જેટલું નુકસાન કરવું હોય એટલું તો કરી જ નાખ્યું હોય તો ગમે ત્યારે જઈને તેમને હાંકી કાઢી શકાય.
આથી કેટલીક ચર્ચા પછી પહેલી યોજનાને વળગી રહેવાનું નક્કી કર્યું. એ સ્થળે ગ્રેનાઈટ હાઉસથી લગભગ સત્તર માઈલ જેટલું દૂર હતું.
ગાડું તૈયાર કર્યું. ખાવાપીવાની સામગ્રી, પડાવ નાખવાનાં સાધનો, પ્રાયમસ, વાસણો વગેરે બધું ગાડામાં ભરી દીધું. તે ઉપરાંત હથિયારો અને દારૂગોળો પણ ગાડામાં મૂ્ક્યો. કોઈએ છૂટા ન પડવું એવો નિર્ણય કર્યો. વળી કોઈએ ગ્રેનાઈટ હાઉસમાં રહેવું નહીં એમ હાર્ડિંગે જાહેર કર્યું. ટોપ અને ડપ પણ આ વખતે સાથે આવવાના હતા. ગ્રેનાઈટ હાઉસમાં કોઈ પ્રવેશી જાય એવો ભય ન હતો.
14મી ફેબ્રુઆરીએ રવિવાર હતો. તે આખો દિવસ બધાએ આરામ લીધો, સોએ મોટાભાગનો સમય પ્રાર્થનામાં ગાળ્યો. હર્બર્ટે ગાડામાં બેસવું એમ નક્કી થયું.
બીજે દિવસે, 15મી ફેબ્રુઆરીની સવારે હાર્ડિંગે ગ્રેનાઈટ હાઉસની સીડીને ઉતારી લીધી અને ગુફા પાસે રેતીમાં દાટી દીધી. પાછા ફરીને એ સીડીનો ઉપયોગ થઈ શકે; કારણ કે લિફ્ટના યંત્રોને જુદા પાડીને કટકેકટકા કરી નાખ્યા હતા. ખલાસી ગ્રેનાઈટ હાઉસમાં છેલ્લો રહ્યો. ત્યાંથી તે એક બેવડા દોરડાની મદદથી નીચે ઊતરી ગયો. આ રીતે ગ્રેનાઈટ હાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થા થઈ ગઈ.
હવામાન સુંદર હતું.
“આગળ વધો!” ઈજનેર આદેશ આપ્યો.
હર્બર્ટ ગાડામાં બેઠો, નેબ ધૂંસરી ઉપર બેઠો. હાર્ડિંગ, સ્પિલેટ અને ખલાસી આગળ ચાલ્યા. ટોપ સોની આગળ હતો. જપ હર્બર્ટ સાથે ગાડામાં બેઠો. બધા નીકળી પડ્યા. મર્સી નદીના વળાંક પાસે ગાડું આવ્યું. પુલને પસાર કરી દીધો. હવે તેઓ પશ્વિમના જંગલમાં પ્રવેશ્યા.
શરૂઆત બે માઈલ સુધી ગાડાને ચાલવામાં મુશ્કેલી ન પડી. પછી વચ્ચે આવતાં ઝાડ અને ઝાંખરાં કુહાડીથી કાપીને રસ્તો કરવો પડ્યો. જે જંગલમાં દેવદાર, ડગલાસ, ફર વગેરે વૃક્ષોનો ગાઢ છાંયો સૂર્યના તડકાને અંદર પ્રવેશવા દે તેમ ન હતો. રસ્તામાં ટેટ્રા, જેકેમાર, પોપટ, લોરી, વગેરે પક્ષીઓ અને કાગારું, ભૂંડ, વગેરે પ્રાણીઓ આમથી તેમ નાસભાગ કરતાં હતાં.
આ પ્રાણીઓ માણસથી બીને ભાગતાં હતાં એ ઉપરથી હાર્ડિંગને લાગ્યું કે આ બાજુ ચાંચિયાઓ આવી ગયા હોવા જોઈએ. વળી, ચાંચિયાઓના આગમનની નિશાનીઓ ઠેરઠેર દેખાતી હતી. ક્યાંક ઝાડની કાપેલી ડાળીઓ, ક્યાંક તાપણાની રાખ અને ક્યાંક ધૂળમાં પડેલાં પગલાંઓ દર્શાવતાં હતાં કે તાજેતરમાં જ અહીંથી ચાંચિયાઓ પસાર થયા છે. પણ ક્યાંય ચાંચિયાઓનો પડાવ દેખાયો નહીં.
ઈજનેરે પોતાના સાથીઓને શિકાર કરવાની મનાઈ કરી હતી. બંદૂકના ધડાકાથી ચાંચિયાઓ ચેતી જાય. ગ્રેનાઈટ હાઉસથી તેઓ છ માઈલ દૂર પહોંચ્યા ત્યારે લગભગ રોંઢો થવા આવ્યો હતો. હવે જંગલમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ પડતું હતું. વચ્ચે આવેલા ઝાડ કાપવા પડતાં હતાં. આવે સ્થળે હાર્ડિંગ ખૂબ સાવચેત રહેતો હતો. ટોપ અને જપને આગળ મોકલીને સલામતીની ખાતરી કરી લતો હતો.
પહેલા દિવસની સાંજે ગ્રેનાઈટ હાઉસની નવ માઈલ દૂર પડાવ નાખ્યો. પાસે એક નાનકડું ઝરણું મર્સી નદી તરફ વહેતું હતું. આ ઝરણું તેમણે પહેલીવાર જ જોયું.
અહીં સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવ્યુ. ભૂખ કકડીને લાગી હતી. બધાએ જમી લીધું. તાપણું ન સળગાવવાનું એમ નક્કી થયું; કારણ કે, ચાંચિયાઓને એથી બધાની હાજરીની જાણ થઈ જાય. એને બદલે બે માણસની એક ટુકડી બે કલાક ચોકી ભરે. એમ બબ્બે જણાએ બબ્બે કલાકના વારા ગોઠવ્યા. પહેલી ટુકડીમાં પેનક્રોફ્ટ અને સ્પિલેટ હતા. બીજી ટુકડીમાં ઈજનેર અને નેબ હતા. હર્બર્ટને ચોકી ભરવાની ફરજમાંથી મુક્ત રાખવામાં આવ્યો હતો.
રાત્રે જેગુઆર અને વાંદરાના અવાજ સંભળાતા હતા. રાત કોઈપણ જાતની ઘટના વિના પસાર થઈ. 16મી ફેબ્રુઆરીના રોજ સવારે બધા આગળ ચાલ્યા. હવેની મુસાફરી મુશ્કેલ ન હતી, પણ કંટાળાજનક હતી. આખા દિવમાં તેઓ છ માઈલનું અંતર કાપી શક્યા. દરેક વખતે રસ્તો બનાવવા કુહાડીથી ઝાડ કાપવાં પડતાં હતા, મોટાં વૃક્ષો કાપવાને બદલે નાના વૃક્ષો કાપવાનું તેઓ પસંદ કરતા હતા. એને લીધે રસ્તો વળાંક લઈને પસાર કરવો પડતો હતો. આથી બિનજરૂરી અંતર વધી જતું હતું.
દિવસ દરમિયાન હર્બર્ટે કેટલીક નવી વનસ્પતિ શોધી કાઢી, અહીં લેબેનોનના સેદાર જેવા બસ્સો ફૂટ ઊંચાં વૃક્ષ જોવા મળ્યાં. વળી, પાંચ ફૂટ ઊંચાઈનું એમુ નામનું પક્ષીઓનું જોડું નજરે પડ્યું. અહીં પણ ચાંચિયાઓની કેટલીક નિશાની નજરે પડી. એના પગલાંનાં નિશાન થોડા સમય પહેલાં ઠારેલો અગ્નિ આ બધાનું હાર્ડિંગે નિરીક્ષણ કર્યું. પાંચ જણાનાં પગલાં સહેલાઈથી ઓળખી શકાતા હતા; પણ છઠ્ઠા માણસનાં પગલાં દેખાતાં ન હતા. એનો અર્થ એ થયો કે આયર્ટન એમની સાથે ન હતો.
પેનક્રોફ્ટ ગુસ્સે થઈને કહ્યું.
“કપ્તાન, તમને ખબર છે? મારી બંદૂકમાં ભરેલી ગોળી કઈ છે?”
“ના, પેનક્રોફ્ટ!”
“એ ગોળી હાર્બર્ટની છાતીમાંથી સોંસરવી નીકળી ગઈ, એ છે!”
ખલાસી વેર લેવા ગમે તેટલી ઝંખના રાખતો હોય પણ એથી આયર્ટનની જિંદગી પાછી મળી શકે તેમ ન હતી. આયર્ટનને ફરી જોવાની આશા બધાએ ત્યજી દીધી. એ સાંજે તેઓએ ગ્રેનાઈટ હાઉસથી પંદર માઈલ દૂર પડાવ નાખ્યો. અહીંથી સર્પદ્વીપકલ્પનો છેડો માત્ર પાંચ માઈલ દૂર હતો.
બીજે દિવસે તેઓ દ્વીપકલ્પને છેડે પહોંચ્યા. આખું જંગલ ખૂંદી વળ્યા; પણ ચાંચિયાઓનું નિવાસસ્થાન કે રહસ્યમય માનવીએ બેમાંથી એકેયનો પત્તો ન લાગ્યો.
***