Dushman - 1 in Gujarati Fiction Stories by solly fitter books and stories PDF | દુશ્મન - 1

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દુશ્મન - 1



~દુશ્મન 
પ્રકરણ - 1

        પપ્પા હંમેશા મને એક દુશ્મન જેવા લાગ્યા છે, હવે આટલી નાની ઉંમરે હું તમને દુશ્મનની વ્યાખ્યા તો નહી સમજાવી શકું, અરે, મારો પરિચય તમને આપવાનો તો ભૂલી જ ગયો. મારૂ નામ આશિષ, પ્યારથી બધા મને આશુ કહે છે,પરંતુ એ પ્યાર હવે ફકત નામ પૂરતો જ રહી ગયો છે! ગયા મહિને જ મારી બર્થ ડે ગઈ 16 તારીખે, છેલ્લા થોડા સમયમાં મારો બર્થ ડે જ એક ખુશીનો પ્રસંગ હતો મારા માટે, બાકી પપ્પાએ કંઈ બાકી જ ક્યાં રાખ્યુ છે? તમને પણ આશ્ચર્ય થતુ હશે કે આ બાળક કેવી ગાંડીઘેલી વાતો કરી રહ્યો છે!? અરે.. મારી સાથે હમણા જે કંઈ થઈ રહ્યુ છે, એ અનુભવી મને પોતાનેય આશ્ચર્ય થાય છે! 

      ખૂલીને સમજાવું? ગયા મહિને હું પાંચ વર્ષનો થયો, અત્યાર સુધી બધુ બરાબર ચાલતુ હતુ, મમ્મી મને ખૂબ જ પ્યાર કરતી હતી, જે જોઈએ તે લાવી આપતી, બોબડું બોલતો તો પણ બધું સમજી જતી, પપ્પાને તો ટાઈમ જ ક્યાં હતો, ઓફિસ થી આવી બાથમાં ભરી એક બચી કરે, બસ એ એમનો પ્યાર! મને એક અને મમ્મીને બે! તમે પણ કહેશો, કેવો ઘોર અન્યાય! નહીં?

      પપ્પા ઘરે આવે એટલે મમ્મી મને ભૂલી જતી, મને ખોટું તો લાગે જ ને! હવે મને સમજાયું, મમ્મીને એક બચી વધુ આપીને એ મારાથી છીનવી લેવા માંગતા હતા. આ એમનો પ્રિપ્લાન હતો, પરંતુ હું રહ્યો પાંચ વર્ષનો બાળક, નાના અમથા મગજમાં કેટલુ આવે? પરંતુ ના, હવે હું સમજી ગયો છું, પપ્પા– મમ્મી ભલે મને નાનું બચ્ચુ સમજે, પણ હું ચૂપ બેસી રહુ તેવો નથી, મેં પણ તોફાન વધારી દીધા! તોફાની તો હું  છું જ, મમ્મી જેવો! એ પણ વાતે વાતે પપ્પાને ચૂંટી ખણે છે, પરંતુ પપ્પા મમ્મીને એક શબ્દ પણ ન કહે, તે દિવસે પપ્પાને એક ચૂંટી મેં શું ખણી, મને તો દુશ્મનની જેમ ધીબેડી જ નાંખ્યો. 

       હમણા થોડા દિવસથી મમ્મીએ મને પ્યાર કરવાનું જ બંધ કરી દીધુ હતુ, પપ્પા ઓફિસથી આવ્યા, બેગ મમ્મીનાં હાથમાં આપી, મમ્મીએ એમનાં કાનમાં કંઈ કહ્યુ, પપ્પાએ અચાનક ખુશ થઈને મમ્મીને પાંચ બચી કરી, મને એક પણ ન મળી, તે દિવસથી મારા ગ્રહ પલટાઈ ગયા, મારી સૂવાની જગ્યા પણ બદલાઈ ગઈ, હમણા સુધી રાત્રે પપ્પા કે મમ્મી બંનેને વારાફરતી વળગીને સૂતો હતો, તે પણ છીનવાઈ ગયું!

        મને બીજા રૂમમાં નાંખી દીધો, મમ્મી મારી પાસે જ સૂવા આવી, સવારે ઉઠયો ત્યારે મમ્મી જૂના રૂમમાં સૂતી હતી, મતલબ મમ્મીએ મને ઉલ્લુ બનાવ્યો હતો, મારા સુવા પછી એ જૂના બેડરૂમમાં ચાલી ગઈ હતી, અને હું આખી રાત તકીયાને વળગી સુતો રહ્યો, મમ્મીનાં ભ્રમમાં! મને જબરદસ્ત ગુસ્સો આવ્યો, મેં પણ નાટક ચાલુ કર્યાં, સ્કૂલ – ટયુશન ન જવા માટે બહાના બનાવવા માંડ્યો, તે દિવસથી મમ્મી પણ મને ખિજાવા લાગી, પપ્પા સાથે રહીને એ પણ બગડી ગઈ છે! હવે પપ્પા અને મમ્મી સિવાય મારૂ બીજું તો કોઈ છે નહીં, હા નાના-નાની છે, વેકેશનમાં જઈશ ત્યારે આ બંનેની ફરિયાદ કરીશ, તમે પણ સાથ આપજો હોં!

      ઘરમાં જમવાનું પહેલા જેવું જ બનતું હતું છતા મમ્મી ખબર નહિ એકલી એકલી શું ખાતી હતી કે એ દિવસે દિવસે  જાડી થવા લાગી! અને હું પતલો થવા લાગ્યો. મારા રૂમનિકાલને ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો હતો, હવે મમ્મીને વળગીને સુવું મારા માટે એક સ્વપ્ન સમાન થઈ ગયુ હતુ, પપ્પાની તો વાત જ ન પૂછો તમે,  મમ્મી પણ મને વહાલ કરવાનું ભૂલી ગઈ હતી. કોઈ વાર હું યાદ અપાવવા જતો તો વોમિટ કરવાનું બહાનું બનાવી મને દૂર કરી દેતી, આ બધુ પપ્પાનું જ કારસ્તાન હતુ,એટલે જ હું એમને દુશ્મન માનવા લાગ્યો છું!

     થોડા દિવસથી કિટ્ટા ચાલે છે મમ્મી સાથે, ખરેખર મને મમ્મીનું દિવસે ને દિવસે મોટું થતું પેટ જોઈ નવાઈ લાગતી હતી, મને લાગ્યું  કે તરબૂચ જેવું પેટ પર કંઈ બાંધ્યું તો નથી ને? એનું ટી-શર્ટ  ઉંચું કરી જોવા ગયો, બસ એટલો જ મારો વાંક! તમે જ કહો, આટલી નાની વાતમાં કોઈ તમાચો મારે? એણે મને તમાચો મારી દીધો..મેં પણ કિટ્ટા લઈ લીધા,ફરી બુચ્ચા કરવા પણ આવી, પણ આપણા કિટ્ટા એટલે એકદમ પાક્કા ! ઝટ માની જાઉં તો મારૂં નામ આશુ નહીં.

     પપ્પાએ પણ રાત્રે મને પટાવ્યો. કહે, “ આશુ બેટા, એવું નહીં કરવાનુ, ગુડબોય એવું નહીં કરે!” મેં પણ કહ્યું, “ મને લાગ્યું કે મમ્મી દરરોજ પેટ પર તરબૂચ બાંધે છે, એટલે હું જોવા ગયો, તો મમ્મીએ ધાડ દઈને તમાચો જ મારી દીધો, હું  મમ્મી સાથે નથી બોલવાનો બસ!  પપ્પા એટલા જોરથી હસ્યા, કે હું પણ રડતો રડતો હસવા માંડ્યો, કિચનનાં દરવાજા પાસેથી મમ્મી પણ હસતી હસતી મારી પાસે બેસી ગઈ, પણ ના, મારે કિટ્ટા હતા, એટલે હું દૂર હટ્યો, પરંતુ એણે મને નજીક ખેંચીને વહાલ કર્યું, મને બહુ સારૂં લાગ્યું, પણ મેં મારૂ નાટક ચાલુ રાખ્યું, પપ્પાએ મને ઉંચકી લીધો, અને કેટલા દિવસ પછી આજે એક બચી કરી, કોઈ ખાનગી વાત કહેતા હોય તેમ મારા કાન પાસે મોં લાવી બોલ્યા, “ બેટુ, મમ્મીનાં પેટને હાથ નહિ લગાવવાનું, તું હાથ લગાવે અને કંઈ વાગી જાય તો અંદર બહેનને વાગી જાય.”

    “અંદર બહેન કેવી રીતે આવે પપ્પા? એને કહોને કે બહાર આવી મારી સાથે રમે!” મને કંઈ સમજ પડી, 'મમ્મીનાં પેટમાં ભરાઈને બહેન શું કરતી હશે?'

     “ આવશે બેટા, થોડા દિવસમાં બહાર આવશે, અને તારી સાથે જ રમશે.. ઓકે.. હેપ્પી?” પપ્પાએ ફરી એક બચી કરી મને સોફા પર બેસાડ્યો, આજે કેટલા સમય પછી બંનેએ મને વહાલ કર્યું હતું, મને એમ લાગ્યું કે, મારા જૂના દિવસો પાછા આવી ગયા, પરંતુ ના, એ મારો ભ્રમ હતો, રાત્રે પપ્પા મને રૂમમાં સુવડાવવા આવ્યા, મેં સૂઈ જવાનું નાટક કર્યું તો, એ ઊઠીને ચાલ્યા ગયા બાજુના રૂમમાં, બહેનને બહાર કાઢી એની સાથે રમવા માટે! મને ઉઠીને જોવાનું મન થયું, પણ દરવાજો બંધ હશે, એમ માની સૂઈ ગયો, આજનો દિવસ એકંદરે સારો ગયો હતો, મમ્મીનાં એક તમાચાની સામે પપ્પાની બે બચી મળી હતી, પણ બેવકૂફ તો મને બંને જ બનાવતા હતાં!

       એ વાતને પંદરેક દિવસ થયા, આજે મને નાની પાસે મૂકી મમ્મી પપ્પા કશે ગયાં છે, નાનીને એ બંનેની બધી જ ફરિયાદ કરી, એ પણ હસ્યા, મને નવાઈ લાગી, બધા કેમ મારી ફરિયાદ પર હસતા હતાં! છોડો, કોઈને મારી વાત સમજમાં નથી આવતી, તમે તો સમજો છો ને? દિલ ભરીને રમ્યો, મોડી રાતે પપ્પા એકલા જ મને લેવા આવ્યા, કારમાં પપ્પાએ કહયુ, “આશુ, તારી ફ્રેન્ડ, તારી નાની બહેન ઘરે આવી ગઈ,” 

     “વાઉ, રિયલી? બહેન આવી ગઈ? કેવી રીતે આવી? કેટલી મોટી છે? જાડી છે કે પાતળી?” ખબર નહીં પણ એક્સાઈટમેન્ટને લીધે હું એટલા બધા સવાલ પૂછી બેઠો કે પપ્પા પણ કન્ફ્યુઝ થઈ ગયા. 

     “વેલ, એ આટલી છે. બીજી બધું ઘરે જઈને કહીશ, ઓકે?” પપ્પાએ બે વ્હેંત લાંબી બહેનનું ઈનવીઝીબલ પિક્ચર બતાવીને કારને સેલ માર્યો. મને ઘણી ખુશી થઈ કે હવે મારી સાથે કોઈ રમનારું તો મળ્યું.

     “પપ્પા, જલ્દી કાર ભગાડો, મારે એની સાથે રમવું છે,” મને અચાનક જ ઘણી બધી ઊતાવળ આવી ગઈ, પરંતુ પપ્પાએ મારા ઉત્સાહ પર તરત પાણી ફેરવી નાંખ્યું, “ આશુ, બહેન હજુ નાની છે, એ ત્રણ ચાર મહિના પછી તારી સાથે રમશે.” 

      “ઓહ માય ગોડ, હજી ત્રણ ચાર મહિના?” ‘આ ચાર મહિના જેવો સમય મેં એકલા રૂમમાં કેવી રીતે વિતાવ્યો છે, તે હું જ જાણું છું. અને પપ્પા તો હજી ત્રણ-ચાર મહિના વેઈટ કરવાનું કહે છે!’

     અમે ઘરે આવ્યા, મમ્મીને જૂના રૂમમાં ચાદર ઓઢી સૂતેલી જોઈ, બાજુમાં એક નાનુ બેબી દેખાયું. ઓહ, તો આ છે મારી નાની બહેન! એને મમ્મી પાસે સૂતેલી જોઈ હું આખેઆખો સળગી ઉઠ્યો, પહેલા પપ્પા એક જ દુશ્મન હતા, હવે એક વધુ નવા દુશ્મનની ઘરમાં એન્ટ્રી થઈ, આ દુશ્મન પપ્પા કરતા ડેન્જર છે, એ મને આવતાવેંત જ ખબર પડી ગઈ, કારણ કે એણે પપ્પાને પણ મમ્મીથી દૂર કરી દીધા, હવે પપ્પા ક્યાં સુએ, એ એમનો પ્રોબ્લેમ ! મેં પહેલો ચાન્સ લેવાનું નક્કી કર્યું, મેં જીદ પકડી, “મમ્મી, મારે અહીંયા જ સૂવું છે, તમારી બાજુમાં.” 
 
    મમ્મીએ પ્યારથી મને સમજાવ્યો, “બેટા, બહેનને વાગી જાય.” મને સમજ પડી ગઈ કે આ બધા ન સુવડાવવાનાં બહાના છે, હું ન માન્યો! છેવટે પપ્પાની લાલ આંખ જોઈ મારે હથિયાર હેઠા મૂકવા પડયા…!

     રિસાઈને ન ગમતા રૂમમાં આવી સૂઈ ગયો, આમ જ એકલા સૂવાનું મારા નસીબમાં હતું. પણ ના, કુદરતને કંઈ અલગ જ મંજૂર હતું! જૂના રૂમમાંથી નવી દુશ્મનનો વારેવારે રડવાનો અવાજ આવતો રહ્યો, એનાં ભેંકડાથી મને પણ ઊંઘ આવતી નહોતી, થોડી વારે મારા રૂમનો દરવાજો ખૂલ્યો, નાઈટ લેમ્પનાં પ્રકાશમાં પપ્પા તકીયો લઈ આવતા દેખાયા, મારી બાજુમાં મને બાથ ભરીને સૂઈ ગયા.  હાશ, આજે મને શાંતિ થઈ, દરરોજ અહીંયા આવીને પછી અડધી રાત્રે બાજુના રૂમમાં ચાલ્યા જતા હતા, આજે ત્યાંથી કંટાળીને અડધી રાત્રે મારી પાસે આવ્યા હતા. આ મારી મોટી જીત હતી!

  મને સમજાઈ ગયુ કે પપ્પાને પણ પેલી નવી દુશ્મન પસંદ નથી, એટલે જ તો એ મારી પાસે આવ્યા! મને તો આમ પણ એ ગમી જ ન હતી.  દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય, એટલે આજથી પપ્પા મારા પાક્કા દોસ્ત બન્યા. તમે ટેન્શન ન લો, હવે પપ્પા મારી સાથે છે, પેલી નવી દુશ્મનને તો અમે બંને ભેગા મળીને પહોંચી વળીશું!

~ ક્રમશઃ...