Vishvni 50 sarvshresth filmoni safar - 3 in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૩

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૩

સુસ્વાગતમ ! ફરી એક વાર આપ સૌનું હોલીવુડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફરે સ્વાગત છે. તમે જ્યારે આ અંક વાંચતા હશો ત્યારે કદાચ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોને આપવામાં આવતા ‛ઓસ્કર એવોર્ડસ’ની જાહેરાત થઇ ચુકી હશે. અખબારોમાં તેમની કદાચ ચર્ચાઓ પણ થતી હશે. આ ફિલ્મો કદાચ તમારા નજીકના થિયેટરોમાં ચાલતી પણ હશે. આ બધી ફિલ્મો ચોક્કસ જોવી. ઓસ્કરમાં નોમિનેટ થતી મોટાભાગની ફિલ્મોનું સ્તર સારું હોય છે. ઓસ્કર એવોર્ડસ કેટલીક ખામીઓ છતાં આજે પણ ફિલ્મો માટેના સર્વોચ્ચ એવોર્ડસ છે માટે તેમાં નોમિનેટ થયેલી ફિલ્મો અચૂક જોવી. મોટેભાગે તમને એ ફિલ્મો નિરાશ નહીં કરે.

ચાલો ત્યારે આપણી સફર આગળ વધારીએ.

(30.) અમેરિકન હિસ્ટ્રી એક્સ(American History X)(1998) :

"ધિક્કાર એક એવી લાગણી છે, જેનો વજન જીવનભર ઉપાડવો નિરર્થક છે. આખી જિંદગી કોઈને ધિક્કારવા માટે જીવન બહુ ટૂંકું છે."

ઉપરનું વાક્ય એ આ ફિલ્મનો હાર્દ છે. ફિલ્મ ધિક્કાર અને ક્ષમા જેવા બે અંતિમોની વાત કરે છે. ફિલ્મ બે ભાઈઓની વાત કરે છે. બન્ને "નાઝી" વિચારધારાના સમર્થકો છે. બન્ને રંગભેદમાં માને છે. મોટા ભાઈને જેલ થતા તેનું હૃદય પરિવર્તન થાય છે. નાના ભાઈને પોતાના ગુનાહિત રસ્તા પરથી પાછો વાળવા મોટો ભાઈ પ્રયત્ન કરે છે.

આ ફિલ્મમાં જાતિવાદી માનસિકતા ખુબ અસરકારક રીતે દર્શાવી છે. ફિલ્મમાં દરેક જાતિઓ પોતે જ શ્રેષ્ઠ છે અને બીજી જાતિના લોકો તેમના વિરોધી છે, તેમ માને છે. બધા જ કોઈને કોઈ જાતિવાદી સંગઠનોના સભ્યો બનીને બીજાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહે છે. ભારત દેશમાં પણ મોટેભાગે આવી જ પરિસ્થિતિ છે. જાતિવાદ અને રંગભેદમાં માનતા લોકોએ ખાસ જોવા જેવી ફિલ્મ.

કોઈ વ્યક્તિને તેના રંગ અને જાતિના કારણે ધિક્કારવાને કારણે કેવું વિષચક્ર પેદા થાય છે એ આ ફિલ્મમાં સારી રીતે દર્શાવ્યું છે. ફિલ્મ ટોની કાયે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું જમાપાસું તેની પટકથા અને નિર્દેશન છે. મોટાભાઈના રોલમાં એડવર્ડ નોર્ટને(ધ ઇટાલિયન જોબનો વિલન) સરસ અભિનય કર્યો છે. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટર માટેના ઓસ્કરનું નોમિનેશન પણ મળેલું. ફિલ્મ ઇન્ટરનેટ પર મળી રહેશે.

(29.) સેવિંગ પ્રાઇવેટ રાયન(Saving Private Ryan)(1998) :

આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ પર બનેલી એક યાદગાર વોર ફિલ્મ છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ વોર ફિલ્મોમાં તેનો સમાવેશ થાય છે. સ્ટીવન સ્પીલબર્ગે તે નિર્દેશિત કરી હતી. ફિલ્મ 1998ના વર્ષની સૌથી સફળ ફિલ્મ હતી. ફિલ્મને અગિયાર ઓસ્કર નોમિનેશન મળેલા, જેમાંથી બેસ્ટ ડાયરેક્ટર સહિત પાંચ એવોર્ડ આ ફિલ્મ જીતી ગઈ હતી.

ફિલ્મની કથા છે નોર્મન્ડીના કિનારે ઉતરેલી મિત્ર સેનાના સંઘર્ષની. ફિલ્મમાં એક અમેરિકન ટુકડીને જેક રાયન નામના સૈનિકને કોઈ પણ ભોગે બચાવવાનું કહેવામાં આવે છે, જે જર્મનો સામે કોઈ અજાણ્યા યુદ્ધ મોરચે લડી રહ્યો છે. આ સૈનિક મહત્વનો છે, કારણ કે તેના ત્રણ ભાઈઓ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય છે. તે પરિવારનો છેલ્લો બચેલો સૈનિક હોય છે. એ ટુકડી જર્મનો દ્વારા કબજે કરવામાં આવેલા વિસ્તારોમાં તે સૈનિકની તપાસ કરીને તેને કેવી રીતે બચાવે છે તે આ ફિલ્મમાં સરસ રીતે દર્શાવ્યું છે.

ફિલ્મની પહેલી સત્યાવીસ મિનિટની ગણતરી વિશ્વ સિનેમામાં ફિલ્માવવામાં આવેલા શ્રેષ્ઠ યુદ્ધ દ્રશ્યોમાં થાય છે. જેમાં પંદરસો એક્સ્ટ્રાઓએ ભાગ લીધો હતો. અમુક સાચી લશ્કરી ટુકડીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો. અચૂક જોવા જેવી ફિલ્મ. ફિલ્મ ટી.વી. અને ઇન્ટરનેટ પર મળી રહેશે.

(28.) સ્પિરિટેડ અવે(Spirited Away)(2001) :

સ્પિરિટેડ અવે મૂળ એક જાપાનીઝ એનિમેશન ફિલ્મ છે, જે અંગ્રેજીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ તે સમયે જાપાનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ફિલ્મને તે વર્ષનો બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ પણ મળેલો.

સ્પિરિટેડ અવે કથા છે એક દસ વર્ષની છોકરીની જે પોતાના માતા-પિતા સાથે એક અજાયબ દુનિયામાં ફસાઈ જાય છે. આ દુનિયામાં વિચિત્ર પ્રાણીઓ અને લોકો છે. આ કથા સાંભળીને કદાચ તમને "એલિસ ઈન વંડરલેંડ" યાદ આવી જશે. છોકરીને આ સફર દરમ્યાન મદદ કરનારાઓ અને દુશ્મનો મળતા રહે છે. આખી ફિલ્મમાં દરેક પાત્રો તમને એક સંદેશ આપે છે.

ફિલ્મના નિર્દેશક હાયકો મીરઝાકીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મો બનાવનારાઓમાં થાય છે. તેમણે આ ફિલ્મની પટકથા પણ લખી હતી. ફિલ્મની વાર્તાનો વિચાર તેમને એક વખત વેકેશન ગાળતી વખતે સાથે રહેલી બાળકીઓની વાતો પરથી આવ્યો હતો. ફિલ્મનું અંગ્રેજી ભાષામાં ડબિંગ ડિઝનીએ કર્યું છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મોમાં આ ફિલ્મની ગણતરી થાય છે.

"હું આશા રાખું છું કે એક દિવસ તારામાં તને કષ્ટ આપતી વસ્તુઓ(લાગણીઓ/લોકો)થી દૂર જવાની હિંમત આવે." - સ્પિરિટેડ અવેનો સંવાદ.

(27.) લિઓન- ધ પ્રોફેશનલ(Leon-The Professional)(1994) :

આ એક ફ્રેન્ચ-અમેરિકન ફિલ્મ છે. જે લુક બેંસને ડાયરેક્ટ કરેલી છે. તમેં જો બોબી દેઓલ અને રાની મુખર્જીની હિન્દી ફિલ્મ "બિચ્છુ" જોઈ હોય તો આ ફિલ્મની કથા તમને જણાવવાની જરૂર નથી. "બિચ્છુ" આ ફિલ્મની કોપી છે. કેટલાક દ્રશ્યો તો બેઠા ઉઠાવી લેવામાં આવ્યા છે.

ફિલ્મની કથા છે એક બાર વર્ષની છોકરીની જેના પરિવારને એક વગદાર ડ્રગ ડીલર મારી નાખે છે. છોકરીને એક પ્રોફેશનલ હત્યારો ટ્રેનિંગ આપીને તેનો બદલો લેવામાં મદદ કરે છે.

આ ફિલ્મના એક્શન દ્રશ્યો સરસ બન્યાં છે. ઓસ્કર વિનર એક્ટ્રેસ નેટલી પોર્ટમેનની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં તેની અને ફિલ્મના હીરો જીન રેનો વચ્ચેની કેમેસ્ટ્રી સરસ છે. ફિલ્મમાં વિલનની ભૂમિકામાં ભજવતા ગેરી ઓલ્ડમેને પણ સરસ અભિનય કર્યો છે. "બિચ્છુ" જોઈ હોય તો પણ એકવાર જોવા જેવી ફિલ્મ. આ ફિલ્મ યુ ટ્યૂબ પર મળી રહેશે.

(26.) ધ યુઝઅલ સસ્પેક્ટસ(The Usual Suspects)(1995) :

"શૈતાનની સૌથી મોટી યુક્તિ એ છે કે તે તમને વિશ્વાસ દેવડાવી શકે છે કે તેનું અસ્તિત્વ નથી."

ફિલ્મનો ઉપરનો સંવાદ આ ફિલ્મનું હાર્દ છે. બોલીવુડની ઘણી ફિલ્મો આ હોલીવુડની ફિલ્મ પરથી બની છે. ઇમરાન હાશમીની "ચોકલેટ" તેમાંની એક છે. આ ફિલ્મ એક સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર છે. એકથી વધારે વ્યક્તિઓ માંથી કોણે ગુન્હો કર્યો તે છેક છેલ્લા દ્રશ્ય સુધી ખબર નથી પડતી.

આ ફિલ્મ બ્રાયન સિંગરે નિર્દેશિત કરી છે. ફિલ્મની પટકથા એટલી જબરદસ્ત છે કે તેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ પટકથાઓમાં થાય છે. તે વર્ષનો શ્રેષ્ઠ પટકથાનો ઓસ્કર એવોર્ડ પણ આ ફિલ્મને મળેલો. આ ફિલ્મમાં ઘણા ધુરંધર અભિનેતાઓ છે પણ કેવિન સ્પેસી પોતાના અભિનયથી સૌનું હૃદય જીતી લે છે. આ ફિલ્મ માટે કેવિન સ્પેસીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળેલો. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર મળી રહેશે.

(25.) લાઈફ ઇઝ બ્યુટીફૂલ(Life is beautiful)(1997) :

જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો જોઈએ ? જીવન જયારે બધી બાજુથી તમને ભીંસમાં લે ત્યારે તમેં શું કરી શકો ? આ બધા જ પ્રશ્નોનો જવાબ એટલે આ ફિલ્મ. ફિલ્મ અંગ્રેજી અને ઇટાલિયન ભાષામાં બની હતી. ફિલ્મના હીરો રોબર્ટ બેનીગીનીએ આ ફિલ્મ નિર્દેશિત અને પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મમાં રોબર્ટ બેનીગીનીએ ઈટાલીના એક યહૂદી વેઇટરની ભૂમિકા ભજવી છે. જે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોતાના પરિવાર સાથે કોન્સન્ટ્રેશન કેમ્પમાં પહોંચી જાય છે. વેઈટર પોતે બધાના જીવનમાં હાસ્ય લાવવામાં માને છે. તે પોતે જોકરવેડા કરીને બધાને હસાવે છે. તેની જોકર જેવી હરકતો કોન્સન્ટ્રેશન કેમ્પના ભયાનક વાતાવરણમાં પણ ચાલુ રહે છે. તે પોતાના પાંચ વર્ષના દીકરાને બચાવવા અને હસાવવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ હાસ્યાસ્પદ હરકતો કરતો રહે છે.

આ ફિલ્મ સપનાઓના કાટમાળ વચ્ચે પણ હસતાં હસતાં કેવી રીતે જીવવું એ શીખવાડે છે. ફિલ્મ પ્રેરણાદાયી છે. રોબર્ટ બેનીગીનીને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળેલો. ફિલ્મને બેસ્ટ વિદેશી ફિલ્મનો ઓસ્કર એવોર્ડ પણ મળેલો. આ ફિલ્મ યુ ટ્યૂબ અને ઇન્ટરનેટ પર મળી રહેશે. જયારે રોબર્ટને બેસ્ટ એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળ્યો ત્યારે તેણે આપેલી સ્પીચ પણ સાંભળવા લાયક છે. એ પણ યુ ટ્યુબ પર મળી રહેશે.

"એવું શું છે કે જેનું નામ લેવાથી તે ગાયબ થઇ જાય છે?...મૌન." - આ ફિલ્મનો એક સંવાદ.

(24.) ઈટસ અ વન્ડરફુલ લાઈફ (It's a Wonderful Life)(1946) :

કેટલીક ફિલ્મોની ઉંમર નથી હોતી. તમેં ગમે તેટલીવાર જુઓ તે તમને નવી જ લાગે. આ ફિલ્મ પણ એવી જ છે. 1946માં જયારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે બોક્સ ઓફિસ પર સફળ નહોતી થઇ, પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ લોકોને આ ફિલ્મ ગમવા લાગી. અમેરિકામાં આ ફિલ્મનો દરજ્જો ક્રિસમસના વેકેશનમાં ફરજીયાત કુટુંબ સાથે જોવાતી ફિલ્મનો છે. આજે પણ લોકો આ ફિલ્મને એટલા જ રસથી જુએ છે.

ફિલ્મ વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોના મોટાભાગના લિસ્ટમાં સમાવેશ પામે છે. ફિલ્મ ફ્રાન્ક કાપરાએ બનાવી હતી. ફિલ્મ ઓસ્કરમાં પાંચ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. ફિલ્મની કથા છે એક આત્મહત્યા કરવા પહોંચેલા વ્યક્તિની, જેને બચાવવા માટે એક દેવદૂત તે આ પૃથ્વી પર જન્મ્યો ન હોત તો તેના પ્રિય વ્યક્તિઓનું જીવન કેવું હોત તે દેખાડે છે. આ ફિલ્મ પરથી પણ ઘણી બોલીવુડ ફિલ્મો બની છે. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર ફ્રી મળી રહેશે.

"દરેક વ્યક્તિનું જીવન બીજા ઘણા વ્યક્તિઓના જીવનને અસર કરે છે. તે જયારે નથી હોતી ત્યારે એક શૂન્યાવકાશનું સર્જન કરે છે."- આ ફિલ્મનો એક સંવાદ.

(23.) ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બસ.(The Silence of the Lambs)(1991) :

ડર એક એવી લાગણી છે જેને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અનુભવી હશે. ડર અને ગાંડપણ ઘણી વાર એકબીજાનાં પૂરક હોય છે. આ ફિલ્મ હોરર ફિલ્મ નથી, તેમ છતાં તમને ડરાવવા માટે સક્ષમ છે. આ ફિલ્મ પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્મોના કોઈ પણ લિસ્ટમાં સમાવેશ પામી શકે તેમ છે.

આ ફિલ્મે બે જબરદસ્ત પાત્રો વિશ્વ સિનેમાને આપ્યાં - ક્લેરિસ સ્ટાર્લિંગ અને ડોક્ટર હેનીબાલ લેકટર. જોડી ફોસ્ટર અને એન્થોની હોપકિન્સે આ પાત્રોને પોતાના અભિનયથી અમર બનાવી દીધા છે. ફિલ્મ એક સાયકોલોજીકલ ક્રાઇમ થ્રિલર છે. ફિલ્મ તેના પ્રેક્ષકોને હચમચાવી દેવા સક્ષમ છે. ફિલ્મ અપરાધીઓની નિર્મમ દુનિયામાં તમને લઈ જાય છે. ફિલ્મની કથા છે ક્લેરિસ સ્ટાર્લિંગની, જે એક એફ.બી.આઈ. ઓફિસર છે. તે એક સિરિયલ કિલર "બફેલો બિલ"ની શોધમાં છે. તેને મદદ બીજો એક સિરિયલ કિલર કરે છે, જેનું નામ ડોક્ટર હેનીબાલ લેકટર છે. ડોક્ટર પોતે માનવભક્ષી છે અને એફ.બી.આઈ.ની સૌથી સુરક્ષિત જેલમાં રાખવો પડે એટલો ખતરનાક વ્યક્તિ છે. ક્લેરિસ અને ડોક્ટર વચ્ચે ગજબની સમાનતા છે. બન્નેનું નાનપણ દુઃખોથી ભરેલું હોતું. ડોક્ટર ક્લેરિસને મદદ કરવા રાજી થાય છે અને શરૂ થાય છે એક ઉંદર બિલાડીની રમત.

ફિલ્મની સિનેમેટોગ્રાફી અદભુત છે. લાશના મોઢામાંથી કાઢવામાં આવતું પતંગિયું હોય કે ડોક્ટરની નીચે આવવાની રાહ જોતા એફ.બી.આઈ. અધિકારીઓ હોય, ફિલ્મના દ્રશ્યો અસરકારક રીતે ફિલ્માવાયા છે. આ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે જેવા તમામ મુખ્ય ઓસ્કર જીતી ગયેલી. આજે પણ જયારે આ ફિલ્મનું નામ સંભળાય ત્યારે જોડી ફોસ્ટરની આંખો અને એન્થની હોપકિન્સનું પિશાચી સ્મિત નજર સામે તરી આવે છે. ફિલ્મના રસિયાઓએ ફરજીયાત જોવા જેવી ફિલ્મ. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર મળી રહેશે.

(22.) સેવન(Se7en)(1995) :

એક જ શબ્દનું નામ ધરાવતી આ ફિલ્મ પણ એક સિરિયલ કિલરની કથા કહે છે. એક સિરિયલ કિલર જે બાઇબલમાં લખેલા સાત પાપો પરથી પ્રેરણા લઈને ખૂન કરે છે. બે પોલીસ ઓફિસર તેને પકડવા મથે છે. બ્રેડ પીટ અને મોર્ગન ફ્રીમેન પોલીસ અધિકારીઓની ભૂમિકામાં છે. એક પછી એક મૃતદેહો મળતા જાય છે અને રહસ્ય ઘેરું બનતું જાય છે. જો તમને મર્ડર મિસ્ટ્રી ગમતી હોય તો આ ફિલ્મ સર્વશ્રેષ્ઠ છે. ફિલ્મનો અંત અત્યંત આઘાતજનક છે. ફિલ્મનો અંત બદલવાની માંગણી પણ થઈ હતી.

ફિલ્મ ડેવિડ ફિન્ચરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં પોલીસ અધિકારી તરીકે મોર્ગન ફ્રિમેને સરસ અભિનય કર્યો છે. ફિલ્મમાં કેવિન સ્પેસીએ પણ એક યાદગાર રોલ કર્યો છે. ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં વરસાદ પડતો દર્શવવામાં આવ્યો છે. ફિલ્મમાં વરસાદનો ઉપયોગ નિરાશાજનક વાતાવરણ ઉભું કરવા માટે થયો છે. ફિલ્મ તમને ઇન્ટરનેટ પર અને ટી.વી. પર મળી રહેશે.

(21.) સીટી ઓફ ગોડ(City of God)(2002) :

આ ફિલ્મ પ્રમાણમાં ઓછી જાણીતી ફિલ્મ છે. આ ફિલ્મની કથા બ્રાઝિલના રીઓ-ડી-જોનેરોમાં "ફવાલા" તરીકે ઓળખાતી ઝુંપડપટ્ટીઓમાં આકાર લે છે. આ ધરાવી જેવા વિસ્તારમાં કામ કરતી વિવિધ અપરાધી ગેંગનો ઇતિહાસ એટલે આ ફિલ્મ. મૂળ બ્રાઝિલની આ ફિલ્મની મૂળ ભાષા પોર્ટુગીઝ છે. આ ફિલ્મને પણ અંગ્રેજીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં આશરે ત્રીસેક વર્ષના ગાળામાં અપરાધી ગેંગ્સનો ઇતિહાસ કહેવાયો છે. ગરીબી અને મજબૂરીને કારણે કેવી રીતે યુવાનો અને છોકરાઓ આવી ગેંગમાં જોડાય છે. કેવી રીતે તેઓ ભ્રષ્ટ પોલીસવાળાઓ સાથે મળીને ગુનાહિત પ્રવૃતિઓના સામ્રાજ્યો ઉભા કરે છે. આ ફિલ્મને જોઈને તમને આપણી "ગેંગસ ઓફ વાસેપૂર" યાદ આવી જશે.

આ ફિલ્મ એક નવલકથા પરથી બની છે જેના લેખકે આવી ઝૂંપડપટ્ટીઓમાં પોતાનું જીવન વિતાવ્યું હતું. બ્રાઝીલે પોતાની એન્ટ્રી તરીકે આ ફિલ્મને ઓસ્કરમાં મોકલી હતી પણ તે છેલ્લા પાંચમા નહોતી પહોંચી શકી.

આ હતી ત્રીસ થી એકવીસ નંબરની ફિલ્મો. આવતા મહીને ફરી મળીશું. ત્યાં સુધીમાં આ બધી ફિલ્મો શોધીને જોઈ નાખો.

- નરેન્દ્રસિંહ રાણા

આ લેખને કલરફૂલ પાનાં સાથે સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com