alphanao mango - 3 in Gujarati Love Stories by Pratik Barot books and stories PDF | રત્નાગિરી હાફૂસ - ભાગ ૩

Featured Books
Categories
Share

રત્નાગિરી હાફૂસ - ભાગ ૩

૩.

કોફી પૂરી કરી અમે હોસ્ટેલ તરફ આગળ વધી રહયા હતા. એણે મારી સામે જોયા વગર સ્વગત કંઈ કહેતી હોય એમ વાત શરૂ કરી.

"કદાચ, એ વખતે હું નવમામાં ભણતી હતી. એક દિવસ હું લીમડા નીચે દોરીથી બાંધેલા પાટિયા પર હિંચકા ખાતી હતી અને એ મને હિંચોળતો હતો. એની નજીક પહોંચુ એટલે હું એને "હાફૂસ હાફૂસ" કરીને ચીડવતી હતી અને એ ચિડાઈને હિંચકાને દૂર ધક્કો મારતો. આમ રમતા રમતા ચાલુ હિંચકે અચાનક મને ચકકર આવવા લાગ્યા અને કંઈક વિચારી શકુ એ પહેલા હું બેભાન થઈ ગઈ અને "હાફૂસ" સુધી પંહોચતા પહોંચતા હું જમીન પર બેશુદ્ધ પડી ગઈ.

એ મને ઉઠાવી ને ઘરમાં મમ્મી પાસે લઈ ગયો. મમ્મી ના કહેવા પ્રમાણે એ બેબાકળો ને ગભરાયેલો હતો, સતત રડતો હતો. એક જ વાતની રટ લગાવી હતી એણે
"હાફૂસ હાફૂસ કરતા પડી ગઈ"
"હાફૂસ હાફૂસ કરતા પડી ગઈ"
"હાફૂસ હાફૂસ કરતા પડી ગઈ"
મમ્મી એને સાથે લઈ હોસ્પિટલ આવી અને પપ્પાને પણ જાણ કરી દીધી. પપ્પા પણ અડધાએક કલાકમાં આવ્યા, ત્યાં સુધી માં મારી સારવાર શરૂ થઈ ગઈ હતી અને મને હોશ પણ આવી ગયો હતો. "હાફૂસ" હજુ પણ આઈસીયુ ના દરવાજે અઢેલીને ઉભો ઉભો રડતો હતો. 

મારા પપ્પાને ડોકટરે કેબિનમાં મારા વિશે કંઈક ચર્ચા કરવા બોલાવ્યા હતા. ડોકટર સાથેની એ મિટિંગ પછી પપ્પા જયારે પણ મને મળવા આવતા ત્યારે ખૂબ ચિંતાતૂર જણાતા. "હાફૂસ" પણ આવતો, ખાસ વાત ન કરતો પણ બેસી રહેતો અને મને લગાવેલી નળીઓ, લોહીની બોટલ, રૂમની દિવાલો, બારીની બહાર એ બધુ તો કયારેક મારી સામે અનિમેષ જોઈ રહેતો. જાણે પપ્પા મારા જે રોગ વિશે જાણે છે એના વિશે એને પણ ખબર હોય. 

હું પૂછતી, "મને કયારે મટશે?"

એ કહેતો,"હવે ઉનાળો આવવાની તૈયારી છે, હાફૂસ ખાઈશ એટલે બધુ મટી જશે, તુ બિલકુલ ચિંતા ન કરીશ."

હું હસતી. એ પણ હસતો.

આખરે બે મહિના ત્યાં રાખી, સારવાર આપ્યા પછી મારી તબિયતમાં સુધાર આવતા મને રજા આપવામાં આવી. હું ઘરે ગઈ. એ સાથે જ હતો. ઘરે પંહોચ્યા એ દિવસે પપ્પા મારી પાસે આવીને બેઠા. એમણે મારા માથા પર હાથ પસવારતા પસવારતા કહયુ, "બેટા, આપણે મનથી કાઠા થવુ પડશે, અને ખૂબ જ સાચવવુ પડશે."

"તને જણાવવાનુ કયારનો વિચારતો હતો, પણ હવે નહી ચાલે, જો તને નહી જણાવુ તો આપણે લડીશુ કઈ રીતે? અને આપણે હારવાનુ નથી, જીતવાનુ છે."

મારા ગાલ પર હાથ રાખી એમણે મને જીવનનો સૌથી મોટો આંચકો આપ્યો.
"બેટા, તારા મગજમાં ટયૂમર(ગાંઠ) છે, તને એનો જ પક્ષઘાત થયો હતો. જેના વિશે હજુ પણ મેડિકલ સાયન્સમાં માત્ર પ્રયોગો ચાલે છે."

હું કંઈ બોલી ન શકી. મારી આંખોમાં આંસુ ઝળહળ્યા અને ગળે ડૂમો બાઝયો. એ આંચકાના આવર્તનો આજે પણ એ રૂમમાં છે. હું કેટલાય કલાક રડતી રહી અને હાફૂસ મને છાનો પાડતો રહયો. એ અઠવાડિયે એ સ્કૂલ પણ ના ગયો.

બધાની મદદથી અને મજબૂત મનોબળથી સમય સાથે મારી તબિયત માં સુધાર આવવા લાગ્યો. મારા માટે ડાયેટ પ્લાન, દવાઓ અને ધ્યાન રાખવી પડે એવી બાબતો ડોકટર સાહેબે જણાવી.
ડોકટરે જરૂર પડે તો થોડા વરસો પછી સર્જરી માટે મળવા કહયુ. હું ફરી હાફૂસ સાથે સ્કૂલ જવા લાગી. મારી સાથે એકજ વર્ગમાં રહેવા એ વરસે એ જાણીજોઈને નપાસ થયો હતો. હું ખૂબ ગુસ્સે થઈ હતી એના પર, પણ એ મારી વાતને હમેશાં હસી કાઢતો.



હું ખુશ હતી, અને માટે જ એ ખુશખુશાલ હતો.