'સાયન્સ ટોક'ના આ વિભાગમાં આપનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે કેટલીક વસ્તુઓ તથા એના અલગ અલગ ઉપયોગ જોયા. તો હવે આ વખતે પણ એ જ વિષય યથાવત રાખીને આગળ વધીએ અને બીજી કેટલીક ચીજોના અજાણ્યા ને અણધાર્યા ઉપયોગો વિશે માહિતી મેળવીએ.
(૧) પેનના ઢાંકણાની (કેપની) ઉપર બનાવાયેલો એક હોલ...
ભલે કોઈ પણ દેશ ગમે તેટલો ડિજિટલ થઈ જાય, તો પણ કલમ(પેન) એ એક દેશની એવી જરૂરિયાત છે જે કયારેય ઓછી નહિ થાય. આજે, અલગ-અલગ જરૂરિયાતો મુજબ જેલ પેન, બોલ પેન, રોલર પેન, ઇન્ક પેન વગેરે સરળતાથી મળી જાય છે. જો કે બધી પેનમાં તેનો મૂળ સિદ્ધાંત તો એનો એ જ રહે છે. પણ આપણે તો એનાં ઢાંકણાની વાત કરવાની છે. હા, એ જ ઢાંકણું જે કાં તો ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. અથવા તો આપણે જ ચાવી જઈએ છીએ !
સામાન્ય રીતે ઢાંકણાની સાદી ડિઝાઇનમાં વધુ ફેરફાર નથી હોતો. પણ કોઈક કોઈક બોલપેનના ઢાંકણામાં ઉપરના ભાગે એક હોલ આપેલો હોય છે જે સામાન્ય રીતે મોટો કે નાનો હોઈ શકે.
આપણામાંથી ઘણાની માન્યતા એવી હોય કે - એ હોલ એટલા માટે હશે કે જેથી પેનના પોઇન્ટ કે બોલને હવા મળી રહે ને એનાથી પેન સુકાય નહિ. (આવો જ એક નાનો હોલ પેનના તળિયામાં આવેલ ઢાંકણામાં પણ હોય જ છે). જો કે, આ માન્યતા 50% જ સાચી છે. પણ... હોલ આપવા પાછળનું બીજું કારણ પણ છે:
એક પરિસ્થિતિ વિચારો કે જેમાં કોઈ બાળકની આદત હોય પેનનું ઢાંકણું ચાવવાની ને એ ભૂલથી ગળી જવાયું ! ભલે કોઈ પણ કારણે, તો શું હાલત થશે ?
આટલું મોટું ઢાંકણું શ્વાસનળીમાં ફસાયા પછી લગભગ જ ચાન્સ છે કે તમે બચી જાઓ. પણ જો આ હોલવાળું ઢાંકણું હશે તો શ્વાસનળીને મળતો સપ્લાય ચાલુ જ રહેશે. ભલે શ્વાસ લેવામાં થોડી ઘણી તકલીફ રહેશે, પણ ત્યાં સુધીમાં તો ઉપચાર પણ થઈ જાય એટલો વધુ સમય મળી જશે.
બસ, એ આપવા પાછળ આ જ કારણ છે !
જોકે, આવું બહુ ઓછા કેસમાં બને. પણ એક અંદાજ મુજબ ખાલી અમેરિકામાં જ વર્ષે લગભગ 50,000 લોકો ગળામાં આવી ચીજો ફસાઈ જવાને કારણે મૃત્યુ પામે છે. એટલે એ રીતે ફક્ત એક હોલ વધારાનો આપી દેવાથી કોઈ બચી શકે એમ હોય, તો એ આપવું યોગ્ય જ છે એમ કહી શકાય.
(૨) સોફ્ટ/કોલ્ડડ્રિંક્સના ગ્લાસ પર આપવામાં આવતું ઢાંકણું (લીડ)...
ભલે ભારત જેવા દેશોમાં કોલ્ડડ્રિન્કનું સેવન વધતું જાય છે, છતાં આજે સોફ્ટડ્રિન્કસ પીનારાઓનો વર્ગ ઓછો નથી. રંગબેરંગી, મજેદાર ને ઠંડી સોફ્ટડ્રિન્કને આજે પણ એટલો જ આવકાર મળે છે.
જો કે, આપણે જો બહાર ક્યાંય સોફ્ટ/કોલ્ડડ્રિન્ક પીએ તો ત્યારે એક વાત પર નજર અચૂક જાય જ છે - એના લીડ (કેપ) ઉપર કે જ્યારે ડ્રિન્ક ગ્લાસમાં પીરસવામાં આવે છે. આવું સોફ્ટડ્રિન્કસમાં વધુ જોવા મળે છે. એ ઉપરાંત જ્યારે ઠંડા ગોલા ખાવા જઈએ ને એ ગ્લાસમાં પેક કરે ત્યારે ગ્લાસ પર જે ઢાંકણું લગાવે એ પણ આ જ હોય છે.
હા એ જ. ગ્લાસથી થોડી મોટી સાઈઝનું, પણ આકર્ષક લીડ કે જે બરાબર પેક કરીને આપવામાં આવે છે ને આપણે બહુ મસ્તીથી એની વચ્ચે સ્ટ્રો પરોવીને પેટમાં પધરાવીએ છીએ. હવે આ લીડ આપવાનું શું કારણ ? સામાન્ય ઢાંકણું પણ આપી જ શકાય ને !
એનું એક કારણ એ તો છે જ, કે ઢાંકણું બંધ હોય ને ફક્ત સ્ટ્રોથી પીતા હોઈએ ત્યારે આજુબાજુ ઢોળાવાની શકયતા બહુ ઓછી થઈ જાય. પણ તમે ધ્યાન આપ્યું હશે તો ખબર હશે કે એ બહારથી ચપટું પણ વચ્ચે પાતળી કિનારીવાળું હોય છે. જો કે વચ્ચેનો જે ભાગ અલગ તરી આવે છે એનું માપ લગભગ ગ્લાસના નીચેના ભાગ જેટલું જ હોય છે.
હવે થોડો ઘણો અંદાજો આવ્યો હશે કે આવા લીડ/કેપનું કામ આજુબાજુ સફાઈ રાખવાનું પણ છે. આ લીડને તમે ખોલીને ઊંધું વાળો ને જે વચ્ચેનો ભાગ ઉપર દેખાઈ આવે એના પર આરામથી એ ગ્લાસ મૂકી શકાય. આમ કરવાનો ફાયદો એ છે કે ગ્લાસને હાથથી પકડવો ન પડે એટલે હાથ ન બગડે.
વળી, જો ડ્રિન્ક વધુ ઠંડું હોય તો આજુબાજુના ભેજને કારણે ગ્લાસ પર પાણીના ટીપાં બાજી જાય ને છેવટે તે નીચે ઉતરીને ટેબલને ગંદુ કરે. એટલે ક્યારેક ડાઘ પણ જોવા મળે. જો હવે આ કેપ હોય તો એ બધા ટીપાં એના પર જ જમા થાય એટલે ટેબલ કે ટેબલ કલોથ પણ બગડે નહિ.
આમ, ગ્લાસને સારો દેખાવ મળે ને સફાઈની પણ જરૂરિયાત ન રહે.
(૩) પેટ્રોલ પંપ પર રહેલા મેગ્નેટિક બ્રેકઅવેસ...
થોડાક સમય પહેલાં એક વિડિઓ વ્હોટ્સએપમાં વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ પેટ્રોલ પૂરાવવા પેટ્રોલપંપે આવે છે. જો કે, આ વિડિયો વિદેશનો હતો એટલે ત્યાં પોતાની મેળે જ રૂપિયા (અથવા ડોલર કે બીજું કાંઈ) આપીને પેટ્રોલ ભરાવાનું હોય છે. એટલે એ વ્યક્તિએ પેટ્રોલ તો બરોબર રીતે ભર્યું, પણ ભરાઈ ગયા પછી એ પેટ્રોલની હોસ-પાઇપ ગાડી સાથે જ રહી ગઈ. હવે આ ભાઈએ ગાડી સ્ટાર્ટ કરી ને આગળ ચલાવવા ગયો ત્યાં જ ધડામ ! એ પેટ્રોલનો ડબ્બો પણ ગાડી સાથે ઢસડાયો ને જોતજોતામાં તણખા સાથે ત્યાં આગ લાગી ગઈ. ડ્રાઇવર નશામાં હશે કે પછી ભૂલથી આવું કર્યું હશે એ પાછળનું કારણ ખબર નથી. જો કે આ વિડિઓ પણ કોમેડી માટે જ ગ્રૂપમાં વાયરલ કરાયો હતો, પણ જો આવી જ કોઈની નાની ભૂલના કારણે પેટ્રોલ-પંપમાં આગ લાગે તો ?
આવું ન થાય તે માટે હવેના આધુનિક પેટ્રોલપંપોમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ માટે હોસ-પાઇપ (જેમાંથી ફ્યુલ નીકળે છે) એની લંબાઈ થોડી વધુ રાખવામાં આવે છે. તે ઉપરાંત એ જ્યાં પંપ સાથે જોડાયેલો હોય ત્યાં 'મેગ્નેટિક બ્રેકઅવેસ' આપેલા હોય છે.
આ મેગ્નેટિક બ્રેકઅવેસનું કામ એકદમ સિમ્પલ છે. એ સામાન્ય સ્થિતિમાં મેગ્નેટાઇઝ્ડ થઈને પંપ સાથે જોડાયેલો રહે છે, પણ જો એના પર અમુક કરતાં વધુ દબાણ સર્જાય તો તે તરત જ ડીમેગ્નેટાઇઝ થઈ પંપથી છૂટું પડી જાય છે. આનો ફાયદો એ થાય છે કે જો ડ્રાઇવર હોસ-પાઇપ કાઢવાનું ભૂલી જાય ને ગાડી સ્ટાર્ટ કરી દે તો સાથે સાથે એ હોસ-પાઇપ પણ પંપથી છૂટું પડીને તેની સાથે ઢસડાય ને પંપને બચાવી લે. આમ, ચુંબકત્વના સિદ્ધાંતથી મોટી દુર્ઘટના ટાળી શકાય છે.
(૪) D.S.L.R. કેમેરા પર આવેલ ગ્રીક અક્ષર 'phy' (ફાય) જેવું નિશાન - ϕ...
D.S.L.R./Digital Single Lens Reflex નામ સાંભળતાં જ આપણા મગજમાં બેકગ્રાઉન્ડ બ્લર કરેલો કોઈકનો પોટ્રેટ ફોટો મગજમાં આવે !
હમણાંના સમયમાં D.S.L.R. કૅમેરાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જો ગ્રુપમાં પણ કોઈની પાસે આ કેમેરો હોય તો તેનો અલગ જ વટ પડે છે. આ કેમેરામાં અલગ અલગ ફોટાને અનુરૂપ અલગ અલગ સેટિંગ પણ આપેલાં જ હોય છે એટલે સરળતાથી વિવિધ ફોટો પાડી શકાય.
આપણે સામાન્ય રીતે કેમેરા પરના બધા ફીચર્સથી વાકેફ જ હોઈએ છીએ, પણ ક્યારેક કોઈક નિશાની/Symbol જોઈને એમ જ થાય છે કે આનો શું ઉપયોગ હશે ? આવી જ એક નિશાની જે સામાન્ય રીતે એક બાજુના ભાગમાં આપેલી હોય છે - ϕ આ નિશાની એક બાજુએ કોઈ પણ જગ્યાએ હોય છે, પણ એ સામાન્ય રીતે ડાયલની નજીક જ હોય છે.
આ નિશાનીને 'ફિલ્મ પ્લેન માર્ક' કે 'ફોકસ પ્લેન માર્ક' કહે છે. સામાન્ય રીતે બધા કેમેરામાં ફિલ્મ પ્લેન/સેન્સર પ્લેન આવેલો હોય છે.vએટલે આ (ϕ)ની નિશાની કેમેરાની ઉપર અંકિત કરેલી હોય છે ને એ કેમેરામાં ફિલ્મ પ્લેન ક્યાં બેસાડેલો છે એની સચોટ જગ્યા સૂચવે છે. પણ આનું શું કામ ?
હવે જે લોકો પ્રોફેશનલ ફોટોગ્રાફી કરતા હોય એમને ખબર હશે કે સામાન્ય રીતે નજીકની વસ્તુઓની ફોટોગ્રાફી એટલે 'મેક્રો ફોટોગ્રાફી' એ રેગ્યુલર ફોટા કરતાં અઘરી હોય છે. એમાં વસ્તુ એટલે કે 'સબ્જેક્ટ' અને 'ફિલ્મ પ્લેન' વચ્ચેનું અંતર ગણવાની મહત્વપૂર્ણ ક્રિયા અચુકથી કરવી પડે છે. ને આ જ ગણતરીમાં ફાયદાકારક બને છે આ નિશાની (ϕ). એટલે ફક્ત એનું કેમેરા પર લોકેશન જોઈને જ આ ગણતરી સરળતાથી કરી શકાય છે.
એટલે હવે બીજી વાર કેમેરો હાથમાં લ્યો એટલે આ નિશાનીને શોધવાનું ભૂલતા નહીં....
(૫) સોડા તથા બીજા ઠંડા-પીણાંની બોટલના ઢાંકણાની અંદર આવેલું એક રબરનું કેપ કે પ્લાસ્ટિક લાઈનર...
આ લેખની શરૂઆત આપણે ઢાંકણાના ઉપયોગથી કરી તો એનો અંત પણ એના જ બીજા પ્રકારથી કરીએ !
આપણે ઠંડા-પીણા કે સોડા બોટલની ઉજાણી કરીએ ત્યારે જેના ભાગમાં ગ્લાસ ન આવે ને ફક્ત બોટલ આવે એને આ વાતની ખબર હશે કે જ્યારે ઢાંકણાની બીજી બાજુ જુએ ત્યારે એક રબરના પેડ જેવું ઢાંકણાની પાછળ હોય છે. આનો કોઈ ઉપયોગ ન હોય એવું પહેલી નજરથી લાગે.
પણ જો આ પેડ જેવું ન હોય તો સોડા વોટરનો જે સ્વાદ છે એ પણ અકબંધ ન રહે ! કારણ ? કારણ કે આ સોડા, કોલ્ડડ્રિંક્સને બહુ દબાણથી ભરવામાં આવે છે એટલે જે કાર્બોનેટ ગેસ દાખલ કરાયો હોય એ એમાં રહેવો પણ જરૂરી છે. હવે જો આ રબરનું પેડ હોય તો સોડાનું બાષ્પીભવન ન થાય એટલે પ્લાસ્ટિકના ઢાંકણા પર ટીપાં ન બાઝી શકે. આમ, એનામાં રહેલો ગેસ પણ યથાવત રહે.
બીજી બાજુ જો આવું ન કરવામાં આવે, તો થોડા જ સમયમાં સોડા એ ગેસ વગરની ખાલી બેસ્વાદ સોડા રહી જાય.
આથી, માત્ર આવા નાના એવા રબરના ટુકડાથી સોડા તથા કોલ્ડડ્રિન્કની તાજગીભરી ફ્લેવર માણી શકાય છે.
(સમાપ્ત)
- હર્ષ મહેતા
(આ લેખને કલરફૂલ પાનાંમાં ફોટોઝ સાથે માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com