રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 25
ગીરીશભાઈ નું શિવગઢ નાં લોકોની સામે પોલ છતું કરવાં ની યોજના સાથે કબીરે રમણભાઈ નાં શરીરની સોનોગ્રાફી કરાવી પણ કબીર એમને હોસ્પિટલમાંથી લઈ જાય એ પહેલાં જ કોઈક ત્રાહિત વ્યક્તિ રમણભાઈ ને ત્યાંથી લઈ ગયો..રમણભાઈ એ અચાનક પોતાની વાત બદલી દીધી..વધુ મદદ માટે કબીરે હરગોવનભાઈ ને ઠાકુર અને ગીરીશભાઈ નું બધું પોકળ જણાવી દીધું..હરગોવનભાઈ ની સલાહથી કબીર હવે રાજુ ને પોતાની ચાલ નો પહેલો શિકાર બનાવવાનું વિચારી રહ્યો હતો..આ માટે રાધા પણ એનો સાથ આપવા તૈયાર થઈ અને એ બંને ઠાકુરે બનાવેલાં રક્ષાકવચ ને તોડવા શિવગઢ તરફ આગળ વધ્યાં.
જેવા એ બંને ટેકરી ની નજીકનો ઢોળાવ વટાવી શિવગઢ નજીક પહોંચવા આવ્યાં એ સાથે જ રાધા ને કોઈ અદ્રશ્ય શક્તિ નો અહેસાસ થયો..આ અદ્રશ્ય તાકાત રાધાને આગળ વધતાં રોકી રહી હતી.
"કબીર..રક્ષા કવચ ની શક્તિ હું મહેસુસ કરી શકું છું..હવે તું મારો હાથ પકડી લે અને પ્રેમથી મને આ રક્ષા કવચ ની અંદર લઈ જા એટલે સદા ને માટે આ કવચ તૂટી જશે.."કબીરની તરફ પોતાનો હાથ લંબાવીને રાધા બોલી.
રાધાની તરફ જોઈ કબીરે એક નાનકડું સ્મિત આપ્યું અને પછી એનો લંબાવેલો હાથ ચુમીને બોલ્યો.
"હવે પ્રેમથી લઈ જ જવી હોય તો પછી ખાલી હાથ કેમ પકડું..તું કહેતી હોય તો તને ઉપાડી લઉં.."
કબીરનાં આ પ્રસ્તાવ નો હાં કે ના કોઈપણ પ્રકારનો જવાબ રાધા આપી ના શકી..રાધાનો આ ચુપ્પીને કબીરે એની સહમતી ગણી લીધી અને એને પોતાની બાહોંમાં ઊંચકી લીધી..કબીર રાધાને ઊંચકીને શિવગઢની હદમાં પ્રવેશ્યો..કબીર નો સાથ અને એનો પ્રેમ બંને રાધા ની જોડે મોજુદ હતાં અને એટલે જ આ પ્રેમ ની શક્તિ આગળ એ તાંત્રિક ની શક્તિ હારી ગઈ..અને રક્ષાકવચ તૂટી ગયું.
કબીરે રાધા ને હળવેકથી હેઠે ઉતારી અને કહ્યું.
"રાધા હવે આગળ શું કરીશું..?"
કબીરનાં આ સવાલનાં જવાબમાં રાધા હસીને બોલી.
"કબીર ઠાકુર ની નિર્દોષ પત્નીની હત્યા નાં લીધે મારી એ શક્તિ નાશ પામી હતી જેનાં વડે હું સીધી રીતે કોઈકને નુકશાન પહોંચાડી શકું..બાકી મારી ઘણી શક્તિઓ હજુ મારી અંદર મોજુદ છે.."
રાધાની વાત સાંભળી કબીર અસમંજસ ભર્યાં વદને બોલ્યો.
"રાધા તું કઈ શક્તિઓની વાત કરી રહી છો..?મને તો કંઈપણ સમજાતું નથી..?"
"તો જોઈ લે એટલે તને બધું સમજાઈ જશે.."રાધા આટલું રહી ત્યાં તો એનાં શરીરમાં જાણે પરિવર્તન આવી ગયું અને એ રાધાથી પણ વધુ સુંદર અને આકર્ષક યુવતીમાં બદલાઈ ગઈ.રાધા નાં આ રૂપમાં એનું યૌવન હિલોળા મારી રહ્યું હતું..એને રૂપની સાથે કપડાં પણ એ રીતે ધારણ કર્યાં હતાં જેમાંથી એનાં અંગોની બનાવટ સાફ-સાફ દેખાઈ રહી હતી..કબીર તો રાધાનાં આ બદલાયેલાં રૂપને આંખો ફાડી જોતો જ રહી ગયો.
"રાધા તું તો સાવ બદલાઈ જ ગઈ.."કબીર આશ્ચર્યમિશ્રિત સ્વરે બોલ્યો.
"ચલ તો હવે જઈએ રાજુ નું કામ તમામ કરવાં.."કબીરની સામે જોઈ આંખ મારતાં રાધા બોલી.
રાધાની આ અદા તો કબીરનાં દિલની આરોપાર એ રીતે નીકળી ગઈ હતી જાણે કોઈ તીર..કબીરે ડોકું હલાવી રાધાની વાત ને સહમતી આપી અને એની સાથે-સાથે ડોકટર ગિરીશ નાં દવાખાના તરફ ચાલી નીકળ્યો..જ્યાં રોજ રાતે રાજુ સૂતો હતો.
દવાખાનાથી પચાસેક મીટર દુરી પર પહોંચી રાધાએ કબીર ને અટકાવ્યો અને કહ્યું.
"કબીર..તું અહીં છુપાઈ જા હું આ અધમ ને મારી પાછળ પાછળ વુડહાઉસ સુધી લેતી આવું છું..આ જેવો ત્યાં પહોંચી જાય એ સાથે જ તું એને બેહોશ કરી દેજે અને પછી ક્યાંક છુપાવી દેજે.."
"સારું..પણ સાચવીને.."રાધા નો હાથ છોડતાં કબીર બોલ્યો.
"હવે એક રૂહ ને આ લોકો શું કરી શકવાનાં હતાં.."કબીરની વાત સાંભળી રાધા મનોમન બોલી અને હસતાં હસતાં એક આગવી અદા સાથે દવાખાનાની તરફ અગ્રેસર થઈ.
રાધા નાં પગની પાયલનો અવાજ કાને પડતાં ની સાથે દવાખાના ની અંદર ટેબલ પર પગ લંબાવીને સૂતો રાજુ અચાનક જાગી ગયો.આંખો ચોળતાં રાજુ એ દવાખાનાનાં બારણાં તરફ નજર કરી અને જોયું કે કોણ આવ્યું છે.રાધા આગવી અદા સાથે લચકાતી કમરે રાજુ જ્યાં બેઠો હતો ત્યાં આવી.
"ડોકટર સાહેબ છે..?"ટેબલની જોડે પહોંચી રાધા ધીરેથી બોલી.
રાજુ એ આટલી સુંદર યુવતીને તો પ્રથમવાર આ ગામમાં જોઈ હતી..સુંદર ચહેરો,કાજલ આંજેલી સુરમયી આંખો,ચોલી માં થી દેખાતાં ઉન્નત ઉરોજ નો આકાર અને ખુલ્લી કમર જોઈને તો રાજુ ને આટલાં ઠંડક ભર્યા વાતાવરણમાં પરસેવો છૂટી ગયો હતો..રાધાએ પુછેલા પ્રશ્નનો જવાબ આપવાંને બદલે રાજુ તો બાઘો બની એને જોતો જ રહ્યો.
"અરે તમે સાંભળો છો..મેં કહ્યું ડોકટર સાહેબ છે..?"રાધા એ પુનઃ પોતાનો સવાલ દોહરાવ્યો.
"અરે હા..અરે એટલે કે ના..ડોકટર સાહેબ તો નથી.."રાજુ થોથવાતાં સ્વરે બોલ્યો.
રાજુની હાલત જોઈ રાધા મનોમન હસી રહી હતી કે રાજુ બરાબરનો પોતાનાં રૂપમાં ઘાયલ થઈ ગયો હતો.
"પણ મારે તો ડોકટર સાહેબનું કામ હતું.."રાધા બોલી.
"અરે બોલો ને શું કામ છે..આમ તો હું પણ વર્ષોથી એમનાં જોડે રહી અડધો ડોકટર બની જ ગયો છું.."પોતાનાં મસાલા ખાઈ ખાઈને પીળાં થઈ ગયેલાં દાંત બતાવી રાજુ હરખાઈને બોલ્યો.
"અરે ત્યાં ટેકરી પાર કરીને હું અને મારી માં ઉમરી ગામ જઈ રહ્યાં હતાં ત્યારે માં લપસી ગયાં અને એમનાં માથે એક પથ્થર વાગ્યો જેનાં લીધે એમનાં માથે ઘા પડી ગયો છે જેમાંથી ઘણું લોહી નીકળી ગયું છે.."ઉપજાવી કાઢેલી વાત જણાવતાં રાધા બોલી.
રાધા નું હિલોળા લેતું યૌવન અત્યારે રાજુ ની બધી જ સમજશક્તિ પર હાવી થઈ ચૂક્યું હતું..રાધા નાં આંખનાં ઈશારે યંત્રવત બની રાજુ બોલ્યો.
"અરે એટલી નાની વાતમાં ડોકટર ની શું જરૂર છે..આટલું તો હું જ હેન્ડલ કરી લઈશ..તમે ચાલો હું ડોકટર પેટી લઈને તમારી પાછળ આવું છું.."
"તમારું ભલું કરે ઉપરવાળો ભગવાન.. સમય મળે તમારો ઉપકાર હું ગમે તે રીતે ઉતારી દઈશ.."આંખો ઝુકાવી મારકણી અદાથી રાધા બોલી.
રાધા ની આવી અદાઓ જોઈ રાજુ તો એટલો હરખઘેલો થઈ ગયો કે એને રાધા નું નામ પણ પૂછવું એ સમયે તો ઉચિત ના સમજ્યું..એ તો જડવત બની ડોકટરની કેબિનમાંથી ફર્સ્ટ એડની પેટી લેતો આવ્યો અને રાધાની પાછળ પાછળ ચાલી નીકળ્યો.
રાધા ની પાછળ ચાલતાં રાજુની નજર અત્યારે રાધાનાં બદલાયેલાં રૂપનાં અંગોની બનાવટ પર સ્થિર હતી..આટલી સુંદર યુવતીને સરળતાથી પોતાની જાળમાં ફસાવી શકવાની ખુશી રાજુની વાસનાભરી આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી.
થોડું અંતર કાપ્યા બાદ રાજુ વાત આગળ વધારવાનાં ઉદ્દેશથી બોલ્યો.
"અરે તમે તમારું નામ તો જણાવ્યું નથી..?"
"મારુ નામ ચમેલી છે..અને તમારું..?"રાજુની તરફ જોઈ સ્મિત સાથે રાધાએ પૂછ્યું.
"મારું નામ રાજુ છે.."રાજુ ટૂંકમાં બોલ્યો.
રાજુ ચમેલી બનેલી રાધા જોડે અલકમલકની વાતો કરતો રહ્યો જેનો રાધા પણ પોતાની રીતે સહયોગ આપતી રહી.હવે એ લોકો વુડહાઉસની બિલકુલ નજીક આવી પહોંચ્યા હતાં જ્યાંથી ટેકરી નો રસ્તો શરૂ થતો હતો..આકાશનો ચંદ્ર હજુ અર્ધ હતો એટલે રસ્તા પર મોટાંભાગે અંધકાર ફેલાયેલો હતો.આગળનો વિસ્તાર વેરાન હતો અને વાતાવરણ બિલકુલ શાંત હતું..તમરાં અને નિશાચર પક્ષીઓનો રહીરહીને આવતો અવાજ વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો.
અહીં આવ્યાં છતાં રાજુ ને કોઈ સ્ત્રી દેખાઈ નહીં જેની સારવાર કરવાં એ આવ્યો હતો એટલે રાજુ એ અકળાઈને રાધાને સવાલ કર્યો.
"અરે તમારી માં તો ક્યાંક દેખાતી નથી..તમે કહ્યું હતું કે એ તો ટેકરીની જોડે જ ઘવાયેલી હાલતમાં પડી છે..તો કેમ હજુ સુધી એ નજરે ના પડી..?"
"કેમ તમને મારી વાત નો ભરોસો નથી..હું જૂઠું બોલીને તમને અહીં લાવી એવું લાગે છે..?"રાધાએ મોં બગાડી સામો સવાલ કર્યો.
"અરે મેં એવું ક્યાં કહ્યું..આતો હવે ટેકરીની ઉપર જતો રસ્તો ચાલુ થઈ ગયો પણ કોઈ નજરે ના ચડ્યું એટલે મેં પૂછ્યું.."રાજુ બોલ્યો.
"તો ઠીક..બાકી આવું તો એ લોકો ડરે જેમને કોઈની હત્યા કરી હોય અને એની રૂહ એમની સાથે બદલો લેવાં ભટકતી હોય.."રાધા એ હવે રાજુ ને આખરી શૉક આપવાનું નક્કી કરી લીધું હતું.
રાધાની વાત સાંભળી રાજુ ની આંખો આગળ એ દ્રશ્ય ઉભરી આવ્યું જેમાં એને અને ગીરીશભાઈ એ રાધા ને અહીં નજીક જ વર્ષો પહેલાં જીવતી લટકાવી દીધી હતી..આ વિશે વિચારતાં જ રાજુનાં કપાળે પરસેવો વળી ગયો અને એનું મોં સુકાઈ ગયું.
"અરે ના રે હું અને કોઈનાંથી ડરું એવું બને જ નહીં.."મહાપરાણે ડર પર કાબુ રાખી રાજુ બોલ્યો.
"ઓહો તો એવું છે..તમે કોઈનાંથી નથી ડરતાં..?"રાધા એ પૂછ્યું.
"ના..રે હું કોઈનાંથી ના ડરું..મારાં થી તો ડર પણ ડરે.."રાજુ ની ડંફાસ હજુ ચાલુ જ હતી.
"એવું છે રાજુ..તું કોઈનાંથી નથી ડરતો.."કોઈ પુરુષ બોલતો હોય એવાં ભારે અવાજ સાથે રાધા બોલી અને પોતાનો ચહેરો 180 ડીગ્રી ઘુમાવીને રાજુ ની તરફ કર્યો..અત્યારે રાધા પોતાનાં એ અવતારમાં આવી ચૂકી હતી જે અવતારમાં એ મૃત્યુ પામી એ સમયે હતી..પથ્થર વાગવાથી ઇજાગ્રસ્ત ચહેરો અને આખા ચહેરે ઝાડી-ઝાંખરા નાં ઘા..આ ઘામાંથી હજુપણ રક્ત નીતરી રહ્યું હતું.
રાધા નું અસલી રૂપ જોઈને રાજુ ની સ્થિતિ ગંભીર થઈ ગઈ..એ જોરદાર ડરી ગયો હોય એમ એની આંખો પરથી સમજી શકાતું હતું.એનાં ચહેરા પર એકસાથે હજારો ડરની રેખાઓ એકસાથે ઉપસી આવી હતી..થૂંક ગળે ઉતારી પાછાં ડગ માંડતા રાજુ બોલ્યો.
"પણ આ ગામ તો રક્ષાકવચથી સુરક્ષિત હતું તો પછી તું અંદર કઈ રીતે આવી..?"
રાજુ નાં આ સવાલ પર રાધા જોરજોરથી હસવા લાગી..એનું આ અટ્ટહાસ્ય એટલું જોરદાર હતું કે આજુબાજુનાં વૃક્ષો પર મોજુદ સુઈ રહેલાં પક્ષીઓ પણ ઉડવા લાગ્યાં. રાજુ તો પહોળી થયેલી આંખે રાધાની તરફ જોઈ રહ્યો હતો.પોતાની મોત ને પોતાની સામે જોઈ લેતાં જેવી હાલત કોઈકની થાય એથીય પણ ભૂંડી હાલત રાજુની હતી.
રાજુ ડરથી થરથર ધ્રુજવા લાવ્યો..રાધા નો બિહામણો ચહેરો એની હાલત નાજુક કરી રહ્યો હતો.હવે બચવું હોય તો એક જ ઉપાય હતો એ હતો અહીંથી ગમે તે કરી ભાગી નીકળવું..રાજુ એ જેમ-તેમ કરી ઊંડો શ્વાસ ભર્યો અને પોતાનાં હાથમાં રહેલી ફર્સ્ટ એડ બોક્સ ની પેટી ને પડતી મૂકી મુઠ્ઠીઓ વાળી ભાગવા લાગ્યો.
હજુ રાજુ ચાર ડગલાં જ દોડ્યો હતો ત્યાં રાધા અચાનક એની સામે આવીને ઉભી રહી ગઈ..રાધા ને આમ પોતાની સામે અચાનક પ્રગટ થયેલી જોઈને રાજુનાં મોતિયાં મરી ગયાં અને એનાં શ્વાસ ભારે થઈ ગયાં.
રાજુ ની સ્થિતિ નાજુક થઈ ગઈ અને એનું માથું ધીરે-ધીરે ભારે થઈ ગયું..રાજુનાં શ્વાસ ઉખડવાં લાગ્યાં અને એનો હાથ અનાયાસે જ પોતાનાં છાતીનાં ડાબા ભાગ પર મુકાઈ ગયો..રાધાની સામે એકધારું જોતાં જોતાં રાજુ જમીન પર ફસડાઈ પડ્યો.
"કબીર..જલ્દી બહાર આવ.જો તો ખરો આ હરામી ને શું થઈ ગયું..?"રાજુની આવી દશા જોઈને ચિંતિત સ્વરે રાધા થોડે દુર એક વૃક્ષની પાછળ છુપાયેલાં કબીરને અવાજ આપતાં બોલી.
★★★★★★
વધુ આવતાં અંકમાં.
રાજુ નાટક કરી રહ્યો હતો કે પછી એને સાચેમાં કંઈક થઈ ગયું હતું...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ