કાનજી - ખાલી રોટલી નેં સાક બનાવ્યા? બાજુમાં સંભારો સળગાવતા શું બર પડતુ હતું? આખો દિવસ ગામના ઢસેડા કરી નેં ઘરવાળો જમવા આવે તો સરખું ઠામ તો સાચવતા શીખ, આમાં લગન કરવા નો ફાયદો શું?
માલતી - જી થારી માં આપ્યું છે ઈ ઠુંસી લ્યો, ગાજર 30 ના કિલો છે, નેં ટામેટા 40 ના કિલો છે, તેલ ની માં તો આપણા માટે હંમેશા મરેલી જ હોય છે. આમાં ધૂળ નેં કાંકરા નો સંભારો વઘારું? કાલે જ ઓલો મફતિયો ગેસ વારો 800 રૂપિયા લૂંટી ગયો, હજી તમારે બપોરે ચા એ ગટકાવવી હોય, બળતણ નેં બકાલા ની ખાણ નથી આપણે, તી બેઠા બેઠા ફરમાઈશું માંડો છો.
કાનજી - આ મારી ચડ્ડી તો ફાટી ગઈ, હવે નવી લેવી જોશે, તિજોરી માં થી 200 લેતી આવ તો માલતી.
માલતી - એક કામ કરું, ફરિયા માં પૈસા નું જાળ વાવી દઉં એટલે તોડી તોડી નેં ઉડાળે રાખો પૈસા, હમણાં 2 મહિના પેલા તો નવી ચડી જોસી હતી, આટલી વાર માં ફાડી ખાધી, ધીમે ધીમે હરફર કરતા હોય તો? ઘેલા-પાંચા ની જેમ અલગોઠિયા મારે રાખો તો કપડાં તો ફાટી જ જાય નેં ! નવી ચડ્ડી નથી લેવાની, ડામચિયા નીચે સોઈ-દોરો પડ્યા છે, સાંધો મારી લો અનેં મંડો કામ પર ભાગવા.
કાનજી - કાલે મારો દોસ્તાર છગન અનેં તેની ઘરવાળી જમવા આવશે, કંઈક ઢંગ નું ભોજન બનાવજે.
માલતી - હા બની જશે,,, શિરો, પુરી, ભજીયા, ચટણી, દાળ, ભાત, સંભારો, શ્રીખણ્ડ અનેં પાપડ. એ બન્ને નેં પેટ ભરી નેં જમાડીશું, ઉપર થી ઠંડી લચ્છી પણ પાશું અનેં પછી એ લોકો જેવા, આપણા ઘરે થી જવાની તૈયારી કરશે નેં એટલે, હેઠવાળું કુક્કર એના તુમ્બડા પર દઈ મારીશ, આયા હું પાવલે-પાવલી બચાવું છું અનેં તમે ગામના જંડુરિયાંવનેં નોતરાં દેતા ફરો છો? મારા ફરિયામાં પણ,,, એ લોકોનો ટાંગો ના પડવો જોયે,, કઈ દઉં છું.
કાનજી - આજે રવિવાર છે, ચાલનેં ફરવા જઈ આવીયૅ.
માલતી - લેંઘો ઉતારો નહીંતર ફાડી નાખીશ, જલ્દી થી લૂંગી વીંટી નેં બાથરૂમ માં બેસી જાઓ, કપડાં નો ઢગલો પડ્યો છે, છોતરો નેં સાબુ લઇ નેં ઘસવા મંડો, ચોરના માથા ની જેમ ગામ ભાટકવા ની કાંઈ જરૂર નથી, હું ઠામ ઘસી નાખું તમે કપડાં ચોરવા લાગો. બીજી વાર રખડવાનું નામ લીધું નેં તો અગાસી ની કુંડી ધોવરાવીશ અનેં રાત ના હેઠા ઠાંગલા પણ તમારી પાસે જ ઉટકાવીસ.
કાનજી - એ માલતી આ ટીવી નું રિમોટ ક્યાં ગયું? તેં સંતાડ્યું કે શું?
માલતી - વીજળીનું બિલ તમારા સસરાનોં છાકટો જમાઈ ભરશે કે મારી સાસુનોં લબાચો દીકરો ભરશે? આપણે પેટમાં પૂરું ખાતા નથી તો, ઈ,,, જી ઈ બી વારાઓ ના ઘર ભરવાની શું જરૂર છે, નથી જોવું ટીવી,,, લૂંગી તો બાંધી છે, હવે ગંજી વીટી લ્યો અનેં શેરી માં આંટો મારતા આવો, મનોરંજન થઇ જશે, અનેં આ હેઠવાડ નો તપેલો ઢોરની કુંડી માં એક વાર ઠલવી આવશો તો, તમારું વજન નહીં ઉતરી જાય, લેતા જાઓ ઈ ટોપીયો,,,
કાનજી - લાઈટ તો ઠાર, માલતી મારે કાલે કામે જવું છે...
માલતી - સવાર માટે તમારા ટિફિન ની તૈયારી કરું કે, કચરા ટોપલીનો ઉકેડો ટિફિનમાં ઠુંસી દઉં? મને કામ વિના લાઈટ બારવાના હડકવા નથી, સમજ્યા? દાળ-ચોખા પલારી નેં શાક-ભાજી સુધારી લઉ એટલે તમને પૂછ્યા વિના અંધારા કરી દઈશ. ત્યાં સુધી માથે ધાબરો ઓઢીનેં, ઉથમું ઘાલીનેં, ટૂંટિયું વરી નેં સુઈ જાઓ.
કાનજી - એ માલતી નીંદર નથી આવતી, કંઈક વાત કર નેં?
માલતી - આખો દિવસ ઢસેડા કરી નેં હવે તમને સુવડાવવા માટે ચાંદા મામા ના હાલેડા ગાઉ? હવે જો બીજી વખત મને હાકલ પાડીનેં મારી નીંદર બગાડી નેં તો,,, મારા આ પાટલા નું કડુ બનાવી નેં તમારા હોઠ ઉપર સણસણતો ઘૂસતો મારી દઈશ... વાંદરાના પછવાળા જેમ હોઠ સોજી જશે, સુઈ જાઓ છાના-માના, અનેં આ ઢાંઢુ ઓલી બાજુ ખડકો, નહીંતર એક ગધેડાવારી લત દઈશ, તો સીધા બારીની બાર છીતરી માં ઘા થશો.
કાનજી - આઈ લવ યુ માલતી.
માલતી - વધારે સહન-શક્તિ નારી માં જ હોય એવું કોણ પાગલ કહે છે ! કોઈ મારા ઘરવારા નું ઉદાહરણ તો જુઓ - આઈ લવ યુ ટૂ કાનજી, - ગુડ નાઈટ