Premni pele paar - 17 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... - ભાગ - ૧૭

The Author
Featured Books
Categories
Share

પ્રેમની પેલે પાર... - ભાગ - ૧૭

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૌમ્યા પ્રથમ ને જાણવી ને ઇન્ડિયા આવે છે. આકાંક્ષા જણાવે છે કે એને આંતરડા નું કેન્સર છે હવે આગળ...

*****
કાફલો તૂટી પડે દુઃખોનો અચાનક,
સમય આપી જાય માત અચાનક,
નથી મળતું કોઈ નિવારણ જેનું,
ખુદા ઘડી જાય એવું ભાગ્ય અચાનક..

"શું..??", સૌમ્યા એકદમ ચોકી જ ગઈ. એને આવો વિચાર તો સ્વપ્ને પણ આવ્યો ન હતો. એનું મગજ જાણે થોડી સેકેન્ડ માટે બંધ થઈ ગયું હોય એમ એ આગળ કઈ જ ન બોલી શકી.

"હા સૌમ્યા.. મેં આ વાત હજુ કોઈ ને કરી નથી. ના મારા પેરેન્ટ્સને ના અભી ને..", આકાંક્ષા રડતા રડતા બોલી.

સૌમ્યા મૌન છે, પણ આંખોમાંથી આંસુ સરી રહ્યા છે. તરત એને પોતાની જાતને સંભાળી, કેમ કે અત્યારે આકાંક્ષાને એના સ્પોર્ટની બહુ જરૂર હતી. એ તરત આકાંક્ષાને ભેટીને બોલવા લાગી, "તું જરાય ચિંતા ન કર. આપણે કોઈ બીજા ડોકટરને બતાવીશું. હું મારા ફુવા સાથે વાત કરીશ. આપણે જલ્દી થી તારી ટ્રીટમેન્ટ શરૂ કરી દઈએ. કોઈ ને કહેવાની જરૂર જ નહીં પડે તું એ પહેલાં જ સાજી થઈ જઈશ."

"કોઈ ફાયદો નથી સૌમ્યા. મેં ઘણા સારા સારા ડોકટરનો કોન્ટેકટ કર્યો છે. અંતે.. જ્યારે બધાનું કહેવાનું એક જ થયું કે હું લાસ્ટ સ્ટેજમાં છું ને હવે મારી પાસે કેટલા દિવસ છે એનું કઈ જ કહેવાય નહીં. ત્યારે થાકી હારીને મેં તને ફોન કર્યો.",આકાંક્ષા હજુ રડી જ રહી હતી ને કહી રહી હતી.

ત્યાં અચાનક આકાંક્ષાનો ફોન રણક્યો. જોયું તો અભીનો ફોન હતો.

આકાંક્ષા તરત આંસુ લૂછી સ્વસ્થ થઈ ફોન ઉપાડે છે.  "હા, અક્ષી તું ફ્રી હોય તો તું, હું ને સોમી ક્યાંક લંચ માટે જઈએ?", અભી બોલ્યો.

"હું ને સૌમ્યા, સૌમ્યાના ઘરે જ છીએ.",આકાંક્ષા બોલી.

"તું ત્યાં? કઈ નહિ તમે બન્ને ત્યાંથી "ઠક્કર થાળ" માં આવો હું ત્યાં શાર્પ એક વાગે પહોંચી જઈશ."

"ઓકે."

સૌમ્યાને આકાંક્ષા ઠક્કર થાળમાં જવા નીકળે છે. અભી ત્યાં એમની રાહ જોઈ બેઠો હોય છે.

"આવો...તમે બેય જણે તો વાતો કરીને પેટ ભરી લીધું લાગે. મારો તો વિચાર કરો.", અભી હસતા હસતા ઘડિયાળ જોતા બોલ્યો.

"તો તારે મંગાવી ને જમી લેવું તું ને!", આકાંક્ષા પર્સ ટેબલ પર મુકતા બોલી.

અભીના ચહેરાનો રંગ થોડો બદલાઈ ગયો. એને તરત જ વેઈટરને બોલાવી ત્રણ ગુજરાતી થાળી ઓર્ડર કરી દીધી.
ત્રણેય જણાએ વાતો કરતા કરતા જમી લીધું. આકાંક્ષા અભીના દરેક સવાલ પર સાવ તોછડાઈથી જવાબ આપતી હતી. સૌમ્યાને એનું આ વર્તન થોડુ અજીબ લાગ્યું પણ એ ત્યારે કઈ બોલી નહિ. જમીને અભી ઓફીસ જવા નીકળ્યો જ્યારે આ બે સખીઓ આકાંક્ષાના ઘરે જવા નીકળી.

"આકાંક્ષા, તારો વર્તાવ અભી માટે સાવ બદલાઈ ગયો હોય એમ લાગે.", સૌમ્યાએ આકાંક્ષાને પૂછ્યું.

"હા, એને મારા માટે અતિશય લાગણી છે. કદાચ આવા વર્તાવથી એ લાગણીઓ થોડી ઓછી થઈ જાય. તો કદાચ મારા ગયા પછી....", આકાંક્ષા ફરી ઢીલી થઈ ગઈ.

"તું આવું બધું ન બોલ. તને કઈ થવાનું નથી. હું હમણા જ ઘરે જઈને મારા ફુવાને વાત કરું.", સૌમ્યા આકાંક્ષાની વાત કાપતા બોલી.

ઘરે પહોંચીને સૌમ્યાએ આકાંક્ષા જોડેથી બધા રીપોર્ટસ લીધા અને એક બાજુ ફુઆને ફોન કર્યો અને બીજી બાજુ બધા રીપોર્ટસ સ્કેન કરીને મેઈલ કરી દીધા. એના ફુઆએ એમના મિત્ર કે જે કેન્સર સ્પેશિયલીસ્ટ છે એમને બતાવીને સાંજે ફરી ફોન કરવાનું કહ્યું.

આકાંક્ષાના રૂમમાં જઈને બન્નેએ અધૂરી વાત પૂરી કરવાનું ચાલુ કર્યું. સૌમ્યાએ આકાંક્ષાનો હાથ એના હાથમાં લઈને પંપાળ્યો અને આકાંક્ષાના આંખોના બંધન તૂટી ગયા. એ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. પહેલી જ વાર એ કોઈની જોડે પોતાની બીમારીની વાત શેર કરતી હતી. અત્યાર સુધી રાખેલી હિંમત હવે આંસુ થઈને વહેતી હતી. સૌમ્યાએ એને બાથમાં લીધી અને થોડો સમય એમ જ રડવા દીધી. એનો હાથ સતત આકાંક્ષાની પીઠ પર ફરી રહ્યો હતો અને જાણે એનાથી સાંત્વના મળી હોય એમ થોડી વાર રડીને આકાંક્ષા ચૂપ થઈ.

પાસે પડેલા જગમાથી આકાંક્ષાએ પાણી કાઢીને પીધું અને ફરી વાતનું અનુસંધાન સાધ્યું. "મને આ વાતની એક મહિના પહેલા જ ખબર પડી. ત્રણેક મહિનાથી પેટમાં દુખાવો રહેતો હતો. પહેલા એક દમ થોડો હતો તો ગેસની, પછી પેટના ઇન્ફેક્શનની અને પછી યુરિન ઇન્ફેક્શનની બધી દવા કરાવી. જાતજાતના રીપોર્ટસ પણ... જ્યાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી સારું લાગે અને જેવી બંધ થાય ને ફરી પાછો દુખાવો ચાલુ.

"તો અભી તારી જોડે ડોક્ટરના ત્યાં નહતો આવતો..!? અને એના મમ્મી પપ્પા ક્યાં છે?" સૌમ્યા એ પૂછ્યું...

"મમ્મી પપ્પા તો છ મહિના માટે અમેરિકા મોટા કાકાના ઘરે ગયા છે અને અભી મારી જોડે બધે જ આવતો હતો પણ પછી એને દસ દિવસ માટે કામથી જર્મની જવાનું આવ્યું. અને એ દરમિયાન જ હું ફરી ડોક્ટરને બતાવવા ગઈ. ડોક્ટરે થોડા રીપોર્ટસ કઢાવવાના કહ્યા અને જ્યારે હું એને બતાવવા ગઈ ત્યારે એમણે મને એક ડોક્ટર સજેસ્ટ કર્યા અને ભાર દઈને એમને બતાવવાનું કહ્યું. એમની વાત પરથી હું થોડી ગભરાઈ ગઈ હતી એટલે મને થયું કે અભી આવશે એટલે એને વાત કરીશ પણ હમણાં એને ત્યાં કોઈજ ટેન્શન નથી આપવું અને મમ્મી પપ્પાને પણ કહેવાનું ટાળ્યું. ત્રણ દિવસ પછીની ડોક્ટરની એપોઈન્ટમેન્ટ મળી અને ત્યાં મને એકલી જોઈને ડોક્ટર પણ થોડા અચકાઈ ગયા કે આ વાત મને કહેવી કે નહિ પણ મારા આગ્રહને વશ થઈને એમણે મને ખાલી એટલી જાણકારી આપી કે મને પેટનું કેન્સર હોવાની શક્યતા છે પણ હજી પેટની સોનોગ્રાફી, MRI અને બીજા રીપોર્ટસ કરાવવાના કીધા પછી જ કંઈ ફાઈનલ કહેવાય એવું કીધું. અને બીજી વાર હું ત્યાં જાઉં ત્યારે કોઈને સાથે લઈને જવાની ખાસ સૂચના આપી. " આટલું બોલીને આકાંક્ષા એ થોડો બ્રેક લીધો.

આકાંક્ષા થોડી હાંફતી હતી એટલે સૌમ્યાએ એને પાણી આપ્યું. અને ફરી એનો હાથ પકડીને એની બાજુમાં બેસી ગઈ.

થોડો શ્વાસ લઈને આકાંક્ષાએ ફરી બોલવાનું ચાલુ કર્યું, " પછી ના છૂટકે મારે મારી કઝીન નમ્રતા કે જે મારી ઉંમરની છે એને કોઈને ના કહેવાનું પ્રોમિસ લઈને રીપોર્ટસ કઢાવવા જવું પડ્યું અને બતાવવા પણ. જ્યારે ડોક્ટરે મને આંતરડાના કેન્સર વિશે કીધું ત્યારે મને તો રીતસરના ચક્કર જ આવી ગયા હતા. અમે માનવા તૈયાર જ નહતા કે મને આવી બીમારી હોય. મારી કઝીને બીજા ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લીધી અને ત્યાંથી પણ એજ જવાબ કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે હવે કંઈ ન થઈ શકે. નમ્રતાને માંડ રોકી છે બધા ને કહેતા."

"બે ત્રણ દિવસ તો ખબર જ ના પડી કે શું કરું. મને સતત અભીની જ ચિંતા થતી હતી.  મારા વગર એ તૂટી જશે એ વિચાર જ મનમાં ઘૂમ્યા કરતા અને મેં એક નિર્ણય લીધો, અભી ને મારાથી દૂર કરવાનો."

એટલામાં દોર બેલ વાગી અને આકાંક્ષાએ દરવાજો ખોલ્યો તો સામે અભી હતો.

"આજે સાત વાગ્યામાં ઘરે ! શું વાત છે ? " આકાંક્ષા લગભગ ટોન્ટ મારતી હોય એવા સૂરમાં બોલી.

આ સાંભળીને અભી એકદમ જ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, "ત્યાં કામ હોય છે તેથી મોડું થાય છે અને એ પણ હમણાં થોડા દિવસ થી. તારી જેમ નહિ કે મનફાવે ત્યારે ઓફિસ આવું અને મનફાવે તેમ જાઉં."

એ વખતે જ સૌમ્યાને ફોન આવે છે એટલે એ રૂમમાં જઈને જોવે છે તો ફુવા હોય છે. એ પણ એ જ વાત કહે છે જે આકાંક્ષા એ કીધી હતી... થર્ડ સ્ટેજ નું કેન્સર અને કેટલો સમય છે એ કઈ જ નક્કી નહિ. આ સાંભળીને સૌમ્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.

થોડી વાર રહીને ફ્રેશ થઈને સૌમ્યા બહાર જાય છે તો જમવાનું ટેબલ પર પીરસાઈ ગયું હોય છે. એ ત્યાં જઈને બેસે છે અને બધા ચૂપચાપ જમવાનું પતાવે છે. જમીને આકાંક્ષા અને સૌમ્યા બંને સૌમ્યાના રૂમમાં જાય છે.

સૌમ્યા એના ફૂવા જોડે ફોન ઉપર થયેલી વાત કરે છે. આકાંક્ષા આ સાંભળીને ફિક્કું હસે છે જાણે હવે એણે આ વાત સ્વીકારી લીધી હોય એમ..!

" સૌમ્યા છોડ હવે આ વાત. તું તારા લંડનની વાત કર કોઈ. હજી એકલી છે કે કોઈ સોલમેટ મળ્યો તને ? " આકાંક્ષા એ એક દમ જ વાત બદલતા પૂછ્યું...

સૌમ્યાના મનમાં પ્રથમ આવી જાય છે પણ હજી સુધી એણે કઈ નિર્ણય નહતો લીધો એટલે એ એની વાત છુપાવે છે અને કહે છે કે, " ના... હજી સુધી તો એકલી જ છું. લગ્ન માટે કોઈ વિચાર નથી કર્યો. પહેલા હું થોડી સેટલ થાઉં પછી જ વિચારીશ."

સૌમ્યાનો જવાબ સાંભળીને આકાંક્ષાની આંખમાં એક ચમક આવી જાય છે અને એ ધીમે થી પૂછે છે, "સૌમ્યા... મારા ગયા પછી તું અભીને સાચવી લઈશ ને..!?"

સૌમ્યા મુંઝવણથી આકાંક્ષાની સામુ જોવે છે...

દિલ હજું માનતું નથી,
હકાર મન ભણતું નથી,
વેદના ભીતર થઈ આવી એવી,
કે, હૈયું કોઈ રીતે સમેટાતું નથી...

© રવિના વાઘેલા, શેફાલી શાહ, હિના દાસા