પ્રેમ-અગન:-11
"તરી રહ્યા છે સમંદરમાં ફૂલ વાસી જે,
હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર..."
શિવની મેન્ટલ કન્ડિશન અને નાદુરસ્ત તબિયતનાં લીધે ડૉકટરે એને કોઈ કુદરતી સ્થળે જઈ થોડો દિવસ આરામ કરવાની સલાહ આપી..જે મુજબ શિવે શિમલા જવાનું નક્કી કર્યું..શિમલા જતી ફ્લાઈટમાં બેસવાની સાથે શિવની અત્યારે જે હાલત થઈ હતી એ માટે જવાબદાર ભૂતકાળની યાદો પુનઃ આતંકવાદી બનીને શિવનાં હૃદયનાં કાશ્મીર ને રંઝાડવા આવી પહોંચી.
ઈશિતા દ્વારા પોતાને શ્રી નું નામ આપવું..શિવનાં અને શ્રી નાં પ્રથમ ચુંબનની પળ, એમને વિતાવેલી દરેક સુંદર ક્ષણને યાદ કરતાં કરતાં હવે શિવ એ કારણ ને યાદ કરી રહ્યો હતો જેનાં લીધે એની શ્રી એનાંથી વેગળી થઈ ચૂકી હતી.
કોલેજનું છેલ્લું સેમિસ્ટર હોવાથી એ દિવસો દરમિયાન શિવ અમદાવાદ હતો..લાસ્ટ સેમ નાં પ્રોજેકટ સબમિટ માટે અને ટ્રેઈનિંગ માટે શિવે અમદાવાદની એક કંપની પસંદ કરી હતી..અને એટલે એ એક મહિના જેટલો સમય અમદાવાદમાં જ રહેવાનો હતો..પોતાનાં કુટુંબથી દૂર..પોતાનાં મિત્રોથી દૂર..પોતાની શ્રીથી દૂર.
ઈશિતા,સાગર અને નિધિ એ જૂનાગઢમાં જ રહીને પોતાનો પ્રોજેકટ પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું..ટ્રેઈનિંગમાં જવાનાં બદલે એમને ટ્રેઈનિંગ નું સર્ટિફિકેટ મળી જાય એવી ગોઠવણ કરી રાખી હોવાથી એ ત્રણેય જૂનાગઢમાં જ રોકાઈ જવાનાં હતાં.
શિવ અમદાવાદ તો પહોંચી ગયો હતો પણ એનું દિલ જૂનાગઢમાં હતું..એની શ્રી જોડે..દિવસે શિવ ટ્રેઈનિંગ માં વ્યસ્ત રહેતો અને રાતે એની પ્રિયતમા શ્રી ની સાથે ચેટિંગમાં..આ એ સમય હતો જ્યારે નવાં નવાં એન્ડ્રોઇડ ફોન માર્કેટમાં આવી ચુક્યાં હતાં અને ફેસબુક એકાઉન્ટ એ બેન્ક એકાઉન્ટ કરતાં વધુ જરૂરી બની ગયું હતું..પણ હજુ તો શિવ અને શ્રી તો ટેક્સ્ટ મેસેજથી જ ચેટ કરતાં હતાં કારણકે હજુ બંનેમાંથી કોઈની જોડે એન્ડ્રોઇડ ફોન હતો નહીં.
શિવ જેવો રાતે જમીને ફ્રી થતો એ સાથે જ શ્રી સાથે વાતોમાં લાગી જતો..જ્યારે શ્રી સવાલ કરતી કે તે જમી લીધું શિવ..?..ત્યારે જ શિવને પોતાનાં અન્ન નો ઓડકાર આવતો..હજુ તો માંડ પંદર દિવસ વીત્યાં હતાં અને એ હદે બંને એક બીજાને miss કરી રહ્યાં હતાં જાણે કે વર્ષોથી બંને વિખૂટાં ના હોય..આમ પણ જેટલો પ્રેમ મજબૂત એટલું જ અલગ રહેવાનું દુઃખ વધુ.
શિવની ટ્રેઈનિંગ પુરી થવામાં હવે પાંચ દિવસ બાકી હતાં..શ્રી એ પોતે શિવને મળવા બસ-સ્ટેન્ડ ઉપર આવશે એ વિશે જાણ કરી તો શિવ પણ મનોમન વહેલી તકે જૂનાગઢ પહોંચી પોતાની શ્રીની બાહોમાં સમાઈ જવાં ઉતાવળો બન્યો હતો.
એક દિવસ શિવ સાંજે જમીને પોતે જ્યાં રોકાયો હતો એ રૂમ પર પથારીમાં આડો પડ્યો અને શ્રી ને મેસેજ કર્યો.
"Hi..શ્રી..જમી લીધું..?"
દસેક મિનિટ સુધી શિવ શ્રીનાં મેસેજની રાહ જોઈ ફોન હાથમાં લઈ બેસી રહ્યો..પણ શ્રીનો કોઈ રીપ્લાય ના આવ્યો..આમ ને આમ કલાક વીતી ગયો પણ શ્રી નો રીપ્લાય ના આવ્યો તે ના જ આવ્યો..આવું પ્રથમ વખત થઈ રહ્યું હતું કે શ્રી એનાં મેસેજનો કોઈ જવાબ ના આપે..જો શ્રી વ્યસ્ત હોય તો પણ એ જાણ કરવાં તો એક મેસેજ શિવને કરી જ દેતી..પણ આજે કેમ એનો મેસેજ ના આવ્યો આ વાત શિવને પજવી રહી હતી.
શિવે આખરે ના રહેવાતાં શ્રી ને કોલ લગાવ્યો..અને આ કોલ એની જીંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી..માન્યું કે જ્યારે પ્રેમ હદથી વધારે હોય ત્યારે ઘડીભરનો વિલંબ પણ તમે સહન ના કરી શકો પણ ઉતાવળમાં લીધેલું પગલું તમારી જીંદગી ખેદાન-મેદાન કરી નાંખે છે એ સમજવું જ રહ્યું.
જે વાંચકો ને શેક્સપિયરની મહાનત્તમ કૃતિ રોમિયો-જુલિયેટ નો ક્લાઈમેક્સ ખબર ના હોય તો ટૂંકમાં જણાવું..જેની ઉપરથી તમને અંદાજો આવી જશે કે પ્રેમમાં વગર વિચારે ભરેલું ઉતાવળું પગલું કેટલું જોખમી પુરવાર થઇ શકે છે.રોમિયો અને જુલિયેટ ની કથા બ્રિટનની છે એ તો આપ સૌ જાણતાં જ હશો..જુલિયેટ અને રોમિયો વચ્ચે નો સામાજિક ભેદ એમનાં મિલનને અશક્ય બનાવતો હતો.છતાં બંને એકબીજાને છેલ્લાં શ્વાસ સુધી સાથ નિભાવવાનું વચન આપી ચુક્યાં હતાં.
એ કથાનાં અંતમાં જ્યારે જુલિયેટ નાં એની મરજી વિરુદ્ધ લગ્ન થાય છે ત્યારે એ એક યુક્તિ મુજબ એક વૈદ્ય દ્વારા આપવામાં આવેલી બેહોશ થઈ જવાની દવા ખાઈ લે છે..જેથી બધાં ને એવું લાગે એ મરી ગઈ છે અને એને દફનાવી આવે..જ્યાંથી રોમિયો એને કબરમાંથી બહાર નીકાળી જાય..આ બધાં વિશે રોમિયો ને ખબર પહોંચાડવા વાળો વ્યક્તિ એની સુધી પહોંચે એ પહેલાં રોમિયો ને ખબર મળી કે જુલિયેટ મૃત્યુ પામી છે..તો ખરેખર એ મૃત્યુ પામી છે કે નહીં એ જાણ્યાં વગર એનાં મૃતદેહ ની જોડેજ રોમિયોએ ઝેર પી ને આત્મહત્યા કરી લીધી.
બેહોશ જુલિયેટ ભાનમાં આવી ત્યારે એને પોતાની જોડે પડેલાં રોમિયો ને જોયો..જેનાં હાથમાં ઝેરની શીશી હતી.જુલિયેટ આખી પરિસ્થિતિ સમજી ગઈ..હવે રોમિયો વગર જીવવું તો શક્ય હતું નહીં એનાં માટે તો જુલિયેટે પોતાની કટાર પોતાનાં પેટમાં ઘુસેડી આત્મહત્યા કરી લીધી..અને રોમિયો ની જોડે એનો મૃતદેહ પણ જમીન પર ફસડાઈ પડ્યો..રોમિયો નાં એક ઉતાવળાં નિર્ણયે એક સુંદર પ્રેમકહાનીનાં સુખદ અંજામ ને દુઃખદ બનાવી દીધો.
શિવ દ્વારા શ્રી ને કરવામાં આવેલો કોલ પણ એક એવો ઉતાવળો નિર્ણય હતો જેનું પરિણામ શિવે જીવનભર ભોગવવાંનું હતું.
શિવે શ્રી ને કોલ લગાવ્યો..પહેલી વખતમાં તો શ્રી એ કોલ રિસીવ ના કર્યો..પણ બીજો કોલ શિવે કર્યો એ સાથે જ બીજી જ રીંગે સામે છેડેથી કોલ રિસીવ થયો.
"Hello, શ્રી..અરે કેમ મેસેજ નો જવાબ નથી આપતી..તને ખબર તો છે હું તારાં વગર કેટલું એકલું મહેસુસ કરું છું.."કોલ પીકઅપ થતાં જ શિવ એકશ્વાસે હૈયાવરાળ ઠાલવતાં બોલ્યો.
શિવનાં આમ બોલવા પર સામેથી કોઈ પ્રતિભાવ મળવાનાં બદલે ફોન કટ થઈ ગયો..શિવ ને આ વસ્તુ વિચિત્ર લાગી.પણ એને વધુ વિચાર્યા વગર શ્રીને ફરીવાર કોલ લગાવ્યો..પણ આ વખતે સામેથી ફોન સ્વીચઓફ હોવાની કેસેટ સંભળાઈ.
"પહેલાં મેસેજ નો કોઈ જવાબ નહીં..પછી કોલ પર કંઈપણ ના બોલવું અને હવે ફોન સ્વીચઓફ..લાગે છે કોઈ પ્રોબ્લેમમાં હશે મારી શ્રી.."બે-ત્રણ પ્રયાસ પછી પણ શ્રીનો ફોન સ્વીચઓફ જ આવતાં શિવ મનોમન બબડયો.
પસાર થતી દરેક ક્ષણ શિવની ચિંતા વધારી રહી હતી..બેચેન બની એ પોતાનાં રૂમમાં આમથી તેમ આંટાફેરા મારવાં લાગ્યો..હવે આગળ પોતે શું કરશે એ શિવને સમજાઈ નહોતું રહ્યું..અને આવાં સમયે દરેક વ્યક્તિને સૌથી પહેલી યાદ આવે પોતાનાં ખાસ દોસ્તની..શિવ માટે સાગર એનો દોસ્ત નહીં ભાઈ હતો..શિવે પોતાનો મનનો ઉચાટ સાગરની જોડે વહેંચવા એને કોલ લગાવ્યો.
"Hello,સાગર..હું શિવ બોલું.."સાગર દ્વારા કોલ રિસીવ થતાં જ શિવ બોલ્યો.
"અરે મારામાં તારો નંબર સેવ છે..બોલ બોલ.."હસીને સાગર બોલ્યો.
"અરે ભાઈ એક વાત કહેવી હતી.."શિવ બોલ્યો.
"તો બક ને..એમાં વાટ શેની જોવે છે.."સાગર બોલ્યો.
"ભાઈ મેં પહેલાં ઈશિતા ને મેસેજ કર્યો તો એને કલાક સુધી કોઈ રીપ્લાય ના આપ્યો..આવું પહેલી વખત થયું હતું કે ઈશિતા મારાં મેસેજનો જવાબ ના આપે..બહુ રાહ જોયાં છતાં એનો મેસેજ ના આવતાં મેં એને કોલ કર્યો..પહેલી વખત તો એને કોલ રિસીવ ના કર્યો પણ બીજી વખત કોલ કર્યો ત્યારે એને ફોન તો રિસીવ કર્યો પણ એ કંઈ ના બોલી..જ્યારે ત્રીજી વખત મેં કોલ કર્યો તો એનો ફોન સ્વીચઓફ થઈ ગયો..ત્યારનો દસ વખત પ્રયાસ કરી ચુક્યો છે પણ એનો ફોન બંધ જ આવે છે.."શિવ ઉતાવળાં ઉતાવળાં બધું બોલી ગયો.
"અરે ભાઈ કોઈ કામમાં હશે એ..તું નકામો આટલો બધો લોડ ના લઈશ..એની ફોનની બેટરી ઉતરી ગઈ હશે.. ભાઈ એ તને કાલે મેસેજ કરશે..હવે mr.મજનુ શાંતિથી સુઈ જા.."સાગરે આટલું કહી કોલ કટ કરી દીધો.
સાગરની જોડે વાત કરીને શિવને થોડી ધરપત તો જરૂર થઈ છતાં મનને શાંતિ ના મળી..ઘણો સમય પડખાં બદલ્યા શિવને મહાપરાણે ઊંઘ આવી.
"કુછ હોશ નહીં રહતા,કુછ ધ્યાન નહીં રહતા..
ઈન્સાન મોહબ્બતમેં ઈન્સાન નહીં રહતા.."
સવાર પડી ચુકી હતી..શિવ નાં ઘણાં પ્રયત્નો છતાં પણ શિવનો પોતાની શ્રી સાથે સંપર્ક ના થઇ શક્યો.. શિવને આખો દિવસ આ વાતનાં લીધે ટ્રેઈનિંગ માં પણ મન ના લાગ્યું.
રાતે શિવે સાગરને કોલ કરી ગમે તે કરી ઈશિતા વિશે માહિતી મેળવવાં કહ્યું..કે કયાં કારણથી એનો ફોન સ્વીચઓફ આવી રહ્યો હતો .સાગરે જણાવ્યું કે પોતે એની માસીનાં ઘરે કેશોદ આવ્યો છે અને ચાર-પાંચ દિવસ પછી જ જૂનાગઢ જવાનો છેતો પોતાને તો ઈશિતા વિશે કોઈ જાણકારી નહીં જ મળે.
શિવે સાગર ની વાત સાંભળી કહ્યું જો એ જૂનાગઢની બહાર છે તો નિધિ ને બોલે કે ઈશિતા નાં ઘરે જઈ હકીકતમાં શું થયું છે શ્રી જોડે એની તપાસ કરે..તો એનાં જવાબમાં સાગરે જણાવ્યું કે નિધિ પણ એક વિકથી જામનગર ગઈ છે પોતાના મામા નાં ઘરે..અને એ પણ બીજાં એક અઠવાડિયા સુધી જૂનાગઢ નહોતી જ આવવાની.
સાગર ની વાત સાંભળ્યાં બાદ હવે જ્યાં સુધી ઈશિતા સામેથી સંપર્ક ના કરે ત્યાં સુધી રાહ જોયાં વીનાં કોઈ છૂટકો શિવ જોડે વધ્યો નહોતો.પોતે ત્રણ દિવસ પછી સાંજે છ વાગે જૂનાગઢ બસ સ્ટેશનમાં આવવાનો છે એવો એક મેસેજ શ્રીને કરી દીધો.
પાંચ દિવસ સુધી શિવની ઉપર ના શ્રીનો કોલ આવ્યો..ના કોઈ મેસેજ..૫ દિવસ,૧૨૦ કલાક,..૭૨૦૦ મિનિટ,..૪,૩૨,૦૦૦ સેકંડ..દરેક સેકંડ શિવે પોતાની શ્રી ને યાદ કરી હતી..આખરે શ્રી ને શું થયું હશે એ વિચારી શિવ નું મન બેચેન થઈ ગયું હતું.
"આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે…."
શિવ માટે હવે પોતે ક્યારે જૂનાગઢ પહોંચે અને ક્યારે એ જઈને જાણે કે પોતાની શ્રી જોડે આખરે થયું શું હતું..આ સવાલોનાં જવાબ શોધવા શિવ પોતાનું સઘળું કામ અને ટ્રેઈનિંગ પૂર્ણ કરી સર્ટિફિકેટ મળતાં જ બપોરે બાર વાગે ગીતા મંદિરથી અમદાવાદ થી જૂનાગઢ જતી બસમાં ગોઠવાઈ ગયો.
ભૂતકાળમાં શિવની બસ જ્યાં અમદાવાદથી જૂનાગઢ આગળ વધી રહી હતી..તો વર્તમાનમાં શિવ આ વિશે વિચારતાં વિચારતાં ફ્લાઈટમાં સુઈ ગયો..અમદાવાદથી શિમલા જતી ફ્લાઈટ નો દિલ્હી બે કલાક જેટલો હોલ્ટ હતો..ફ્લાઈટ દિલ્હીમાં જેવી લેન્ડ થઈ એ સાથે જ શિવની આંખો ખુલી ગઈ..ઘણાં દિવસે આજે શિવને સળંગ ઊંઘ આવી હતી.
નવી દિલ્હીનાં ઈન્દીરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઈ..એટલે શિવ હમીર ની સાથે વેઈટિંગ રૂમમાં બેઠો..બે કલાક સુધી શિવ મોબાઈલમાં સમય પસાર કરવાં pub-g રમતો રહ્યો..આખરે દિલ્હી થી શિમલા જતી ફ્લાઈટ નું એનાઉન્સમેન્ટ થયું એટલે બીજાં પ્રવાસીઓની સાથે શિવ અને હમીર પણ જઈને પ્લેનમાં ગોઠવાયાં.
દિલ્હીથી શિમલાનો રૂટ માંડ બે કલાક જેટલો હતો..પણ આ બે કલાક દરમિયાન શિવ પોતાનાં એ ભૂતકાળને યાદ કરવાં લાગ્યો જે એની જીંદગી ને ધરમૂળથી ફેરવી નાંખનાર સાબિત થયો..એની શ્રીનું પોતાનાંથી અલગ થવાનું કારણ શિવનાં એ ભૂતકાળમાં મોજુદ હતું.
"એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !"
★★★★★★★
વધુ નવાં અધ્યાયમાં.
કઈ રીતે શિવ અને શ્રીની પ્રેમકહાનીને ગ્રહણ લાગવાનું હતું..?શિમલામાં શિવની સાથે શું થશે..?શિવ અને ઈશિતાની પ્રેમ કહાની નો શું અંજામ આવ્યો હતો..?આખરે ઈશિતા ક્યાં હતી..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.
આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)