No return-2 Part-92 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન- ૨ ભાગ-૯૨

Featured Books
Categories
Share

નો રીટર્ન- ૨ ભાગ-૯૨

નો રીટર્ન-૨

ભાગ-૯૨

અમે હાંફી રહયા હતાં. એકધારું સીધું ચઢાણ ચઢવું આસાન કામ નહોતું. એમાં પણ આડબીડ ઉગેલાં ઘેઘૂર વૃક્ષો અને ગીચ ઝાડીઓ અમારી રાહ મુશ્કેલ બનાવતાં હતાં જેના લીધે કેટલીય વખત અમારે રસ્તો બદલવો પડયો હતો. એ કારણે અમે ધાર્યુ હતું તેનાં કરતાં પણ ઉપર ચઢવામાં વધું સમય લાગતો હતો. અનેરી ઘોડા ઉપરથી નીચે ઉતરી ગઇ હતી કારણકે તેનો ઘોડો વારેવારે અટકી જતો હતો. એ મૂંગા પ્રાણીને પણ પારાવાર તકલીફ થતી હતી. એકધારું સીધું ચઢાણ કાપવાથી તેનાં શરીરને જબરો શ્રમ પડતો હતો. તેની કાળી.. ભૂખરી.. લીસી ત્વચામાંથી પરસેવો ઉભરાતો હતો. સખત હાંફ ચઢવાથી તેનાં મોઢામાંથી સફેદ ફીણ ઉભરાવું શરૂ થયું હતું. અમને ખબર નહોતી પડતી કે એ જાનવરનું અમારે શું કરવું જોઇએ..? જો એ અધવચ્ચે ફસડાઇ પડે તો અમારી હાલત બદથી પણ બદતર થયાં વગર રહેવાની નહોતી કારણકે આ ભયાનક જંગલમાં પગપાળા ચાલવું કંઇ ખાવાનાં ખેલ નહોતાં. એટલે જ અનેરી નીચે ઉતરી ગઇ હતી જેથી એ જાનવરને વધું તકલીફ ન ઉઠાવવી પડે અને આખર સુધી તે અમારો સાથ નિભાવે.

અમે જેમ જેમ ઉપરની તરફ ગતી કરતાં હતાં તેમ તેમ સૂરજનો પ્રકાશ આછો થતો જતો હતો અને વરસાદની ધીમી ધીમી બૂંદાબૂંદી શરૂ થઇ હતી. જેના લીધે રસ્તા લપસણાં અને ચીકણાં બનતાં જતાં હતાં. આવું થવાનું એક કારણ એ પણ હતું કે પર્વતની ટોચ તરફ બરફ છવાયેલો હતો. એ બરફાચ્છાદીત વિસ્તારનાં કારણે ત્યાનું વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું હતું. પર્વતનાં શિખર પરથી ઉઠતાં ઠંડા પવનો વાદળોને ઠારીને વરસાદમાં પરાવર્તિત કરતાં હતાં અને એ કારણે સતત વરસાદ વરસવો શરૂ થયો હતો. વરસાદનાં લીધે તો અમારી મુશ્કેલીઓમાં ઔર વધારો થયો હતો. એક તો મહા મુસીબતે અમે ઉપર ચઢી રહ્યાં હતાં તેમાં હવે વરસાદ રૂપી આફત ઉમેરાઇ હતી. અમે લગભગ આખા ભિંજાઇ ચૂકયાં હતાં અને ઠંડી લાગવી શરૂ થઇ હતી. અનેરી અને હું ભિંજાયેલી હાલતમાં ઠંડીથી થરથર ધ્રૂજતાં એક એક ડગલું માંડ આગળ વધી શકતાં હતાં. રસ્તામાં આવતાં ઝાડી- ઝાંખરા, વૃક્ષોની આડાશ, ચીકણી જમીન અને તેમાં ખોડાયેલાં પથ્થરો અને શિલાઓ, ઉભુ અને સીધુ થકવી દેનારું ચઢાણ, વરસાદ અને ઉપરથી વાતો ઠંડો પવન... આવી તો કેટલીય વિષમ પરિસ્થિતિઓનો સામનો કરતાં અમે સતત આગળ વધતાં રહ્યાં હતાં.

આખરે... બપોર ઢળતાં સુધીમાં અમે જંગલ પાર કર્યું હતું અને રૂ જેવા પોચા બરફનાં ઇલાકામાં પ્રવેશ કર્યો હતો. એ નજારો અદભૂત હતો. જંગલ એકાએક જ ખતમ થયું હતું અને અમારી નજરો સમક્ષ દૂર દૂર સુધી બરફ જ બરફ છવાયેલો દેખાતો હતો. ધીમા વરસતાં વરસાદની વચ્ચે આ દ્રશ્યની કલ્પનાં કરવી પણ મુશ્કેલ હતી કે એમેઝોનનાં વર્ષાવનોમાં આવી પણ કોઇ જગ્યાં હોઇ શકે, જ્યાં એકલો બરફ જ છવાયેલો હોય..! અને એ પણ કોઇ પર્વતનાં શિખરે...! હું અને અનેરી અચંભિત બનીને અમારી નજરો સમક્ષ દેખાતો નજારો જોઇ રહ્યાં. સામાન્યતહઃ હિમાલયની પર્વતમાળાઓમાં આવો નજારો જોવા મળે, અથવા આલ્પ્સનાં શિખરો ઉપર આટલો બરફ છવાયેલો હોય...! તમે કલ્પના તો કરો કે, એ કેવી પર્વતશૃંખલાં હશે જેમાં નીચે તળેટીમાં ઘેઘૂર વૃક્ષોનો જમાવડો હોય અને ઉપર ટોચ તરફ જતાં એકલો બરફ જ બરફ છવાયેલો હોય...!! અદભૂત અને આશ્વર્યની ચરમસીમા સમાન દ્રશ્ય અમારી આંખો સમક્ષ દેખાતું હતું. જાણે કુદરતનો કોઇ અનન્ય કરિશ્મા જ જોઇ લો...!

અને... આ તો હજું કંઇ નહોતું...! એથી પણ મોટુ આશ્વર્ય તેની ઉપર દેખાતું હતું. બરફની પેલે પાર... પર્વતનાં શિખર તરફ... જંગી વાદળોનો જમાવડો થયો હતો. એ વાદળોએ પર્વતનાં શિખરને રીતસરનું પોતાનામાં સમાવી લીધું હતું. પર્વતની ટોચ એ વાદળોનાં સમુહ નીચે દટાયેલી હતી. જે રીતનું વર્ણન પેલા દસ્તાવેજોમાં કરાયું હતું બિલકુલ એવું જ એ દ્રશ્ય હતું. મારાં દિલની ધડકનો એકાએક વધી ગઇ હતી કારણકે અમે ખજાના વાળા પર્વતમાં યોગ્ય દિશાએ આવી પહોચ્યાં હતાં. એનો મતલબ એ પણ નિકળતો હતો કે જે કોઇએ પણ એ દસ્તાવેજ લખ્યો હશે તેણે પોતે આ નજારો પોતાની સગ્ગી આંખોએ નિહાળ્યો હશે..! તો જ આટલું સચોટ વર્ણન કોઇ કરી શકે ને...! હું અભિભૂત બનીને એ વ્યક્તિને વંદી રહ્યો.

“ પવન...! બરફને પેલે પાર, વાદળો વીંધીને આપણે ખજાના સુધી કેવી રીતે પહોચીશું..? “ અનેરીએ મને પુંછયું. તેની આંખો પણ વિસ્મયથી અંજાયેલી હતી. કદાચ મારી જેમ એ પણ વધું વિચારવાની હાલતમાં નહોતી. અદભૂત... અલૌકીક... કુદરતનાં અનન્ય કરીશ્મા સમાન સ્થળ જોઇને એ આશ્વર્યમૂઢ બની ગઇ હતી. તેનાં જહેનમાં પ્રશ્ન ઉદભવ્યો હતો. મારી પાસે એ પ્રશ્નનો કોઇ જવાબ નહોતો. હું ખુદ અસમંજસમાં હતો કે બરફનાં આ રેગિસ્તાનને કેવી રીતે પાર કરીશું..? બરફ એટલો પોચો હતો કે તેમાં પગ મુકતાં જ અમારા પગ અંદર સુધી ધસી જતાં હતાં. આવી બરફની ચાદર ઉપર ચાલવું એટલે સામેથી પોતાનાં મોતને આમંત્રણ આપવા બરાબર હતું. કોણ જાણે ક્યારે તમે બરફની અંદર સમાઇ જાઓ અથવા ઉપરથી ખળભળીને બરફ તમને પોતાની આગોશમાં સમાવી લે...! વિકટ સ્થળ અને એનાથી પણ વિકટ સંજોગો હતાં.

“ જરૂર કોઇક રસ્તો હશે...! “ સાવ અનાયાસે, હાં... સાહજીક રીતે પણ સાવ અનાયાસે મારા મો માંથી શબ્દો નિકળ્યાં હતાં. મને ખુદને ખ્યાલ નહોતો રહ્યો કે હું શું બોલ્યો, છતાં... એક રસ્તો મને સૂઝયો હતો. જો ખરેખર કોઇ ખજાનો હશે તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો પણ હોવો જ જોઇએ. તેમાં કોઇ બેમત ન હોઇ શકે. કોઇ વ્યક્તિ આ બરફનાં ઢગને પાર કરીને ટોચ સુધી જઇ જ ન શકે કારણકે આ તો ભયાનક મોતને હથેળીમાં રમાડવાની વાત હતી. અને જો એવું હોય તો ચોક્કસ ઉપર પહોંચવાનો બીજો કોઇ માર્ગ હોવો જ જોઇએ.

“ મતલબ...? “ અનેરીએ અસમંજસથી પુંછયું.

“ મારું મન કહે છે કે કોઇક તો રસ્તો હશે જ, જે આપણને વાદળોની પેલે પાર લઇ જશે. આપણે એ રસ્તો ખોળવો પડશે. “

“ પણ.. એવું તું ક્યા આધારે કહે છે...? “

“ કોઇ જ આધાર નથી. પરંતુ મને એટલું સમજાય છે કે જો કોઇ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ જરૂર ઇશ્વરે ઘડી જ રાખ્યો હોય છે. અહી પણ ચોક્કસ એવું જ હશે. ખજાનો ભલે વર્ષોથી આ પર્વતમાં દફન હોય, પરંતુ એ ખજાના સુધી પહોંચવાનો કોઇને કોઇ માર્ગ તો હોવો જ જોઇએ...અથવા તો કોઇ એવો ઉકેલ હશે જે આપણી સમજમાં હજું સુધી નથી આવ્યો. આપણે એ માર્ગ શોધવો પડશે. “ હું મારી વાત બરાબર સમજાવી નહોતો શકયો પરંતુ મનમાં એક આશા ઉદભવી હતી કે જો અમે અહી સુધી જીવીત પહોચી શકયા છીએ તો ખજાના સુધી પણ જરૂર પહોચીશું જ. એ કેમ કરતાં થશે તેનાં પ્રયત્નો અમારે કરવાનાં હતાં. “ એક કામ કરીએ, આ બરફની ચાદરની ધારે ધારે આગળ વધતાં જઇએ અને તપાસ કરીએ કે કોઇ રસ્તો મળે છે કે નહી. “ મેં એક સૂઝાવ આપ્યો. અનેરી તરત તૈયાર થઇ અને અમે અમારી જમણી દિશામાં જવાનું નક્કી કર્યુ. ડાબી તરફ અમે જઇ શકીએ તેમ નહોતાં કારણેકે એ તરફ તો કાર્લોસ અને એના નો સામનો થવાનો ભય હતો.

અનેરીએ ઘોડાને જમણી તરફ વાળ્યો અને અમે એ તરફ ચાલવાનું શરૂ કર્યું. ત્યારે ખબર નહોતી કે એ દિશામાં શું હશે અને અમને કોઇ રસ્તો મળશે કે નહી..?

@@@@@@@@@@@@@

બરાબર એ સમયે જ કાર્લોસ અને એના પણ અમારી દિશામાં આવવા નિકળી પડ્યા હતાં. પર્વત ઉપર છવાયેલો અધધધ્... બરફનો જથ્થો જોઇએ તેઓ નિરાશ થયા હતાં અને ઉપર ચઢવાનો કોઇ સરળ માર્ગ મળે એ ગણતરીએ તેઓ આગળ વધ્યા હતાં.

@@@@@@@@@@@@@

થાકીને ચૂર- ચૂર થઇ જઇએ ત્યાં સુધી અમે એકધારું ચાલ્યાં હતાં. લગભગ બે કલાકની મેરેથોન દડમઝલને અંતે અમે એક એવી જગ્યાએ આવી પહોચ્યાં હતાં જ્યાં બરફનો જમાવડો ઓછો હતો. એ દ્રશ્ય જોઇને અમારા હૈયામાં ટાઢક વળી હતી કારણકે અહી બરફ થોડો સખત હતો અને બરફ વચાળે ઠેક ઠેકાણે કાળા અને ભૂખરા પથ્થરોની ટોચો બહાર નિકળેલી દેખાતી હતી. મતલબ કે અમે એ પથ્થરો ઉપર થઇને પર્વત ચઢી શકીએ એમ હતાં. અમારા આનંદનો કોઇ પાર નહોતો રહ્યો. આખરે અમને ઉપર જવાનો એક આછો- પાતળો માર્ગ મળ્યો હતો. અમે જોયું કે એ પથ્થરો એકદમ સીધી લાઇનમાં અને ઉપર સુધી... જ્યાં સુધી અમારી નજરો પહોંચે ત્યાં સુધી પથરાયેલાં હતાં. આ એક આશ્વર્યજનક બાબત હતી. આવી રીતે એક જ દિશામાં અને સરખી લાઇનમાં પથ્થરો ગોઠવાયેલાં કેવી રીતે હોઇ શકે એ અમારી સમજ બહારની વાત હતી. સામાન્યતહઃ પર્વતો ઉપર કે જંગલોમાં આવી ગોઠવણ ત્યારે જ જોવા મળે જ્યારે કોઇએ પ્રયત્ન પૂર્વક એ રીતની ગોઠવણ કરી હોય...! તો શું અહી કોઇ આવ્યું હશે...? અથવા તો કુદરતની આ કોઇ નવી કરામાત છે..? અમે નહોતાં જાણતાં અને અમારી પાસે એટલો સમય પણ નહોતો કે એ બાબતે વધું વિચાર મંથન કરીએ. અમે તો એ પથ્થરોનાં આધારે ઉપર જવાનું નક્કી કરી લીધું હતું અને તૈયારીઓ આરંભી હતી. સૌથી પહેલાં તો ઘોડા બાબતે અમારે વિચારવાનું હતું. ઘોડાને આ દૂર્ગમ રસ્તે ઉપર સુધી લઇ જવો શક્ય જ નહોતું કારણકે એ મુંગું જાનવર અત્યંત સાંકડા પથ્થરોનાં આધારે ઉપર ચઢી શકે નહી. વળી ઉપર તેની કોઇ જરૂર પણ જણાતી નહોતી એટલે તેને અહી નીચે જ રાખવાનું નક્કી કર્યું. ઘોડાને આમ નિરાધાર છોડતાં દુઃખ થતું તો હતું પરંતુ એ સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નહોતો. નિર્ણય કરીને અમે થોડા નીચે, જંગલ તરફ ઉતર્યા અને એક મોટા થડીયા વાળા વૃક્ષ સાથે ઘોડાને બાંધ્યો. તેનાં ગળામાં બાંધેલુ દોરડું લાંબુ રાખ્યું જેથી અમારે નીચે આવવામાં મોડું થાય તો એ જાનવર ત્યાં આસપાસ ઉગેલું ઘાસ સરળતાથી ખાઇ શકે અને તેનાં સર્વાઇવલનો પ્રશ્ન ઉભો ન થાય. ઉપરાંત થડ સાથે દોરડાની ગાંઠ એવી રીતે બાંધી કે જંગલમાં વસતા કોઇ હિંસક પ્રાણીથી તેને ખતરો ઉભો થાય તો થોડા પ્રયત્નોએ તે દોરડું છોડાવીને ત્યાંથી ભાગી શકે.

એ પ્રશ્ન ઉકેલીને અમે ફરીથી પેલાં પથ્થર નૂમા માર્ગ સુધી આવ્યાં હતાં અને સાવધાનીથી ઉપર ચઢવાનું શરૂ કર્યું. જો તમે ક્યારેય પર્વતારોહણ કર્યું હોય તો જ તમને ખ્યાલ આવે કે એક સાવ અજાણ્યાં અને અવાવારું માર્ગે બરફમાં ચાલવું, અને એ પણ બરફમાં ખૂંપેલા પથ્થરોની ટોચે પગ મૂકીને... બેલેન્સ બનાવીને... ઠંડા વહેતાં પવનોથી પોતાની જાતને સુરક્ષીત રાખતાં.. કેટલું કઠીન કામ છે..! અમે પડીએ તો પણ વાગે એવું નહોતું કારણકે બરફમાં જ પડવાનાં હતાં પરંતુ એ ખ્યાલ નહોતો આવતો કે જો બરફમાં ખૂંપી ગયા તો અમારાં શું હાલ થાય..! બસ એ ડરનાં કારણે જ અમે અમારું બેલેન્સ જાળવતાં પથ્થરોનાં સહારે ધીમે ધીમે આગળ વધતાં જતાં હતાં.

ચારેકોર સફેદ ઝગ બરફની ચાદર હતી. તેમાં વચ્ચે પથ્થરો ખૂંપાવીને જાણે કોઇ સીડી અથવા કાચી સડક બનાવવાની કોશિશ કરી હોય એવો રસ્તો હતો. એ રસ્તો ઉપર તરફ... વાદળોની અંદર જતો હતો. અહીથી જ અમને દેખાતું હતું કે થોડીવારમાં અમે પણ એ વાદળોને વિંધીને તેની પેલી પાર પહોચી જઇશું. એ નજારો... એ અનૂભવ... એ અહેસાસ અંદરથી ડર મિશ્વિત રોમાંચ જગાવતો હતો. એમેઝોન ફોરેસ્ટમાં પ્રવેશ્યાં ત્યારથી સતત અમારો સામનો અવિશ્વનિય ઘટનાઓ સાથે થયો હતો એટલે હવે આનાથી વધું પણ આશ્વર્યજનક કંઇક હોઇ શકે તેની ઇંતેજારી રહેતી હતી. વાદળોની અંદર, મતલબ કે પર્વતની ટોચે સમથળ જગ્યા છે એવું દસ્તાવેજોમાં લખેલું હતું. અને એ સમથળ જગ્યામાં જ પરાપૂર્વે ધ્વસ્ત પામેલી સૂવર્ણ નગરીનાં અવશેષો દટાયેલાં છે એ પણ અમને ખબર હતી એટલે જ્યારે અમે એ જગ્યાએ પહોંચીશું ત્યારે એ દટાયેલો ખજાનો અચાનક અમારી સમક્ષ ઉજાગર થશે અને અમે તેનાં માલિક બની જઇશું એ ખ્યાલ અમારા પગને ધક્કો મારીને આગળ વધવા મજબૂર કરતાં હતાં.

જબરજસ્ત ઠંડીથી અમે બન્ને થરથર ધ્રૂજતાં હતાં. અમારી પાસે ગરમ કપડા નહોતાં કે નહોતાં ઠંડીથી બચવાનાં કોઇ ઉપાયો. સામાન્ય પહેરવેશમાં આ દોજખ જેવી કાતિલ ઠંડીનો સામનો કરવો એ સૌથી કપરું કામ હતું. પરંતુ.. અમે એકધારા આગળ વધતાં રહ્યાં હતાં. કોઇને કહ્યું હોય કે અમે નોર્મલ કપડામાં બરફનો ડુંગર ચઢતાં હતાં તો કોઇ અમારી વાતનો વિશ્વાસ ન કરે, અરે.. અમને ગાંડા ગણીને હસી નાંખે. પરંતુ એ સત્ય હકીકત હતું. અમે પર્વતની ટોચે છવાયેલાં વાદળોની એકદમ નજીક આવી પહોચ્યાં હતાં અને એ પણ માત્ર અને માત્ર અમારાં મજબૂત મનોબળનાં કારણે જ.

@@@@@@@@@@@@@@@@@@@@@

ઘનઘોર કાળા... સફેદ... વાદળી... વાદળોની નીચલી સપાટીને અમારાં માથાં અટકયાં. વાદળોનો એ સમૂહ વર્ષોથી જાણે અહી જ જામેલો હોય અને સદીઓનાં વહાણાં વીતી જવાં છતાં તેમાં કોઇ ફેરફાર થયો ન હોય, એમ તેની સતહ જામી ગઇ હોય એટલી કઠણ હતી. સામાન્યતહઃ વાદળો એ પાણીનું બાસ્પિભવન સ્વરૂપ જ હોય છે, પરંતુ અહી એવું નહોતું. આ વાદળો કઠણ હતાં અને જબરજસ્ત ઠારનાં કારણે થીજી ગયા હોય એવું લાગતું હતું. અમે ધીરે- ધીરે સાવધાનીથી ઉપર ચઢતાં એ વાદળોનાં સમુહની અંદર સમાતા ગયાં.

એ અનૂભવ અલૌકીક હતો. ખબર નહોતી પડતી કે અમારે ડરવું જોઇએ કે પછી આ પરિસ્થિતિનો આનંદ ઉઠાવવો જોઇએ..? એક અલગ જ અનુભુતીએ અમારા દિલો દિમાગ ઉપર કબજો જમાવી દીધો હતો. હવે જાણે અમે પોતે કશું જ કરતાં નહોતાં, પરંતુ બધુ આપોઆપ બનતું જતું હોય એવું મહેસૂસ થતું હતું.

અમે વાદળોની સતહ પાર કરીને અંદર સમાઇ ગયાં હતાં. અંદર સંપૂર્ણપણે ઘોર અંધકાર હતો. એક ફૂટ આગળ શું છે એ પણ દેખાતું ન હતું. અમારા પગ આપમેળે જ આગળ વધતાં હતાં જાણે કોઇક રિમોટ કંન્ટ્રોલથી ચલાવી રહ્યું ન હોય..! વાદળોમાં કંઇ જ નહોતું. હતો તો ફક્ત એક ઘોર અંધકાર અને અનંત શાંતિનો સાક્ષાત્કાર. લગભગ મદહોશ દશામાં જ અમે વાદળોને પાર કર્યા હતાં. એ અનૂભવ પરાવલૌકીક હતો. જાણે અમે સ્વર્ગની સીડીઓ ચઢીને... વાદળો વિંધીને... કોઇ અલગ જ દૂનિયામાં આવી પહોચ્યાં હોઇએ એવું લાગતું હતું.

પરંતુ... એ પછીનું દ્રશ્ય હાજા ગગડાવી નાંખે એવું હતું. જેવાં અમે એ વાદળોની પરત વિંધીને પેલે પાર પહોચ્યાં કે હદય ઉછળીને અમારા ગળામાં આવી ગયું. ભયાનક ડર અને ખૌફનું એક લખલખું શરીરમાંથી પસાર થઇ ગયું. એક અસંભવ સમાન દ્રશ્ય અમારી નજરો સમક્ષ ખડૂ હતું. અને અમે... ફાટી આંખોએ એ દ્રશ્ય નિહાળી રહ્યાં હતાં.

@@@@@@@@@@@@

બરાબર એ ક્ષણે, અમે જ્યાં અમારા ઘોડાને બાંધ્યો હતો ત્યાં, કાર્લોસ અને એના આવી પહોચ્યાં હતાં. એમણે પણ તેનાં ઘોડાને અમારા ઘોડાની બાજુમાં બાંધ્યો અને અમારી પાછળ... અમારા પગલાની છાપ દબાવતાં પથ્થરોનાં રસ્તે ઉપર ચઢવું શરૂ કર્યું હતું.

( ક્રમશઃ )

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન