Hashtag love - 19 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હેશટેગ લવ - ભાગ-૧૯

Featured Books
Categories
Share

હેશટેગ લવ - ભાગ-૧૯

હેશટેગ લવ " ભાગ-૧૯

કૉલેજ છૂટી અને અમારા મળવાના નિર્ધારિત સમયે હું કૉલેજના ગેટની બહાર આવીને ઉભી રહી ગઈ. મને આશા હતી કે અજય મને મળવા માટે આવશે જ. થોડીવારમાં જ એ સ્કૂટર લઈને ત્યાં આવી ગયો. આજે અજયને એટલા બધાં દિવસે જોયા બાદ પણ મને પહેલા જેવો આનંદ નહોતો થતો. આજે મારી આંખોમાં, મારા વિચારોમાં જાણે સુસ્મિતા આવીને વસી ગઈ હોય એમ લાગ્યું. અજયને પણ શકની દૃષ્ટિએ જોવા લાગી. 
અજય મારી નજીક આવ્યો. અને પૂછ્યું :
"ક્યાં હતી યાર આટલા દિવસથી, કેટલા દિવસ થયા તને મળે. તારી હોસ્ટેલની બહાર પણ ચાર-પાંચ વાર ગયો હતો. ત્યાં પણ તું ના દેખાઈ. શું થયું છે ?"
અજયના એકસામટા પ્રશ્નોના જવાબ આપવા અત્યારે શક્ય નહોતા. એટલે એને ટૂંકમાં જ જણાવી દીધું : 
"ઘરે ગઈ હતી. પહેલાં અહીંયાંથી બીજે ક્યાંક જઈએ અને પછી બધી વાત તને કરીશ."
અજય મારી વાત માની ગયો. એ સ્કૂટર તરફ ચાલવા લાગ્યો અને હું તેની પાછળ. અજયે સ્કુટરને અગાઉ ગયા હતાં એ હોટેલ ના રસ્તે જવા દીધું. મેં અજયને કહ્યું : 
"અજય આજે આપણે હોટેલમાં નથી જવું. બીજે ક્યાંક જઈએ."
મારી વાત સાંભળી અજય સ્કુટરને રોડની સાઈડમાં લઈ જઈ ઉભું કરી દીધું અને કહ્યું :
"કેમ ? કેટલા બધા દિવસે આપણે મળીએ છીએ ? અને તું બીજે ક્યાંક જવાની વાત કરે છે ?"
"મારે તારી સાથે શાંતિથી બેસીને વાત કરવી છે." થોડા ગુસ્સા ભર્યા સ્વરે મેં અજયને કહ્યું.
"તો હોટેલની રૂમમાં પણ શાંતિ જ હોય છે ને ? બહાર કરતાં ત્યાં વાત કરવી વધુ સારી પડશે." અજય મને હોટેલમાં લઈ જવાની તૈયારી સાથે મનાવતા કહ્યું.
મેં જવાબ આપ્યો : "ના, આપણે છેલ્લા કેટલાય સમયથી હોટેલમાં જ જઈએ છીએ, અને હવે તો વાતો સિવાય બીજું બધું જ કરીએ છીએ. પણ આજે મારે ફક્ત વાતો જ કરવી છે. પહેલાની જેમ !"
અજય સમજી ગયો હતો મારી જીદને. તેની પાસે મનાવવાનો કોઈ રસ્તો બચ્યો નહિ. અને છેલ્લે તેને મારી સામે ઝુકવું જ પડ્યું. થોડા ગુસ્સા અને વીલા મોઢે તેને કહ્યું : "સારું, આ રસ્તા ઉપર આગળ એક બગીચો છે ત્યાં જઈને બેસીએ."
દસ મિનિટની સફરમાં અમે એ બગીચામાં જઈને બેઠા. ત્યાં શાંતિ હતી. લોકોની અવર જવર પણ ઓછી હતી. અજયનો ચહેરા ઉપર હજુ ગુસ્સો વ્યાપેલો હતો. તેના ગુસ્સાનું કારણ પણ હું જાણતી હતી. છેલ્લા કેટલાય દિવસથી એ શરીર સુખ માટે તડપી રહ્યો છે. અને આટલા દિવસે આજે મળ્યા બાદ પણ મારો ઇનકાર એનો ગુસ્સો વધારી રહ્યો હતો. ગુસ્સા ભર્યા સ્વરે જ તેને મને કહ્યું :
"બોલ શું વાત હતી ?"
મેં એને હોસ્ટેલ પર બનેલી આખી ઘટના જણાવી. સુસ્મિતા સાથે જે કંઈપણ થયું એ પણ અજયને જણાવ્યું. મને આશા હતી કે સુસ્મિતા વિશે જાણ્યા બાદ વિવેક માટે તેને ગુસ્સો આવશે. અને સુસ્મિતા માટે સહાનુભૂતિ જન્મશે. પણ એમાનું કંઈજ ના બન્યું. એનાથી સાવ ઊલટું જ બન્યું અને અજયે મને કહ્યું :
"તો તું પણ સુસ્મિતાને જે થયું એના કારણે હવે મને મળતાં ડરે છે. તે પણ મને વિવેક જેવો જ સમજી લીધો છે. અને એટલે જ મને જણાવ્યા વિના ઘરે ચાલી ગઈ. આવી ને પણ હોટેલના બદલે બીજે ક્યાંક જવાનું કહ્યું." 
અજયની આંખોમાં ડર અને શબ્દોમાં મારા માટેનો ગુસ્સો દેખાઈ રહ્યો હતો. મને પણ એજ સમયે ત્યાંથી ચાલ્યા જવાનું મન થયું. પણ હજુ મને અજય પાસે પ્રેમની આશા હતી.  અને એટલે જ એને શાંત કરતાં મેં પણ કહ્યું :
"અજય તું મારી પરિસ્થિતિ ને તો સમજ. અમારા રૂમમાં રહેતી, મારી બહેન જેવી સુસ્મિતાને મેં ખોઈ છે, અને એવા સંજોગોમાં હું તને કેમ કરી મળવા આવું ? ના તો તે મને ક્યારેય તારો કોઈ ફોન નંબર આપ્યો છે ના ક્યારેય કોઈ નક્કી જગ્યા  ! કે જ્યાં હું તને કોઈ સંદેશો પહોંચાડી શકું. અને આ બધું આટલું અચાનક બની ગયું કે મને શું કરવું એની જ ખબર ના રહી. હોસ્ટેલ ઉપર અમે સૌ ડરી ગયા હતાં. અને એટલે જ મેડમે અમને થોડા દિવસ ઘરે જવા માટે કહ્યું. ઘરે ગઈ ત્યાં પણ સાવ નિરાશ જ ફર્યા કરી. મમ્મી પપ્પા કોઈ સાથે વાત કરવાનું પણ મન નહોતું થતું. દરેક ક્ષણે મને સુસ્મિતાના જ વિચારો આવતા."
"જે થઈ ગયું છે એ થઈ ગયું, બદલી શકાવાનું નથી. વાંક જેનો પણ હોય. હવે શું ફાયદો ? આપણે શું કામ આપણો સમય બગાડીએ છીએ ? જો તને પણ એમ લાગતું હોય કે હું વિવેક જેવો જ હોઈશ, તને પણ મારા ઉપર વિશ્વાસ ના હોય તો તું મને છોડી શકે છે !"
અજય મારી વાતનો ભાવ સમજી ગયો હતો. તેને લાગતું હતું કે સુસ્મિતા સાથે જે બન્યું છે તેના કારણે હું પણ કદાચ હવે તેનાથી દૂર થઈ જઈશ અને એટલે જ તેને વિશ્વાસની વાત મૂકીને બદલાતા સ્વરે ગુસ્સા સાથે આમ બોલ્યો.
મેં પણ એની વાતનો જવાબ આપતાં કહ્યું :
"અજય મને તારી ઉપર વિશ્વાસ હતો અને એટલે જ આટલા સમયથી તારી સાથે જોડાયેલી છું. તારી બધી જ ઈચ્છાઓ મેં પૂરી કરી છે. બધું જ તને સોંપી દીધું છે. કેમ ? કારણ કે મને તારી ઉપર વિશ્વાસ હતો. હું તારા વિશે કેટલું જાણું છું ? છતાં... છતાં મેં તને મારી જાત પણ સોંપી દીધી. કેમ ? તારા ઉપર રહેલા વિશ્વાસના કારણે. અને તું એમ કહે છે કે 'છોડી શકે છે તું મને !' અજય મારે તને છોડવો હોત તો જ્યારે પહેલીવાર તે મારા શરીરની માંગણી કરી ત્યારે જ હું તને છોડી દેતી. પણ મેં તને પ્રેમ કર્યો છે. અને પ્રેમ જ વિશ્વાસનું બીજું નામ છે. અને આ વિશ્વાસે જ આજે હું તારી સાથે બેઠી છું. તને બધું જ સોંપી ચુકી છું. પણ હા... સુસ્મિતા સાથે જે બન્યું તેના કારણે હવે મને ડર લાગે છે. સુસ્મિતા પણ મુંબઈમાં ભણવા માટે જ આવી હતી. પણ આ એના પ્રેમના કારણે એને પોતાનો જીવ પણ ખોવો પડ્યો. એ વિવેકને નિઃસ્વાર્થ ચાહતી રહી અને વિવેક એના શરીર સાથે, એની ભાવનાઓ સાથે રમતો રહ્યો. હું પણ અજય અહીંયા ભણવા જ આવી છું. મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હું કોઈને પ્રેમ પણ કરીશ. છતાં મને તું મળ્યો. અને આપણો સંબંધ આગળ વધતો ગયો. મારા પહેલા વર્ષનું રિઝલ્ટ પણ એકદમ ખરાબ આવ્યું. માંડ પાસ થઈ. છતાં પણ મને એ રિઝલ્ટની ચિંતા નહોતી. મને તને મળવાની, તારી સાથે વાત કરવાની ઉત્સુકતા હતી. ઘરે પણ મમ્મી પપ્પા સામે ખોટું બોલતી થઈ ગઈ. એમને પણ છેતરતી થઈ ગઈ. કોના કારણે ? માત્ર અને માત્ર તારા કારણે !!! તારા મળ્યા પછી મારામાં પણ ઘણાં બદલાવો આવ્યા છે. જે કાવ્યા મુંબઈ આવી હતી, અને આજે તારી સામે જે કાવ્યા બેઠી છે એ એકદમ અલગ છે. મારે પણ ભણવું છે અજય. મારે પણ મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે. અને આ બધું કરવા માટે મારે તારો સાથ જોઈએ છીએ. મારે તારો વિશ્વાસ જોઈએ છીએ. તારી હૂંફ જોઈએ છીએ. પણ આજે તે જે વાત કરી એનાથી ખૂબ દુઃખ થયું છે મને અજય." 
મારી વાત સાંભળી અજયે પોતાની ગરદન ઝુકાવી લીધી. કદાચ એની પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નહોતા. કે પછી એના બોલવા ઉપર એને જ પછતાવો થઈ રહ્યો હતો. પણ એ જાણતો હતો કે આજે એ નહિ બોલે તો હું એને છોડીને ચાલી જઈશ. એટલે એને ધીમા સ્વરે જ મને પૂછ્યું :
"તો હવે તું શું કરવા માંગે છે ?"
મારી ઈચ્છા મુજબનો પ્રશ્ન મને અજયે પૂછી લીધો. મેં પણ મક્કમતાથી નિર્ણય લીધો હતો. અને જે કરવાનું નક્કી કર્યું હતું તે હવે અજયને જણાવવાનો સમય આવી ગયો હતો. અજયની ઝુકેલી નજર સામે મારી નજરને ઉઠાવતાં મેં કહ્યું : 
"હવે હું ભણવામાં ધ્યાન આપવા માંગુ છું, આ વર્ષે મારે સારૂ રિઝલ્ટ લાવવું છે. અને એના માટે આપણે મળવાનું પણ હવે ઓછું કરીશુ. અને આ બધું હું એકલા હાથે નહિ કરી શકું. આ કરવામાં મારે તારો સાથ જોઈશે. તું ઈચ્છે તો મને સાથ આપી શકે છે. નહિ તો અહીંયાંથી જ આપણે બધું ભૂલી પોત પોતાના રસ્તે આગળ વધવાનું વિચારીએ. કારણ કે હું ક્યાં સુધી મારા મમ્મી પપ્પાને છેતરી શકીશ ? અને ચાલો.. એ તો કદાચ મારી વાત માની પણ લેશે. પણ હું તો મારી જાતને જ છેતરતી હોઈશ ને ? અને એક દિવસ જ્યારે પાછું વળીને જોઈશ ત્યારે મારા આજના સમય ઉપર જ મને પછતાવો થશે. ત્યારે એમ થશે કે એ સમયે મેં ખોટો સમય વેડફી નાખ્યો.  માટે હું આજથી જ મારી જાત ને સક્ષમ રાખી આગળ વધવા માંગુ છું. પ્રેમ માટે હજુ આખી જિંદગી બાકી છે. પણ મારું કેરિયર જો આ સમયે નહિ બને તો પછી ક્યારેય નહીં બની શકે."
અજય મારી વાત સાંભળી જ રહ્યો હતો. છેલ્લીવાર જ્યારે હું એને મળી ત્યારે મારુ વ્યક્તિત્વ સાવ જુદું જ હતું. પણ આજે એક જુદી જ કાવ્યા તેની સામે હતી. મેં સ્પષ્ટ શબ્દોમાં મારો નિણર્ય અજયને જણાવી દીધો હતો. હવે એ શું જવાબ આપે છે એની રાહ હું જોઈ રહી હતી. મારા માં આવેલા આ બદલાવ માટે ઘણાં અંશે સુસ્મિતા રહેલી હતી. એના મૃત્યુએ, એને આપેલી સમજણ, સપનામાં આવી આપેલી શિખામણો બધું જ આ બદલાવ પાછળ જવાબદાર હતું. અને મારું આ પગલું મને મારા ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકે એમ હતું.
અજયે પોતાનું મૌન તોડી જવાબ આપ્યો :
"કાવ્યા, હું સમજુ છું કે સુસ્મિતા સાથે જે થયું એ ખોટું થયું છે. અને તારી સાથે એવું ક્યારેય નહીં થાય એ હું તને વચન આપું છું. હું તારા ભણવામાં કે તારી કારકિર્દીમાં ક્યાંય બાધા બનવા નથી માંગતો. અને આપણી વચ્ચે જે થયું તેમાં માત્ર હું જ જવાબદાર નહોતો. તારી પણ ઈચ્છા મારી સાથે જોડાવવાની હતી. અને હું તને અડધા રસ્તે છોડી નહીં દઉં. આપણે પણ લગ્ન કરીશું. પણ અત્યારે નહિ. હજુ મારે જીવનમાં ઘણું આગળ વધવું છે. અને તારે પણ હમણાં કોલેજ ચાલુ છે. એટલે ત્રણ ચાર વર્ષ તો એમ પણ નીકળી જ જશે. પછી આપણે લગ્ન કરી લઈશું. તારો જે વિશ્વાસ મારા ઉપર છે એ હું ક્યારેય નહીં તૂટવા દઉં. હમેશા હું તારી સાથે છું અને સાથે જ રહીશ."
આટલું બોલી અજયે પોતાનો હાથ મારા હાથમાં ટેકવી દીધો. મને પણ અજયની વાત ઉપર વિશ્વાસ આવ્યો. હું પણ હમણાં લગ્ન કરવા નથી ઇચ્છતી. અને એમ પણ મારી ઉંમર હજુ લગ્નની ક્યાં છે ? હજુ તો મારે ભણવું છે. ખૂબ આગળ વધવું છે. ત્રણ- ચાર વર્ષ વીતતાં વાર પણ નહીં લાગે.  એવું હું મનોમન વિચારી રહી હતી. 
મારા બંને હાથને મેં અજયના હાથ ઉપર ટેકવી તેને હળવું સ્મિત આપ્યું. તેને પણ મારી સામે જોઈ એક હાસ્ય રેલાવ્યું.  
સાંજ થવા આવી. હોસ્ટેલ ઉપર જવાનો સમય થતો હતો એટલે ત્યાંથી ઊભા થયા. ઊભા થતા ની સાથે જ અજયે મને પૂછ્યું :
"ફરી ક્યારે મળીશું ?"
અજયના પ્રશ્નનો જવાબ કેમ આપવો એજ સમજાયુ નહિ. થોડીવાર પહેલા તો મેં નક્કી કર્યું હતું કે હવે ભણવામાં અને મારા કેરિયરમાં ધ્યાન આપવું છે. પણ અજયે પૂછેલા સવાલે મને વિચારમાં મૂકી દીધી. પણ જવાબ આપવો જરૂરી હતો. એટલે મેં એને કહ્યું : 
"કઈ નક્કી નથી, પણ દસ-પંદર દિવસ પછી જ મળીશું."
"સારું, પણ હું રોજ કૉલેજની બહાર તારા છૂટવાના સમયે ઉભો રહીશ. તને જોવા માટે. જ્યારે પણ તારી મારી સાથે આવવાની ઈચ્છા થાય ત્યારે તું આવી જજે."
મારી સામે સ્મિત કરી અજય બોલ્યો.
અજયની વાત સાંભળી મને પણ સહેજવાર માટે એમ થયું કે જો આમજ થશે તો કદાચ હું સંયમ ખોઈ બેસીસ. પણ મારે મારી જાત ઉપર કાબુ મેળવવાનો હતો. ભલે અજય કંઈપણ કરે. મારે મારા લક્ષ માટે આગળ વધવાનું હતું. અને હું કરીશ. એટલે અજયને વધુ કઈ ના કહેતા "સારું" એવો ટૂંકમાં જવાબ આપી.બગીચાની બહાર નીકળ્યા.
હોસ્ટેલ પહોંચતા અંધારું થઈ ગયું હતું. અજય મને બહાર રસ્તા ઉપર જ ઉતારી નીકળી ગયો. થોડું ચાલી હું હોસ્ટેલ પહોંચી. શોભના અને મેઘના આવ્યા નહોતા.  રૂમ તરફ જવા માટે હોસ્ટેલના પગથિયાં ચઢતી હતી ત્યાં જ મારા પગ અટક્યા. જાણે મને કોઈએ રોકી લીધી હોય એમ એક પગથિયું પણ હું ઉપર ના ચઢી શકી.

(શું અજય કાવ્યાને સાથ આપશે ? શું કાવ્યા પોતાના લીધેલા નિર્ણય ઉપર કાયમ રહી શકશે ? પોતાની રૂમમાં જતાં પગથિયાં ઉપર જ કેમ કાવ્યના પગ રોકાઈ ગયા ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો...)
લે. નીરવ પટેલ "શ્યામ"