Sapna advitanra - 24 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૨૪

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૨૪

કાંટો સે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ...

ધીરા અવાજે ગણગણતા રાગિણી ફટાફટ ઓફિસનુ કામ પતાવી રહી હતી. ફરી તેણે કાંડાઘડિયાળમા જોયું. સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. સવારે નવ વાગ્યે કે. કે. ક્રિએશન્સ માં થી મિ. મનન નો કોલ આવ્યો હતો. રાગિણી ને જાણ કરવા માટે કે ઓનર ઓફ કે. કે. ક્રિએશન્સ, મિ. કે. કે. સાથે તેની મિટિંગ ફિક્સ થઈ છે, હોસ્પિટલ મા... શાર્પ એટ 4:00 pm. બસ, આટલી જ વાત અને કોલ કટ થઈ ગયો. મિટિંગ ના એજન્ડા બાબત કોઈ જ માહિતી નહોતી. 

પહેલા તો રાગિણી કન્ફ્યુઝ થઈ ગઈ આ રીતે અણધારી મિટિંગ ગોઠવવા માટે! પણ પછી ખભા ઉલાળ્યા. 'હશે! જે હશે તે આવશે સામે... 'એમ વિચારી તે ઝડપથી પોતાનુ કામ આટોપવા માંડી. સમય આગળ વધતો જતો હતો. બરાબર ત્રણ વાગ્યે તેણે સમીરા ને બોલાવી બાકીનું કામ સમજાવી દીધું અને તે એકલી જ નીકળી પડી મિટિંગ માટે. સાથે સિંગાપોર ના ફેશન શો માટે જેટલી તૈયારી થઈ હતી, તે બધી વિગતો એક ફાઇલમા સાથે લીધી.

રસ્તામાં ટ્રાફિક કંઇક વધારે જ હતો. છતાં પોણાચાર વાગતા સુધીમાં તે હોસ્પિટલ પહોંચી ગઈ. ચાર વાગવાને હજુ પંદર મિનિટ બાકી હતી. એટલે થોડી અવઢવમાં તેણે આજુબાજુ જોયું. એ સમયે જ વેઇટિંગ લાઉન્જમા થી એક યુવક તેની તરફ આવ્યો. તેના ચહેરા પર એક આત્મિય સ્મિત હતું. તે યુવકે એકદમ નજીક આવીને શેકહેન્ડ ની મુદ્રામાં હાથ લંબાવી પોતાની ઓળખાણ આપી.

"હાઇ, આઇ એમ ડૉ. આદિત્ય. કે. કે. નો ફ્રેન્ડ. "

રાગિણી ના ચહેરા પર પણ પરિચિતતાનુ સ્મિત આવી ગયુ. હાથ મેળવતા તે બોલી, 

"આઇ નો યુ. તે દિવસે ગાડીમાં તમે પણ હતાને! "

આદિત્ય એ સસ્મિત માથુ હલાવી હા પાડી અને લિફ્ટ તરફ જતા કહ્યું, 

"ચાલો, કે. કે. ઇઝ વેઇટિંગ ફોર યુ. "

રાગિણી એ ઘડિયાળ મા જોયું એટલે આદિત્ય એ કહ્યું, 

"ડોન્ટ બોધર. એ પંક્ચ્યુઅલ પર્સન્સ થી વધારે ઈમ્પ્રેસ્ડ થાય છે. "

રાગિણી આદિત્ય સાથે લિફ્ટ મા દાખલ થઈ. એક અજાણી લાગણી તેને ઘેરી વળી. પરસેવાથી તેની હથેળી ભીની થઈ ગઈ. લિફ્ટ ત્રીજા માળે ઉભી રહી અને દરવાજો ખૂલ્યો. રાગિણી એ એક ઊંડો શ્વાસ લીધો અને લિફ્ટ ની બરાબર સામેના રૂમમાં પ્રવેશી. આદિત્ય દરવાજેથી જ પાછો વળી ગયો. રૂમમાં પ્રવેશતાં જ રાગિણી એ જોયું કે... 

..... કે, એ વ્યક્તિ, એ 'મદદગાર'... બેડમા સૂતો હતો. આંખો બંધ હતી. જમણા હાથમાં બોટલ ચડતી હતી. બોટલ પ્રમાણમાં નાની હતી અને તેમા લાલ રંગ ની દવા હતી, જે પૂરી થવા આવી હતી. સામે સોફા પર એક નર્સ ઝોકાં ખાતી બેઠી હતી. રાગિણી ધીમે પગલે બેડની નજીક પહોંચી. તેને લાગ્યું કે કે. કે. ભર ઉંઘ મા છે, એટલે તેણે બેડની બાજુમાં રાખેલા નાનકડા ટેબલ પર બેસીને તેના ઉઠવાની રાહ જોવાનુ નક્કી કર્યું. 

ઝોકાં ખાતી નર્સ થોડી જાગૃત થઈ અને તેણે રાગિણી ને જોઇ. બંનેએ પરસ્પર સ્મિત ની આપ-લે કરી. નર્સે બોટલ તરફ નજર કરી. હજુ થોડુ પ્રવાહી એમાં બાકી હતું. પ્રવાહી શરીર માં દાખલ થવાની સ્પીડ પણ ઘણી ધીમી હતી. ત્યારબાદ નર્સે રાગિણી ને થોડી વાર માટે કે. કે. નુ ધ્યાન રાખવાની ભલામણ કરી અને પોતે પાંચ જ મિનિટ માં પાછી આવશે, એવું જણાવી તે રૂમની બહાર નીકળી. હવે કે. કે. અને રાગિણી રૂમમાં એકલા હતાં... બીલકુલ એકલા! 

રાગિણી મનોમન સરખામણી કરવા માંડી, પોતાની સામે સૂતેલુ એક કૃષકાય શરીર અને થોડા દિવસ પહેલાં મળેલ ગાડીવાળો કે. કે., અને એનાથી પણ આગળ, પોતાના સપનામા જોયેલ એ હ્રુષ્ટપુષ્ટ કે. કે.! રાગિણી વિચારોમાં ખોવાયેલી હતી અને તેનાથી એક ચૂક થઈ ગઈ. બોટલ નુ પ્રવાહી પૂરૂ થઈ ગયું, છતાં તેનુ ધ્યાન ન ગયું. વેઇનફ્લો મા લાલ પ્રવાહી ટપકતું સ્પષ્ટ જોઈ શકાતું હતું. ધીરે ધીરે આખી વેઇનફ્લો પણ ખાલી થઈ ગઈ, અને એક પળ એવી આવી કે ખાલી વેઇનફ્લો મા કે. કે. નુ લોહી ચડવા માંડ્યું.... 

ખટાક્... દરવાજો ખૂલવાના અવાજથી રાગિણી જાગૃત થઈ. તેણે જોયું તો નર્સ ફ્રેશ થઈને પાછી આવી ગઈ હતી. રાગિણી એ ફરી તેની સામે સ્મિત કર્યું, પણ નર્સ નુ ધ્યાન બોટલ તરફ હતું. 

"ઓહ શીટ્! "

નર્સે અડધી નળી સુધી ઉપર ચડી ગયેલુ બ્લડ જોયું અને તે રીતસર દોડીને બેડ પાસે પહોંચી ગઈ. તરતજ મેઝર વ્હીલ ને ટાઇટ કરીને વધુ બ્લડ ઉપર ચડતા રોક્યુ અને નળી છૂટી પાડી દીધી. ઉતાવળે બે- ત્રણ વાર કોલબેલ દબાવી, કે જેથી બહાર લોબીમાંથી બીજી નર્સ અંદર આવી તેની મદદ કરી શકે. આમ તો આવા દર્દી સાથે સતત કોઈ ને કોઈ વ્યક્તિ ની હાજરી જરૂરી હોય છે. પણ કે. કે. નહોતો ઇચ્છતો કે તેના ડેડ અને ભાઈ ઓફિસ વર્ક મા ડિસ્ટર્બ થાય. વળી, સતત હોસ્પિટલ ના વાતાવરણમાં કોકિલા બહેન ની તબિયત પણ લથડવાની શક્યતા હતી. એટલે જ તેના દુરાગ્રહ ને કારણે એવી વ્યવસ્થા કરવામાં આવી કે  હોસ્પિટલ ના સ્ટાફમાંથી જ કોઈ સતત તેની સાથે રહેશે. 

ડ્યૂટી પર હાજર નર્સ ભયથી ફફડી રહી હતી. તેનાથી ચૂક થઈ ગઈ હતી અને એ પણ એક વીઆઈપી પેશન્ટ સાથે! દરવાજા ના અવાજ સાથે રાગિણી જાગૃત તો થઈ, પરંતુ અડધી નળી સુધી ચડી ગયેલુ બ્લડ અને નર્સ દ્વારા થતી દોડધામ જોઈ તેને એક વિચિત્ર લાગણી થઈ. આ બધું તે પહેલા અનુભવી ચૂકી હતી, પણ બધું એટલુ અસ્પષ્ટ હતું કે તે બરાબર સમજી નહોતી શકી... ચિત્રમા પણ ઉતારી નહોતી શકી... બસ એક અહેસાસ હતો, એકદમ અસ્પષ્ટ અને અધૂરો.... 

રાગિણી શૂન્યમનસ્ક પણે નર્સ ની ગતિવિધિ જોઈ રહી હતી. નર્સે વગાડેલ કોલબેલ ના ઉત્તરમાં બીજી નર્સ રૂમમાં આવી. તેને જોઈને પહેલી નર્સે ઉતાવળે કહ્યું, 

"કોલ ધ ડોક્ટર... "

નર્સ નો અવાજ સાંભળીને કે. કે. પણ જાગી ગયો હતો. તેણે બાજુમાં ટેબલ પર બેસેલી, વિસ્ફારિત નજરે પોતાને તાકી રહેલી રાગિણી ને જોઈ. એ સાથે જ નર્સ ના અધૂરા વાક્ય ને પૂરૂં કરતી હોય એમ તેનો અવાજ સંભળાયો.... 

"જોનાથન.... ડૉ. જોનાથન... કોલ ડૉ. જોનાથન... "