અનુ-આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘સુરેશ જોશી વાર્તા ફોરમ’માં ઘડાયેલા કેટલાંક
વર્તાકારોમાં ડૉ. ભરત સોલંકીનું નામ નોંધપાત્ર છે. તેમણે તેમના પ્રથમ વાર્તાસંગ્રહ
‘રૂપાંતર’(૨૦૧૩)થી જ એક નવીનતમ વાર્તાકાર તરીકે ભાવકો અને વિવેચકોનું ધ્યાન આકર્ષિત કરેલું.
ત્યાર પછી તેમની પાસેથી બીજો મળતો વાર્તાસંગ્રહ ‘કાકડો’(૨૦૧૭) છે. તેમાં વિષયવૈવિધ્ય અને
અભિવ્યક્તિનું નાવીન્ય સુપેરે અનુભવાય છે. અહિ ‘કાકડો’ વાર્તાસંગ્રહમાં ‘કાકડો’, ‘રૂપાંતર’, ‘સખીરી! મેં
તો પ્રેમ દિવાની’, ‘બાધા’, ‘બદલો’ વગેરે એમ કુલ ૧૪ વાર્તાઓ છે. આમાંની એક વાર્તા એટલે ‘ફેરો’.
અહીં તેમની ‘ફેરો’ વાર્તાને આસ્વાદવાનો પ્રયત્ન છે.
‘ફેરો’નું મુખ્ય વિષયવસ્તુ જોઈએ તો ભડલી જેવા નાનકડા ગામના બ્રાહ્મણ દંપતિ રમણલાલ
અને રેવાબેનના ફેરાની વાર્તા છે. અહીં પાંચ પાંચ દિકરીઓ ને છેવટે જન્મેલા પુત્ર કુળદીપકના વિકાસ
માટે ભડલી પછાત લાગતાં વિકાસ કરવા આ દંપતિ લીંબડી ને પછી અમદાવાદ જેવા મહાનગરની
વાટ પકડે છે. દિકરીઓ એક પછી એક પરણતી જાય, દિકરો ભણતો-ગણતો નોકરીએ ગોઠવાતો જાય,
ને મનગમતી પલ્લવી સાથે પરણતો જાય, ને છેવટે એજ અમદાવાદ વિકાસને બદલે કુળદીપકના
વિનાશનું કારણ બને, ને દંપતિ વૃદ્ધાવસ્થામાં કુળદેવીનો એજ ફોટો ને જે બાળક તેડીને કે આંગળીએ
વળગાડીને ગયા’તા તેને ફોટાની ફ્રેમમાં મઢીને પાછો લાવતા આ દંપતિ ફેરાનો અનુભવ કરે તે આ
ટૂંકીવાર્તાનું વિષયવસ્તુ છે.
આ વાર્તામાં સર્જકે સચોટ અને આસ્વાદમુલક પાત્રસૃષ્ટી ઊભી કરી છે. આ વાર્તાના મુખ્ય
પાત્રો તરીકે સર્જકે રમણલાલ અને રેવાબેનને નિરૂપ્યા છે. વાર્તાના આરંભથી અંત સુધી આ વૃદ્ધ
દંપતિની આસપાસ વિષયવસ્તુ રચાયા કરે છે. અહીં આ પાત્રોની કરુણગાથા સતત ઘૂંટાયા કરે છે.
તેમની જ વ્યથા, દુઃખ, દર્દ અને સમગ્ર જીવનની નિરર્થકતા, અર્થશૂન્યતા પ્રગટે છે. આ ઉપરાંત સંઘર્ષ
અને કંકાશથી કંટાળેલો કુળદીપક, સંવેદન અને દયાહીન કુળદીપકની પત્ની પલ્લવી, પિતાનું સુખ ન
પામેલો કુળદીપકનો પુત્ર ભાગ્ય, સતત ગરીબીમાં ઉછરેલી રમણલાલની પાંચ દીકરીઓ, ભડલી
ગામના બધાનું હિત વિચારક રેવો પટેલ. રમીલા એ રેવાબેનની જોડકાની બહેન. આ બધા ગૌણપાત્રો
આ વાર્તાને આગળ ધપાવે છે. આ દરેક પાત્રોને સર્જકે યોગ્ય ન્યાય આપ્યો છે.
આ વાર્તાના રસ અને રસનિરૂપણની વિષે વિચાર કરીએ તો આ વાર્તાનો મુખ્ય રસ વાર્તાકારે
કરૂણરસને કેન્દ્રમાં રાખ્યો છે. કેટલાક દ્રષ્ટાંતો જોઈતો :
‘રમણલાલે હાથમાં જાળવીને પકડેલું માતાની મુર્તિવાળું નાનકડું મંદિર હળવેથી હેઠે મુક્યું
દીવાલના ટેકે ને તેની બાજુમાં જ રેવાબેને પોતાના સાત ખોટના એકના એક દીકરાનો ચાંદલો કરેલો ને
સુખડનો હાર પહેરેલો ફોટો જાળવીને મૂક્યો ને પછી બંને ધીમે રહીને નીચે બેઠા’
(કાકડો પૃ.૪૪)
જયારે ફોન પર રમણલાલને કુળદીપકના સમાચાર મળતા ‘કુળદીપક ચિક્કાર દારૂ પીને
બાઈક પર ઘરે આવતા ટ્રક સાથે અકસ્માત માં.......’, ‘રેવાબેનની આંખોમાં રડવા આંસુ જ નહોતા.
ભડલી થી અમદાવાદ સુધીની યાત્રામાં પડેલા દુઃખોએ એટલું બધું રડેલા કે આંખોના કૂવા ક્યારનાય
સૂકાઈ ગયાં હતાં. એમની ભયભીત સૂની આંખો માત્ર હવે આંસુ વગર રડતી હતી.’
(કાકડો પૃ.૪૭)
ફેરો વાર્તાની ભાષાશૈલી વિષે વિચાર કરીએ તો અહિ કેટલાક ઉત્તમ વર્ણનો વાર્તામાં
બનતા પ્રસંગોને તાદૃશ્ય કરે છે: જેમ કે, વાર્તાના આરંભમાં ધના પટેલ પોતાનું વર્ષોનું બંધ ઘર ખોલી
આપે છે ત્યારનું વર્ણન: ‘ધના પટેલે છેવટે તાળું ન ખૂલતાં હથોડી મારી કે ફટ્ દઈને તાળું તૂટ્યું. આખ્ખું
તાળું ને નકૂચો ભરભર ભુક્કો થઈ જમીન પર વેરાઈ ગયાં. ધના પટેલે બારણાને હળવે હાથે ઉઘાડવાનો
પ્રયત્ન કર્યો. વર્ષોથી બંધ બારણાને કારણે મિજાગરાએ કચવાટ કર્યો કડડડ. આગળ ધનો પટેલ ને
પાછળ રમણલાલ ને રેવાબેને પણ પ્રવેશ કર્યો. અંદરનો અંધકાર ને બંધિયારપણાની વાશ
અકળાવનારા હતા.’
(કાકડો પૃ.૪૩)
રમણલાલના ગોરપદુ કે કર્મકાંડની આવક નું વર્ણન: ‘રોજ રોજ સવારથી કોઈ ને કોઈ ગામ
લગન, મરણ, સગપણ, કથા, કર્મકાંડ કરવા ચાલ્યા જાય. આવે ત્યારે થોડું રોકડ ને બીજુ અનાજ પોટકા
બાંધી લેતા આવે. ઘરનાં બધાં ભેગાં થઈ કલાકોના કલાકો ગાળે ત્યારે પ્રસાદ, સોપારી, ફળફળાદિ ને
અનાજ છૂટું પાડે.’
(કાકડો પૃ.૪૫)
ભાષાકર્મમાં સર્જકની અન્ય વિશેષતા જોઇએતો અલંકારો, કહેવતો, અને રૂઢીપ્રયોગોની છે. જેમ કે,
‘ગમતો મા નો ખોળો’(ઉપમા), ‘ઢોર જેવા ગમાર’(ઉપમા), ‘બંનેની વચ્ચે ઘંટીના દાણાની જેમ પીસાતો
કુળદીપક’(ઉપમા), ‘એમની ભયભીત સુની આંખો માત્ર હવે આંસુ વગર રડતી હતી’(અતિશયોક્તિ)
કેટલાંક રુઢિપ્રયોગો જોઈએ તો ‘દીકરીતો તુલસી ક્યારો’. હવે કેટલીક કહેવતો : ‘લેખમાં કોઈ મેખ મારી
શકે ખરા?’, ‘એક માંડવે બે લગ્ન થાય, એકનું સુખ બીજી તાણી જાય’. લેખકે કેટલાંક દેશ્ય શબ્દપ્રયોગો
કર્યા છે: ‘દહ દહ વરહ’, ‘ભેંહ’, ‘ચંત્યા’, ‘હાળો’, ‘આયખા’, ‘કૂણ’ વગેરે.
આ વાર્તામાં સંઘર્ષનું તત્વ વિશેષ આસ્વાદ્ય છે. અહિ આંતર બાહ્ય બંને સંઘર્ષોનું નિરૂપણ
વાર્તાકારે કર્યું છે. બાહ્ય સંઘર્ષ તરીકે રમણલાલ અને રેવાબેનની આર્થિક સંકળામણ, પુત્રવધુ પલ્લવી
સાથેનો સંઘર્ષ તેમજ બંનેના જીવનની નિયતી ગણો કે ભાગ્ય ગણો કે વિધાતાએ આપેલા સુખ દુઃખને
સ્વીકાર કરી લેતા મનોમન અનુભવતા આંતરિક સંઘર્ષ અહિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આંતરિક
સંઘર્ષની પરાકાષ્ઠા કે પ્રતિબિંબ વાર્તાના અંતે બોલતા રમણલાલ અને રેવાબેનના શબ્દોથી પડઘાય
છે,જેમ કે રમણલાલ બોલે છે, “મારો હાળો ફેરો પડ્યો” જ્યાં તેમનો કહેવાનો અર્થ અમદાવાદનો ફેરો
પડ્યો તેમ છે, જયારે રેવાબેન બોલે છે, “હા પણ આખા આયખાનો ય” અહિ આંતર સંઘર્ષની પરાકાષ્ઠા
જોઈ શકાય છે.
આમ સમગ્ર રીતે જોતાં ડૉ. ભરત સોલંકીની ‘ફેરો’ ટૂંકીવાર્તા એક નુતન વિષયવસ્તુને પ્રગટાવતી
વાર્તા બને છે. ‘ફેરો’શીર્ષક જ પ્રતીકાત્મક છે. આ જગતમાં દરેક મનુષ્યને ક્યાંકને ક્યાંક કોઈક ને કોઈક
રીતે ફેરો પડવાનો અનુભવ થતો હોય છે. દરેક મનુષ્યને આ જગતમાં કંઇક પ્રસ્થાપિત કરીને યા કંઇક
મેળવીને જવાની લાલસા હોય છે, પણ જયારે કશું જ પ્રાપ્ત ન થાય, કંઈજ મેળવી ન શકાય ત્યારે
લાચાર થયેલો મનુષ્ય આ દુનિયામાં પોતાને ધક્કો પડ્યો અથવા તો ફેરો પડ્યો એવી લાગણી અનુભવે
એવો ભાવાર્થ આ શીર્ષકને સિદ્ધ કરે છે. વળી નવલકથાના વિષયવસ્તુ જેવા લાગતા એટલે કે
રમણલાલ અને રેવાબેનના સમગ્ર જીવનને નિરૂપતા આવાં વિષયવસ્તુને ટૂંકીવાર્તાના લાઘવના
સ્વરૂપમાં મૂકી આપવું એ પણ વાર્તાકાર તરીકે સર્જકની સિદ્ધિ બને છે.
***************************************
કાકડો (વાર્તાસંગ્રહ) ભરત સોલંકી
પ્રણવ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ: ૨૦૧૭
કિંમત: ૧૦૦ રૂપિયા
* * *