એ કાળી આંખો - વિજય શાહ
વસંતનાં વધામણાંની પૂર્વ તૈયારીરૂપે વૃક્ષોએ કુંપળોને જન્મ આપવા માંડ્યો હતો. થડને ટેકે રહેલ દરેકે દરેક ડાળીઓએ કુમળા પાનનાં વસ્ત્રોપહેરવા માંડ્યા હતા. યુનિવર્સિટીનાં ધમધમતા બસ સ્ટેન્ડ ઉપર લાગેલી લાઈનમાં હું ઊભો ઊભો રૂચિની રાહ જાતો હતો. લાઈન ટૂંકી થતી જતી હતી પણ રૂચિ દેખાતી નહોતી. સૂર્યનારાયણનાં છેલ્લા રાતા કિરણો ઝાડનાં પલ્લવ વસ્ત્રોમાંથી ગળાઈને સ્ટેન્ડ ઉપર પડતા હતા.
બે બસ ઉપરાછાપરી આવીને ગઈ તોય હજી રૂચિ ન દેખાઈ. બોરીવલી સુધીનો રસ્તો એકલો કેમ કપાય ? ચાલ જીવ બહાર નીકળ લાઈનમાંથી – હમણાં આવશે અને ઠેઠ સુધીની કંપની રહેશે.
‘કંપની ? કોની ?’ અળવીતરા મને સવાલ પૂછ્યો –
‘કેમ રૂચિની જ સ્તો વળી ?’
‘કયે દિવસે રૂચિએ તારી સાથે વાત કરી છે તે તું એની રાહ જુએ છે હેં ? અને એણે તારી ક્યારેય રાહ જાઈ છે ?’
મનના તીક્ષ્ણ પ્રશ્નો સામે હું જલ્દી હાર માનવાનો નહોતો તેથી ફરી જવાબ આપ્યો.
‘કેમ વાત ન કરી હોય તેથી શું થયું ? આજે નહીં ને કાલે – જ્યારે મન મળ્યા છે તો સૌ સારા વાના થશે.’
‘મુરખ ! ખાલી ફીફા ખાંડવા છોડી દે – કંઈક નક્કર વાત કર – એમ ખાલી સમય બગાડ્યે ના પાલવે. મન મળ્યા છે તો હાથ પકડને વાત કર – ખોટી આશાના ઝાંઝવા ન જો.’
‘પણ રૂચિ મારી સામે જાઈને હસે તો છે ને?.’
‘હસી એટલે મન મળી ગયા. કમાલ છે તું પણ દોસ્ત !’
‘તો શા માટે મારી સામે જાઈને હસે હેં ?’
‘તું ઘુવડની જેમ ટીકી ટીકીને એને જાયા કરે એટલે તારો પીછો છોડાવવા હસી લે – જેમ કૂતરાને રોટલો ન ફેંકે ?’
સણસણતો તમાચો જાણે ન પડી ગયો હોય તેમ હૃદયમાં સન્નાટો છવાઈ ગયો. અને મને વિચારોનો કબજા લઈ લીધો. પાછો વળી જા અભય. રૂચિ માટે સમય ન બગાડ – આ પાર કે પેલે પાર – અને અચાનક પાછા પગ ફરી ગયા – ફરી લાઈનમાં ઊભો રહેવા. લાઈનને છેડે રૂચિ ઊભી હતી.
આંખમાં અચાનક ઝબકાર થયો. પગમાં ખચકાટ લાગ્યો – વચ્ચે કોઈક આવી ગયું.
રૂચિના વાળમાં ચીમળાયેલ બોગનવેલ ને જાઈ હૃદય કમકમી ગયું – ખરેખર શું એના મનમાં મારે માટે કશું જ નહીં હોય ? હું શું ઘુવડની જેમ ટીકી ટીકીને જાયા કરું છું. એને ખરેખર મારો વર્તાવ નહીં ગમતો હોય ?
હૃદય મનની વાતોને માનવા તૈયાર થતું નહોતું.
એના કાળા વાળમાં નજર સ્થિર થઈ ગઈ અને હૃદય સાત આઠ મહિના પાછું સરી ગયું. નવી નવી કોલેજમાં એક વિશ્વસનીય ચહેરો દેખાયો. બસમાં પણ ફરી ભટકાયો. વર્ગમાં પાછો ડોકાયો. લેબોરેટરીમાં પણ નજર સામે જ ભમતો રહ્યો. ખબર નથી પણ દરેક ઠેકાણે કાંતો મારી નજરો તેને શોધવા માંડી હતી.
હું કાયમ તેની કાળી આંખોને પીતી હતો. થોડા સમયમાં તો તે કાળી આંખોને પણ ખબર પડી ગઈ કે મારી આંખો તેને જ શોધતી હતી. તેથી જ તો તે દિવસે એ કાળી આંખો મારી સામે જાઈ ને હસી. બસ તો એની ગતિએ જ જતી હતી. પણ કોણ જાણે કેમ તેની ગતિમાં તે દિવસે મને કોઈક લયબદ્ધ, તાલયુક્ત સંગીત સંભળાતું હોય તેમ લાગ્યું. પ્રસંગ કેટલો નાનો હતો. કાળી આંખો મારી સામે જાઈને હસી. છતાંય કેટલી મહત્તા લઈને આવેલ હતો.
પછી તો પરોક્ષ રીતે અમે બંનેએ એક જ બસનો સમય નોંધી લીધો હતો – દસ વીસની એ બસમાં એ આવતી અને એ જ બસ હું પકડતો. ક્યારેક તો મને જાઈને હસતી તો ક્યારેક એને જાઈને મલકતો ક્યારેક તેની કાળી આંખો સ્મિત વેરી લેતી. તેથી જ હૃદય કહેતું કે તેની નજરમાં પણ તારું સ્થાન છે જેમ તારી નજરમાં એનું સ્થાન છે. લાઈન ટૂંકી થતી જતી હતી. કાળા વાળમાંનું બોગનવેલ મારી ટીકા કરતું હોય તેમ હસ્યું અને ખરી પડ્યું. એ કુલ લેવા હું નીચે વળું ત્યાં તો વચ્ચેના ‘કોઈકે તેને કચડી નાખ્યું હૃદયમાં એક ચીસ ઉઠી. મન ખડખડાટ હસી પડ્યું.
લાઈન ખૂબ ઘટી ગઈ હતી – કંડકટર પાસે રૂચિએ એક જ ટિકિટ લીધી. અને મન ફરીથી અટ્ટહાસ્ય કરી ઉડ્યું – મન હૃદય ને કહેતું હતું – લે લેતો જા – બહુ મોટા ઉપાડે કહેતો હતો ને કે મન માની ગયા છે. આગળ એ હતી કેમ ટીકીટ ના લીધી ? હૃદય પછડાટ ખાઈ ગયું.
રૂચિ તારી કોણ છે. તે તારી ટિકિટ લે હેં ?
એક વખત તો થઈ ગયું કે હવે પછીની બસમાં જવાશે. પણ ફરીથી મન બોલી ઊઠ્યું કેમ આટલો સમય ઓછો બગડ્યો છે તે હજી વધુ બગાડવો છે – ટીકીટ લે અને બેસી જા ડબડબ કર્યા વીના – હમણાં જ મન જીત્યું હતું તેથી શરણાગતી સ્વીકારી લીધી અને ટિકિટ ફડાવી લીધી.
બસમાં છેલ્લે તે બેઠી હતી. તેની બાજુમાં તથા સામેની બંને સીટ ખાલી હતી. કદાચ હું એની સાથે જઈને બેસીશ એવા ભ્રમમાં તે હતી. મનને વિજયનો નશો હતો તેથી છેક આગળની આડી સીટ ઉપર જઈને બેઠો. થોડી વારે આખી બસ ભરાઈ ગઈ અને બસ ઘંટડી સાથે આંચકો મારીને દોડવા માંડો. બે સ્ટેન્ડ છતાં સુધીમાં તો મારી અને રૂચિની આંખો વચ્ચે જિવંત અપારદર્શક પડદો રચાઈ ગયો.
હૃદયની ઈચ્છાઓને વ્યવહારુ મન બહુ સમય સુધી ન રોકી શક્યું. મારી નજરો એ જ્યાં બેઠી હતી તે દિશામાં સતત રીતે જડાઈ ગઈ. અમારી વચ્ચે રચાયેલ આવરણ ક્યારેક વાંકુચૂંકું થઈને સીધી રેખામાં ગોઠવાઈ જતું અને રૂચિનાં મુખલાલીત્યની એકાદ આભા નજરે પડી હતી. ક્યારેક સીધું પાતળું લાંબુ ઘાટીલું નાક આગળ આવીને ગાલને રંઝાડતી લટને મારી આંખો જાઈ લેતી ચોરીછૂપીથી….
નયન પ્રશ્નો પૂછીને મારા ધ્યાનને તોડતો હતો. ત્યાં ફરી એકવાર છિદ્રો સીધી રેખામાં આવી ગયા અને રૂચિની કાળી આંખોમાં મારી આંખો ડોકાઈ. સંપૂર્ણ ખૂલેલી કાળી આંખોએ મારી આંખોનું અભિવાદન કર્યું. એક સેકન્ડ… બે સેકન્ડ… ત્રણ સેકન્ડ… ચાર સેકન્ડ… અને પાછા છિદ્રો આડા અવળા થઈ ગયા.
હર્ષાન્વીત હૃદય મન પર વિજય પામવાનો આનંદ મગરુરી પૂર્વક લેવા માંડ્યું. કાળી આંખોને પણ તેનો ઈન્તજાર હતો.
અચાનક તેને અગિયારમી જાન્યુઆરી યાદ આવી ગઈ.
તે દિવસ પણ આવો જ હતો. બસ ખાલી હતી. કોઈક નેતાના મૃત્યુના માનમાં રજા પડી ગઈ હતી. તેથી બસમાં કોઈ જ નહોતું. ખાસ તો આવું જાડું આવરણ નહોતું. રૂચિ અને તેની આંખો મળતી, સ્થિર રહેતી અને નમી જતી હતી. હાસ્ય નહોતું સ્ફુરતું. મારી નજરનાં પ્રશ્નાર્થ ચિહ્નો એની નજરમાં પણ ડોકાયા હતા. પ્રશ્નાર્થ વડે અને એક બીજાની અસરમાં આવતા હતા અને પ્રેમની વ્યાખ્યા અપાઈ ગઈ કે પ્રેમમાં પડવું એટલે એકમેકની અસરમાં આવવું.
નજરો એકમેકની અસરમાં હતી, પરંતુ હાસ્ય અસ્ફૂટ હતું. મારું ઉતરવાનું સ્ટેન્ડ નજીક આવતું હતું. એક વખત ફરી નજર મળી. સ્ટેન્ડ આવ્યું અને હું ઉતરી ગયો. ચાલતી બસની બારીમાંથી ફરી નજર મળી. હિંમત કરી આવજા કહેવા હાથ ઉંચો કરી દીધો. બારી પાછળથી પણ હાથ ઉંચો થયો ને કાળી આંખ હસી ઉઠી…
પણ આજે શું કરીશ ! આજે હું આવજા કહીશ તો એ આંખો હસશે ખરી ?
‘ના’ અળવીતરા મને તેના જ તોરમાં જવાબ આપ્યો. હૃદય પણ થોડું ધબક્યું. કદાચ ના પણ કરે.
‘તો?’
તેની સામે જાયા કરીશ. તેની ક્રિયાનાં પરાવર્તન રૂપે કંઈક કરીશ.
સ્ટેન્ડ આવી ગયું. હું કાળી આંખોની અલગારી આભાને ઓળખવા પ્રયત્ન કરતો હતો. ત્યાં નયને ધબ્બો માર્યો ચાલ યાર સ્ટેન્ડ આવી ગયું.
હું ઊતરી ગયો.
બસ ચાલવા માંડી. કાળી આંખો કદાચ મને જાતી હતી, પરંતુ બસ નો જાડો કાચ મને તેની સામે જાવા નહોતો દેતો. બસ ચાલી ગઈ – રૂચિને તાણી ગઈ પાછળ ઉડતી ધૂળ રૂચિનાં ગયાનો અફસોસ કરતી હતી.
ત્યાં હૃદય ધબક્યું. રૂચિ તો મારી પાસે છે. મારા હૃદયમાં એની કાળી આંખોને માણતો હું ઝુમી ઊઠ્યો.