પ્રેમ-અગન:-10
"જાગું છું આખી રાત બસ એટલે જ કેમ કે સુઈ
ગયા પછી તારા સપનાઓ સુવા નથી દેતા."
પોતાની નાદુરસ્ત તબિયત નાં લીધે કામથી થોડાં દિવસ ફુરસત લઈને મીની વેકેશન ઉપર જવાં શિવ અમદાવાદ થી શિમલા જતી ફ્લાઈટમાં બેસી રવાના થઈ ચૂક્યો હતો..હમીર પણ શિવ ની સાથે જ મોજુદ હતો..ફ્લાઈટ જેવી ટેક-ઓફ થઈ એ સાથે જ શિવ પુનઃ પોતાનાં એ ભૂતકાળમાં જઈ પહોંચ્યો જેનાં કારણે એ અત્યારે જે હતો એ બની શક્યો.
ડાન્સ કોમ્પીટેશન બાદ નિધિ અને સાગરની માફક શિવ અને ઈશિતા ની જોડી બની ગઈ હતી..શિવ માટે ઈશિતા એનું સર્વસ્વ બની ચુકી હતી.ઈશિતા ને શોધવી હોય તો હવે શિવ ને શોધવો પડતો અને શિવને શોધવો હોય તો ઈશિતા ને શોધવી પડે..ક્લાસમાં પણ શિવ લેક્ચરર ભણાવે એમાં ઓછું અને ઈશિતા ને જોવામાં વધુ ધ્યાન આપતો હતો.
હવે તો એ બંને ઘણી વાર કોલેજ બંક કરીને રખડવા નીકળી પડતાં.. એ જ સમયમાં ઈશિતા ને ઘરેથી મોબાઈલ ફોન પણ લઈ આપવામાં આવ્યો..આમ થતાં તો શિવ અને ઈશિતા ઘરે પહોંચ્યા બાદ પણ જ્યાં સુધી રોજનાં 100 મેસેજ ના પતે ત્યાં સુધી નાની-મોટી બધી વાતો એકબીજાં સાથે કરતાં રહેતાં.
દુનિયાની પરવાહ કર્યાં વિના શિવ અને ઈશિતા ઘણી વખત ઉપરકોટ જતાં તો કોઈ વાર ગિરનાર ની પણ થોડી ઘણી ચડાઈ કરવાં જઈ પહોંચતાં..ગિરનાર પર્વતની ખુલ્લી આબોહવામાં બેસી હાથમાં હાથ નાંખી શિવ અને ઈશિતા પોતાનાં સોનેરી ભવિષ્યનાં સપનાં જોતાં રહેતાં.ઈશિતા ને ઉગતો સૂરજ ગમતો હતો તો શિવ ને ડૂબતો.. આથી જ એ બંને ક્યારેક-ક્યારેક તો આખો દિવસ બસ એમજ બેસી રહેતાં.
આવાં જ એક દિવસ શિવ અને ઈશિતા ગિરનાર ની તળેટીમાં બેઠાં-બેઠાં હાથમાં હાથ નાંખીને બેઠાં હતાં..ઈશિતા એ પોતાનું માથું શિવનાં ખભે મુક્યું હતું.
"એ શિવ તું મને કેમ આટલો બધો પ્રેમ કરે છે..?"
"કેમ આવું પૂછ્યું..?"ઈશિતા ની વાત સાંભળી શિવે નવાઈ પામી પૂછ્યું.
"બસ મન થઈ ગયું..તું બોલ ને તું મને કેમ આટલો પ્રેમ કરે..?"ઈશિતા જીદ કરતાં બોલી.
હવે રાજહઠ,બાળહઠ અને સ્ત્રીહઠ આગળ તો દરેકે ઝુકવું જ પડે..અને શિવ પણ ઝૂકી ગયો..થોડું વિચારી એ ઈશિતા નાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.
"બોલ! તને કઈ જગ્યાએ રહેવું છે રાજીખુશીથી,
મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.."
"ઈશિતા હું તરસ છું તો તું મીઠાં જળનું ઝરણું છો મારાં માટે..હું બુંદ-બુંદ માટે તરસતી ધરા તો તું વરસાદ છો..હું તને જોઉં તો એવું લાગે છે કે આપણો જન્મો-જન્મ નો સંબંધ છે..તું મારાં દરેક અધૂરાં સવાલ નો જવાબ છો..ટૂંક માં કહું તો તું મારો શ્વાસ છો,વિશ્વાસ છે..તું છો તો જીંદગી છે..બાકી આ જીંદગી જીવવાનું કોઈ કારણ જ નથી.."
"બોલ હવે વધુ કંઈ કહું કે આટલું ચાલશે.."ઈશિતા નો સુંદર ચહેરો જોઈ શિવ પ્રેમથી બોલ્યો.
"ના આટલું બસ છે.."શિવનાં હાથ ને ચુમતા ઈશિતા બોલી.
"હજુ બીજી કોઈ ફરમાઈશ હોય તો બોલો..તમારો આ ગુલામ તમારી સેવામાં હાજીર છે.."શિવ બોલ્યો.
"હા એક ફરમાઈશ છે હજુ.."શિવ ની વાત સાંભળી ખુશ થતાં ઈશિતા બોલી.
"હા તો ફરમાવો.."પોતાનું માથું ઈશિતા ની સામે ઝુકાવી શિવ બોલ્યો.
"શિવ તું મને કોઈ ખાસ નામ આપ ને.."ઈશિતા શિવ નો શાંત અને શાલીન ચહેરો જોતાં બોલી.
"અરે આટલું સરસ નામ તો છે..ઈશિતા.."ઈશિતા બોલતી વખતે અવાજ થોડો ઊંચો કરી શિવ બોલ્યો.
"ઈશિતા સારું જ છે..પણ કોઈ એવું ખાસ નામ જણાવ..જેનાં થી તું જ મને સંબોધે..એ નામ ફક્ત મારાં શિવ માટે રિઝર્વ હોય.."હેતથી શિવની તરફ જોતાં ઈશિતા બોલી.
"અરે આ કામ મારું નહીં.. તું જ બોલ ને તને હું કયાં નામથી બોલાવું તો તને ગમશે..?"શિવે થોડુંક વિચારીને કહ્યું.
શિવની વાત સાંભળી થોડું મનોમંથન કરી ઈશિતા બોલી.
"તારું નામ શિવ છે..મતલબ કે મહાદેવ..હવે જો નામનો અર્થ આવો નીકળે તો એને માન આપી બોલાવવું પડે..અને માનથી બોલાવવા સારામાં સારો શબ્દ છે શ્રી..જો શિવ ની સાથે શ્રી હશે તો શિવ નું માન સચવાશે..અને શ્રી નું સપનું પૂરું થશે.."
"શ્રી.."ઈશિતા ની વાત સાંભળી શિવ એનો ચહેરો જોઈને બોલ્યો.
"શિવ ની શ્રી.."શરમથી ચહેરો ઝુકાવી ઈશિતા બોલી.
આજુબાજુ ફેલાયેલી હરિયાળી,કુદરતી વાતાવરણમાંથી આવતો શીતળ પવન,શ્રી નો શરમથી ઝુકેલો ચહેરો અને શિવનાં હાથમાં મોજુદ એનાં હાથમાં આવેલી ધ્રુજારી..આ બધી વસ્તુઓનો સમન્વય શિવ ને કંઈક કરવાની પ્રેરણા આપી રહ્યો હતો..શિવે પોતાનાં જમણાં હાથનાં સ્પર્શ વડે હળવેકથી શ્રી નો ચહેરો ઊંચો કર્યો..શ્રીએ એક ક્ષણ શિવની તરફ જોયું અને પુનઃ પોતાની છલકતાં જામ સમાન આંખોની જોડ ને નીચે ઢાળી દીધી.
ઊંચે ઉઠાવેલી આંખો નું આમ નીચે ઢળવું શિવને આમંત્રિત કરી રહ્યું હતું પોતાની જીંદગીનું પ્રથમ ચુંબન કરવાં માટે.શ્રીનાં હળવી લિપસ્ટિકથી સજેલા ગુલાબની પાંખડીથી પણ મુલાયમ હોઠ અત્યારે આવનારાં સમયનાં એંધાણ પામી ધ્રુજવા લાગ્યાં હતાં.
હવે શિવે એ અદભુત ક્ષણનો સાક્ષાત્કાર કરવાનું મન બનાવી લીધું..શિવે હળવેકથી પોતાનો જમણો હાથ ઈશિતા નાં માથા ની પાછળનાં ભાગમાં રાખ્યો અને પોતાનાં અધરોનો ધીરેથી શ્રીનાં અધરો ને સ્પર્શ કરાવી દીધો..શ્રી નું સમગ્ર શરીર એક મીઠી સિરહન થી કાંપી ઉઠ્યું..શિવે અડધી મિનિટ તો પુનઃ પોતાનાં અધર ને શ્રી નાં અધરથી સહેજ છેટા કર્યાં.. આમ થતાં શ્રી એ બંધ થઈ ગયેલી પોતાની આંખો ખોલી શિવની તરફ એક નજર કરી..આ નજર જાણે શિવને કહી રહી હતી કે એ શિવ તું કેમ અટકી ગયો..?
શિવે એક ઊંડો શ્વાસ ભર્યો અને પુનઃ પોતાનાં અધરો ને શ્રી નાં અધરો સાથે લગાવી દીધાં.. શ્રી એ પણ શિવ ને આ ચુંબનમાં સાથ આપવાનું શરૂ કર્યું..તલાલા ની મીઠી કેસર કેરીથી પણ મીઠાં શ્રી નાં અધરોનું રસપાન શિવ જેમ-જેમ કરતો ગયો એમ એની તરસ ઘટવાનાં બદલે વધી ગઈ.શ્રી પણ શિવ ને મનમુકીને આ દૈવી ક્ષણ નો આનંદ આપી રહી હતી.
"મને ફૂલો ની જેમ ના સવાલ કર
મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!"
આખરે જીંદગી નાં પ્રથમ સુંવાળા સ્પર્શ નો,પ્રથમ ચુંબન નો દિવ્ય અહેસાસ મન ભરીને અનુભવ્યાં બાદ શિવ અને શ્રી અલગ થયાં.. હજુ પણ જે કંઈપણ થઈ ગયું હતું એ વિશે વિચારી બંને મનોમન હરખાતાં હતાં.
શિવે વ્હાલથી પોતાની ગરદન ઘુમાવી શ્રીનાં લાલાશ પડતાં ચહેરા ને જોયો..શરમથી ઝુકેલી નજર અને હૈયાનાં હરખને કાબુમાં રાખવાની નાકામ કોશિશ સ્વરૂપે શ્રીનાં ગાલમાં પડતાં ખંજન..જાણે બ્રહ્માસ્ત્રનું કામ કરી ગયાં અને શિવનાં વીંધાયેલાં હૃદયને પુનઃ વીંધી નાંખ્યું.આ જ સમયે શ્રી એ પણ લજ્જાથી શિવ તરફ જોયું.અને ખબર નહીં એને શું થઈ ગયું કે એ શિવને વળગીને રડવા લાગી.
શ્રી આમ કેમ રડી રહી હતી એ તો શિવ એ ઘડીએ ના સમજી શક્યો પણ અનાયાસે જ એનાં હાથ શ્રી ની ફરતે વીંટળાઈ ગયાં.. શિવનાં શરીરની આ હૂંફ જાણે શ્રી ને કહી રહી હતી કે વ્હાલી તારે કોઈ વાત ની ચિંતા કરવાની ત્યાં સુધી જરૂર નથી..જ્યાં સુધી તારી પડખે તારો શિવ મોજુદ છે.
"એ પાગલ,શું થયું..કેમ આમ રડે છે..?"શ્રી ની પીઠ પર હેતથી હાથ ફેરવતાં શિવે પૂછ્યું.
શિવનાં સવાલનાં જવાબમાં શ્રી એ કોઈ ઉત્તર આપવાનાં બદલે ડૂસકાં ભરવાનું ચાલુ રાખ્યું..આખરે શ્રીને આમ અચાનક શું થઈ ગયું હતું એ વિશે શિવને કંઈપણ સમજાતું નહોતું.. એને શ્રી નો ચહેરો પોતાનાં હાથમાં લીધો..અને એનાં આંસુ લૂછતાં કહ્યું.
"એ..કેમ યાર..શું થયું..?..મારી કોઈ ભૂલ હોય તો sorry યાર...તને ના ગમ્યું મેં તને kiss કરી એ..?"
"ના શિવ તે કંઈ ખોટું નથી કર્યું..તે તો ઉપરથી મને આજે પ્રેમની અનુભૂતિ કરાવી છે..એનો મતલબ સમજાવ્યો છે.."હીબકાં લેતાં લેતાં શ્રી બોલી.
"તો પછી કોઈ બીજી પ્રોબ્લેમ છે..તું મને જણાવીશ તો તારું મન હળવું થશે અને શાયદ હું એનો કોઈ ઉપાય શોધી શકું.."શિવે પ્રેમથી કહ્યું.
"શિવ,હું તને બહુ જ પ્રેમ કરું છું..તારાં વગર નહીં જીવી શકું.."શ્રી એ શાંત થતાં કહ્યું.
"તો કોને કહ્યું મારાં વગર તારે જીવવાનું છે..હવે શ્રી વગર શિવ ની કલ્પના પણ શક્ય નથી.."શિવે શ્રી નાં કપાળ ને ચુમતા કહ્યું.
"શિવ તને ખબર ના હોય તો જણાવી દઉં કે આપણી કાસ્ટ અલગ છે..મારાં ઘરનાં લોકો મને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાની પરમિશન નહીં જ આપે.."શ્રી એ કહ્યું.
"અરે યાર..હવે એ બધું વિચારીને અત્યારથી દુઃખી કેમ થાય છે..હાલ તો આપણાં વર્તમાન ને જીવી લે..જો આગળ એકબીજાનો સાથ હશે તો દુનિયા સામે લડી લઈશું.."શ્રી એ જે કહ્યું હતું એને શિવને વિચારતો તો કરી મુક્યો હતો..પણ હાલ તો શ્રીનું મન હળવું થાય એ પ્રથમ વાત હતી શિવ માટે.
શિવ નાં આમ કહેતાં જ શ્રી નો ચહેરો ખીલી ઉઠ્યો અને એ શિવ ને ગળે લગાવીને બોલી.
"I love you shiv.."
"I love you too ડોબી.."શિવે હસીને કહ્યું.
હવે શ્રી ઘણીખરી હદે રાહત અનુભવી રહી હતી..એટલે શિવે મજાકનાં મૂડમાં કહ્યું.
"એ વ્હાલી..જો તને હું ના મળું તો..?"
"એ એવું કેમ બોલે છે..?"શિવનો સવાલ સાંભળી ગુસ્સે થતાં શ્રી બોલી.
"અરે બસ એમ જ પૂછ્યું..બોલ ને.."શિવે હસીને પોતાની વાત કરી.
થોડું વિચાર્યા બાદ શ્રી શિવ નો હાથ પોતાનાં હાથમાં લઈને બોલી.
"તું મને ના મળે તો..હું મરી તો નહીં જાઉં.. કેમકે તું અલગ થયાં પછી પણ મારાં માટે દુવાઓ કરીશ જે મને મરવા નહીં જ દે..પણ તું મને ના મળ્યો તો તારી આ પાગલ સાચેમાં પાગલ થઈ જશે.."
આટલું બોલતાં તો શ્રીનો અવાજ લાગણીસભર બની ગયો હતો..એની આંખો ની કિનારીએ આંસુ આવીને બેઠાં હતાં..હવે એ આંસુ છલકીને બહાર ના આવે એ હેતુથી વાતાવરણ હળવું કરવાનાં ઉદ્દેશથી શિવ હસીને બોલ્યો.
"અત્યારે જો તું આવી સિરિયસ પાગલ છે..તો પછી તો તને સાંકળોથી બાંધીને રાખવી પડશે.."
શિવની આ વાત સાંભળી શ્રી હસી પડી અને શિવ પર નકલી ગુસ્સો કરી એની છાતીમાં ધીરેથી મુક્કા મારવાં લાગી..શિવે ધીરેથી પોતાનો હાથ શ્રીનાં ખભે મૂકી એને પોતાની બાહોમાં સમાવી લીધી..આ મિલન હતું એવાં બે કિનારા નું જે ક્યારે મળશે એ તો વિધાતા ને જ ખબર હતી.
બસ આવી જ કેટલીય સાંજ શિવ અને શ્રી એ જોડે પસાર કરી..બંને માં ઘણી વિભિન્નતા હતી..જેમકે શિવ ને આદુવાળી ચા પસંદ હતી તો શ્રી ને રેસ્ટોરેન્ટની કોલ્ડ કોફી..શ્રી ને લેકમેનું આઈલાઈનર પસંદ હતું તો શિવ ને એની કાજળ ભરેલી આંખો..શિવ ને ગઝલો ગમતી તો શ્રી ને હિપ-હોપ મ્યુઝિક,શિવ જ્યાં લારીઓ ઉપર નાસ્તો કરવાનું પસંદ કરતો તો શ્રીને પાણીપુરી સિવાય બધું મોંઘી રેસ્ટોરેન્ટમાં કરવું પસંદ હતું.
શ્રી એ ઘણીવાર શિવ ને જણાવ્યું કે એને લોસ એન્જલસ અને ઈસ્તુંબલ નાં વિશાળ મોલમાં શોપિંગ કરવાનું સપનું છે...તો શિવ નું સપનું હતું કે એ શિમલાની પહાડી પર આવેલાં વ્યુ પોઈન્ટ પર બેસી ડૂબતા સૂરજને જોવે..આટઆટલી વિચારોની અને શોખ ની ભિન્નતા હોવાં છતાં શ્રી અને શિવ એક હતાં...એકબીજાની સાથે હતાં.
"હાથવગી લાગતી મંજીલ ક્યારે તો એમ છટકી જાય છે..
જેમ હૈયા કેરી નાવડી મઝધારે વમળમાં ભટકી જાય છે.."
કોલેજ નાં સાતમાં સેમિસ્ટર સુધી શ્રી અને શિવનો પ્રેમ આમ જ અકબંધ રહ્યો..પણ જ્યારે લાસ્ટ સેમિસ્ટર શરૂ થયું અને શિવ એક મહિનાની ટ્રેઈનિંગ માટે અમદાવાદ આવ્યો એ સાથે જ એમની પુનમનાં ચાંદ જેવી ચમકદાર પ્રેમકહાની ને ગ્રહણ લાગવાની શરૂવાત થઈ ચૂકી હતી.
★★★★★★★
વધુ નવાં અધ્યાયમાં.
કઈ રીતે શિવ અને શ્રીની પ્રેમકહાનીને ગ્રહણ લાગવાનું હતું..?શિમલામાં શિવની સાથે શું થશે..?શિવ અને ઈશિતાની પ્રેમ કહાની નો શું અંજામ આવ્યો હતો..?આખરે ઈશિતા ક્યાં હતી..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.
આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)