(તો આપને આગળ જોયુ કે પેરુ ઉતર્યા પછી હું અને મારા સાથીદારો પેલા ભેદી લાગતા વ્યક્તિઓનો પીછો કરીએ છે. એ દરમ્યાન મને એલનો ફોન આવે છે , તે મને જણાવે છે કે એના અંદાજે આ લોકો એમેઝોનના વરસાદી જંગલોના પ્રવેશદ્વાર " મનાસ " તરફ જઈ રહ્યા હોવા જોઈએ.હવે જોઈએ આગળની સફર )
લગભગ બે દિવસે અમે મનાસ
પહોંચ્યા. એલનો તર્ક બિલકુલ સાચો નીકળ્યો. આ ખરેખર ખૂબ સુંદર શહેર હતુ. અમે સવારના સમયે ઉતર્યા હતા. શહેરને તો જાણે ચારે તરફથી હરિયાળીએ ઘેરી લીધુ હતુ. જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જ વૃક્ષો. ખરેખર ધરતીને જ્યારે લીલોતરીની સોડમ પ્રાપ્ત થાય ત્યારે એ સ્વર્ગથી પણ વધુ સુંદર મેંહકી ઊઠે છે. હમણા જ થોડો વરસાદ પણ થયો હશે અને ભીની માટીની સોડમ મનને તૃપ્તિ અર્પી રહી હતી. થોડા થોડા અંતરે પાણીના નાના મોટા ઝરણા જાણે શેહરની સુંદરતાને વધારતા હતા.
આ બધા વચ્ચે નજર સતત પેલા વ્યક્તિઓ પર હતી. એક વધુ માણસ હવે તેમની સાથે જોડાયો હતો એટલે કે તેઓ હવે ચાર જણા હતા. એક દુકાન પાસે ઉભા રહીને તેઓ તેના માલિક સાથે કંઇક ચર્ચા કરી રહ્યા હતા અને થોડા સમય પછી ત્યાંથી રવાના થયા. અમે પણ ફટાફટ દુકાન પાસે પહોંચી ગયા. આ એક મોટરબોટ ભાડે આપતી દુકાન હતી. દુકાનદારે મને જણાવ્યું કે, " એ વ્યક્તિએ તેનુ નામ માઈકલ લખાવ્યુ છે. તેઓએ છ માણસ બેસી શકે તેવી મોટરબોટ ભાડે લીધી છે, વધુ તો કંઇ જણાવ્યું નહિ પણ હા એટલુ કીધુ છે કે તેઓ ક્યાંક ઊંડે એમેઝોનના જંગલમાં જવા ઈચ્છે છે , પણ તેમનો હેતુ શું છે એ નથી ખબર.ખેર તેઓ બે કલાકમાં હવે નીકળે છે અને સામાન મૂકવા નજીકના લોકર રૂમમાં ગયા છે. ત્યાંથી સીધા નજીકના એમેઝોન નદીના કાંઠે જશે અને ત્યાંથી જ એમની મુસાફરી શરૂ થશે , અમારી મોટરબોટ ત્યાં જ ઊભી રેહશે."
અમે પણ ચાર વ્યક્તિ બેસી શકે તેવી મોટરબોટ ભાડે કરી. પોલે પૈસા ચૂકતે કર્યા અને અમારો સામાન નજીકના લોકર રૂમમાં મૂક્યો. ઘરે મેં એક વાર ફોન કરી લીધો અને અમે હેમખેમ પેરુ પહોંચી ગયા છે તેની જાણ કરી. એનાથી વિશેષ મેં એમને કંઈ જણાવ્યુ નહિ કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેઓ નાહકની ચિંતા કરે. થોડી વારમાં અમે પણ કાંઠે પહોંચી ગયા ત્યાં માઈકલ અને એના સાથીઓ પેહલેથી જ ઉભા હતા. સામાન એમની મોટરબોટમાં મૂક્યો અને એમની બોટ તો ઉપડી ! અમે પણ જરૂરી સામાન સાથે લઈ બોટમાં ગોઠવાયા. અમારો નાવિક ૨૦-૨૫ ઉંમરનો નવજુવાન હતો.
"સર , તમે મોટરબોટ તો ભાડે લીધી પણ જવાનુ ક્યાં છે ?" નાવિકે મને પુછ્યુ. મેં એને ટુંકમાં સમજાવ્યું કે આગળની મોટરબોટ જ્યાં જાય તેનો તારે માત્ર પીછો જ કરવાનો છે. બાકીનુ અમે તને સમજાવતા જઇશુ. મારી એના સાથેની વાતચીતથી અમે જાણી શક્યા કે એનુ નામ અબાના હતુ.૧૫ વર્ષની ઉંમરથી એ મુસાફરોને એમેઝોનના જંગલોમાં ફેરવતો, ઘણી વાર થોડા અંદરના ગામોમાં આવતા-જતા લોકોને મુસાફરી હોય તો ક્યારેક માત્ર ટહેલવા જતા સહેલાનીઓ. આમ પણ એમેઝોન દુનિયા ભરના લોકો માટે એક કુતુહલતાનુ બીજુ નામ રહ્યુ છે.
અમે ઉચાટ જીવે મુસાફરી કરી રહ્યા હતા. આ લોકો ક્યાં જઈ રહ્યા છે એનો અમને બિલકુલ અંદાજ ન હતો. અબાનાના જણાવ્યા અનુસાર આ લોકો આસપાસના ગામ ના રહેવાસી તો ન જ હતા. કારણ કે ગામો હવે દૂર થઈ રહ્યા હતા અને હવે પછીનો જંગલોનો ભાગ તે પણ પહેલી વાર ખેડી રહ્યો હતો. જંગલમાં આટલે ઊંડે ઉતરવાની આમની મથામણ એના પણ સમજ બહાર હતી.
અંધારુ બરાબર જામી ચુક્યુ હતુ. આગળની બોટનો દીવાનો પ્રકાશ માત્ર દેખાતો હતો. અમે દીવો પ્રગટાવ્યો ન હતો , રખે ને તેઓ સાવધાન થઈ જાય. નાનકડી ટોર્ચ હાથમાં રાખીને હું અબાના સાથે બોટની આગળ બેઠો હતો જેથી નદીમાં આવતા વળાંક જોઈ શકાય.
અચાનક આગળની બોટ ઊભી રહી ગઈ. અમે પણ અમારી બોટ રોકી. થોડીવાર કોઈ કંઈ બોલ્યુ નહિ. ચારેતરફ નીરવ શાંતિ હતી , માત્ર જીવજંતુ વિચિત્ર અવાજ કાઢીને રાતને વધારે ભયાવહ બનાવી રહ્યા હતા. અચાનક આગળની બોટમાંથી બંદૂકના ધડાકાભેર ફાયર સંભળાયા. એક સાથે ઘણી બધી બંદૂકમાંથી ફાયર થઈ રહ્યુ હતુ.......
( આમ અચાનક ફાયરિંગનુ કારણ શું હશે ? શું લક્ષ્ય અને તેના સાથીઓની હાજરી છતી થઇ ગઈ હશે ? કેવી રેહશેે તેમની આગળની સફર .... વધુ આવતા અંકે.. )