પ્રેમ-અગન:-9
"તારી જુદાઈનો અવસર જ્યારથી મને સાંપડ્યો છે..
તારાં વગર જીવું છું એ જોઈ ખુદ નો ખભો થાબડયો છે."
હયાત હોટલમાં યોજયેલાં CNBC નાં બિઝનેસ એવોર્ડ ફંક્શનમાં શિવ ચક્કર ખાઈને ફર્શ પડ્યો..શિવનાં નીચે પડતાં ની સાથે એનો મિત્ર કમ બિઝનેસ પાર્ટનર જય દોડીને શિવ ની તરફ ગયો.
"શિવ..શું થયું તને..?"શિવ નું માથું પોતાનાં ખોળામાં મૂકી ચિંતિત સ્વરે જયે પૂછ્યું.
જય નાં સવાલનાં જવાબમાં શિવ ફક્ત કણસતો રહ્યો..આ જોઈ જયે શિવને ઉઠાવીને કાર સુધી લઈ જવામાં પોતાની મદદ કરવાની ગુહાર લગાવી..જય ની મદદ માટે ની અરજ સાંભળી ત્રણ-ચાર લોકો એની પાસે પહોંચી ગયાં..એમની મદદ વડે જયે શિવ ને પોતાની કારની પાછલી સીટ માં સુવડાવ્યો અને પોતાની કાર ને ફટાફટ અખબાર નગર સર્કલ જોડે આવેલી માનસી હોસ્પિટલ તરફ ભગાવી મુકી.
દસેક મિનિટમાં તો જય ફટાફટ માનસી હોસ્પિટલનાં પાર્કિંગમાં જઈ પહોંચ્યો..ત્યાં પહોંચી એને પાર્કિંગમાં મોજુદ સિક્યુરિટીવાળા ને અવાજ આપી જલ્દીથી કોઈ કંપાઉન્ડર ને સ્ટ્રેચર લઈને આવવાં કહ્યું..બે-ત્રણ મિનિટમાં તો બે લોકો સ્ટ્રેચર લઈને ત્યાં આવી પહોંચ્યા..આ સમય દરમિયાન જય સતત શિવ નાં હાથની હથેળી પર પોતાની હથેળી ઘસી રહ્યો હતો.શિવ ભાનમાં તો હતો પણ કંઈપણ બોલતો નહોતો એ જોઈ જય તો ગભરાઈ ગયો હતો.
શિવ ને તાત્કાલિક ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો..જ્યાં ડોકટર પુનિત બારોટ એની ટ્રીટમેન્ટ કરવાં તાબડતોડ જઈ પહોંચ્યા..શિવની ટ્રીટમેન્ટ ચાલુ હતી એ દરમિયાન જયે હમીર ને ફોન કરી ફટાફટ ત્યાં આવવાં જણાવી દીધું હતું..અને પોતે પણ ઈમરજન્સી રૂમ બહાર આંખો બંધ કરી શિવ ને કોઈ મોટી સમસ્યા ના હોય એની દુવા કરી રહ્યો હતો.
કલાકમાં તો હમીર હોસ્પિટલમાં આવી પહોંચ્યો..એ જે રીતે હાંફી રહ્યો હતો એ ઉપરથી સમજવું સરળ હતું કે એ કેટલી ઉતાવળથી ત્યાં આવ્યો છે..ઈમરજન્સી રૂમની બહાર બેસેલાં જય ની જોડે પહોંચી રડમસ સ્વરે હમીર બોલ્યો.
"જય ભાઈ,શું થયું શિવભાઈ ને..સવારથી જ એમને સારું નહોતું..મેં કહ્યું કે ઓફિસે ના જાઓ અને ઘરે આરામ કરો...પણ માન્યા જ નહીં.."
"શિવ ને શું થયું છે એ તો ડોકટર રિપોર્ટ આપશે એમાં જ ખબર પડશે.. પણ આજે શિવ અચાનક ચાલુ ફંક્શન દરમિયાન ચક્કર ખાઈને ઢળી પડ્યો..એને અર્ધ બેહોશ હાલતમાં લઈને હું અહીં આવ્યો.."જયે હમીરને જણાવ્યું.
હમીર જાણતો હતો કે જય પણ શિવ ને મિત્રની જેમ નહીં પણ એક સગા ભાઈની જેમ જ સમજે છે..આથી જય પણ પોતાની જેમજ શિવની તબિયતને લઈને પરેશાન હોય એ લાજમી હતું.
પંદર મિનિટ બાદ ડોકટર પુનિત બારોટ હાથમાં એક ફાઈલ લઈને ઈમરજન્સી રૂમમાંથી બહાર નીકળ્યા અને જય તથા હમીર જ્યાં બેઠાં હતાં એ તરફ આગળ વધ્યાં.
"શિવને શું થયું છે ડોકટર..?"ડોકટર ને જોતાં જ ઉતાવળાં ડગલે એમની જોડે પહોંચી વ્યગ્ર અવાજમાં જયે પૂછ્યું.
"સારું છે તમારાં દોસ્ત ને હાલ તો..પણ હવે એ ધ્યાન નહીં રાખે તો સ્થિતિ વણસી શકે છે.."ડૉકટરે ગંભીર મુખમુદ્રા સાથે કહ્યું.
"ડોક્ટર, મહેરબાની કરી તમે સાફ-સાફ જણાવશો કે શિવ ને આખરે થયું છે શું..?
"શિવ જે બીમારીથી પીડાય છે એનું નામ છે..Diagnostic and Statistical manual of mental disorder"ડોકટર પુનીતે કહ્યું.
"શું હોય છે આ બીમારીમાં..?"જયે પૂછ્યું.
"આ બીમારી આજ-કાલ white collar જોબ કરતાં અને એમાં પણ કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરતાં લોકોમાં સામાન્ય છે.આ એક એવી મેન્ટલ કન્ડિશન છે જ્યાં વ્યક્તિ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા કરતાં વધુ કામ કરે છે..આવાં લોકોને તમે વર્કોહોલિક પર્સન ગણી શકો છો..કામનો વધુ પડતો બોજ અને તણાવ નાં લીધે આ લોકો સતત ડિપ્રેશન અને અનિંદ્રા નો ભોગ બને છે..શિવ ને પહેલાં પણ માથામાં ભારે ઇજા થયેલી હોવાથી એને આ બીમારીની અસર વધુ પહોંચી છે..આ બીમારીમાં શિવ હજુ શરુવાતનાં સ્ટેજમાં છે..પણ જો હવે થોડાં દિવસ સુધી શિવ આરામ નહીં કરે તો એની મગજમાં લોહી પહોંચાડતી નસો અને ચેતાતંત્ર પર ખરાબ અસર થઈ શકે છે.."શિવને આખરે શું થયું હતું એને સવિસ્તર માહિતી આપતાં ડોકટર બોલ્યાં.
"હું એને કહી કહીને થાક્યો કે હવે ઘણું કમાઈ લીધું અને બિઝનેસ પણ પાટે ચડી ગયો માટે હવે નકામું ટેનશન માથે લઈને ના ફર..પણ માને એ બીજાં.."જય ગુસ્સામાં આવી બોલ્યો..એનાં આ ગુસ્સામાં પણ શિવ માટેનો એનો પ્રેમ સમજી શકાતો હતો.
"જોવો એ તો હવે દરેક વ્યક્તિ એક વખત કામમાં પોતાની જાતને ડૂબાવી ચુક્યો હોય એને ખુદની ફિકર પણ નથી રહેતી.."ડૉકટરે કહ્યું.
"ડોકટર હવે શિવ ની તબિયત ખરાબ ના થાય એ માટે શું ધ્યાન રાખવું પડશે..?"જયે પૂછ્યું.
"અત્યારે તો મેં ઘેનની દવા આપી દીધી છે એટલે એ સવાર સુધી શાંતિથી સૂતો રહેશે..પણ હવે આગામી એક અઠવાડિયા સુધી શિવ કોઈપણ જાતનો મેન્ટલી સ્ટ્રેસ લે કે કામ કરે એ વાત એનાં માટે જોખમી બની જશે..માટે એ થોડાં દિવસ કામથી દૂર રહે એમાં જ ભલાઈ છે..અને એ માટે એ કોઈ કુદરતી સ્થળે હવાફેર કરવાં જાય એ જ આ પ્રોબ્લેમ ની સાચી સારવાર છે.."ડૉકટરે જય નાં સવાલનાં જવાબમાં કહ્યું.
"આપનો ખુબ ખુબ આભાર..શિવ ને અહીંથી ક્યારે ઘરે લઈ જઈ શકીએ..?"જયે સવાલ કર્યો.
"કાલે સવારે..તમે શિવ ને અહીંથી લઈ જઈ શકો છો..પણ મેં કહ્યું એ બાબતનું ધ્યાન રાખજો.."આટલું કહી ડોકટર ત્યાંથી નીકળી ગયાં.
"જય ભાઈ..તમ તમારે ઘરે જવું હોય તો જઈ શકો છો..હું રાતભર શિવભાઈ ની જોડે હાજર રહીશ.."હમીરે ડોકટર નાં જતાં જ જય ને ઉદ્દેશીને કહ્યું.
"સારું પણ એ પહેલાં હું તારાં માટે કંઈક જમવાનું ઓર્ડર કરી દઉં.."આટલું કહી જયે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી દીધું..જેની ડિલિવરી થતાં જ જય હોસ્પિટલમાંથી ઘરે જવાં રવાના થઈ ગયો..હવે હમીર ત્યાં હાજર હતો એટલે શિવની થોડી પણ ચિંતા કરવાની જરૂર નહોતી.
*********
સવારે જ્યારે જય હોસ્પિટલમાં આવ્યો ત્યારે શિવ ને ભાન આવી ચૂક્યું હતું..હમીર શિવની બાજુમાં જ બેઠો હતો..શિવ એડમિટ હતો એ રૂમમાં પ્રવેશતાં જ જય બોલ્યો.
"એ ભાઈ..હવે કેમ છે તને..?"
"અરે ચકાચક..બસ આતો અશક્તિનાં લીધે ચક્કર આવી ગયાં હશે.."શિવે હસીને જય નાં સવાલનો વળતો જવાબ આપતાં કહ્યું..જે સાંભળી જય સમજી ગયો કે હજુ હમીરે શિવ ને શું થયું છે એની વાત નથી કરી.
"શિવ જો યાર એક વાત કહેવાની છે..તને જે કંઈપણ થયું એ અશક્તિ નાં લીધે નહોતું થયું પણ.."આટલું બોલી જય અટકી ગયો.
"શું પણ..મને શું થયું છે એ જણાવીશ.."ચિંતિત થઈને શિવે પૂછ્યું.
"ભાઈ તું શાંતિ રાખ..હું તને કહું કે તારાં મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું છે.."આટલું કહી જયે શિવને જે મેન્ટલી પ્રોબ્લેમ હતી એ વિશે વિગતવાર વાત કરી.
જય ની વાત સાંભળી શિવને જ્ઞાત થયું કે ઘણાં મહિનાઓથી એને કામ ઉપરથી રજા જ નહોતી લીધી..સવાર થી લઈને મોડી રાત સુધી બસ કામ ને કામ જ એ કરતો રહ્યો હતો..અમુક વાર તો એવું બનતું કે પોતે સતત ત્રણ-ચાર દિવસ માંડ ૨-૩ કલાક જ સૂતો હતો..જમવાનાં સમયનાં પણ ઠેકાણાં નહોતાં..છેલ્લાં ચાર મહિનાથી પોતાને સતત માથાનો દુખાવો રહેતો હતો..આ બધું પોતાનાં વર્કોહોલિક હોવાનાં લીધે થયું હતું એ જાણીને શિવને વધુ આશ્ચર્ય તો ના થયું પણ હવે પોતાને શું સાવચેતી રાખવાની હતી એ જાણવાં એને જય ની તરફ જોઈને પૂછ્યું.
"તો ડૉકટરે આની સારવાર માટે કોઈ દવા કે બીજું કંઈપણ કહ્યું..?"
"ડૉકટરે દવા નું તો નથી કહ્યું પણ એમને હિદાયત આપી છે કે થોડાં દિવસ તું કામ પરથી દૂર રહીશ."જય બોલ્યો.
"અરે પણ હું ઓફિસે ના આવું તો હું ઘરે બેઠો વધુ બીમાર પડી જઈશ.."શિવ રઘવાઈને બોલ્યો.
"મને ખબર છે કે તું તારું કામ અને ઓફિસ ને મૂકી નહીં શકે માટે મેં નક્કી કર્યું છે કે તું એક ટુર ઉપર જઈશ..એ પણ દસ દિવસથી.ત્યાં નો વર્ક,નો લેપટોપ.."શિવ ની જોડે પલંગ પર બેસતાં જય બોલ્યો.
"અરે પણ દસ દિવસ..આટલાં બધાં દિવસ તો મેળ ના પડે..હું આટલાં દિવસ બહાર જઈશ તો ઓફિસનું કામ.."સવાલસુચક નજરે જય ભણી જોઈ શિવ બોલ્યો.
"બધું થઈ જશે..પણ આ મારી સલાહ ગણ કે પછી ઓર્ડર સમજ..તું દસ દિવસ મીની વેકેશન ઉપર ફરવાં માટે જાય છે..સ્થળ તું નક્કી કર. હું આજે જ પ્લેન અને હોટલની ટીકીટ બુક કરાવી દઉં.."જય શિવ નાં હાથ પર પોતાનો હાથ મૂકી બોલ્યો.
હવે જય પોતાની કોઈ દલીલ નહીં સાંભળે એ શિવને ખબર પડી ગઈ હતી..અને પોતે પણ હવે થોડો સમય બધું પડતું મૂકી ક્યાંક ફ્રેશ થવાં ઈચ્છતો હતો એટલે એને પણ જય નાં આગ્રહ નો વિરોધ ના કર્યો..પણ હવે એ વિચારવાનું હતું કે એ જવાં ક્યાં ઈચ્છતો હતો..થોડું વિચાર્યા બાદ શિવ બોલ્યો.
"જય,હું શિમલા જઈશ.."
"સરસ..હું આજે જ બે ટીકીટ બુક કરાવી દઉં.."શિવની વાત સાંભળી જય બોલ્યો.
"બે ટીકીટ..?બીજું કોણ આવે છે જોડે..?"વિસ્મય સાથે શિવે કહ્યું.
"હવે તારી તબિયત સારી નથી..તો હું કોઈ રિસ્ક લેવાં નથી ઈચ્છતો..આ હમીર પણ તારી જોડે જ આવશે.."જય હમીર તરફ જોઈને બોલ્યો.
પોતે પ્રથમ વખત વિમાનમાં બેસશે એ જાણીને તો હમીર મનોમન ખુશ થઈ ગયો..હમીર નાં ચહેરા પર આવેલું સ્મિત જોઈને શિવ સમજી ગયો કે હમીર પણ એની સાથે શિમલા જવાં ઈચ્છુક છે..અને આમ પણ હમીર જોડે હશે તો પોતાને થોડી કંપની રહેશે એમ વિચારી શિવે પણ જય ની વાત સ્વીકારી લીધી.
ત્યારબાદ ડોકટર ની રજા લઈને જય શિવને ઘરે લઈ ગયો..શિવને થોડો સમય ઘરે જ આરામ કરવાનું કહી જય સીધો પોતાનાં એક ઓળખીતા મિત્રની ટુર પેકેજ ની ઓફિસે જઈને શિવ અને હમીર માટે દસ દિવસનાં શિમલાનાં પેકેજની ટીકીટ બુક કરાવતો આવ્યો.. જે મુજબ ત્રણ દિવસ પછી રાતે દસ વાગે અમદાવાદ થી વાયા દિલ્હી થઈને શિમલા જતી ફ્લાઈટમાં એમને જવાનું હતું.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાંનાં ત્રણ દિવસ બાદ શિવ અને હમીર ને પોતાની કારમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી જય મૂકવાં ગયો.
"સારું ભાઈ..તું સાચવજે..અને અહીંની ચિંતા મૂકી દે.."જતાં-જતાં શિવને ગળે લગાવીને જય બોલ્યો..એનાં શબ્દો પરથી પોતાનાં તરફની લાગણી શિવ સમજી રહ્યો હતો.એને પણ જય નો આભાર માનતાં કહ્યું.
"ભાઈ તું છે તો મને શેની ચિંતા..ચલ ત્યારે હું નીકળું.."
"જય ભાઈ..એ તો હું છું ને શિવભાઈ ની જોડે એટલે કોઈ ફિકર નહીં.."હમીર બોલ્યો.
જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી શિવ અને હમીર શિમલા જતી ફ્લાઈટમાં ગોઠવાઈ ગયાં.શિવ ની સીટ બારીની જોડે હતી અને હમીર ની શિવની બાજુમાં..ફ્લાઈટ એટેન્ડસ ની જરૂરી સૂચનાઓ નું પાલન થયાં બાદ પ્લેનનું એન્જીન સ્ટાર્ટ થયું અને શિમલા જતી ફ્લાઈટે ઉડાન ભરી.
જેવી ફ્લાઈટ અમદાવાદથી શિમલા જવાં ટેક ઓફ થઈ એ સાથે જ બારી ની બહાર અમદાવાદ શહેરને જોતાં શિવ નાં વિચારો ની ફ્લાઈટ પણ પોતાનાં ભૂતકાળમાં જઈ પહોંચી..જ્યાં એની જીંદગીનો સૌથી વધુ સુંદર અને સૌથી વધુ દુઃખદાયક સમય એની રાહ જોઈ રહ્યો હતો.!!
"વિરહની આગમાં સળગી રહ્યો હું દિવસને રાત..
વર્ષોથી સળગી રહ્યો તો પણ જમા ના થતી રાખ.."
★★★★★★★
વધુ નવાં અધ્યાયમાં.
શિમલામાં શિવની સાથે શું થશે..?શિવ અને ઈશિતાની પ્રેમ કહાની નો શું અંજામ આવ્યો હતો..?આખરે ઈશિતા ક્યાં હતી..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.
આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)