નો રીટર્ન-૨
ભાગ-૯૦
પહેલો ઘા રાણાનો.. એ ન્યાયે મેં પ્રહાર તો કરી દીધો હતો પરંતુ પછી ક્રેસ્ટોનાં ભયાનક તેવર જોઇને મનમાં એક ફડક ઉદભવી હતી. ખૂંખાર નજરે એ મને તાકી રહ્યો હતો. તેની આંખોમાંથી છલકાતી ભયંકર ક્રોધની જ્વાળા મને દઝાડતી હતી. તે મને કાચોને કાચો ખાઇ જવાનો હોય એવું તેનાં ચહેરા ઉપરથી જણાતું હતું. તેનાં હાથમાં છરો હતો જ્યારે હું સાવ નિહથ્થો ઉભો હતો. જો મેં જલ્દી કઇં ન કર્યું તો છરાનાં એક જ વારે મારા રામ રમી જવાનાં હતાં. કઇંક હથીયાર તરીકે કામ આવે એવી વસ્તું શોધવા મેં આજુબાજું ડફાકીયા માર્યા. ઝાડની તૂટેલી ડાળી કે એકાદો વજનદાર પથ્થર, એવું કઇંક મળી જાય તો ક્રેસ્ટોનો સામનો કરવો આસાન બની રહે. પણ એવું કશું જ ધ્યાનમાં આવ્યું નહી અને એ દરમ્યાન ભયાનક વેગથી ક્રેસ્ટો મારી તરફ લપક્યો હતો.
તેની કાયાનાં આકારથી... દોડતાં આવતાં કદમોથી...તેનાં હાથમાં ચળકતાં લાંબા છરાની ચમકથી... મારા જીગરમાં ભયાનક ડરનું એક લખલખું પસાર થઇ ગયું. મારી એકદમ નજીક પહોચીને તેણે છરો ઉગામ્યો અને એક જ વારથી જાણે મારા બે કટકા કરી નાંખવા માંગતો હોય એવા ભયંકર વેગે પ્રહાર કર્યો. મારા મોતીયા મરી ગયાં. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઇએ તેની સમજ પડી નહી અને છરાનાં વારથી બચવા હું બસ એમ જ, થોડોક પાછળ હટીને એ તરફ કૂદયો. એવું કરવામાં મારા જ બન્ને પગ આપસમાં ઉલઝ્યાં અને પગમાં આંટી પડી. એ બન્ને ક્રિયા એક સાથે બની અને તેનાથી હજું હું કંઇક સમજું, મારી જાતને સંભાળુ એ પહેલા તો પીઠભેર ધરતી ઉપર ઝિંકાયો. એ સાવ અસહજ બાબત હતી અને જેવો પડયો એ સાથે જ ભયાનક અવાજે હું કરાહી ઉઠયો. બન્યુ એવું હતું કે ધરતીમાં ખૂંપેલો એક અણીદાર પથ્થર સીધો જ મારી પીઠમાં ખૂંપી ગયો હતો. ઘડીભર તો એવું લાગ્યું જાણે મારી કરોડરજ્જૂનાં બે કટકા થઇ ગયાં હોય..! મારી આંખોમાં આપોઆપ આસું ઉભરાઇ આવ્યો અને દર્દથી બેવડ વળીને હું ટૂંટીયુ વાળી ગયો. ક્રેસ્ટોનો સામનો કરવાની મારી હિંમત એક જ ઘા માં પસ્ત થઇ ગઇ હતી. પણ... સાવ એવુંય નહોતું કારણકે ધરતી ઉપર પડવાથી મને એક ફાયદો પણ થયો હતો. મારા પડવાથી ક્રેસ્ટોનો વાર ખાલી ગયો હતો. જો હું પડયો ન હોત તો તેનાં છરાનાં એક જ ઘા એ મારા ઉભા બે ફાડા થઇ ગયાં હોત એમાં શંકાને કોઇ સ્થાન નહોતું. પરંતુ જેવો હું પડયો એ સાથે તેનો વાર ખાલી ગયો હતો અને “ ધફફફ.... “ કરતો છરો જમીન સાથે ટકરાયો હતો. મેં એ જોયું હતું. ભલે મને પીઠમાં વાગ્યું હોય છતાં મારું ધ્યાન તો ક્રેસ્ટો તરફ જ હતું. સૂતા સૂતા જ મેં એક પેંતરો અજમાવ્યો. એક એવો પેંતરો જે ધણીબધી હિંદી ફિલ્મોમાં હજારવાર અજમાવાઇ ચૂકયો હતો. મેં સૂતા સૂતા જ જમણા હાથની મુઠ્ઠીમાં ત્યાંની માટી ભરી અને જેવો ક્રેસ્ટો સીધો ઉભો થવા જાય એ પહેલાં તેનાં ચહેરા ઉપર માટીનો ઘા કર્યો. એ સમયે ક્રેસ્ટો અસાવધ હતો અને વાર ખાલી જવાથી ભયંકર ગૂસ્સામાં પણ હતો. એનો મને ભરપુર લાભ મળ્યો. માટી સીધી જ તેનાં ચહેરા સાથે અથડાઇ અને બન્ને આંખોમાં પડી. તેની આંખો ઝીણી ગિરદ જેવી માટીથી ઉભરાઇ પડી. જાણે કેટલાય ઝીણાં કાંટા તેની આંખોમાં એકસાથે કોઇએ ભોંકી દીધા હોય એવી લ્હાય બળી તેને.. તેનાં હાથમાંથી છરો આપોઆપ નીચે જમીન ઉપર પટકાયો અને તે પોતાનાં બન્ને હાથોથી આંખો ચોળવા લાગ્યો. મારા એક જ પેંતરાએ તે લગભગ આંધળો બની ગયો હતો. ભયંકર તકલીફથી તે આમ તેમ ડફાકીયા મારવા લાગ્યો અને આંખો ચોળવાથી તો તેની તકલીફ ઔર વધી ગઇ હતી કારણકે ઘૂળનાં કણો તેની કીકીઓનાં પડળની અંદર સુધી ઘૂસી રીતસરનો કોહરામ મચાવતાં હતાં. કોઇની પણ આંખોમાં આવી ઝીણી ગિરગ મિશ્વિત ધૂળ જાય તો તેનાં પણ આવા જ હાલ થયાં વિના રહે નહી. ક્રેસ્ટોની હાલત પણ કઇંક એવી જ હતી. તે બહાવરો બની ગયો હતો અને હું... આ મોકાનો ફાયદો ન ઉઠાવું એટલો બેવકૂફ તો નહોતો જ. માંડ મારા હાથમાં એક મોકો આવ્યો હતો અને એ મોકાને હું ચૂકવા માંગતો નહોતો. મારી કરોડરજ્જૂમાં ચાહકા ઉઠતાં હતાં છતાં ભયાનક ઝડપે હું ઉભો થયો અને ક્રેસ્ટોનાં હાથમાંથી છટકીને નીચે પડેલો છરો ઉઠાવ્યો. એક હથિયાર હાથવગું થતાં જ મારામાં અનેરું જોમ ઉભરાયું અને મારું આખું શરીર ધગધગવા લાગ્યું હતું. મનમાં એક ઝનૂન છવાયું. મારી નજરો સમક્ષ મારો જ કાળ ઉભો હતો અને હમણાં બે મિનિટ પહેલાં જ તેણે મને મારી નાંખ્યો હોત. જો હવે હું ઢીલ કરું તો આવો સોનેરી મોકો મને ફરીવાર મળવાનો નહોતો. જબરા જનૂનથી હું ક્રેસ્ટોની વધું નજીક ગયો. મનમાં હતી એટલી બધી હિંમત એકઠી કરી અને આંખો બંધ કરીને... દાંત કચકચાવીને... ધારદાર છરાનો એક જબરદસ્ત પ્રહાર તેનાં ગોઠણ ઉપર કર્યો. “ ખટાક....” ક્યાંક એક ખટાકાનો... હાડકું તૂટવાનો... ભયાનક અવાજ આવ્યો અને ક્રેસ્ટોનો ડાબો પગ તેનાં ગોઠણેથી જૂદો થઇને ધરતી ઉપર પડયો. તેનાં પગમાથી રીતસરનો લોહીનો ફૂવારો ઉડયો અને ક્રેસ્ટો જેવા દાનવનાં ગળામાંથી બેતહાશા ચીખો નિકળવા લાગી. એ દ્રશ્ય ક્રૂરતાની ચરમસીમા સમાન હતું. પહાડ સમો આદમી છરાનાં એક જ વારમાં ઢેર થઇ ગયો હતો અને તેનો પગ ગોઠણેથી છૂટો પડીને જમીન ઉપર પડયો હતો. અરે, હું ખુદ ખળભળી ગયો હતો... મારું એક એક અંગ થરથર ધ્રૂજી રહ્યું હતું. જે ક્રૃત્ય મે કર્યું હતું એ કોઇ હેવાનીયતથી કમ નહોતું. જો મને મારા મૃત્યુનો ભય લાગ્યો ન હોત તો મેં ક્યારેય આવું વિચાર્યુ સુધ્ધા ન હોત. પરંતુ ઘણી વખત ભયાનક મુશ્કેલીમાં ફસાયેલો વ્યક્તિ પોતે શું કરે છે એનું પણ ભાન ગુમાવી બેસે છે અને કોઇક અસામાન્ય કૃત્ય કરી બેસે છે. મારી સાથે પણ એવું જ બન્યું હતું. એક ભયાનક દૈત્ય સમાન વ્યક્તિ સાથે મરણીયા બનીને મેં બાથ ભીડી લીધી હતી એ આત્મહત્યા કરવા બરાબર હતું. પરંતુ... મારો દાવ સફળ થયો હતો અને એક જ ઘા એ ક્રેસ્ટો જમીનદોસ્ત થયો હતો. મારી નજરો સામે એ દૈત્ય આળોટી રહ્યો હતો અને હું કોઇ વિજેતાની અદાથી હાથમાં છરો પકડીને તેની નજીક ઉભો હતો. મારી નજરો તેનાં તરડાયેલા ચહેરા ઉપર હતી. તે પોતાનાં બન્ને હાથે કપાયેલો ગોઠણ પકડીને ભયંકર રીતે દાંત ભિંસતો દર્દ ઉપર કાબૂ મેળવવા મથામણ કરતો હતો.
“ પવન... જૂએ છે શું..? મારી ગરદન ઉપર છૂરો ચલાવ અને મને મારી નાંખ. કારણકે જો હું જીવતો બચ્યો તો મારાં હાથે તારું અને અનેરીનું મોત નિશ્વિત છે. હું કોઇ રહેમ નહી કરું એટલું યાદ રાખજે. “ ભયાનક કર્કશ અવાજે ક્રેસ્ટો બોલ્યો. તેની આંખોમાં હજું પણ માટી છવાયેલી હતી એટલે તે મને ભાળતો નહોતો છતાં મારી ખામોશી તેણે પકડી પાડી હતી.
“ ક્રેસ્ટો... હું તારી જેટલો ક્રૂર ક્યારેય ન બની શકું. “ કહીને છરાનો મેં નીચે ઘા કર્યો. “ હવે જીંદગીભર તું તારાં કપાયેલા પગ સાથે જીવજે અને યાદ રાખજે કે ખરાબ કામનો અંજામ હંમેશા ખરાબ જ આવે છે..”
“ હાહાહાહા.... “ ખળભળાવી નાંખે એવું હાસ્ય ક્રેસ્ટોનાં મુખમાંથી નિકળ્યું. “ તું ભૂલ કરે છે પવન, હજું કહું છું કે મને મારી નાંખ નહિંતર તારું મોત આ ધરતી પર નિશ્વિત છે..” કોઇ અજીબ ટ્રાન્સમાં આવીને તે બોલતો હતો. તેનાં શબ્દો મને ડરાવી રહ્યાં હતાં, છતાં એક નિહથ્થા આદમી ઉપર વાર કરતાં મારો જીવ ચાલતો નહોતો. વળી તે ઘાયલ હતો અને તેનો એક પગ કપાયો હતો એટલે હવે તે ઉભો થઇને મારો સામનો કરે એ શક્ય બનવાનું નહોતું. કમસેકમ અત્યારે તો પરિસ્થિતિ મારા પક્ષમાં હતી એટલે એક તૃચ્છકાર ભર્યુ સ્મિત કરીને હું અનેરી જે તરફ ગઇ હતી એ તરફ ચાલવા લાગ્યો.
ખબર નહી એ ક્યાં હશે..? ઘોડા ઉપરથી ઝાડની ડાળીએ લટકતાં તેણે મને ચોક્કસ જોયો જ હશે. અને મેં જ તેને અહીથી ભાગી જવાનું કહ્યું હતું. સારું થયું તે મારા માટે ઉભી ન રહી નહિંતર બીજી ઉપાધી સર્જાત જે મને બીલકુલ ગમ્યું ન હોત. ઘોડો જમણી દિશામાં દોડતો ગયો હતો..હું એ તરફ આગળ વધ્યો.
પરંતુ ક્રેસ્ટો રૂપી ખતરો હજું ટળ્યો નહોતો. તે એક ખૂંખાર માણસ હતો, આટલી જલ્દી હાર માનવાનું તેનાં સ્વભાવમાં નહોતું. લોહીલૂહાણ પગે જ તે ઉભો થયો હતો અને મેં ઘા કરેલો છરો ઉઠાવ્યો હતો. નજીકમાં જ એક ઝાડની મજબુત ડાળી પડી હતી એ ઉઠાવી, તેનો એક હાથથી સહારો લઇ બહુ ઝડપથી તે મારી પાછળ આવ્યો હતો. મને ખ્યાલ નહોતો કે ક્રેસ્ટો આટલી જલ્દી કોઇ રિએકશન આપશે. હું તો અનેરીની ધૂનમાં ચાલતો જતો હતો.
અને... તે મને દેખાઈ. સામેથી મારતે ઘોડે અનેરી આવી રહી હતી. મને આશ્વર્ય ઉદભવ્યું કે તે પાછી શું કામ આવી...? મેં તેને દૂર ભાગી જવાં કહ્યું હતું. કાર્લોસે જે રીતે કરવટ બદલી હતી અને ક્રેસ્ટોને અમારી પાછળ લગાવ્યો હતો એ અમારાં માટે આઘાતજનક ઘટના હતી. ક્રેસ્ટોથી પીછો છોડાવવા પોબારા ગણવું જ બેહતર વિકલ્પ હતો એટલે અનેરીનું પાછું ફરવું મને વિસ્મય પમાડતું હતું. હું ઝડપથી તેની તરફ આગળ વધ્યો. અને... એકાએક જ મારી આંખો પહોળી થઇ. ઝડપથી ઉપડતાં મારા કદમને અચાનક જ બ્રેક લાગી અને હું આંખોમાં અપાર વિસ્મય આંજીને તેને તાકી રહ્યો.
તેણે હરકત જ એવી કરી હતી કે મારો શ્વાસ ગળમાં આવીને અટકી ગયો હતો. ઘોડાની પીઠ ઉપર બેઠા બેઠા જ તેણે પોતાની કમરે ખોસેલુ ચાકૂ બહાર ખેંચી કાઢયું હતું અને છાતીમાં ઉંડો શ્વાસ ભરીને ભયાનક વેગે ચાકૂ મારી તરફ ફેંકયું હતું. એ અવિશ્વસનીય દ્રશ્ય હતું. અનેરી મને ચાકૂથી વિંધી નાંખવા માંગતી હતી. “ માય ગોડ.... “ મારી ધડકનો એ ખ્યાલે ત્યાંજ અટકી ગઇ. શ્વાસ અધ્ધર હવામાં તોળાઇ રહ્યો, અને... વેગથી ધસી આવતાં ચાકૂનાં વારથી બચવા હું આપમેળે જ થોડો નીચો નમી ગયો. તેજ ધારદાર ચાકૂ એકદમ મારી નજીકથી પસાર થઇ ગયું અને પાછળથી મને એક ચીખ સંભળાઇ. ક્ષણનાં ચોથા ભાગમાં એ ઘટનાં ભજવાઇ ગઇ હતી અને હું ભયાનક આશ્વર્યમાં ગોથા ખાવા લાગ્યો હતો. તરત ખ્યાલ ન આવ્યો કે શું થયું અને એ ચીખ કોની હતી...! પરંતુ જ્યારે પાછળ ફરીને જોયું ત્યારે મારા પગ તળેથી ધરતી ખસી ગઇ હતી.
એ ક્રેસ્ટો હતો, જેનાં ગળાની બરાબર મધ્ય ભાગમાં અનેરીએ ફેંકેલું ચાકૂ મૂઠ સૂધી અંદર ખૂંપી ગયું હતું. તે એક અસંભવ સમાન ઘટના હતી. ક્રેસ્ટોએ ભયાનક ચીખ પાડી હતી અને સ્તબ્ધતામાં સરી પડયો હતો.
તે એકદમ મારી નજીક આવી પહોચ્યો હતો અને તેનો જમણો હાથ હવામાં તોળાયેલો હતો. એ હાથમાં છરો હતો જે મને મારવા તેણે ઉગામ્યો હતો. આખો માજરો તુરંત મને સમજાયો... ક્રેસ્ટો ચૂપકીદીથી મારી પાછળ આવ્યો હતો અને મારી ઉપર વાર કરવા તેણે હાથ ઉગામ્યો જ હતો કે અનેરી એ જોઇ ગઇ હશે. તેણે મને બચાવવા ચાકૂનાં એક જ વારથી ક્રેસ્ટોને વિંધી નાંખ્યો હતો. પહેલાં તો મને એમ જ લાગ્યું કે અનેરીએ મારી ઉપર ઘા કર્યો છે, પરંતુ નહિ... તેણે ક્રેસ્ટોને જોયો હતો અને એ મને ખતમ કરે એ પહેલાં તેણે પોતાનું કામ પાર પાડયું હતું.
અજબ ટબ્લો રચાયો હતો... હું ફાટી આંખોએ ક્રેસ્ટોને જોઇ રહ્યો. તેનો એક પગ ગોઠણેથી કપાયેલો હતો જેમાથી લોહી ઝમતું હતું. એ લોહીનાં ટીપા ધરતી ઉપર પડતાં હતાં. એક હાથે મજબુત ડાળખીનો સહારો લઇને તે ઉભો હતો અને બીજો હાથ હવામાં ઉચકાયેલો હતો. એ હાથમાં ભયાનક છરો ચમકતો હતો. અને... તેનાં ગળાનાં હઇડામાં ચાકૂ તગતગતું હતું. મૂઠ સુધી ધૂસી ગયેલાં ચાકૂ નીચેથી લોહીની એક પાતળી ધાર નિકળીને તેની છાતી સુધી રેળાઇ હતી. ભયાનકતાની ચરમસીમા સમું એ દ્રશ્ય હતું. બે ઘડી તો મારા શ્વાસોશ્વાસ પણ અટકી ગયાં હતાં. જો અનેરી ખરા ટાણે પ્રગટ થઇ ન હોત તો મારું મૃત્યું નિશ્વિત હતું. ક્રેસ્ટો હળવેક રહીને પાછળની તરફ લૂઢકયો અને ધરતી ઉપર ફેલાઇને પડયો. તેનું પ્રાણ પંખેરૂ તે ઉભો હતો ત્યારે જ ઉડી ગયું હતું. એક મહાકાય.. વિશાળ દૈત્ય જેવો માનવી, નાનકડી અને નાજૂક દેખાતી યુવતીનાં હાથે મરાયો હતો એ ઘટના કદાચ એમેઝોનનાં ઇતિહાસમાં પહેલી વખત ઘટી હશે. હું અવાચક બનીને એ ઘટનાનો સાક્ષી બન્યો હતો.
( ક્રમશઃ )
મિત્રો... આ કહાની તેનાં અંત તરફ આગળ વધી રહી છે. ત્યારે... આપનો આભાર માનવો તો બને છે. સતત નેવું- નેવું પ્રકરણો સુધી અનંત ધીરજથી આપે આ કહાનીને માણી છે એ કોઇ અભૂતપૂર્વ ઘટનાથી કમ તો નથી જ. આજનાં ફાસ્ટ જમાનામાં આટલી લાંબી નવલકથા પ્રકરણ વાઇઝ વાંચવી એ ખરેખર જબરી ધીરજ અને પેશનનું કાર્ય છે. એ બાબતે હું આપ સહુંને ધન્યવાદ કહીશ. આ પછી એક નવી હોરર સસ્પેન્સ નવલકથા શરૂ કરવા જઇ રહ્યો છું તો..
બસ... આવી જ રીતે સાથ નિભાવતાં રહેજો અને વાંચતાં રહેજો.
માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.
ઉપરાંત,
રેટીંગ ચોક્કસ આપજો.
જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....
નસીબ
અંજામ
નગર
નો રીટર્ન