પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજે અને દેશે શું કરવું જોઈએ એ વિશે હું થોડા મારા મંતવ્યો રજૂ કરવા ઇચ્છું છું. કોઈ અસામાજિક તત્વ આ પોસ્ટને આડે હાથે લે એ પહેલા જ હું વિનંતી કરું છું કે મારા લખાણથી અને મારા વિચારોથી કોશો દૂર રહો જેને માનવતા શું છે એ ખબર નથી.
***
૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન દિવસ. આજકાલની યુવા પેઢી કપલ રોમાન્સ અને રોમેન્ટિક માહોલમાં આ દિવસને વિતાવવાનું પસંદ કરતી હોય છે. પણ આપણા દેશના જવાનો ફક્ત ભારત મા ને જ પ્રેમ કરતાં હોય એ રીતે દિવસ-રાત સરહદ પર આપણી રક્ષા માટે તૈનાત હોય છે. ક્યારેય એ ફરિયાદ નથી કરતાં કે અમને તાવ છે તો રજા આપો કે અમારે ત્યાં બહેનના લગ્ન છે તો રજા જોઇશે જ. આપણા જવાનો માટે દેશ પહેલા અને બીજું બધું પછી આવે છે.
દેશમાં પૂર આવે, દેશમાં સુનામી આવે, દેશમાં આતંકવાદી હુમલાઓ થાય કે કોમી રમખાણો થાય. હંમેશા આવી વિકટ પરિસ્થિતિમાં આપણા જવાનો જ આપણને મદદે આવે છે. એ ક્યારેય કોઈ સાથે જાતપાત નથી રાખતા. દરેક હિન્દુસ્તાનીની રક્ષા એમની જવાબદારી સમજી એ મદદ કરતાં હોય છે.
આર્મીમાં સતત એક વર્ષ સુધી કામ પછી જો રજા માંગે તો પણ ત્રણ મહિના રજા મળતાં લાગી જાય અને જો રજા મળેને કોઈ ઇમર્જન્સી આવી ચડે તો એ રજા પણ કેન્સલ થાય. બહેન, મા, ભાઈ, પિતા, પત્ની, સંતાનો એક જવાનની રાહ જોતાં જોતાં જ જીવન ગુજારી દેતાં હોય છે. જવાનો જયારે ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણીવાર કન્ફર્મ ટિકિટ પણ નથી મળતી. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી દેશની સેવા માટે અડધી રાત્રે નીકડી પડે છે.
યુદ્ધના સમયે જીવ હાથમાં લઈને આપણા જવાનો ભારત મા ની રક્ષા કાજે લડતાં હોય છે. દેશની રક્ષાથી એમને મળે છે શું? થોડા મેડલ્સ અને થોડા પૈસા પણ શું આપણે ક્યારેય એમને એ દરજ્જો આપીએ છીએ જે આપણે બીજા સેલિબ્રિટીને કે નેતાઓને આપતાં હોઈએ છીએ? ક્યારેય એમને રીબીન કાપવા બોલાવ્યા? શું જવાનોનું કામ ફક્ત વિકટ પરિસ્થિતિમાં તમારી સહાય કરવાનું જ છે? મિત્રો બને તો આ વિશે થોડું વિચારજો.
પુલવામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ એ શહીદ થયેલા જવાનોના પરિવાર વિશે ખાલી વિચાર કરો તો તમારા રૂંવાટા ઉભા થઈ જાય. એ માની વેદના, એ પત્નીનું દુઃખ, એ બાળકોની લાચારી જો સમજો તો આંખોની અશ્રુધારા રોકાવાનું નામ જ ન લે. મોટી મોટી વાતોથી નહીં પણ હવે માનવતાના જે પણ દુશ્મનો છે એમને લાલ આંખ બતાવવાનો સમય આવી ગયો છે. એ સર્જીકલ સટ્રાઇક હોય કે પછી "ઈટ કા જવાબ પત્થર સે.." આપણા ૪૪ શહીદો જેમનો કોઈ જ વાંક ગુનો નથી એ નિર્દોષ જવાનોનો બદલો આપણે અને આપણી સરકાર ન લઇ શકે તો આપણા અને કાયરમાં કોઈ ફેર નહીં. આ એક એવી આગ છે જે દરેક હિન્દુસ્તાનીના દિલમાં લાગેલી છે અને એ આગ ત્યારે જ શાંત પડશે જયારે આતંકવાદીઓનો ખાત્મો થશે.
આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું. હું સમજી શકું કે આપણા માટે કાળા કેરના દિવસો છે. પણ મને એ ન સમજાયું કે ભારતબંધ કરવાથી ફાયદો શું થશે? ઉલ્ટાનું નુકશાન જ છે. પણ એની જગ્યાએ દરેક ભારતીયના એકાઉન્ટ માંથી ૧-૧ રૂપિયો કટ કરીને શહીદોના પરિવારને એ પૈસા આપો અને દુશ્મનો સામે કડક પ્લાન તૈયાર કરો તો એનો કોઈ ફાયદો થાય. ૧૩૨ કરોડ ભારતીયો માંથી ૫૦ કરોડ ભારતીયોના પણ જો બેન્ક અકાઉન્ટ માંથી ૧-૧ રૂપિયો નીકળે તો ૫૦ કરોડ રૂપિયા શહીદોના પરિવાર સુધી પહોંચાડી શકાય. આપણે આપણા જવાનો તો પાછા નહીં લાવી શકીએ પણ એમને અમર બનાવી શકીએ અને અમર બનાવવા માટે એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમના પરિવાર સાથે ઉભા રહીએ એમને પૈસે ટકે મદદ કરીએ. સાંત્વના આપીએ અને દુશ્મનો સામે એવો વળતો પ્રહાર કરીએ કે દુનિયામાં આતંકવાદ જ નેસ્તનાબુદ થઇ જાય.
પુલવામાં શહીદ થયેલા જવાનોને મારા કોટી કોટી પ્રણામ.
"महोब्बत के दिन तुम शहीद होकर,
हम सब हिंदुस्तानीओ को देश से महोब्बत का पैगाम दे गए,
भारत माँ के अमर जवानो को,
मेरी दिल की गहराई से कोटि कोटि नमन।"
જય હિન્દ..
***
ઈરફાન જુણેજા "ઇલ્હામ"
અમદાવાદ