જીંદગીમાં નાની-નાની વાતોમાંથી શીખતો માણસ મોટી સફળતાઓ મેળવે છે.
આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું. એમા આપણને ક્યારેક જીત તો ક્યારેક હારનો સામનો કરવો પડે છે. આપણે જીવનમાં સખત શીખતા રહેવું જોઈએ. આપણા સાથે બનતી દરેક ઘટનાઓ શીખ આપતી હોય છે. આવા અનુભવનો નીચોડ આપણને જીવનમાં મોટી સફળતાઓ અપાવે છે તેમજ જીવનવિકાસ પથ પર આપણને આગળ દોરી જાય છે.
જન્મથી ગરીબ હોવું એ આપણા કર્મોનો વાંક છે પણ આજીવન ગરીબ રહેવું એ આપણી મહેનતનો વાંક છે.
ભગવાને દરેક માણસની અંદર અનેક શક્તિઓ મુકેલી છે તેમ છતાં માણસ પોતાની જાતને લાચાર સમજી બેસે છે. આપણે આપણી અંદરની શક્તિઓને જાણી એનો વિકાસ કરવો જોઈએ. આપણો જન્મ ક્યાં થવો તે આપણા હાથની વાત નથી પણ આજીવન ગરીબ રહેવું તેના માટે જવાબદાર આપણે જ છીએ. મહેનત થકી આપણે ધારેલા સપનાઓ સિધ્ધ કરી શકીએ છીએ.
ખુદને બીજાથી શ્રેષ્ઠ ગણવો એ મોટામાં મોટું અજ્ઞાન છે.
આ દુનિયાનો દરેક માણસ પોતાના કર્મોના આધારે સુખ-દુઃખ ભોગવતો રહેલો છે. માણસને પૈસા, સત્તાનો મદ ચડતો હોય છે અને માણસ અહંકારી બને છે. માણસ પોતાને જ સૌથી શ્રેષ્ઠ ગણવા માંડે છે ને બીજાને નાનો ગણે છે. જે માણસના પતનનું કારણ બને છે. વિશ્વ બંધુત્વ થકી આપણે બધાને એકબીજાના ભાઈ ગણીએ એ જ સાચું જ્ઞાન છે.
આફતને અવસરમાં ફેરવનાર માણસ જીંદગીના જંગ જીતી જાય છે.
જીવનમાં મુશ્કેલીઓ તો ડગલે ને પગલે આવતી રહે છે. ઘણાં આવેલી મુશ્કેલીઓથી ગભરાઈને પોતાના ધ્યેય છોડી દે છે પણ જે માણસ મુશ્કેલીઓને સ્વીકારી આગળ વધતો રહે છે તે જ સફળ થાય છે.
સદાચાર માણસના સારા હોવાનું માપદંડ છે.
શિષ્ટાચાર જીવનની શોભા છે. ઘણીવાર આપણે શિસ્તબદ્ધ રહેતા માણસને લાચાર ગણતા હોઈએ છીએ પણ વાસ્તવમાં એ માણસના સંસ્કાર છે અને એ જ માણસ જીવનમાં સફળ બને છે. સદાચારી માણસ જ જીવનના મૂલ્યોને સમજી ચોક્કસ ઉદ્દેશ સાથે જીવી જીવન ઉજાગર કરે છે.
ભવિષ્યની ચિંતા કરનાર માનવી કદી સુખી થઈ શકતો નથી.
વતૅમાનમાં જીવન જીવીએ તો જ જીવનનો સાચો આનંદ માણી શકીએ છીએ. ભવિષ્યની ચિંતામાં અને ભૂતકાળ યાદ કરી માણસ ચિંતિત અને દુઃખી થતો હોય છે અને એમાં વતૅમાનનો આનંદ ગુમાવે છે. જો આપણે ક્ષણે ક્ષણનો આનંદ મેળવવો હોય તો વતૅમાનમાં જીવતા શીખવું પડે છે.
પાણી અને વાણીનો બગાડ ના કરવો જોઈએ.
જળ એ જ જીવન છે. પૃથ્વીના કુદરતી સ્ત્રોતો આપણા જીવનની જરૂરીયાત છે. તેને વાપરવામાં સંયમ રાખવો જરૂરી છે તેમજ તેને બચાવવા માટે પણ તત્પર રહેવું જરૂરી છે. એવું કહેવાય છે કે જીભમાં સરસ્વતીનો વાસ છે. વાણી સંયમીત રાખી શકતો માણસ સંબંધો સારી રીતે સાચવે છે. ક્યારે શું અને કેવી રીતે બોલવું તે જો આવડી જાય તો માણસ દરેકના દિલને જીતી શકે છે.
જ્યાં પોતાનું સ્વાભિમાન ના જળવાય ત્યાં જવું ના જોઈએ.
સ્વાભિમાની વ્યક્તિ એટલે જે પોતાની જાતને લાચાર ગણતો નથી અને બીજા પ્રત્યે પરસન્માનની ભાવના રાખે છે. પણ જ્યાં આપણને આદર અને સત્કાર ના મળે ત્યાં જવું વ્યથૅ છે. સ્વાભિમાની વ્યક્તિ જ્યાં પોતાની વાત મુકી ના શકે ત્યાં જવું તેના માટે નર્ક સમાન છે.
સમયપાલનમાં માનનારો વ્યક્તિ જ જીંદગીના મૂલ્યને સમજે છે.
આપણી જીંદગી સમયની બનેલી છે. જીવન ધારેલી સફળતા મેળવવા માટે સમયનું આયોજન કરવું જરૂરી બને છે. ગયેલો સમય કદી પાછો ફરતો નથી એટલે આપણે સમયનું સાચું મૂલ્ય સમજી તેને યોગ્ય કામોમાં વાપરી જીવનને સફળ બનાવવું જોઈએ. મહાપુરુષો અને સફળ માણસોની સફળતાનું રાજ સમયપાલન જ છે.