ચલો અમેરિકા - વિના વિઝા
વિજય શાહ
પ્રકરણ ૩૯
સુધાની બીજા દિવસની શરૂઆત ઊબકાથી થઈ. ડૉક્ટરે આપેલી દવા અને ફેરસની ટેબલેટ લેવાઈ અને તે રસોડામાં આવી ત્યારે દાદીમા તેનો શીરો થાળીમાં કાઢતાં હતાં. થાળીમાં રાબ, મગ અને હીરાબોરના વાટકા સાથે ચા અને દૂધ હતું. આખો થાળ તૈયાર કરીને સુધાને દાદીએ કહ્યું, “ચાલ, બેસી જા.”
થાળીમાં શીરાનું ઘી અને રાબમાં તરતું ઘી જોઈને સુધા બોલી…“દાદીમા, આટલું બધું ઘી? હું જાડી થઈ જઈશ.”
દાદી કહે, “સુવાવડ ખાવી એ સહેલ વાત ઓછી છે?”
“નો વે. દાદી! આટલું ઘી મારાથી ના ખવાય.”
“હજી તો તારે મોસાળ દુબઈથી આવેલ ખજૂરપાક અને મારા હાથની બનેલ ઘેબર અને મીઠાઇઓ ખાવાની છે.”
ગટુ અને નાના શેઠ આ રક્ઝક જોતા હતા..સુધા કહે, “દાદીમા, અહીંનાં અમેરિકનો તો આવું બધું કંઈ ખાતાં નથી ને તેમની સુવાવડો હટ્ટાંકટ્ટાં સંતાનોથી થાય છે.”
દાદીમા કહે, “તું નોન વેજ ખાય છે?”
“ના.”
“ફીશ, ક્રેબ કે એવું સીફુડ ખાય છે?”
“ના.”
“મને અહીં બોલાવી તેની સજા તરીકે તને હું જે ખવડાવું તે તારે ખાવાનું છે.”
સુધા રડું રડૂં થઈ રહી હતી અને દાદીમાની પણ તે જ હાલત હતી. ત્યાં શિકાગોથી ફોન આવ્યો અને ગટુ અને નાનાએ જવું પડ્યું.
“સુધા, હું જે કરું છું તે તારા ભલા માટે કરું છું તેમ માની લે ને બેટા!” દાદીમા કરગરી પડ્યાં.
“સારું દાદી! પહેલાં મને રાબડી ટેસ્ટ કરવા દો.”
“જો મારા દીકરા! માને મહાન કેમ કહી છે તેનું કારણ તને સમજાવું. ગર્ભનાડી ઉપર બાળક રહે છે તે સમય દરમ્યાન એટલે કે નવ મહિના દરમ્યાન શરીરને પોષણ પૂરું મા પાડે છે. ગર્ભનાડી વધતા
વજન માટે સક્ષમ હોવી જોઈએ. એટલા માટે પોષણ પૂરતું અને પૌષ્ટિક હોવું જોઈએ.”
“ભલે દાદીમા, તમારો હુકમ સ્વીકાર્ય. હવે હું કીચનમાં માથું નહીં મારું કે તમારી વાત નહીં ઉથાપું.”
“આ ઘેબર ઘીથી બને અને એકલું ઘી ખાવાની આદત પડતાં વાર લાગે તે સમયે ઘેબર, ઘારી વધારાની ચીકાશ પૂરી પાડે.” આ વાતો ચાલતી હતી અને થાળ ખાલી થતો હતો. દાદીમા સાથે સાથે ફ્રૂટ કાપતાં હતાં તે પ્લેટમા પિરસાતી જતી હતી. સાથે સાથે કહેતાં હતાં, “આ માતૃત્વના ગૌરવભર્યા તબક્કામાં બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવાનો; લંચ પ્રજાની જેમ સામાન્ય ફુડ ખાવાનું અને ડીનર ભીખારીને જેમ કરવાનું. વચે વચ્ચે જ્યારે સમય મળે ત્યારે છાસ, લસ્સી અને ફ્રૂટ જ્યુસ છૂટથી પીવાનાં. ટૂંકમાં પેટને સહેજે ઊણું નહીં રાખવાનું અને રોજ ખાતાં હોઇએ તેનાથી બમણું ખાવાનું.”
“પણ દાદી તેથી શરીર પણ બમણું થઈ જાય ને?”
“સાથે સાથે કસરત પણ કરવાની ને? જોજે આખી દુનિયાના યોગપ્રયોગો કરાવીશ..સ્વિમીંગ પુલમાં તરાવીશ અને ઘરઘંટીમાં અનાજ પણ ભરડાવીશ કે જેથી શરીરમાં ઘી બેસી ન રહે. એ બધું સંતાન પણ તારી સાથે પચાવશે તો જ તંદુરસ્ત બંનેની કાયા રહે ને?”
“દાદીમા તમે પણ મારી સાથે કરશો ને?”
“હા. હું તો કરીશ અને તને પણ કરાવીશ.”
આ બ્રેકફાસ્ટનો છેલ્લો તબક્કો આવ્યો ત્યાં સુધીમાં એટલે પૂરા કલાકે દાદીમાએ છેલ્લો વધેલો શીરો પિરસ્યો ત્યારે સુધાની સહનશક્તિનો અંત આવી ગયો હતો. ગટુ અને નાના શેઠ સુધાની સામે અને તેના થાળની સામે જોતા હતા અને વિચારતા હતા કે સુધા ટુનટુન જેવી દેખાશે તો કેવી લાગશે? દાદી મલક્યાં અને બોલ્યાં, “ના. એને ટુનટુન જેવી નહીં થવા દઉં. સાથે દિવસની ઢગલો કેલોરી પણ બળાવીશ ને.”
***
પ્રકરણ ૪૦
સુધાનો બ્રેકફાસ્ટ પતી ગયો. કોન્ફરન્સ રૂમમાં પમેલા અને તેમના સાથીદારો તેમની રાહ જોતાં હતાં.
પમેલાએ કહ્યું, “અમારા સિનિયર માર્કેટિંગ મૅનેજરે હમણાં જ ફોન કરીને જણાવ્યું...તેમને સોફ્ટવેર પસંદ પડ્યો છે. અમારી મેન્યૂફેક્ચરિંગ કિંમત ૯૯૯.૯૯ ડૉલર છે. છતા તમે કિંમત કહો. જો તે અમને અનુકૂળ આવશે તો કોંટ્રાક્ટ કરીએ.”
નાના શેઠ અને જોન એકબીજાની સામે જોઈ રહ્યા.
સુધાએ વાતનો જવાબ આપતાં કહ્યું, “આ સોફ્ટવેરની પેટન્ટ હાલમાં થઈ છે. ફોનમાં કૅમેરા ફેક્સ અને ડેટા પ્રિઝર્વેશન એ હાઇટૅક વિકાસ છે. તેનાથી આ ટૅકનિક વાપરનારાઓને ઘણી રાહતો થઈ જવાની છે. ડેટા રિટ્રાઇવલ અને સ્ટોરેજ કેપેસિટિ ઓફિસમાં મોટો આશીર્વાદ થશે. પેપરલેસ ટૅકનોલૉજીનો આ જવાબ છે. મને લાગે છે તમે આ ટૅકનોલૉજી સમજ્યા નથી.”
પમેલા કહે, “હા. તમે સાચાં છો. આપ કહો તે ભાવે અમે તમને ફોનનો કોન્ટ્રાક્ટ આપીને આ બિઝનેસ અમારે લેવો છે.”
ગટુ કહે, “અમે એટીએંડટીને સંપર્ક કર્યો ત્યારે એવું તો હતું જ કે કોઈ ટૅકનોસેવી માણસ સેલ્સમાં હશે જ પણ અફસોસ…”
“પમેલા જોઈ શકતી હતી કે જુવાનિયાઓ મચક આપતાં નથી તેથી જોન સામે જોઈને કહ્યું, “આપને પરવડે તે ભાવ કહો...અમને નુકસાન થતું હશે તો પણ સંબંધ બાંધવા અમે ઘટિત કરશું.”
“તો સાંભળો. તમારો નફો તમે પ્રોડક્શનમાંથી કાઢજો. અત્યારે અમને ૧૦૦૦૦ ફોન ૩૯૯ના ભાવે આપો. અને અમારો બીજો ઓર્ડર આવેથી તે ફોન ઉપર ૧૦% વધારે તે ઓર્ડર ઉપર આપશું. પેનલ્ટી ક્લોઝ ૧૦ % રહેશે. જો ક્વોલિટી કમ્પ્લેઇન આવશે તો આ ફોનની પ્રોડક્ષન ક્ષમતા ૧૦૦૦૦ સુધીની જ રાખજો. અત્યારે લાવેલા તમારા ફોન સેમ્પલ ઉપર વધુ સંશોધન થશે અને ફાઇનલ સ્પેસિફિકેશન આપ્યા બાદ ૩૦ દિવસમાં અમને ડિલિવરી મળી જવી જોઈએ.”
પમેલા ૬૦% જેટલા ડિસ્કાઉન્ટ માટે તૈયાર નહોતી. તેથી રકઝક કરવાને બદલે તેણે ડિસ્ટ્રીબ્યુશન ફ્લેક્સિબિલિટી માંગી અને બોલી, “આ તમારો ઓર્ડર એપ્રુવ થયા પછી સમગ્ર વિશ્વમાં તેના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ અમને આપો.”
ગટુ કહે, “અમે સિક્રસી કોન્ટ્રાકટથી બંધાયેલાં છીએ એટલે પહેલાં છ મહિના આ વિશે વાત કરવી પણ શક્ય નથી.
“હવે નામ વિશે. અમારી વિગતે પર્ચેઝ ઓર્ડરમાં લેખિત માહિતી આપશું. બ્રિગેડિયર ફોનમાં કંટ્રોલ હશે જ્યારે સૈનિક ફોનમાં કંટ્રોલનો અભાવ હશે.
“બંને ફોન સાઇઝમાં સેમ હશે. રંગમાં પણ સેમ હશે. બટન પણ સામાન્ય હશે. વિશિષ્ટ ફોન તરીકે ન દેખાય તેવી બધી સાવધાની રાખવાની છે. કુલ પેમેન્ટ ૩૯૯૦૦૦૦ના ૨૫ % આપની બૅન્કમાં ટ્રાન્સ્ફર કરી દઉં છું. યાદ રહે, ફાઇનલ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન એક અઠવાડિયામાં અમે તમારી ફેક્ટરીમાં આવીને જોઈશું.”
પમેલા કહે, “નાના શેઠ, પૈસાની ઉતાવળ નથી, પણ અમને ક્યાંયથી શ્વાસ ખાવા મળ્યો નથી. અને તમે કદાચ સમજ્યા નથી કે મારી કંપની કેટલું મોટું જોખમ લઈ રહી છે.”
“તમે કહેવા શું માંગો છો? ”
“જે જોન સમજી ગયા છે. તમે સમજીને અમને પણ કમાવા દો.”
નાના શેઠે ગટુ સામે જોયુ. ગટુએ સુધા સામે. સુધા કહે, “પમેલા, તમે સમજી નથી શક્યાં. બીજા ઓર્ડરમાં અમે તમને ભાવ વધારો ૧૦% આપી જ દીધો છે ને?”
“બીજો ઓર્ડર આવે ત્યારની વાત ત્યારે. હાલ તો ૧૦૦૦૦ ફોન ઉપર જરા રાહત કરો તો સારું.”
સુધા મૌન રહી. અને ગટુ પણ મૌન જ હતો. થોડા સમયના મૌન પછી જોન બોલ્યો, “આટલા મોટા ઓર્ડરમાં અમારી પાસે જરા પણ જગ્યા નથી. પ્રોજેક્ટ પતી જવા દો પછી વિચારીશું.”
“આટલા મોટાં ઓર્ડરમાં શિપીંગ અને હેંડલિંગ તમે લેશો તો પણ રાહત થશે.”
“અંદાજે તે ખર્ચો કેટલો લાગશે?”
“જે લાગશે તે એક્ચ્યુઅલ ખર્ચ તમે આપી દેજો.”
“જોન અંકલ, તમને શું લાગે છે, કંપની આ ખર્ચ ભોગવી શકશે?”
જોને ગોળ ગોળ જવાબ આપવાને બદલે સ્પષ્ટ કહ્યું. “હા.”
સુધા કહે, “ભલે, જોન અંકલ કહે છે તો અમે મહત્તમ ખર્ચાના પચાસ ટકા આપશું.”
***
પ્રકરણ ૪૧
સત્તાપક્ષના આંકડા સાચા હોય તો ચિંતાનો વિષય તો ખરો જ.
સોળસો માઇલ લાંબી સરહદ ઉપર પૉઇન્ટ ઓફ એન્ટ્રી સિવાય ઘણી નબળી જગ્યાઓ છે જ્યાંથી ચાલતો માણસ કે ગાડીથી અમેરિકામાં દાખલ થઈ જવું સહેલું છે અને એ જ ટ્રીક્નો ઉપયોગ વિપક્ષોએ કરેલ હતો.
સત્તાધારી પક્ષ એ માણસોને રોકવા કહે છે. “આવી રીતે આવતાં ટોળામાં ટેરરિસ્ટો પણ આવી શકે છે. અમેરિકા આવવું હોય તો કાયદાકીય રીતે આવો. તમારી આગળ બાર વરસથી રાહ જોતાં સૌને આવી રીતે આવીને અન્યાય ના થાય ને? દિવસના ૨૦૦૦ માણસો આવી રીતે પગપાળા ચાલીને આવે તો કાનૂન કેવી રીતે જળવાય?”
એનો પુરાવો પોલીસ અધિકારીને આવા ટોળાને રોકતા ઠાર કર્યો.
સત્તાધારી પક્ષે આ ઘટનાને નિમિત્ત બનાવીને ઇમર્જંન્સી લાદી. બિન સત્તાધારી પક્ષે ઉહાપોહ મચાવીને ઇમર્જંન્સીને બિનજરૂરી બતાવી. રોજેરોજ થતું કાર્ય ઠેબે ચઢ્યું અને બંને પક્ષે રાજકીય રોટી પકવવા માંડી.
જોન જાણતો હતો કે સત્તાપક્ષ સત્તા નહીં ટકાવી શકે એટલે મિલિટ્રીમાંથી ૧૦૦૦૦ ફોનનું બાકીનું પેમેન્ટ સમય પહેલાં એસ્ક્રોમાં મુકાવી દીધું. ગટુ હવે સમજ્યો. આ રમત ફોન કરતાં વધારે જરૂરી પૈસા કમાવા માટે છે. ૧૦૦૦ ડૉલરનો ફોન ૪૦૦માં ખરીદી દોઢો નફો ખાવાનો હતો. અને આ ઓર્ડર તો ફક્ત એક વિંગ માટે હતો. બીજી ચાર વિંગ બાકી હતી.
પમેલા અને જોન વચ્ચે કનેક્ષન વિકસતું હતું. સેન્ડી ઇન્વેન્ટરનું નસીબ ઊજળું હતું. ફોન દીઠ ૬૦૦ ડૉલર મળવાના હતા. એલપાસો ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટની ક્ષમતા વધારાઈ ગઈ. સમય પહેલાં ફોન તૈયાર થઈ ગયા. ડિલિવર થઈ ગયા અને શિપીંગ અને હેંડલિંગનો ખર્ચ બતાવાયો તેના કરતાં ખૂબ ઓછો કરીને પમેલા અને જોને પણ ખાયકી કરી લીધી.
સુધા અને ગટુ આ બધાંની જાણકારી રાખતાં પણ નાના શેઠને જાણ ન કરતાં. પણ નવો લોટ એટીએન્ડટીને ના આપીને સેન્ડી ઇન્વેન્ટર જ બનાવે તેવી ભારતીય કંપનીઓ શોધી. સોફ્ટ્વેર સંશોધનો કરીને વધુ ફેસિલિટી સર્વીસીઝના નામે આપવા માંડી. સુધાએ સેન્ડી ઇન્વેન્ટરની ઓફિસ જુદી કરી નવો સ્ટાફ ઉમેરાયો. દાદીમાની કાળજીમાં પૂરા નવ મહિને ગટુ છોકરીનો બાપ બન્યો. લક્ષ્મીના આગમને પૈસો ક્યાં મૂકવો એ પ્રશ્ન થયો. અલપાસો રિસોર્ટની ફ્રેંચાઇઝના ભાવો રૂમ દીઠ ૧૦૦૦૦૦ થઈ ગયા હતા. જોન અને નાના શેઠનું રોકાણ બમણું થઈ ગયું હતું.
ઇલેક્ષન આવી રહ્યું હતું એટલે જોને ફ્રેંચાઇ્ઝથી મોટેલમાંથી પૈસો છૂટા કરવાની પ્રપોઝલ આપી અને એક વરસથી વધુ મોટેલ ચલાવી હોય તેમને મોટેલ ભાગમાં અને મોટેલ ખરીદ કરવાના હેતુસર લોન આપવા માંડી. ફાઇનાન્સ મળતાં જ નોકરી કરતા પટેલોમાં મોટેલ ખરીદવાનું જોર દેખાવા માંડ્યુ. મોટેલની સામે ધિરાણ આવવાનું હતું તેથી બધી મોટેલો વેચાઈ ગઈ. જોકે તે જોનની ભૂલ હતી. કારણ કે તે એવું રોકાણ હતું કે જેમાં વકરો તેટલો નફો હતો. જ્યારે તેનું રોકાણ લોનમાં થતું હતું જે ઘટતી મુડી હતી.
સત્તાપક્ષ જોનની ધારણા વિરુદ્ધ બીજી ટર્મ જીતી ગયો. અને તેમાં આ દીવાલ જ કારણભૂત બની. દીવાલ શબ્દને વિરોધપક્ષે ખૂબ જ ચગાવ્યો, જેને સત્તાપક્ષે રાષ્ટ્રભક્તિના નામે જનમત જીતી લીધો. આ બાજુ સ્ટિલ કંપનીને અઢળક કામ સોંપી તે ઇન્ડસ્ટ્રીના કારીગરોને તે બીજી ટર્મમાં ન્યાલ કરી દીધા. જ્યારે ડ્રગના માફિયા સપ્લાયરો રઝળતા થઈ ગયા.
વિરોધપક્ષ આંતરિક કલહમાં ડૂબતો હતો. સત્તાપક્ષ કામ કરવામાં માનતો હતો. તેથી તેની યોજનાઓ સફળ થતી જતી હતી. બીજી ટર્મમાં સતાપક્ષ ડ્રગ્ઝનાં દૂષણને સાફ કરી શક્યો. ‘ચલો અમેરિકા, વિના વિઝા’ની પ્રવૃત્તિ કરનાર વિપક્ષ અને તેને મોટા પાયે સપૉર્ટ આપનારા દેવાની ઊંડી ગર્તામાં ઊતરી ગયા. હા, પ્રવૃત્તિ પાછળ સારો હેતુ ધરાવતા નાના શેઠ અને જોન તરી ગયા. રિફાઇનરીઓ અને મોટેલે બંને ઠેકાણે મબલખ કમાણી કરી.
સંપૂર્ણ