Safarma madel humsafar - 32 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ - 32

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ - 32

સફરમાં મળેલ હમસફર
ભાગ-32
“વાત ચાર વર્ષ પહેલાંની છે…હું બારમાં ધોરણમાં હતો…”શુભમે વાત શરૂ કરી.
      હું શ્રી એલ.ડી.મુનિ બોયઝ હાઈસ્કૂલમાં હતો.જ્યોતિ શ્રી જે.જે. મહેતાં ગર્લ્સ હાઈસ્કૂલમાં હતી.અમારી બંનેની મોર્નિંગ સ્કૂલ હોવાને કારણે અમે રસ્તામાં સાથે મળી જતા.એ પોતાની એક્ટિવા પર જતી અને હું મારી સાઇકલ લઈને.ક્યારેક અમારી નજરો મળી જતી.તેનો ગોરી મૅમ જેવો ચહેરો મારા દિલમાં વસી ગયો હતો.ગામમાં પણ કોઈ પ્રસંગ હોય તો હું તેને જ જોયા કરતો.અપલક નજરે.
    અમે બંને એક જ ક્લાસિસમાં જતા.એ રેલવે સ્ટેશન પાસે આવેલું ઓમ કલાસીસ છે.બસ અહીંથી મારી પ્રેમ કહાની શરૂ થઈ હતી.એકાઉન્ટ ભણાવવા આવતા શૈલેષસર સૌને એક ઉદાહરણ ગણાવી,બીજુ ઉદાહરણ જાતે ગણવા માટે આપતા.કોણ પહેલાં ઉદાહરણ ગણી આપે એ હોડમાં અમે સૌ વિધાર્થીઓ ઉતાવળથી દાખલો ગણી આપતાં. મારો દોસ્ત શક્તિ એકાઉન્ટમાં પાવરધા હતો.એ સૌથી પહેલાં ઉદાહરણ ગણી આપતો.તેની સાથે હું બીજા નંબરે રહેતો.
      ક્યારેક ભણવા બાબતે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે નાનું યુદ્ધ થઈ જતું.એ સમયે મેં જ્યોતિ સાથે પહેલીવાર ઝઘડો કર્યો હતો.થયું એવું હતું કે શૈલેષસરે આપેલું ઉદાહરણ હું અને શક્તિ શાળાએથી જ ગણીને આવ્યા હતા.ઉદાહરણ આપી જેવા શૈલેષસર બહાર નીકળ્યાં એટલે હું અને શક્તિ પણ બહાર નીકળી ગયા.
     જ્યારે અમે બંને અંદર આવ્યા ત્યારે છોકરીઓએ અમારી ફરિયાદ સરને કરી દીધી હતી.સરે અમારી પાસે બુક મંગાવી એ જાણવા કે અમે દાખલો ગણ્યો છે કે નહીં?.જ્યારે અમારો દાખલો જોઈ સરે શાબાશી આપી ત્યારે બધી છોકરીઓને નીચું જોવાનું થયું હતું.
    ત્યારબાદ અમે નાની નાની વાતોમાં છોકરીઓ ચીડવતાં.ઘણીવાર એવું બનતું કે અમારાથી ચિડાઈને છોકરીઓ સરને ફરિયાદ કરી દેતી.એકવાર એવું જ બન્યું હતું.અમારાથી ચિડાઈને જ્યોતિએ અને તેની સહેલી દ્રષ્ટિએ સરને ફરિયાદ કરી દીધી.ભૂલ મારી જ હતી.મેં તેઓને ન સહન થાય તેવા વાક્યો સંભળાવી દીધા હતા.
     મારા આશ્ચર્યની વચ્ચે જ્યોતિએ બધા આરોપ શક્તિ પર લગાવ્યા.મારા કારણે શક્તિને સાંભળવું પડ્યું.એ દિવસે મને ખબર પડી, જ્યોતિ પણ મારા માટે કુણી લાગણી ધરાવે છે.અમે રૂમમાં આવ્યા ત્યારે શક્તિ મને મીઠા શબ્દો સંભળાવતો હતો,પણ હું હસતો હતો.પાગલોની જેમ.
      ધીમે ધીમે કલાસીસમાં અમારી આંખો મળવા લાગી.એ મને જોઈને મુસ્કુરાતી.હું પણ એવું જ કરતો.
     હું એક વાતથી ડરતો હતો.એ મારાં ગામની હતી.મારા ઘરની નજીક રહેતી હતી.જો આ વાતની જાણ બીજા કોઈને થાય અથવા એ મને પસંદ નહિ કરતી હોય તો?મારા આ ડરને કારણે મારી ફીલિંગ હું જતાવી નહતો શકતો.ત્યારે મારી મદદ શક્તિએ કરી.
   એ દિવસ મને હજી યાદ છે.જ્યોતિની એક્ટિવાને પંચર પડ્યું હતું એટલે એ તેને ફાટકેથી રીક્ષા કરવાની હતી. રાતના નવ વાગ્યે અમે કલાસીસમાંથી છૂટ્યા.રોજની ટેવ મુજબ હું શક્તિ સાથે સાઇકલ દોરીને ચાલતો હતો. જ્યોતિ તેની સહેલી સાથે આગળ ચાલતી હતી.વારે વારે એ પાછળ ઘૂમીને પણ જોતી હતી.ત્રાંસી નજરે.
“પૂછી લે ને!!”શક્તિએ મને કોણી મારી કહ્યું.
“ના,મારી હિંમત ના થાય”મેં શક્તિની વાત અવગણીને ચાલવા પર ધ્યાન આપ્યું.જ્યોતિ રેલવે પ્લેટફોર્મ પર ચડી ગઈ હતી.
“હું કહું છું એ તને પસંદ કરે છે,તું કહે તો હું વાત કરું?”
“ના મારે વાત નથી કરવી”મારો ડર ફરી મારી સામે આવી ગયો.ત્યારે થ્રિ ઇડિયટનો ડાયલોગ મારતાં શક્તિએ કહ્યું, “જો ભાઈ,તારી પાસે અત્યારે સમય છે.ચાન્સ છે.કદાચ પાંચ વર્ષ પછી તું વિચારીશ કે ત્યારે હિંમત કરી લીધી હોત તો અત્યારે એ મારી પાસે હોત”
     જો આગળ કૂવો હોય અને તમને ખબર હોય કે ત્યાં જશો તો તેમાં પડી જ જશો.તમે ત્યાં ન જવા ઇચ્છતાં હોવ પણ તમને ત્યાં પહોંચાડ્યા વિના ના છોડે એનું નામ દોસ્ત. હું પણ ગયો એ કુવા પાસે.મેં મનોમન જ્યોતિ સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું.પોતાની જાતને તૈયાર કરી સાઈલક ટીકીટ બારી સામે રાખી દીધી અને પ્લેટફોર્મ ચડી ગયો.
   હું તેની પાછળ જતો હતો એ જોઈને એ મારી સામે પ્રશ્ન સૂચક નજરે જોતી હતી.મને લાગ્યું એ મને કહેતી હતી કે ‘કોની રાહ જુએ છે?જે કહેવું હોય એ જલ્દી કહે, હમણાં ફાટક આવી જશે અને હું ચાલી જઈશ’
“કોની રાહ જુએ છે?,મુહૂર્ત જોવડાવું”શક્તિએ ફરી કોણી મારી.
   મેં આંખો બંધ કરી.બધી હિંમત ભેગી કરી.શક્તિએ કહેલી થ્રિ ઇડિયટવાળી વાત યાદ કરી.
“જ્યોતિ…”મારો અવાજ ધીમો હતો.કદાચ તેને ન સંભળાય એટલો ધીમો.પણ એ સાંભળી ગઈ.કદાચ એ રાહ જોતી હતી એટલે.
“હા બોલ શુભમ”તેણે કહ્યું.મારી ધડકન મેટ્રો ટ્રેન કરતાં પણ વધુ ગતિએ ધકડતી હતી.
“મારે તને કંઈક કહેવું છે”મેં મહામહેનતે કહ્યું.
“હા બોલ,એમ જ કહું છું”જ્યોતિએ સ્માઈલ સાથે કહ્યું.
“એક્ચ્યુઅલી…હું એમ કહેતો હતો..કે..કે..”
“આગળ બોલ”શક્તિએ મને ધક્કો માર્યો.
“હું તને પસંદ કરું છું અને મારી એવી ઈચ્છા છે કે તું તારી ફીલિંગ્સ મને જણાવ”મને જે યાદ આવ્યું હું એ બોલી ગયો.
    એ કંઈ ના બોલી.હું તેના જવાબની રાહ જોતો હતો. સમય પણ મારી સાથે કપટ કરી ગયો હતો.ત્યાં જ થંભી ગયો હતો.
    તેની બાજુમાં ઉભેલી દ્રષ્ટિ એવી રીતે મને જોતી હતી જાણે મેં તેની કિડની માંગી લીધી હતી.તેને અમારી વાત સાથે શું લેવાદેવા હતી?
“હું કાલે જવાબ આપું?”જ્યોતિએ કહ્યું.
“કાલે હું અહીંયા જ તારી રાહ જોઇશ”મારામાં થોડી ઘણી હિંમત આવી ગઈ હતી.એ ચાલી ગઈ.તેની દોસ્ત દ્રષ્ટિ સાથે.દ્રષ્ટિ મને ફરી ફરીને જોતી હતી.હદ છે ત્યારે.ત્યારે મને એ જ વિચાર આવતો હતો.અમારી વાત સાથે તેને શું લેવાદેવા??
       પછીના દિવસની રાત.આજે શક્તિ મારી સાથે નોહતો.હા હવે મારે તેની જરૂર નહોતી.કૂવામાં ધક્કો મારીને કદાચ ડૂબાવે એના કરતાં તેને સાથે ન લાવવામાં મેં ભલાઈ સમજી.શક્તિ પ્લેટફોર્મથી દુર એક ઝાડ પાછળ છુપાઇ ગયો હતો.તેનું માનવું હતું કે જો એ સાથે હશે તો જ્યોતિ વાત નહીં કરી શકે.
      આજે કલાસીસમાં મેં તેની એક્ટિવા જોઈ હતી.
‘મેં બીજી કોઈ જગ્યાએ આવવા કહ્યું હોત તો..અહીંયા કેવી રીતે એક્ટિવા લઈને આવશે?બુદ્ધુ છે સાવ તું..એક નંબરનો ડફોળ પણ.’હું મારી જાતને કોસતો હતો.
     થોડીવાર પછી દ્રષ્ટિ મને દેખાઈ.એ એકલી મારી તરફ આવતી હતી. મારા મગજમાં ફરી વિચાર દોડવા લાગ્યા.
‘તેને નહિ ગમ્યું હોય,દ્રષ્ટિ પાસે ના કહેરાવી હશે?,મેં ખોટું તો નથી કાર્યુને,હે ભગવાન હું શું કરી બેઠો?’
“જ્યોતિને મોડું થતું એટલે તેણે આ લેટર આપ્યો છે”મારા તરફ એક કાગળ ધરી દષ્ટિએ કહ્યું.હું તેના ચહેરાના હાવભાવ વાંચવાની કોશિશ કરતો હતો.એ મૂછોમાં હસતી હતી.
“એ પણ તને પસંદ કરે છે પણ તું મોડો પડ્યો”દ્રષ્ટિએ કહ્યું અને ચાલતી થઈ.મારે તેને રોકવી હતી.એક વાતમાં બે પ્રશ્ન છોડીને એ જતી.
    પહેલો,એ મને પસંદ કરતી હતી અત્યારે એ કેમ ન આવી?બીજો,હું મોડો પડ્યો એટલે?,શું તેની સગાઈ નક્કી થઈ ગઈ છે?માન્યું કે આવા વિચાર ન આવવા જોઈ પણ શું કરું?મગજ બધા તર્ક કાઢવા મથી રહ્યું હતું. 
     મારે જવાબ જાણવા હતા.પણ હું તેને ના રોકી શક્યો.ખભે બૅગ લટકાવી,લેટર હાથમાં રાખી હું સાઇકલ તરફ આવ્યો.ટિકિટબારીની નજીક સ્ટ્રીટ લાઈટ સળગતી હતી.તેની નીચે જઇ મેં કાગળ ખોલ્યો.
“પ્રિય શુભમ,કાલે જવાબ ન આપવા માટે માફી માંગુ છું અને મને સમય આપવા માટે તારો આભાર.આજે ભાઈ સંદીપ અને જે.ડી. બોર્ડિંગમાંથી આવવાના છે એટલે હું તને મળવા આવી ન શકી.હું મળવા ના આવી એટલે એવું ના માની લેતો કે મને તારા માટે ફીલિંગ્સ નથી.મને પણ તારા માટે એટલી જ ફીલિંગ્સ છે.તું જ્યારે મારા ભાઈને મળવા આવતો અને મને ત્રાંસી નજરે જોતો ત્યારથી મને ફીલિંગ્સ છે.ખાસ તને જોવા માટે હું એક્ટિવા જુના રસ્તેથી ચાલવતી.હા બે-ત્રણ વાર પંચર પડ્યું પણ તારા માટે એ જાયઝ છે.
    મારા પપ્પાએ મને બીજી જગ્યાએ કલાસીસ જોઈન કરવા કહ્યું હતું પણ જ્યારે મને ખબર પડી કે તું ઓમ કલાસીસમાં જવાનો છે.મેં મારા પપ્પાને સમજાવી ત્યાં એડમિશન લઈ લીધું.હું તો પહેલેથી જ તને પસંદ કરું છું. બસ તારા પ્રપોઝની રાહ જોતી હતી પાગલ.
   નીચે મારો નંબર લખ્યો છે.આ લેટર વાંચી લીધાં પછી મને એક મૅસેજ કરી દેજે. -જ્યોતિ”
    મેં લેટર બે વાર વાંચ્યો.ના હું ખોટું બોલું છું.મેં એ લેટર દસ વાર વાંચ્યો હતો.જેટલી વાર હું એ લેટર વાંચતો હતો, મારા ચહેરાના હાવભાવ બદલાતા હતા.મેં મારો નોકિયાનો મોબાઈલ હાથમાં લીધો અને તરત મૅસેજ કરી દીધો,“હું શુભમ,મને લેટર મળી ગયો છે”
    મારે તેને ઘણુંબધું કહેવું હતું.જો એ મારી સામે હોત તો કદાચ તેને ભેટી જ પડ્યો હોત. ખુશીથી જુમતો, મોટેથી ગીતો ગાતો હું ઘરે ગયો.
     રાત્રે અગિયાર વાગ્યે તેનો કૉલ આવ્યો.મારી ધડકન ફરી મેટ્રોની હરીફાઈમાં ઉતરી ગઈ.ધડકતા હૈયે મેં કૉલ રિસીવ કર્યો.
“હેલ્લો”
“શુભમ?”
“જ્યોતિ?”
“હા,લેટર વાંચ્યો?”
“હા,તારા હેન્ડરાઇટિંગ સારા છે”
“તો તને મારા હેન્ડરાઇટિંગ જ ગમ્યા એમને?મેં શું લખ્યું એ ગમ્યું?”
“એ તો તેના કરતાં પણ સુંદર હતું”
“તું કેમ એટલો બધો ડરતો હતો?”
    મેં મારી દ્વિધા કહી.એ મારા ગામની હતી,ઘરની બાજુમાં રહેતી,લોકોને ખબર પડશે તો શું થશે?,તે મને પસંદ નહિ કરતી હોય તો શું થશે? બધી જ વાતો જે મારા મગજમાં ચાલતી હતી.
“ફટ્ટુ છે એક નંબરનો તું”તેણે હસીને કહ્યું.
“હવે જેવો છું એવો તારો છું”મેં પણ હસીને કહ્યું.હું આટલા સારા જવાબ આપતો હતો એ વાત જાણીને મને પણ આશ્ચર્ય થતું હતું.
‘કોની સાથે વાત કરે છે?’મને તેના ભાઈ જે.ડી.નો અવાજ સંભળાયો.મને લાગ્યું મારી લવ સ્ટૉરી થતાં પહેલાં જ પુરી થઈ ગઈ.મને કંઈ સંભળાય એ પહેલાં કૉલ કટ થઈ ગયો હતો.
(ક્રમશઃ)
    શુભમ અને જ્યોતિની લવ સ્ટોરીમાં આગળ શું થયું હશે?એવું તો શું બન્યું હશે કે બંને જુદાં પડી ગયા?શું જે.ડી. આ વાત જાણીને જ શુભમને નફરત કરતો હશે?.શુભમનું ગુમસુમ રહેવું તેનું કારણ એકમાત્ર આ જ હશે?
   જાણવા વાંચતા રહો. સફરમાં મળેલ હમસફર.
    સાથે એક વ્યક્તિનું જૉકર બનવા પાછળની હૃદય દ્રવિત કરી નાખે તેવી વાતો ધરાવતી કહાની જૉકર વાંચવાનું ના ચૂકતા.
       મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul