૧.
કદાચ બે વરસ પહેલાની વાત છે. "પ્લેટફોર્મ ફોર આર્ટીસ્ટસ" નામના એક કલાસ્નેહી ગૃપ દ્વારા દેશના વિધ-વિવિધ પ્રદેશોમાંથી ત્રીસેક જુવાન અને આધેડ કલાકારો ને ગોવામાં એકઠા કરવામાં આવ્યા હતા. હું પણ એ ઈવેન્ટમાં મારા મિત્રો ઋષિ અને ઝિનલ સાથે હાજર હતો. "જંગલ" કરીને એક હોસ્ટેલમાં સઘળાને ઉતારો આપવામાં આવ્યો હતો. હોસ્ટેલ થી પાંચેક કિલોમીટર જ દૂર "વેગેટોર" બીચ અને "છાપોરા" નો ઐતિહાસિક કિલ્લો આવેલા છે.
ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલા દિવસે એકબીજાને પરિચય આપ્યા પછી કાર્યક્રમ ની પૂરી રૂપરેખા અને એનો કલાકારો ને ભેગા કરવાનો ઉમદા હેતુ જણાવવામાં આવ્યો. બાકીના પર્ફોમન્સ બીજા દિવસે હોવાથી સાંજે બધાએ વેગેટોર બીચ અને છાપોરાના કિલ્લા ની મુલાકાત લેવાનુ વિચાર્યુ ને પગપાળા જ અમારો સંઘ હોસ્ટેલ થી દરિયા કિનારે પંહોચ્યો.
દરિયાકિનારાના અલૌકિક વાતાવરણમાં હું મારા મિત્રો સાથે રેત પર બેઠો અને અમારા પર્ફોર્મન્સ ની તૈયારી શરૂ કરી. એક ગીતકાર તરીકે જો સૂઝે તો નવા બોલ લખવા હું અને મારો કવિ મિત્ર ઋષિ ડાયરીમાં અક્ષર પાડવા લાગ્યા. ઝિનલ એ રાગ છેડયો ને બે બેંગલુરુ ના ગિટારિસ્ટ એની સાથે જોડાયા. કેટલાક કુદરતની અપાર ખૂબસૂરતીને, દરિયાના મોજાઓને, ક્ષિતિજ પર મળતા ધરતી-આકાશને, હાથમાં હાથ મિલાવી ફરતા પ્રેમી યુગલોને, ઉંચે ઉડાનો ભરતા પક્ષીઓને અને મિત્રવૃંદને પોતાના કેમેરામાં મઢવામાં લાગ્યા. કેટલાક દરિયાને બાથ ભરવા ચાલ્યા ને જે ચિત્રકારો હતા એ કુદરતને કેનવાસ પર ઉતારવામાં લાગ્યા. દરિયામાંથી જાણે કલાકારો ભરતીમાં તણાઈ કિનારે એકસાથે ઠલવાયા હતા.
સૌ સૌની ધૂનમાં હતા, માત્ર એક છોકરી જેનુ નામ હતુ અન્વેષા, એ કંઈક અલગ જણાતી હતી. પરિચય વખતે પણ એ મને અજુગતી જણાઈ હતી, અને માટે જ મારૂ ધ્યાન થોડી થોડી વારે દૂર ખડક પર બેઠેલી અન્વેષા પર વારે વારે જતુ હતુ. દેખાવમાં એકદમ સામાન્ય, પણ એનો કંઈક અલગ જ ચહેરો હતો અને એના પર ઉદાસીનતા અંધકારની જેમ ફેલાયેલી હતી. મને ડર હતો એ કંયાક કંઈ કરી ન બેસે, ને આગળ કંઈ વિચારૂ એ પહેલા તો મેં એને છાપોરાના કિલ્લા ના રસ્તે આછા થતા જતા અજવાસમાં ઓગળતી જોઈ. એને આમ એકલા જતા જોઈ મને કંઈક અણછાજતુ બનવાનો ડર લાગ્યો અને મારી જીજ્ઞાસા મને એની પાછળ કિલ્લા સુધી ખેંચી ગઈ.
ક્ષિતિજ પર સૂર્ય સાગરના પાણી અડકતા શરમાઈને કેસરવર્ણો લાલ બની ગયો હતો. ટોર્ચ કે મોબાઈલ ફોનના કૃત્રિમ પ્રકાશ ની હજુ એટલી જરૂર જણાઈ નહોતી. કિલ્લાની પાછળની તરફની દિવાલ જ્યાં સીધો સમુદ્ર આવીને અફળાય છે ત્યાં જઈને એ અટકી અને કંઈક વિચારમાં હોય તેમ દિવાલ પર પગ બહારની તરફ લટકાવી બેસી અને બેધ્યાનપણે ક્ષિતિજ તરફ જોઈ રહી પછી એની સ્કેચબુક નિકાળી એમાં કંઈક દોરવા લાગી. સમુદ્રમાં કયાંક છલાંગ મારી બેસશે તો? એ વિચારે જ હું ગભરાઈ ગયો અને હું એના વિચારો ને બીજી તરફ વાળવા એની સાથે વાત કરવાનુ નકકી કરી એનાથી એકાદ ફૂટ દૂર જઈ ઉભો રહયો. એની સામે એક સ્મિત આપી હું પણ વિચાર શૂન્ય દ્રષ્ટિએ ક્ષિતિજ સુધીનુ અંતર માપવા લાગ્યો.
એણે મને ગણકાર્યો નહી.
એકાદ ક્ષણ પસાર થઈ હશે કે એણે મારી સામે જોયા વગર કહયુ, "હું કૂદીશ નહીં, ડોન્ટ વરી".
મેં કહયું "તમે એવા લાગતા પણ નથી."
"ના, મને તરતા આવડે છે અને દરિયો મને ડૂબાડી શકશે નહી."
"આમ પણ હું તો આનાથી ય ઉંડે કંયાક ડૂબેલી છુ." એણે કહયુ.
આવી અતરંગી વાત કહીને એણે મારી જીજ્ઞાસા ને વેગ આપ્યો.
મારો હાથ લંબાવી એને મારો પરિચય આપ્યો, એણે પણ હાથ મિલાવી નાનકડુ સ્મિત આપ્યું. હવે મને જરાક રાહત થઈ, અને મે એને કીધું, "મને પણ આવી એકાંત વાળી જગ્યાએ બેસીને જ કામ કરવાનું ગમે, શુ તમારૂ આ ચિત્ર જોઈ શકુ?"
"એક મિનિટ."
એ ચિત્રમાં કંઈક સુધારા-વધારા કરવા લાગી. પાંચેક મિનિટ ફરી મૌન.
"શુ કહેવું છે આના વિશે?"
એણે બનાવેલુ પોર્ટેટ સ્કેચ મારી તરફ ધર્યુ.
કોઈ જુવાન લબરમુછિયાનો ચહેરો હતો એ, જાણે હમણાં એ ચહેરો બોલી ઉઠશે એવી કલા-કારીગરી હતી.
"હ્ર્દયની નજીકનુ કોઈ લાગે છે."મે કહયુ.
"હમમ્"
"શુ નામ રાખ્યું છે, જાણી શકુ?"
અન્વેષા ઉવાચ, "હાફૂસ".