Sukhni chavi krushno Karmyog - 12 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 12

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 12

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૧ર - કર્મયોગી કૃષ્ણનું દર્શન

મહાભારતના યુદ્ધની શરૂઆતની તૈયારીઓ થઈ રહી હતી અને પાંડવો તેના પક્ષને અને કૌરવો તેના પક્ષને મજબુત કરવાની કોશિશોમાં લાગ્યા હતા. બંને પક્ષો પોત પોતાની સેનાઓ કઈ રીતે બળશાળી બને તેની તૈયારીમાં વિવિધ પ્રદેશોના રાજાઓને પોતાના પક્ષમાં ભેળવવા અને તેમના બળને પોતાનું બળ બનાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા હતા. સ્વાભાવિક હતું કે આવા સંજોગોમાં કૃષ્ણ અને તેની સેનાને પોતાના બળ સાથે જોડવામાં કૌરવ કે પાંડવ શા કારણે પાછા રહી જાય ?

શકુનીએ સાંભળ્યું કે પાંડવો કૃષ્ણની મદદ લેવા માટે અર્જુનને દ્વારિકા મોકલી રહ્યા છે ત્યારે શકુનીએ દુર્યોધનને કહ્યું કે તું પણ કૃષ્ણની મદદ માગવા પહોંચી જા. દુર્યોધનમાં અહંકાર વધુ હતો પણ બુદ્ધિ ખુબ જ ઓછી હતી. દુર્યોધને શકુનીને કહ્યું કે જે કૃષ્ણ કાયમ પાંડવોનો પક્ષ લેતા આવ્યા છે તેની મદદ આપણને ન મળી શકે. તે તો પાંડવોના પક્ષે જ રહેશે. દુર્યોધનની વાત સાંભળીને શકુનીએ કહ્યું કે ‘‘કૃષ્ણ, અર્જુનના સાળા છે અને મિત્ર છે. તે સાથે તે તારા પણ વેવાઈ છે. તારી પુત્રી લક્ષ્મણા કૃષ્ણના પુત્ર સાંબને પરણી છે તે વાત તું કેમ ભુલી જાય છે. શકુની કુટ બુદ્ધિનો હતો. પણ વિચક્ષણ બુદ્ધિવાળો હતો. આમ પણ કુટનિતી ધરાવતા વ્યક્તિને વિચક્ષણ બુદ્ધિના થયા વગર છુટકો નથી હોતો કારણ કે તેમને કુટતાને છુપાવવા માટે પળે-પળે જાગૃત રહેવું પડે છે. કુટનિતીજ્ઞ બુદ્ધિશાળી અવશ્ય થાય છે, પણ કટુતાઓ તેની બુદ્ધિને કાયમ મલીન બનાવી રાખે છે. જેથી શુદ્ધ બુદ્ધિના કર્મો અને ભાવોને નહીં પામતી તેમની કુટબુદ્ધિ વિચક્ષણ હોવા છતાં પણ તેની કુટીલતાઓથી બહાર નીકળી શકતી નથી.’’

આખર શકુનીના કહેવા પ્રમાણે દુર્યોધન તૈયાર થયો અને મદદ માગવા દ્વારિકા પહોંચ્યો. જોગાનુજોગ અર્જુન પણ તે સમયે જ દ્વારિકા પહોંચ્યો. દુર્યોધન અને અર્જુન બંને સાથે પહોંચ્યા. બંનેએ પોતાના આવવાનું કારણ જણાવ્યું અને યુદ્ધ માટે મદદ માગી.

દુર્યોધનના મનમાં ઘણો ગભરાટ હતો. તે વિચારતો હતો કે હમણા જ કૃષ્ણ કહેશે કે દુર્યોધન તું તો અધર્મી છે, તે મારા કહેવા મુજબ પાંડવોને પાંચ ગામ આપવાની પણ ના પાડી, તે મારું ભરી સભામાં અપમાન કર્યું અને મને બંદી બનાવવાનો પ્રયાસ પણ કર્યો. હવે તું ક્યાં મોઢે મારી મદદ માગી રહ્યો છે. દુર્યોધનની અપેક્ષાએ હતી કે જ્યારે તે મદદની માંગણી કરશે ત્યારે કૃષ્ણ તેને કહેશે કે ‘‘દુર્યોધન આ પાંડવો મારી ફોઈ કુંતીના પુત્રો છે, મારા જન્મથી મારે તેની સાથે સંબંધ છે. તારી સાથેનો સંબંધ તો પછીનો છે. અને એ સંબંધ પણ આપણે નથી બાંધ્યો. એ સંબંધ તો મારા પુત્ર સાંબે તારી પુત્રીનું અપહરણ કરી લગ્ન કર્યું તેનાથી જ બંધાઈ ગયો છે. તેમાં પણ તે અને તારા અન્ય ભાઈઓએ તો મારા પુત્ર સાંબે તારી પુત્રી લક્ષ્મણાનું અપહરણ કર્યું ત્યારે સાંબને પકડીને બંદી બનાવી લીધો હતો અને કોઈપણ રીતે તું તારી પુત્રીનો સંબંધ મારા પુત્ર સાથે બાંધવા નહોતો માગતો. આતો બલરામના બળ આગળ તમારું કાંઈ ચાલ્યું નહીં તેથી ન છુટકે તે તારી પુત્રી આપી છે. આવી વાત વિચારતો દુર્યોધન મનોમન મુંઝવણમાં હતો.’’

પરંતુ આશ્ચર્ય કે બંનેની વાત સાંભળીને કૃષ્ણએ હસતા મુખે કહ્યું કે તમે બંને મારા માટે સમાન છો. હું તમને બંનેને મદદ કરવા તૈયાર છું પણ મારી શરત એ કે એક બાજું હું એકલો, હથિયાર વગરનો યુદ્ધ નહીં લડવાના નિશ્ચયવાળો અને બીજી બાજુ મારી નારાયણી સેના. બેમાંથી એક જેને જોઈએ તે માગી લે.

જેના મનમાં પાપ છે તે પોતાના જ પાપની નજરોએ જોવે છે અને જે નિર્મળ છે તે તો પાપરહિત દૃષ્ટિએ જ જોવે છે. એક જ દુનિયા છે, પણ પાપીઓ દુનિયાને પાપથી જોવે છે અને પાપ કરે છે, પુણ્યશાળીઓ પૂણ્યથી જોવે છે અને પૂણ્ય કરે છે. એક નિર્મળ બાળક કે જેના માનસમાં કોઈ ગુનાખોરી નથી તેને તો આ જગત આખું નિર્મળ જ લાગે છે. એક જ દ્રશ્ય છે, પણ વિવિધ દૃષ્ટાઓની આરોપિત દૃષ્ટિ દ્રશ્યને ભિન્ન બનાવે છે.

દુર્યોધન કૃષ્ણની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો. તેને વિશ્મય એ થયું કે શું આ એજ કૃષ્ણ છે કે જેમનું મેં અપમાન કર્યું હતું ? શું આ એ કૃષ્ણ છે જેમને પાંડવોના પક્ષધર સમજીને હું તેમની સાથે દ્વેષ કરતો આવ્યો છું ?

પણ, જ્યારે કૃષ્ણએ કહ્યું કે તમે બંને મારી માટે સમાન છો ત્યારે દુર્યોધનને ખુબ જ વિશ્મય થયું. પરંતુ બીજી જ ક્ષણે તેનો અહંકાર ઉભરાઈ આવ્યો અને તેણે કૃષ્ણમાં સાચા કૃષ્ણનું દર્શન કરવાની બદલે પોતાના અહંમથી ખોટા કૃષ્ણનું દર્શન કર્યું. તેણે ફરી વિચાર્યું કે આ કૃષ્ણ આખર એક મુર્ખ જ છે. જેણે મારા અપમાનો અને વિરોધની નોંધ પણ ન લીધી. ફરી તેણે એવો પણ વિચાર કર્યો કે લોકો કહે છે કે આ કૃષ્ણ બહુ બુદ્ધિશાળી છે, કદાચ આ કૃષ્ણ જાણે છે કે જે યુદ્ધ થવાનું છે તે યુદ્ધમાં મારો જ વિજય છે. તેથી મારી સાથે સારા સંબંધો બનાવી રાખવાની લાલસાએ કૃષ્ણ મને પણ મદદ આપી રહ્યા છે.

હવે પ્રશ્ન એ હતો કે કોણ પ્રથમ માંગે. જે માટે વિવાદ જાગ્યો. જેથી કૃષ્ણએ કહ્યું કે તમે બંને એક સમયે આવ્યો પરંતુ તમે આવ્યા ત્યારે હું સુતો હતો. જ્યારે હું જાગ્યો ત્યારે મે અર્જુનને પ્રથમ જોયો છે કારણ કે મારી નજર તે મારા ચરણ પાસે બેઠો હોવાથી પ્રથમ તેના ઉપર પડી છે. જેથી પ્રથમ માગવાનો હક્ક અર્જુનનો છે. જે સાંભળીને દુર્યોધન ગભરાયો. તેને થયું કે આ તો કૃષ્ણનો પક્ષપાત છે. તેના મનમાં તો એમ જ હતું કે હવે અર્જુન કૃષ્ણની વિશાળ નારાયણી સેના માગી લેશે.

ભગવાનની વાત અદ્‌ભુત છે. એક તરફ હું એકલો અને બીજી બાજું મારી નારાયણી સેના. આ વાત અધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખુબ જ ઉંડાણ ધરાવે છે. ભગવાને જ સૃષ્ટિ નિર્માણ કર્યું છે. શરીર, મન, ઈંદ્રિયો, બુદ્ધિ વિગેરે જે કાંઈ છે તે તમામ ભગવાનની નારાયણી સેના જ છે. નારાયણી સેનાની આગળ પણ નારાયણનું જ નામ લાગેલું છે. તેથી નારાયણી સેના પણ નારાયણ સ્વરૂપ જ છે. તેમ છતાં નારાયણ આ નારાયણી સેનાથી અલગ છે. આ દુનિયાના દવૈતના યુદ્ધમાં, ધર્મ-અધર્મના યુદ્ધમાં એક બાજુ નારાયણ છે અને એક બાજુ નારાયણી સેના. વળી નારાયણ પણ એવા કે જે યુદ્ધ નહીં લડે. હથિયાર નહીં ઉપાડે, માત્ર જ્ઞાન સ્વરૂપ સાક્ષી ભાવે હૃદયાકાશમાં બીરાજીત રહેશે. અને તે પછી તે પોતે જ પસંદગી આપે છે કે હવે પસંદ કરો. કાં તો હું કાં તો મારી સેના.

મોટા ભાગે દુર્યોધનો નારાયણી સેના જ પસંદ કરે છે. દુર્યોધનોના અહમભાવ તેને નારાયણી સેનાની જ પસંદગી કરાવે છે. નારાયણી સેના વિશાળ છે, તેમાં મહા યોદ્ધાઓ છે, શસ્ત્ર પારંગત નિષ્ણાંતો અને તેવા લાખો સૈનિકો. પછી શા માટે નારાયણને પસંદ કરવા ? દુનિયા છે, પદપ્રતિષ્ઠા છે, કામભોગ, આરામ, જાહોજલાલી, ઐશ્વર્ય. આ બધું પસંદ નહીં કરતા નારાયણને શા માટે પસંદ કરવા ? અહંકાર કહે છે કે આ સેના જ સર્વસ્વ છે. વળી નારાયણ જે માત્ર સાક્ષી છે, બોધ સિવાય કાંઈ આપવાના નથી. જરૂર પડ્યે હાથમાં હથિયાર પણ લેવાના નથી. તેવા નારાયણને શા માટે પસંદ કરવા ? દુર્યોધન માટે તો નારાયણને પસંદ કરવા મુર્ખતાથી વિશેષ નથી. મનોમન ખુબ હસ્યો હતો દુર્યોધન. પણ, જેના ઉપર દુર્યોધનો હસે છે તેવા કોઈ અર્જુનો જ છે જે નારાયણી સેનાને ઠોકર મારીને માત્ર નારાયણને જ પસંદ કરે છે.

દુર્યોધનનો અહમ દુર્યોધનની પીઠ થબ-થબાવવા લાગ્યો કે જોયું આ પાંડવો પણ બાર વર્ષ વનમાં ભટકીને ભીખારી થઈ ચૂક્યા છે. પાંડવોની બુદ્ધિ હવે રાજનિતિમાં ચાલે તેવી રહી નથી. દુર્યોધન મનોમન રાજી થયો. શ્રીકૃષ્ણે દુર્યોધનને પ્રથમ માગવાનો અધિકાર આપ્યો હતો તો પણ દુર્યોધન કૃષ્ણને ન માગત તે હકીકતને કૃષ્ણ જાણતા જ હતા. તેમ છતાં અર્જુનનો કૃષ્ણ પ્રેમ દુર્યોધનને બતાવવા જ કૃષ્ણએ અર્જુનને પહેલા માગવા કહ્યું.

જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે અર્જુનના સારથી તરીકે બેઠેલા કૃષ્ણ અર્જુનના આદેશો મુજબ રથ ચલાવતા હતા. જાણે કે અર્જુનના સેવક હોય. અર્જુને કહ્યું કે મારો રથ બંને સેનાની વચ્ચે લઈ લો. તે ક્ષણે એક સારથી સેવકની જેમ અર્જુનનો રથ બંને સેનાની વચ્ચે લઈ આવ્યા. બંને સેનામાં સગા સ્નેહીઓને જોઈને વિહ્વળ થઈ ગયેલા અર્જુનનો વિષાદ શરૂ થયો અને અર્જુને આ વિષાદમાં અનેક બકવાસો કરી તે પણ શાંતિપૂર્વક સાંભળતા રહ્યા.

કોઈની વાતમાં અધવચ્ચે ટપકી પડતા ઉપદેશકની જેમ તેમણે ઉપદેશ કરવા પ્રયાસ ન કર્યો. જ્યારે અર્જુને કૃષ્ણના શરણોમાં જઈને કહ્યું કે, પ્રભુ મને જે શોક ઉપજી રહ્યો છે તે ટાળવા માટે તમારી સિવાય કોઈ સમર્થ નથી, હવે તમે જ મારા ગુરૂ તરીકે મને ઉપદેશ કરો. મારો શોક દૂર કરો. ત્યારે કૃષ્ણએ તેની વાતની શરૂઆત કરી. આ વાત પણ કૃષ્ણ તો ટૂંકમાં જ કહેવા માગતા હતા. પરંતુ જેમ-જેમ અર્જુનના પ્રશ્નો થતા ગયા તેમ-તેમ કૃષ્ણને શરણે આવેલા શિષ્યને ઉતરો આપવા પડ્યા અને ફળ સ્વરૂપે અઢાર અધ્યાયોવાળી ગીતાએ કરૂક્ષેત્રના મેદાનમાં જ જન્મ ધારણ કર્યો.

કૌરવો માનતા હતા કે કૃષ્ણ તો નિષ્પક્ષ જ છે. કૃષ્ણ તો હથિયાર ઉગામવાના નથી. કૃષ્ણના મોટા ભાઈ બલરામ તો બીકના માર્યા તીર્થ યાત્રાએ જતા રહ્યા છે. તેની જેમ આ કૃષ્ણ પણ ડરપોક થઈ યુદ્ધ નહીં કરૂ તેવા નિશ્ચય સાથે સારથી કર્મ કરવા બેઠા છે. કૌરવોને તો મહાભારતના યુદ્ધ મેદાનમાં જન્મ પામેલ ગીતાના જ્ઞાનનો લાભ નહોતો મળ્યો. પણ સંજયની દિવ્ય દૃષ્ટિના સહારે યુદ્ધ નિરખી રહેલા કૌરવ સેનાના અંધ નાયક ધૃતરાષ્ટ્રને ગીતા જ્ઞાન સાંભળવા મળ્યું હતું.

જો કે ધૃતરાષ્ટ્રની કુપાત્રતાને લીધે ગીતા જ્ઞાનનો લેશ માત્ર પણ તેને પચ્યો ન હતો. જ્યારે સમગ્ર ગીતા પુરી થઈ ત્યારે સંજયે ગીતાનું ગાન સાંભળીને હર્ષ અનુભવ્યો હતો અને કૃષ્ણ સ્વરૂપના અદ્‌ભુત દર્શન કરતા રોમાંચ પણ અનુભવ્યો હતો. પરંતુ યુદ્ધ અને પુત્ર મોહ રૂપી ‘‘મામકા’’ ને જ મનોમન ચાવી રહેલા ધૃતરાષ્ટ્રને સમગ્ર ગીતાનું ગીત પુરુ થયા પછી કોઈ હર્ષ કે રોમાંચ થયો ન હતો. ઉલ્ટું ધૃતરાષ્ટ્રને એ વાતનો ખેદ થયો હતો કે આ કૃષ્ણના કપટભર્યા ઉપદેશથી જ બિચારો અર્જુન મહાભારતના ઘોર યુદ્ધમાં ઉતરવા તૈયાર થયો છે. ગીતાનું ગાન પુરુ થયું અને જ્યારે અર્જુને યુદ્ધ કરવાની ઘોષણા કરી ત્યારે ધૃતરાષ્ટ્રે કૃષ્ણને અનેક કુવચનો કહ્યા. ધૃતરાષ્ટ્રે કૃષ્ણમાં સુદર્શનની બદલે કુદર્શન જ કર્યું. કૃષ્ણ તો સુદર્શનધારી છે, પણ જ્યાં સુધી ધૃતરાષ્ટ્રોને કૃષ્ણના સુદર્શનનો પરચો નથી મળતો ત્યાં સુધી ધૃતરાષ્ટ્રો કૃષ્ણમાં પણ કુદર્શન જ કરતા રહે છે.

એક સારથી, યુદ્ધ નહીં લડવાના અને હાથમાં હથિયાર પણ નહીં ઉપાડવાની પ્રતિજ્ઞાવાળા કૃષ્ણ ગીતા ગાનના દસમાં અધ્યાય સુધી તો નિષ્પક્ષ અને તટસ્થ દેખાયા. પણ જ્યાં અગિયારમાં અધ્યાયની શરૂઆત થઈ, ત્યારે બધી તટસ્થતાઓ પાણીમાં નમક (સોલ્ટ)ની જેમ પીગળી ગઈ. હું હથિયાર નહીં ઉપાડું, હું તટસ્થ છું, મને કોઈનો પણ પક્ષ લેતા નથી ફાવતું એમ કહેનારા કૃષ્ણે વિશ્વરૂપના દર્શનથી વ્યથિત થયેલા અર્જુનને ત્યાં સુધી કહી દીધું કે અર્જુન આ યુદ્ધ તું નહીં, હું જ લડું છું અને તું તો માત્ર નિમિત છો.

જ્યારે કૃષ્ણએ કહી દીધું કે યુદ્ધ તો હું જ લડી રહ્યો છું. અર્જુન તું તો માત્ર નિમિત છો. અર્જુન તારે તો માત્ર યશ જ લેવાનો બાકી છે. તું જે યોદ્ધાઓને મારવા ચાહે છો તે યોદ્ધાઓને તો મેં જ ક્યારનાયે મારી નાખ્યા. બસ, મેં તારા હાથમાં યશ મુકવા ખાતર અને તને નિમિત બનાવવાનું જ બાકી રાખ્યું છે. જે જે યોદ્ધાઓને મારી નાખ્યા છે તેના નામ પણ કૃષ્ણ સ્પષ્ટતાપૂર્વક લેવા લાગ્યા.

કૃષ્ણએ કહ્યું કે દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ એ તેવા જ બીજા અનેક યોદ્ધાઓને પહેલા જ મારી નાખ્યા છે ત્યારે વ્યાસે કૃષ્ણને પ્રશ્ન કર્યો કે પ્રભુ આપે આ યોદ્ધાઓને ક્યારે માર્યા ? કૃષ્ણએ જવાબ આપતા કહ્યં કે જ્યારે દ્યુતસભામાં કર્ણએ સતિ દ્રોપતદીને વેશ્યા કહી ત્યારે કર્ણને, જ્યારે વનવાસ દરમ્યાન એકલી પાણી ભરવા ગયેલી દ્રૌપદીને નિસહાય જોઈને તેની આબરૂ લુંટવાનો પ્રયાસ કર્યો ત્યારે જયદ્રથને, જ્યારે ધર્મને નિસહાય હોવા છતાં સત્યને વાચા ન આપી ત્યારે દ્રૌણને, જ્યારે પાંડવો સાથે અન્યાય થયો છે તેવું સ્પષ્ટપણે જાણવા અને માનવા છતાં પોતાની પ્રતિજ્ઞાના જડ મોહમાં કૌરવો અને દુર્યોધનનો સાથ આપવાનું સ્વીકાર્યારે ભીષ્મને. જ્યારે કપટના પાસાઓ ફેંકીને કુટીલતાથી પાંડવોને દ્યૂતમાં હરાવીને મહાયુદ્ધ નિમંત્રણ મોકલ્યું ત્યારે શકુનીને અને જ્યારે પોતાના દ્વેષની અગ્નિમાં નિર્દોષ સતી સ્ત્રીને પણ આડી નજરે જોઈ ત્યારે દુર્યોધનને મે જે મારી નાખ્યા હતા. જે પછીથી તો માત્ર તેમની લાશો જ ફરી રહી હતી.

વ્યાસે બીજો પ્રશ્ન કર્યો કે પ્રભુ આપે તેમને મારી જ નાખ્યા હતા તો તેમની સડેલી લાશોને આ સમાજમાં શા માટે ફરવા દીધી ? ત્યારે કૃષ્ણએ કહ્યું કે જેટલો દોષ તેમનો હતો તેટલો જ પામરતાને પામેલા સમાજનો હતો. જે સમાજ સત્ય, ધર્મ અને ન્યાયનો આદર કરી શકતો નથી તે સમાજ તેની પામરતાઓ સાથે સડેલી લાશો વચ્ચે જ જીવાને પાત્ર છે.

પોતાના વિરાટ સ્વરૂપના દર્શનમાં કૃષ્ણ સક્રિય દેખાયા. જે કૃષ્ણ તટસ્થ, કુટસ્થ, નિષ્પક્ષ અને યુદ્ધના સાક્ષીમાત્ર દેખાતા હતા તે જ કૃષ્ણ કંઈક જુદા જ રૂપે દેખાયા વેદો પુરાણો, મહાત્માઓ, જ્ઞાનીઓ, યોગીઓ વિગેરે ભગવાનને સાક્ષીમાત્ર, બોધમાત્ર, જેને કર્મનો સ્પર્શ પણ થતો નથી તેવા અકર્તા અને શૂન્ય સ્વરૂપે જુવે છે. તે જ કૃષ્ણ શૂન્યની બદલે પરિપૂર્ણ પણ દેખાયા. અકર્તાની બદલે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્યમ લઈને સતત કર્મમય દેખાયા. નિષ્પક્ષતાઓને કિનારે મુકીને સત્ય, ધર્મ અને ન્યાયના શુદ્ધ પક્ષ પાતિ દેખાયા. કૃષ્ણ દર્શન એટલું અદ્‌ભુત છે કે તેની અદ્‌ભુદતાઓને માપવા બુદ્ધિનો માપદંડ કામ આવી શકે તેમ નથી.

કૃષ્ણ દર્શનમાં બે વિરોધાભાસ એકી સાથે દેખાઈ છે. કૃષ્ણ જ કહે છે ‘‘હું સત્ય પણ છું અને અસત્ય પણ. હું દૂર પણ છું અને નિકટથી નિકટ પણ. હું અકર્તા છું અને સમગ્ર વિશ્વનો કર્તા પણ. હું અમૃત પણ છું અને મૃત્યું પણ. બે વિરોધાભાસ (ટોટલ પેરાડોક્સાને સમજવાની વાત આવે ત્યારે બુદ્ધિ ચકરાવે ચડી જાય છે.

આપણો દેશ કૃષ્ણની મૂર્તિપૂજા કરવામાં, કૃષ્ણના મંદિરો બાંધવામાં, કૃષ્ણના નામે યોજાતા મહોત્સવોમાં મોખરે છે. પણ, કૃષ્ણને સમજવામાં લગભગ નિષ્ફળ છે કારણ કે કૃષ્ણ તત્વ બધા જ એરા, ગેરા નથ્થુઓની સમજમાં આવી જાય તેવું નથી. હું એક સજ્જનને જાણું છું. જે કૃષ્ણને ઈષ્ટદેવ માને છે, ક્યારેક ભગવદ્‌ ગીતા પણ વાંચે છે, પણ સવારથી સાંજ સુધી દારૂ, માંસ-મટન, વ્યભિચાર અને વ્યાજવટાઉનો ધંધો. મેં તેમને કહ્યું કે તમે આ બધું સાથે કેમ સ્વીકારી શકો ? ત્યારે એ કહેવા લાગ્યા કે હું તો કૃષ્ણ ભક્ત છું અને કૃષ્ણએ આ બધું કરેલું છે તેથી મને આવું કરવામાં કોઈ બાધ નથી. તેમણે મને જે વિસ્તૃત વાતો કરી તેમાં કૃષ્ણની રાસ લીલામાં તેમને કામલીલા દેખાઈ, કૃષ્ણએ કરેલા વધમાં તેમને હિંસા દેખાઈ, કૃષ્ણના વ્યવહારોમાં તેમને કુટીલતા અને રાજનીતિ જ દેખાઈ. મહાભારતના યુદ્ધ નિમિત્તે તેઓ કૃષ્ણને હીટલરના પણ ગુરૂ માને છે.

આજની તારીખે પણ કૃષ્ણમાં કુદર્શન કરનારાઓની એક વિશાળ ફોજ છે. જે તેમના કટાઈ ચૂકેલા માનસથી કૃષ્ણની નિર્મળતાઓને જોઈ શકવા સમર્થ નથી.

ઘણા લોકો આવી વાત કરતા હોય છે કે કૃષ્ણ કરે તેમ ન કરો પણ કહે તેમ કરો અને રામ કહે તેમ ન કરો પણ, રામ કરે તેમ કરો. પણ, જેની કથની અને કરણી અલગ અલગ પડતી હોય તેના ઉપર વિશ્વાસ કરવો શક્ય નથી. ઠીક છે સાંપ્રદાયીક લોકો કૃષ્ણ સાથે લાંબી નિસ્બત રાખતા નથી એટલે તે તેમના સંપ્રદાયોની ચીલાચાલું પ્રથાઓથી કૃષ્ણને જોવા માટે ટેવાયેલો છે. તે કૃષ્ણના વ્યક્તિત્વના પણ ભાગ કરી-કરીને કૃષ્ણને માને છે. કોઈ સંપ્રદાય કૃષ્ણના બાલસ્વરૂપને જ માને છે, તો કોઈ યુદ્ધવાળા કૃષ્ણને આવકારવા તૈયાર નથી. જે બાલ સ્વરૂપને માને છે તે યુવા કૃષ્ણના જ વિરોધી છે. તેમના મતે લાલો નાનો હતો ત્યાં સુધી ઠીક હતો પણ યુવાન થઈને તો બગડીને બેહાલ થયો તેમજ માનવામાં આવે છે. એક જ વ્યક્તિત્વના એક ખંડને આવકાર અને એકને તિરસ્કાર. આ તો કેવો પ્રેમ ? કેવી ભક્તિ ?

કૃષ્ણએ જે કર્યું છે તે આપણે કે કોઈ સામાન્ય માણસ ન કરી શકે તે વાત તો બરાબર. પણ કૃષ્ણના તેમ કરવા પાછળ પણ ઘણો અર્થ છે. કૃષ્ણએ કર્યું તેમ ન કરાય તેમ જણાવી આપણે તેના ચરિત્રમાં છુપાયેલા અસલ રાજથી વંચિત રહી જઈએ છીએ. કૃષ્ણનું આખુ ચરિત્ર જ માર્ગદર્શન છે. તેનું ચરિત્ર જ ઉપદેશ છે. આમેય કૃષ્ણએ તેના જીવનમાં બહુ ભાષણબાજી કરી જ નથી. તેમણે ધાર્મિક ઉપદેશ તો માત્ર બે જગ્યાએ જ પીરસ્યો છે. એક અર્જુન પાસે બીજા ઉદ્ધવ પાસે. વળી એ પણ એવા સમયે કે જ્યારે તે બંને એકલા છે. તેનો અર્થ એ થયો કે તેમને ભાષણબાજી કરવી પસંદ જ નથી કારણ કે તેમનું જીવન ચરિત્ર જ માર્ગદર્શન છે. ખુદ કૃષ્ણ પણ કહે છે.

‘‘જન્મ કર્મ ચ મે દીવ્યંમ, એવંમ યો વેતિ તત્વતઃ

ત્યક્ત્વા દેહમ પુર્નજન્મ નૈતિ મામેતિ સોર્જુન’’ (ગી.અ.૪-૯)

અર્થાત મારા જન્મ અને કર્મો દિવ્ય છે. જે વ્યક્તિ તેને તત્વગત સમજે છે તે મુક્ત થઈ જાય છે. કૃષ્ણ ચરિત્ર આટલો મોટો મહિમા ધરાવતું હોવા છતાં તે ચરિત્ર ખોટું છે, તેમાં અયોગ્યતાઓ છે એવી ધારણા લઈને બેઠેલા લોકોને કેમ કૃષ્ણભક્ત સમજવા ?

કૃષ્ણએ કર્યું તેમ ન કરાય તેમ કહીને કૃષ્ણની કરણીને ખોટી માનતા લોકો તો કૃષ્ણ ચરિત્રના અમૃતથી વંચિત રહે છે. કૃષ્ણએ કર્યું તે ન કરાય તે કોઈના અનુકરણની વાત હોય તો અનુકરણ તો દરેક બાબતે ખોટું છે. અનુકરણ કોઈ પણનું હોય. ચાહે રામનું હોય કે કૃષ્ણનું હોય. અનુકરણ માત્ર વ્યર્થ છે કારણ કે કોઈ જે કરે છે તેમાં તેની જરૂરીયાતો, તેની શક્તિઓ, તેની ઈચ્છા-અનિચ્છાઓ, તેની સામર્થ્ય અને અસામર્થ્ય સામેલ હોય છે. વળી સમય અને સંજોગો પણ ભિન્ન રહે છે. જે ક્ષણ આજ છે તે ફરીને ક્યારેય પાછી આવતી નથી. જેથી અનુકરણ ગમે તેનું હોય પણ તે આત્મઘાત સમાન નીવડે છે.

હીરાલાલ અને પન્નાલાલ શેઠની બે અલગ-અલગ પેઢીઓ હતી. આ બંને પેઢીઓમાં કામ કરવાવાળા બે નોકરો ચંગુ અને મંગુ હતા. ચંગુ હીરાલાલની પેઢીમાં અને મંગુ પન્નાલાલની પેઢીમાં કામ કરતો હતો. એક દિવસ મંગુને ઉદાસ જોઈને ચંગુએ પૂછ્યું ભાઈ, તું આટલો ઉદાસ અને દુઃખી કેમ છે ? મંગુએ કહ્યું ચંગુ શું બતાવું ? મારા શેઠ પન્નાલાલ મને વાત-વાતમાં ગાળો આપીને હડધૂત કરે છે. કામ શું કરવાનું છે એ પછી બતાવે છે અને ગાળો પહેલા આપી દે છે. મન થાય છે કે નોકરી છોડી દઉં. ચંગુ એ કહ્યું અરે મંગુ, મારો શેઠ પણ મને ગાળો આપે છે. કદાચ તારા શેઠ કરતા પણ વધારે. પણ હું તો મારા શેઠને તેણે આપેલી ગાળોના બદલામાં બમણી ગાળો આપી દઉં છું. મંગુ ચોંક્યો. તેણે કહ્યું અરે ચંગું, ખોટી ડંફાસ મારવાનું બંધ કર. આમેય હું દુઃખી છું મને વધારે દુઃખી ન કર. ચંગુએ કહ્યું તો તું સાચું ન માનતો હોય તો ચાલ મારી સાથે. હું તને બતાવું. ચંગુ અને મંગુ બેઉ હીરાલાલની પેઢીએ આવ્યા. પેઢીની દુકાનમાં પગ મુકતા જ હીરાલાલ બોલ્યા, હરામખોર ચંગુડા, પગાર મારો ખાઈ છે અને ગામમાં આંટા મારતો ફરે છે ? ચંગુ એ કહ્યું નાલાયક, મોટી ફાંદવાળા કંજૂસ વાણીયા. તારો જેટલો પગાર ખાઉ છું તેનાથી ડબલ કામ કરું છું તોય તને સંતોષ નથી ? આટલું બોલ્યા પછી પણ ચંગુએ બીજી મનમાં આવે તેવી બે-ચાર ગાળો પાછી હીરાલાલને ફટકારી દીધી.

મંગુ તો દંગ રહી ગયો. તેને થયું ચંગુની જેમ શેઠ જે ગાળો આપે છે તે ગાળો જો શેઠને વ્યાજ સાથે તુરત પાછી દઈ દેવામાં આવે તો પછી કોઈ ભાર ન બચે. ન દુઃખી કે ઉદાસ થવાનું કોઈ કારણ બચે. બસ, આ પ્રયોગ જ કરવા જેવો છે. તે ભાગતો શેઠ પન્નાલાલની દુકાન ઉપર આવ્યો. જ્યાં પગથીયું ચડ્યો ત્યાં પન્નાલાલે મંગુને વધાવ્યો અને કહ્યું અરે હરામખોર મુંગડા, પગાર મારો ખાઈ છે અને ગામમાં આંટા મારતો ફરે છે ? મંગુએ કહ્યું નાલાયક, મોટી ફાંદવાળા કંજૂસ વાણીયા. તારો જેટલો પગાર ખાઉ છું તેનાથી ડબલ કામ કરું છું તોય તને સંતોષ નથી ? આટલું બોલ્યા પછી પણ મંગુએ ચંગુની સ્ટાઈલથી દેવાય તેટલી બીજી ગાળો પન્નાલાલ શેઠને ફટકારી દીધી. પન્નાલાલનો ગુસ્સો સાતમાં આસમાને ગયો અને પાસે પડેલી લાકડી લઈને માંડ્યા મંગુને ફટકારવા. નોકરીમાંથી કાઢી મૂક્યો. બિચારો દુઃખી થયેલો મંગુ રડતી હાલતે આવ્યો ચંગુ પાસે. બધી આપવિતી કહી સંભળાવી. ચંગુએ કહ્યું અરે મંગુ, તે મારી જ જેમ ગાળો દીધી ? મારૂ અનુકરણ કર્યું ? અરે મંગુ, તને ખબર નથી કે મારો શેઠ હીરાલાલ તો બહેરો છે તે તો સાંભળતો જ નથી. તેથી જ તો હું તેને મનફાવે તેવી ગાળો દઉ તોય કાંઈ બોલતો નથી. જો તારો શેઠ બહેરો ન હોય તો તારે મારી જેમ ગાળો ન દેવાય. પણ તારે મનમાં ગાળો દેવી જોઈએ. અનુકરણ બધી જ જગ્યાએ ખોટું છે કારણ કે અનુકરણ અંધ છે. પરંતુ કમનસીબી છે કે આંધળા લોકો અનુકરણ જ શોધે છે.

લોકો મથુરા-ગોકુળ અને વૃંદાવનની યાત્રાએ જાય અને ચોબાઓ કહે કે આ એ ગલીઓ છે જ્યાં કૃષ્ણ ગોઠણીયા ચાલતા શીખ્યા હતા. તો લોકો, ૬૦-૬પ વર્ષના પાકેલા બાળકો પણ ગોઠણીયા ચાલવા લાગે છે. નકલખોરો અક્કલના આંધળા જ રહે છે કૃષ્ણને જે કર્યું છે તે ન કરાય તે વાત જો આંધળા અનુકરણ સાથે સંલગ્ન હોય તો કહેવાનું મન થાય કે કૃષ્ણ જ નહીં, પણ રામ, મહાવીર, બુદ્ધ કે જીસસ કોઈએ પણ કર્યું છે તેનું અનુકરણ ન કરાય. પણ તેનો અર્થ ક્યાંક એ ન થઈ જાય કે તેમણે જે કર્યું છે તે કાંઈ ખોટું હતું. તેમણે જે કર્યું છે તે તેમની શક્તિ અને સામર્થ્ય અનુસાર હોવા ઉપરાંત તેમની કરણી પાછળ પણ એક બોધ છુપાયેલો છે.

વળી કૃષ્ણની તો તમામ કરણીઓ બોધ સ્વરૂપ છે. તેનો તત્વ બોધ તો અવશ્ય લેવો જોઈએ. તે જ અમૃત સ્વરૂપ છે. ખરેખર તો તે તત્વ બોધ આપવા જ કૃષ્ણ એ તે ચરિત્ર કર્યું છે. કૃષ્ણના જીવન ચરિત્રને આપણે લીલા તરીકે ઓળખીએ છીએ. લીલા એટલે એક અભિનય. જ્યારે કોઈ અભિનેતા કોઈ પાત્ર ભજવે છે તે પાત્રના કર્મો સાથે તેને કોઈ લેવા-દેવા નથી હોતી. પણ તે પાત્ર ભજવવા પાછળ કોઈ બોધ અવશય છુપાયેલો છે. કૃષ્ણની લીલાઓમાં આવો જ બોધ પદે-પદે છુપાયેલો છે. તેથી જ આપણે વારંવાર કૃષ્ણ ચરિત્રની કથાઓ કરીને તેનું ગાન કરીએ છીએ. આપણા મોટા-મોટા ભક્ત કવિઓએ કૃષ્ણ ચરિત્રનું ગાન કર્યું છે. તે જો ખોટું જ હોત તો તે ગાવાનો કોઈ અર્થ ન હતો. વળી કૃષ્ણના અવતાર ચરિત્રના પાંચ-પાંચ હજાર વર્ષ પછી જો તેવું ખોટું ચરિત્ર જ હોય તો તે ગાવાનો શું અર્થ ? ખોટી પ્રશંસા કદાચ કોઈ મોજુદ હોય અને કરી લેવાય તો તે પણ સમજણમાં આવે. પણ આજે પાંચ હજાર વર્ષ પછી ખોટી પ્રશંસા અને ચરિત્રગાન શા માટે ? પરંતુ આત્મભાવથી જેણે કૃષ્ણ ચરિત્રગાન કર્યું છે તેવા ઋષિઓ અને કવિઓ જાણે છે કે કૃષ્ણના એ ચરિત્રમાં જ જીવનના રહસ્યમય તત્વનો બોધ કરાવી શકે તેવો ખજાનો છુપાયેલો છે. તેવો ખજાનો બુદ્ધ, મહાવીર, જીસસ કે અન્ય કોઈના ચરિત્રમાં નથી. બુદ્ધ, મહાવીર કે જીસસના શબ્દોને જો કોઈ યથાર્થ સમજે તો સમજી શકાય કે મુક્તિ કેમ થઈ શકે. પરંતુ શબ્દોને સમજવા સર્વાધિક કઠીન છે. હજારો વ્યક્તિઓમાં કોઈ એક નીકળી શકે જે શબ્દનું અસલ તાત્પર્ય સમજી શકે. અન્યથા શબ્દોની સીમજણ બહુ અઘરી છે.

બુદ્ધ રોજ સભા ભરતા. શ્રોતાઓ હજારોની સંખ્યામાં બુદ્ધને સાંભળવા એકત્ર થતા. બુદ્ધે તેનું પ્રવચન પુરુ થયા બાદ કહેતા ‘‘અબ સબ, અપને-અપને કામ પે લગો.’’ બુદ્ધના આ વાક્યનો અર્થ તેના સાધકો એવો કરતા કે બુદ્ધ હવે સાધના કાર્યમાં લાગવા કહે છે. ખરેખર બુદ્ધનું તાત્પર્ય પણ એ જ હતું કે સાંભળનારા સૌ તેના પોતાની સાધનામાં લાગે. આ પ્રવચન સાંભળવા એક ચોર પણ આવતો અને તે પણ એમ સમજતો કે બુદ્ધ કહે છે કે હવે મારે મારા કામમાં લાગવું જોઈએ. તે બુદ્ધના અંતિમ વચનોને બુદ્ધના આશીર્વાદ માનીને ચોરી કરવા નીકળતો. જોગાનું જોગ બન્યું પણ એવું કે ચોરને ખુબ ફાયદો થવા લાગ્યો. જ્યાં સામાન્ય ચોરી થતી હતી ત્યાં મોટી-મોટી ચોરી અને કિંમતી માલમત્તા હાથમાં આવવા લાગી. ચોર બુદ્ધના આશીર્વાદથી ખુબ પ્રસન્ન હતો. આશીર્વાદ તેની સમજણ મુજબના. બુદ્ધની સમજણ મુજબના નહીં.

એક દિવસ ચોર પ્રસન્ન થઈને લાખો રૂપિયાનો કિંમતી માલ-સામાન લાવી બુદ્ધના ચરણમાં રાખતા બોલ્યો ‘‘મહાત્મા આ બધું તમારી કૃપાનો જ પ્રસાદ છે.’’ બુદ્ધે કહ્યું ભાઈ, હું તને ઓળખતો પણ નથી અને મને યાદ નથી કે મેં ક્યારેય તારા ઉપર કોઈ કૃપા કરી હોય. ચોરે કહ્યું મહાત્મા શા માટે મજાક કરો છો ? હું રોજ તમને સાંભળું છું અને છેલ્લે જે તમે આશીર્વાદ આપો છો તે આશીર્વાદ લઈને જાઉં છું. બુદ્ધે કહ્યું તું રોજ મને સાંભળે છો તે બરાબર, પણ આશીર્વાદ તું શું લઈને જાય છે ? ચોરે કહ્યું તમે જે કહો છો કે ‘‘અપને-અપને કામ પે લગો’’ બસ આ જ તમારા આશીર્વાદ માનું છું. બુદ્ધે પૂછ્યું સારું, તું શું કામ ઉપર લાગે છો ? ત્યારે ચોરે કહ્યું મહાત્મા હું એક ચોર છું અને મારા ચોરીના કામ ઉપર લાગવા તમારા આશીર્વાદ મેળવીને આજે લાખો કમાઈ રહ્યો છું. બસ, આજે તમને જે કાંઈ અર્પણ કરું છું તે તો તમારી કૃપાનો જ પ્રસાદ છે.

બુદ્ધને પરમ આશ્ચર્ય થયું કે તેના શબ્દોનો કોઈ આવો પણ અર્થ કાઢી શકે ? આ પ્રસંગ પછી બુદ્ધ કહેતા કે બોલવું તે તો એક મજબુરી છે. પરંતુ સમજણની અસલ પરિભાષા તો મૌન છે. બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ પછી અંદાજે ચાલીસ વર્ષ સુધી બોલતા રહ્યા. તેમણે અનેક વિષયો ઉપર અનેક પ્રવચનો આપ્યા. પણ, બુદ્ધને સમજવાળા તો આંગળીના વેઢે ગણાય તેટલા જ નીકળ્યા. બાકીના લોકો બુદ્ધને ચૂકી ગયા. બુદ્ધનો જે તરફ ઈશારો હતો તે પકડવાની બદલે લોકોએ જુદું જ પકડ્યું. બુદ્ધ આકાશમાં પ્રકાશી રહેલો ચંદ્ર બતાવતા હતા. પણ, લોકોએ બુદ્ધની આંગળી જ પકડી લીધી. ચંદ્ર જોવાનું જ ચૂકી ગયા.

બુદ્ધે ઈશ્વર માટે કાંઈ ન કહેવા જે નિર્ણય કર્યો હતો તે તો એટલા માટે હતો કે વાણીની કોઈ સામર્થ્ય તેમણે ન જોઈ કે જે ઈશ્વરને તેના શબ્દોથી વર્ણવી શકે એટલે જ્યારે કોઈ ઈશ્વરની, ભગવત તત્વની વિષે પૂછતું ત્યારે બુદ્ધ ઈશ્વર વિષે વાત કરવાનું ટાળતા અને ધ્યાન વિષે જ વાત કરતા. પરંતુ લોકોએ બુદ્ધની આ વાતને પણ જુદા રૂપે જોઈ અને બુદ્ધને જ નિરીશ્વરવાદી માની લીધા. બુદ્ધે લોકોની સાથે તે જ કર્યું જે બુદ્ધ કરી શકતા હતા. પણ, લોકોએ બુદ્ધની સાથે તે જ કર્યું જે લોકો કરી શકતા હતા.

જે બુદ્ધ ઈશ્વર સંબંધી વાણીનો પણ ઉપયોગ કરવા માગતા ન હતા અને જે ભગવત તત્વને મન, બુદ્ધિ અને વાણીથી પર પરમ સત્યરૂપ ગણાવતા હતા તે બુદ્ધની જ લોકોએ એટલી પ્રતિમાઓ બનાવી કે આજ દીન સુધી આટલી પ્રતિમાઓ કોઈની બની નથી. માનો, લોકો કહે છે કે અમે બુદ્ધ પુરૂષોને ફક્ત પથ્થરોમાં જોઈ શકીએ છીએ, અમે તેને પથ્થરના રૂપમાં પૂજી શકીએ છીએ, અને તે પણ અમારા પોતાના સ્વાર્થના હેતુ માટે જ. સામાન્ય લોકો બુદ્ધ પુરૂષોને પથ્થરના રૂપોમાં કંડારી શકે છે, તે પથ્થરોની પૂજા કરી શકે છે, તે પથ્થરના રૂપમાં તેના દર્શન કરી શકે છે. આરતીઓ ઉતારી શકે છે. પથ્થરોને ભોગ લગાડી શકે છે.

જો બટેટા કે પપૈયામાં ગણેશ જેવી આકૃતિ દેખાઈ જાય તો લોકો તેની પૂજા શરૂ કરી દે છે. કૃષ્ણએ તો અર્જુનને કહ્યું અર્જુન તું તારી સામેુદ્ધમાં ઉભેલા દરેકમાં આત્માનું દર્શન કર અને પછી તારા ગાંડીવથી યુદ્ધમાં ઉભેલા તારા શત્રુઓના માથા કાપી નાખ. કૃષ્ણએ એમ ન કહ્યું કે હે અર્જુન તું યુદ્ધમાં ઉભેલા દરેકમાં આત્માનું દર્શન કરી અને પૂજાનો થાળ લઈ અને આ દરેકની આરતી ઉતાર.

બહુ સમજવા જેવી વાત છે. આપણે જ્યાં આત્મા કે પરમાત્માનું નામ સાંભળીએ છીએ ત્યાં માથું ઝુકાવીએ છીએ અને પૂજા-પાઠ અને આરતીઓ ઉતારીએ છીએ. જેની બદલે કૃષ્ણ દરેકમાં આત્માનું દર્શન કરવાનું કહીને પણ યુદ્ધ લડવા કહે છે. નિશ્ચિતપણે કૃષ્ણ આત્મા શબ્દથી જે કોઈ શક્તિનું દર્શન કરે છે અને આપણે આત્મા શબ્દથી જે કોઈ શક્તિનું દર્શન કરીએ છીએ તેમાં તફાવત છે. બહુ મોટો તફાવત છે. કૃષ્ણ વેદપાઠી બ્રાહ્મણ, ગાય, હાથી, કુતરો અને ચાંડાલમાં પણ અર્જુનને આત્માનું દર્શન કરવા કહે છે. પરંતુ સર્વત્ર આત્માનું દર્શન કરવા કહીને પણ કૃષ્ણ અર્જુનને ક્યાંય માથું ઝુકાવવા કે પૂજા અને આરતીઓ કરવા નથી કહેતા કારણ કે કૃષ્ણ આત્માનું જે સ્વરૂપ જાણે છે તેમાં કર્મ તેનો સ્પર્શ પણ કરી શકતા નથી તેવું સ્વરૂપ છે અને આપણે કર્મથી પાર કંઈ જોઈ શકતા નથી.

શબ્દો અને તેના અર્થો પ્રતયેક વ્યક્તિમાં ભિન્ન છે. તેથી આપણે ત્યાં કહેવાય છે કે ભગવત ગીતાનું જે મહાત્મય કૃષ્ણ જાણે છે તેવું મહાત્મય બીજો કોઈ જાણી શકે તેમ નથી કારણ ? કારણ કે કૃષ્ણ ગીતાના શબ્દોને જે રીતે તેના સાચા અર્થમાં જાણે છે તેવા અર્થમાં બીજો કોઈ ભાગ્યે જ જાણી શકે તેમ છે. શબ્દો તો તેના તે જ છે. પણ શબ્દોની ઓળખ દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે અલગ-અલગ જાણે છે. આત્મા, ભગવાન, ઈશ્વર જેવા શબ્દો વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ પણ તેનો અર્થ વાસ્તવિક રીતે આપણી સમજણમાં હોઈ તે જરૂરી નથી. શબ્દનો અર્થ આપણે આપણી સમજણ મુજબ કાઢીએ છીએ. તેથી જ્યારે આપણી સમક્ષ આત્મા, ઈશ્વર, ભગવાન જેવા શબ્દો આવે છે ત્યારે ચીલા-ચાલુ ટેવો મુજબ આપણે માથા ઝુકાવી લઈએ છીએ, ઘસાઈ ગયેલી રેકર્ડની વર્ષો જુની આરતીઓ બોલીને યંત્રવત્‌ પૂજા-અર્ચનાઓ કરી લઈએ છીએ. પણ તેના વાસ્તવિક અર્થને ઓળખાની કોશિશ કરતા નથી.

એક પોલીસ ટ્રેઈનીંગ કેમ્પમાં આવેલા કુવામાં રાતના સમયે કોઈ પડી ગયું. તે બચાવો-બચાવોના અવાજ કરતું હતું. એક પોલીસવાળાએ અવાજ સાંભળીને દોરડું તે અંધારા કુવામાં ફેંક્યું અને કહ્યું, ભાઈ આ પકડીને ચડી જા. અંદર પડેલા માણસે દોરડું પકડ્યું અને ઉપર પહોંચવાની તૈયારી હતી કે તેના ઉપર આવતા-આવતા પ્રકાશમાં તેનું મુખ દેખાયું. પોલીસવાળો તેનું મોઢું જોઈ ઓળખી ગયો. અરે, આ તો ખુદ એસ.પી. સાહેબ એમ આશ્ચર્યભાવ સાથે બોલતા જ તેણે પોતાના એસ.પી.સાહેબને સેલ્યુટ મારી. સેલ્યુટ મારતા દોરડું હાથમાંથી છુટી ગયું અને બિચારા એસ.પી.સાહેબ ધબાંગ દઈને પાછા અંદર. લોકો ભગવાનને પણ આવી જ સેલ્યુટો મારે છે. જેથી ભગવાન પણ પાછા ધબાંગ દઈને અંદર.

જે વ્યક્તિ જેવી સમજણ વાળો છે તે શબ્દનો તેની સમજણ મુજબ અર્થ કરી લેશે. આપણે રોજબરોજ જે વસ્તુઓને જોઈને શબ્દાર્થ સમજીએ છીએ તે શબ્દાર્થોથી આપણે પરિચિત થઈ ગયા છીએ તેથી સામાન્યતઃ ભિન્ન અર્થ નથી નીકળતો કારણ કે આપણે એકભાષી છીએ. વળી ભાષાગત જે શબ્દના પ્રયોગ થઈ રહ્યા છે તે વસ્તુ-વિષય ઉપરના હોય છે. અને તે વસ્તુ વિષયો આપણા પરિચિત હોય છે. પણ, જ્યારે કોઈ અપરિચિત વસ્તુ કે વિષય સંદર્ભે વાત કરવાની આવે ત્યારે તેને કેમ સમજાવવી ? તે મુશ્કેલી ભર્યો પ્રશ્ન રહે છે. પદાર્થ, વસ્તુ અને વિષયની વાત તો તોયે સહેલી છે, પણ અધ્યાત્મિતાઓની વાત ખુબ જ કઠીન છે કારણ કે જેની ઓળખ આપવી છે તે ન કોઈ વસ્તુ છે ન કોઈ વિષય. વિષય અને વસ્તુની પાર થઈને શબ્દોમાં સમજણ આપવી કઠીન પણ છે અને ખતરનાક પણ. જો કહેવાથી બીજાને સમજણ પડે તો તે ઠીક છે, પણ સમજણ ન પડે તો શ્રમ વ્યર્થ છે. તેથી પણ ખરાબ જો સમજણ પડે અને ઉલ્ટી સમજણ પડે તો તે વધુ ખરાબ છે.

એક સમુદ્રના કિનારાથી થોડે દૂર એક કુવો હતો. એક દિવસ સમુદ્રની ભરતીમાં સમુદ્રનો એક મગરમચ્છ ભરતીના પાણી સાથે તણાઈને કુવામાં જઈ પડ્યો. ભરતીનું પાણી જતા રહ્યા પછી તે કુવામાં ભરાઈ પડ્યો. તે કુવામાં એક દેડકો રહેતો હતો. જેણે કોઈ દિવસ સમુદ્ર જોયો નહોતો. તેનો જન્મ જ કુવામાં થયો હતો. તેનો જ નહીં પણ તેના બાપા, દાદા અને પરદાદાનો જન્મ પણ કુવામાં થયો હતો અને તેમની અંતિમ સમાધી પણ તે કુવો જ હતો. જેથી સમુદ્ર સંબંધી તેને કાંઈ ખબર ન હતી. સમુદ્રના વિશાળ જીવો સંબંધી પણ તે સદંતર અજાણ હતો. મોટા મગરમચ્છને જોઈને દેડકાએ પૂછ્યું - ભાઈ, તમારું કદ બહું મોટું છે. આ કુવામાં તો તમે માંડ-માંડ સમાઈ રહ્યા છો. તો શું તમે કોઈ બીજા મોટા કુવામાંથી આવ્યા છો ? મગરમચ્છે કહ્યું ભાઈ દેડકા હું કુવામાંથી નહીં, સમુદ્રમાંથી આવું છું. દેડકાએ કહ્યું - સમુદ્ર ? સમુદ્ર એટલે વળી શું ? શું તે કોઈ બહું મોટો કુવો છે ? મગરમચ્છે કહ્યું ભાઈ દેડકા સમુદ્ર કોઈ કુવો નથી, પણ સમુદ્ર તો મહાવિશાળ છે. તેની સીમાઓનો અંત અમે નથી જોયો.

દેડકાએ પૂછ્યું મહાવિશાળ ? સીમાઓ વગરનો ? શું તેની સીમા અસીમ છે ? મગરમચ્છ મુંઝાઈ ગયો કે આ દેડકાને કેમ સમજાવવો ? એવામાં દેડકાએ મગરમચ્છને કહ્યું - ભાઈ મગરમચ્છ, મને સમજણ પડી ગઈ કે સમુદ્ર કેટલો મોટો છે. મગરમચ્છને કાંઈક શાંતિ થઈ. તેવામાં દેડકો પાછો બોલ્યો. જો ભાઈ હું તને બતાવું કે સમુદ્ર કેટલો મોટો હોય શકે. તેમ કહીને દેડકાએ કુવામાં મોટી છલાંગ લગાવી અને કુવાના એક ખુણાથી બીજા ખુણે પહોંચ્યો. તેણે મગરમચ્છને કહ્યું બરાબરને. ભાઈ. મગરમચ્છ તો કુવામાં જ જળ સમાધી લઈ લેવાનું વિચારતો હતો કે બસ, સમુદ્રની ભરતીનું એક મોટું મોજુ આવ્યું અને તે મોજા ઉપર બેસી મગરમચ્છ સમુદ્રની અનંતસીમાઓમાં પાછો પહોંચી ગયો.

કબીર કહે છે ‘‘ગુંગે કેરી શર્કરા’’ શંકર કહે છે ‘‘શબ્દ જાલમ મહારણ્યમ ચિત ભ્રમણ કારણમ’’ શબ્દ જાલમ મહારણ્યમ ચિત ભ્રમણ કારણમ. આજ કારણથી કૃષ્ણએ શબ્દનો ઓછો ઉપયોગ કર્યો છે. કૃષ્ણએ તેના જીવનમાં ફક્ત બે વ્યક્તિઓને જ ઉપદેશ કર્યો. એક અર્જુન અને એક ઉદ્ધવ. ઉદ્ધવની આધ્યાત્મિક સમજણ વિશાળ હતી. તેથી ઉદ્ધવ સાથેના કૃષ્ણના અધ્યાત્મિક વાર્તાલાપ થયા. જે શ્રીમદ્‌ ભાગવતમાં ઉદ્ધવ ગીતાના નામે પ્રચલિત છે. પણ, આ સંવાદોએ લોકોને એટલા પ્રભાવિત ન કર્યા જેટલા પ્રભાવિત અર્જુનને ઉપદેશ કરતી ભગવત ગીતાએ કર્યા.

અર્જુનને જે ઉપદેશ આપ્યો તે સ્થળ ઉપદેશ માટે કોઈપણ રીતે યોગ્ય ન હતું. એક યુદ્ધક્ષેત્રને ઉપદેશ માટેનું યોગ્ય સ્થળ કેમ કહી શકાય ? પરંતુ મજબુરંત કૃષ્ણને આવા સ્થળે જ ઉપદેશ કરવો પડ્યો. કૃષ્ણ અર્જુનની સાથે વર્ષો રહ્યા. આ લાંબા કાળમાં અર્જુન પાસે ઘણા મોકા હતા કે તેણે ધાર્યું હોત તો કૃષ્ણનું જ્ઞાન મેળવી શકેત. પરંતુ કૃષ્ણની વાતોનો ઉપહાસ કરવા સિવાય અર્જુન કાંઈ કરી શક્યો નહતો. જ્યારે બ્રહ્મચર્ય અંગે કોઈ વાત નીકળતી તો કૃષ્ણની હાંસી ઉડાડતો અર્જુન કહેતો કે હા, ભાઈ તમે તો મોટા બ્રહ્મચારી છો. તેથી જ તો તમે સોળ હજારને આઠ રાણીઓ સાથે બ્રહ્મચર્યમય જીવન ગુજારી રહ્યા છો. કોઈ શૂરવીરતાની વાત નીકળે ત્યારે કહેતો કે કૃષ્ણ તમે તો મોટા શુરવીર છો અને તેથી જ મથુરા મુકીને દ્વારિકા ગયા છો. ભોજનની વાત નીકળે ત્યારે કહે તો તમે તો સદાના ઉપવાસી છો અને તેથી જ ઘેર-ઘેર માખણ ચોરી કરીને ઉપવાસ કરતા આવ્યા છો.

અર્જુનની કૃષ્ણ પ્રત્યેની આવી દૃષ્ટિમાં જીવન પર્યંત સાથે રહેવા છતાં કૃષ્ણને અર્જુન પ્રત્યે જ્ઞાનોપદેશ કરવાનો કોઈ મોકો ન હતો. કૃષ્ણની વાતોને ટીકાપાત્ર અભિપ્રાય સાથે અર્જુન કાપી નાખતો હતો. આ હકીકતનો અર્જુને તેના સ્વમુખે સ્વિકાર કર્યો છે. કૃષ્ણને મિત્ર અને સાળાના રૂપમાં જોઈ-જોઈને અવાર-નવાર તેની મશ્કરીઓ કરી હતી કે જે કૃષ્ણ પાસે ગીતાના દસ અધ્યાયોનું ગાન સાંભળ્યા પછી જ્યારે કૃષ્ણમાં વિશ્વરૂપનું દર્શન કર્યું ત્યારે અર્જુને કહ્યું :-

‘‘સખેતિ મત્વા પ્રસભમ યદુકતમ હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ,

અજાનતા મહિમાનમ ત્વદેવમ મયા પ્રમાદાત પ્રણયેનવાપિ.

યચ્ચાવહાસાર્થમ અસતકૃતોષિ, વિહાર શચ્યાશનભોજનેસુ

એકો અથવા અચ્યુત તત્સમક્ષ્યે, તતક્ષામ્યે ત્વામ્હંપ્રણમ્યે.’’

(ગી.અ.૧૧-૪૧, ૪ર)

અનેકો વખત સાથે રહેવા છતાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે શબ્દબોધ થઈ શકે તેવો સંજોગ સર્જાઈ શક્યો નહતો. શબ્દમાં પણ બોધ છે. પરંતુ શબ્દબોધને જીલવાની પાત્રતા ન ઉભી થાય ત્યાં સુધી શબ્દનો બોધ અસર કરતો નથી. શબ્દોની અને ભાષાની મર્યાદાઓમાં બોધ અટવાય છે. તેથી જ કૃષ્ણએ શબ્દબોધ કરતા ચરિત્ર બોધને વધુ મહત્વ આપ્યું છે. શબ્દ બોધ આપનારા શાસ્ત્રો પણ કહે છે, કૃષ્ણના જીવન ચરિત્રનું ગાન માત્ર કરો તો પણ મુક્ત થઈ જવાય.

પરંતુ કૃષ્ણ ચરિત્ર સમજવું સહેલું નથી. સહેલું એટલા માટે નથી કે આપણે શિર્ષાસન કરીને બેઠા છીએ. આપણે સત્યથી વિપરીત બેઠા છીએ એટલે સત્ય જ વિપરીત લાગે છે. ‘‘મુકુર મલીન અરુ નયન બિહીના, રામ રુપ દેખહીં કીમિ દીના’’ એક તો અરીસો મેલો હોય અને તેમાંય કોઈ આંખો વગરનો આંધળો હોય તેને પોતાનું રૂપ અરીસામાં કેમ દેખાય ? સત્યને ઓળખવા માટે આંખો જોઈએ. સત્યનું જ્યાં પ્રતિબિંબ પડી રહ્યું છે તે અરીસો પણ સાફ જોઈએ. તો જ સત્ય દેખાઈ શકે. સત્ય પોતે અસત્યો પાછળ છુપાઈ નથી ગયું, પણ અસત્યોએ સત્યને છુપાવી દીધું છે કારણ કે સત્ય પ્રગટ થાય તો અસત્ય ટકી ન શકે. અસત્ય કમજોર છે એટલે અસત્ય જ ઈચ્છે છે કે સત્ય ન દેખાઈ.

મનુષ્ય બુદ્ધિ પદાર્થ વિજ્ઞાનને સમજવા સક્ષમ છે, પણ અપદાર્થ વિજ્ઞાનને સમજવા સક્ષમ નથી. જ્યારે પદાર્થના વિજ્ઞાનને સમજતા-સમજતા વિજ્ઞાન અપદાર્થીય તત્વોમાં પ્રવેશ કરવા લાગે છે ત્યારે વિજ્ઞાન પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જે વિજ્ઞાનિકો એ દુનિયાને અજાયબ શોધો આપી છે, જેની શોધનાં આધારે આજનું વિજ્ઞાન હાઈ ટેકનોલોજીના શીખરે ઉભું છે, તે વિજ્ઞાનીઓએ જ્યારે પ્રથમ વખત પદાર્થગત બુદ્ધિથી વિરોધી વાત કરી હતી ત્યારે લોકોએ તેમની વાતનો વિરોધ પણ કર્યો હતો અને તેની મજાક પણ બનાવી હતી.

ગઈ સદીના મહાન વિજ્ઞાની અલ્બર્ટ આઈન્સટાઈને ૧૯૦પમાં જ્યારે તે સ્વીત્ઝર્લેન્ડના એક શહેરમાં નોકરી કરતો હતો તેવા સમયે અગાઉના વિજ્ઞાનની થિયરીને ચેલેન્ઝ કરતો ‘‘સાપેક્ષ વાદ’’ (ધી થિયરી ઓફ રિલેટીવિટી)નો સિદ્ધાંત આપ્યો. આઈન્સાઈને કહ્યું કે આ દુનિયામાં કાંઈ પણ નિરપેક્ષ નથી. બધું જ સાપેાક્ષ છે. અર્થાત્‌ કે કોઈ વસ્તુ ઠોસ નથી. કોઈપણ વસ્તુ પૂર્ણ સત્ય નથી. જેમ ભારતીય તત્વ ચિંતન કહે છે. ‘ઈદમિથ્મ કહી જાય ન સોઈ’ (રામાયણ) અર્થાત્‌ કોઈ વસ્તુ આમ જ છે તેમ કહી શકાય તેમ નથી. પાણી એ પાણી નથી પણ હાઈડ્રોજન અને ઓક્સીઝનના પરમાણુનો જોડ છે. હાઈડ્રોજન અને ઓક્સીઝનના પરમાણુઓ પણ મૂળભૂત રીતે તેના નાભિ કેન્દ્ર આસપાસ ભમી રહેલા ઈલેકટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનાં આધારે જ અલગ ઓળખ મેળવે છે. તમામ પદાર્થો આણ્વીક રીતે એક જ છે. જો પદાર્થો તેની આણ્વીક્તામાં એક જ હોય તો તેની ભિન્નતા સત્ય કઈ રીતે કહી શકાય ? જો તથ્યગત વસ્તુ એક જ હોય તો તેની ભિન્નતાઓ નિરપેક્ષ નથી, પણ સાપેક્ષ છે.

જ્યારે આપણે કહીએ છીએ કે એક વ્યક્તિ સુંદર છે ત્યારે તે દુનિયાની આખરી સુંદરતા છે તેમ નથી. ઐશ્વર્યા રાય વિશ્વ સુંદરી બની તેનો અર્થ એ ન થઈ શકે તે તેના પછી કોઈ સુંદર નથી. અથવા તો તે સમયે તે એક જ માત્ર દુનિયાની સર્વશ્રેષ્ઠ સુંદરી હતી. તે વિશ્વસુંદરી બની ત્યારે વિશ્વસુંદરી બનવાની સ્પર્ધામાં ભાગ લેતી અન્ય સુંદરીઓ કરતા તે વધુ સુંદર હતી. અન્ય સુંદરીઓની અપેક્ષાએ તે અધિક સુંદર હતી. તેટલો જ માત્ર અર્થ થઈ શકે. તે સમયે પણ બીજી વિશ્વની હજારો સુંદરીઓ હતી કે જેણે વિશ્વસુંદરી સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. તે સુંદરીઓની તુલનામાં કદાચ ઐશ્વર્યા રાય તેનાથી વધુ સુંદર નહતી. વળી ઐશ્વર્યા રાયને વિશ્વસુંદરી જાહેર કરી તે સમયે જ્યુરીના અમુક જજો એવા પણ હતા કે જેમના મતે સ્પર્ધામાં ભાગ લેનારી બીજી સુંદરીઓ અધિક સુંદર હતી. ઐશ્વર્યાને વિશ્વ સુંદરી જાહેર કરવાનો નિર્ણય અમુકની દૃષ્ટિએ સાચો હતો તો અમુકની દૃષ્ટિએ ખોટો પણ હતો. તો તેવા નિર્ણયને પૂર્ણ સત્ય કેમ કહી શકાય ? તેનો અર્થ એમ થાય કે ઐશ્વર્યાનું સૌંદર્ય નિરપેક્ષ નહીં, પણ સાપેક્ષ છે.

વળી અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રકારના સૌંદર્યને સ્વિકારે છે. ચીનમાં ચીબું નાક અને ટૂંકા પગના પંજાઓ સુંદરતા છે પણ ભારતમાં તેમ નથી. આફ્રિકાના હબસીઓમાં મોટા હોઠ સૌંદર્ય ગણાય છે પણ ફ્રાન્સમાં પાતળા હોઠને સૌંદર્ય માનવામાં આવે છે. અમુક દેશો છે જેમાં લાંબી ગરદનો સૌંદર્ય મનાઈ છે, પણ ભારતવાસીઓને વધુ પડતી લાંબી ગરદનો સુંદર લાગતી નથી. આ રીતે સૌંદર્ય કોઈ ચોક્કસ સૌંદર્ય નથી. કોઈ ઠોસ વસ્તું નથી. તે જ પ્રકારે દુનિયાની તમામ વસ્તુઓ અને તમામ ગતિઓ નિરપેક્ષ નહીં પણ સાપેક્ષ તેમ જણાવતા માત્ર ર૬ વર્ષના અલ્બર્ટ આઈન્સટાઈનને સીધો સ્વિકાર કરવો મુશ્કેલ હતો. પણ તેની વાતને ટાળી શકવાનો કોઈ પાસે રસ્તો પણ નહતો.

જો કે અલ્બર્ટ આઈન્સટાઈને જે વાત કરી તે વાત ભારતના તત્વદર્શીઓએ હજારો વર્ષ પૂર્વે કહી દીધી હતી. ‘‘સર્વમ્‌ ખલમદિંજગત, બ્રહ્મંસત્યં જગન્મિથ્યા’’ના સિદ્ધાંતો સ્પષ્ટ બતાવતા હતા કે સમગ્ર જગતમાં બ્રહ્મ તત્વ સિવાયના બાકીના બધા ખ્યાલોનો છેદ ઉડી જઈ શકે છે.

ભારતીયો દર્શનમાં ઈશ્વરને કાળ, કર્મ અને સ્વભાવથી પર માનવામાં આવ્યા છે. તે જ વાત આઈન્સ્ટાઈને કરી. વિજ્ઞાન આઈન્સ્ટાઈન પહેલા સમયને નિરપેક્ષ અને ઠોસ વસ્તુ માનતું હતું. સમય એક વાસ્તવિક હતી છે તેવો ખ્યાલ હતો. આપણે લોકો કહેતા રહ્યા છીએ કે સુખની પળો ટૂંકી હોય છે. અને દુઃખની લાંબી દુઃખની પળો વિતતા ઘણો લાંબો સમય લાગે છે અને સુખની પળો ઝડપથી પસાર થઈ જાય છે. તેમ છતાં આ સમયને ઘડીયાળના કાંટા ઉપર માપતા તેમાં કોઈ ફેરફાર જણાતો નથી. સુખમાં જે રીતે ઘડીયાળ એક કલાક વિતાવે છે તે જ રીતે દુઃખમાં પણ વિતાવે છે. ઘડીયાળ કોઈ સુખ કે દુઃખ અનુભવતી નથી. એક કલાકનો સમય ગાળો જેટલો દિલ્હીમાં લાંબો હોય છે તેટલો જ ન્યૂયોર્કમાં છે અને જેટલો મુંબઈમાં છે તેટલો જ અમદાવાદમાં પણ છે. આ રીતે સમય એક વાસ્તવિક અને નક્કર હકીકત છે તેવું આપણું આઈન્સ્ટાઈન પહેલાનું વિજ્ઞાન માનતું હતું. પણ આઈન્સ્ટાઈને સમય પણ સાપેક્ષ છે તેમ જણાવ્યું.

આઈન્સ્ટાઈનના કહેવા મુજબ સમય એ કોઈ બનાવના સંદર્ભમાં ઘટતી વસ્તુ છે. જો કોઈ બનાવ ન હોય તો સમય અસ્તિત્વ ધરાવી શકે નહીં. પૃથ્વી પોતાની ઘરી ઉપર જે ભ્રમણ કરે છે તેનાથી દિવસ અને સૂર્યની આસપાસ જે ભ્રમણ કરે છે તેનાથી વર્ષ બને છે. વિશ્વના દરેક ગ્રહો પોત-પોતાના ક્ષેત્રમાં ભ્રમણ કરી રહ્યા છે. આપણા મંદાકીની વિશ્વમાં અમુક તારાઓ (સ્ટાર) એવા પણ છે કે જેના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા ૧૦૦ પ્રકાશ વર્ષ લાગે. માનો કે કોઈ વિજ્ઞાની તેના ટેલીસ્કોપની મદદથી ૧૦૦ પ્રકાશ વર્ષ દૂર રહેલા તારાને આજે જોવે તો એમ ન કહી શકાય કે તે વિજ્ઞાનીએ આજે તે તારાને જોયો છે કારણ કે વિજ્ઞાનિકના ટેલીસ્કોપમાં ૧૦૦ પ્રકાશ વર્ષ દૂર રહેલા તારાનો પ્રકાશ જે આજે પહોંચ્યો છે તે ખરેખર આજનો નથી પણ ૧૦૦ પ્રકાશ વર્ષ પહેલાનો છે. માત્ર તેના ટેલીસ્કોપમાં જોવાની ઘટના જ આજના સંદર્ભમાં બની છે. વસ્તુતઃ તે બનાવ ૧૦૦ પ્રકાશ વર્ષ એટલે કે લાખો વર્ષ પૂર્વનો છે. આ રીતે લાખો વર્ષ પૂર્વની ઘટના આજના સંદર્ભમાં નિહાળવામાં આવતી હોય તો તે ‘‘આજ’’નો શું અર્થ ? ૧૦૦ પ્રકાશ વર્ષ પૂર્વ દેખાયેલો તારો તો લાખો વર્ષ અગાઉ ત્યાંથી ખસી ચૂકેલો છે છતાં તે આપણને આજના સંદર્ભમાં દેખાઈ છે. જો આવી જ આપણી આજ હોય તો આપણી આજ, કાલ અને ભવિષ્ય નિરપેક્ષ નથી પણ સાપેક્ષ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સમય પણ માયાની ઘટના છે વાસ્તવિક નથી.

શ્રીમદ્‌ ભાગવતમાં કથા છે કે માર્કડેય ઋષિને ભગવાનની માયાનું દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેણે ભગવાન પાસે માયાના દર્શન કરાવવા પ્રાર્થના કરી. ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી તે સાંજે ઋષિ પોતાના આશ્રમમાં બેઠા હતા તે સમયે જોરદાર વરસાદ વરસવા લાગ્યો. વરસાદ એટલો ભયંકર હતો કે તે વરસાદે તે પૃથ્વી ઉપર પ્રલય સર્જી દીધો. સમગ્ર પૃથ્વી જળમાં ડૂબી ગઈ. પ્રલયના ઉછળતા તરંગોમાં માર્કડેય દિવસોના દિવસો ભમતા રહ્યા. અંતે તે પ્રલયકાળમાં તેને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો. માર્કડેય જોયું તો એક બાળક પીપળાના પાન ઉપર નિશ્ચિંત સુતો છે અને પોતાના પગનો અંગુઠો મોઢામાં સૂચી રહ્યો છે. ‘‘વટસ્યપત્રસ્ય પૂટેશયાનમ્‌ બાલમમુકંદમ’’ તે જોયને માર્કડેયને બહુ આશ્ચર્ય થયું. આશ્ચર્ય સાથે બાળકના દર્શન કરી રહ્યા હતા કે તેવામાં તે બાળકે લીધેલા શ્વાસની સાથે તે બાળકના ઉદરમાં જતા રહ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો આશ્રમના વિદ્યાર્થીઓ સાંજની સંધ્યાની તૈયારી કરી રહ્યા છે અને સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ રહી છે. માનો કે માર્કડેય જે જોયું તે માત્ર બે ક્ષણોનો જ ખેલ હતો. આ કથાથી ઋષિઓએ સમયની સાપેક્ષતા જ વર્ણવી છે. સમય પણ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી.

આઈન્સ્ટાઈનના કહેવા મુજબ સમયની સાપેક્ષતા તેના આજ, કાલ, અત્યાર અને હવે પછીા સંદર્ભને પૂર્ણ સત્ય નથી માનતી. જો કોઈ સો વર્ષ પૂર્વની પરગ્રહ ઉપર ઘટેલી ઘટનાને આજના રૂપમાં જોવે તો તેવી આજનો શું અર્થ ? વળી આજની આપણી ઘટનાને સો વર્ષ પછી ફરી આજના રૂપમાં કોઈ પરગ્રહવાસી જુવે તો તે આજનો અને કાલનો વાસ્તવિક અર્થ શું રહે ? અર્થાત્‌ આજ, કાલ, અત્યાર અને પછી એ વાસ્તવિક નહીં પણ, ભ્રામક ઘટનાઓ છે. આઈન્સ્ટાઈનના આવા કહેવા ઉપર મજાક પણ થયેલી. લંડનના એક દૈનિક ન્યુઝ પેપરમાં મજાક કરતા કોઈ લેખકે લખેલું કે જો આઈન્સ્ટાઈનનું માનવામાં આવે તો આજે ખોવાઈ ગયેલી કોઈ વ્યક્તિ ગઈકાલે મળી આવે તેમ માનવું પડે તેમ છે. અખબારની મજાકના શબ્દો હતા કે :-

There was a girl, named miss bright

She could travel much faster than light

Once she departed in ancient way

But she came back on previous night

ઘણા લોકો ભગવત ગીતાના ઉત્પતિ સમય અંગે શંકા કરે છે. લોકિક દૃષ્ટિએ તેમની શંકા વ્યાજબી છે. પણ વિજ્ઞાનની અલૌકિક દૃષ્ટિએ જોતા તે શંકામાં કોઈ તથ્ય રહેતું નથી. શંકા એ છે કે જે ભગવત ગીતાનો પાઠ કરતા પણ જો ત્રણ કલાક લાગતા હોય તો યુદ્ધના મેદાન ઉપર પોત-પોતાના શંખ ફૂંકીને યુદ્ધ લડવા તૈયાર થઈ ગયેલી સેનાઓ શું ત્રણ કલાક કે તેથી વધારે સમય માટે રાહ જોતી ઉભી રહી ગઈ કે થોભો ભાઈઓ, અત્યારે ભગવાનશ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાનોપદેશ કરી રહ્યા છે !

કદાચ પાંડવ સેના તો રાહ જોઈ શકે. પણ, દુર્યોધનની કૌરવસેના માટે આવી રાહ જોવી પણ શક્ય નહતી. જે દુર્યોધન અને તેની જેવા બીજા લાખો યોદ્ધાઓ કૃષ્ણને પોતાના વિરોધી અને દુશ્મન માને છે તે કૃષ્ણ-અર્જુન સંવાદ માટે પોતાનો સમય વ્યતિત કરે તે પણ માની શકાય નહીં. વળી, કૃષ્ણ અર્જુન સંવાદમાં સર્જાયેલી ગીતા કુરૂક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કૃષ્ણ-અર્જુન સિવાય અન્ય કોઈએ સાંભળી ન હતી કારણ કે તેમને સંભળાવવા લાઉડ સ્પીકરની કે માઈક્રોફોનની પણ કોઈ વ્યવસ્થા ન હતી. જેથી શક કરનારાઓ મહાભારતના યુદ્ધ મેદાનમાં ગીતાની ઉત્પતિ વિષે શક કરે છે. પરંતુ સમયની સાપેક્ષતાનો તેમને કોઈ ખ્યાલ નથી. કૃષ્ણએ અર્જુનને ગીતા સમજાવવા જે સમય લીધો હતો તે અર્જુન માટે વિસ્તૃત હતો પણ, યુદ્ધ મેદાનમાં ઉભેલા યોદ્ધાઓ માટે તો માત્ર બે ક્ષણનો જ હતો. જેથી કૃષ્ણ-અર્જુન વચ્ચે કોઈ અધ્યાત્મિક સંવાદ થયો છે તેવો ખ્યાલ દિવ્ય દૃષ્ટિવાળા સંજય સિવાય યુદ્ધ મેદાનમાં અન્ય કોઈને ન હતો.

કૃષ્ણ કહે છે ‘‘કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવદ્ધો’’ અર્થાત્‌ હું કાળ છું. તે સાથે કૃષ્ણ કહે છે હું કાલાતિત પણ છું. કાળ દરેકનો સ્પર્શ કરે છે પણ મારો સ્પર્શ કરતો નથી. તેનો અર્થ એ થાય કે કૃષ્ણ કાળ છે પણ અને નથી પણ. કૃષ્ણ કહે છે ‘‘સદસચ્ચાહમ અર્જુન’’ અર્થાત્‌ હું સત્ય પણ છું અને અસત્ય પણ હું જ છું.

આપણી બુદ્ધિ એ હકીકત તો માની શકે છે કે જે સત્ય છે તે અસત્ય નથી અને જે અસત્ય છે તે સત્ય નથી. પરંતુ જ્યારે આપણે સત્ય-અસત્યની વાત કરીએ છીએ ત્યારે તેવી વાત કોઈ વિષય કે વસ્તુને લગતી (સબ્જેક્ટીવ કે ઓબ્જેક્ટીવા જ હોય છે. જે કોઈ વિષય અને વસ્તુથી પર હોય તેવી વાતને સત્ય કે અસત્ય લાગુ પડતું નથી. અથવા તો તેમ કહી શકાય કે વિષય અને વસ્તુથી જે પર છે તે સત્ય-અસત્યથી પર છે. જો ઈશ્વર વિષય-વસ્તુથી પર હોય તો તેને સત્ય-અસત્ય લાગુ પડી શકે નહી. પણ, કૃષ્ણની વાત તેનાથીએ આગળ છે. જો ઈશ્વર વિષય કે વસ્તુ નથી, તો તે સત્ય કે અસત્ય નથી. પછી આ વિષય અને વસ્તુઓ આવ્યા ક્યાંથી ? તેનું મૂળ ઉદ્‌ગમ ક્યું ? કૃષ્ણના મતે વિષય અને વસ્તુનું મૂળ ઉદ્‌ગમ સ્થાન ઈશ્વર છે તેથી જ તે અર્થમાં ઈશ્વર સત્ય પણ છે અને અસત્ય પણ. બીજા શબ્દોમાં કહીએ તો જમાં સત્ય અને અસત્ય બંને એકી સાથે સમાય શકે છે તે મહાશક્તિનું નામ જ ઈશ્વર છે તે જ કૃષ્ણ છે.

***