Uday - 2 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ 2

Featured Books
Categories
Share

ઉદય ભાગ 2

નટુ એ પુછ્યુ " કેટલા વરસ થેઇ ગિયા આ વાતને ?" રામલો બોલ્યો 70-75 વરસ થઇ જ્યો આ વાતન અમાર મફાકાકાના જનમ પેલોની વાત સ . તાણથી આ જગ્યા અવાવરુ પડી તી . ખેતર જોણ વોઝીયું થઇ જ્યુ હોય ઇમ કોય નતુ ઉગતુ પાછલા બે વરસથીય ઘાસનુ તણખલુય ઉગ્યુ નહિ .કાકા કેક આ વરસે બોર મારીન જોઇયે નઇ તો પડ્યુ મેલીશુ આ શેતર. મોડે સુધી વાતચીત કરીને રામલો અને નટુ ખેતરમાં ખાટલો પાથરીને સૂઇ ગયા. રાત્રે મંદમંદ હવાની લહેરખીથી નટુને એવી નીંદર આવી કે તેનો જાણે વર્ષોનો થાક ઉતરી ગયો. વર્ષોથી નડતો અનિન્દ્રાનો રોગ જાણે એક દિવસમાં દૂર થઇ ગયો. સવારે ઉઠ્યો ત્યારે તાજોમાજો થઇ ગયો હતો ગઇકાલની આવેલી નીંદરથી તેને પોતાને આશ્ચર્ય થયુ. ઉગતા સૂર્યના દર્શન કરીને નહાતા નહાતા અંજલી આપી ત્યારે આંખમાં આસું આવી ગયા અને યાદ આવી ગયો પોતાનો ભયંકર ભૂતકાળ. પણ પછી પોતાના ભયંકર ભૂતકાળની વાત બીજાને તો નહિ પણ પોતાને પણ નહી કરવાનું વચન યાદ આવ્યુ અને યાદોના વાવાઝોડાને રોકીને કુંડીમાં ડૂબકી લગાવીને ઉપર આવ્યો ત્યારે આંખમાં ચડી આવેલું લોહી ગાયબ હતું અને તે ફરીથી ગરીબ અને લાચાર નટુ બની ગયો હતો. નહાઇને બહાર નીકળ્યો ત્યાં સુધીમાં શિરામણ આવી ગયુ હતુ. દશમી , ગોળ ને મરચાં ખાઇને જાણે શરીરમાં દશ હાથીની તાકાત આવી ગઇ. ત્યાંજ શેઢેથી મફાકાકા લાકડી લઇને આવતા દેખાણા . નટુ હાથ ધોઇને ઉભો જ રહ્યો ત્યાં કાકાએ નટુના ખભે હાથ મૂકીને કહ્યુ " નટુ તુ મારા માટ બહુ નશીબદાર સ ભઇ. કાલ તો તન કોમે રાખ્યો ન ભઇ કાલ જમીનનો એક કેસ ચાલતો એ પૂરો થઇ જ્યો . છગનીયા કેસ પાછોય ખેચ્યો અન માફી ય માગી . અન આ ખેતરના ખૂણે થોડુ ઘાસ ઉગ્યુ સ .આ શેતરમો 70 વરસ થી કોય ઉગ્યુ નહી અન તી પગ મેલ્યો એવુ જ ઘાસ ઉગ્યુ સ તે અવ આ શેતરમાં જે ઉગ ઇમો ચારઓની ભાગ તારો.

મફાકાકા એ પૂછ્યું ભઈ તન ટ્રેક્ટર થી શેતરં શેડત આવડ સ ત્યારે નટુ એ હા પડી તેને જેલમાં ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ મળી હતી . આખો દિવસ ખેડ કાર્ય પછી વાળું કર્યા પછી રામલા ને મફાકાકા ના પરિવાર વિષે પૂછપરછ કરી ત્યારે રામલો બોલ્યો મફાકાકા બહુ દિલદાર માંણસ આખા ગોમમો ઇમનું મોન સ એ ગોમના સરપંચ નહિ પણ સરપંચ કરતાંય ઇમનું મોન વધારે સ . પરિવાર મોં બે સોકરા અન બે સોડિયો સ બેય સોકરા અમેરિકા મોં સ્થાયી થયા સ અન કમાયે ઘણું બધું સ અન પાસુ સોકરાંય હારા રજાઓ પડ એટલ ગોમમો આવ અન રે બંને સોડિયો એ પૈણાઈ દીધી સ એક અમદાવાદ મોં સ અન એક મુંબઈ મોં સ . એક સોકરો એન્જીનીર સ અન એક ડૉક્ટર સ પેલું શું કેવાય ગોડાનો ડૉક્ટર એક વાર કાકા એ કીધું તું ઓવ શૈક્રિયાટિસ્ટ. નટુ ના પેટમાં ગૂંચ પડી ગયી. પણ કે અવ રજાઓ ઓશી પડ એટલ ઓસુ આવ પેલા દરસાલ આવતા અવ બે ત્રણ વર્ષે આવ સ .ડૉક્ટર નું નામ પૂછ્યું નામ હતું ડૉક્ટર રોનક પટેલ નટુ ની નજર સામે હસમુખ પણ લાલચી ચેહરો તરવરી ઉઠ્યો . કેવા સંજોગો ઉભા થયા જે વ્યક્તિ એ તેને બરબાદ કરવામાં મોટો ભાગ ભજવ્યો તેના પિતા એ જ તેને આજે સહારો આપ્યો .

નટુ એ આકાશ માં તારા ગણતા પોતાને ઊંઘ ની હવાલે કરી દીધો.