ભેદી ટાપુ
ખંડ ત્રીજો
(7)
વફાદાર ખેપિયો
હર્બર્ટની ચીસ સાંભળી, પેનક્રોફ્ટે બંદૂકને હાથમાંથી પડવા દીધી, અને તે તેની તરફ દોડ્યો.
“મારી નાખ્યો!” ખલાસીએ બૂમ પાડી, “મારા છોકરાને મારી નાખ્યો!”
હાર્ડિંગ અને સ્પિલેટ પણ હર્બર્ટ તરફ દોડ્યા.
સ્પિલેટે હર્બર્ટની છાતી પર કાન માંડ્યો. તેનું હ્દય હજી ધબકતું હતું.
“જીવે છે!” સ્પિલેટ બોલ્યો; “તેને જલ્દી લઈ ચોલો...”
“ગ્રેનાઈટ હાઉસમાં? અશક્ય છે!” ઈજનેરે જવાબ આપ્યો.
“તો પછી, પશુશાળામાં!” પેનક્રોફ્ટ બોલ્યો.
“હમણાં આવું છું!” હાર્ડિંગે કહ્યું; અને તે ચપળતાથી દોડ્યો વાડને ડાબે ખૂણેથી ગોળીબાર થયો હતો. હાર્ડિંગ તે તરફ ધસ્યો. ત્યાં તેણે એક ચાંચિયાને જોયો. ચાંચિયાએ નિશાન લઈને હર્બર્ટ તરફ ગોળી છોડી. હર્બર્ટને તે ટોપામાં વાગી. ટોપો ઉડી ગયો. બંદૂકમાં ચાંચિયો બીજી ગોળી ભરે એ પહેલાં, એક ક્ષણમાં, તે નીચે પડ્યો. હાર્ડિંગનું ખંજર ચાંચિયાના હ્દયની આરપાર નીકળી ગયું હતું.
આ સમય દરમિયાન સ્પિલેટ અને ખલાસીએ હર્બર્ટને આયર્ટનના બિછાના પર સુવડાવી દીધો હતો. થોડી ક્ષણોમાં હાર્ડિંગ તેની પાસે જઈ પહોંચ્યો.
હર્બર્ટને બેભાન અવસ્થામાં પડેલો જોઈ ખલાસીના દુઃખનો પાર ન રહ્યો. તે જોરજોરથી રડતો હતો અને ડૂસકાં ભરતો હતો. ક્યારેક તે દીવાલ સાથે માથું પછાડતો હતો. ઈજનેર કે સ્પિલેટ તેને શાંત પાડી શકતા ન હતા. તેઓ બંને પણ લાગણીથી ગળગળા થઈ ગયા હતા. તેઓ કંઈ બોલી શકતા ન હતા.
છોકરાને મૃત્યુના મુખમાંથી બચાવવા માટે ધીરજ રાખવી જરૂરી હતી. સ્પિલેટ દવાદારૂનું થોડું ઘણું જ્ઞાન ધરાવતો હતો. લડાઈ દરમિયાન કોઈવાર તેને બેયોનેટના કે ગોળીના ઘાથી ઘવાયેલાની સારવાર કરવાનો પ્રસંગ આવ્યો હતો. હાર્ડિંગની મદદથી તેણે ઘવાયેલા હર્બર્ટની સારવાર શરૂ કરી.
હર્બર્ટ બેભાન હતો અને તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. સ્પિલેટે તેની નાડી તપાસી. તે બહુ જ ધીમી ચાલતી હતી; જાણે કે તે બંધ થવાની અણી ઉપર હતી.
આ લક્ષણો દર્શાવતાં હતા કે, સ્થિતિ અતિશય ગંભીર હતી.
હર્બર્ટની છાતીને ખુલ્લી કરી રૂમાલથી લોહી લૂછી નાખ્યું. ઠંડા પાણીથી ઘાને ધોયો.
ગોળી પાંસળીમાં વાગી હતી. છાતીની નીચે ત્રીજી અને ચોથી પાંસળીને વીંધીને, વાંસામાં થઈને ગોલી નીકળી ગઈ હતી.
હાર્ડિંગ અને સ્પિલેટે છોકરાને ઊંધો સુવડાવ્યો. તે વખતે હર્બર્ટથી એક ઊંહકારો નીકળી ગયો. તેમને લાગ્યું કે આ તેનો છેલ્લો ઊંહકારો હતો.
હર્બર્ટનો વાંસો વીંધીને ગોળી બહાર નીકળી ગઈ હતી. જો ગોળી શરીરમાં રહી ગઈ હોત તો એને કાઢવી મુશ્કેલ પડત; અને જોખમ વધી જાત.
“પણ હ્દય?” હાર્ડિંગે પૂછ્યું.
“હ્દયના ભાગને ઈજા થઈ નથી; નહીં તો હર્બર્ટ જીવતો ન રહેત!” સ્પિલેટ બોલ્યો.
પેનક્રોફ્ટ હવે શાંત થયો હતો. પણ તેની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી.
દરમિયાન સ્પિલેટે પદ્ધતિસર સારવાર શરૂ કરી. ઘાની બરાબર તપાસ કરતાં જણાયું કે, છાતી આગળની સાતમી અને આઠમી પાંસળી વીંધીને ગોળી વાંસા તરફની ત્રીજી અને ચોથી પાંસળી વીંધતી ગઈ છે. વચ્ચે ગોળીઓ છાતીના ક્યાં સ્નાયુઓને શું નુકસાન કર્યું છે તે તો કોઈ સર્જન જ કહી શકે.
હર્બર્ટનો વાંસો લોહીથી ભીનો થઈ ગયો હતો. પહેલી જરૂર લોહીને વહેતું અટકાવવાની હતી. બીજી જરૂર ઘા ઉપર સોજો ન આવે તે માટે ઉપાય કરવાની હતી. એ ઉપરાંત બંને ઘાને પાટાપિંડી કરવાની તાતી જરૂર હતી.
સ્પિલેટે બંને ઘાને ઠંડા પાણીથી નવડાવવાનું શરૂ કર્યું. હર્બર્ટને ડાબે પડખે સુવડાવ્યો.
“આપણે હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસ ન લઈ જઈ શકીએ?” ખલાસીએ પૂછ્યું.
“ના, પેનક્રોફ્ય” સ્પિલેટે જવાબ આપ્યો.
“હું એ હરામખોરોના છોતરા ઉડાડી નાખીશ.” ખલાસીએ હવામાં મુક્કો ઉછાળી બૂમ પાડી.
“પનક્રોફ્ટ!” હાર્ડિંગે ખલાસી સામે જોઈ કહ્યું.
પેનક્રોફ્ટ શાંત થઈ ગયા. સ્પિલેટે ઘાયલ છોકરાની તપાસ આગળ વધારી, હર્બર્ટ એટલો બધો ફિક્કો પડી ગયો હતો કે સ્પિલેટને તેની ચિંતા થતી હતી. તે હર્બર્ટની પથારી નજીક બેઠો. હાર્ડિંગ એની પાસે ઊભો હતો. ખલાસીએ પોતાનું ખમીશ ફાડીને એમાંથી યંત્રવત્ પાટો તૈયાર કર્યો.
સ્પિલેટે હાર્ડિંગને સમજાવ્યું કે પહેલી જરૂર રક્તસ્ત્રાવ બંધ કરવાની છે. પણ બંને ઘાને બંધ કરવાની જરૂર નથી. આ માટે એક કુદરતી ઉપચાર અજમાવવાનું નક્કી થયું. ઠંડું પાણી લોહીને વહેતુ અટકાવે છે અને ઘામાં સોજો આવવા દેતું નથી. વળી ઠંડા પાણીથી ઘાને આરામ રહે છે. આથી કોઈ ઉત્તમ સર્જનની પેઠે તેમણે ઠંડા પાણીનો ઉપાય અજમાવ્યો.
પોતાં ભીના કરીને બંને ઘા ઉપર મૂકવાનું ચાલું કર્યું. ખલાસીએ દેવતા સળગાવ્યોય આયર્ટનની ઓરડીમાં જીવનજરૂરી ચીજવસ્તુની જરાય અછત ન હતી. વળી, હર્બર્ટે એકઠી કરેલી દવાઓ અને વનસ્પતિઓ પણ અહીં મોજુદ હતી. એમાંથી ઉકાળા તૈયાર કરીને હર્બર્ટને આપવામાં આવ્યા. તેને બહુ આકરો તાવ ચડ્યો હતો. આખી રાત અને દિવસ તે બેભાન અવસ્થામાં પડ્યો રહ્યો.
હર્બર્ટની જિંદગી કાચા તાંતણા પર લટકતી હતી. એ તાંતણો ગમે ત્યારે તૂટી જાય એવો સંભવ હતો. બીજે દિવસે બારમી નવેમ્બરે હર્બર્ટ જીવશે, એવી આશા બંધાઈ, હર્બર્ટે જરા ભાનમાં આવ્યો. તેણે આંખો ઉઘાડી. તે હાર્ડિંગ, સ્પિલેટ અને પેનક્રોફ્ટને ઓળખી શક્યો. તેના હોઠમાંથી બે ત્રણ શબ્દો નીકળ્યા.
તેને ખબર ન હતી કે શું બન્યું હતું. તેને બધી વાત કહી સ્પિલેટે તેને બોલવાની મનાઈ કરી. હવે તે સલામત હતો. તેના ઘા થોડા દિવસમાં રુઝાઈ જશે.
ઠંડા પાણીનો ઈલાજ કામિયાબ નીડવડ્યો હતો. ઘા ધીરે ધીરે રુઝાતા જતા હતા. તાવ પણ કાબૂમાં હતો. પેનક્રોફ્ટ હર્બર્ટની પથારી પાસેથી ખસતો ન હતો. હર્બર્ટને ઊંઘ આવી ગઈ. આ ઊંઘથી દેખાતું હતું કે તેની તબિયત સુધારા પર છે. સ્પિલેટ ખલાસીને ખાતરી આપી કે હર્બર્ટ હવે બચી જશે.
ચોવીસ કલાક પસાર થઈ ગયા. તેઓ પશુશાળામાં હતા. તેમણે હર્બર્ટની સારવાર સિવાય બીજો કોઈ વિચાર કર્યો ન હતો. ચાંચિયાઓ તરફથી ઊભું થનાર જોખમ કે સાવચેતીના ઉપાય વિશે તેમણે જરાય વિચાર કર્યો ન હતો. બીજે દિવસે પેનક્રોફ્ટ માંદાના ખાટલા પાસે બેઠો હતો. ત્યારે હાર્ડિંગ અને સ્પિલેટે હવે શું કરવું એની ચર્ચા કરી.
પહેલાં તો તેમણે આખી પશુશાળાને તપાસી. ક્યાંય આયર્ટનની ભાળ ન મળી. ચાંચિયાઓએ તેનું અપહરણ કર્યું હશે? તેણે સામનો કર્યો હશે અને અથડામણમાં તે માર્યો ગયો હશે? આ છેલ્લું અનુમાન વધારે સંભવિત હતું. સ્પિલેટે વાડની તપાસ કરી અને એક ચાંચિયાને ફ્રેન્કલીન પર્વત પર ભાગતો જોયો. ટોપ પણ એની પાછળ કૂદ્યો હતો.
પશુશાળાને ખાસ નુકસાન થયું ન હતુ. ફાટક બંધ હતું. પશુઓને તેમણે છોડી મૂક્યાં ન હતાં. કોઈ અથડામણ થઈ હોય એવી નિશાની મળતી ન હતી. આયર્ટનને આપેલ બંદૂક અને દારૂગોળો તેની સાથે ગાયબ થઈ ગયાં હતાં.
હાર્ડિંગ અને તેના સાથીઓ એકાએક આવી પહોંચવાથી ચાંચિયાઓને ભાગવું પડ્યું હતું. તેઓ પશુશાળામાંથી કંઈ લઈ જઈ શક્યા ન હતા. પશુશાળાને નુકસાન કરવાનો સમય પણ તેમની પાસે નહીં રહ્યો હોય. આયર્ટનનું શું થયું હશે? આપણે આખું જંગલ ખૂંદી વળવું જોઈએ, એવો હાર્ડિંગનો અભિપ્રાય હતો.
“પેનક્રોફ્ટની વાત સાચી હતી.” હાર્ડિંગે કહ્યું. “હવે આપણે ચાંચિયાઓ તરફ દયા બતાવવી નથી.”
“હા,” સ્પિલેટે જવાબ આપ્યો.
“હર્બર્ટને સારું થાય પછી આપણે તેને ગ્રેનાઈટ હાઉસમાં લઈ જઈએ.” હાર્ડિંગે કહ્યું, “ત્યાં સુધી આપણે રાહ જોયા વિના છૂટકો નથી.”
“પણ નેબ?” સ્પિલેટે પૂછ્યું.
“નેબ સલામત છે.”
“પણ આપણી ગેરહાજરીથી ગભરાઈને તે અહીં આવવા નીકળશે તો?”
“તો એની રસ્તામાં જ હત્યા થશે” હાર્ડિંગે જવાબ આપ્યો. બધા ચિંતામાં મુકાઈ ગયા. હવે શું કરવું? નેબને અહીં આવતો રોકવો શી રીતે? હાર્ડિગ પોતે ગ્રેનાઈટ હાઉસ જવા તૈયાર થયો. એકાએક તેનું ધ્યાન ટોપ પર પડ્યું. તે આગળ અને પાછળ આંટા મારતો હતો. જાણે કે એમ ન કહેતો હોય કે હું હાજર છું.”
“ટોપ!” હાર્ડિંગે બૂમ પાડી.
તરત જ ટોપે કૂદકો માર્યો અને માલિક પાસે પહોંચી ગયો.
“હા, ટોપ જશે!” સ્પિલેટે કહ્યું.
સ્પિલેટે નોટબુકમાં એક કાગળ ફાડ્યો અને તેના પર નીચેના શબ્દ લખ્યા.
“હાર્બર્ટ ઘાયલ થયો છે. અમે પશુશાળામાં છીએ. સાવધ રહેજો. ગ્રેનાઈટ હાઉસ છોડતા નહીં. ચાંચિયાઓ આસપાસમાં દેખાયા છે? ટોપ સાથે જવાબ પાઠવો.”
આ કાગળમાં નેબને જાણવા જેવું બધું આવી જતું હતું. કાગળ વાળીને ટોપના પટ્ટામાં બાંધી દીધો.
પછી કૂતરાને નેબનું નામ કહીને ગ્રેનાઈટ હાઉસ તરફ રવાના કર્યો. ટોપ કૂદકા મારતો દોડ્યો. તે ક્યાં જવાનું હતું તે સમજી ગયો હતો. પશુશાળાથી ગ્રેનાઈટ હાઉસનો રસ્તો તેને પરિચિત હતો. અડધા કલાકમાં તે એટલું અંતર કાપી શકે એમ હતો. જ્યાં હાર્ડિંગ કે સ્પિલેટ ન જઈ શકે ત્યાં કૂતરો સલામતીને જોખમમાં મૂક્યા વિના જઈ શક્તો હતો. ટોપ ઊંચા ઘાસમાં અને જંગલમાં કોઈની નજર પડ્યા વિના દોડતો હતો.
હાર્ડિંગે જોયું કે ટોપ ગ્રેનાઈટ હાઉસની દિશામાં થોડીવારમાં અદશ્ય થઈ ગયો.
“કેટલા વાગ્યા છે?” સ્પિલેટે પૂછ્યું.
“દસ.”
“કલાકમાં તે પાછો આવી જશે.”
પશુશાળાનું ફાટક બંધ હતું. ઈજનેર અને સ્પિલેટ કૂતરાને વળાવીને પાછા ફર્યાં. હર્બર્ટ હજી ઊંઘતો હતો. ખલાસી પોતાં ભીનાં રાખ્યા કરતો હતો. સ્પિલેટે ઉકાળો તૈયાર કરવા માટે વનસ્પતિ એકઠી કરી. બધા ટોપ પાછો ફરે તેની ચિંતાથી રાહ જોતા હતા. અગિયાર વાગવાને થોડીક વાર હતી ત્યારે હાર્ડિંગ અને સ્પિલેટ હાથમાં રાયફલ લઈને ફાટકની પાછળ ઊભા હતા. ટોપનો ભસવાનો અવાજ આવે છે તરત જ ફાટક ઉઘાડી નાખવા તેઓ તૈયાર ઊભા હતા.
બંનેને ત્યાં દસેક મિનિય ઊભા રહેવું પડ્યું. દરમિયાન બંદૂક ફૂટવાનો અવાજ સંભળાયો. સાથે સાથે કૂતરાના ભસવાનો અવાજ પણ આવ્યો.
ઈજનેર ફાટક ખોલી નાખ્યું. અને જે દિશામાંથી ધૂમાડો દેખાતો હતો તે દિશામાં તેણે ગોળીબાર કર્યો. તરત જ ટોપ કૂદકો મારીને પશુશાળામાં પ્રવેશ્યો. એ સાથે જ તેમણે ઝડપથી ફાટક બંધ કરી દીધું.
“ટોપ! ટોપ!” ઈજનેરે વફાદાર કૂતરાની પાઠ થાબડી. તેના પટ્ટામાંથી કાગળ નીકળ્યો. હાર્ડિંગે તે વાંચ્યો. નેબના મોયા હસ્તાક્ષરમાં તે લખાયેલો હતો....
“ગ્રેનાઈટ હાઉસની આસપાસ ચાંચિયા ફરક્યા નથી. હું અહીં જ રોકાઈશ. બિચારો હર્બર્ટ!”
***