calculation in Gujarati Moral Stories by Dr.Chetan Anghan books and stories PDF | ગણતરી

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

ગણતરી

            બગીચાના આ સિનિયર સીટીઝન બાંકડા પર આજે ટાંકણી પડે તોય અવાજ સંભળાય તેવી શાંતિ હતી. ચોરસની ત્રણ બાજુ પર ગોઠવાયેલા બાંકડા અને ચોથી ખુલ્લી બાજુવાળી ગોઠવણ પર પંદર જણા નું હકડેઠઠ સિનિયર "પબ્લિક" જામ્યું હતું. ગણેશ બંગલોઝમાં રહેતા  પાંચઠ વર્ષ ના નાનુભાઈ શાહ સૌથી પૈસાદાર અને સમૃદ્ધ હતા. તેણે અમદાવાદથી ખાલી હાથે મુંબઈમાં આવીને કરેલી શૂન્ય માંથી મલ્ટીમિલિયોનર સુધીની સફરની દંતકથાઓ કોર્પોરેટ વર્લ્ડમાં કહેવાતી હતી. તેનું ડાય ઇન્ડસ્ટ્રીમાં તથા બીજા અનેક ધંધામાં ગુંજતું નામ હતું.તેના બે દીકરા સુરજ અને આકાશએ ધંધાનો બધો ભાર ઉપાડી લીધો હતો. નાનુભાઈ હવે એકદમ નિવૃત જેવી જિંદગી જીવતા હતા. તેના કરચલી વાળા ચહેરા પર બધાજ વૃદ્ધો જોઈ રહ્યા હતા, તેની ભાવવાહી પાણીદાર આંખો ઘણુંબધું બોલી રહી હતી પણ બધાને શબ્દો સાંભળવા હતા.
"જિંદગી નું એક તથ્ય કહું તો આખી જિંદગી ગણતરીપૂર્વક જીવ્યો છું."નાનુભાઈ એ મૌન તોડ્યું.

          "ભયંકર કારમી ગરીબીમાં વીતેલું મારુ બચપણ અને ગમે તે ખરીદીમાં પિતાજી સાથે જાઉં ત્યારે છેક તળિયા સુધી ભાવ કરાવતા જોઈને મારુ મન એ પ્રમાણે ટેવાઈ ગયું."

"છેલ્લા ઘણા સમયથી આ રાઘુભાઈ અને મનુભાઈ કહેતા હતા કે તમારી આટલી સફળતા નું રહસ્ય શુ છે?.તમારી જીવનકથની અમને પણ જણાવો...
હું કહેતા ખચકાતો હતો પણ હવે ડર નીકળી ગયો એટલે શબ્દો ચોર્યા વગર જ કહીશ." નાનુભાઈ એ રાઘુભાઈ અને મનુભાઈ તરફ જોઈને કહ્યું.

" ગરીબ ઘરના બાળકો વહેલા પરિપક્વ થઈ જાય છે એ ન્યાયે પાંચ જ વર્ષની ઉંમરે મારામાં ગણતરી આવી ગઈ હતી. જેટલો બને તેટલા ઓછા ખર્ચામાં વધુ મેળવી શકુ એ ગરીબીએ અને તેના દ્વારા પિતાજીએ શીખવાડી દીધું હતું."

"તેર વર્ષની નાની ઉમરમાં જ ભણવાનું છોડીને કોઈ લોજમાં જમવાનું પીરસવા અને વાસણો માંજવાની નોકરી માં રહી ગયો, તેમાં પણ ગણતરી કારણકે કરિયાણાની દુકાનમાં માલ ગોઠવવાની થોડા વધારે પગારવાળી નોકરી મળતી હતી પણ લોજ માં જમવાનું મફતમાં મળતું હતું અને પેલી કરિયાણાની વધારે પગારવાળી નોકરીમાં જમવાનું અલગ હતું જમવાનો ખર્ચ કાઢતા વધેલા પૈસા લોજવાળી નોકરી કરતા ઓછા હતા."

નાનુકાકા એ થોડો ,શ્વાસ લેવા અટક્યા પછી પાછું બોલવાનું ચાલુ કર્યું." લોજ ની નોકરીમાં ક્યારેય બે પાંદડે ના થવાય.થોડા મહિના નોકરી કરતો રહ્યો પણ મારું ધ્યાન હંમેશા કોઈ બીજા ધંધાની શોધમાં હતું.લોજ માં ભાતભાતના ધંધાવાળા ગ્રાહકો આવતા,  હું તેની સાથે વાત કરતો અને કોઈ ધંધા વિશે તક મળે તેવું શોધતો રહેતો.
જે ગ્રાહક મને લાગે કે મારા માટે કંઈ કામનો છે તો તેની ખૂબ જ ધ્યાનપૂર્વક સેવા કરતો. તેની થાળી વ્યવસ્થિત સાફ કરી ને આપતો,તેનું પાણી ઝડપ થી ભરી આપતો,તેને ગરમ રોટી મળે તેવી વ્યવસ્થા કરતો. જેથી તેના ધ્યાનમાં આવી શકાય.
આવીજ સરભરાથી અંજાઈને એકવાર એક શેઠે મને પૂછ્યું કે
'તને અહીં કેટલો પગાર આપે છે?'
'મહિને બે હજાર. શેઠ!'
'તું મારી સાથે કામ કરવા આવ, હું તને ત્રણ હજાર આપીશ.'
'શેનું કામ છે તમારે?'
'કપડાને રંગવાની ડાય નું મેન્યુફેક્ચરિંગ છે તેમાં વર્કરની જરૂર છે'
'હું કાલે વિચારીને જવાબ આપીશ.'
'વાંધો નહિ' શેઠે જવાબ આપ્યો.
              આખી રાત ખૂબ જ વિચારર્યું. મને ડાયના બિઝનેસ વિશે બિલકુલ ખ્યાલ નહોતો પણ પછી થયું કે આ લોજમાં વેઈટર તરીકે ક્યાંય આગળ નહીં જવાય એના કરતાં ડાય ફેકટરીમાં વર્કર તરીકે કોઈક રસ્તો મળી જશે, અને ના મળે તોપણ પાછું વેઈટર તરીકે ક્યાંક ગોઠવાઈ જવું. એવું વિચારીને મેં બીજે દિવસે શેઠ ને હા પાડી દીધી.
            ડાય ફેકટરી માં કામ કરતા કરતા મારી દોસ્તી નિર્મિશ સાથે થઈ,  વર્કરો માટે બનાવેલી રૂમોમાં  હું અને નિર્મિશ સાથે રહેતા, તે પણ મારી જેમ ગરીબ ઘર માંથી આવતો છોકરો હતો પણ મારા સ્વભાવથી વિપરીત એ એકદમ બિનજવાબદાર અને ટૂંકી દ્રષ્ટિ ધરાવતો હતો. તે બિલકુલ ગણતરી ના કરતો. તે અલ્લડ નિ:સ્પુહ જિંદગી જીવતો હતો.હું મારી આવક, ખર્ચા,વર્તમાન,ભવિષ્ય,કારકિર્દી,ગરીબી,સપનાઓ જેવી બાબતોમાં ખૂબ ઊંડાણપૂર્વક વિચારતો હતો.
         હું રાતોને રાતો જાગતો. વિચારતો કેવી રીતે સફળ થઈ શકાય, કેવી રીતે તક ઝડપી લેવાય. આમ તો મારો સ્વભાવ જ નહોતો કોઈની સાથે સરખામણી કરવાનો પણ નિર્મિશ અને હું સરખી આર્થિક સંકડામણ વાળી પરિસ્થિતિમાંથી આવતા હોવાથી ધીમે ધીમે હું એની સાથે સરખામણી કરવા લાગ્યો.
            એકવાર કોઈ પાસે મેં સાંભળ્યું કે શેઠ મુંબઇ ની એની ફેકટરી માં મને મોકલવાના છે ત્યારથી મનમાં ગણતરી ચાલવા માંડી.તે દિવસથી હું નિર્મિશ સાથે સારો વ્યવહાર રાખવા માંડ્યો. અમુક દિવસે નિર્મિશને નાસ્તા ની પાર્ટી આપવા માંડ્યો.મારે જે પ્રમાણે કરવું હતું તે માટે તેને બરાબર સમજાવી લીધો.
         એક દિવસ શેઠે મને ઓફીસ માં બોલાવ્યો. 
'મેં તને આપણી મુંબઈ ફેકટરીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.'
મારા જેવા થનગનતા લોકોને મુંબઇ જવા મળે એટલે જાણે દોડવા ઢાળ મળે તેમ ખુશી થઇ રહી હતી પણ હું તક ને ફાયદામાં બદલવા માંગતો હતો.એટલે સહેજ ચહેરો ઉદાસ થઈ ગયો હોય તેમ હું બોલ્યો.
'સાહેબ! પણ ત્યાં મારુ કોઈ ઓળખીતું નથી, હું ક્યાં રહીશ?'
'હું તને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી દઈશ.તારે ત્યાં ફેક્ટરીનું મેનેજમેન્ટ કરવાનું રહેશે.' મારુ તિર નિશાન તરફ જઈ રહ્યું હતું.
'પણ સાહેબ! ત્યાં બીજા ખર્ચા પણ ખાસ્સા મોંઘા હોય છે!'
'હું તને પગારમાં વધારો કરીને આઠ હજાર કરી દઈશ.'
'મારુ બીજું તીર પણ નિશાના પર લાગી ગયું.'
'સારું!  હું વિચારીશ!' એવું કહીને હું નીકળી ગયો.
તે દિવસે રાત્રે મેં નિર્મિશને વાત કરી. તેને પણ સાથે આવવા મનાવી લીધો. બીજે દિવસે શેઠ ને જઈને મુંબઇ જવા માટે તૈયાર છું કહેવડાવી દીધું સાથે નિર્મિશ પણ આવશે તે પણ કહી દીધું.

           આ રીતે મેં બનાવેલા પ્લાન મુજબ મુંબઇ જેવા તકોના દરિયા જેવા શહેરમાં રહેવા-ખાવા અને નોકરીની વ્યવસ્થા થઈ ગઈ સાથે નિર્મિશ પણ સાથે આવવા તૈયાર થઈ ગયો.તેનું અને મારું રહેવાનું સાથે જ હતું,
          હું મુંબઈમાં શેઠની ડાયની નવી ફેકટરીમાં ખૂબ જ લગન થી કામ કરવા લાગ્યો, આઠ હજાર ના પગારની સામે અઠયાવીસ હજારનું કામ કરી આપવા માંડ્યો. શેઠે  એક જ વર્ષમાં શેઠને તેને મુંબઈની બ્રાન્ચમાં બેગણો પ્રોફિટ થવા માંડ્યો.શેઠ મારી લગન અને પુરુષાર્થને ખૂબ જ સારી રીતે જાણતા હતા તેથી તેણે તેની ઓફીસમાં તેની ખુરશીની બાજુમાં જ મારી ખુરશી ગોઠવી દીધી.મને વિસ ટકા પ્રોફિટ પાર્ટનર તરીકે રાખી લીધો. હવે ફેકટરીની તમામ સંચાલન નો બહાર મેં ઉપાડી લીધો, વિવિધ જગ્યા પર ભરતી માટે ઇન્ટરવ્યૂ લેતો અને યોગ્ય ઉમેદવાર ને હું જ પસંદ કરતો.
         એકવાર એક એકાઉટન્ટ ની જગ્યા ભરવા માટે ના વિવિધ ઉમેદવારો ના ઇન્ટરવ્યૂ માં મને એક છોકરી પસંદ આવી ગઈ, તેની પૂછપરછમા જાણવા મળ્યું કે તેનું નામ વૈશાલી છે, તે લોઅર મિડલ કલાસ માંથી આવે છે અને તેના પપ્પા મૃત્યુ પામ્યા છે, તેણે બી.કોમ. વિથ એકાઉન્ટ કર્યું છે. વૈશાલી નોકરીના બીજા બધા  માપદંડો માં બીજા થોડા ઉમેદવારોમાં પાછળ હતી પણ મારી જીવનસંગીનીના માપદંડોમાં ખરી ઉતરતી હતી તેથી મેં તેને એકાઉન્ટન્ટ તરીકે નોકરી પર રાખી લીધી.
  ધીરે ધીરે મેં તેની સાથે સંબંધો વિકસાવ્યા રાખ્યા, તે કંપનીના ફાયદા નુકશાનના આંકડાઓ ગોઠવતી હતી અને હું સબંધોની કડીઓ ગોઠવતો જતો હતો. કેન્ટીનમાં ચા-નાસ્તાની શેરીંગથી કરેલી દોસ્તી ટિફિન થઈ કોફીશોપ, ડિનર અને ગાર્ડન સુધી વિકસતી રહી.
     આ દરમિયાન નિમેશ પોતાની બેફિકર જિંદગી જીવતો રહ્યો  એ સપનાઓ ઊંચા જોતો હતો, એનેય અમીર બનવું હતું પણ એના વર્તમાનના ભોગે નહી.
          અમારી ફેકટરી બીજા વર્ષે શેઠે મને જુહુ ના બીચ સાઈટ આલીશાન બંગલો રહેવા આપ્યો.હું નિર્મિશ સાથે ની રૂમ છોડીને જુહુના બંગલા પર રહેવા આવતો રહ્યો.એ વખતે મેં નિમેષને સાથે આવવા કહ્યું પણ એ ના માન્યો. તે ત્યાં જ રોકાઈ ગયો.
         નિર્મિશ વિશે હું બહુ વિચારતો, અમે એક જ સાથે મુંબઇ આવ્યા, એક જ રૂમમાં રહેતાં પણ હું પ્રગતિ કરીને કંપનીનો પાર્ટનર બની ગયો અને એ હજુ વર્કર જ હતો. એ આ વાત ને જતાવતો નહોતો પણ ક્યાંક ઊંડે ઊંડે તેને ઈર્ષ્યા હશે તેવું મને લાગતું. પણ તેનું વર્તનની બેફિકરાઈ મને પરેશાન કરતી હતી.
           કંપનીમાં મારી જેમ જેમ પ્રગતિ થતી ગઈ તેમ તેમ હું વધારે વ્યસ્ત થવા માંડ્યો અને વ્યસ્તતા વચ્ચે નિમેષ ને મળવાનું ઓછું થતું ગયું.
         એકવાર હું ઓફિસ માં કંપનીના કામમાં વ્યસ્ત હતો ત્યારે નિર્મિશ મને મળવા આવેલો.
'કેમ છે નાનું?' તે ટેબલની સામેના ટેબલ પર બેસતા બોલ્યો.
'બસ મજામાં!, તું કે શું ચાલે છે?'
'તારું એક કામ હતું તેથી તને મળવા આવવું પડ્યું.' તે તેની અલ્લડ બેફિકરાઈ થી બોલ્યો.
'બોલ નિર્મિશ! હું બની શકે તેટલી મદદ કરીશ' હું મનના ડર ને છુપાવતો બોલ્યો.

'એકાદ મહિના માટે એક લાખ બાવીસ હજાર રૂપિયા ઉછીના જોઈએ છે.'

'ઓહઃ પૈસાની તો મારેય તંગી ચાલે છે, કંપની ના મોટા પેમેન્ટ અટવાયેલા છે.' ચહેરા પર ખૂબ જ ગંભીર ભાવ રાખીને મેં કહ્યું.
     પૈસાની વાત આવી એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં મેં ગણતરી કરી અને નિર્ણય લઈ લીધો કે પૈસા ન અપાય કેમકે નિર્મિશ રહ્યો એકદમ બેફિકર માણસ. તેને તેના આવતીકાલની પણ ના પડી હોય. તે પૈસા કેવી રીતે પાછા આપી શકે? બીજું તે જમાનામાં સવાએક લાખ એટલે મોટી રકમ કહેવાય, પાછી ના આપે તો મારે પણ મોટી આર્થિક સમસ્યા ઉભી થાય. તે મારી જિંદગી નો સૌથી મહત્વ નો નિર્ણય હતો,  એ પછી નિર્મિશ મને ક્યારેય મળ્યો જ નથી, તે શું કરે એ પણ ખબર નથી.  એટલે જો ત્યારે મેં તેને પૈસા આપી દીધા હોત તો પૈસા મેં ગુમાવી દીધા હોત. એ પછી બીજી જગ્યાએ બે ત્રણ કંપની ખોલી. મારી સંપત્તિ ધીરે ધીરે વધતી ગઈ.
        મેં વૈશાલી સાથે લગ્ન કરી લીધા અને મમ્મી પપ્પાને પણ ગામડેથી મુંબઇ રહેવા બોલાવી લીધા." નાનુભાઈ બધા 'શ્રોતાજનો' ના ભાવ જોવા થોડીવાર અટક્યા.બધાય ની આંખમાં ડોકાતા સન્માનના ભાવથી નાનુભાઈ વધુ ગર્વિષ્ઠ થયા.
      હજુ બધા નાનુભાઈ ની જીવનકથની ની તન્મયતા માં હતા ત્યાંજ ડાબી બાજુ ના બાંકડા પર છેલ્લે બેઠેલા વિઠ્ઠલભાઈએ પૂછ્યું
"આ નિર્મિશ એટલે અમદાવાદ જિલ્લા ના કરશનપુરા નો હતો એ તો નહીંને?"
"હા!એ જ, તમે કેમ એને ઓળખો?"નાનુભાઈની આંખો અચંબાથી વિઠ્ઠલભાઈ સામે જોઈ રહી.
"તમારી ઘટનાની બીજી બાજુ નિર્મિશ ની એક બીજી વાર્તા છે. તમે કહ્યું તેમ નિર્મિશ એકદમ બેફિકર માણસ હતો પણ સાથે એ હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતો. તે જ્યારે બીજાને મદદ કરતો ત્યારે તે ક્યારેય એ ના વિચારતો કે તેમાંથી તેને કેટલો ફાયદો થશે.
     તેને પાન ખાવાની આદત હતી એ તો તમને ખબર જ હશે."
"હા!" નાનુભાઈએ પ્રત્યુતર આપ્યો.
"તે જે ગલ્લે રોજ પાન ખાતો ત્યાં એક રાજુ નામનો રિયલ એસ્ટેટનો બિઝનેસમેન   માવો ખાવા આવતો, રાજુ અને નિર્મિશની ઔપચારિક દોસ્તી થઈ.પાન ના ગલ્લે થતા વાતો ના વડામાં આ બંને સારી રીતે ભાગ લેતા, રાજુને એકવાર ધંધાર્થે એક લાખ બાવીશ હજાર રૂપિયાની જરૂર હતી. તેની અને નિર્મિશની આર્થિક વ્યવહારો વાળી દોસ્તી નહોતી તેથી નિર્મિશ ને વાત કરવાનો સવાલ જ નહોતો પણ રાજુ ના ચહેરાની ઉદાસી વતી નિર્મિશ જાણી ગયો એટલે તેણે તેને પૈસા શોધી દેવાની વાત કહી.
      ત્યારબાદ નિર્મિશે ઘણી કોશિશો કરીને પૈસા શોધી દીધા. નિર્મિશે પૈસાતો શોધી દીધા પણ ક્યારે પાછા આપશે એ કંઈ વિચાર્યું નહીં પણ એકાદ મહિના બાદ રાજુ પાસે પૈસા આવી જતા તેણે પાછા આપી દીધા.
     ઘણાસમય બાદ રાજુ ને ખબર પડી કે નિર્મિશ તે પૈસા વ્યાજે લાવ્યો હતો પણ તેણે રાજુ પાસેથી વ્યાજ પણ માંગ્યું નહોતું.સ્વાર્થ ની ચરમસીમા ના બજારમાં ઉછરેલો રાજુ તો જાણીને રીતસરનો આભો બની ગયેલો, પછી નિર્મિશ માટે કંઈક કરવું છે તેવો લીધેલા નિર્ણય ના પરિણામે રાજુએ પોતાની નવી કન્સ્ટ્રકશન સાઈટ પર સીધો જ વિસ ટકાનો પાર્ટનર બનાવી દીધો અને પછી તો બંનેએ મળી ને ઘણી સાઇટો બનાવી અને ખૂબ જ પ્રગતિ કરી . નિર્મિશ ને ધીરેધીરે બરાબર નો હિસ્સેદાર બનાવી દીધો. અત્યારે નિર્મિશ ચારસો મિલિયન નો આસામી બની ગયો છે." વિઠ્ઠલભાઈ એ વાત પૂરી કરી. પણ પંદરેય જણાની આંખો હજુય પ્રશ્નસૂચક હતી.
     વિનુભાઈ સમજી ગયા, એણે અધૂરી છોડી દીધેલી વાત આગળ વધારી." તમને બધાને થાય છે કે આ બધી મને કેમ ખબર? કારણ કે તે રાજુ મારો સગો સાળો થાય. આજેય રાજુ અને નિર્મિશ વચ્ચે સગા ભાઈ જેવી દોસ્તી છે.
ત્રણેય બાંકડા પર પંદરેય જણા  સ્તબ્ધ હતા. થોડા સમય પહેલા નાનુભાઈએ લીધેલા ગણતરીપૂર્વકના નિર્ણયોથી મળેલી પ્રચંડ સફળતાથી પ્રભાવિત થયેલા હતા અને બધાએ એવું માની લીધું હતું કે ગણતરીપૂર્વક ના નિર્ણયોથી સફળતા મળે છે. બેફિકર થઈ લેવાતા નિર્ણયો તમને સામાન્ય માણસ બનાવે છે,જ્યારે ચંદ મિનિટો પછી નાનુભાઈ નું ગણતરીપૂર્વક લીધેલા નિર્ણયો સાથે જોડાયેલુ બીજી તરફનું વૃતાંત સાંભળ્યું પછી નીકળતો નિષ્કર્ષ એકદમ વિરુદ્ધ જ હતો. જિંદગી ના બે વિરુદ્ધ દિશાઓના છેડા એક મંજિલ પર આવીને સ્થિર થઈ જતા હતા.