કાળો થેલો ખભે વ્યવસ્થિત કરી હું બસમાંથી નીચે ઉતર્યો. ઉડતી ધૂળ ની ડમરીઓએ મારુ સ્વાગત કર્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રણવિસ્તાર ના ગામમાં પગ મુકો ત્યારે તમને ખયાલ આવે કે એને મરુસ્થલ શા માટે કહેવાય છે. મને તરસ લાગી હતી. ગળામાં શોષ પડતો હતો. આખુંય ગામ જાણે કે આગની લપેટમાં સૂઈ ગયું હતું. ગામના ખુલ્લા પાદરમાં સ્મશાનવત શાંતિ હતી. એક બે હાફતા કૂતરા ઠંડક ની તલાશ મા આમતેમ ભટકતા હતાં. હું થોડો આગળ વધ્યો.ખાસ્સું ચાલ્યા બાદ થોડી હિલચાલ જણાઈ. મે નિરાત નો શ્વાસ લીધો.એકલતા દરેક ને ડંખે છે.એક બે ડોસાઓ કાથીનો ખાટલો ઢાળી એનાં ઉપર બેઠા બેઠા નવી પેઢીની ચિંતા કરતાં હતાં. હું એમને ચીરીને આગળ વધ્યો તો એ સ્તબ્ધ થઈ મારી સામે જોતાં રહ્યા.અવશ્ય હું એક હેન્ડસમ યુવાન છું.કોલેજમાં સ્મિત રાઠોડ ના નામ થી છોકરીઓ મા ઉહાપોહ જાગતો. મને થોડો ગર્વ પણ થતો. એક રાજપૂત તરીકે "પાવર"મારા અસ્તિત્વ સાથે જોડાયેલી ચીજ હતી. મારુ શરીર સૌષ્ઠવ નિહાળી સૌ ચકિત થતાં અલબત્ત, એની પાછળ મારા પ્રભાવશાળી પિતાની ભૂમિકા હતી.ખેર, આગળ બીજા બે ચાર જણ પણ મારી સામે જોઈ જોઈને ચાલતાં હતાં. હું સૌને ઇગ્નોર કરી ઞડપથી આગળ વધ્યો.એક બે ગાર માટી ના પ્યોર દેશી ઘરો વટાવ્યા અને ત્યાં જ મારી જિંદગી ની એ સૌથી રોમાંચક ઘટના ઘટી. એક એવી ઘટના, જે મારા જીવનમાં લગભગ ઞંઞાવાત બનીને આવી. એક સુંદર યુવતી મારી સામે થી ચાલીને આવતી હતી. એણે ગુલાબી ચણીયા ચોળી પહેરી હતી પરંતુ, પીળા કલરનો દુપટ્ટો એનાં ચહેરા પર વીટાળેલ હતો. વાળ કદાચ તાજા ધોયેલા હતાં એટલે હવામાં ફરફરતા હતાં.એનો ચહેરો શ્યામલ હતો પરંતુ,એમાં છુપાયેલ સંમોહન એ યુવતીને વિશ્વની ખુબસુરત સ્ત્રીઓ મા સ્થાન અપાવતુ હતું. એની આખોમા એક અજીબ કામણ હતું. એનાં ગળાના ભાગે એક કાળો તલ હતો. કદાચ, એ તલ એ યુવતીના વ્યકિતત્વ નો સૌથી શાનદાર હિસ્સો હતો.ચાલતી વખતે એનામાં ગજબની મગરુબી હતી. હું ફાટી આખે, સ્તબ્ધ થઇ એને નિહાળી રહ્યો. આવાં રેગીસ્તાન મા આવી અનુપમ યુવતી જોઈ હું કુદરત ની કલા પર ઓવારી ગયો હતો. મારા જેવા કઠોર શખ્સ નું હદય જોરશોરથી ધડકવા લાગ્યું હતું. મને અવર્ણનીય આનંદ અને રોમાંચ ઉભરાતો હતો.મારી નજીક થી જયારે એ પસાર થઈ ત્યારે પોતાની એક નજર ઉઠાવી એણે મારી સામે જોયું હતું. માય ગોડ... એ નજર.. એ નયન.. શું સંમોહન હતુ એમા..? હું જીવનમાં કયારેય એ નજર ને નહીં ભૂલી શકું. એ કોણ હતી..? આવા બેકગ્રાઉન્ડ ધરાવતા ગામડામાં શું કરતી હતી..? એકીસાથે અસંખ્ય વિચારો મારા દિમાગમાં ઉભરાઈ આવ્યાં. ધોમધખતા તાપમાં જાણે ઠંડા પાણી ની એક ધાર વરસી હતી અને હું સ્મિત રાઠોડ એમાં સ્નાન કરતો રહ્યો.જો કે એ વખતે મને અંદાજ નહોતો કે એ શ્યામલસુદરી ને પામવા માટે મારે એવી કશ્મકશ મા મુકાવું પડશે જેમાં થી બહાર નીકળવું એ ઉડા કાદવમાં થી નીકળવા બરાબર સાબિત થશે.એ કામણગારી આખોને પામવાની કોશિષમા મારી જિંદગી સંઘર્ષ ની ચરમસીમાએ પહોંચી જશે એનો અંદાજ મને ખુબ પાછળ થી આવ્યો હતો. મારી એ એક ભૂલ ની સજા હું આજે પણ ભોગવી રહ્યો છું. આજે ય કયારેક અડધી રાત્રે ઉઘમાથી ઝબકીને જાગી જાઉં છું અને સવાર સુધી જાગ્યાં કરું છું. બેચેનીમાથી બહાર નિકળવા સિગારેટ સળગાવુ છું તો એ સિગારેટ ની ઉડતી ધુમ્રસેરો વચ્ચે થી એક સોહામણો ચહેરો તરી આવે છે. એક સુંદર ચહેરો... જેને મે રેગીસ્તાન ની ઉડતી ધૂળ ની ડમરીઓ વચ્ચે થી પામ્યો હતો. એક સુંદર ચહેરો... કે જેણે સ્મિત રાઠોડ ની જિંદગી ની યુવાવસ્થા અંદર થી હચમચાવી નાખી હતી. એક સુંદર ચહેરો... જેનાં લીધે હું આજ સુધી મેરેજ નથી કરી શકયો. એક સુંદર ચહેરો... જેનાં કારણે મે મારા પ્રભાવશાળી પિતા થી બગાવત કરી હતી. એક સુંદર ચહેરો... જેમાં ખોવાઈ જતી મને જન્નત ફીકકી લાગી હતી. એક સુંદર ચહેરો... જે આજે પણ મારા હદયના એક ખૂણે ફાસ બની ડંખ આપી રહ્યો છે. એ હતી એક અનુપમ યૌવના... એક લાજવાબ સુદરી....રેગીસ્તાન ની મીઠી વીરડી... રણમાં ખીલ્યું ગુલાબ....મારી એટલે કે સ્મિત રાઠોડ ની અદુભૂત નાયિકા... મરુભૂમી ની મહોબ્બત.....