Mithadio in Gujarati Moral Stories by Reshma Kazi books and stories PDF | મીઠડીઓ

Featured Books
Categories
Share

મીઠડીઓ

       અમદાવાદ થી થોડે દૂર બાકરોલ ગામમાં શરીફાબાનું અને રજાકભાઈ નો પરિવાર તેમના બે પુત્રો સાથે રહેતો હતો.જોકે તેમને બે પુત્રીઓ પણ હતી જે પરણીને ઠરીઠામ થઇ ગઈ હતી.બંને પુત્રો સલીમ અને જુબેર હતા,જેમાં મોટો પુત્ર સલીમ પરિણીત હતો અને એક પુત્રનો પિતા હતો.જયારે નાના પુત્ર જુબેર માટે લગ્નની વાત ચાલતી હતી અને છોકરી જોવા માટે જવાનું હતું.જુબેરની બંને બહેનો શમીમ અને રેહાના પણ ભાઈ માટે છોકરી જોવા જાવાનું હોવાથી પિયર આવી ગઈ હતી.શરીફાબાનું ની બંને દીકરીઓ ને બે-બે દીકરાઓ હતા અને એ પણ ખાસ્સા મોટા થઇ ગયા હતા.
    
               વહોરાવાડ નાં ડેલાંમાં રહેેતા હલીમાબીબી કે જે છોકરા-છોકરીઓના સગપણની વાતો ચલાવતા હતા અને તેમણે જ જુબેર માટે ગામના તળાવની પાળ પાસે રહેતા ફરીદાબાનું ની દીકરી હિનાના સગપણની વાત ચલાવી હતી.ફરીદાબાનું અને શકુરભાઈને પાંચ દીકરીઓ અને બે દીકરા હતા.ત્રણ દિકરીઓનાં લગ્ન થઇ ચૂકયા હતા જયારે હિના ચોથા નંબરની દીકરી હતી.તેનાથી એક બહેન અને બે ભાઈઓ નાના હતા.ફરીદબાનું પાંચથી-છ ઘરનાં કામ કરતા હતા અને શકુરભાઈ લોડિંગ રિક્ષા ચલાવીને માલની હેરાફેરી કરતા હતા.જયારે નાની બંને દીકરીઓ પણ પાંચ ઘરનાં કામ કરતી હતી.આમ નાનપણથી જ ફરીદાબાનું ની પાંચેય દીકરીઓ એ માતા-પિતાને ઘર ચલાવવામાં પૂરેપૂરી મદદ કરી હતી.પરિવાર સામાન્ય હતો.રોજનું રોજ લાવીને ગુજરાન ચલાવતો હતો.તો સામે પક્ષે જુબેરનો પરિવાર પણ સામાન્ય હતો.જુબેર જાજું ભણેલો નહોતો ફક્ત વાંચી લખી શકતો હતો અને રિક્ષા ચલાવીને પરિવાર ને મદદરૂપ થતો હતો.જયારે હિના તો લખી વાંચી શકે તેટલું પણ ભણેલી નહોતી છતાંય ખૂબ હોશિયાર હતી અને કમાઈને તેના માં-બાપને આપતી હતી.તે ભણેલી નહોતી પણ ગણેલી તો હતી જ..
             આખરે છોકરીને જોવા જવાનો દિવસ આવી ગયો.શરીફાબાનું પોતાના પૂરા પરિવાર સાથે હાલીમબીબી ને લઈને ફરીદાબાનું ના ઘરે પહોંચ્યા. માંડ સોળેક વરસની હિના ને લગ્ન વિશે ખાસ કાંઈ ગતાગમ પડતી નહોતી.તેની માતાએ તેને કહ્યું તું કે છોકરાઓ વાળા જોવા આવે છે તો વ્યવસ્થિત વાત કરજે અને સખણી બેસજે.આખો દિવસ હલ-હલ કરેશ એમ એમની આગળ કરતી નહીં.હિના ને છોકરાઓ વાળાની સામે બેસાડી.સામે ટેબલ ઉપર તેની ભાણેજ ની પડેલી ઢીંગલી લઈને હિના રમવા માંડી.જુબેર તેને એકીટશે જોઈ રહ્યો હતો.હલીમાબીબી એ હિના નાં હાથમાંથી ઢીંગલી લઈને જુબેર સામે આંગળી ચીંધીને બતાવ્યો કે જો બેટા આ જુબેર છે.હિના એ જુબેર સામે જોયું તો એ એને હલકું સ્મિત આપી રહ્યો હતો,હિના એ જાજું ધ્યાન ના દીધું.ફરીથી જુબેર સાથે નજર મળતા તે હસી રહ્યો તો,હિના એ તેની સામે મોઢું બગાડ્યું.ફરીદાબાનું એ હિના ને બધાને શરબત આપવાનું કહ્યું.હિના એ બધાને શરબત આપ્યો અને જેવો શરબતનો ગ્લાસ જુબેરને આપવા ગઈ તો તેના હાથ ધ્રૂજવા માંડયા અને આખો ગ્લાસ જુબેરનાં શર્ટ ઉપર ઢોળાઈ ગયો.હિના ડરી ગઈ અને જોર-જોરથી રડવા લાગી. હલીમાબીબી એ હિના ના માથે હાથ ફેરવીને બોલ્યા...અરે મારી દીકરી ! એમાં રોવાનું શું હોય? તું તો નાનું બાળ છે,આવી ભૂલ તો થયા કરે,ચૂપ થઇ જા મારા પેટ...શરીફાબાનું અને જુબેર ને હિના પસંદ આવી ગઈ હતી અને જુબેરનાં પરિવારે ત્યાંજ સંબંધ માટે હામી ભરી દીધી.સામે ફરીદાબાનું ના પરિવારે પણ એક પણ વખત હિના ની મરજી શું છે તે જાણ્યાં વગર સંબંધ નક્કી કરી નાખ્યો.તેમના ગયા પછી હિના એ વિરોધ કર્યો કે મારે આ લગ્ન નથી કરવા,મને છોકરો નથી ગમતો.અને લગ્નની આટલી જલ્દી શું છે? થોડા સમય પછી કરશુ તો શું બગડી જવાનું? હિના ની વાત સાંભળી તેના પિતા જોર થી બોલ્યા...હવે તું અમને શિખવાડીશ કે શું કરવું જોઈએ?અમે તારો સંબંધ નક્કી કરી નાખ્યો છે અને જલ્દી તારા લગ્નની તારીખ નક્કી કરી નાખશું.તારે હવે એકપણ શબ્દ બોલવાનો નથી.ફરીદા! સમજાવી દે જે તારી દીકરી ને...

        આખરે લગ્નની તારીખ નક્કી થઇ ગઈ અને નિકાહનો દિવસ આવી ગયો.હિના અને જુબેરનાં નિકાહ થઇ ગયા.હિના તેનાં સાસરે જતી રહી અને મનોમન નક્કી કરી લીધું કે હવે આ જ તેનું જીવન છે અને હસતે મોંઢે નિભાવી લેવું.તેનું લગ્નજીવન સારી રીતે આગળ ચાલી રહ્યું હતું.તેના લગ્ન ને ત્રણ મહિના થઇ ચૂકયા હતા.તેની તબિયત સારી નહોતી રહેતી ,ડોક્ટર ને બતાવતા તેને સારા દિવસો જઈ રહ્યા છે તેની જાણ થઇ હતી.જેને હજી કોઈ પ્રકારની ગતાગમ નહોતી પડતી તે સત્તર વરસની હિના ગર્ભવતી થઇ ચુકી હતી.જુબેરનાં પરિવારનો ખુશીનો પાર નહોતો.જુબેર પણ ખૂબ ખુશ જણાતો હતો અને હિના ને કહેતો કે..મારો દીકરો આવશે એની સાથે હું  ખૂબ રમીશ.. તો હિના સામે કહેતી એવું જરૂરી થોડી છે...દીકરો જ આવે...દીકરી પણ આવે એમાં શું ફરક પાડવાનો છે? તો જુબેર એને ટોકતો...આવું શું બોલે છે? મારે દીકરો જ આવશે...અને મારે દીકરો જ જોઈએ છે.જુબેરની આ વાત સાંભળી હિના ને ફફડાટ પેસી ગયો તો કે દીકરી આવશે તો શું કરીશ?                       આખરે નવ મહિના વીતી ગયા અને હિના ને દીકરી જન્મી.હોસ્પિટલ માં જુબેરે પોતાની નવજાત બાળકીને એકપણ વાર હાથમાં ના લીધી.જુબેરનાં પરિવારજનો ખુશી મનાવવાને બદલે એકબીજાને દિલાસો દેતા હતા કે કંઈ નહિ આ વખતે દીકરી થઇ છે હવે બીજી વાર દીકરો થશે...આ બધા અપવાદો ની વચ્ચે જુબેરનાં પિતા સૌથી વધુ ખુશ હતા અને પોતાની નાનકડી પૌત્રીને ખોળામાં લઈને ફરતા તા ને બધા ને કહેતા...જુઓ! મારી નાનકડી ઢીંગલી આવી ગઈ છે.આ જોઈને હિના નાં હરખનો પાર નહોતો રહેતો.હિના ની દીકરીનું નામ નિલોફર તેના દાદાએ રાખ્યું હતું.
              નિલોફર મોટી થઇ રહી હતી પણ તેના ઉછેરમાં જુબેર કોઈ સાથ સહકાર આપતો નહીં.એવામાં હિના બીજીવાર ગર્ભવતી થઇ તો ફરી પાછો છોકરા ની આશ માં જુબેર હીનાનું ધ્યાન રાખવા લાગ્યો અને નિલોફરને પણ થોડીવાર રાખવા લાગ્યો.પ્રસૂતિ પીડા ઉપડતાં હિના ને હોસ્પિટલ લઇ ગયા ત્યાં ફરી હિના એ દીકરી ને જન્મ આપ્યો.આ સાંભળતા ની સાથે જુબેર હિના ને પરિવારજનોના હવાલે મૂકી ને ઘરે જતો રહ્યો.બીજી દીકરીનું નામ શાહીન પાડવામાં આવ્યું.પહેલાની જેમ જુબેર દીકરીઓ ના ઉછેરમાં કોઈ જવાબદારી નિભાવતો નહોતો.હવે તે બરાબર ધંધે પણ નહોતો જતો.જેના કારણે હિના એ ત્રણ ઘરનાં કામ બાંધી લીધા હતા.નાનકડી દીકરીઓને ઘરે દાદા-દાદી પાસે મૂકી ને જતી.દાદા જોડે ખીલખીલાટ હસતી-રમતી દીકરીઓને એકવાર જોવાની પણ જુબેર તસ્દી લેતો નહોતો.હવે ફરી એકવાર હિના ગર્ભવતી થઇ.આ વખતે જુબેરે હિના ને ખુલ્લા શબ્દોમાં ધમકી આપી હતી કે જો હવે છોકરી આવશે તો હું તને તલ્લાક આપી દઈશ.જુબેર ની આ વાત આખો દિવસ હિના નાં મગજ માં ચકારાયા કરતી.આખરે તેણે આ વાત તેના માતા-પિતાને કરી.તેના બંને ભાઈઓ પણ મોટા થઇ ચૂક્યા હતા.આખરે આ વાત તેમની આખી જમાત સુધી પહોંચી અને જમાત નાં વડીલોએ સખત શબ્દોમાં તેનો વિરોધ કર્યો.અને જુબેર ને પોલીસ કેસ કરવાની ધમકી આપી.પોલીસ નાં ડર નાં માર્યે જુબેરે હિના ની માફી માંગી લીધી અને હવે આવું નહિ કરે તેવું વચન આપ્યું.
                આ વખતે પ્રસુતિ પીડા ઉપડતાં જુબેર તેને હોસ્પિટલ પણ ના લઇ ગયો અને ઘરે જ દાયણ પાસે પ્રસુતિ કારાવડાવી.આ વખતે પણ હિના ને છોકરી જન્મી.છોકરી જન્મતાં ની સાથે હિના જોર-જોરથી રડવા લાગી અને કહેવા લાગી...એ મારા અલ્લાહ! મને ખબર છે તને દીકરી ઓ ખૂબ ગમે છે..મને પણ ગમે છે...પણ હવે બસ.... મારામાં હવે બચ્ચાઓ જણવાની તાકાત નથી. ડિલિવરી ના હજી બે દિવસ પણ નહોતા થયા ત્યાં જુબેરે હિના ને ઢોર માર માર્યો હતો.હિના આ બધું ચૂપચાપ સહન કરતી અને બધું સારું થઇ જાય તેની દુઆ કરતી.ત્રીજી દીકરી નું નામ હુમા રાખ્યું હતું.તે પણ હરતી-ફરતી મોટી થવા લાગી હતી.                        
               જિંદગીનાં દિવસો ફટાફટ પસાર થઇ રહ્યા હતા.ત્યાં હિના ચોથીવાર ગર્ભવતી થઇ હતી.આ વખતે તેને આખી જમાત ભેગી કરાવી હતી અને નક્કી કર્યું હતું આ બાળક નાં જન્મ પછી હવે તે આગળ બાળક લાવશે નહીં અને જો તેને એમ કરવામાં મજબૂર કરવામાં આવશે તો કાનૂની કાર્યવાહી કરશે એવું લખાણ બધા ની હાજરી માં કરાવ્યું હતું.આખરે નવ મહિના વીતતા ફરીથી જમાત ના ડર ને કારણે હિના ને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં તેને ચોથી છોકરી ને જન્મ આપ્યો.આ વખતે હિના રડી નહિ બલ્કે ખુદાનો આભાર માનતા બોલી ઉઠી.."મને ખબર છે મારો રબ જયારે કોઈથી ખુશ થાય છે ત્યારે તે દીકરીઓને તેના ઘરે મોકલે છે,અને મારો રબ તો મારા ઉપર ચાર વખત ખુશ થયો છે અને મારી ઉપર મહેરબાન થયો છે,મને દિકરીઓથી નવાજવા બદલ મારા રબ હું તારો આભાર માનુ છું".આ જાહીલ બાપ દીકરીઓની ફઝીલત ને શું સમજશે?હું મારી દીકરીઓને મોટી કરીશ...અને મારી આ ચોથી દીકરી નું નામ રહેમત...અલ્લાહ ની રહેમત!એટલું બોલીને પોતાની દીકરી ને છાતી સરસી ચાંપી લીધી.
      
                 ત્રણેય દીકરીઓને દાદા-દાદી પાસે અને નાની દીકરીને કામે પોતાની સાથે લઇ જતી.જુબેર જમાત ની ડરે કાંઈ મગજમારી કરતો નહિ.એક દિવસ રસ્તામાં શાળામાં જુબેર ની સાથે ભણતો મિત્ર સલીમ જુબેર ને મળી ગયો.તેનો મિત્ર ભણીને એન્જિનિયર બની ગયો હતો,એના લગ્ન થઇ ચુક્યા હતા.તો જુબેર બોલ્યો મારાય લગ્ન થઇ ચુક્યા છે અને ચાર-ચાર છોકરીઓ માથે પડી છે.મારી ઘરવાળી અપશુકનિયાળ છે.દીકરીઓ ને જ જન્મ આપ્યે રાખે છે,હવે હું છોકરીઓથી કંટાળી ગયો છું.સલીમ બોલ્યો આ તું કેવી વાત કરે છે?દીકરીઓ તો ઉપર વાળો ખુશ  થાય ત્યારે કોઈકને આપે છે.અરે! લોકો દીકરીઓ માટે તરસે છે અને તું તેમને ધુત્કારે છે?શરમ આવવી જોઈએ તને...મારે પણ બે દીકરીઓ જ છે અને હું તેમનાથી ખૂબ ખુશ છું. અને તને કોણે કીધું મહિલા નાં કારણે દીકરીનો જન્મ થાય છે?એ સાચું મહિલા બાળક ને જન્મ આપે છે પણ દીકરી કે દીકરો આવવો એ ફક્ત પુરુષ નાં કારણે છે. વિજ્ઞાન કહે છે..મહિલા ની અંદર ફક્ત x ક્રોમૉસોમ હોય છે જયારે પુરુષની અંદર xઅનેy ક્રોમૉસોમ હોય છે.એટલે જો x અને x ક્રોમૉસોમ નું મિલન થાય તો દીકરી અને x અને y નું મિલન થાય તો દીકરો જન્મે છે. મહિલા ની અંદર y ક્રોમૉસોમ હોતા જ નથી તો દીકરી પેદા થવામાં એ કઈ રીતે કારણરૂપ થઇ શકે...એ માટે ફક્ત અને ફક્ત પુરુષ જ જવાબદાર છે.પણ તારા જેવો અભણ અને અણઘડ માણસ એ વાત ક્યાંથી સમજે.જો ભાઈ હજી સમય છે સુધરી જા અને ભાભી અને દીકરીઓને સારી રીતે રાખ અને એક પતિ અને બાપ તરીકે તારી ફરજ છે.અને જો એ તારા રૂઠી ગયા તો સમજ કુદરત તારાથી રૂઠી ગયો.એટલે જલ્દી જા તારી પત્ની અને તારી મીઠડીઓ પાસે...એમને એક વાર ગળે લગાડીને તો જો જે કેટલા સંતોષ નો અનુભવ થશે તને...જુબેરની આંખોમાંથી આસુંઓ વહેવા લાગ્યા અને સલીમ ને ગળે લગાડી ને સીધો પોતાના ઘર તરફ દોડ્યો.રસ્તામાં એક જ વાત બોલ્યે જતો હતો..યા પરવરદિગાર! મને માફ કરી દે,બહુ મોટી ભૂલ થઇ ગઈ તે આપેલી ભેટ ને સમજી ના શક્યો...મને માફ કરી દે...મને માફ કરી દે.....ઘરે પહોંચીને દરવાજો ખોલી ને જોર થી બોલ્યો મારી ચારેય દીકરીઓ....મારી મીઠડીઓ.....ક્યાં છો? તમારા આ બદનસીબ બાપ ને માફ કરી દો.... ત્યાં ત્રીજા નંબર ની દીકરી ચોકલેટથી બગડેલા મોઢા સાથે કાલીઘેલી ભાષમાં બોલી...આ લઇ અબ્બા! તમાલી દિકલી....આટલું સાંભળતાજ જુબેરે હુમાને ઊંચકી લીધી અને ચુમ્મીઓથી નવડાવી દીધી.આ બધું જોઈને હિના રસોડાની બહાર આવી તો જુબેર હુમાને નીચે ઉતારીને સીધો હીનાના પગે પડી ગયો અને રડી ને માફી માંગવા લાગ્યો..હિના! મને માફ કરી દે! મેં તને અને આપણી દીકરીઓને ખૂબ હેરાન કરી છે, પણ હવે મને મારી ભૂલ નો એહસાસ થઇ ગયો છે.હવે તારી અને આપણી દીકરીઓની જવાબદારી મરતા દમ સુધી નિભાવીશ. એમને ખુબ ભણાવીશ...હિના એ જુબેર ને ઉભો કર્યો અને બોલી...અલ્લાહ એ મારી દુવા સાંભળી લીધી...તારો લાખ લાખ શુકર....તમે બસ હવે આવા જ રહેજો અને કોઈ દિવસ ના બદલતા...જુબેર હિના નાં માથે હાથ રાખીને બોલ્યો....કોઈ દિવસ નહિ બદલું...હવે મારા ઉપર વિશ્વાસ રાખ...તારો વિશ્વાસ ક્યારેય નહિ તોડું.એટલું કહી ને હિના ને ગળે લગાડી દીધી.ચારેય દીકરીઓ પહેલીવાર માં-બાપને આ રીતે જોઈને ખુશ થઈને તાળીઓ વગાડવા માંડી... હિના બોલી ઉઠી આજે તો હું તમારી બાપ-દિકરીઓનું પસંદ નું ખાવાનું બનાવીશ..તો જુબેર બોલી ઉઠ્યો...ના! હવેથી દરરોજ ફક્ત મારી મીઠડીઓની પસંદનું ખાવાનું બનશે....ચોકલેટ ખાતી ચારેય દીકરીઓની સામે જોઈ ને જુબેર બોલ્યો....શું ખાવ છો? મારી દીકરીઓ...અબ્બાને નહિ ખવડાવો?ખવડાવશું ને અબ્બા! એટલું કહીને ચારેય દીકરીઓ જુબેરનાં ખોળામાં બેસી ગઈ અને લો અબ્બા,મારી ચોકલેટ ખાવ...મારી ખાવ...એમ કરી ને જુબેરનું આખું મોઢું ચોકલેટ વાળું કરી નાખ્યું...જુબેરની મોટી છોકરી બોલી અબ્બા...ચોકલેટ મીઠી છે ને?તો જુબેર બોલ્યો...ના મારી મીઠડીઓ.....તમારા કરતા આ ચોકલેટ મીઠી હોઈ જ ના શકે...તમે છો તો જ મારા જીવનમાં મીઠાશ છે...એટલું બોલીને પોતાની ચારેય દીકરીઓને ગળે લગાડી લીધી,અને બીજી તરફ હિના સજદા માં જઈને દિકરીઓનાં રૂપમાં ખુશીઓ આપવા બદલ ખુદાનો આભાર માનવા લાગી.