આજે અમાસની રાત હતી. ચાંદ અને ચાંદનીના અધુરા મિલાપની પૂર્ણાહુતિ થઈ હોય તેવો અંધકાર આજે ધરતીને પણ કાળી ઓઢણી ઓઢાડી રહ્યો હતો. પવન જોરસોરથી ફુંકાઈ રહ્યો હતો. રાતના દોઢ વાગ્યા હતા અને રસ્તો સુનસાન હતો. કોઈપણ પ્રકારના પગરવ વગર રસ્તો સોહામણો લાગતો હતો.
સોમિલે ઝાડીમાંથી નીકળીને જોયું તો મુખીના ગુંડાઓ જતા રહ્યાં હતા. એ એનો જીવ લેવા માંગતા હતા. મહામુસીબતે સોમિલ પોતાનો જીવ બચાવી ગામથી દૂર ઝાડીમાં ભરાણો હતો. દોડતા દોડતા ચાકુના ઘા થી એ ઝુકી ને બચ્યો અને ઝાડીમાં છુપાણો હતો.
રાધાના પ્રેમમાં પાગલ સોમિલ રાધા માટે કંઈ પણ કરી શકે તેમ હતો. મુખીની એકની એક દીકરી છે રાધા. બેઉ એક થાય એવી મુખીની સંમતિ નહોતી. તેથી જ સોમિલ જીવ બચાવતો ફરતો હતો. ઘણી વખત ક્યાંક દૂર જતા રહે એવા વિચારો પણ આવી જતાં. પરંતુ વડીલોના આશીર્વાદ વગર ઘરસંસાર ન માંડવાના સોંગદ લીધેલા બન્નેએ. પ્રેમ શબ્દ ભલે અધુરો હોય પણ રાધા ને સોમિલ બે દેહ એક જીવ હતા.
એક દીકરીનો હાથ સોંપી શકાય એટલો કાબીલ હતો સોમિલ. મા બાપની છત્રછાયા વગર ઉછરેલો સોમિલ દુનિયાદારી સમજી ગયો હતો. ગામમાં દીકરી ન દેવાના રિવાજ સિવાય બીજું કંઈ ઘટે એવું નહોતું. મુખીની દીકરી પ્રેમ લગ્ન ન કરે એ જ વિચારથી મુખી સુનિલને મારી નાખવા માગતા હતા.
આ બાજુ રાતના અંધકારમાં સુનિલ ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યો હતો.
શામજીઆતા એટલે ગામનું અકિલા. દિવસે ના ઊંઘે ને રાતના તો રાજા હતા સમજુબા ના ગયા પછી સાયકલ ને શામજીઆતા બંને ગામમાં ફરતા રહે પછી દિવસ હોય કે રાત. સંતાનમાં ભગવાને ખોટ રાખી હતી વારસો તો હતો નહીં. ખેતરને ગામ એમ બંને જગ્યાએ રખોપા કરતા રહે જે રસ્તેથી સોમીલ આવી રહ્યો હતો એ જ રસ્તા પર શામજી આતા સાઇકલ દોરીને ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. એ જ રસ્તે બાપા નું ખેતર હતું ઘરે ઊંઘ ના આવતા વાડીએ જઈને સુવાનું વિચાર્યું એટલે નીકળી પડ્યા ખંભે ધાબડીને હાથબતી લઈને સાઇકલ સાથે.
ગામની બહાર નદી વટાવી ત્યાં જ રસ્તા પર કોઈક સૂતું પડ્યું હોય એવું લાગ્યું સાયકલ બાજુ પર રાખી કોણ છે એ જોવા રોકાયા. દૂરથી કોઈ દારૂડિયો દિશામાં પડયો હશે એવું વિચાર્યું પાસે જઈ જોયું તો પીઠ પર છરીના ઘા જોયા. હેબતાઈને મોં જોયું કરૂણભરી ચીસ સાથે સોમિલ શબ્દો ઉચ્ચાર્યા.
શામજીઆતા આવા પવનમાં પરસેવે રેબઝેબ થઈ ગયા. ફટાફટ સાઇકલ લઇને મોટરબાઈકની સ્પીડમાં ચલાવતા ચલાવતા ગામમાં આવ્યા. ઘણી ડેલી ખખડાવી અને બધાને કહ્યું કે સોમિલની લાશ રસ્તામાં પડી છે આ બાજુ સમી સાંજમાં મુખી ની દીકરી ના આકસ્મિક મૃત્યુનાં સમાચારથી ગામ ક્ષોભમાં હતું. ને એ જ રાત્રે આ જુવાનની લાશ ગામ ના પાદરે.
સોમીલ રસ્તામાં નદીથી થોડો આગળ આવ્યો તો અડધી રાતમાં ગામના લોકોનું ટોળું રસ્તા પર હતું. જોઈને ડઘાઈ ગયો પણ શું છે? એ જોવા માટે તે પણ ગામ ભણી ઝડપથી ચાલવા લાગ્યો અચાનક શરીર માં પીઠ પર પીડા થવા લાગી પણ તે અવધૂત કરી તે આગળ વધ્યો.
આજે એને ભીડમાં પણ ઝડપથી રસ્તો કરી લીધો. ટોળા વચ્ચે લાશ પડી હતી લાશનું મોં ના જોયું અને ત્યાં મુખી આવશે ને એને જોશે તો પકડી લેશે એવા ડરથી ટોળાની બહાર નીકળવા ગયો. ત્યાં જ એણે સાંભળ્યું કે આજે ગામમાં કપરી ઉપાધિ બેઠી છે. હોળીની ઝાર ગામ ભણી હોય તો ઝાઝા જીવ લે ભાઈ,
ને આ વર્ષે તો ઝાર ગામ ભણી જ હતી એક દી' માં બે - બે જીવ દીધા હતા.
આ ઉંમરે હશે રમે એવડા બે નાના જીવ લઈ લીધા ભગવાને...
મુખીની એકની એક દીકરી આજે અમાસ નો ચાંદ ક્યાં છુપાયો એ શોધવા અગાસી પર જોવા ગઈ ને લપસી ગઈ.
અને આ સોમિલ બાપડાને મા બાપ નંબરે તોય એકલા તાગે બધે જ્યાં હોય ત્યાં આગળ જ હોય ગામના ધર્માદા થી લઈને સેવા સુધી બિચારાએ બાળપણનું સુખ તો ના જોયું ને ભરજુવાનીમાં વિધાતાએ દીવો ઓલવી નાખ્યો.
સોમીલ ફરીથી ટોળા વચ્ચે લાશ જોવા ગયો તો તેની લાશ. બધાને કઈ રહ્યો હતો કે હું અહીં જ છું પણ કોઈ તેને સાંભળી શકતું નહોતું. ઘણું રડ્યો. રાડો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં શામજીઆતા એ તેના દેનકરીયા (દેહનો અગ્નિસંસ્કાર) કરવાનું પોતાના માથે લીધું.લાશ લઈ સૌ સોમિલની ડેલીએ ગયા.
સવારના સૂરજના વધામણાં આજે ગામને માઠાં લાગતા હતા. નવા ઉમળકાની જગ્યાએ આંસુની ધારા સારતા'તા.
આજે સ્મશાન ભણી બે લાશો એકસાથે સળગવાની હતી. સોમીલ પણ પોતાની રાધા ની લાશ ને જોઈને બોલતો હતો કે મારી રાધા મરી નથી એને મારી નાખી છે. એના નરાધમ બાપે પણ કોણ સાંભળે? કોઈ એને જોતું ન હતું કોઈ એને સાંભળતું નહોતું. બેઈની ચિતા બાજુમાં હતી.
એક સ્મશાનમાં બે દેહને એક જીવ આજે એક થયા. સાથ તો ના રહ્યો સદા નો બસ બળવા ભેગા થયા.