Murder at riverfront - 4 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર @ રિવરફ્રન્ટ - 4

Featured Books
Categories
Share

મર્ડર @ રિવરફ્રન્ટ - 4

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:4

એસીપી રાજલને એક રહસ્યમયી બોક્સ મળ્યાંનાં બીજાં દિવસે એક અનામી લાશ મળી આવે છે.ભોગ બનેલી યુવતીની જોડેથી એક બોક્સ મળી આવે છે જેની ઉપર રાજલનું નામ હોય છે એટલે કેસ ની તપાસ કરતો વિનય પોલીસ ટ્રેઈનિંગ દરમિયાન પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી પણ અત્યારે પોતાની સિનિયર રાજલને ઘટના સ્થળે બોલાવે છે..રાજલ વિનય જોડેથી એ બોક્સ લઈને પોલીસ સ્ટેશન આવે છે.આ બોક્સમાં પણ પ્રથમ બોક્સ જેવી જ વસ્તુઓ મળી આવે છે..એ બંને બોક્સ મોકલનારાં વ્યક્તિને આખરે સાબિત શું કરવું હતું એ વિચારતાં જ રાજલને એક વિચાર સ્ફુરે છે અને એ ગઈકાલ સાંજની CCTV ફૂટેજ જોવાં કોમ્પ્યુટર રૂમમાં પહોંચે છે.

લલિતે રાજલનાં કહ્યાં મુજબ ચાર વાગ્યાં પછીનું CCTV રેકોર્ડિંગ શરૂ કર્યું..શરુવાતમાં તો બહાર લોબીની પાટલી પર કોઈ બેસેલું ના દેખાતાં રાજલે લલિતને એ રેકોર્ડિંગ ફાસ્ટ ફોરવર્ડ ચલાવવાનું કહ્યું..સવા પાંચ આજુબાજુ અમુક લોકોનું ટોળું પોલીસ સ્ટેશનની કેબિનની બહાર એકત્રિત થયું હતું..રાજલને ખબર હતી કે એ લોકો એક જમીન નાં કેસમાં થયેલાં વાંધાનાં લીધે આવ્યાં હતાં..રાજલની નજર 5:39 વાગ્યાનાં રેકોર્ડિંગ પર પડી જ્યાં એક બુરખો પહેરેલી સ્ત્રી લોબીમાં મુકેલ લાકડાંની પાટલી પર બેઠી હતી.

આ સ્ત્રીનો આખો ચહેરો ઢાંકયેલો હતો અને એનાં વારંવાર ડોકું ઘુમાવી આમતેમ જોવાની હરકત પરથી રાજલે એ કયાસ કાઢી લીધો હતો કે બોક્સ મુકનારી સ્ત્રી એ જ હોવી જોઈએ..રાજલે લલિતને હવે પછીનું રેકોર્ડિંગ રેગ્યુલર સ્પીડમાં જ ચલાવવા કહ્યું.થોડીવાર પછી એ સ્ત્રી દ્વારા પોતાનાં બુરખાની અંદરથી એક ગિફ્ટ બોક્સ બહાર કાઢવામાં આવ્યું અને ધીરેથી એને પાટલી પર મુકવામાં આવ્યું..બોક્સ મૂક્યાં બાદ આજુબાજુ નજર ઘુમાવી એ સ્ત્રી પાટલી પરથી ઉભી થઈ અને ત્યાંથી ચાલી નીકળી.

"લલિત બેક લે તો..જસ્ટ ત્રીસ સેકંડ પહેલાં નું.."લલિતને ઉદ્દેશીને કોમ્પ્યુટરની નજીક પોતાનો ચહેરો લગોલગ લઈ જતાં રાજલ બોલી.

"જી મેડમ.."આટલું બોલી લલિતે રેકોર્ડિંગ ને રિવાઈન્ડ કર્યું અને ત્યાં લાવીને મુક્યું જ્યાં એ બુરખો પહેરેલી સ્ત્રી પેલું ગિફ્ટ બોક્સ બુરખામાંથી નીકાળી રહી હતી..જેવી એ સ્ત્રી બોક્સ મૂકીને ઉભી થઈ એવું જ રાજલ લલિતનાં ખભે હાથ અડકારી મોટેથી બોલી.

"સ્ટોપ.."

એ સાથે જ લલિતે એ સમયે સ્ક્રીન પર ચાલતું રેકોર્ડિંગ સ્થિર કરી દીધું..સાગર અને લલિત હજુપણ સમજી નહોતાં રહ્યાં કે આ બધું રાજલ કેમ એમની જોડે કરાવી રહી હતી..રાજલે એક ધ્યાને કોમ્પ્યુટરની સ્ક્રીન પર એ સાથે જ મીટ માંડી અને બોલી.

"લલિત,થોડું ઝૂમ કરી એ મહિલાનાં પગ તરફ લઈ જા.."

લલિતનાં આમ કરતાં જ રાજલનાં ચહેરાનાં ભાવ બદલાઈ ગયાં.. કોઈ મોટી સફળતા હાથ લાગી હોય એમ રાજલ લલિત અને સાગર તરફ જોઈને બોલી.

"હમ્મ..કંઈ સમજાયુ તમને.."

લલિત અને સાગરનું ધ્યાન પણ એ સ્ત્રીનાં પગમાં પહેરેલાં શૂઝ ઉપર સ્થિર હતી..એ સ્ત્રી જેન્ટ્સ શૂઝ પહેરેલી હતી..એ જોતાં જ સાગર અને લલિત એકસાથે બોલી પડ્યાં.

"મતલબ એ એક સ્ત્રી નહીં પણ પુરુષ હતો.."

"હા..રાઈટ.એ એક પુરુષ હતો..thanks.. આ રેકોર્ડિંગ ની એક સીડી બનાવી રાખજો..ભવિષ્યમાં જરૂર પડી શકે છે.."આટલું કહી રાજલ કોમ્પ્યુટર રૂમમાંથી બહાર નીકળી ગઈ.

ત્યાંથી નીકળી રાજલ પાછી પોતાની કેબિનમાં આવીને બેસી ગઈ..રાજલ મનોમન વિચારી રહી હતી કે પોતાને બોક્સ મોકલાવનારો અને એ અનામી યુવતીની હત્યા કરનારો વ્યક્તિ ખૂબ શાતિર હતો..કેમકે એ વ્યક્તિ એક બોક્સને મુકવામાં આટલી ચોકસાઈ રાખતો હોય એ ખરેખર કોઈ સામાન્ય તો કાતીલ નહોતો જ..અને એ સીધેસીધો પોતાને ચેલેન્જ કરી રહ્યો હતો કે પોતે એને પકડી લે.

રાજલ એ વિષયમાં વધુ વિચારે એ પહેલાં તો ખમાસા જોડે તોફાની તત્વો દ્વારા બખારો કરવામાં આવતાં રાજલને તાબડતોડ ટોળાં ને વેરવિખેર કરવાં ત્યાં જવાની ફરજ પડી..આ બધું પૂર્ણ કરી રાજલ જ્યારે પોલીસ સ્ટેશન પરત ફરી ત્યારે સાંજનાં સાત વાગી ગયાં હતાં.. રાજલે આવતાં ની સાથે પોતાની બુલેટ સ્ટાર્ટ કરી અને પોતાનાં ફ્લેટની તરફ નીકળી પડી.

ફ્લેટ પર પહોંચી રાજલે ફ્રેશ થઈ જમવાનું બનાવ્યું અને પછી ભોજન કરીને બધું કામ પતાવી નવ વાગે VTV ગુજરાતી ચાલુ કરીને દિવસભરની ખબરો જોવાનું ચાલુ કર્યું..થોડીવારમાં જ આજે સવારે રિવરફ્રન્ટ પર મળેલી એ યુવતી વિશેની ન્યૂઝ શરૂ થતાં રાજલે પોતાનાં કાન સરવાં કર્યાં અને ન્યૂઝ રિપોર્ટર શું કહી રહ્યો હતો એ ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું.

"આજે સવારે એક યુવતીની લાશ એલિસબ્રિજ જોડે રિવરફ્રન્ટ રોડની નજીક આવેલાં ભક્તિભાઈ ગાર્ડન જોડેથી મળી આવી..પોલીસ તપાસમાં અત્યાર સુધી તો આ હત્યા કોને અને કેમ કરી એ વિશે કંઈપણ સબુત પ્રાપ્ત થયું નથી..પણ તાજાં મળેલાં સમાચાર મુજબ એ યુવતીની ઓળખ બહાર આવી ગઈ છે..ફેસબુક પર એ યુવતીનાં અમદાવાદ સીટી પોલીસનાં એકાઉન્ટ પર મુકવામાં આવેલાં ફોટો ઉપરથી કોઈએ આ કેસની તપાસ કરી રહેલાં વેસ્ટરિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ વિજય મજમુદાર ને એ યુવતી નો પરિચય આપ્યો..અમારાં રિપોર્ટર ને મળેલી જાણકારી મુજબ એ યુવતીનું નામ ખુશ્બુ સક્સેના હતું અને એ મેઘાણીનગરની શારદા સોસાયટીમાં રહેતી હતી.."

"પોલીસ ને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ચુક્યો છે..પણ એ વિષયમાં પોલીસ મગનું નામ મરી પાડવાં તૈયાર નથી..યુવતીનો પરિવાર પહેલાં તો એમની દીકરીનો હત્યારો ના પકડાય ત્યાં સુધી એનાં મૃતદેહ ને સ્વીકારવાની ના પાડતાં હતાં પણ અમુક મોટાં લોકોની સમજાવટથી અત્યારે તો એમને ખુશ્બુનો મૃતદેહ એમને સ્વીકારી લીધો છે પણ જલ્દી માં જલ્દી ખુશ્બુનો હત્યારો નહીં પકડાય તો સામુહિક આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી છે.."

આ સાથે જ રિવરફ્રન્ટ જોડે મળેલી ખુશ્બુ નામની યુવતીનાં કેસ વિશેનાં સમાચાર પૂર્ણ થયાં એટલે રાજલે ટેલિવિઝન બંધ કર્યું અને પછી પોતાનાં બેડરૂમમાં જઈને પલંગ પર લંબાવ્યું.જ્યાં સુધી ઉંઘ ના આવે ત્યાં સુધી સમય પસાર કરવાનાં હેતુથી રાજલે પોતાનાં મોબાઈલમાં ઈન્સ્ટોલ માતૃભારતી એપ્લિકેશન ઓપન કરી અને એમાં મોજુદ જતીન.આર.પટેલ ની ક્રાઈમ થ્રિલર ચેક એન્ડ મેટ વાંચવાનું શરૂ કર્યું.વાંચવાથી મગજ તેજ થાય છે એવું દ્રઢપણે માનતી રાજલ સમય પસાર કરવાં વાંચનનો સહારો લેતી..એમાં પણ ગુજરાતનાં શ્રેષ્ઠ લેખકોની રચનાઓને મોબાઈલ દ્વારા હાથવગી કરનારી માતૃભારતી એપ્લિકેશન તો રાજલ ની ફેવરિટ એપ હતી.

ચેક એન્ડ મેટ નોવેલ આખી વંચાઈ ગયાં બાદ રાજલે એક ગ્લાસ દૂધ પીધું અને પછી સુવા માટે લંબાવ્યું..આંખો બંધ કરતાં જ રાજલની આંખો સામે ખુશ્બુની લાશ આવી ગઈ..ત્યારબાદ એ બુરખો પહેરેલો પુરુષ,ગિફ્ટ બોક્સ,ગિફ્ટ બોક્સની અંદરનાં રમકડાં બધું જ વારાફરથી કોઈ ફિલ્મની રિલની માફક રાજલનાં માનસપટલ પર દોડવા લાગ્યું.

"કંઈક તો હતું જે હત્યારો ફક્ત પોતાને જ જણાવવા માંગતો હતો..કે પછી એ એવું ઈચ્છતો હતો કે હું જ આ કેસ સોલ્વ કરું.."મનોમન રાજલ આવું વિચારી રહી હતી.

આખરે વિચારોનું ચક્રવાત એની ઊંઘ હરામ કરી રહ્યું હતું..આખરે રાજલે નક્કી કર્યું કે પોતે ખુશ્બુ મર્ડર કેસ અંતર્ગત કાલે સવારે જ DCP રાણા ને મળીને આગળ શું કરવું એની વાતચીત કરી જોશે..આટલું નક્કી કર્યાં બાદ રાજલ નાં મનમાં ઉફાને ચડેલાં વિચારોનો દરિયો ઠંડો પડ્યો હતો.થોડીવારમાં રાજલ ને ઊંઘ આવી ગઈ.

**********

સવારે રાજલ તૈયાર થઈને પોતાનાં યુનિફોર્મમાં સજ્જ થઈ બુલેટ પર સવાર થઈ પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગઈ..આજથી એનાં ફ્લેટ પર સાફ-સફાઈ માટે એમ કામવાળી પણ આવવાની હોવાથી રાજલ જતાં જતાં પોતાનાં ફ્લેટની ચાવી સિક્યુરિટી કેબિનમાં આપીને ગઈ હતી.

રાજલ પોલીસ સ્ટેશનમાં પહોંચી જેવી પોતાની કેબિનમાં આવી એ સાથે જ ઇન્સ્પેકટર સંદીપ પોતાનાં હાથમાં એક કાગળ લઈને રાજલની કેબિનમાં પ્રવેશ્યો.અંદર પ્રવેશતાં જ એ કાગળ રાજલને આપતાં એને કહ્યું.

"મેડમ આ ગિફ્ટ બોક્સ ની ઉપર મળેલી ફિંગરપ્રિન્ટની ફોરેન્સિક રિપોર્ટ.."

"શું કહે છે ફોરેન્સિક એક્સપર્ટ..?"રાજલે કાગળ તરફ જોયાં વગર સીધું જ સંદીપને પૂછ્યું.

"મેડમ..આની ઉપર ફક્ત તમારી જ ફિંગર પ્રિન્ટ મોજુદ છે..મતલબ કે બોક્સ ત્યાં મુકનારાં વ્યક્તિએ હાથમાં ગ્લોવસ પહેર્યાં હોવાં જોઈએ.."સંદીપ રાજલની વાતનો જવાબ આપતાં બોલ્યો.

"મતલબ કે બહુ ચાલાક છે ખૂની.."રાજલ બોલી.

"મેડમ..અમુક સવાલ હતાં જો તમે સહમતી આપો તો પૂછું.."અચકાતાં સુરમાં સંદીપ બોલ્યો.

"પહેલાં શાંતિથી બેસો..અને પછી જે પૂછવું હોય એ પૂછો.."રાજલને સામે ખુરશીમાં બેસવાનો આગ્રહ કરતાં રાજલે કહ્યું.

સંદીપે રાજલની સામે ટેબલની બીજી બાજુ ખુરશી પર સ્થાન લીધું અને રાજલની તરફ જોતાં કહ્યું.

"મેડમ..એ યુવતીનું નામ ખુશ્બુ હતું એ વિશે તો તમને માહિતી મળી જ ગઈ હશે..પણ તમને એ નહીં ખબર હોય કે એ યુવતીનો રેપ થયો જ નહોતો.."

"હું તમને એ પુછવા માંગુ છું કે ખુશ્બુની લાશ મળી એનાં આગળનાં દિવસે જ તમને એક બોક્સ મળવું અને ક્રાઈમ સ્પોટ પરથી પણ એવું જ બોક્સ મળવું એ બંને વચ્ચે કંઈક તો કનેક્શન હશે જ..મને ખબર છે કે કાલે તમે પરમદિવસ નું રેકોર્ડિંગ પણ ચેક કર્યું હતું..મેડમ,તમે જણાવી શકશો કે એ બંને બોક્સ ની અંદર શું હતું..?"

સંદીપનાં આ સવાલનાં જવાબમાં રાજલે એને પહેલાં અને બીજાં બોક્સમાંથી જે વસ્તુઓ મળી આવી હતી એ વિશે જણાવી દીધું..જોડે રાજલે પોતે CCTV રેકોર્ડિંગમાં કઈ વસ્તુ નોટિસ કરી એની પણ માહિતી સંદીપને આપી.રાજલની વાત સાંભળ્યાં બાદ સંદીપે કહ્યું.

"તો મેડમ,હવે આગળ..?"

"આગળ તો ચાલો તમે મારી જોડે..આપણે DCP રાણા ને મળવા જવાનું છે.."રાજલ બોલી.

"Ok.."સંદીપ ટૂંકમાં બોલ્યો.

થોડીવારમાં તો રાજલ અને સંદીપ પોલીસ જીપમાં બેસી નીકળી પડ્યાં DCP દામોદર રાણા ને મળવા માટે.DCP રાણા ખમાસા પોલીસ સ્ટેશનમાં બેસતાં હતાં.. ત્યાં પહોંચી રાજલે પોતે રાણા સાહેબને મળવાં આવી છે એવો સંદેશ DCP રાણા ની કેબિનની બહાર બેસેલાં દરવાનને આપ્યો..દરવાને જેવો રાજલનો સંદેશ રાણા સાહેબને આપ્યો એ સાથે જ રાજલને અંદર આવવાની અનુમતિ મળી ગઈ.

"જય હિંદ સર.."DCP રાણાની કેબિનમાં પગ મુકતાં જ રાજલે સન્માન અને અદબ સાથે કહ્યું.

"જય હિંદ ACP રાજલ દેસાઈ,બેચ નંબર 78,કેડર નંબર 6578..ટોપ કેડર ઈન IPS ટ્રેઈનિંગ એકેડેમી દહેરાદુન.."પોતાની જુનિયર પોસ્ટ પર હોવાં છતાં રાજલ તરફ સમ્માન ની નજરે જોતાં DCP રાણા બોલ્યાં.

"સર..હજુ તમને બધું યાદ છે..?"રાજલ હરખભેર બોલી.

"અરે કઈ રીતે ભૂલી શકું એ દસ દિવસ દહેરાદુન ટ્રેઈનિંગ સેન્ટરની લીધેલી મુલાકાત સમયે મેં જોયેલી અદભુત વિરાંગના ને..જે એકલાં હાથે પાંચ-પાંચ પુરુષ કેડર ને ધૂળ ચાટતાં કરી મુકતી..તારું ટ્રાન્સફર અમદાવાદમાં થયાં બાદ સૌથી વધુ ખુશ હું જ હતો..કે હવે આ શહેરમાં થી..ગુનો અને ગુનેગાર બંને ગાયબ થઈ જશે..ગર્વ છે મને તારા ઉપર.."રાજલની પંચલાઈન બોલતાં રાણા સાહેબે કહ્યું.

"Thanks sir.."રાજલ બોલી.

રાજલની જોડે આવેલો સંદીપ એ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયો કે શહેરનાં DCP પણ આ લેડીઝ ઓફિસર રાજલની બહાદુરીનાં કાયલ હતાં.

"રાજલ બેસ..તમે પણ ઓફિસર.."રાજલ અને સંદીપને બેસવાનું કહી DCP રાણા એ પ્યુન ને અંદર બોલાવી ચા અને નાસ્તો લઈ આવવાં કહ્યું.પ્યુનનાં જતાં જ DCP રાણા એ રાજલ ની તરફ જોઈને પૂછ્યું.

"બોલ બેટા, કેમ અહીં આવવાનું થયું..?કોઈ મારાં લાયક કામ હોય તો બેજીજક બોલ.."એક વખત દહેરાદુન IPS એકેડેમી ની ઓફિશિયલ મુલાકાત વખતે DCP રાણા ને ત્યાં એક બહાદુર ગુજરાતી લેડીઝ ઓફિસર નજરે ચડી જે રાજલ હતી..રાજલ ને પહેલાં અહીં જોઈ એમને તો નવાઈ લાગી કે જ્યાં ગુજરાતી યુવકો પણ GPSC ક્લિયર કર્યાં બાદ કલેકટર બનવાનું વિચારે છે ત્યાં આ એક યુવતી અહીં IPS ટ્રેઈનિંગ સેન્ટરમાં શું કરી રહી હતી..પણ જે ઝુનૂનથી રાજલ દરેક ટ્રેઈનિંગ સેશનમાં ભાગ લેતી એ જોઈ રાણા સાહેબ તો દાંત નીચે આંગળા દબાવતાં રહી ગયાં.દસ દિવસ સુધી રાજલ સાથે વારંવાર થયેલી મુલાકાત બાદ એમને રાજલ જોડે એક આત્મીયતા બંધાઈ ગઈ હતી..જેવી એક પિતા-પુત્રી વચ્ચે હોય.

DCP સાહેબે પુછેલાં સવાલનાં જવાબમાં રાજલે પોતે અહીં જે ઉદ્દેશથી આવી હતી એ વિષયમાં સઘળી હકીકત જણાવી દીધી..રાજલની સંપૂર્ણ વાત સાંભળ્યાં બાદ DCP રાણા એ કહ્યું.

"તો તું એમ કહેવા માંગે છે કે કોઈ એવો વ્યક્તિ છે જે તને આ મર્ડર નો કેસ સોલ્વ કરવાં માટે ચેલેન્જ કરી રહ્યો છે..અને એનાં લીધે જ એ તને ગિફ્ટ બોક્સ મોકલાવી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મોકલાવે છે..?"

"હા સર..અને એનું દરેક પગલું ખૂબ સમજી વિચારીને ભરાયેલું છે..જેની સાબિતી છે CCTV નું એ રેકોર્ડિંગ જેમાં એ બુરખો પહેરી આવ્યો હતો અને એ ઉપરાંત ગિફ્ટ પેપર પર પણ ફિંગરપ્રિન્ટ ના મળવી એ એનાં બુદ્ધિમત્તા ની સાબિતી છે.."રાજલ દરેક શબ્દ પર ભાર મુકતાં બોલી.

"તો હવે તું બોલ એવું કરીએ..?"રાજલની વાત સાંભળી DCP રાણા એ કહ્યું.

"સર હું ઈચ્છું છું કે ઓફિશિયલી આ કેસ હું હેન્ડલ કરું..જો એ હત્યારો એવું જ ઈચ્છે છે તો મને એની આ ચેલેન્જ સ્વીકાર છે.."મક્કમ સ્વરે રાજલ બોલી.

"Ok.. તો હું આજે જ ખુશ્બુ સક્સેના મર્ડર કેસની ફાઈલ વિનય મજમુદાર જોડેથી તમને હેન્ડઓવર કરવાનો હુકમ કરી દઉં છું.."DCP રાણા એ કહ્યું.

"આપનો ખુબ ખુબ આભાર.."સ્મિત સાથે રાજલ બોલી.

થોડીવારમાં પ્યુન ચા અને નાસ્તો રાખી ગયો..જે કર્યાં બાદ રાજલે DCP રાણા ની રજા લીધી અને ત્યાંથી પોતાનાં પોલીસ સ્ટેશનની વાટ પકડી.રાજલનાં જતાં જ DCP રાણા એ પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને ખુશ્બુ મર્ડર કેસ ની તપાસ કરી રહેલાં વિનય મજમુદાર ને કોલ લગાવ્યો.

"Hello..સર.જયહિંદ.."ફોન રિસીવ કરતાં જ સામેથી વિનય નો અવાજ આવ્યો.

"જયહિંદ ઓફિસર.."રાણા એ કહ્યું.

"બોલો સર..કેમ આજે અચાનક કોલ કરવો પડ્યો..?"

"વિનય,ખુશ્બુ સક્સેના મર્ડર કેસની તપાસ તું જ કરે છે ને..?"

"હા સર..એ કેસ અત્યારે હું જ હેન્ડલ કરી રહ્યો છું.."

'વિનય તારે એ કેસમાં હવે કોઈ તપાસ કરવાની નથી અને એ કેસની ફાઈલ આજ સાંજ સુધીમાં એસીપી રાજલ દેસાઈને સુપ્રત કરવાની છે.."

"પણ સર..કેમ આમ અચાનક..?"પોતે જે નહોતો ઈચ્છતો એજ કરવાનો ઓર્ડર DCP દ્વારા મળતાં વિનય બેબાકળો થઈને બોલ્યો.

"બસ આ મારો ઓર્ડર છે..અને તમારે એને ફોલો કરીને એ કેસની ફાઈલ રાજલ ને હેન્ડઓવર કરવાની છે...એ વિશેનો ઓફિશિયલ મારી સિગ્નેચર વાળો મેઈલ તમને કલાકમાં મળી જશે..જયહિંદ.."આટલું કહી DCP રાણા એ કોલ કરી સંબંધ વિચ્છેદ કરી દીધો.

"રાજલ..રાજલ...રાજલ...મને ખબર હતી તું આવું જ કંઈક કરીશ મને નીચો બતાવવા.."કોલ કટ થતાં જ આક્રોશમાં આવી વિનય બોલ્યો.

એક તરફ રાજલ DCP ની કેબિનમાંથી નીકળી સીધી પોતાનાં પોલીસ સ્ટેશન આવી ત્યાં સુધી બપોરનાં બાર વાગી ગયાં હતાં..જમવાનું પૂર્ણ કરી રાજલે થોડો સમય આરામ કરવાં માટે ખુરશીમાં જ લંબાવ્યું.

રાજલ જ્યાં ખુશ્બુ સક્સેના કેસ પોતાનાં હાથમાં આવી જાય એની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને આવી હતી ત્યાં કોઈ હતું જે રાજલની બધી ગતિવિધિઓ પર નજર રાખીને બેઠું હતું..અત્યારે અમદાવાદમાં જ એક ફાર્મ હાઉસ પર મોજુદ એ વ્યક્તિ આંખો બંધ કરીને એક હસતાં હસતાં ડોકું ક્યારેક જમણી તરફ તો ક્યારેક ડાબી તરફ કરતાં કરતાં પોતાની કકર્ષ અવાજમાં એક જુનાં બૉલીવુડ સોન્ગ ની લાઈન ગુનગુનાવી રહ્યો હતો.

"आज की रात कोई आने को है

रे बाबा, रे बाबा, रे बाबा

इंतज़ार और थोड़ा इंतज़ार

आज की रात कोई आने...

उसे आने तो दे, ओ दिल-ए-बेक़दर

फिर कर लेना जी भर के प्यार

शुबू शुबू शुबू..."

"આખરે રાજલ તું આ કેસ પર કામ કરીશ..મજા આવી જશે..મજા આવી જશે.."

આટલું બોલતાં જ એક ભયાનક અટ્ટહાસ્ય દ્વારા એ રહસ્યમયી વ્યક્તિએ પોતે જ્યાં મોજુદ હતો એ આખો ઓરડો ધ્રુજાવી મુક્યો.

★★★★★

વઘુ આવતાં ભાગમાં.

રાજલ એ ખુશ્બુનાં કાતીલ સુધી પહોંચી શકશે...?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?કોણ હતો રાજલનો એ અજાણ્યો રહસ્યમય શુભચિંતક..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)