પ્રકરણ ૩ ગુલાબી ચ્હા
દરેક વસ્તુને માવજતની જરૂર પડે છે. સુથાર, લુહાર, કડીઆ, સોની વગેરે કારીગરો પણ તેમની કારીગરી લાકડા, લોઢા,ઈંટ ચૂના સોના રૂપામાં ઉતારી સુંદર અવનવા ઘાટ ઉતારે છે. બાળકને પણ તેના ઉછેરમાં યોગ્ય માવજત મળે તો તે હોશિયાર અને ચપળ થાય છે. અમે બધા કૉલેજનું શિક્ષણ પુરું કરી આવેલા. ઘરમાં તો મા-બાપ અને વડીલોની આમન્યા જાળવવી પડે તેથી મનનું ધાર્યું કાંઇ થાય નહિ. અતુલમાં આવ્યા એટલે કોઈની રોકટોક મળે નહી. "पंछी बनुं उडती फीरूं मस्त गगनमें ...." મન ચાહે કરવાની છૂટ. અધૂરા સ્વપ્ના પુરા કરવાના કોડ! સાંજના જોબ ઉપરથી આવીએ એટલે "ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ " કે કોઈ મેગેઝીન લઈ પડ્યા પડ્યા વાંચ્યા કરીએ. કોઈ રમતવીર વૉલીબોલ રમવા ઉપડી જાય, તો કોઈ પ્રાકૃતિપ્રેમી રસિક જીવડો પારનેરા ડુંગર ઉપર
"ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. "
રોતાં ઝરણાંની આંખ લ્હોવા નીકળી પડે.
અતુલની ભૂમિ બીન ખેડાએલી, ( बनजर, Uncultivated) અમે બેચલર્સ ક્વાર્ટરમાં રહીએ.સાંજના જોબ ઉપરથી આવીએ અને 'ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ' કે કોઈ મેગેઝીન લઈને પડ્યા પડ્યા વાંચ્યા કરીએ. ખાનસાહેબને ફુલ છોડનો શોખ, અમલસાડના, શ્રી એન.એન.નાયક અને શ્રી આર.કે.નાયક બે કાકા ભત્રીજા ઘેર ખેતીવાડી. એટલે ક્વાર્ટર પાસે ખુલ્લી જમીનને સાફ કરી ખાતર પાણી કરી જમીનને 'કલ્ટીવેટ' કરી ફુલછોડ રોપે. ગુલાબના છોડ લાવી તેમણે અને ખાન સાહેબે સરસ માવજત કરી ઉછેરેલા. છોડ મોટા ચાર સાડાચાર ફુટ ઉંચા અને ચારે બાજુ ફેલાય. દરેક ડાળી પર પાંચ છ ફુલોનો ગુચ્છો લહેરાય અને આખા બેચલર્સ ક્વાર્ટર મહેંક મહેંક થઈ ઉઠે.
સવારે હું ઉઠી થોડા ગુલાબના ફુલ તોડી લાવું અને પીજાપાઠ કરી કાચના બાઉલમાં પાણીમાં તે ફુલને આખો દિવસ મુકુ.બીજે દિવસે જુના ફુલ કાઢી નવા મુકુ અને તે પાણીને ચ્હા બનાવું, ચ્હામાં ગુલાબની સુમધુર તરોતાજા વાસ આવે.આ ચ્હા પીધા પછી મન પ્રફુલ્લિત થઈ ઉઠે. આ ચ્હાનો ચસકો ધીરે ધીરે બધાને લાગ્યો. શ્રી આચર્ય સાહેબ સવારે લગભગ દસ વાગે રાઉન્ડમાં આવે તેમણે પણ આ ચ્હાનો સ્વાદ ચાખ્યો હતો શ્રી દિનેશભાઈ ઝવેરી, ભલ્લા સાહેબ અને શ્રી જયંતભાઈ મહેતા વગેરે આજે પણ આ ચ્હાને યાદ કરે છે .
રોજ નવ થી સાડાનવ એ (Tea /Coffee brake) ટાઈમ સામાન્ય રીતે બધા પોતાનો ટાઈમ એડજસ્ટ કરી કેન્ટીનમાં જાય.ચ્હા પાણી અને નાસ્તો કરી ગપ્પાં મારી પાછા આવે.મને નાસ્તાની ટેવ નહિં પણ ચ્હાની ટેવ, દિવસમાં ૯ ૧૦ કપ થઈ જાય. કેન્ટીનની ચ્હા મને માફક ના આવે એટલે હું ઘેરથી થર્મોસમાં મારી 'નિર્જલા' ચ્હા (પાણી વગરની, ફક્ત દૂધની) લાવું. બધા કેન્ટીનમાં જાય ત્યારે હું મારા ડીપાર્ટમેન્ટમાં આરામથી પીઉં. મારા પ્લાન્ટની બાજુમાં ઉત્તરે 'સલ્ફર બ્લેક' અને દક્ષિણે 'ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ' (પી.સી.એલ થ્રી) પ્લાન્ટ. તે શ્રી આર.જે.પટેલ. (રામભાઈ) અને એચ. બી. ભોસલે. સંભાળે.અમારી ત્રિપુટી સાથે ચ્હા પીએ. ચ્હા પીને થોડી ગપસપ કરીએ. આ સમયે અમારા પ્રોડક્ષન મેનેજર શ્રી આર.એચ. આચાર્ય દરેક પ્લાંટનો રાઉન્ડ લેવા નીકળે. અમને ત્રણેને એક સાથે એક પ્લાંન્ટમાં જુએ તે તેમને ના ગમે. કારણ કે કેમીકલ પ્લાંન્ટ રેઢા મુકાય નહિં. પછી તો તેમને ખબર પડી કે આ લોકો કેન્ટીનમાં જતા નથી અને અહિં જ ચ્હા પીએ છે. એક બે વાર તેમને પણ ગુલાબી ચ્હા નો ટેસ્ટ કરાવ્યો તેથી તે પણ સમયસર ચ્હા પીવા આવી જતા, તેમને પણ ગુલાબી ચ્હાનો ચસકો લાગી ગયો હતો.
ભોંસલેના કેમીસ્ટ મી એચ.કે.કાઝી. અને અમારા મેઈન્ટેનન્સ એન્જીનિયર મી. એમ. એસ. પટેલ પણ કોક વખત આવી ચડે.એમ.એસ.પટેલ અમારાથી ઉંમરમાં મોટા તેથી અમે તેમનું માન જાળવવા પટેલ કાકા કહીએ.તેઓ આફ્રીકાથી ઈ.દી.અમીનનો ત્રાસ વેઠીને આવેલા તે તેમની વાતો કરે. તેમને પણ ધીરે ધીરે મારી ગુલાબી ચ્હા માફક આવી ગઈ.તે અને કાઝી નાસ્તાના શોખીન તેઓને એકલી ચ્હામાં મઝા ના આવે. તેમને નાસ્તો જોઈએ, એટલે વારા ફરતી ચીઠ્ઠીઓ નાંખી, ખાતાના માણસો કેન્ટીનમાં જાય તેમની સાથે નાસ્તાનું પડીકું મંગાવી લે. કાઝીનો સ્વભાવ જરા મશ્કરો.એક અઠવાડિયું સળંગ તેણે મગનકાકાના નામની જ ચીઠ્ઠી બનાવી. કાકાને ડાઉટ પડ્યો કે મારા જ નામની ચીઠ્ઠી કેમ રોજ આવે છે ? એક દિવસ તેમણે ચીઠ્ઠી બધી ચીઠ્ઠી ઉપાડી વાંચી. દરેક ચીઠ્ઠીમાં તેમનું જ નામ.અમે બધા હસી પડ્યા, તેઓ અમારી રમત સમજી ગયા; અને એક વડીલ તરીકે હસી ખુશી અને ખેલદિલીથી વાતને વાળી દીધી.