(આગળ જોયું તેમ, નાયિકા પોતાને પરવશ બતાવે છે ...)
હવે આગળ,
*******
અચાનક જ મને આર્થરાઇટીસનો રોગ લાગુ પડ્યો, ને ધીરે ધીરે મારા પગ નકામા થઈ ગયા.અત્યારે વ્હીલચેરનાં આશ્રયે જ, બે જણ મદદ કરે તો ક્યાંક થોડું જઇ શકુ.
જયાં સુધી નોકરી કરવાની તાકાત હતી, ઘરમાંય રસોઈ વગેરે કામ કરતી, ત્યાં સુુધી મારા માન-પાન રહ્યાં, પણ પછી સાસરિયાનું વર્તન બદલાવા લાગ્યું.સાસુ-નણંદની ચઢવણી હશે કે ખબર નહી,.એમનું ય વર્તન તોછડુ થવા લાગ્યું.સપ્તપદીનાં ફેરા વખતે લેવાયેલ પ્રતિજ્ઞા, પરસ્પરનાં સુખ-દુુઃખમાં સાથ આપવાની વાતો માત્ર પોથીમાંના રીંગણ બની ગઇ.નોકરીમાં બધી રજાઓ વપરાઇ ગઈ.એ પછી પણ એક વર્ષ વગર પગારે રજા પર રહી.પછી મેં જ સમજીને રાજીનામું આપી દીધું.હું રાજીનામું ન આપું ત્યાં સુધી સંસ્થાને બીજો માણસ ન મળે.અને હું સ્કૂલ ન જાઉ એટલે વિદ્યાર્થીઓનું ભણવાનું બગડે જ.તેથી રાજીનામું આપ્યું, પણ ઘરે આવી અપંગાવસ્થામાંય થોડા ટ્યુશન કરી લેતી.પણ સ્કૂલના પગાર જેટલી આવક તો ન થાય ને?
મારા સાસરિયાંને તો વધુ આવકમાં રસ હતો.કેહવાતા, સુધરેલા, શાણા, ભદ્ર સાસરિયાંઓએ ત્રાસ આપવો શરૂ કર્યો., ને અંતે કોઈને કોઈ બહાને મને કાઢી મૂકી.એમ કહો ને પિયર જવા મજબુર કરી.મારી સહનશક્તિની હદ આવી ગઈ.ને વગર વાંકે મને ત્યક્તાનું વિશેષણ મળી ગયું.
પણ હું હિમ્મત નથી હારી, છેક સુધી લડી લેવામાં સમજુ છું.એ લોકો એ જુનાગઢની કોર્ટમાં કેસ કર્યો છે.એમને હવે બીજું કમાતુ સાધન જોઈએ છે એટલે ધમપછાડા કરે છે પણ હું એમ નહીં થવા દઉં.ન્યાય મેળવીને જ જંપીશ.ને મારા જેવી અનેકોને ન્યાય અપાવીશ.સેહલાઇથી છૂટાછેડા મેળવી શકાય તે માટે તેમણે મને 'ગાંડી' ઠેરવવા પ્રયાસ કર્યો છે.ડોક્ટરનું ખોટું પ્રમાણપત્ર પણ લઈ આવ્યા છે.
કેસમાં અવારનવાર મુદતો પડે, ટેક્સી કરીને જુનાગઢ જવું પડે.એના ખર્ચા થાય.સાથે મમ્મી-પપ્પાએ આવવું પડે, મને એ બે જણ ઊંચકીને લઈ જાય, ત્યારે તો કોર્ટમાં જઇ શકું.બે વર્ષ તો નિકળી ગયા.નિવેળો આવ્યો નથી.પણ હવે લાગે છે કે કિનારો દૂર નથી.
મારી પોતાની જુબાની જોરદાર હોય છે કારણકે સત્ય અને સ્વાનુભવ પોતે જ બોલતાં હોય છે.
વચ્ચે છ એક મહિના પેહલા જ મેં રજુઆત કરી હતી.મેઁ કહેલું, 'હું ગાંડી નથી, જજ સાહેબ સાચે જ ગાંડી નથી.હું વાંચી શકુ છું.લખી શકુ છું.હા, લખવામાં થોડી તકલીફ જરૂર પડે છે.પણ, લખી શકુ છું.બેઠા બેઠા થોડુ કામ પણ કરુ છું.ટ્યુશન પણ કરાવું છું.ઘેર જ છોકરાં ભણવા આવે છે.તમે કહેશો તો, આવતી વખત તેમને પણ સાથે લેતી આવીશ સાક્ષી માટે.હા, પગ કામ નથી કરતા.આર્થંરાઈટીસ એવો તો વધી ગયો, શરુમાં ફરીયાદ કરતી, ત્યારે સાસરિયાઓએ દરકાર ન કરી, ને હવે મોડું થઈ ગયું છે.પિયર આવ્યાં પછી ઘણી દવા કરી, હજુય દવા ચાલુ છે જુવો આ રહી.સાથે જ રાખવી પડે છે.પણ જોઈએ એવો ફેર નથી પડતો.પગ સાવ નિર્માલ્ય થઈ ગયા છે.આ વ્હીલચેર અને મારા મમ્મી-પપ્પાની મદદ વગર ક્યાંય નથી જઇ શકતી.'
વધારામાં જજ સાહેબને એ પણ કહેલું, 'જજ સાહેબ મને બે જણ ઊંચકીને લાવે ત્યારે અહિયાં આવી શકુ છું.હું પૈસાદાર નથી.મારા માતા-પિતા મધ્યમ વર્ગીય માણસો છે.પિતાજી રિટાયર્ડ થઈ ગયા છે, મારી મમ્મી પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે.જજ સાહેબ મારે દયાની ભીખ નથી જોઈતી, મારે ન્યાય જોઈએ છે.મારી લડત હવે કોઈ એક વ્યક્તિ માટે નથી રહી.મારા જેવી અનેક સ્ત્રીઓ ને ન્યાય મળે એ માટેની છે...' એ વખતે ત્યાં હાજર દરેક વ્યક્તિ પ્રભાવિત થયા હતાં પણ કેવળ પ્રભાવ શુ કામનો? આમાં તો સામેવાળા પૈસા વેરીને ઘણુ કરી શકે અને એવું થયુ પણ છે.ને છતાંય મને મારા સત્ય પર ભરોસો છે.ઇશ્વર પરની શ્રધ્ધા જ મને અખૂટ બળ આપે છે.
ના મારે લડાઈ ઝઘડા નથી કરવા.શાંત લડત આપવાની છે.ને આપી રહી છું.ઈશ્વરને ત્યાં દેર હશે અંધેર તો નહીં જ હોય એની મને ખાતરી છે.
હાં, વારંવાર મુદત પડે ત્યારે નિરાશ થઈ જાઉં છું.પણ મારા પપ્પાના શબ્દો મારામાં હિમ્મત ભરી દે છે, 'દિકરી ખોટું કદી સહન નહીં કરવાનું, દાદાગીરી ન કરીએ પણ પોતાના હક અને ન્યાય માટે તો લડી જ લેવાનું.'
મારુ સાસરું જૂનાગઢમાં છે.નરસિંહ મેહતાનાં ગામમાં, અવારનવાર નરસિંહને યાદ કર્યા છે.ઊંચનીચ, ભેદભાવ, અન્યાય, અસત્ય સામે એમણે માથું ઊંચકયું હતુ ને?સહન એમને કરવું પડયું, પણ એમની ઇશ્વરશ્રધ્ધાએ જ એમનાં બધાં કાર્યો પણ પાર પાડ્યા જ ને?ને એમ મારા પણ સિધ્ધ થશે.
'યસ એવરી બ્લેક કલાઉડ હેઝ એ સિલ્વર લાઇન' મારા જીવનની આ કાળી વાદળીને, જરૂર ક્યારેક રૂપેરી કોર લાગશે.કાળું વાદળું વિખેરાશે. ને સોનાનો સુરજ, સોનાની સવાર ઉગશે.
★★★★
અત્યારે તો ઝઝુમુ છું.ક્યાંથી બળ મળે છે, ખબર નથી.હવે હું ફફડતી કબુતરી નથી રહી.શિક્ષિકા છું એટલે બોલતાં તો ઘણાં વર્ષોથી આવડે છે પણ હવેનું બોલવું કંઇક જુદું છે.ભરી કોર્ટમાં ધાણી ફૂટે એવું બોલી શકુ છું.કદાચ સત્યનો તાપ અને પ્રભાવ જ એવો છે કે એ કોઈની શેહમાં ન તણાય.કોર્ટનાં પગથિયાં ન ચડવા પડે એ ઉત્તમસ્થિતિ કહેવાય, પણ હવે ચડવા જ પડયાં છે,તો આ પાર કે પેલે પાર.
****
સાસરિયાં એવાં તે નિષ્ઠુર કે જેમને જોઈને મારી આંખ ઠરે, એવાં મારા સંતાનો દિકરી શ્રેયા અને દિકરો દેવાંગનેય ધમકાવીને પોતાની પાસે રાખી લીધાં.એ પાછા આપવા મેઁ કાકલૂદી કરી પણ ન જ સોંપ્યા.તેઓને તો મારી પાસે આવવું જ હોય ને?પણ 3 વર્ષનું બાળક શુ સમજે?નાનાં હતાં, પારેવા જેવા...ફફડી ઉઠતા.
પણ, એક વર્ષથી બન્ને મારી પાસે જ છે.તેઓ જ્યારે જૂનાગઢ હતાં, ત્યારે અહી બધુ સુખ હોવાં છતાં રાતોની રાત ઊંઘ ન આવી શકતી.છત પરના કાળા અંધકારને જોયા કરતી.ઊભી તો થઈ ન શકુ એટલે બારી બહાર જોયા કરતી ત્યાં પણ કાળા ડિબાંગ અંધકારને જોયા કરતી.ને મારી આંખમાંથી અશ્રુ સરી પડતાં..તમસોં મા જ્યોંતિ.. જ્યોતિ ક્યારે પ્રકાશશે?
કદીક અલપ ઝલપ ઊંઘ આવતી, ત્યારે સ્વપ્ન પણ બાળકોનાં જ આવતાં. સ્વપ્નમા તેઓ રોતા, હિબકા ભરતા માસુમ ચેહરા જાણે કહેતાં, 'મમ્મી! અમને લઇ જાઓ ને! , દાદાને કહેને અમને લઈ જાય, ના તુ અહિયાં ના આવીશ.તને અહિયાં સુખ નહીં મળે.'
બાળકોની ચિંતા ને કારણે જ આવા સ્વપ્નાં આવતાં પણ હવે તો બન્ને મારી પાસે છે.એમને ઉછેરવાનો, ભણાવવાનો,પાલવવાનો ખર્ચ પણ થાય ને?શરુમા વટમા બન્નેને રાખ્યા પણ મમ્મીને ત્યાં આવુ છે એવો કોલ કર્યોને હું તો રાજીના રેડ થઈ ગઇ.પપ્પા બીજે જ દિવસે એમને અહિયાં લઇ આવ્યાં.
છેલ્લાં ચાર વર્ષથી પિયરમાં રહું છું. મમ્મી- પપ્પા તો સારા હોય જ પણ મને ક્યારેક ઓછું આવી જાય છે.પરવશતા મને વ્યથિત કરી મુકે છે.
મારા પતિ યૉગેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.મોભોય સારો છે પણ બાહ્ય મોભાને શું કરવાનો?
મારા પગ કામ કરતા બંધ થયા, ત્યારે શરુમાં એમનું વર્તન છેક ખરાબ નહતું.પણ પછી ધીરે ધીરે સાસુ નણંદની ચઢવણી, એમનું મારા પ્રત્યેનું વર્તન તોછડુ બનવા લાગ્યું.તે મારી સાથે ખપ પુરતું જ બોલતાં.એનોય મને વાંધો નહતો.પણ પછી ગુસ્સો ,મારઝુડ પણ શરુ થયા.મારુ કામ તો તેઓ ના કરે, ને ઉપરથી ત્રાસ આપે.મારુ કામ મમ્મી જ કરતી.મારી આંખમા આંસુ ઉભરાતા.ત્યારે એ જ કહેતી, 'રડવાનું નહિ.તુ તો દરેક બાળકોને ભાવિ માટે તૈયાર કરે છે, ને તુ જ આમ હારી જાય?હું છું ને, ચિંતા ના કરીશ.ભગવાનની કૃપા વરસશે, તો ભવિષ્યમાં તારા પગ સાજા થઈ શકશે.'
મમ્મીના શબ્દો મારામાં પ્રાણ પુરતા.મારુ બધુ જ કામ આજે પણ એ જ કરે છે.ઘણું સમજે છે.સવારે બ્રશ કરાવે, નવડાવે, બાથરૂમ ટોઇલેટમા પણ મને વ્હીલચેર પરથી ઉઠાવી બેસાડે.
એ સ્કૂલે જાય ત્યારે પપ્પા જોડે રહે, બપોરે તો એ પાછી આવી જાય.બાળકો પણ બન્ને ખૂબ સમજદાર છે સ્કૂલથી પાછા આવીને મારી પાસે જ બેસે.લેસન પણ મારી રુમમા કરે, મને ખૂબ લાગી આવે.રમવા જેવી ઉંમરમા આ બન્ને કેવું ડાહ્યુ વર્તન કરે છે.મારા અપંગપણા એ જાણે એમનાં શૈશવ છીનવી લીધાં છે.દેવાંગતો બહાર પપ્પા સાથે ફરી આવે પણ દિકરી તો મારી જોડે જ બેસી રહે.ક્યારેય અકળાતી નથી. એનાં ફ્રોકથી મારા આંસુ લુંછે.
ને મને આવી દિકરી માટે ખૂબ ગર્વ થતો.વાતાવરણ બદલાયું હોવાથી હવે ખુશ રહે છે.પતિ યૉગેને જૂનાગઢ કોર્ટમા ડિવોર્સ માટેનો કેસ કર્યો છે.ને એ માટે મને ગાંડી ઠેરવવા તનતોડ મેહનત કરે છે.
આમ તો ડિવોર્સના લેબલ વિના જ હુ ડિવોર્સ થઈ ગયા હોય તેમ રહું છું.ડિવોર્સ આપી પણ દઇ શકુ.પણ શા માટે?
હું તો કોર્ટમાં હંમેશા કહું છું, 'હું સાસરે જવા તૈયાર છું.'
કઈ પરણેલી છોકરીને સાસરે જવાના કોડ ન હોય?કુંવારી છોકરી ય સારા ઘર માટે,સારા વર માટે તરસતી હોય છે, તો હુ તો પરણેલી છું.પરણેલી દિકરી તો સાસરે જ રહે ને!ને તેથી નમતું નથી જોખતી.હક અને ન્યાય માટે લડી લેવામાં સમજુ છું.
(વધુ આવતાં ભાગમાં)
★★★★