Limelight - 14 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૪

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૧૪

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૪

સાકીર ખાન સાથેની મુલાકાતથી રસીલી ઉત્સાહમાં હતી. એક જ મુલાકાતમાં તે સાકીર ખાનની નજીક આવી ગઇ હતી. તેને કલ્પના ન હતી કે તે પહેલી ફિલ્મ રજૂ થયા વગર એક સુપરસ્ટાર સાથે કામ કરશે. તેણે હીરોઇન બનવાનું સપનું જોયું ત્યારે તેને એમ હતું કે પહેલાં ટીવી પર નાની- મોટી ભૂમિકાઓ ભજવીને મોટા પડદે જે મળે એ સાઇડ રોલ સ્વીકારીને આગળ વધશે. ટીવી કે ફિલ્મમાં કામ કરવા માત્ર સુંદર અને સેક્સી શરીર જ ચાલે એમ ન હતું. થોડો અભિનય આવશ્યક હતો. અને એ માટે તે એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માગતી હતી.

પિતાનું જીવન બચાવવા તે શેઠ રાજવીર સાથે લગ્ન કરવા તૈયાર થઇ તેની પાછળ તેનું હીરોઇન બનવાનું સપનું પણ હતું. તેણે રાજવીરને અલપઝલપ જોયા હતા. તેને માણસ તરીકે સારા લાગ્યા હતા. આજે એ તેના પતિ બની ગયા હતા. પણ રસીલીને કલ્પના ન હતી કે તે જે અરમાનોનો ફુગ્ગો બનાવીને રાજવીરને ત્યાં ગઇ હતી એ બહુ જલદી ફૂટી જવાનો હતો. લગ્નને હજુ તો માંડ પંદર દિવસ થયા હતા. ઘરગૃહસ્થી હજુ પૂરી સંભાળી ન હતી ત્યાં અરમાનો પર વીજળી પડી હતી. રાજવીરનો ધંધો શેરબજાર પર હતો. અને શેરબજાર અચાનક તૂટી પડ્યું. તેમણે લીધેલા શેરોમાં કડાકો બોલી ગયો. રાતોરાત રાજવીર રોડ પર આવી ગયો. તેનો બંગલો જ નહીં બધી મિલકતો વેચાઇ ગઇ. એટલું સારું થયું કે તેણે પિતા જશવંતભાઇના નામ પર એક ઘર કરી દીધું હતું એટલે એ બચી ગયું. જશવંતભાઇ પુત્રી-જમાઇ પર આવી પડેલી આપત્તિથી પરેશાન થઇ ગયા. તેમણે બંનેને પોતાના ઘરમાં રહેવા જણાવ્યું. પણ રસીલી સ્વમાની હતી. એક વખત પિતાનું ઘર છોડ્યા પછી પતિનું ઘર જ તેના માટે સર્વસ્વ હતું. અને પિતાની દારૂની લતથી તે વાકેફ હતી એટલે ત્યાં જવા માગતી ન હતી. માંડ માંડ તે છૂટી હતી. તેનું નસીબ સારું હતું કે તેમના બંગલામાં કામ કરતી કામવાળી સરિતાએ તે જે ચાલીમાં રહેતી હતી તેમાં જ એક રૂમ ભાડે લઇ આપી.

રસીલી અચાનક અર્શથી ફર્શ પર પટકાઇ હતી. તેણે ગરીબી અને અભાવમાં જીવન જીવી જાણ્યું હતું. તેને પોતાના સપનાં ચકનાચૂર થયાનું દુ:ખ હતું. પણ તે તન અને મનથી સ્વસ્થ હતી. પરિસ્થિતિને તેણે સ્વીકારી લીધી હતી. પરંતુ રાજવીર માટે આ દારૂણ પરિસ્થિતિને સ્વીકારવાનું સરળ ન હતું. વર્ષો સુધી એશોઆરામમાં જીવેલા રાજવીર માટે આ આઘાત મોટો બની ગયો. તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું. તે ડિપ્રેસનમાં સરી ગયો. તે સૂનમૂન બની ગયો. રસીલી માટે તેને સાચવવાનું કામ વધી ગયું. ભાડાની રૂમમાં રહેવાનું અને રાજવીરની દવા કરાવવાનું કામ મુશ્કેલ હતું.

રાજવીરના કોઇ સગાવ્હાલા તો શું કોઇ મિત્રો પણ ન હતા. તે એકાકી જ જીવતો હતો. તે તેની શેરબજારની દુનિયામાં જ ડૂબેલો રહેતો હતો. ઘડપણમાં તકલીફ ના પડે એટલે કોઇએ તેને લગ્ન કરી લેવા સલાહ આપી ત્યારે તેણે લગ્નનો વિચાર કર્યો અને ગરીબ ઘરની છોકરી રસીલી પસંદ કરી. જેથી તેની મરજી પ્રમાણે તે જીવી શકે. હવે તે બરબાદ થઇ ગયો હતો. તેના પર જ તેની મરજી ચાલે એટલું પણ ભાન ન હતું. તે રસીલીના ભરોસે જ હતો. જશવંતભાઇએ પોતાની પાસેના થોડા રૂપિયાથી તેની મદદ કરી. તે પૂરતી ન હતી. તેણે મનોચિકિત્સકને એક વખત બતાવ્યું. તેમણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ જવા કહ્યું. રસીલી પાસે રહેવા માતે ભાડે લીધેલી રૂમના ભાડાના પૈસા ન હતા. તે હોસ્પિટલની રૂમનું ભાડું ચૂકવવા અસમર્થ હતી. તે દવાનું પ્રિસ્ક્રિપ્શન હાથમાં લઇ પોતાના નસીબને કોસતી બેઠી હતી. રાજવીર આરામથી સૂતો હતો.

રસીલીને સમજાતું ન હતું કે આટલી બધી દવા ખરીદવા તે પૈસા કયાંથી લાવશે. તેની સ્થિતિ જોઇ કામવાળી સરિતાએ તેને બે-ત્રણ જગ્યાએ કામ અપાવવા કહ્યું હતું. તેણે જ્યારે કામના વળતરની રકમ જાણી ત્યારે તેને થયું કે એટલામાં તો બે જણનું ખાવાનું બની શકે એમ નથી. સાંજ પડી ગઇ હતી. તે રૂમની બહાર નીકળી. નજીકમાં એક કંપની હતી. તેને જોઇ વિચાર્યું કે તેમાં કોઇ કામ મળી શકે? પછી વિચાર આવ્યો કે તેને કોઇ કામ જ ક્યાં આવડે છે. તે ઊભી હતી ત્યાં એક યુવાન ત્યાંથી પસાર થયો. તેની સુંદરતાથી તે ઘાયલ થયો. અને બોલી ઊઠ્યો:"આય હાય! શું જવાની છે!" રસીલી ચોંકી ગઇ. તેણે ગીત લલકારવાનું શરૂ કર્યું:"આતી ક્યા ખંડાલા.."

રસીલી તરત જ ભાગીને રૂમમાં આવી ગઇ. તે હીરોઇન બનીને હીરો સાથે ખંડાલામાં શુટિંગ કરવાના સપનાં જોતી હતી. આજે તેને અશ્લીલ ઇશારાથી બોલાવવામાં આવી રહી છે.

શું કરવું એ જ રસીલીને સમજાતું ન હતું. તેણે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરીથી હાથમાં લીધું. તેમાં દસ જાતની દવાઓના નામ હતા. અચાનક તેને દસ આંકડાનો એક નંબર યાદ આવી ગયો. તેણે પોતાનું જૂનું પાકિટ ફંફોસ્યું. તેમાં રાઘવે આપેલી ભારતીબેનના મોબાઇલ નંબરવાળી ચિઠ્ઠી નાખી રાખેલી તે હાથમાં આવી.

તેના ચહેરા પર મુસ્કાન સાથે એક દર્દ ઊભરી આવ્યું. તે એક હાથમાં રહેલી દવાનું કાગળ અને બીજા હાથમાં રહેલી નાની ચબરખી તરફ વારાફરતી જોવા લાગી. સતત વિચાર કરતી રહી. આખી રાત તે ઊંઘી શકી નહી. સપના અને સમસ્યાઓએ તેને ઊંઘવા દીધી નહી. પણ સવારે સૂરજ ઊગ્યો એ જાણે એક નવી આશા લઇને આવ્યો. તે એક નિર્ણય લઇને સૂઇ ગઇ. તેને સવારે ઊંઘ આવી ગઇ. તે ઊઠી ત્યારે બપોર પડી ગઇ હતી. રાજવીર ક્યારનોય ઊઠીને તેના શેરબજારના કાગળિયામાં જોઇને હસી રહ્યો હતો. ક્યારેક રડી પણ પડતો હતો. રસીલીએ તૈયાર થઇને ભાત રાંધી કાઢ્યો. અને રાજવીરને ખવડાવી બહાર નીકળી. તેણે ચબરખીમાં લખેલો ભારતીબેનનો નંબર ડાયલ કર્યો. ભારતીબેન સાથે વાત કરી તેમને મળવાની જગ્યા જાણી લીધી. અને રીક્ષા પકડી. રીક્ષાવાળાને જ્યારે તેણે ભારતીબેનના બંગલાનું નામ આપ્યું ત્યારે તેણે મીરરમાંથી એક નજર રસીલીના ચહેરા પર કરી. રસીલીએ માથે ઓઢેલા દુપટ્ટાનો એક છેડો દાંત નીચે દબાવી અડધો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો. રીક્ષાવાળો બંગલા સુધી પહોંચ્યા ત્યારે પણ અલગ નજરથી જોઇ રહ્યો. રસીલી ઝટપટ પૈસા ચૂકવી બંગલાના દરવાજે પહોંચી ગઇ. તેણે જોયું તો બંગલાની ચારે બાજુ વીસ ફૂટથી ઊંચી દિવાલ હતી. એક મોટા લોખંડના દરવાજા પાસે ઊભી રહી કડી ખખડાવી. વોચમેન જેવા માણસે દરવાજો ખોલી આવવાનું કારણ પૂછ્યું. રસીલીએ ભારતીબેનને મળવાની વાત કરી પોતાનું નામ આપ્યું. તેણે ઇન્ટરકોમ પર ફોન લગાવી પૂછી જોયું. અને રસીલીને અંદર આવવા ઇશારો કરી પહેલા માળે ઓફિસ લખેલી રૂમમાં જવા કહ્યું. બંગલામાં બપોરના સમયને કારણે કોઇ હલચલ ન હતી. બધું સૂમસામ હતું. તે થોડા ડર સાથે દબાતા પગલે ઓફિસ લખેલા રૂમ સામે જઇ ઊભી રહી. અને ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો:"આવી જા..."

રસીલી દરવાજો ખોલીને અંદર ગઇ. મોટા ટેબલની પાછળ એક આલીશાન ફરતી ચેરમાં એક સ્ત્રી જે કદાચ ભારતીબેન હતી એ ચહેરા પર મુસ્કાન સાથે તેને આવકારી રહી હતી. તેણે "બેસ" કહી કોમ્પ્યુટરનું માઉસ ખસેડી કોઇ ફાઇલ ઓપન કરી.

"હું જ ભારતીબેન... તું....?"

"જી, રસીલી..."

"નામ જેવું જ રૂપ છે. મને રસ પડ્યો છે. પણ પહેલાં તારે પરીક્ષામાં પાસ થવું પડશે."

રસીલીને નવાઇ લાગી. વેશ્યા બનવાની વળી કઇ પરીક્ષા?

"જી?"

રસીલીના ચહેરા પરના નવાઇના ભાવ પારખી લઇ ભારતીબેન બોલ્યા:"અહીં કામ કરવા આવનાર દરેક છોકરીના ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. એમાં પાસ થાય એને જ કામ મળે છે."

રસીલીને નવાઇ લાગી રહી હતી. તેણે માથું હલાવી સંમતિ આપી. ભારતીબેને રસીલીને તેની પાસે પોતાનો નંબર કેવી રીતે આવ્યો એ પહેલાં જ પૂછી લીધું હતું. અને એ પછી રાઘવને ફોન કરી તેના વિશે થોડી જાણકારી મેળવી લીધી હતી. ભારતીબેને શરૂઆત કરી.

"સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તું તારી મરજીથી આ ધંધામાં કામ કરવા રાજી છે ને?"

"હા, હું મારી મરજીથી આવી છું. મારા પર કોઇનું દબાણ નથી. બીજા કામ કરતાં અહીં વધારે રૂપિયા મળશે એ ગણતરીથી જ આવી છું..."

"તારી લાયકાત પ્રમાણે તને સારું મળી રહેશે....અહીં એવી કોઇ છોકરી માટે જગ્યા નથી જેને કોઇએ જબરદસ્તી મોકલાવી હોય. નાની છોકરીઓ ચોરીને તેને મોટી થાય એટલે ધંધો કરાવવાનું પણ કોઇ રેકેટ અહીં ચાલતું નથી. માત્ર અને માત્ર જરૂરિયાતમંદ છોકરીઓને જ કામ આપવામાં આવે છે...." કહી ભારતીબેન એમની જગ્યા પરથી ઊભા થયા અને તેની સામે આવી તેના શરીરને નીરખવા લાગ્યા. રસીલી તેમને આદર આપવા ઊભી થઇ દુપટ્ટો સરખો કરવા લાગી.

ભારતીબેને તેનો દુપટ્ટો એક જ ઝાટકે ખેંચી લીધો. રસીલી ચમકી ગઇ.

"તું ખોટું ના લગાડતી કે ક્ષોભ ના પામતી..." કહી ભારતીબેનના હાથ તેના શરીરના નાજુક અંગો પર ફરવા લાગ્યા. તેમણે કેટલીક જગ્યાએ ચૂંટલી ખણી તો કેટલાક ભાગને દબાવી જોયા. રસીલી હેરત અને ડરથી તેમને જોઇ રહી.

ભારતીબેન કોઇ ડોકટરની જેમ શરીર તપાસી પોતાની ખુરશીમાં બેસી હસતાં હસતાં બોલ્યા:"ઘણી છોકરીઓ પોતાને વધુ સેક્સી બતાવવા અંદર કંઇને કંઇ ભરી રાખે છે. પછી અમને અને ગ્રાહકોને છેતરે છે. તારું શરીર કુદરતીરીતે ભરાવદાર છે!"

રસીલી ફિક્કું હસી.

"આ કામ કરવાની તને કેમ જરૂર પડી?"

"જી, મારા પતિ માનસિક રીતે બીમાર છે. એમની સારવાર માટે પૈસાની જરૂર છે."

"ઓહ! પણ આ કામ જ કેમ પસંદ કર્યું?"

"બીજા કામમાં એટલા ઓછા પૈસા મળે છે કે જીવનમાં નવું કંઇ કરી શકાય એમ નથી."

"તારે બીજું શું કરવું છે?"

"મારે હીરોઇન બનવું છે..."

ભારતીબેન સહેજ હસ્યા:"તું આ ધંધો કરીને કેવી રીતે હીરોઇન બની શકીશ?"

"જે પૈસા કમાઇશ એમાંથી અભિનયના ક્લાસ કરીશ અને મુંબઇ જઇશ."

"ખાલી ક્લાસ કરવાથી હીરોઇન બની જવાતું નથી. કોઇની ઓળખાણ હોય તો તક મેળવી શકાય છે. ખેર, ક્યારથી આવે છે?"

"આજથી જ."

"રાત્રે નવ વાગે આવજે. બે કલાકના એક હજાર મળશે..."

"પહેલા ગ્રાહકના વધારે હોવા જોઇએ ને?"

ભારતીબેન હસી પડ્યા અને બોલ્યા:"પરણેલીને વળી પહેલો અને બીજો શું?"

રસીલી બે ક્ષણ ચૂપ રહી અને બોલી.

રસીલીની વાત સાંભળી ભારતીબેન નવાઇથી તેની તરફ જોઇ રહ્યા. પહેલી વખત તે આવું સાંભળી રહ્યા હતા.

***

સાગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સમાચાર આપતી દરેક વેબસાઇટ અને અખબારો પર સવારથી રાત સુધી નજર રાખતો હતો. તે પ્રકાશચંદ્ર ઉપરાંત બીજા ત્રણ નિર્માતાના પ્રચારનું કામ સંભાળતો હતો. મોન્ટુના ફોન પછી તે એને ભૂલી ગયો હતો. સાંજે એક વેબસાઇટના ફિલ્મી સેક્શનમાં બ્રેકિંગ ન્યૂઝ જોઇ રહ્યો હતો. તેણે મોન્ટુ વિશેના સમાચાર વાંચી ક્લીક કર્યું તો લખ્યું હતું કે "લાઇમ લાઇટ"ના હીરોને લાઇમ લાઇટમાં આવવાની તક ના મળતાં નારાજ થયો છે. ફિલ્મમાં તેની મહત્વની ભૂમિકા હોવા છતાં હીરોઇન રસીલી પર નિર્દેશક વધારે મહેરબાન લાગે છે. હીરોને ટ્રેલરના લોન્ચિંગમાં પણ અવગણવા આવ્યો હતો. તેના પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. અમારા પત્રકારને માહિતી મળી છે કે મોન્ટુ ફિલ્મના પ્રિમિયરમાં હાજર રહેવાનો નથી. તેને પ્રચારમાં જોડવામાં આવ્યો ન હોવાથી તેણે નિર્દેશક સામે રોષ વ્યક્ત કર્યો છે. એક મુલાકાતમાં તેણે કહ્યું છે કે તેને બાજુ પર રાખી દેવામાં આવ્યો છે. રસીલીને મહત્વ આપવા તેની ભૂમિકા પર કાતર ચલાવી દેવામાં આવી હોવાની શંકા છે. જો તેની ભૂમિકા સાથે છેડછાડ થઇ હશે તો સિને એસોસિએશનમાં ફરિયાદ નોંધાવશે...."

મોન્ટુના સમાચાર વાંચી સાગર ચિંતામાં પડી ગયો. તેણે મોન્ટુના પ્રચાર માટે ના પાડી દીધી એટલે તે કોઇ પત્રકાર પાસે પહોંચી ગયો. અને પ્રકાશચંદ્ર વિરુધ્ધ વાત કરવા લાગ્યો છે. મામલો ગંભીર છે. પ્રકાશચંદ્રને વાત કરીને મોન્ટુને સમજાવવો પડશે. નહીંતર ફિલ્મની વિરુધ્ધ આ બાબત જશે. તેણે પ્રકાશચંદ્રને ફોન લગાવ્યો.

"સર, તમે મોન્ટુની નારાજગી વિશે કંઇ જાણ્યું?"

"કેમ શું થયું?"

"તેણે તમારી વિરુધ્ધ મિડિયામાં વાતો કરી છે. તેને પ્રચારમાં મહત્વ મળ્યું ન હોવાની ફરિયાદ કરી રહ્યો છે. તે પ્રિમિયરમાં નહીં આવે તો મિડિયા આપણું લોહી પી જશે. તમારી ફિલ્મને નુકસાન થશે..."

"નુકસાન મને નહીં તને થશે!" કહી પ્રકાશચંદ્ર હસી પડ્યા.

પ્રકાશચંદ્રની વાત સાંભળી સાગરને નવાઇ લાગી. આમાં મારા નુકસાનની વાત ક્યાં આવી?

વધુ આવતા સપ્તાહે....

***

પરણેલી રસીલીએ વધુ રૂપિયાની માગણી કરી એવી કઇ વાત કહી કે ભારતીબેનને નવાઇ લાગી? મોન્ટુએ પ્રકાશચંદ્ર વિરુધ્ધની વાત કરી એમાં સાગરને શું નુકસાન થશે? રસીલી સાથે કેમેસ્ટ્રી જોવાના બહાને ડાન્સ કરીને સાકીરે મનમાં કઇ યોજનાને ઘૂંટી ? ધારાએ તેની પોર્ન સીડી બનાવનાર સાકીર ખાન માટે શું વિચાર્યું હશે? અજ્ઞયકુમાર રસીલીને સાકીર ખાનને કારણે કેમ સાઇન કરવા માગતો હતો? "લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમ પાડનાર માણસ કોણ હતો? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો ફાઇનાન્સર રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો વધી રહ્યા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. તમે ઘણી નવલકથાઓ વાંચી હશે પણ આ નવલકથાની વાત જ કંઇક અલગ છે. તેના માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૧૫ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૪૦૦ થી વધુ રેટીંગ્સ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ પણ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.