મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:3
રામપુરી દાદા નો આતંક ખતમ કર્યા બાદ રાજલને પોતાને એનો શુભચિંતક કહેતાં કોઈ વ્યક્તિનો લેટર અને વિચિત્ર વસ્તુઓ ભરેલું બોક્સ મળી આવે છે.રાજલનો પતિ એને જન્મદિવસ ની સપ્રાઈઝ ભેટ આપવાં અમદાવાદ આવી પહોંચે છે..રાજલ ને સંદીપ નામનો ઇન્સ્પેકટર જણાવે છે કે વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસનાં ઓફિસર વિનય નો કોલ આવ્યો છે જેમાં એક લાશ મળવાની અને એની જોડે રાજલ જોડે જોડાયેલી વસ્તુ મળવાની વાત એને કરી છે.રાજલ વધુ તપાસ માટે લાશ મળવાનાં સ્થાને જવાં નીકળી પડે છે.
રાજલનાં મનમાં એક વિચાર સ્ફુરતાં એને ચહેરો પાછળની સીટ તરફ બેસેલાં ઇન્સપેક્ટર સંદીપ તરફ જોઈને પૂછ્યું.
"આ ઇન્સ્પેક વિનય નું આખું નામ વિનય મજમુદાર છે ને..?"
રાજલનાં સવાલનાં જવાબમાં સંદીપ જવાબ આપતાં બોલ્યો.
"હા મેડમ, એમનું નામ વિનય મજમુદાર જ છે.."
સંદીપ ની વાત સાંભળી રાજલનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું..આ સ્મિત નું રહસ્ય હજુ થોડો સમય સુધી અકબંધ રહેવાનું હતું.
11.3 કિલોમીટર લાંબા અમદાવાદની શાન સમાન રિવરફ્રન્ટ ની સ્વચ્છ અને મજબૂત સડકો પર અત્યારે રાજલ જે જીપમાં બેઠી હતી એ જીપ ભાગી રહી હતી..રિવરફ્રન્ટનાં સમાંતર આવેલાં રોડ ઉપર આવતાં જ જીપ ડાબી તરફ ટર્ન લઈને નહેરુ બ્રિજની નીચે થઈને એલિસબ્રિજ પહેલાં આવતાં ભક્તિભાઈ ગાર્ડન જોડે આવીને ઉભી રહી.
રાજલે જીપમાંથી ઉતરતાં જ જોયું તો ભક્તિભાઈ ગાર્ડનની જોડે આવેલાં ખુલ્લાં પડેલાં ભાગમાં અત્યારે ઘણાં લોકોનું ટોળું એકત્રિત થયું હતું જેને પોલીસનાં કર્મચારીઓ વિખેરવાની કોશિશ કરી રહ્યાં હતાં.રાજલને જોતાં જ ત્યાં હાજર બધાં પોલીસ કર્મચારીઓ અદબભેર ઉભાં થઈ ગયાં..રાજલે દૂરથી જોયું તો જ્યાં સંન્યાસ આશ્રમ પડતો એની પાછળનાં મેદાનમાં ક્રાઈમ સીન ની પીળી પટ્ટીઓ દેખાઈ રહી હતી એટલે રાજલ સમજી ગઈ કે લાશ ત્યાંથી જ મળી આવી હશે અને પોતે પણ એ તરફ ચાલી નીકળી.ઇન્સ્પેકટર સંદીપ પણ રાજલની પાછળ પાછળ લાશ મળી આવી હતી એ સ્થળ તરફ આગળ વધ્યો.
રાજલનાં ત્યાં પહોંચતાં જ ફોરેન્સિક ટીમ જોડે વાત કરી રહેલાં ઇન્સ્પેકટર વિનયનું ધ્યાન રાજલની તરફ ગયું અને એ ચહેરા પર સ્મિત સાથે રાજલની તરફ આગળ વધ્યો.
"જયહિંદ રાજલ...મેડમ.."પહેલાં મોંઢેથી રાજલ નીકળી ગયું હતું પણ પછી ભૂલ સમજાતાં વિનયે મેડમ જોડી દીધું.
"જયહિંદ,ઇન્સ્પેકટર વિનય મજમુદાર.."
"કાલે તમે દાદા રામપુરીનો આતંક ખતમ કર્યો એ વિશે આજે ન્યૂઝપેપર માં વાંચ્યું..ખૂબ સરસ કામ કર્યું છે.."વિનય બોલ્યો.
"એતો મારું કામ હતું ઇન્સ્પેકટર.. હવે એ કહો કે મને અહીં બોલાવવાનું કારણ..ઇન્સ્પેકટર સંદીપે કહ્યું કે તમને એવી કોઈ વસ્તુ મળી છે જેનો સંબંધ મારી સાથે છે..?"રાજલ અત્યારે નકામી વાતો કરવાનાં મૂડમાં ન હોવાથી સીધી મુદ્દાની વાત પર આવતાં બોલી.
"કલ્પેશ પેલી લાશ જોડેથી મળેલી વસ્તુ લાવજે.."
વિનયનો હુકમ થતાં એની જોડે મોજુદ કલ્પેશ નામનો કોન્સ્ટેબલ થોડે દુર પાર્ક કરેલી પોલીસ ની સ્કોર્પિયોમાંથી એક બોક્સ લઈને આવ્યો..આવીને કલ્પેશે એ બોક્સ રાજલનાં હાથમાં મુક્યું..બોક્સની ઉપર સેલોટપ વડે એક સફેદ રંગનું કાગળ માર્યું હતું જેની ઉપર ટાઈપ કરીને લખાયું હતું.
"This is only for ACP rajal desai..your well wisher"
રાજલને એ બોક્સમાં શું હતું એ જોવાની બેચેની હતી..કેમકે આવું જ બોક્સ એને ગઈકાલે સાંજે પણ મળ્યું હતું..આજે પણ લાશની જોડે આવું જ બોક્સ અને પોતાને રાજલનો શુભચિંતક કહેતાં વ્યક્તિ દ્વારા એ બોક્સ નું પોતાનાં માટે ક્રાઈમ સીન પર છોડવું એ બંનેમાં કોઈક તો સામ્ય જરૂર હતું એવું રાજલ દ્રઢપણે માનતી હતી.
હાલ પૂરતું એ લાશ કોની છે અને એની હત્યા કઈ રીતે થઈ એ વિશે પૂછવું હાલપુરતું તો જરૂરી હતું..એટલે એને બોક્સ સંદીપને પકડવા માટે આપ્યું અને પોતે વિનય જોડે ક્રાઈમ સીન પર આવી જ્યાં એક યુવતીની લાશ પડી હતી.
એ યુવતી અત્યારે પીળાં રંગની ટીશર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલી હતી.. ચહેરા પરથી એની ઉંમર પચીસેક વર્ષ માંડ લાગતી હતી..રાજલે નીચે બેસી ખૂબ નજીકથી એ યુવતીની લાશનું નિરીક્ષણ કર્યું અને પછી વિનયની તરફ જોતાં બોલી.
"રેપ થયો હોય એવું લાગે છે..?"
"હા..મને પણ એવું જ લાગે છે..પણ હવે એ બધું તો પોસ્ટમોર્ટમ કરાવીએ પછી ખબર..ફોરેન્સિક ટીમ એમનું કામ પતાવી લે એટલે આ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવીએ.."વિનય જવાબ આપતાં બોલ્યો.
"આ યુવતી જોડે કોઈ આઇડેન્ટિટી પ્રુફ કે બીજું કંઈપણ એવું મળ્યું જે પરથી આની ઓળખાણ ખબર પડે..?"રાજલે જરૂરી સવાલ કરતાં વિનયને પૂછ્યું.
"ના એવું તો કંઈપણ મળ્યું નથી..પણ મેં આ યુવતીની તસવીરો ફેસબુક અને ઇન્ટરનેટનાં માધ્યમથી ફરતી કરી દીધી છે..નક્કી કોઈક તો વહેલી તકે આને ઓળખી જશે..મેં નીચે મારો નંબર અને પોલીસ સ્ટેશનનું એડ્રેસ પણ નાંખ્યું છે એટલે એકાદ-બે દિવસમાં આ યુવતીની નાનામાં નાની માહિતી મળી જશે.."વિનય એ કહ્યું.
"Very good work.. હવે હું નીકળું..you may proceed..કોઈ મદદ જોઈએ તો જાણ કરજો..જય હિંદ."વિનયનાં કામનાં વખાણ કરતાં રાજલ બોલી.
"અવશ્ય..મેડમ,જયહિંદ.."રાજલ સાથે હસ્તધૂનન કરી વિનય અદબથી બોલ્યો.
ત્યારબાદ રાજલ ત્યાંથી સંદીપની જોડે જીપમાં બેસી નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફ ચાલી નીકળી...રાજલનાં ત્યાંથી જતાં જ વિનયે ગુસ્સામાં આવીને કહ્યું.
"મારે કોઈની જરૂર નથી..હું એકલો જ આ કેસ સોલ્વ કરી દઈશ..હું મારી જાત ને શ્રેષ્ઠ પુરવાર કરીને જ રહીશ ACP રાજલ.."
ત્યારબાદ વિનય પુનઃ લાગી ગયો ત્યાં મળેલી એ યુવતીની આજુબાજુ મોજુદ સબુત એકઠાં કરવામાં..અમુક વસ્તુઓ વિનય દ્વારા નોંધવામાં આવી હતી..જેમકે આ યુવતીની હત્યા અહીં નહોતી થઈ પણ એની હત્યા કોઈ બીજી જગ્યાએ કરી એની લાશ ને અહીં કોઈ ફેંકી ગયું હતું..કેમકે અહીં કોઈ ઝપાઝપી નાં ચિહ્નો મોજુદ નહોતાં.આ ઉપરાંત એ યુવતીની એક આંગળી કોઈ ધારદાર વસ્તુ વડે કાપવામાં આવી હતી.
વિનય જરૂરી વસ્તુઓ નોંધી લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રોસેસ પૂર્ણ કરી ત્યાંથી ઉસ્માનપુરા સ્થિત રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન તરફ જવા માટે રવાના થઈ ગયો.
જતાં-જતાં વિનય નાં મગજમાં રાજલનાં વિચારો રમી રહ્યાં હતાં..આજથી સવા વર્ષ જેટલાં સમય પહેલાં રાજલ અને વિનય લગભગ સરખાં જ સમયે પોલીસ ટ્રેઈનિંગ એકેડમી માં જોડાયાં હતાં.વિનય ની ઈચ્છા હતી કે એ પણ એક બાહોશ અધિકારી બને અને એ પૂરાં ખંતથી પોતાનું દરેક ટ્રેઈનિંગ સેશન એટેન્ડ કરી રહ્યો હતો.આ દરેક ટ્રેઈનિંગ સેશનમાં વિનયને બરોબરની ટક્કર આપી રહી હતી રાજલ દેસાઈ.
ઘોડેસવારી,સ્વિમિંગ,દોડ કે પછી ફાયરિંગ કોઈપણ પ્રકારની ટ્રેઈનિંગ હોય ઘણી મહેનત કરવાં છતાં વિનય હંમેશા રાજલથી પછી જ રહેતો.વિનય ને પોતે રાજલથી હંમેશા પાછળ રહેવાનો રંજ નહોતો પણ એને એનાં કરતાં વધુ એ વાતથી તકલીફ હતી કે પોતે એક સ્ત્રીથી હારી જતો હતો..રાજલની અહીં અમદાવાદ બદલી થયાં બાદ વિનય ને ખબર હતી કે ભવિષ્યમાં ક્યારેક તો એની મુલાકાત રાજલ જોડે થવાંની જ હતી..પણ આટલી જલ્દી થઈ જશે એની કલ્પના શાયદ વિનય દ્વારા કરવામાં નહોતી આવી.
આજે રાજલ ને ના ઇચ્છવાં છતાં ક્રાઈમ સ્પોટ પર મળેલાં બોક્સનાં લીધે ત્યાં બોલાવવાની ફરજ પડી એ વિનય ને નહોતું ગમ્યું..કેમકે આ કેસ ની તપાસ પોતે જ કરવાં માંગતો હોવાંથી પોતાની ઉપરી અધિકારી હોવાં છતાં રાજલ આ કેસમાં દખલ કરે એ કોઈપણ ભોગે વિનય ને મંજુર નહોતું..પણ કહ્યું છે ને તમે ધારો એનાંથી ઊલટું જ થાય અને એવું જ આ કેસમાં વિનય સાથે બન્યું હતું.
*********
વિનય જોડેથી બોક્સ લઈને રાજલ પોતાની જીપમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં પહોંચતાં જ કોઈ જોડે કોઈ જાતની ચર્ચા કર્યાં વગર જઈને પોતાની કેબિનમાં પ્રવેશી..અત્યારે રાજલનાં હાથમાં એ બોક્સ મોજુદ હતું જે વિનય મજમુદારને ક્રાઈમ સ્પોટ પર મળી આવ્યું હતું.
રાજલ ને હવે એ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે પોતાની જાતને રાજલનો શુભચિંતક કહેતો એ વ્યક્તિ જ એ યુવતીનો હત્યારો હતો..પણ એનું આમ પોતાને મર્ડર પહેલાં અને મર્ડર પછી બોક્સ મોકલાવવું એ કંઈક સંબંધ ધરાવતું તો હતું.આ વખતે જે બોક્સ મર્ડર સ્પોટ પર મળી આવ્યું હતું એને ખોલ્યાં પહેલાં આતુરતા સાથે રાજલે ચારે તરફથી નીરખીને જોયું..ક્યાંક બોક્સ ઉપરથી કોઈ જાતની હિન્ટ મળી જાય એવું રાજલ વિચારી રહી હતી.
ઘણું બધું ચેક કર્યાં બાદ પણ રાજલને બોક્સ પરથી એવું કંઈપણ મળ્યું નહીં જેની ઉપરથી કાતિલ સુધી પહોંચી શકાય..રાજલે બોક્સ ને ટેબલ પર મુક્યું અને કટર વડે એની ઉપરનું ગિફ્ટ પેપર ફાડી નાંખ્યું..આ ગિફ્ટ પેપર પર કાતીલ ની ફિંગર પ્રિન્ટ હોઈ શકે છે એવો વિચાર આવતાં રાજલે ઇન્સ્પેકટર સંદીપ ને અંદર આવવાનું કહ્યું.
"સંદીપ આ પેપર ને તું ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને ત્યાં મોકલાવ અને આની ઉપર કોની-કોની ફિંગર પ્રિન્ટ મળે છે કે એની તપાસ કરાવ.વિનય દ્વારા તો આ બોક્સ ને હાથમાં ગ્લોવસ પહેર્યાં વગર સ્પર્શ કરવામાં નહીં આવ્યો હોય પણ મારી ફિંગરપ્રિન્ટ આની ઉપર મળશે એ નક્કી છે..મારાં સિવાય બીજાં કોઈની ફિંગરપ્રિન્ટ મળે તો મને રિપોર્ટ કર."સંદીપનાં અંદર આવતાં જ એને ગિફ્ટ કવર એક પોલીથીન બેગમાં મૂકીને આપતાં રાજલે કહ્યું.
"Ok મેડમ.."રાજલનાં જોડેથી પોલીથીન બેગમાં રહેલ એ ગિફ્ટ પેપર લઈને સંદીપ તુરંત કેબિનમાંથી બહાર નીકળી ગયો.
સંદીપ નાં જતાં જ રાજલે એ બોક્સ ની પર નજર કરી..આ એવું જ બોક્સ હતું જેવું ગઈકાલ સાંજે એને મળ્યું હતું.સફેદ રંગનું એ બોક્સ એજ સાઈઝનું હતું જેવું ગઈકાલે મળ્યું હતું..રાજલે એ બોક્સ ખોલી અંદર મોજુદ વસ્તુઓને ટેબલ પર રાખી..આ વખતે બોક્સની અંદર એક લાલ રંગની રીબીન હતી તથા એક શરીરમાં ભારે કહી શકાય એવો મોટી ફાંદ ધરાવતું રમકડું હતું.
ગઈ વખતે મળેલાં બોક્સમાં જે રીતે બોક્સની અંદરનાં ભાગમાં બકરીનું પોસ્ટર હતું એજ રીતે આ વખતે મળેલાં બોક્સની અંદરનાં ભાગમાં ગાયનું નિશાન હતું.ગઈ વખતની માફક આ વખતે મળેલાં બોક્સમાં પણ ત્રણેય વસ્તુઓ કોમન હતી.. એક રીબીન,એક રમકડું અને એક પોસ્ટર.
રાજલ એ બધી વસ્તુઓને નિહાળતાં નિહાળતાં વિચારોમાં ચડી ગઈ..કેમ કોઈ આવી વસ્તુઓ લાશ મળ્યાનાં એક દિવસ પહેલાં મોકલાવે અને લાશની જોડે જ આવી જ વસ્તુઓ સાથેનું એક બોક્સ મળે..આ બંને વચ્ચે કંઈક તો કનેક્શન જરૂર હતું પણ એ કનેક્શન શું હતું..?.રાજલ પોતાની નજરો સામે ટેબલ ઉપર એ બધી વસ્તુઓ ક્રમબદ્ધ મૂકીને એની તરફ જોતાં જોતાં વિચારવા લાગી.
ઘણું બધું વિચાર્યા બાદ રાજલ હજુ એ તથ્ય પર નહોતી આવી શકી કે આખરે એ યુવતીનો હત્યારો સાબિત શું કરવાં માંગે છે..એક ACP લેવલની પોલીસ અધિકારીને આ રીતે ગિફ્ટ બોક્સ મોકલાવવાં પાછળ આખરે એ ઈચ્છે છે શું એનું અનુમાન લગાવવામાં હાલ તો રાજલ અસમર્થ હતી.
રાજલને પોતાની સામે પડેલી પીળાં રંગની રીબીનને જોતાં જ એક ઝબકારો થયો..અને એ મનોમન બોલી.
"હા,એ યુવતી જેની લાશ મળી આવી છે એની ટીશર્ટ નો રંગ પણ પીળો જ હતો ને..તો શું હત્યારો પહેલાંથી મને એ જણાવવા માંગતો હતો કે એ પીળાં રંગની ટીશર્ટ પહેરેલી કોઈ યુવતીની હત્યા કરવાનો છે..?"
આવાં તો સેંકડો વિચારો રાજલનાં મનમાં આવતાં અને જતાં રહ્યાં..આ દરમિયાન એક કોન્સ્ટેબલ રાજલ માટે આવતાં ટીફીનમાંથી જમવાનું એક પ્લેટમાં કાઢી એની કેબિનમાં આવી ટેબલ પર મૂકી ગયો..રાજલ ને જમવાનો મૂડ તો ઓછો હતો છતાં અન્ન નું અપમાન કરવું યોગ્ય ના કહેવાય એવું વિચારી રાજલે જમવાનું શરૂ કર્યું..જમતાં જમતાં રાજલનાં મગજમાં ગઈકાલ સાંજે મળેલાં એ બોક્સ અને લેટર નું જ મનોમંથન ચાલુ હતું.
"અરે આટલી સામાન્ય વાત હું કઈ રીતે ભૂલી ગઈ.."અચાનક કંઈક યાદ આવતાં રાજલ મનોમન બોલી..અને પછી ફટાફટ જમવાનું પૂરું કરી હાથ-મોં ધોઈ પોતાની કેબિનમાંથી બહાર નિકળી.કેબિનની બહાર નીકળી રાજલ સીધી પોલીસ સ્ટેશનનાં કોમ્પ્યુટર ઓપરેટરની કેબિનમાં પ્રવેશી..રાજલ ને ત્યાં અચાનક આવી પહોંચેલી જોઈ ત્યાં કામ કરતાં બંને ઓફિસર સાગર અને લલિત પોતાની જગ્યાએથી ઉભાં થઈ ગયાં.
એ બંને ને હાથનાં ઈશારાથી બેસવાનું કહી રાજલે એમને કહ્યું.
"સાગર,પોલીસ સ્ટેશનની બહાર CCTV કેમેરો મોજુદ છે..?"
"હા મેડમ.."સાગર નામમાં એ ઓપરેટરે ટૂંકમાં જવાબ આપ્યો.
"મને ગઈકાલ સાંજ ની CCTV ફૂટેજ જોવી હોય તો એ મળી શકશે..?"રાજલે સવાલ કર્યો.
જમતાં જમતાં રાજલને ગઈકાલે ઇન્સ્પેકટર સંદીપ દ્વારા ગિફ્ટ બોક્સ અને એની જોડે રહેલો લેટર આપતી વખતે બોલાયેલાં શબ્દો યાદ આવ્યાં..જેમાં એને કહ્યું હતું કે..આ બોક્સ કોઈ પોલીસ સ્ટેશનની બહાર લોબીમાં મોજુદ પાટલી ઉપર રાખીને ગયું હતું..આનો સીધો મતલબ હતો કે CCTV કેમેરામાં આ બોક્સ મુકનાર વ્યક્તિ એટલે કે જે અનામી યુવતીની લાશ મળી હતી એનાં હત્યારા નો ચહેરો આવી ગયો હશે.. આટલી સામાન્ય વાત કઈ રીતે પોતે ભૂલી ગઈ હતી એ વિચારી રાજલ કોમ્પ્યુટર ઓપરેટરની કેબિનમાં જઈ પહોંચી હતી.
રાજલનાં પુછાયેલાં સવાલ ને સાંભળીને સાગર અને લલિતે આશ્ચર્ય સાથે એકબીજાની તરફ જોયું અને પછી લલિત રાજલની તરફ જોઈને બોલ્યો.
"હા મેડમ..આખાં મહિનાની CCTV ફૂટેજ જોવી હોય તો પણ ઉપલબ્ધ છે.."
"Good.. તો કાલ બપોર નાં ચાર વાગ્યાં પછીની CCTV ફૂટેજ પ્લે કરો.."પોતાનાં જમણાં હાથની મુઠ્ઠી ને ભીંસી લલિત ને આદેશ આપતાં રાજલ બોલી.
લલિત જે દરમિયાન ગઈકાલ ની રેકોર્ડ ફૂટેજ ઓપન કરી રહ્યો હતો એ દરમિયાન ચહેરા પર વિજયસુચક સ્મિત સાથે મનોમન રાજલ બોલી.
"Mr. શુભચિંતક હવે તમે જલ્દીથી મારી ગિરફતમાં હશો..?"
★★★★★
વઘુ આવતાં ભાગમાં.
રાજલ એ યુવતીનાં કાતીલ સુધી પહોંચી શકશે...?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?કોણ હતો રાજલનો અજાણ્યો શુભચિંતક..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)