Ruh sathe ishq return - 18 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 18

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 18

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 18

કબીરનાં વર્તનમાં આવેલો ફરક અને બીજી અમુક વાતોને ધ્યાનમાં લઈને જીવાકાકા ને કંઈક અજુગતું બનવાનો અંદાજો આવી જતાં તેઓ એક દિવસ રાતે ઘરેથી પાછાં વુડહાઉસ આવ્યાં.એમને એક યુવતીને વુડહાઉસમાં પ્રવેશતાં તો જોઈ પણ એનો ચહેરો ના જોઈ શક્યાં.પણ જ્યારે એ યુવતી બહાર આવી ત્યારે એને જોઈ જીવાકાકા નું હૃદય હચમચી ગયું..તેઓ રાધા ને ઓળખતાં હતાં પણ એને અહીં જોઈ એમનું શરીર કાંપી ઉઠ્યું હતું.

જીવાકાકા ઘરે પહોંચ્યા ત્યારે છ વાગી ચુક્યાં હતાં એટલે હવે સુવાનો કોઈ અર્થ નહોતો એટલે તેઓ ઘરનાં બહાર ખાટલો ઢાળીને એની ઉપર બેઠાં.. મગજમાં ચાલતાં વિચારો ઓછાં કરવાં એમને બીડી સળગાવી અને બીડીનો ધુમાડો હવામાં છોડતાં છોડતાં કહ્યું.

"મારે કબીર ને ચેતવવો જોઈએ..એને રાધાની હકીકત ખબર નહીં જ હોય..જો હું એને આ વિશે નહીં જણાવું તો ક્યાંક એ કબીરનો જીવ ના લઈલે.."

આમ ને આમ વિચારતાં સાત વાગી ગયાં.. જીવકાકા એ સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી અને સાઈકલ લઈને વુડહાઉસ તરફ જવા નીકળી પડ્યાં..જીવાકાકા એ ત્યાં પહોંચી જોયું તો રસોડાની જોડેનો દરવાજો ફરીવાર ખુલ્લો જ હતો..એનો મતલબ એ નીકળતો કે આ દરવાજો રાધા જ ખુલ્લો મૂકીને જતી હતી.

કબીર આજે પણ બાર વાગ્યાં આજુબાજુ જ ફ્રેશ થઈને નીચે આવ્યો..એને આવતાં જ જીવાકાકા એ મન મક્કમ કરી લીધું હતું કે પોતે રાધા વિશેની સચ્ચાઈ કબીરને બતાવીને જ રહેશે.કબીર જેવો જમવાનું પૂર્ણ કરીને ઉભો થયો એ સાથે જ જીવાકાકા બોલ્યાં.

"સાહેબ મારે તમને એક જરૂરી વાત કરવી છે..આ વાત સાથે તમારી જીંદગી નો સવાલ છે.."

જીવાકાકા ની વાત સાંભળી કબીર આશ્ચર્ય સાથે બોલ્યો.

'મારી જીંદગી નો સવાલ છે.તમે જલ્દીથી મને એ વાત જણાવશો.."

કબીરની વાત સાંભળી જીવાકાકા એ કહ્યું.

"સાહેબ,થોડાં દિવસથી તમે મોડાં ઉઠો છો અને તમારું વર્તન પણ થોડું બદલાઈ ગયું છે..આ ઉપરાંત વુડહાઉસનો દરવાજો પણ હમણાંથી સવારે આવીને જોવું ત્યારે ખુલ્લો મળતો હતો.બે દિવસ પહેલાં વુડહાઉસથી થોડે દુર એક વરુની લાશ મળી આવી હતી જેનાં પર ગોળી વાગવાનું નિશાન હતું.."

જીવાકાકા એ કહેલી દરેક વાત સત્ય હતી અને એમાં એક રહસ્ય છુપાયેલું હતું જે ફક્ત પોતે જ જાણતો હતો એવું કબીરને હતું..પણ જીવાકાકા જે રીતે રહસ્યની દરેક પરત ખોલી રહયાં હતાં એ સાંભળવાની તાલાવેલી સાથે કબીર બોલ્યો.

"હા તો આ બધી વસ્તુઓ પરથી તમે શું કહેવા માંગો છો..?

"હજુ મારી વાત પૂરી નથી થઈ સાહેબ..આ બધી વાતો પરથી મને અહીં વુડહાઉસમાં અને તમારી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હોવાની ભીતિ થઈ..હું મારાં મનનો શક દૂર કરવા ગઈકાલે રાતે બાર વાગે અહીં પાછો આવ્યો હતો..મેં જોયું કે રાત્રે અઢી વાગે એક યુવતી તમારાં રૂમની બારીની પાછળ આવીને તમને અવાજ આપી રહી હતી..જેનાં જવાબમાં તમે એને અંદર આવવાની અનુમતિ આપી અને દરવાજો ખોલ્યો..એ અંદર ગઈ ત્યારે હું થોડે દુર હોવાથી એનો ચહેરો ના જોઈ શક્યો.."

"સવારે મોડે સુધી હું એ યુવતીનાં બહાર નીકળવાની રાહ જોઈને છુપાઈને બેઠો હતો..સવારે પાંચ વાગે એ યુવતી વુડહાઉસમાંથી બહાર નીકળી એ સમયે મેં એનો ચહેરો નિહાળ્યો..એ યુવતી રાધા હતી.."

જીવાકાકા રાધાને ઓળખી ગયાં હતાં અને વધારામાં રાધા અને પોતાની વચ્ચેનાં છુપા સંબંધ વિશે પણ જાણી ગયાં હોવાથી કબીર થોડો ડરી ગયો..ડર હોવાં છતાં પણ સંપૂર્ણ સ્વસ્થતા ધારણ કરી બોલ્યો.

"હા હું રાધાને ઓળખું છું..એ સારી છોકરી છે..મને એની સાથેની મિત્રતા ગમે છે તો એમાં શું વાંધો છે..?"

"સાહેબ વાંધો મને નથી..પણ જ્યારે રાધાની હકીકત તમે જાણી જશો ત્યારે તમને જરૂર મોટો વાંધો પડી જશે એ વાત નક્કી છે.."જીવાકાકા પોતે બોલેલા દરેક શબ્દ પર ભાર આપતાં બોલ્યાં.

"તમે શું કહેવાની કોશિશ કરો છો..મને કંઈક સમજાય એમ બોલો.."વ્યગ્ર થઈને કબીર બોલ્યો.

"રાધા આ ગામની જ યુવતી છે..એનાં લગ્ન મોહન નામનાં અમારાં ગામનાં જ એક સંસ્કારી યુવક સાથે થવાંનાં હતાં પણ લગ્નની આગળની રાતે રાધા અચાનક ગાયબ થઈ ગઈ..લોકોએ ખૂબ શોધખોળ કરી પણ એ ક્યાંય ના મળી.મોહન તો રાધાનાં આમ અચાનક ચાલી જવાની વાત સાંભળી પાગલ બની ગયો હોય એમ વર્તવા લાગ્યો.બધાં ગામલોકો મળીને રાધાને શોધતાં રહયાં પણ એનો કોઈ પત્તો ના જ લાગ્યો.."

"એક દિવસ પછી લાકડાં કાપવા ગયેલાં એક વ્યક્તિ એ ગામમાં આવીને જણાવ્યું કે રાધા ની ટેકરી પર આવેલાં એક વૃક્ષ પર લટકતી લાશ એમને જોઈ છે.એની વાત સાંભળી મોહન અને ગામલોકોનું એક મોટું ટોળું બતાવેલી જગ્યાએ પહોંચી ગયું..રાધાની લાશ એક રસ્સી સાથે લટકતી જોઈએ બધાં ગામલોકો હેબતાઈ ગયાં.મોહનની સ્થિતિ તો સૌથી ખરાબ હતી..પોતાનાં જેની સાથે લગ્ન થવાનાં હતાં એ યુવતીની આવી હાલત જોઈને મોહન લગભગ ગાંડો થઈ થયો."

"રાધાની અંતિમવિધિ કરવામાં આવી એ દિવસ પછી કોઈએ મોહનને પણ જોયો નથી..ગ્રામજનો કહે છે કે મોહન ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તો એને આત્મહત્યા કરી લીધી હોવી જોઈએ..મોહનનાં પરિવારમાં એક ઘરડી માં હતી જે મોહનનાં ચાલ્યાં ગયાંનાં છ મહિના બાદ અહીંથી ક્યાંક ચાલી ગઈ..હવે એનું ઘર બંધ હાલતમાં છે."

જીવાકાકા ની વાત સાંભળી તો કબીરનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ..પોતે જે રાધાનાં પ્રેમમાં પાગલ બન્યો હતો એ રાધા શું હકીકતમાં મૃત હતી..પણ આ બધું શક્ય કઈ રીતે હોઈ શકે.જીવાકાકાનાં ખોટું બોલવાનો કોઈ અર્થ નહોતો પણ એનો અર્થ એવો પણ નહોતો કે એ જે કંઈપણ બોલે છે એ સાચું માની લેવું જોઈએ..કંઈક વિચારી કબીર બોલ્યો.

"જીવાકાકા લખેને ક્યાંક એવું બને ને કે જે યુવતી મને મળે છે એને પોતાનું નામ મને ખોટું કહ્યું હોય.."પોતે જે તર્ક કરી રહ્યો હતો એ બેમતલબ હતાં એની ખબર હોવાં છતાં એ તર્ક રજૂ કરવો કબીરને એ સમય પૂરતો તો ઠીક લાગ્યો.

"તો મેં જોયેલી એ યુવતી રાધા નહીં પણ બીજું કોઈક હતું એવું તમે કહો છો..?"કબીરનો તર્ક સાંભળી જીવાકાકા બોલ્યાં.

"હા તમે જ વિચારો..રાત્રી નો અંધકાર અને ઉંમરનાં લીધે ઝાંખી પડેલી તમારી દ્રષ્ટિ ક્ષમતા..ક્યાંક મારી વાત સાચી હોય એવું બને.."કબીર બોલ્યો.

"સાહેબ..આ રાધા એ કરેલી આત્મહત્યા પછી એની આત્મા અહીં ટેકરી પર ભટકે છે..અહીં આવેલી અને તમને મળેલી યુવતી એ રાધાની આત્મા હતી એ બાબતે હું ચોક્કસ છું..બાકી તમે જ વિચારો એ યુવતી ક્યારેય તમે દિવસે જોઈ ખરી..?એ કેમ ફક્ત રાતે જ આવે છે અને સવાર પડતાં પહેલાં નીકળી જાય છે..?"જીવાકાકા એકપછી એક સવાલો લઈને કબીરની સામે ઉભાં હતાં.

"પણ આ બધી વાત પર હું વિશ્વાસ નથી કરતો.."કબીર અકળાઈને ગુસ્સામાં આવીને બોલ્યો.

"સારું તમે આ બધું નથી માનતાં તો ચાલો મારી સાથે હમણાં જ શિવગઢ જઈએ..ત્યાં રાધાની માં હજુપણ રહે છે..એમને મળીને તમારી દરેક વાતની તસલ્લી જરૂર થઈ જશે.."જીવાકાકા એ કહ્યું.

"સારું ચલો ત્યારે..હું ગાડીની ચાવી લઈને આવું પછી આપણે નીકળીએ.."આટલું કહી કબીર દોડતો પોતાનાં રૂમમાં ગયો અને પાછો નીચે આવ્યો.

વુડહાઉસને લોક કરી જીવાકાકા અને કબીર નીકળી પડ્યાં રાધાનાં ઘરની તરફ..ગાડીની ગતિની સાથે કબીરનાં મનમાં પણ વિચારો પુરી ગતિમાં દોડી રહયાં હતાં.. જીવાકાકા પણ અત્યારે પોતાની વાત સાચી હોવાની સાબિતી મળી જશે એ વિચારથી રોમાંચિત હતાં.જીવાકાકાનાં કહ્યાં મુજબ કબીર પોતાની ફોર્ચ્યુનર ગાડીને લઈને એક ઘરની આગળ આવીને ઉભો રહ્યો.

"ચાલો,અંદર જઈએ..રાધા ની માં ભગવતી ઘરમાં જ હશે.."ગાડીમાંથી ઉતરતાં જ જીવાકાકા બોલ્યાં.

ઘરનાં દરવાજે પહોંચી જીવાકાકા એ હાથ વડે દરવાજે ટકોરાં પાડ્યાં એટલે અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો.

"કોણ છે ત્યાં..?"

"હું જીવાભાઈ.."જીવાકાકા મોટાં સાદે બોલ્યાં.

"અરે આવો..દરવાજો ખુલ્લો જ છે.."ફરીવાર એક મહિલાનો અવાજ સંભળાયો.જેનો અવાજ હતો એ સ્ત્રી રાધાની માં ભગવતી બેન હશે એવું કબીર સમજી ગયો.

ભગવતી બેનની રજા મળતાં જીવાકાકા ઘરનો દરવાજો અંદર પ્રવેશ્યાં.કબીર પણ જીવાકાકા ની પાછળ પાછળ એ મકાનમાં પ્રવેશ્યો..જીવાકાકા ને જોઈને ઘરમાં હાજર એક વૃદ્ધ સ્ત્રી આવકાર આપતાં બોલી.

"આવો જીવાભાઈ..કેમ આ તરફ ભૂલાં પડ્યાં.."

જીવાકાકા એ એમની વાત સાંભળી ઉપજાવી કાઢેલી વાત કહી.

"મારાં જોડે આ વ્યક્તિ આવ્યાં છે એ બહુ પોલીસ ઓફિસર છે..એમને શહેરમાં એક પાગલ વ્યક્તિ મળ્યો છે જે શાયદ મોહન હોઈ શકે છે..હવે એ મોહન છે કે નહીં એની ખાતરી કરવાં એ અહીં આવ્યાં છે.."

"બિચારો મોહન..મારી રાધા એ અચાનક કોઈ કારણ વગર આત્મહત્યા કરી લીધી અને મોહનની જીંદગી જીવતાં જીવ નર્ક બની ગઈ..હું પણ ઈચ્છું કે મોહન જ્યાં હોય ત્યાં સહી સલામત હોય અને સાહેબને જે મળ્યો એ યુવક મોહન હોય.પણ આમાં હું એમની શું મદદ કરી શકું છું.."આંખ પરનાં ચશ્માં સરખાં કરતાં ભગવતી બેન બોલ્યાં.

"તમારી જોડે મોહન નો અને રાધાનો કોઈ ફોટો હોય તો મને બતાવશો..તો હું એ ફોટોગ્રાફ જોઈને નક્કી કરી શકું કે એ યુવક મોહન છે કે બીજું કોઈ.."કબીરે ભગવતી બેનની વાત સાંભળી કહ્યું.

કબીરની વાત સાંભળી ભગવતી બેન મગજ પર જોર આપતાં બોલ્યાં..

"હાં.. અલમારીમાં રાધા અને મોહનનો એક ફોટો પડ્યો છે..પણ મારે શોધવો પડશે.."

"વાંધો નહીં.. તમે ફોટો શોધો ત્યાં સુધી અમે અહીં બેઠાં છીએ.."મકાનમાં ઢાળેલાં એક ખાટલા પર બેસતાં કબીરે કહ્યું.

જીવાકાકા અને કબીર ખાટલા પર બેઠાં એટલે ભગવતી બેને એક લાકડાંની જૂની પુરાણી અલમારી ખોલી અને એની અંદર રાધા અને મોહનનો ફોટો શોધવા લાગ્યાં.આ દરમિયાન કબીરની નજર રાધાનાં ઘરમાં આમતેમ ઘૂમી રહી હતી..કબીર આ ઘરમાં પહેલાં પણ આવી ગયો હોવાનું અનુભવતો હતો..એકાએક કબીરની નજર ટેબલ પર રાખેલાં એક રબરનાં ઢીંગલાં પર પડી..કબીર અનાયાસે જ ખાટલામાંથી ઉભો થઈ ગયો અને એ ટેબલની તરફ ચાલવા લાગ્યો.

કબીર હજુ ટેબલ સુધી પહોંચે એ પહેલાં તો ભગવતી બેન બોલ્યાં.

"આ મળી ગયો એક ફોટો.."

એમનો અવાજ સાંભળી કબીરનાં પગ આગળ વધતાં અટકી ગયાં..કબીર ભગવતી બેનની તરફ ચાલીને પહોંચ્યો અને એમનાં હાથમાં રહેલો ફોટો પોતાનાં હાથમાં લઈને જોવાં લાગ્યો.

"સાહેબ..આ ફોટો મોહન અને રાધા મેળામાં ગયાં હતાં ત્યારે એમને પડાવ્યો હતો..કેટલી સરસ જોડી લાગે છે બંને ની.."સાડીનાં પાલવ વડે આંખ લૂછતાં ભગવતીબેન બોલ્યાં.

કબીરે જેવો ભગવતીબેન દ્વારા આપવામાં આવેલો ફોટો પોતાનાં હાથમાં લીધો એ સાથે જીવાકાકા પણ કબીરની જોડે આવીને ઉભાં રહી ગયાં..કબીરે પહેલાં ફોટો ને નીરખીને જોયો અને પછી જીવાકાકા ની તરફ..કબીરની ફાટી આંખો એ વાતની સાબિતી હતી કે જીવાકાકા ની વાત સાચી હતી..પોતાને જે યુવતી મળવા આવતી એ રાધા જ હતી..અને રાધા તો વર્ષો પહેલાં આત્મહત્યા કરી મરી ગઈ હતી તો પોતાને જે રાધા મળતી એ રાધાની આત્મા હતી.

પોતે આટલાં દિવસથી એક આત્મા સાથે એક રૂહ સાથે ઈશ્ક કરી બેઠો હતો એ વિચારી કબીરનાં હાથ-પગ ધ્રુજવા લાગ્યાં.. થૂંક ગળે ઉતરી કબીરે ભગવતી બેનને ફોટો પાછો આપતાં કહ્યું.

"તમારો ખૂબ ખૂબ આભાર..પણ અમને મળેલો યુવક મોહન નથી..એ બીજો કોઈક જ છે..સારું તો અમે નીકળીએ તમે તમારી તબિયત સાચવજો.."

"સારું સાહેબ..જય માતાજી.."હાથ જોડી ભગવતીબેને કહ્યું.

કબીર ત્યાંથી નીકળવા જતો હતો ત્યાં એની નજર પુનઃ એ રબરનાં ઢીંગલાં પર પડી..આ ઢીંગલો કબીરને કંઈક યાદ અપાવી રહ્યો હતો..પણ શું..?આટલું વિચારતાં વિચારતાં કબીર રાધાનાં ઘરની બહાર આવી ગયો.

ગાડીમાં બેઠાં ત્યાં સુધી તો ના કબીર કંઈપણ બોલ્યો ના જીવાકાકા કંઈ બોલ્યાં..પણ જેવી ગાડી રાધાનાં ઘરથી થોડે દુર પહોંચી એ સાથે જ જીવાકાકા બોલ્યાં.

"સાહેબ..મેં કીધું હતું ને કે તમને મળનારી યુવતી એ જ રાધા છે જેને છ-સાત વર્ષ પૂર્વે આત્મહત્યા કરી હતી..તમારો જીવ જોખમમાં છે સાહેબ જોખમમાં.."

ગાડી ચલાવતાં ચલાવતાં કબીરે જીવાકાકાની તરફ એક નજર કરી અને બોલ્યો..

"હમમ.. તો.."

"સાહેબ મને લાગે છે તમારે હવે વુડહાઉસમાં રોકાવવું ના જોઈએ..ત્યાં રોકાવવું તમારી જીંદગી ને હાથે કરી સંકટમાં મુકવા બરાબર છે.."જીવાકાકા એ ચિંતિત સ્વરે કબીરને ઉદ્દેશીને કહ્યું.

જીવાકાકા ની વાત સાંભળી કબીર ગહન વિચાર કરી રહ્યો હતો કે એને હવે શું કરવું જોઈએ..બીજું કોઈ હોત તો એ તો અત્યારથી જ વુડહાઉસ તો શું શિવગઢ છોડીને પાછું ચાલ્યું જાત..પણ અહીં તો કબીર એક વસ્તુ કરી બેઠો હતો..અને એ જ વસ્તુ કબીરને બીજું કંઈ વિચારવા મજબુર કરી રહી હતી..એ વસ્તુ હતી રૂહ સાથે ઈશ્ક..!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર હવે શું નિર્ણય લેવાનો હતો..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાનો હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ