Sambandhnamu in Gujarati Moral Stories by Ashq Reshammiya books and stories PDF | સંબંધનામું

Featured Books
Categories
Share

સંબંધનામું

   "સૂરજ, તારા સગપણનું પાક્કું થઈ ગયું છે, તું હવે જરીએ ચિંતા કરીશ નહીં!"

     સત્તર તારીખના રોજ રાત્રે સાડાનવ વાગ્યે આવેલા ફોનને ઉપાડતા જ સુરજના કાને આનંદના સમાચાર આવ્યા. અને એ સાંભળતાં જ આનંદથી એ સ્તબ્ધ!

        સુરજ પોતે ચડેલા વિમાસણના વિશાળ બંગલાને રંગરોગાનથી બેનમૂન કરી દેવો કે પછી એ બંગલાને કડડભૂસ કરીને દિલમાં આનંદનો દિવ્ય સ્વર્ગોત્સવ ઉજવવો! આવા વિચારે ઘડીભર એ જ મૂર્તિમંત બની ગયો.

        એવામાં ફરીથી એના કાને એ વાક્યનો ભણકારો થયો ને એના માહ્યલાથી મનમાં બોલી પડાયું જો:'પાકું થઈ જ ગયું હોત તો ક્યારનોય એનો પત્ર આવી ગયો હોત!'

       સુરજ તરફથી કઈ જ પ્રત્યુત્તર ન મળતા સામેથી સવાલ આવ્યો:" હેલો સુરજ! સાહિલકુમાર બોલું છું. તું ઠીક તો છે ને? કેમ કશું બોલતો નથી?"

       "હા, ભાઈ હું તો ઠીક છું અને તમે જે વાત કરી એ વાત સાચી હોય તો મને ખૂબ જ ગમ્યું."
       સુરજે હળવાશથી ઉત્તર વાળ્યો અને ફોન મુકાઈ ગયો. એ રાતે લગભગ રાતના ત્રણ વાગ્યા સુધી સૂરજ બંધ આંખે જાગતો રહ્યો.

      જીવનના સાડા સત્યાવીસમાં વર્ષે સુરજ લગ્ન તરફની પુણ્ય મંઝીલે પહોંચ્યો હતો. આ આખરી મંઝીલે પહોંચતા પહોંચતા એને કેટકેટલી હાડમારીઓ તથા કેટલી વિમાસણોનો, કેટલા ધર્મસંકટો અને સમાજના લોકો તરફથી આડકતરી રીતે કેટકેટલા તાણવાણા સાંભળવા પડ્યા હતા એ સઘળું વૃત્તાંત એની આંખ સામેથી પસાર થઈ રહ્યું હતું.

       આ સમયે દરમિયાન એટલે કે 2005થી 2010 સુધીમાં સુરજના વેવિશાળને સારુ થઈને લગભગ બેતાલીસ જેટલા માગાઓ આવી ચૂક્યા હતા. એમા કેટલાંક સૂરજના અંગત કારણોને લીધે પાછા ઠેલાયા, કેટલાક એના પિતાજીની અસહ્ય માંદગીને કારણે, કેટલાંક એના વિશાળ પરિવારને લીધે તો વળી કેટલાક એના બદકિસ્મતના કારણે પાછળ ઠેલાયા.

         આટ આટલા માગા છતાંય સૂરજ કુવારો ફરે એ એના સમાજને રુચતું નહોતું. જો જે લોકોએ માંગા મોકલાવ્યા હતા એમણે જ એની નિર્દોષ આબરૂના ફટાકડા ફોડવા માંડ્યા. તેમ છતાંય સૂરજની ખ્યાતિ કે એના અસ્તિત્વને ઊની આંચ નહોતી આવી. કિન્તુ આખરે પરિવારને ખાતર એણે કસાર વહોરી અને એના સપનાઓ ની હોળી કરી નાખી.

        આ જગતમાં એવા અસંખ્ય માણસો છે કે જેનો આપણી પાસેથી પોતાનો સ્વાર્થ ન સધાય તો આપણી સામે જ મોરચો માંડી દે છે.

        સુરજના સ્વપસંદગીના લગ્ન કરવાના સપનાઓની હોળી કર્યા બાદ તેણે ફરીથી લગ્ન કરવાના વિચારને પણ લીલી લાકડી  દીધો. હજીયે માગાઓની તો કતારો આવતી હતી કિંતુ એની પીઠ પાછળના કેટલાક દુશ્મનો હાથ-પગ ધોઈને એની અને એના કુટુંબની પાછળ મંડાઈ રહ્યા હતા.

       લગ્નની ના પાડવાના કારણે સૂરજ દુનિયાને અભિમાની લાગવા માંડ્યો. અભિમાની માણસ જગતને ગમતો નથી અને અભિમાન માણસનું પતન નોતરે છે એ વાત જાણતાં સૂરજના સમાજના કેટલાક લોકો એની આબરૂ પર ધૂળ ઉડાડવાના વ્યર્થ વલખા મારવા લાગ્યા. માટે જ્યાંથી જ્યાંથી સુરજ માટે માગું આવતું ત્યાં જઈને એની ઈજ્જત ઉડાવી આવતા. અરે કેટલાકે તો એવી વાત ઉડાડવા માંડી હતી કે સુરજ પ્રેમલગ્ન કરી બેઠો છે! હવે ભલા આવી વાત સાંભળીને એની સાથે લગ્ન કરવા કરાવવા કોણ તૈયાર થાય? છતાંય એના વિરોધીઓની પીપુડી નહોતી વાગી અને ડઝનબંધ મંગાવો તૈયાર હતા એના માટે.

       હકીકત કોઇ સંજોગોમાં કે કોઈના કહેવાથી એ બદલાતી નથી. એ તો અડગ રહેવા જ સર્જાઇ છે.

      સમાજમાં ક્યાંક ક્યાંક લોકો એની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા હતા ત્યારે જ એના કાને વેવિશાળની એક નવીન વાત આવી હતી. વાત હતી મૂળે રાજસ્થાની સમાજની અને હાલે મુંબઈમાં રહેતા એક સંસ્કારી પરિવારની યુવતીની. સૂરજના કાને આ વાત આવી ત્યાં લગી એણે એ યુવતીને કે એના પરિવારને ક્યારેય જોયું કે જાણ્યું નહોતું. ને છતાંય એણે હા ભણી દીધી. કિન્તુ ત્યાં સુધીમાં એ યુવતી અને એના પરિવારના કાને સૂરજના વિરોધી કંઈ કેટલીયે વાતો પહોંચી ગઈ હતી.

       માનવજાતિના ઉદય કાળથી એક મહાન વિકૃતિ એના મગજમાં હંમેશા ખીલતી ચાલતી રહી છે. એ વિકૃતિ એટલે ઈર્ષ્યા! માનવીને અન્યોની પ્રગતિ ખૂબ ખટકે છે અને જ્યારે અે પ્રગતિનો ખચકાટ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તે ઈર્ષ્યાનું આયુધ લઈને તેને હરાવવાના કાવાદાવામાં લાગી જાય છે.

          પચ્ચીસ જુલાઈ ના રોજ સાહિલભાઈ દ્વારા એના કાને વાત આવી. તે ક્ષણે પળનોય વિલંબ કર્યા વિના એણે હા કહી દીધી હતી. એમ કરીને એણે જે લોકો વાતો કરતા હતા કે સૂરજે પ્રેમ લગ્ન કર્યા છે! પ્રેમલગ્ન કરવાના મૂડમાં છે! છોકરીઓને જોતો ફરે છે. રૂપરંગ જુએ છે! એ સઘળી વ્યર્થ વાતોને સાવ નબળી  પાડી દીધી.

        સૂરજની 'હા' પછી સામે ચર્ચાઓ ચાલતી રહી. એમ કરતા એકવાર એ યુવતીના પરિવારે સુરજને જોવાની ઇચ્છા જતાવી. એ ઈચ્છામાં એક ભાવ એવો હતો કે એ બંને જણા એકબીજાને નજરો-નજર કાઢી લે. કિન્તુ સુરજે ત્યાં જવાની ધરાર ના પાડી દીધી. છતાય એનું કંઈ જ ન ચાલ્યું અને આખરે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે ઊગતી સવારે મુંબઈ જઈને એ યુવતી અને એના પરિવારને પોતાનું મુખકમળ બતાવી આવ્યો. સાથે સાથે એ ભાવી ભાર્યાની એક અખંડ ઝલક લઈ આવ્યો.અને ગજબનો  આનંદ પણ લેતો આવ્યો.

       સુરજના પરિવાર તરફથી તો પાકું થઈ ચૂક્યું હતું. કિંતુ સામેવાળો પરિવાર વિમાસણમાં પડી ગયો હતો. એનું કારણ લોકોના મોઢે સાંભળેલી કેટલી ક વાતો હતી. એ બધી વાતોમાં ફક્ત એક જ વાત સાચી હતી કે સૂરજ પ્રણય તરસ્યો બનીને આજીવન હમસફરના ઈંતજારમાં હતો બાકી બધી જ વાતો ઈર્ષ્યાથી ઉપજાવી કાઢેલી હતી.

        મુંબઈમાં સૂરજને જોયા બાદ એ પરિવારની અડધી વિમાસણ દૂર થઈ ગઈ હતી કિંતું પેલી સાંભળેલી વાતોનો ખચકાટ એમના હૃદયને કોરી ખાતો હતો.

        મા-બાપને પુત્રીની કેટલી ચિંતા? પુત્રીની આ ચિંતા હોવી જ જોઈએ! કારણકે પુત્રી -દીકરી પ્રભુનું અદભુત સર્જન છે અને એના થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે. જેનાથી સૃષ્ટિનું સર્જન થયું છે એ દિકરીના ભવિષ્યની ચિંતા દરેક માવતરની હોવી જ જોઈએ.

       મુંબઈ જઈ આવ્યા બાદ જેની સાથે સૂરજનું સગપણ નક્કી થવાનું હતું એ યુવતીને એણે તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ નીચેનો પત્ર લખ્યો:
            "મારા સ્વપ્નનગરી મુંબઈમાં રહેતી મારી પ્યારી પ્યારી હિરોઈન!
             મારી સાથે બંધાવા જઇ રહેલા બંધનથી તું ખુશ હશે અને હંમેશા ખુશ મિજાજ જ બની રહે એવી પ્રભુને પ્રાર્થના.
         તારી સાથેના સંબંધથી હું બહુ જ ખુશ છું. મારાથી પણ વધારે ખુશ મારો પરિવાર છે. સાચું કહું તો આપણા બંનેના પરિવારની ખુશીની ખાતર આપણે એકમય બનવાના છીએ. છેલ્લા બે-ત્રણ વર્ષથી મારી તમન્ના હતી કે જીવનસાથી તરીકે મને એક એવી યુવતી મળે કે જેના વિશે હું કશું જ જાણતો ન હોઉં  કે જેને મેં કદી નજરે નિહાળી ન હોય! અને છતાંય મારા હૃદયમાં એના તરફ પ્રેમની ગંગા જમના અને સરસ્વતી ઉભરી આવે! બસ, આ એક જ મારા જીવનની લગ્ન કરવા બાબતે છેલ્લી તમન્ના હતી અને આ તમન્નાને લઈને જ હું આજ લગી એકલો-અટૂલો ફરતો રહ્યો છુ.
          તારી સાથેના સગપણની વાત સાંભળી ત્યારે જ બાળપણથી ખાલી પડેલા મારા હૃદયમાં પ્રેમના પ્રગાઢ દરિયાઓ હિલ્લોળા લેવા લાગ્યા હતા અને એ જ ઘડીએ તને જોઈ નહોતી છતાંય મેં મારા ભાઈને 'હા' કહી દીધી હતી.
           પત્ર લખવાનું મારું એક જ પ્રયોજન છે કે મને તો મારા પરિવારજનોએ પૂછીને જ આપણી વાત નક્કી કરી છે કિંતુ આપણા સમાજની રૂઢિચુસ્ત પરંપરાને લઈને શાયદ તને કોઈએ નહીં પૂછ્યું હોય કે 'હું તને ગમું છું કે તારા યોગ્ય છું!' બસ મારા મનની એક જ વિમાસણને લઈને પત્ર દ્વારા પૂછી રહ્યો છું કે મારી સાથેના સંબંધ બાબતમાં તું તારા મનની વાત જેમ બને એમ જલ્દી લખીને મોકલાવજે."
            પત્ર લખ્યા બાદ સૂરજ એના જવાબના ઈંતજારમાં રહ્યો. કિન્તુ સોળ દિવસ શ્રાદ્ધના, નવ દિવસ નોરતાના અને છ દિવસ શરદપૂનમના વીતી જવા છતાંએ એનો કંઈ જ જવાબ ન આવ્યો. એક મહિનો થવા છતાંએ પ્રત્યુત્તર ન આવતા એની વિમાસણ બેબાકળી બનવા લાગી. દિવસનું ચેન અને રાતની નીંદર હરામ થવા લાગી.
             એક રાત્રે બેચેનીથી કંટાળેલા એણે ભીષ્મ સંકલ્પ કર્યો કે બને તો આ યુવતી જોડે લગ્ન કરી લેવા નહીં તો આખી જિંદગી બ્રહ્મચર્યમાં જ રહેવું! કિંતુ આ સંકલ્પ લીધાના ત્રીજી જ રાત્રે સુરજ ને સાહિલ કુમાર નો ફોન આવ્યો. અને વાર્તાની શરૂઆત મુજબનો સંવાદ થયો. એ સાથે જ સૂરજની સ્થિતિ બદલાઈ ગઈ.
            સગપણ પાક્કું થઈ ગયાની વાત આવી કિંતુ સુરજે પોતે લખેલા પત્રનો કઈ જ પ્રત્યુત્તર ન આવતા એની બેચેની બહાવરી બનવા લાગી. પત્રના ઈંતજારમાં એણેે અધૂરા ઉપવાસ આદર્યા. એક બાજુ ઈન્તજારમાં એ રિબાતો જતો હતો તો બીજી બાજુ એના વિરોધીઓ કે જેમણે જૂની કાનભંભેરણી કરી હતી એ લોકોને સૂરજના સગપણની વાત સાંભળીને એમની આંખોએ અંધારા આવવા લાગ્યા અને શરીર જાણે સ્મશાનમાં જઇ સળગી રહ્યું હોય એવી સ્થિતિ થવા લાગી.
             દિવાળીને છ દિવસ બાકી હતા. વીસમી ઓક્ટોબરના રોજ ચડતા દિવસે ચડતી બેચેનીએ સૂરજને પત્ર મળ્યો! પત્ર મળતાં જ એ સાતમું આકાશ ભેદીને સ્વર્ગમાં પહોંચી ગયો! લાકડા પર ગોઠવાયેલા શબમાં જેમ જીવ આવે એમ એનામાં નવો પ્રાણ આવ્યો. એણે ઝપાટાભેર પત્ર અને વાંચવા માંડ્યો:
               "પ્રિય પતિદેવ...
                સપ્રેમ વંદન...પ્રણામ..!
                હૃદયમાં ઉભરાયેલા પ્રેમના પ્રચંડ પ્રવાહોથી ભીના ભીના સ્પંદન પાઠવું છું સાથે જ તમે કુશળ હશો ને હંમેશા ખુશ રહો એવી દિવાળીની શુભકામનાઓ.
                સમયસર પ્રત્યુત્તર ન આપી શકવા બદલ ક્ષમા ચાહું છું. પ્રથમવાર તમને મારા ઘેર જોયા ત્યારે જ મારા ઉરમાંથી ઊર્મિઓની પ્રચંડ છોળો ઉભરી આવી હતી અને મારા રોમ રોમમાંથી તમારા તરફ પ્રેમના પ્રવાહો ઉમટી પડ્યા હતા. તમારો પત્ર હાથમાં લેતા જ ઉરમા લાગણીના ઉમળકાઓ 'હાં' માં બનીને નાચવા લાગ્યા હતા કિન્તુ હું તમને ત્યારે લખીને જણાવી ન શકી એમાં મારી મજબૂરી હતી. કારણકે મારા ઘરમાં આપણા સંબંધની માત્ર ચર્ચાઓ ચાલતી હતી કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો ન હતો માટે હું ચૂપ હતી!
             તમારા સવાલનો જવાબ:"બાગમાં ખીલેલા સેંકડો ગુલાબના પુષ્પોની સુગંધી  પમરાટ જેમ તમે મને ગમ્યા છો.પ્રભુસમી મૂરત બનીને તમે મારા દિલમાં વસી ગયા છો. સાથે જ તમે મને પૂછવાની જે સહૃદયતા દાખલી એનાથી મારી જિંદગી સોળે કળાએ મહોરી ઊઠી છે.
              અને છેલ્લે.....
              જેમ બને એમ વહેલી તકે આપણા લગ્ન થઇ જાય એવી પ્રભુને પ્રાર્થના!  કારણકે વર્ષોથી કચ્છને જોવાની મારી તમન્ના હવે જવાન થઈ ઊઠી છે!
                              લિ.
                             તમારી હિરોઈન...
                            
                પત્ર વાંચ્યા બાદ સુરજ પેલો જર્મન કવિ  ગેટ જેમ શાકુંતલ વાંચીને નાચી ઉઠ્યો હતો એમ પત્રને ચૂમતો ગામ વચાળે જ નાચી ઉઠ્યો હતો!