Reincarnation - 2 in Gujarati Classic Stories by Himanshu Patel books and stories PDF | પુનર્જન્મ - 2

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 2

હવે રાહુલ ને બધું સમજાઈ ગયું હતું.તે સમજી ગયો હતો કે તે હવે ફક્ત સુક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે છે.તેનું શરીર હવે નિષ્પ્રાણ બની ગયું છે.રાહુલ હવે નદી ની રેત માં ઘૂંટણભેર બેઠો હતો.તેને વિચાર આવ્યો ,“માં અને બહેન શું કરતા હશે?”.એટલું વિચારતા જ તેને આંખ ખોલી તો તે પોતાના ઘર માં હતો. માં ઘર માં જ હતી અને શાકભાજી ની લારી લઇ ને જવા ની તૈયારી જ કરી રહી હતી.અને તેને ઘર ની બહાર જતા રાધા ને કહ્યું,”રાધા રાહુલ દેખાતો નથી બપોર નો,તને કઈ કહી ને ગયો છે?,ક્યાં ગયો હશે?”
રાધા બોલી,”માં મને કઈ વાત કરી નથી ભટકતો હશે ક્યાંક આવી જશે તું ચિંતા નાં કર.”
માં એ કહ્યું,”સારું બેટા આજે એના માટે ખીચડી અને શાક બનાવી દેજે તેને રીંગણ નું શાક બહુ ભાવે છે ને”
રાધા મોં ચડાવી ને બોલી,”હા તને તો દીકરો જ વહાલો છે ને અમે તો જાણે કઈ નહિ.”
માં હસી ને બોલી,”ના બેટા મારા મન માં એવું કાઈ નથી માં માટે બધા સંતાન એક સમાન જ હોય.”
એમ કહી ને માં ઘર ની બાહર નીકળી.
રાહુલ ઘર ના દરવાજા માં ઉભો ઉભો આ સંવાદ સાંભળી રહ્યો હતો.અને માં અને દીકરી વચ્ચે નો આ સંવાદ સાંભળી તેને એક દમ થી રડવું આવી ગયું.પણ આ શું તેને લાગ્યું કે ખુબજ રડી રહ્યો છે પણ આંખ માં થી એક પણ આંસુ નીકળતું નથી.જાણે તેના મૃત્યુ ની સાથે આંસુઓ પણ સુકાઈ ગયા.તેને મન થયું કે માં ને બથ ભરી લઉં,પણ તે હવે એ પણ જાણતો હતો કે આ શક્ય નથી.તે વિચારી રહ્યો હતો કે માં ને મારા મોત ના સમાચાર ક્યારે મળશે,અને જયારે મળશે ત્યારે તેની ઉપર શું વીતશે.હજુ તે આવું વિચારી જ રહ્યો હતો ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘર માં દાખલ થયો.અને રાધા ને કહ્યું,”ક્યાં છે તારી માં?”
રાધા ને ધ્રાસકો પડ્યો,”કેમ શું થયું સાહેબ?”
કોન્સ્ટેબલ બોલ્યા,”તારી માં ને બોલાવ”
રાધા બોલી બે મિનીટ બેસો સાહેબ હું બોલાવી લાવું.
રાધા એ શાક માર્કેટ તરફ દોટ મૂકી.ત્યાં પહોચતા સુધી માં તેના મગજ માં કેટલાય વિચારો તાંડવ કરવા લાગ્યા,જેમકે “શું રાહુલે કઈ ખોટું કામ કર્યું હશે?”,”કોઈ ચોરી કરી હશે?”.
રાધા માં ને લઇ ને ઘેર આવી.કોન્સ્ટેબલે માં ને કહ્યું,”ચાલો મારી સાથે ગાડી માં બેસો”
માં એ કહ્યું,”હું આવું છું પણ મને કહો તો ખરા શું થયું સાહેબ?”.કોન્સ્ટેબલે કહ્યું તમે ગાડી માં બેસો હું સમજાવું છું.માં એ રાધા ને કહ્યું,”તું ઘેર જ રહેજે બેટા હું આવું છું”
માં પોલીસ ની ગાડી માં બેઠી,અને બેસતા જ ફરી પૂછવા લાગી,”હવે કહો સાહેબ શું થયું?”
કોન્સ્ટેબલે કહ્યું,”માડી હિંમત રાખજે ભગવાન ને જે ગમ્યું તે ખરું.”
માં ને ફાળ પડી અને ગુસ્સે થઇ ને કહ્યું,”હવે ફાટ ને શું થયું?”
કોન્સ્ટેબલે કહ્યું,”તમારા દીકરા રાહુલે આત્મહત્યા કરી લીધી છે.”
માં ની આંખ માં અંધારા આવી ગયા અને ગાડી ની સીટ માં જ ફસકી પડી.કોન્સ્ટેબલે તેના ચહેરા પર બોટલ માં થી પાણી લઇ ને છંટકાવ કર્યો અને પાણી પીવડાવ્યું.થોડા હોશ માં આવતા જ માં એ ફરી સવાલો ની ઝડી વરસાવવા નું શરુ કર્યું,”તમે સાચું કહો,મારો દીકરો આવું કરે જ નહિ”વગેરે વગેરે.
કોન્સ્ટેબલે કહ્યું માજી તમે શાંતિ રાખો અને ચાલો હોસ્પિટલ પર અને આગળ ની વિધિ કરો.
રાહુલ પણ સુક્ષ્મ સ્વરૂપે માં ની બાજુ માં હતો.તે પણ અવાચક બની ગયો હતો.હવે તેને પણ મેહસૂસ થવા લાગ્યું હતું કે તેને કેવડું મોટું પગલું ભરી લીધું છે.તેના મૃત્યુ ની સાથે કેટલા લોકો ની જીંદગી પણ ખરાબ થઇ છે.એની સાથે તે એ પણ જાણતો હતો કે હવે તે કઈ કરી શકે તેમ પણ નથી.
કોન્સ્ટેબલ માં ને લઇ ને હોસ્પિટલ પહોચ્યા.હોસ્પિટલ ના હેડ ડોક્ટર માં ને શબગૃહ માં લઈ ગયા.અને રાહુલ ની લાશ ની ઓળખ કરાવી.રાહુલ ને જોઈ ને માં ફરી થી બેહોશ થઇ ગઈ.ડોકટરે હોસ્પિટલ ના સ્ટાફ ને બોલાવી સ્ટ્રેચર પર સુવડાવી તેમને આઈ.સી.યુ માં લઈ ગયા.
આજે રાહુલ ના મૃત્યુ નો બારમો દિવસ છે.માં એ તેના આત્મા ની શાંતિ માટે બધી વિધિ કરવા માં કોઈ કસર રાખી નહોતી.આજે બારમાં નો જમણવાર પણ રાખ્યો હતો લગભગ ૭૦૦ લોકો નું રસોડું હતું.અને આ ખર્ચ માટે પણ તેને પેલા માથાભારે લોકો પાસે થી વ્યાજે રૂપિયા લેવા પડ્યા.રાહુલ માં ની આ દશા જોઈ નહોતો શકતો.૧૨ દિવસ પછી પણ બંને બહેનો ની આંખો માંથી અવિરત વહેતા આંસુઓ ને નહોતો જોઈ શકતો,પણ એ કઈ કરવા સક્ષમ નહોતો.
રાહુલ ને વિચાર આવતો હતો કે મૃત્યુ પહેલા પણ એ “અક્ષમ” જ હતો એવું કઈ કરવા માટે જેથી પરિવાર ને મદદરૂપ થઇ શકે,પણ જીવતા રહી ને તેની પાસે કોઈ ને કોઈ વિકલ્પ મળી રહેવા નો ચાન્સ તો હતો જ.રાહુલ ને હવે પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો.કાશ ભગવાન મને ફરી એક મોકો આપે.પણ જિંદગી ફક્ત એકજ મોકો આપે છે.તેના થી માં અને બહેનો ની આ હાલાત જોવાતી નહોતી.પણ જાણે ભગવાને નક્કી કર્યું હોય તેમ તે માં અને બહેનો ના દરેક દુખ નો સાક્ષી બની રહ્યો હતો.તેના ના ઇચ્છવા છતાં પણ તેના ગયા પછી પરિવારપર વરસી રહેલા અપાર દુ;ખ હવે તેને જોવા પડી રહ્યા હતા.
રાહુલ ના મૃત્યુ ને આજે ૨ મહિના થઇ ગયા હતા.પણ માં અને બહેનો પર દુ:ખ નો ઓછાયો હજુ ઓછો નહોતો થયો.અને રાહુલ પણ હવે એવું ઈચ્છી રહ્યો હતો કે ભગવાન કાંતો પરિવાર નું દુખ ઓછું કરે કાંતો પોતાને મોક્ષ આપી દે જેથી તે પરિવાર ના આ દુ:ખ ને ના જોઈ શકે.તને ખબર હતી કે બીજા વિકલ્પ માં તેનો સ્વાર્થ છુપાયેલો છે,પરંતુ તે અંદર થી ખુબજ તડપી રહ્યો હતો.અને સૌથી વધુ તકલીફ આપતી વાત એ હતી કે “તે પોતાનું દુખ કોઈ ને કહી શકતો નહોતો.”જયારે તમે કોઈ ને પોતાનું દુ:ખ કોઈ ને કહો ત્યારે તમારું દુ:ખ ઘણું ઓછું થઇ જાય છે પણ,આ વિકલ્પ રાહુલ પાસે ઉપલબ્ધ નહોતો.
હવે ફરી પાછા ઉઘરાણીવાળા માથાભારે તત્વો ઘેર આવવા ના શરુ થઇ ગયા હતા.ઘેર આવી ને ગમે તેમ અભદ્ર ભાષા નો ઉપયોગ કરતા હતા,ક્યારેક રાધા ઘેર એકલી હોય તો તેનો હાથ પકડી અશ્લીલ હરકતો કરતા.પણ રાધા વાઘણ ની જેમ ગર્જના કરતી તો ઉભી પુન્છડીએ ભાગતા.રાહુલ આ બધું જોઈ ને ખુબજ ગુસ્સે થઇ જતો તેને ઘણીવાર એમ થઇ જતું કે આ બધા નું ખૂન કરી નાખું. પણ તે કઈ પણ કરવા અસમર્થ હતો.
હવે રાહુલ ભગવાન પાસે મોક્ષ ની માંગણી કરવા લાગ્યો તે આ મૃત્યુ પછી ની જીંદગી થી હેરાન પરેશાન થઇ ગયો હતો.આજે તેમના વિસ્તાર માં આવેલા શિવ મંદિર પર શિવકથા નો પ્રારંભ થયો હતો.ખુબજ પ્રકાંડ પંડિત સ્વામી સત્યાનંદ શિવકથા કરવા ના હતા.માં પહેલા દિવસ થી જ શિવકથા માં જતી હતી.આજે બીજો દિવસ હતો આજે રાહુલ પણ ત્યાં હાજર હતો.શિવકથા સાંભળી ને તે પોતાને થોડો શાંત મહેસૂસ કરવા લાગ્યો.તે આગળ સ્ટેજ ની બાજુ માં જ બેસી ને કથા સંભાળવા લાગ્યો.સળંગ ૩ દિવસ જવા થી રાહુલ ને ખુબજ સારું લાગવા લાગ્યું.અને તેની પાછળ નું બીજું કારણ એ પણ હતું કે કથા સંભાળતી વખતે માં ના ચહેરા પર દેખાતી અપાર શાંતિ.
આજે રાહુલ એક દમ મગ્ન થઇ ને આંખો બંધ કરી ને કથા સાંભળી રહ્યો હતો,અચાનક તેને આંખો ખોલી ને સ્ટેજ તરફ જોયું તો તેને એવો ભ્રમ થયો કે સ્વામીજી કથા વાંચતા વાંચતા વારે વારે તેની સામે જોઈ રહ્યા છે.અને મંદ મંદ હસી રહ્યા છે.તેના મગજ માં વિચારો નું ઘોડાપુર ફરી ચાલવા લાગ્યુંતને જોઈ શકે છે.તેને થયું કે સ્વામીજી તેને જોઈ શકે છે.પરંતુ બીજી ઘડી એ વિચાર્યું કે ના આ તેનો ભ્રમ પણ હોઈ શકે.આજ ના દિવસ ની કથા પુરી થઇ ગઈ.માં ઘર તરફ ચાલવા લાગી.રાહુલ ને થયું કે કાશ માં મને એક વાર સાંભળી શકે,પણ તે તેની અસમર્થતા પર લાચાર અનુભવવા લાગ્યો.અને માં સાથે વાત કરવા ના વિચાર ને ઉગતો જ ડામી દીધો.
આજે કથા નો છેલો દિવસ હતો.આજે રાહુલ વિચારી રહ્યો હતો કે મન ના ક્યાંક ખૂણે સળવળી રહેલા તેના શંકા ના કીડા નો આજે ઈલાજ કરી ને જ જંપીશ.આજે હું સ્વામી સત્યાનંદ ની સામે જ બેસીશ અને હકીકત શું છે તે જાણી ને જ રહીશ.જો સ્વામીજી તેને જોઈ શકતા હોય તો કદાચ વાત પણ કરે.કથા શરુ થઇ માં મહિલા ઓ ની હરોળ માં આગળ જ બેસી ને કથા સાંભળી રહી હતી.અને રાહુલ પણ અદ્રશ્ય રીતે પુરુષો ની હરોળ માં સૌથી આગળ બેઠો હતો.તેની નજર સ્વામીજી પર જ ટકેલી હતી.તે વાત જોઈ રહ્યો હતો કે સ્વામીજી તેની સામે નજર કરે છે કે નહિ?. .
કથા શરુ થયા ના લગભગ એક કલાક સુધી સ્વામીજી એ તેની તરફ નજર સુદ્ધા ના કરી,પરંતુ કેટલાક સમય પછી રાહુલ ને એવું લાગ્યું કે સ્વામીજી તેની સામે જોઈ ને જ કથા બોલી રહ્યા છે.અને જાણે ફક્ત એને જ સંભળાવી રહ્યા છે.વારંવાર તેની સામે જોઈ ને તેમના તેજસ્વી મુખારવિંદ પર નિર્દોષ સ્મિત ની એક લહેર વહી રહી હોય તેવું લાગતું હતું.હવે રાહુલ ને ખાતરી થઇ ચુકી હતી કે સ્વામીજી ને તેના અસ્તિત્વ નો એહસાસ છે.
રાહુલે અચાનક ઉત્સાહ માં આવી ને બુમ પાડી,”હે સ્વામીજી મને મોક્ષ અપાવો.”
સ્વામીજી પણ તેને સાંભળી રહ્યા હોય તેમ કથા બોલતા બોલતા રાહુલ તરફ હાથ ઉંચો કરી ને સાંકેતિક ભાષા માં જાણે કહ્યું કે,”બેટા શાંતિ રાખ.”
કથા નું આજે સમાપન હતું.જેવી કથા પુરી થઇ સ્વામીજી વ્યાસપીઠ પર જ બેસી રહ્યા.લોકો ઉભા થઇ ને ચાલવા લાગ્યા.રાહુલ સ્વામીજી ની સામે એકીટશે જોઈ રહ્યો હતો અને સ્વામીજી પણ તેની સામે જોઈ રહ્યા હતા.તેમણે રાહુલ ને ઈશારો કર્યો કે,”મારી સાથે આવ..”
સ્વામીજી મંદિર ની પાછળ ના ભાગ માં આવેલી ઓરડી તરફ ચાલવા લાગ્યા.રાહુલ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો.ઓરડી માં પહોચતા સ્વામીજી એ ઓરડી ના દરવાજા બંધ કરી દીધા.અને ખૂણા માં પડેલી ખુરશી પર બેસી ગયા.ટીપોય પર પડેલા પાણી ના જગ માંથી ગ્લાસ ભરી ને પાણી પીધું.અને રાહુલ ની સામે જોઈ ને હસી ને બોલ્યા,”બોલ બેટા તારે મોક્ષ કેમ જોઈએ છે?.”
રાહુલ અવાચક બની ગયો એને સ્વામીજી ને સામે સવાલ પૂછ્યો,”સ્વામીજી તમે મને કઈ રીતે જોઈ શકો છો?”
સ્વામીજી બોલ્યા,”બેટા મેં ઘણા વર્ષો સુધી હિમાલય માં તપસ્યા કરી ને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેના થી હું દિવ્ય આત્મા ઓ ને જોઈ પણ શકું છું અને વાત પણ કરી શકું છું,”
“મને તારા વિષે ખબર છે તે કેવા સંજોગો માં આ પગલું ભર્યું,શા કારણ થી આ પગલું ભર્યું,મને એપણ ખબર છે તારી માં પણ કથા સંભાળવા આવે છે.”
“હવે તું સાંભળ,આત્મહત્યા કરવી તે કાયર માણસ નું કામ છે.જે વ્યક્તિ ની ઈશ્વર માં આસ્થા હોય તે ક્યારે પણ આ પગલું ના ભરે.આ દુનિયા માં દરેક વ્યક્તિ નું જીવન નાના મોટા સંઘર્ષ થી ભરેલું હોય છે.અને જેની જીંદગી માં બિલકુલ સંઘર્ષ ના હોય ને તેની જીંદગી ધૂળ બરાબર હોય છે.સંઘર્ષમય જીવન જ વ્યક્તિ ને સફળ બનાવી શકે છે.અને સંઘર્ષ નો સામનો ના કરી શકે તે માણસ નમાલો હોય છે.અને તેં પણ તારી જિંદગી ને આવી રીતે વેડફી નાખી છે.તે જો આ પગલું ભરતા પહેલા તારા પરિવાર વિષે થોડું પણ વિચાર્યું હોત ને તો આજે તું આજે આ રીતે આત્મા સ્વરૂપે નહિ પણ મનુષ્ય દેહ સાથે તારી માં ની સાથે કથા સાંભળવા આવ્યો હોત.દીકરા તું અત્યારે પણ તારી માં ના ચહેરા ને જોઈ શકે છે.તને હવે પસ્તાવો થઇ રહ્યો છે.જો તેં આ પગલું ભરતા પહેલા એક વાર પણ મગજ શાંત રાખી ને વિચાર કર્યો હોત તો આટલા લોકો ની જીંદગી આમ ના વેડફાત.તું શું માને છે તારા જતા રહેવા થી તારા પરિવાર ની સમસ્યાઓ ઓછી થઇ જશે?.
વિધિ એ જે તારા પરિવાર ના નસીબ માં જે લખ્યું છે તે જ થશે.તારી જીંદગી ની આહુતિ આપી દેવાથી કોઈ ની પણ સમસ્યા દૂર થવાની નથી.જીવતો હતો તેના કરતા તું મૃત્યુ પછી તારા પરિવાર પર બોઝ બની ગયો છું.”
આ બધું સાંભળી ને રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.તેને એવું લાગ્યું કે મૃત્યુ પછી તે પ્રથમ વાર રડી રહ્યો છે.સ્વામીજી એ તેને રડવા દીધો.થોડી વાર પછી સ્વામીજી ઉભા થયા અને તેની પાસે આવ્યા.રાહુલ ના માથા પર હાથ પસવાર્યો.રાહુલ ને પણ તેમના સ્પર્શ નો એહસાસ થયો.મૃત્યુ પછી પહેલી વાર તેને સ્પર્શ અનુભવ્યો.તેને એકદમ અપાર શાંતિ નો અનુભવ થવા લાગ્યો.
સ્વામીજી બોલ્યા,”બેટા હવે તું મને કહે કે તું શું સમજ્યો?.”
રાહુલ બોલ્યો,”સ્વામીજી,હું હવે બધું જ સમજી ગયો છું આત્મહત્યા ક્યારે પણ કોઈ પણ સમસ્યા નો ઉકેલ ના હોય.”
સ્વામીજી એ હસી ને કહ્યું,”બેટા હવે હું તને આ દુનિયા માંથી મુક્ત કરાવું છું.”
એમ કહી ને સ્વામીજી એ કમંડળ માં થી ગંગાજળ હાથ માં લીધું અને અંખ બંધ કરી ને કોઈ મંત્ર બોલ્યા.અને પાણી નો છંટકાવ રાહુલ તરફ કર્યો.શરીર પર ગંગાજળ નો છંટકાવ થતા જ તેને એક અદ્ભુત અનુભૂતિ થવા લાગી.તેને લાગ્યું કે એ બરફ ની જેમ ધીરે ધીરે પીઘળી રહ્યો છે અને વાયુ સ્વરૂપે ઉડી રહ્યો છે.અને અનંત તરફ આગળ વધી રહ્યો છે.ધીરે ધીરે જાણે તેના અસ્તિત્વ નું અનંત માં મિલન થઇ રહ્યું છે.ધીરે ધીરે રાહુલ નું અસ્તિત્વ શિવ માં ભળી ગયું.
સ્વામીજી હસતા હસતા એક સંતોષ ની લાગણી સાથે “શિવ શિવ” કરતા ઓરડી ની બહાર નીકળી ગયા.
આ બાજુ માં હજુ ઘેર જ પહોચી છે.પાણીયારા પર લોટો ભરી ને પાણી પી રહી છે ત્યાં રાધા દોતા આવી અને માં ને પાછળ થી વળગી પડી અને બોલી,”સીતા ને ભાણિયો ધાવનો થયો છે.”
માં ના ચહેરા પર ઘણા સમય પછી એક ખુશી ની ઝલક દેખાઈ....
 
                                              ~સમાપ્ત~