Sonal in Gujarati Moral Stories by Vaidehi books and stories PDF | સોનલ

The Author
Featured Books
Categories
Share

સોનલ

              આ વાત જંગલમાં લાગેલી આગની માફક આખી    કોલોનીમાં ફેલાઇ ગઇ હતી કે સોનલનાં પગ ભારે છે અને એ સાથે જ કાલસુધી જે સોનલ આખી કોલોનીના સ્ત્રીમંડળમાં સહાનુભૂતિ અને પ્રેમનું પાત્ર હતી, અચાનક જ તે એક બદચલન અને ચારિત્ર્યહીન સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઇ હતી.અને કેમ નાં થાય? હજુ એક વર્ષ પહેલાં જ તેનાં પતિનું મૃત્યુ થયુ હતુ અને તેનુ આ છમકલું નજરમાં આવ્યુ હતું.

         હવે ગૃહિણીઓ માં તારું-મારું પુરાણની વચ્ચે સોનલ પુરાણ એ જગ્યા લઇ લીધી હતી.એક બોલી, "જો તો ખરી આ સોનલ કેવી કૂલટા નીકળી, પતિ મર્યો નથી કે બીજા સાથે લફરું કરી લીધું."
       બીજી બોલી, " હા એજ ને.બાપ રે! કેવી સતી-સાવિત્રી થઈને ફરતી અને નીકળી કેવી કૂલટા.મને તો હવે ડર લાગે છે કે ક્યાંક એ મારા પતિ પર નજર નાં નાંખે."

    "અરે જવા દે, એમ કેમની નજર નાખશે. હું તો એનાં પપ્પા ઘરમાં હોય ત્યારે એનાં માથા પર જ રહું છું.હિમ્મત છે કે એમની સામે જોઇ શકે."
   
    "પણ અલી, સવારથી રાત સુધી તો એ સોનકી અહિયાં કોલોનીમાં જ પડી હોય છે, તો એનાં પેટમાં જે પાપ છે તે જરુર કોલોનીનાં જ કોઈ પુરુષનું હોવું જોઈએ ને?"

   "હા, બની શકે.પણ તે કહેતી જ નથી.મન તો કરે છે તેને હમણાં જ ઘરની બહાર કાઢી મુકું પણ વિચાર આવે છે કે ઘરનું કામ કોણ કરશે?"

 "હા, બેન.હું પણ પૂછીને થાકી ગઇ છું પણ તે કહેતી જ નથી.મેં તો વિચારી જ લીધું છે હવે જેવી બીજી કામવાળી મળે એટલે આની ચોટલી પકડી ને બહાર ધક્કો મારીશ."
                                     ******
 
   સાચી વાત તો એ હતી કે તેમાંનાં કોઈએ પણ સોનલને તેનાં બાળકનાં પિતા વિશે પુછ્યું જ નહતું. કદાચ એવું વિચારીને કે જો તે તેમનાં પતિદેવનું નામ કહી દેશે તો.. અને શહેરમા કામવાળી મળવી ખૂબ મુશ્કેલ હતું તેથી મજબૂરીમા દરેક એ સોનલનાં ખુબસુરત ચહેરામાં પોતાની સૌતનને વિચારી રાત દિવસ વેઠવી જરુરી હતું.જે ચાર ઘરમાં સોનલ કામ કરતી હતી તે દરેક સ્ત્રીનાં મનમા ડર હતો કે સોનલે તેમનાં ઘરવાળાને ફસાયા તો નથી ને?

    પછી તો રોજ સવાર સાંજ તે પોતપોતાના પતિઓ પાસે તૂતૂ મેમે કરતી, 'તમે કોઈ બીજી કામવાળીની વ્યવસ્થા નહી કરો? મને તો લાગે છે, તમે ઇચ્છતા જ નથી કે સોનલ અહિયાં થી જાય.'
'કેમ? હું વળી કેમ એવી ઇચ્છા રાખવાનો?'

'કહ્યુ ને મારુ મોઢું ન ખોલાવો.'

'જો આ રોજ રોજની દલીલ મને નથી પસંદ તુ જે હોય તે ખુલીને કેમ નથી કહેતી?'

'શું? હું દલીલ કરુ છું? અને તે સોનલ? કેવી ઉઘાડી છાતીએ  ફરે છે શરમ વગર..તેનું કાંઈ નહીં?'
તમારાંમાંથી જ એ કોઈ સાથે ચક્કર ધરાવે છે..

આ પ્રકારનું જ દૃશ્ય હવે રોજ થવા માંડ્યું હતુ જયાં સોનલ કામ કરતી હતી.

આખરે એક દિવસ એ બધી દલીલબાજી નો અંત આવી ગયો જ્યારે કોલોનીની સ્ત્રીઓએ નવી કામવાળી શોધી લીધી.

પછી તો ના કોઈ પુર્વ શરત કે ના પગાર,બસ તે જ ક્ષણે સોનલની હકાલપટ્ટી કરવામાં આવી.બિચારી ખૂબ રડી, કરગરી પણ કોઇએ તેની પર દયા ના ખાધી.

        થોડા દિવસ સુધી તો સોનલનો ગુજારો બચાવેલા પૈસા માંથી થયો.પણ હવે જ્યારે તે પણ અંત આવી ગયા ત્યારે તે કોલોનીના દરેક ઘરનાં દરવાજે પગે પડી હતી પણ ત્યાં કોઈ તેને લેવા તૈયાર નહતું.આખરે તે એક હોસ્પિટલમાં કચરાપોતા માટે ભરતી થઈ ગઇ.

 તે કોલોનીમાં અમુક ઘર એવાં પણ હતા જયાં નિયમિત નોકર બાંધેલા હતાં તેમાંથી જ એક ઘર રમણલાલનું હતું, જયાં રમો નામનો 12 વર્ષનો એક છોકરો કામ કરતો હતો, પણ અચાનક જ એક દિવસ એનો બાપ તેને આવીને હંમેશા માટે લઇ ગયો.

ઘરનું કચરા-પોતું, વાસણ, કપડાં બધુ રમણની બૈરી સુધાથી થાય તેમ નહતું.તેથી તેમનાં ઘરે પણ કામવાળીની શોધ ચાલુ થઈ ગઇ હતી.સુધાની દિકરીને તો ભણવામાંથી જ સમય નહોતો મળતો એટલે તે કાંઇ જ કરી શકે તેમ નહતી. તેથી 2 જ દિવસ મા ધર ગંદુ દેખાવા માંડ્યું.જ્યારે સવારે ઘરની હાલત રમણલાલ થી જોઇ નાં શકાતા પોતે જ સાવરણી લઇને કચરો કાઢવા મંડ્યા.આ જોઈને સુધા તેની દિકરી પર ગુસ્સે થઈ ગઇ, ' તારો બાપ કચરો કાઢે છે તને શરમ નહીં આવતી?'

   'બોલે તો એવી રીતે  છે જાણે મેં આ ઘરની નોકર છું.આવુ જ બધું કરાવૂ હતું તો ભણવા કેમ મુકી?નાનપણમા જ ઝાડુ પકડાવી દેવો હતો...

વાત આગળ વધે તે પેહલા જ દરવાજા પર કોઈ આવ્યું.

"અરે ,જોવો તો કોણ છે" રમણલાલ બોલ્યા.

દરવાજો ખોલ્યો તો સામે સોનલ એક નવજાત બાળક લઇને ઊભી હતી એ જોઈને સુધાનું મન ખાટું થઈ ગયું તે બોલી, "તુ..તુ કેમ આવી છે અહિયાં?"

                   તે કરગરી, "કાલ નો એક દાણો પેટમાં નથી ગયો  શેઠાણી.છાતીમાંથી દૂધ પણ નથી ઉતરી રહ્યુ.હું તો ભૂખી રહી શકુ છું પણ આની માટે થોડું દૂધ આપી દેતા તો..સુધા તેને બહાર નીકળવાનું કેહવા જ જતી હતી પણ તેની નજર સામે ઘરનું કામ આવ્યુ એટલે તે બધું ભૂલી બોલી, "તેં જે કર્યું છે એની સજા તો તારે ભોગવવી જ રહી.કાંઇ નહીં આપુ છું દૂધ.છોકરાને પીવડાવ.રાતનું જમવાનું પડયું છે તુ પણ ખાઈ લે અને હાં ઘરની સાફસફાઇ કરી આપીશ તો બપોરનું જમવાનું પણ આપીશ બોલ કરીશ?"

       સોનલનો ચેહરો ખીલી ઉઠ્યો.થોડી જ વારમાં તેણે ઘરમાં કચરા પોતું કરી ચમકાવી દીધું.વાસણ પણ ધોઈને સ્ટેન્ડ પર લૂછી મુકી દીધાં.થોડા જ સમયમાં તેણે સુધાનું મન જીતી લીધુ.
       સાંજે જ્યારે તે જવા માંડી ત્યારે સુધાએ તેને અટકાવી અને બોલી, 'આમ તો તારા જેવી ને કોઈ પણ ઘરમાં ઘૂસવા નાં દે પણ હુ તને એક મોકો આપુ છું મન હોય તો મારા ઘરે કામ શરુ કરી દે.મહિને 150 રૂપિયા,જમવાનું અને તારા છોકરાંનું દૂધ આપીશ.

આ સાંભળતા જ સોનલ તેનાં પગે પડી ગઇ.

આ પ્રકારે આખી કોલોનીમાં જાણીતી બનેલી સોનલ બદચલન..ફરી ત્યાં જ કામે લાગી ગઇ.તેનાથી સુધાને સ્ત્રીઓનો કટાક્ષ સેહવો પડ્યો.સોનલનાં આવવાથી સુધા અને તેની દિકરી હવે રમણલાલ પર ચોકી રાખતી થઈ .

          આખરે એક દિવસ રમણલાલે પત્નીને એકાંતમા પુછ્યું, 'હું શું ચરિત્યહીન છું કે તમે લોકો મારી પાછળ હાથ ધોઈને જાસૂસી કરો છો?'

'સોનલ વિશે તો તમે જાણો જ છો તે જયાં કામ કરતી હતી એ ઘરનાં કોઈ પણ પુરુષ એવાં હતાં?નહીં ને, પણ સોનલનો સંબંધ આમાંથી જ કોઈ એક સાથે હશે.હું એ પુરુષને પણ દોષ નહી આપતી કેમ કે સોનલ છે જ એવી સુંદર કે કોઈ પણનું મન ડોલી જાય.ખેર હું તમને ફક્ત સચેત કરું છું તમને ખોટુ લાગ્યું હોય તો હવે નહીં કરુ પણ તમે જાતે જ એનાથી દુર રહેજો.'

     
સોનલને રમણલાલ નાં ઘરે કામ કરતા 1 વર્ષ થઈ ગયું તે દરમિયાન તેણે એકપણ રજા લીધી નહતી.ત્યાં જ તેને કોલોનીના પોસ્ટવાળા છોકરા મોહન જોડેથી જાણવા મળ્યું કે તેણીની માતા ગામમાં બીમાર છે.

માની ખબર સાંભળીને તેને ખૂબ રડવું આવ્યુ હતું.તેને માડી  પાસે જવું હતું પણ તેનુ બાળક જોતાં જ તે અટકી ગઇ.તેને વિચાર આવ્યો કે સમાજ શુ કહેશે આ બાળક વિશે? ભલે જે થાય તે હું માં પાસે જઈશ જ ઘરની બહાર જ નહીં નીકળું અને માડી ને પણ સમજાવી દઈશ.

ઘણું વિચાર્યા બાદ તે સુધા પાસે એક સપ્તાહની રજા લેવા ગઇ.

"શું?એક સપ્તાહ? તે આગળ કઇ બોલે તે પેહલા તેની દિકરી વચ્ચે બોલી, "મમ્મી જરા આ બાજુ આવ તો" પછી ખબર નહીં તેણી એ તેનાં કાનમાં શુ કહ્યુ તે તરત સોનલ પાસે આવીને રજાની મંજુરી આપી દીધી.

સોનલનાં ગયા પછી સુધાએ પતિને કહ્યું, "સોનલ એક સપ્તાહ માટે એનાં ગામ ગઇ છે તમે કહો તો આપણે પણ મા બાપુજી ને મળી આવીએ.ઘણાં દિવસો થઈ ગયા છે."


"જો હું નહીં આવી શકુ.અહિયાં મારે ઘણું કામ છે, તુ ઇચ્છે તો બાળકો સાથે જઇ આવ" રમણલાલ બોલ્યા.

પછી તો રાતની ટ્રેનમાં જ સુધા બન્ને બાળકો સાથે જતી રહી.

સુધાને ગયે હજુ બીજો જ દિવસ થયો હતો ને રાત્રે રમણલાલ ની તબિયત બગડી.સર્દી, તાવ અને ખાંસીએ એમનું શરીર તોડી પાડ્યું.આખી રાત તાવમાં તપતા જે સવાર સુધી જેમ નો એમ જ રહ્યો.ચા ની તલબ તેમને લાગી હતી પણ તાવને કારણે તે ઉભા થઈ શકે એટલી તાકાત ન બચી હતી.તેમણે હિમ્મત કરીને ઉભા થઈ ચા બનાવવાનું વિચાર્યું ત્યાં જ દરવાજે બેલ વાગ્યો.

તેમણે ઉભા થઈ દરવાજો ખોલ્યો તો સામે સોનલ ઉભી હતી તેને જોઇ તેઓ નવાઈ પામ્યા તે કાઈ પૂછે એ પેહલા સોનલ બોલી, "શેઠજી, જ્યારે હું ગામ પોહચી તો માની તબિયત સારી થઈ ગઇ હતી તો હું ત્યાં રોકાયને શું કરતી એટલે અહિયાં આવી ગઇ શેઠાણીને અગવડ પડતી હશે ને?"

"પણ અહિયાં તો કોઈ નથી બધાં ગામડે ગયા છે.. "આટલુ કહેતાં જ એમને ખાંસી ચડી ગઇ. 

શેઠની આવી હાલત જોઈને સોનલ બોલી, "સાહેબ તબિયત તો ઠીક છે ને?"

તે બોલ્યા, "જો ને કાલરાતનો તાવ આવે છે અને શરદી પણ.."

સોનલએ તરત તેમનાં માથા પર પોતાનો હાથ મુકી તપાસી જોયું ટો રમણલાલ સાચે જ તાવમા હતાં.તેણે ચિંતિત થઈ કહ્યુ, "તાવ તો ઘણો છે કાઈ દવા એવું લીધું?"

જવાબમાં રમણલાલ બોલ્યા, "એક કપ ચા બનાવી આપીશ?"

પછી તો ચા સાથે તેણે ડૉક્ટરને પણ ફોન કરીને બોલાવી દીધાં.ડૉક્ટર એ જે દવા લખી સોનલ જાતે દોડીને લઇ આવી.અને ડોક્ટરના કહ્યા મુજબ ઠંડા પાણીનાં પોતા પણ મુકવા માંડ્યા.પોતાનુ ખાવા પીવાનું તો ભૂલી જ ગઇ.પોતાના બાળકને પણ ત્યારે જ દૂધ પીવડાવતી જ્યારે એ રડતો.

આ રીતે બે જ દિવસમા તેણીની દેખરેખથી રમણલાલની તબિયત સુધરી ગઇ.રમણલાલ તેનાં થી પ્રભાવિત થયાં.ઘરનું એકાંત અને સોનલ જેવી રૂપાળી છોકરી.તેમનુ મન સોનલનાં શરીરને પામવા અઘીરૂ બન્યુ.

સાંજે તે બધુ કામ પરવારીને રમણલાલ પાસે જઇને બોલી, "શેઠ હવે હુ જાઉં છું, શેઠાણી બુધવારે રાતે આવશે એટલે મેં હવે ગુરૂવારે સવારે આવીશ.તમારી તબિયત પણ હવે ઠીક છે."
જવાબમાં રમણલાલ બોલ્યા, "અરે ક્યાં, આજે તો તબિયત પેહલા કરતા વધારે ખરાબ છે."

"શુ?" તેણે ચોંકીને શેઠનાં માથે હાથ મુકી જોયું તો સહેજ પણ તાવ નહતો.

તે તેનો હાથ લેવા જાય એ પેહલા જ રમણલાલ એ તેનો હાથ ઝટકા સાથે પકડી લીધો, "તુ પણ કમાલ છે, અંદરનો તાવ બહાર થોડી ખબર પડે?"

સોનલ સમજી ગઇ કે શેઠને શેનો તાવ ચડ્યો હતો, તે તેનો હાથ છોડાવીને બોલી, "છી શેઠ, તમે પણ?"તમારા મર્દ જાત માટે સ્ત્રી માંસનો ટુકડા સિવાય કાઈ નથી. આટલુ બોલતાં જ તે તેનાં બાળકને ઉપાડી ચાલી નીકળી.

ગુરુવાર સવાર તે જલ્દીથી તૈયાર થઈ ને સુધાને ઘરે પોહચી તો સુધા દરવાજે તેનુ સ્વાગત કરવા જ ઊભી હતી તેને જોતાં જ દાંત કચકચાવી ને તે બોલી, "આવી ગઇ મહારાણી?તારા જેવી સ્ત્રી પર ભરોસો કરીને મેં ભુલ કરી દીધી."

સોનલ સમજી જ ગઇ હતી કે શેઠાણી કેમ ગુસ્સો કરી રહ્યાં છે તો પણ તેણે શાંતિથી પુછ્યું, "શેઠાણી શું થયુ? મરાથી કોઈ ભુલ થઈ ગઇ?"

"અરે બેશરમ! ભુલ મને પૂછે છે?હવે બરબાદ કરવા માટે તને મારુ જ ઘર મળ્યું? કેમ મા બીમાર હતી ને રજા જોઈતી હતી..."

"મારી મા સાચે બીમાર હતી પણ હુ ત્યાં પોહચી ત્યારે તેને સારુ થઈ ગયુ હતું ત્યાં રોકાયને કોઈ ફાયદો નહતો ઉલ્ટા તમને જ તકલીફ પડતી હશે એમ વિચારી હું અહિયાં આવી તો જોયું કે શેઠ ખૂબ બીમાર હતાં અને તમે પણ નહતાં..."

"બસ મોકો મળી ગયો તને મર્દ ફસાવાનો.."

"અરે આ શુ બોલો છો શેઠાણી, હું તો પાછી જ વળી જાત પણ શેઠજીની તબિયત નતી સારી અને મને એમને આ પરિસ્થિતિમાં રેહવા દેવું સારુ ના લાગ્યું.શેઠજીને કાંઇ થઈ જાત તો?"

"ચુપ..ચુપ બેશરમ.બોલી તો એમ રહી છે જાણે એ શેઠ નહીં તારો ઘરવાળો હોય...તેં એક પળ પણ ના વિચાર્યું કે તે બીજા કોઈનો પતિ છે? પણ તુ એવું કેમ વિચારું? જો વિચાર્યું જ હોત તો આ રીતે શહેરમા ભટકતી જ કેમ હોત?પતિ મારા છે જે થવું હોત તે થાત.."

 "બસ કરો શેઠાણી.. બસ" આખરે સોનલનું ધૈર્ય તુટી ગયુ,  "જો શેઠજીને કાઈ થઈ ગયુ હોત તો શુ કરી લેત તમે?અરે પતિનું દર્દ શુ હોય છે તમે શુ સમજવાના.તમારા માથાં પર તો સિંદૂર જો ભરેલું છે.મને પૂછો કે એક પતિ વગર સ્ત્રીનું શુ જીવન હોય છે એનાં શુ હાલત હોય છે. તમે મને કેવી કેવી ગાળો આપી એટલાં માટે જ ને કે મારા માથાં પર પતિનો હાથ નથી.આજે એ જીવતો હોત અને ચોરીછુપે પણ મેં આ બાળકને જન્મ આપી દેતને તો કોઈ મને કશુ કેહવાનું નહતું.આ બાળક કે જેને તમે કોલોની વાડા પાપ કહો છો ને એમા પણ મારી કોઈ ભુલ નથી.અરે આપણે સ્ત્રી જાત કમજોર જ હોય છે.તમે જ કહો શેઠાણી, જો કોઈ પુરુષ કોઈની સાથે જબરજસ્તી કરે તો કૂલટા એ પુરુષ થયો કે સ્ત્રી?પણ ના, આપણાં સમાજમા કૂલટા ફક્ત સ્ત્રી જ છે.

"જવા દો, મરદ લોકો સ્ત્રીને જે સમજે છે,તે સમજે જ છે પણ દુઃખ એ વાતનું થાય કે સ્ત્રી સ્ત્રીનું દર્દ નથી સમજતી.શેઠાણી, ભુલ માફ કરજો.હું સમજી ગઈ કે મારુ ખાવા પાણી આજથી બંધ થઈ ગયુ.હવે ઉપર વાળો જે સજા આપે તે"- કહેતાં કહેતાં તે રડી ગઇ.


સુધા ચૂપચાપ સોનલની વાત સાંભળી રહી હતી.તેને પણ લાગ્યું કે સોનલ જૂઠું નથી બોલી રહી.ત્યાં જ સોનલ બોલી, "શેઠાણી કહ્યુ બોલ્યું માફ કરજો હો, હું જાવ છું."

      સોનલનાં વળતા જ તે બોલી, "રૂઆબ તો જોવો થોડુ ચાલ ચલન પર બોલી શુ ગયા, નીકળી પડ્યા મેડમ.મેં તને જવા માટે નથી કહ્યું."

"જો હું પણ સ્ત્રી છું.હું પણ સ્ત્રીનું દર્દ સમજુ છું. મેં તો ફક્ત એટલું જ કહ્યુ ને કે તારે એકલા પુરુષના ઘરે ન જવું જોઈએ.ચાલ જવા દે,હવે કહે,શું તારી સાથે સાચે કોઇએ જબરજસ્તી કરી હતી? અને કરી હતી તો તુ એનું નામ કેમ નથી કહી દેતી?"

         સોનલ રડમસ અવાજે બોલી, "તેનુ નામ કહીશ તો મારા માથા પર જે કલંક લાગ્યું છે તે ભૂસય જાશે? અરે હું પોલિસસ્ટેશન પણ જઇ આવત પણ મારા ગામની મુની જેવી હાલત થાત એવું વિચારીને મે કાંઈ ના કર્યું. મારા ગામની મુની પર સરપંચના દિકરા એ જબરજસ્તી કરી અને તેણી એ રિપોર્ટ લખાવ્યો તો સરપંચે પૈસા આપીને કેસ દબાવી દીધો."


"બિચારી મુની કુવામા પડી મરી ગઇ અને એ સરપંચપુત્ર ખુલ્લે આમ ફરે છે.શેઠાણી લોકો તો મારી પર જ લાંછન લગાવે છે કે મેં પુરુષને ફસાવું છું.તમને ખોટુ ન લાગે તો એક વાત પૂછું?"

"પૂછ."

"જો તમારી પીઠ પાછળ શેઠજી એ મારી સાથે જબરજસ્તી કરી હોત ને મેં તમને એનાં વિશે કહ્યુ હોત તો તમે કોને બહાર કાઢત? મને કે શેઠજીને?મને જ ને.તમે તો ત્રણ ચાર દિવસ મોઢું ફુલાવીને ફરત પણ અંતમા તો ભેગા જ થઈ જાત..."


સુધા લાંબો સમય સોનલના ચેહરાને જોતી રહી.પછી બોલી, "સારુ હવે રડવા ફડવાનું બંધ કર જો કેટલા કામ અધૂરા પડ્યા છે.ચાલ નાસ્તો કરી લે પેહલા, પછી કામ..."

શેઠાણીનું આટલું વ્હાલભર્યું વર્તન જોઇ સોનલની આંખ ભરાઇ આવી અને તે સ્ફૂર્તિથી દોડી ને રસોડામા ચાલી ગઇ.




                                ***********