"લગ્ન વિશે તમારું શું માનવું છે?"
એકાંત રૂમમાં એકાન્ત ખૂણામાં ઊભી રહીને પોતાની ટગરટગર તાકી રહેલી આયુષીની નિર્દોષ ભોળી આંખોમાં જાણે પોતાનું ભવિષ્ય જોઈ રહ્યો હોય એમ પ્રણવે સવાલ કર્યો.
જવાબમાં આયુષ્યએ એના મૌનને વધારે મૌન કર્યું. અને પાંપણને સહેંજ વધારે નીચી નમાવી. આયુષીની વિચારવંત ખામોશી જોઈને પ્રણવને લાગ્યું કે પોતે આવો વ્યર્થ સવાલ પૂછીને તેની સંસ્કારિતાને ખોટી સંકોરી છે! અને એ ભોંઠો પડ્યો.
એ મનોમન બબડી રહ્યો હતો:' પ્રણવ! સંસ્કારોની સૌરભ કલી ખીલવીને ઊભેલા ઉપવનને તારે આવો નાહકનો સવાલ નહોતો કરવો! અરે જે ફૂલ જોતાં જ ગમી ગયું છે એના સુગંધની પરખ કસોટી શાં કામની? સબૂર પ્રણવ! જરા વિચાર કર કે કેવા સંજોગોમાં તને આ સંસ્કારી સુંદરી પ્રાપ્ત થઈ છે!'
એની નજરો આયુષીના ચહેરે ચીપકી રહી હતી ને વિચારો એને ક્યાંય ખેંચી લઈ ગયા હતા.
પ્રણવ સંસ્કારી માવતરનો સંસ્કારી પુત્ર હતો. લગ્નની ઉંમર થતાં જ માવતરે એના લાયક કન્યાની ભાળ મેળવવાની ચાલુ કરી મૂકી હતી. એણે ખુદે પણ કેટલી યુવતીઓને જોઈ લીધી હતી કિન્તુ ક્યાંય એનું મન માનતું ન હતું. એણે એટલી બધી કન્યાઓ જોઈ લીધી હતી કે હવે તો એને લાગી રહ્યું હતું કે કદાચ વિધિએ એના લાયક યુવતી ઘડી જ નહિ હોય! અને આ વિચારે એ પરણાવવાના પંથ પર પાણી ફેરવી બેઠો હતો.
જેના સંસ્કારોથી આકર્ષાઈને આયુશીના પિતાજીએ જેને આકાર આપ્યો હતો એને વધાવવા એમણે ઘરને જાણે લગ્નની વસંત ખીલી હોય એવી રીતે શણગારી રાખ્યું હતું.એમને એટલી બધી ખાતરી હતી કે પ્રણવ અને આયુષી પ્રથમ નજરે જ એકમેકને વરી જશે. અને આવા અખંડ વિચારથી આકર્ષાઈને એમણેે વેવિશાળથી માંડીને લગ્નના મુહૂર્તની સઘળી તૈયારી કરી રાખી હતી.
સુહાગના શયનખંડની જેમ સૌંદર્યમયી મોસમની જેમ શણગારેલા રૂમમાં એ બેઠો હતો. તેણે પોતાના અસ્તિત્વની ચોફેર નિરાશાઓની એવી તો કાળીભમ્મર દિવાલ ચણી દીધી હતી કે આયુષીના ઘરની અપ્રતિમ સુશોભિત શોભામાય તેને તો બેસહારાનું રણ ભાસતું હતું. કિંતુ એને ખબર નહોતી કે પોતે જે ઘરને આખરી તલાશનું બેસહારાનું રણ માની લીધું છે એ જ ઘરમાંથી એને ભવોભવનો પવિત્ર સહારો મળવાનો છે. એ પોતે પોતાની આંખોમાં હતાશાના એવા પડે લગાવી બેઠો હતો કે એ જે રુમમાં હતો એ રૂમની જાજરમાન દીવાલો એને ખંડેર સમી ભાસતી હતી. અને હતાશાઓથી ઘેરાયેલો એ પોતાની બેય નજરોને પગ પાસેની ધરતી ભેદીને પાતાળલોકમાં લગાવી બેઠો હતો.
એ એકાંત રૂમનો ક્યારે તો દરવાજો ખૂલ્યો અને ક્યારે આયુષીએ પવિત્ર પગલાં પાડ્યા અને ક્યારે આયુષી એની આંખો આગળ પડેલા ટેબલ પર પાણીથી ભરેલા પ્યાલાને મૂકી દીધો એનું કશું ભાન એના દિલ કે દિમાગ નહોતું. આખરે લગભગ દસેક મિનિટ વીત્યા બાદ આયુષીએ શ્રીકૃષ્ણની બંસરીના સૂર સમો મોહક શબ્દનાદ કાર્યો:'પ્રણવકુમાર! પાણી પી લો.'
જેમ મધરાતે કૃષ્ણની વાંસળીનો સૂર સાંભળીને ગોપીઓ નીંદમાંથી દોડી આવતી હતી, વર્ષોથી ઘોર તપ આદરીને બેઠેલ ઋષિઓ જેમ કૃષ્ણની વાંસળીનો સૂર સાંભળીને સમાધિભંંધ થઈ ઊઠતા હતા બિલકુલ એવી જ મક્ક્મતાથી પ્રણવ પ્રેમસંસ્કૃતિ સભર અવાજ સાંભળીને સટાક કરતી નમણી નજરોને તેણીના નજરે લગાવી બેઠો
આયુષી ના અસ્તિત્વ પર એક નજર નાખતાં જ એ ગેલમાં આવી ગયો. વાહ ! કહેવા માટે તેના હોઠ પહોળા થઈ ગયા! જાણે સ્વર્ગથયે કોઈ મહાન દુનિયામાં વિહરતો હોય એટલો ખુશમિજાજ બની ગયો. મનોમન એણે સારી ખુદાઈનો આભાર માન્યો. અને પછી આનંદના ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ ઉપરનો સવાલ પૂછી બેઠો.
ઘડીક વાર ના મૌન વિચારો પછી આયુષીએ ઉત્તર વાળ્યો:"લગ્ન પછી સાસરીને પિયર બનાવી રાખવી, સાસુ-સસરાને મા-બાપ બનાવી રાખવા,નણંદ, જેઠાણી -દેરાણી તથા દિયરને ભાઈ બહેન બનાવી રાખવા અને પતિને પતિદેવ તરીકે સ્થાપી નિત્ય તેમની સેવા કરવી એ જ મારા લગ્નજીવનનાં ધ્યેય અને આદર્શો છે"
આયુષીના જવાબથી જાણે પરમ બ્રહ્મનાદ થયો હોય એમ પ્રણવ હર્ષથી ભાવવિભોર બની ગયો.
અને એ જ સમયે એમના વેવિશાળના ગોળધાણા વહેંચાઈ ગયા!
તથા બીજી જ ક્ષણ વાજતે-ગાજતે લગ્ન પણ લેવાઈ ગયા.