Ruh sathe ishq return - 17 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 17

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 17

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 17

કબીરની રાધા સાથેની મુલાકાતનો સિલસિલો ચાલુ થયાં બાદ એનાં વર્તન અને વ્યવહારમાં આવેલો ફરક જીવાકાકાની અનુભવી આંખોથી વધુ સમય છૂપો ના રહી શક્યો..આ ઉપરાંત બીજી બે-ત્રણ બાબતો પણ એ તરફ ઈશારો કરી રહી હતી કે વુડહાઉસમાં ચોક્કસ પોતાનાં ગયાં પછી કંઈક તો થતું જ હશે..આ વિચારી જીવાકાકા એ ઘરે ગયાં બાદ રાતે પાછાં વુડહાઉસ આવી બધું ચેક કરવાનું મન બનાવી લીધું હતું.

પોતાનાં નક્કી કરેલાં વિચારને અંજામ આપવાં એક દિવસ કબીરનાં જમી લીધાં બાદ જીવાકાકા પોતાનાં ઘરે જઈને રાતે બાર વાગે પાછાં વુડહાઉસ તરફ આવવા રવાના થઈ ગયાં. સાઈકલ પર જવાનાં બદલે જીવાકાકા ચાલતાં જ વુડહાઉસ તરફ જવા નીકળી પડ્યાં હતાં..એ નહોતાં ઇચ્છતાં કે સાઈકલ નો કે બીજો કોઈ જાતનો અવાજ પોતાની હાજરી દર્શાવે.

આખરે સાડા બાર વાગ્યાં આજુબાજુ જીવાકાકા વુડહાઉસ પહોંચી ગયાં હતાં..જીવાકાકા એ દૂરથી જોયું તો કબીરનાં રૂમની બારીમાંથી આવતો ઝાંખો પ્રકાશ એ વાતની સાબિતી જરૂર પૂરતો હતો કે કબીર હજુ જાગી રહ્યો હતો..પોતાની જોડે ત્યાં શું બનશે કે બની ગયું છે એ જાણવા રાહ જોયાં સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમ વિચારી જીવાકાકા એક મોટાં લીમડાનાં વૃક્ષ પાછળ જઈને ઉભાં રહ્યાં. આ જગ્યા પ્રમાણમાં સહેજ ઊંચાઈ પર હતી અને ત્યાંથી કબીરની બારી અને રસોડાની જોડે પડતો દરવાજો બંને દેખાઈ રહ્યું હતું.

નર્મદા નદીનો કિનારો નજીક હોવાથી એની ઉપર થઈને આવતી ઠંડી હવા જ્યારે વૃક્ષોનાં પાન ને સ્પર્શતી ત્યારે ઠંડીથી વૃક્ષોનાં પર્ણ ધ્રુજી ઉઠતાં હોય એવી સરસરાહટ પેદા થતી.વેરાન પ્રદેશ હોવાથી રહીરહીને આવતો વરુ કે કૂતરાં ની લવારીનો અવાજ અને નિશાચર પક્ષીઓની ધ્વનિ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યાં હતાં.

એકાદ કલાક સુધી તો જીવાકાકા એક ધ્યાને પોતે જે કામે આવ્યાં હતાં એ કામ મન લગાવીને કરતાં રહ્યાં.. જે હતું ચુપચાપ રહીને વુડહાઉસમાં થઈ રહેલી કોઈ નવી ગતિવિધીને નોંધાવી..પણ રાતનાં બે વાગ્યાં સુધી કોઈપણ નવી વસ્તુ નજરે ના પડતાં જીવકાકાને લાગ્યું કે પોતે જે કંઈપણ વિચારી રહયાં હતાં એની પાછળ કોઈ તર્ક કે કારણ નહોતું નીકળવાનું.

રાતનાં ઘોર અંધકાર માં જીવાકાકા ને ડર અને કંટાળો બંને વસ્તુઓ અત્યારે અકળાવી રહી હતી..એમને હવે થોડો સમય ઉભાં રહી ત્યાંથી નીકળી જવાનું મન બનાવી લીધું..લગભગ બીજી વીસેક મિનિટ વીત્યાં બાદ જીવાકાકા મનોમન બબડયાં.

"લાગે છે કબીર સાહેબ રાતે મોડે સુધી સાચેમાં લખતાં જ હશે..અને નકામો હું નવાં નવાં વિચારો ને લીધે અહીં સુધી આવી પહોંચ્યો..હવે વધુ સમય રોકાયાં કરતાં મારુ અહીંથી નીકળી જવું યોગ્ય રહેશે..'

આટલું વિચારી જીવાકાકા પાછાં પોતાનાં શિવગઢમાં સ્થિત ઘરની તરફ જવા માટે નીકળી પડ્યાં..હજુ તો એ માંડ પોતે છુપાયાં હતાં એ જગ્યાએથી દસેક કદમ દૂર ગયાં હશે ત્યાં એમનાં કાને પાયલનાં રણકવાનો તાલબદ્ધ અવાજ સંભળાયો.અવાજ સાંભળતાં જ જીવાકાકા ચમકી ઉઠયાં.ભયનું એક લખલખું એમનાં શરીરમાંથી તત્ક્ષણ પસાર થઈ ગયું અને એ પોતે છુપાયાં હતાં એ સ્થાન પર આવીને છુપાઈ ગયાં.

પાયલનો રણકાર જે તરફથી આવી રહ્યો હતો એ તરફ જીવાકાકા એ નજર કરી તો નવવધુનાં પોશાકમાં સજ્જ એક યુવતી કબીરનાં રૂમની બારી નીચે ઉભેલી એમને દેખાઈ..પાયલ નો રણકાર જેવો બંધ થયો એ સાથે જ એ યુવતીએ કબીરને અવસજ આપ્યો.

"કબીર..હું આવી ગઈ છું.."

કબીર ને આમ અવાજ આપનારી યુવતી કોણ હતી એ જાણવું ત્યારે તો જીવાકાકાની સમજથી સેંકડો કોશ દૂર હતું.એ યુવતીનાં અવાજનાં પ્રતિભાવમાં જીવાકાકા એ જોયું કે કબીરનાં રૂમની બારી ખુલી અને કબીરનો અવાજ એમનાં કાને પડ્યો..

"તું આવ..હું બારણું ખોલું છું.."

કબીરની વાત સાંભળી એ યુવતી ઉતાવળાં ડગલે રસોડાની જોડે મોજુદ દરવાજાની તરફ ચાલવા લાગી..જીવાકાકા એ ઘણો પ્રયત્ન કર્યો કે એ યુવતી કોણ હતી એની એમને ખબર પડી જાય પણ એમાં તેઓ સફળ ના થયાં.જીવાકાકા એ દૂરથી જોયું તો કોઈ વ્યક્તિએ દરવાજો ખોલ્યો અને એ યુવતી વુડહાઉસની અંદર પ્રવેશી ગઈ.

એનાં વુડહાઉસની અંદર જતાં જ દરવાજો પુનઃ બંધ થઈ ગયો..એ યુવતીને ત્યાં આવેલી જોઈને જીવાકાકા ને પોતે જે કંઈપણ વિચારી રહ્યાં હતાં એ કોઈ નિરર્થક નહોતું એ સમજાઈ રહ્યું હતું.પણ એ યુવતી છે કોણ..?અને કબીર રાજગુરુ સાથે એને શું સંબંધ હતો..?આ બે સવાલોનાં જવાબ ત્યારે જ મળી શકે જ્યારે પોતે એ યુવતીનો ચહેરો જોઈ શકશે અને એ માટે એ યુવતી વુડહાઉસમાંથી પાછી બહાર ના નીકળે ત્યાં સુધી ત્યાં ઉભાં રહીને રાહ જોવી પડે એમ હતું.

"આજે હવે અહીં આવ્યો છું તો એ તો જાણીને જ જઈશ કે આખરે કબીર ને મળવા આવનારી યુવતી કોણ છે.."પોતાની સાથે જ વાત કરતાં જીવાકાકા બોલી પડ્યાં.

પોતે જે જગ્યાએ ઉભાં હતાં એ જગ્યા વુડહાઉસથી પ્રમાણમાં દૂર હતી એટલે ચંદ્ર ની રોશની હોવાં છતાં રાત્રીનાં અંધકારમાં એ યુવતીનો ચહેરો જોઈ શકવો અશક્ય હતો એમ વિચારી જીવાકાકા કબીરની ગાડી ની પાછળ જઈને છુપાઈ ગયાં.. અહીંથી વુડહાઉસ નાં રસોડાની જોડે પડતાં દરવાજાની દિશા સામે જ હોવાથી ત્યાંથી નીકળતું કોઈપણ વ્યક્તિ એમની નજરોથી નહીં બચે એમ વિચારી જીવાકાકા તો ગોઠવાઈ ગયાં કબીરની ફોર્ચ્યુનર ગાડીની પાછળ.

જીવાકાકા અત્યારે વુડહાઉસની બહાર ઉભાં છે એ વાતથી બેખબર કબીર અને રાધા એકબીજાને તૃપ્ત કરવાની હોડમાં લાગેલાં હતાં.. હવે વાતો ઓછી થતી અને પ્રેમ ચેષ્ઠાઓ વધી જતી હતી.કંઈક તો જાદુ હતો રાધાનાં એ પ્રેમ સાગરમાં..જ્યાં કબીર જેટલો તૃપ્ત થતો એટલી એની તરસ વધી જતી હતી.

"કબીર,હવે શું વિચાર્યું છે આપણાં આ સંબંધ વિશે.."કામ-ક્રીડા બાદ કબીરની છાતી પર માથું મૂકી એની દાઢીમાં હળવેકથી હાથ ફેરવતાં રાધાએ પૂછ્યું.

રાધાનો આ સવાલ સાંભળી કબીરનું મગજ ચકરાવે ચડી ગયું..રાધા જોડે પ્રેમ સંબંધ માં પોતે એને ભોગવી પણ લીધી છતાં એમનાં આ રિલેશનને પોતે કોઈ નવું નામ આપવા સક્ષમ નહોતો એ વાત કબીર જાણતો હતો..પોતાની દરેક ખરાબમાં ખરાબ પરિસ્થિતિ વખતે એની પત્ની શીલા એક અડગ ચટ્ટાનની માફક એની પડખે ઉભી હતી એટલે એને છોડવી કે એ વિશે વિચારવું પણ કબીર માટે શક્ય નહોતું.

"રાધા..અત્યારે તો હું આ વિશે તને કંઈપણ કહી શકું એમ નથી..પણ જ્યારે હું આ નોવેલ લખી રહું અને કોઈ મોટાં પબ્લિશર જોડે પબ્લિશ કરાવી દઉં એટલે હું કંઈક વિચારું.."કબીરને જે મનમાં આવ્યું એ ત્યારે તો કહી દીધું..એક ગામડાંની યુવતીને આવો જવાબ આપી સરળતાથી થોડાં દિવસ પૂરતી તો વધારે સવાલો પૂછતાં રોકી શકશે એવું કબીરે મનોમન વિચાર્યું હતું.

કબીરની વાત સાંભળી રાધા ને એની ઉપર કોઈપણ જાતનો શક ના ગયો કે કબીર પોતાની જોડે સત્ય નથી બોલી રહ્યો..એ પણ કબીરનાં પ્રેમમાં જાણે આંધળી બની હોય એમ એની દરેક વાતને સહર્ષ સ્વીકારી રહી હતી.

કબીરે પણ આ સમય પૂરતાં તો પોતાનાં અને રાધા વિશેનાં વિચારો કર્યાં સિવાય બીજું કંઈપણ વિચારવું યોગ્ય ના સમજ્યું..કબીરને હતું કે પોતે જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી રાધા જોડે સંબંધ ચાલુ રાખશે અને પછી અહીંથી ગયાં બાદ તો રાધા એને શોધતી શોધતી આવવાની નહોતી..પણ રહીરહીને કબીરને એવો પણ વિચાર આવતો કે અત્યારે શીલાને પોતે છેતરી રહ્યો છે અને પછી રાધા ને છેતરવાનો ગુનો એને કરવો પડશે..બંને બાજુ પોતેજ ગુનો કરી રહ્યો હોવાની લાગણી એને થઈ રહી હતી..પણ કબીર અત્યારે દિલનાં હાથે જાણે મજબુર બની ગયો હતો અને જે કંઈપણ થઈ રહ્યું છે એને થવા દેવાનું જ વિચારી રહ્યો હતો.

રાધા કબીરની બાહોંમાં થોડો સમય લપાઈને એની હૂંફ મહેસુસ કરતી રહી..થોડીવાર પછી એની નજર ઘડિયાળ પર પડી તો એને જોયું કે પાંચ વાગવામાં પંદર મિનિટ જ વાર હતી..એ ઉભી થઈ અને પોતાનાં કપડાં વ્યવસ્થિત પહેર્યાં અને કબીરની તરફ જોયું..કબીર ત્યારે ઘસઘસાટ સુઈ રહ્યો હતો..રાધા એ જઈને કબીરનાં કપાળને ચૂમી લીધું અને પછી એનાં રૂમમાંથી નીકળી દાદરો ઉતરી ગઈ.

રસોડાની જોડે નો દરવાજો ખોલી રાધા વુડહાઉસની બહાર નીકળી ગઈ..અને ટેકરીની ઉપર જતાં રસ્તા તરફ ચાલી નીકળી.કબીર જોડે સહવાસ નું સુખ મેળવ્યાં બાદ રાધા નાં ચહેરા પર ની ખુશી દેખતાં જ બનતી હતી.

રાધા જ્યારે વુડહાઉસમાંથી બહાર નીકળી એ સમયે જીવાકાકા કબીરની ફોર્ચ્યુનર કાર ની પાછળ છુપાઈને બેઠાં હતાં..ઠંડી નો ચમકારો હોવાથી રાધાની બહાર નીકળવાની રાહ જોતાં જોતાં એ પાંચ-સાત બીડીઓ પણ ફૂંકી ગયાં હતાં..એકવાર તો એમને થયું કે પોતે વુડહાઉસમાં જઈને એ યુવતી કોણ છે એની તપાસ કરતાં આવે પણ આમ કરવામાં થોડું જોખમ લાગતાં એમને અંદર જવાનો વિચાર પડતો મુક્યો.

રાહ જોઈ જોઈને કંટાળી ગયેલાં જીવાકાકાનાં ચહેરા પર ત્યારે ચમક આવી ગઈ જ્યારે મોં સૂઝણું થયાં પહેલાં એમનાં કાને પાયલ નાં ખનકવાનો અવાજ પડ્યો..આ એવો જ અવાજ હતો જે એ યુવતી આવી ત્યારે એમને સાંભળ્યો હતો..અવાજ સાંભળતાં જ જીવાકાકા સતેજ થઈ ગયાં અને ગાડી પાછળથી વુડહાઉસની તરફ એક નજરે જોઈ રહયાં..એક અવાજ સાથે દરવાજો થોડો ખુલ્યો અને એમાંથી એજ યુવતી બહાર આવી જે જીવાકાકા એ વુડહાઉસમાં જતાં જોઈ હતી..જેવો એ યુવતીએ દરવાજો બંધ કર્યો અને ચહેરો ઘુમાવ્યો એવો જ એનો ચહેરો જીવાકાકા ની નજરે પડતાં એમનું કલેજું જાણે મોં માં આવી ગયું હોવાની અનુભૂતિ એમને થઈ.

પોતાનાં સૂકાં ગળાને ભીનું કરવા મહાપરાણે થૂંક ગળા નીચે ઉતારી એ યુવતીની પીઠ તકતાં જીવાકાકા કપાળ પરનો પરસેવો પોતાનાં ખભા પર મૂકેલાં ગમછા વડે લૂછતાં બોલ્યાં.

"પણ આ કઈ રીતે શક્ય છે..જો એ રાધા જ હતી તો પછી એ વુડહાઉસની અંદર કઈ રીતે આવી..?"

આટલું બોલતાં જીવાકાકાનાં ચહેરા પર એક ભયની રેખા ફરી વળી..એક ડરનું લખલખું એમનાં શરીરમાંથી પસાર થઈ ગયું અને એમનાં રૂંવાડા કોઈ અજાણ્યાં ડરથી ઉભાં થઈ ગયાં.. એ વૃદ્ધ વ્યક્તિ પોતાની બધી શક્તિ જાણે ગાયબ થઈ ગઈ હોય એમ દુનિયાભરનું આશ્ચર્ય પોતાનાં મનમાં લઈને શિવગઢ ની તરફ ચાલી નીકળ્યો..!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ રહસ્ય,રાધા ની સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ