Sukhni chavi krushno Karmyog - 11 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 11

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૧૧ - યોગ સન્યસ્તકર્માણ

મોટાભાગના લોકો એવા કર્મો કરવામાં જ શ્રેષ્ઠતા માને છે કે જે કર્મોની પાછળ કંઈક શેષ (બેલેન્સ) રહે. એવું પણ ઈચ્છે છે કે કર્મો તો થોડા જ થાય, પણ શેષ બહું મોટી બચે. બસ, એકવાર રોકાણ કરી નાખો અને વર્ષો સુધી તેની કમાણી ખાધે રાખો. કોઈને એક વાર થોડું આપી દો, પછી ભવિષ્યે તેની પાસેથી તે જ વસ્તુ વિશાળતામાં પ્રાપ્ત કરો. કોઈને એકવાર મદદ કરી દો જે પછી તે કાયમ સેવક બનીને મદદ કરતો રહે. એક રૂપિયો એવી રીતે રોકી દો કે પછી તે કાયમ બીજા એક-એક રૂપિયા આપતો જ રહે..

મોટાભાગના લોકો આવું વિચારતા હોય છે. ધર્મસ્થાનોમાં કે કહેવાતા આશ્રમો અને સાધુસંતોને અપાતા દાનમાં પણ ભવિષ્યે તેનું બમણું કે ચારગણું મળે તેવી લાલચે લોકો દાન આપે છે. ર૬ નવેમ્બર ર૦૧૧ના રોજ મુંબઈમાં ૧૬૬ લોકોને મોતના ઘાટ ઉતારનારા આતંકવાદીઓ પૈકીનો જીવતો પકડી પકડાયેલો એક માત્ર આતંકવાદી અઝમલ કસાબ પણ તેણે આચરેલા ભયાનક ત્રાસવાદના બદલામાં જન્નતના એશો-આરામ ચાહતો હોવાની તેણે કબુલાત કરી હતી. કહેવાતા ધાર્મિક નેતાઓએ નબળા માનસના લોકોમાં ભૂસું ભરાવીને આંધળા બનાવ્યા છે તે પણ પોતાના અલ્પ કર્મોથી વિશાળ સ્વર્ગના સુખ મળે તેવી થિયરીમાં રાચતા હોય છે. આ થિયરી મોટાભાગના લોકો પસંદ કરે છે કારણ કે મોટાભાગના લોકોના માનસ લોભ, લાલચ અને કામનાઓથી ભરાયેલા છે. જેથી માણસ પાપ કરે કે પૂણ્ય, પણ ગમે તે કરીને અંતે પોતાની વાસનાઓ મુજબના કર્મોની બેલેન્સ જમા કરવા માગે છે.

પોપ જ્હોન પોલી ધ સેકન્ડ માટે એવું કહેવાય છે કે તે લોકોને સ્વર્ગમાં મોકલવાની ચિઠ્ઠીઓ સુદ્ધા લખી આપતો હતો. વ્યક્તિ મરે ત્યારે તેના ખિસ્સામાં તે ચિઠ્ઠી રાખી દેવામાં આવતી કે જેથી યમદૂતો ચિઠ્ઠી વાંચીને તેને સ્વગર્ગ (ધ કિંગડમ ઓફ ગોડ)માં મોકલી આપે. આજના જમાનામાં પણ લાલચુ લોકોને ધૂતવાવાળા ધૂતારાઓ ધર્મ અને ઈશ્વરના નામે આવો ધંધો ચલાવી રહ્યા છે.

કૃષ્ણ કર્મોની શેષ (બેલેન્સ) બચાવવાના વિરોધી છે. કૃષ્ણના મતે કર્મો એ રીતે થવા જોઈએ કે જેથી કર્મોની કોઈ બેલેન્સ ન બચે કારણ કે બેલેન્સ બચાવવાની ભાવનાથી થતા કર્મો બેલેન્સ સાથે તેની વાસનાઓને પણ જોડી રાખે છે કે જે વાસનાઓ અને કામનાઓ જ વ્યક્તિના બંધનનું મોટુ કારણ છે. જે વ્યક્તિ કર્મવાસનાઓથી જકડાયેલો છે તેના માટે કોઈ સુખ, આનંદ કે મુક્તિ નથી કારણ કે તેવા વ્યક્તિએ તો પોતાના સુખ-શાંતિ અને મુક્તિને પહેલેથી જ એક કેદમાં નાખી દીધા છે. તેવા વ્યક્તિઓ તો ફાયદામાં પણ ગેરફાયદો જ જોવે છે.

શેઠ કરોડીમલ છાતી પિટીને રોઈ રહ્યા હતા. પાંચ-સાત લોકો સાંત્વના આપી રહ્યા હતા. પરંતુ શેઠનો શોક ઓછો થતો નહોતો. શેઠ કહેતા હતા કે હાય, હાય મારે દસ લાખની ખોટ ગઈ. હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. બારણામાં ઉભેલા કરોડીમલના પત્નિ કોડીબાઈ મનમાં હસી રહ્યા હતા. શેઠાણીના ચહેરા ઉપર મંદ-મંદ હાસ્ય અને ખુશી દેખાતી હતી. શેઠના મિત્ર બોડીમલે પૂછ્યું, શેઠાણી આપના હસવાનું કારણ ? શેઠાણીએ કહ્યું કે શું કહું ભાઈ, શેઠને દસ લાખની ખોટ ગઈ, પણ રૂપિયા દસ લાખનો ચોખ્ખો ફાયદો થયો છે. પરંતુ શેઠે જે સોદો કર્યો તે સોદામાં શેઠને વીસલાખના ફાયદાની આશા/કામના હતી. તેથી વીસ લાખની કામના તેમને રડાવી રહી છે અને છાપી પિટાવી રહી છે. જેથી શેઠ માને છે કે દસ લાખની ખોટ ગઈ છે.

મહર્ષિ વ્યાસનો મત છે કે ‘‘તત્કર્મ યન્ન બંધાય સા વિદ્યા યા વિમુક્તયે’’ તે કર્મ જ કર્મ છે જે બંધનમાં નથી નાખતા અને તે વિદ્યા જ વિદ્યા છે જે મુક્ત કરે છે. કર્મો નિષેશ થવા જોઈએ. કર્મોની શેષનો તમામ છેદ ઉડી જો જોઈએ. પાપ કે પુણ્ય, શુભ કે અશુભ કોઈપણ કર્મો તેની બેલેન્સ ન ઉભી કરે તો જ યોગમય બની શકે છે.

‘‘કર્મ બ્રહ્મોદ્રભવમ વિદ્ધી’’ એમ કહીને કૃષ્ણ કહે છે કે કર્મ એ બ્રહ્મમાંથી ઉદ્‌ભવિત થયેલું છે અને તેથી ‘‘બ્રહ્મકર્મા સમાધિના’’ તેમ કહી કર્મની શાંતિ પણ બ્રહ્મને પામીને, બ્રહ્મતત્વમાં વિલીન થઈને જ થાય છે. જે બ્રહ્મ તત્વને પામીને કર્મ શાંત થાય છે તે બ્રહ્મ કોઈ પથ્થરની મૂર્તિ નથી, કોઈ ચિત્ર કે મન દ્વારા ઉભી કરવામાં આવેલી કોઈ કલ્પનાઓની જાળ નથી. તે બ્રહ્મતત્વ ન તો મનથી કલ્પી શકાય તેવું છે, ન વિચારી શકાય તેવું છે અને ન બુદ્ધિથી બોધગત કરી શકાય તેવું છે. તેથી જ તે તત્વને જાણનારાઓએ તેને પરમ શૂન્ય કહ્યું છે.

‘‘યદ્રત બ્રહ્મ પરમ સૂક્ષ્મમ્‌ શૂન્યાત્‌ શૂન્યમ્‌ કલ્પિતમ્‌’’ (શ્રીમદ્‌ ભાગવત)

બ્રહ્મ તત્વને મન, બુદ્ધિ અને વાણીથી પર હોવાના કારણે મન, બુદ્ધિ અને વાણીની પરિભાષામાં વાત કરનારાઓએ તેને શૂન્યરૂપ કલ્પેલું છે. બ્રહ્મતત્વની ન કોઈ વાત થઈ શકે છે, ન કોઈ વિચાર થઈ શકે છે અને ન કોઈ કલ્પના થઈ શકે છે. પરંતુ પ્રત્યેક મન, બુદ્ધિ અને વાણી જ્યારે તેના અંગે વાત કરે છે ત્યારે તે તત્વ સંબંધી કલ્પનાઓ અને વિચારો રજૂ કરે છે. પરંતુ તેવી કલ્પનાઓ અને વિચારોથી તે તત્વને ન કોઈ જાણી શકે છે ન કોઈ વિચારી શકે છે.

જો મનની કલ્પનાઓમાં તે તત્વ સમાઈ જતું હોય તો તે મનથી નાનુ થઈ જાત અને મન મોટું બને જો વાણીમાં તેને વર્ણવી શકાય તેમ હોય તો વાણી વિરાટ થાત અને બ્રહ્મતત્વ નાનું. જો બુદ્ધિ તેને સમજી શકેત અને તે તત્વ બુદ્ધિની પરિભાષાઓમાં સમાઈ જાત તો બુદ્ધિ મોટી કહેવાત અને બ્રહ્મતત્વ નાનું. જે બ્રહ્મતતવ રૂપપરમ શૂન્યમાંથી સમગ્ર બ્રહ્માંડનો જન્મ થયો છે તે તત્વને પોતાનામાં સમાવવા મન, બુદ્ધિ, વાણી કે કર્મોની કોઈ તાકાત નથી.

વળી, એક તથ્ય એવું પણ છે કે શરીર, મન, બુદ્ધિ કે ભાવનો કોઈ સ્થિતિ કાયમ નથી. શરીર સતત પરિવર્તન પામ્યા કરે છે. તેના જીવકોષો બદલાતા રહે છે. તેથી જ બાળપણ યુવાની તરફ અને યુવાની વૃદ્ધાવસ્થા તરફ રોજબરોજ ગતિ કરે છે.

મનની કોઈ સ્થિતિને પણ પકડીને કાયમ રાખી શકાય તેમ નથી. મન સંકલ્પોથી વિકલ્પોમાં અને વળી નવા-નવા વિકલ્પોમાંથી નવા સંકલ્પો તરફ દોડતું-ભાગતું રહે છે.

બુદ્ધિ પણ સ્વપ્ન, જાગૃત અને સુસુપ્તિમાં પરિવર્તિત થયા કરે છે. તે જ રીતે ભાવો પણ પરિવર્તિત થયા કરે છે. જેના ઉપર નફરત હતી તેના ઉપર પ્રેમ થાય છે અને જેના ઉપર પ્રેમ હતો તેના ઉપર નફરત થાય છે. ભાવતી વસ્તુ પણ કોઈને રોજ-રોજ પીરસવામાં આવે તો નફરત થઈ જાય છે.

આ પરિસ્થિતિમાં મન, બુદ્ધ અને ચિત્ત તેણે અનુભવેલા સુખને પકડવા અને કેદ કરવા માગે છે, સ્થિર કરવા માગે છે. શરીર તેના સ્વાસ્થ અને યુવાનીને પકડી રાખવા માગે છે, મન તેણે અનુભવેલા સુખને પકડી રાખવા માગે છે, બુદ્ધિ પણ જ્ઞાન અને સત્વના લોભમાં સુખને સ્થિર કરવાની પકડ વૃત્તિ ધરાવે છે અને ચિત્તે અનુભવેલા સારા-સારા ભાવોને પુનરાવર્તિત કરી પડવા કોશિશ કરે છે. પણ તેના સ્થિર થવાનો કોઈ માર્ગ નથી. સ્થિર, અવિચળ અને શાશ્વત સુખનો જ માર્ગ છે તે પકડવાનો નહીં પણ પકડવૃત્તિથી મુક્ત થવામાં છે.

જે વ્યક્તિ એ તથ્યને સમજી શકે છે કે જીવનમાં પકડવૃત્તિઓ જ દુઃખની જનેતા છે. સુખનો શાશ્વત ખજાનો તો આ રાગની પકડ વૃત્તિઓથી મુક્ત થવામાં છે તે વ્યક્તિ કૃષ્ણના ‘‘યોગ સંન્યસ્ત કર્મણમમ્ના સૂત્રને સમજવા સક્ષમ થઈ શકે છે. યોગ એ કર્મોની પકડ વૃત્તિમાંથી મુક્ત થવાનું સર્વ શ્રેષ્ઠ સાધન છે તેવો જેની ચેતનામાં અહેસાસ છે તે કૃષ્ણને સમજી શકશે અન્યથા નહીં. અને જો તે સમજાય તો કૃષ્ણના કહેવા મુજબ એક પરમ સુખનો એવો પણ માર્ગ છે જ્યાં કોઈ દુઃખ સંભવી શકતા નથી. જ્યાં સુખનો અવિચળ સમુદ્ર નિત્ય છલોછલ ભરાયેલો અને લહેરાતો રહે છે.

બુદ્ધને જ્યારે બ્રહ્મ તત્વનું પરમ જ્ઞાન ઉપલબ્ધ થયું ત્યારે મૌન ધારણ કરી લીધું. સાત દિવસ બુદ્ધ મૌન રહ્યા. પછી દેતાઓએ બુદ્ધને પ્રાર્થના કરી કે આપ તે તત્વના જ્ઞાનને કહો. પરંતુ બુદ્ધે કહ્યું કે જે પરમ તત્વને મેં જાણ્યું છે તેની વિરાટતા એટલી વિશાળ છે કે તેને વાણીમાં કહી શકાય તેમ નથી. વળી મન, બુદ્ધિ અને વાણીથી પર રહેલા તત્વ માટે તો મન, બુદ્ધિ અને વાણીથી જે કાંઈ કહેવામાં આવશે તે તેના પૂર્ણ અર્થમાં સત્ય નહી હોય.

બુદ્ધના આવા ઉત્તર છતાં જ્યારે દેવતાઓએ હઠ કરી કે તમે પૂર્ણ સત્ય ન કહી શકો તો કાંઈ નહીં, પરંતુ તે સત્ય તરફનો ઈશારો કરશો તો પણ અમારા માટે તે પર્યાપ્ત છે. ત્યારે બુદ્ધ કાંઈક કહેવા માટે તૈયાર થયા. જે પછી બુદ્ધે ચાલીસ વર્ષ સુધી વ્યાખ્યાનો આપ્યા. પરંતુ બુદ્ધે પરમ તત્ત્વ માટે કાંઈ ન કહ્યું. કોઈ કહેતું કે તમે આત્મા અને પરમાત્મા માટે કેમ કાંઈ બોલતા નથી ? ત્યારે બુદ્ધ કહેતા કે તેની માટે વાણી કાંઈ કહી શકે તેવી વાણી પાસે કોઈ સામર્થ્ય નથી.

જે તત્ત્વ મન, બુદ્ધિ અને વાણીની પરીભાષાઓમાં પરમ શૂન્ય છે ત્યાં મન, બુદ્ધિ અને વાણી દ્વારા કરવામાં આવતા કર્મો જો શૂન્ય બની જાય, અર્થાત્‌ નિઃશેષ થઈ જાય તો જ તે તત્વમાં જઈ મળી શકે.

કૃષ્ણની દૃષ્ટિએ કર્મોનો સંન્યાસ એ કર્મને બ્રહ્મમાં વિલીન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જે સાધનથી કર્મો નિઃશેષ બને, શૂન્ય બને તે જ સંન્યાસ છે. તેથી જ જાણનારાઓને કહ્યું છે કે જ્યાં સુધી શરીર, મન કે બુદ્ધિનો અહમ્‌ જીવિત છે ત્યાં સુધી તેની મુક્તિ સંભવ નથી. જ્યારે અહંકાર શૂન્ય બને છે ત્યારે કર્મો તો રહે છે પણ તેની બેલેન્સને સાચવનારો કોઈ અહમ બચતો નથી. તેથી તેવા કર્મો પણ અહમ શૂન્યતામાં પિગળી જાય છે. તે શૂન્ય જ પરમ બ્રહ્મ સ્વરૂપ છે.

જો દુનિયામાં શૂન્ય ન હોત તો ગણિણ ‘૯’ના અંકથી આગળ જ વધી શક્યું નહોત. શૂન્ય એટલું વિરાટ છે કે ગણિતના માત્ર નવ અંકોને ગણી ન શકાય તેટલા અનંત બનાવી દે છે. વળી અંકો મર્યાદિત છે, તેમાં વધ-ઘટ થાય છે, પણ શૂન્યમાં કોઈ વધ-ઘટ થઈ શકતી નથી. શૂન્યમાંથી શૂન્યને બાદ કરો, શૂન્યમાંથી શૂન્યનો ભાગાકાર, ગુણાકાર કે સરવાળો કરો તો પણ શૂન્ય જ રહે છે. તેથી જ ઉપનિષદો તે શૂન્યને પૂર્ણ કહે છે :-

‘‘પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદ્રચ્યતે

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે’’

જે કર્મો ભવિષ્યના ગર્ભમાં રહેલા સુખ, શાંતિ અને આનંદને પામવા પોતાના વર્તમાનને વાસનાઓના સમૂહની પોટલી બનાવી રહ્યા છે અને જે મન વાસનાઓનો સંચય કરવાનું ટેવાતું જાય છે તે ભવિષ્યમાં ઈચ્છિત વાસનાઓના સમૂહને પામીને પણ કોઈ સુખ-શાંતિ મેળવી શકતા નથી. જેથી કૃષ્ણ આ થિયરીના વિરોધી છે. ભગવદ્‌ ગીતાના સોળમાં અધ્યાયમાં લોભ, લાલચ અને કામનાઓથી વિચારીને કર્મ કરનારા લોકોની થિયરી બતાવતા કૃષ્ણ કહે છે :-

‘‘ઈદમદ્ય મયાલબ્ધંમિમં પ્રાપ્યસે મનોરથમ

ઈદમસ્તિદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ’’ (ગી.અ.૧૬-૧૩)

મને આજે આટલું મળ્યું છે અને ભવિષ્યે હું વધારે મેળવીશ. તે રીતે આજને ભવિષ્ય સાથે બાંધીને જીવનારા લોકો કૃષ્ણમતથી આસુરી પ્રકૃતિના છે. સામાન્ય રીતે આપણે વિચારીએ કે કોઈપણ વર્ત્માનનો ભવિષ્ય તો હોય જ છે. વળી વર્તમાનનો જ ભૂતકાળ પણ બને છે. તો વર્તમાનમાં ભવિષ્ય માટે વિચારવું કઈ રીતે ખોટું છે ? શું કૃષ્ણ વર્તમાનમાં ભવિષ્ય તરફ જોવા માત્રને જ આસુરી ગણે છે કે પછી કોઈ જુદુ કારણ છે ? આ બાબતે વિચાર કરીએ તો કૃષ્ણ પોતે એક ભવિષ્ય દૃષ્ટા છે. કૃષ્ણ એવા દૃષ્ટા છે જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું જ્ઞાન છે. જેથી ભવિષ્ય તરફ નજર કરવા માત્રને જ કૃષ્ણ આસુરી માને તેવી કોઈ બાબત હોઈ શકે નહીં. પરંતુ ભવિષ્યને વર્તમાનમાં કેદ કરવાની લાલચ વૃત્તિના કૃષ્ણ વિરોધી છે.

ભવિષ્ય માટે સજાવેલા સુંદર સપનાઓને ગૂંથતા-ગૂંથતા જે વર્તમાનને ભવિષ્ય સાથે બાંધવાની કોશિશમાં લાગ્યા છે તે મિથ્યા છે. સંસ્કૃતનું સુપ્રસિદ્ધ સુભાષિત છે કે કમળના ફુલનો રસ પી રહેલો ભમરો રસપાનમાં મન હતો એવામાં સાંજ પડતા કમળની પાંખડીઓ સંકોચાઈ ગઈ અને ભમરો કમળના ફુલમાં કેદ થઈ ગયો. ભમરો ઈચ્છે તો કમળનું કવચ તોડીને બહાર નીકળી શકતો હતો. પણ, તેણે સુંદર સવારનો વિચાર આરંભ્યો અને સવાર પડશે ત્યારે આ ફુલમાંથી બહાર નીકળીશ અને રાતભર આ કમળનો રસ ચૂંસતો રહીશ પછી બીજા ફુલોનો રસ પીઈશ. તેમ વિચારી આખી રાત કમળના ફુલની કેદમાં સપડાઈ રહ્યો. સવાર તો પડી પણ કમળની પાંખડીઓ ખીલે એ પહેલા જ એક હાથી આવ્યો અને કમળના તે ફૂલને ભમરાની સાથે જ સ્વાહા કરી ગયો.

ભવિષ્ય માટે સજાવવામાં આવતા સપનાઓ કેદ કરવાની અહીં કોઈમાં સામર્થ્ય નથી. ભવિષ્યને કેદ કરવાની ભાવનાઓ સેવતા લોકો તો પોતે જ કેદમાં ફસાઈ જાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ ભવિષ્ય જ નથી. અથવા તો ભવિષ્ય સામે કોઈએ નજર પણ ન કરવી. વાતનો સારાંશ એટલો જ છે કે ભવિષ્યને કેદ કરવાની કોશીશોમાં વર્તમાન ન બગાડવો.

પરંતુ આપણે એવા લોકો છીએ જે વર્તમાનને ખરાબ કરીને સુંદર ભવિષ્યની અપેક્ષાઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ. જ્યારે મન કોઈ કામનાઓથી બંધાઈ છે ત્યારે મન તે કામનાઓ પુરી કરવા ભવિષ્ય સાથે અનાયાસ જોડાઈ જાય છે. જેથી દરેક કામ્ય કર્મો વ્યક્તિના બંધન છે. પછી તેવી કામનાઓ સ્વર્ગની હોઈ, સુંદર સ્વપ્નો સાથે ઈચ્છીત કર્મો પાર પાડવાની હોઈ કે મલીન કર્મોની હોઈ. પણ તે કામનાઓ જ વ્યક્તિનું બંધન છે. આવા કર્મોની ગતિ બતાવતા કૃષ્ણ કહે છે :-

‘‘કામાત્મનાઃ સ્વર્ગ પરા જન્મકર્મ ફલપ્રદામ

ક્રિયા વિશેષબહુલાંમ ભગોશ્વર્યમ ગતિમપ્રતિઃ

ભોગેશ્વર્યા પ્રસકતાનામ તયાપહત ચેતસામ

વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિયતે’’ (ગી.અ.ર-૪૩/૪૪)

કૃષ્ણના મતે જે લોકોએ કામનાઓ સાથે મન બાંધી દીધું છે તેવા લોકોની બુદ્ધિ આત્મભાવને ગુમાવે છે. જ્યારે અંતરનો આત્મભાવ જ નષ્ટ થાય છે ત્યારે વ્યક્તિ અનાયાસ કામ્યભાવના શરણે થઈ જાય છે. પછી જેવો કામ્યભાવ હોઈ તેવું બંધન તે પ્રાપ્ત કરે છે.

આવા સંજોગોમાં કામનાઓએ સર્જેલા બંધનો અને તેના દુઃખો, ચિંતા, શોક અને પરિતાપોને કેમ પાર કરવા તે કૃષ્ણના યોગથી જ શીખવા મળે છે. કૃષ્ણ કહે છે કે જે જે કામનાઓ બંધનરૂપ બની રહી છે તે કામનાઓ અને તેના તમામ કર્મોને સંન્યસ્ત કરવા તે જ યોગ છે. યોગ એ કર્મોની શેષ બચાવવાનો અભ્યાસ નથી. પણ યોગ એ કર્મોને સંન્યસ્ત કરવાની કળા છે. “યોગ સંન્યસ્ત કર્માણમ’’ના સૂત્રથી કૃષ્ણ કર્મોને યોગભાવમાલય કરાવવાની કળા શીખવે છે. જેથી કૃષ્ણ યોગ અને સંન્યાસમાં લાંબુ અંતર નથી જોતા. કૃષ્ણ કહે છે :

‘‘યં સન્યાસંમિતિપ્રાહુ યોગમ તં વિદ્ધિ પાંડવઃ

ન હ સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન’’ (ગી.અ.૬-ર)

જ્યાં સુધી કોઈ કર્મોની શેષ (બેલેન્સ) બચાવવાના પ્રયાસમાં લાગેલા છે ત્યાં સુધી તેના કર્મોનો યોગ થવો સંભવ નથી. કર્મયોગ તો ત્યારે થાય છે જ્યારે યોગના બળથી કર્મો સંન્યસ્ત થઈ જાય છે. જે કર્મોમાં રાગ, દ્વેષ, મમતા, મોહ, લોભ, કામના, વાસના વિગેરે તમામ ભસ્મીભૂત થતાં જાય તે જ યોગ છે. યોગ આત્મભાવ સાથે જોડાયેલો છે. જેથી આત્મભાવ સિવાય યોગ કોઈ જ ભાવને બચવા દેતો નથી.

સામાન્યતઃ કામનાઓ સાથે બંધાઈ ચૂકેલા મન માટે સંન્યાસ એક દુઃખદાયક બાબત છે. સંન્યાસમાં મનનો અંત છે તેથી મન ક્યારેય સંન્યાસ તરફ જવા માગતું નથી. જે પરિસ્થિતિમાં વ્યક્તિ થાકે છે, હારે છે અને દુઃખ સિવાય કોઈ માર્ગ જોતો નથી ત્યારે તેવા દુઃખોના કારણે મન સંન્યાસ તરફ પ્રેરાઈ છે. પરંતુ યાદ રાખવા જેવી બાબત છે કે વ્યક્તિના જીવનમાં આ રીતે આવતા સંન્યાસના પણ કૃષ્ણ વિરોધી છે. જો દુઃખ, શોક, થાક અને ચિંતાઓના કારણે કોઈ વ્યક્તિનું મન કર્મ સંન્યસ્ત થવા ઈચ્છતું હોય તો તે એક ઘાતક બાબત છે. તેવા સંન્યાસથી તો ફક્ત આત્મગ્લાની અને આત્મઘાત જ થાય છે.

યુદ્ધના મેદનમાં શોકગ્રસ્ત થયેલો અર્જુન કોઈપણ ભોગે યુદ્ધકર્મનો સંન્યાસ ઈચ્છતો હતો અને પોતે જ ઈચ્છી રહ્યો છે તે શ્રેષ્ઠ છે તેવું કહેવાની કોશિશ કરતો પણ જોવા મળ્યો છે. અર્જુને તો ત્યાં સુધી કહ્યું કે હવેથી હું ભીખ માગીને જીવન વ્યતિત કરશી, પણ આ ગુરુજનો જેવા મહાનુભાવોની હત્યા જેમાં સામાવિષ્ટ છે તે યુદ્ધકર્મમાં નહીં પડું. અર્જુનના ગ્લાનિ ભરેલા મનમાં એવી આશા હતી કે કૃષ્ણ તેની પીઠ થબથબાવી કહી દેશે કે ‘વાહ અર્જુન, તે રાજ્યસુખોનો તિરસ્કાર કરીને યુદ્ધના ઘોર કર્મોનો સંન્યાસ સ્વિકાર્યો છે.’ પણ તેમ ન થયું.

જો દુઃખ, શોક, ચિંતાઓ અને હારથી કર્મ સંન્યસ્ત થવા માગતા વ્યક્તિનો કર્મ સંન્યાસ કૃષ્ણને પસંદ હોત તો કૃષ્ણ અર્જુનને પ્રોત્સાહિત કરતા અવશ્ય તેના યુદ્ધકર્મમાંથી સંસ્યસ્ત થવાના પ્રસ્તાવોને આવકારેત. પરંતુ કૃષ્ણએ તેમ નથી કર્યું. કૃષ્ણએ અર્જુનનો દુઃખ અને વિષાદમાંથી પેદા થયેલો સંન્યાસ કબુલ નથી રાખ્યો. જે બાબતે સ્પષ્ટતા કરતા સ્વયં કૃષ્ણ જ કહે છે :-

‘‘સન્યાસસ્ત મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ

યોગયુક્તો મુનિબ્રહ્મ નચિરેણાધિગચ્છતિ’’ (ગી.અ.પ-૬)

જે વ્યક્તિ યોગભાવ વગર કર્મનો સંન્યાસ કરવા માગે છે તેનો સંન્યાસ તો દુઃખને જ પ્રાપ્ત થવાનો છે. કર્મોના ભય, દુઃખ અને શોકથી ભાગીને કર્મ સંન્યસ્ત થયેલા વ્યક્તિઓના ચહેરા ઉપર ન કોઈ શાંતિ છે, ન કોઈ આનંદ, ન તેજસ્વિતા. ઉલ્ટુ, આ રીતે સંન્યસ્ત થયેલા લોકો તો તેના સંસાર પ્રત્યેના ઉદાસીનતા અને ધૃણાના ભાવોને ફેલાવતા રહીને સમાજમાં ગંદકીના ઢગ એકઠા કરવા સિવાય કોઈ કામ કરી શકતા નથી.

કહેવાતા સંન્યાસીઓ તો સંસારને, કર્મોને, સ્ત્રીઓને, પરિવારને, અર્થ અને કામને જે ગાળો આપી રહ્યા છે અને ધૃણા ફેલાવી રહ્યા છે તે તેમનો કોઈ સાચો વૈરાગ નથી. પરંતુ તેની પાછળનું એક માત્ર કારણ એ છે કે તેઓ આ તમામ બાબતોમાં નિષ્ફળ ગયેલા, થાકેલા અને હારેલા વ્યક્તિઓ છે. તેઓ જે કહી રહ્યા છે કે અંગુર ખાટા છે તેનું કારણ એ છે કે અંગુર મેળવી શકવાની કે ચાખી શકવાની પણ તેમની કોઈ સામર્થ્ય નહતી. પણ, મજા એ છે કે જ્યારે આવા લોકો ભગવા વસ્ત્રોમાં સજ્જ થઈને ધૃણાસ્પદ વાતો વિખેરતા ફરે છે ત્યારે લોકો તેને સંતજન માનીને પૂજે છે કારણ કે સાચા સંન્યાસનો મતલબ તેવા લોકો પણ જાણતા નથી.

થોડા સમય પહેલા એક નર્સ તરીકે સસ્પેન્ડ થયેલી મહિલાનો ફોટો એક અખબારમાં જોયો હતો. જે ફોટામાં મહિલાના હાથે એક હોસ્પિટલનું ઉદ્‌ઘાટન થઈ રહ્યું હતું. નીચે મોટા મોટા વિશેષણો સાથે તેનું નવું નામ લખવામાં આવ્યું હતું. જે મહિલા તેની નર્સ તરીકેની ફરજ પણ યોગ્ય રીતે નહોતી નિભાવી શકી અને જે ડૉક્ટરોએ તેને ગાળો આપીને સસ્પેન્ડ કરી હતી. તે મહિલા ભગવા વસ્ત્ર પહેરીને અર્થ, કામ અને ભોગને ધર્મના નામે ગાળો દેવા લાગી કે તેના તે ડૉક્ટરો તેના પગમાં પડવા લાગ્યા. જેની પાત્રતા એક નર્સની ડ્યુટી નિભાવવામાં પણ નાકામ રહી હતી તે પાત્રતા બીજી કઈ રીતે મહાન થઈ શકે ?

કૃષ્ણ જેને સંન્યાસ કહે છે તે કર્મમાંથી ભાગવાની કોઈ વાત નથી. પછી તે કર્મ યુદ્ધ જેવું ઘોરકર્મ હોય કે પછી સંસારના કોઈ કારણોથી ઉભું થયું હોય. કર્મથી ભાગીને સંન્યસ્ત થવાની વાતને કૃષ્ણનું કોઈ સમર્થન નથી. કૃષ્ણ મતમાં યોગ સિવાય કોઈ સંન્યાસ ઘટી શકતો નથી. બહારથી કર્મોનો ત્યાગ કરવો તે કોઈ સંન્યાસ નથી કારણ કે તેથી કર્મોની સમાપ્તિ થતી નથી. ઘર છોડવું, પત્ની અને પરિવાર છોડવા, ધંધો અને પ્રવૃત્તિઓ છોડવા અને ભગવા વસ્ત્રો પહેરી, માથું મુંડાવીને કોઈ આશ્રમોમાં બેસી જવું એ સન્યાસની સાચી વ્યાખ્યા નથી. તેમ કરવું એ કોઈ સન્યાસ નથી પણ સન્યાસ હોવાનો દેખાવ છે. જે લોકો બીજાઓને દેખાડવા માગે છે અને તેવા દેખાવોથી લોકોને છેતરીને પોતાના પગ આંધળા લોકોની પાસે પૂજાવવા માગે છે તેના માટે તે બરાબર છે કારણ કે તેમને એથી વધારે કોઈ વાત સાથે મતલબ નથી. પરંતુ જે કર્મોની બળતી અગ્નિથી ત્રસ્ત થઈને દાઝી રહ્યા છે અને તેની શાંતિ ઈચ્છે છે તેમના માટે સાચા કર્મ સંન્યાસ વગર કોઈ શાંતિ સંભવ નથી. સાચો સંન્યાસ એ બહારના કર્મોનો ત્યાગ નથી. પણ આંતરીકપણે કર્મવાસનાઓનો ત્યાગ છે. સંન્યાસની સાચી વ્યાખ્યા કરતા કૃષ્ણ કહે છે.

‘‘કામ્યાનામ કર્મણામન્યાસઃ સન્યાસમ કવયો વિદુઃ’’ (ગી.અ.૧૮-ર)

અર્થાત્‌ મનની કર્મ વાસનાઓનો ત્યાગ એ જ સાચો સંન્યાસ છે. પરંતુ મનની કર્મવાસનાઓનો ત્યાગ ન ઘર-પરિવાર છોડી દેવાથી થઈ શકે, ન કપડા બદલી લેવાથી થઈ શકે, ન માથુ મુંડાવી કે જટા વધારી લેવાથી થઈ શકે કે ન તો બહારના કર્મોને ત્યાગવાથી થઈ શકે. મનની કર્મવાસનાઓનો ત્યાગ યોગ સિવાઈ થવો મુશ્કેલ છે. યોગ જ એ સાધન છે કે જેનાથી કર્મ વાસનાઓનો ત્યાગ થઈ શકે. ‘‘યોગ સંન્યસ્ત કર્માણમ્‌’’

અષ્ટાવક્ર પાસેથી આત્મ યોગ પ્રાપ્ત કરનાર મહારાજા જનકે બહારના કોઈ કર્મો છોડ્યા વગર યોગથી જ કર્મવાસનાઓનો સંન્યાસ હાંસલ કર્યો હતો. જનક સંન્યાસની મનોદશા પછી પણ મહેલોમાં જ રહ્યા અને રાજા તરીકેનું પદ પણ ભોગવતા રહ્યા. તેમ છતાં યોગના બળથી જનક સંન્યાસની સુખપ્રદ સ્થિતિમાં સદાકાળ બિરાજીત રહ્યા.

પ્રસંગ છે કે એક વખત યાજ્ઞવલ્યક પાસે તેના એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે ‘‘ત્યાગ, સંન્યાસ અને યોગનું વાસ્તવિક નિરૂપણ કરી મને સમજાવો કે ખરેખર તે શું છે ? યાજ્ઞવલ્ક્ય પણ મહાબુદ્ધિમાન હતા. તેમણે શબ્દોથી શિષ્યને સમજાવવાની બદલે તેને જનક પાસે મોકલ્યો અને કહ્યું કે તારા પ્રશ્નોના સાચા જવાબ, વાસ્તવિક જવાબ તને જનક પાસેથી મળશે, તું ત્યાં જા. યાજ્ઞવલ્યકનો એ સંન્યાસી શિષ્ય જનક પાસે આવ્યો. સાંજનો સમય હતો. તે સમયે જનક મહેલોમાં સિંહાસન ઉપર બિરાજીત હતા. નર્તકીઓ નાચ કરી રહી હતી. મદિરા પિરસાઈ રહી હતી. શિષ્યે તો આવતા વેંત આચકો અનુભવ્યો કે મારા ગુરૂએ આ તો મને ક્યાં મોકલ્યો ? પરંતુ લાંબી પદયાત્રા કરીને, મહામહેનતે પહોંચેલો શિષ્ય પણ મજબુર તો કે રાત્રીરોકાણ કરે અને ગુરૂના સંતોષ ખાતર પણ કંઈક પ્રશ્નોત્તરી કરીને પાછો જાય.

યાજ્ઞવલ્યકના શિષ્યને આવેલો જાણીને જનકે તેનું સન્માન કર્યું. તેને સુંદર ઉતારો આપ્યો કહ્યું કે તમે જે પ્રશ્નો લઈને આવ્યા છો તેની ચર્ચા આપણે આવતી કાલે કરીશું. શિષ્યને થાક તો ખુબ લાગ્યો હતો. પણ તેણે જોયેલા જનકનાં રાગ રંગ અને મહેફિલોથી તેનું મન વ્યથિત થઈ ગયું હતું. જેથી બેચેન મનના કારણે રાતભર સુઈ ન શક્યો. બીજા દિવસે વહેલી સવારે ખુદ જનક તેના દરવાજા ઉપર આવ્યા અને કહ્યું કે બ્રહ્મદેવ ચાલો આપણે નદીએ સ્નાન કરી આવીએ. બંને સ્નાન કરવા ગયા. થોડું સ્નાન થયું ત્યાં જ જનકના સેવકો દોડતા આવ્યા અને હાફળા-ફાંફળા સમાચાર આપ્યા કે મહેલને આગ લાગી છે. જનક તો આ સમાચાર સાંભળ્યા પછી પણ જેમ ન્હાતા હતા તેમજ ન્હાતા રહ્યા, પણ પેલો શિષ્ય તુરત બહાર નીકળીને ભાગ્યો મહેલ તરફ. જઈને જોયું તો ભડકે બળતા મહેલમાં લગમભગ તમામ ખાક થઈ ચૂક્યું હતું. શિષ્ય શોક કરવા લાગ્યો. અરે, મહેલમાં મારો થેલો હતો. તેમાં મારા સુંદર પુસ્તકો હતા, તેમાં મારા કપડા હતા, બધુ જ નાશ થઈ ગયું. તે કલ્પાંત કરી રહ્યો હતો કે તેવામાં જનક ત્યાં પહોંચ્યા.

સમગ્ર મહેલ તો જનકનો બળ્યો હતો. શિષ્યનો તો માત્ર એક લંગોટી વાળો થેલો જ બળ્યો હતો. પણ, જનકના ચહેરા ઉપર કોઈ વિષાદની રેખાઓ નહતી. જ્યારે એક લંગોટીવાળો શિષ્ય કલ્પાંત કરી રહ્યો હતો. જનકે તે શિષ્યને કહ્યું બ્રહ્મદેવ શું હવે આપણે ચર્ચા માટે બેસીશું ? શિષ્યને જનકની વાત સાંભળીને ક્રોધ પણ આવ્યો. તેણે કહ્યું તમારા આ મહેલમાં મારો થેલો બળી ગયો છે અને તમને આધ્યામિક ચર્ચાઓની સુઝે છે ? નથી કરવી મારે ચર્ચા. શિષ્યનો જવાબ સાંભળીને જનકે કહ્યું કે બ્રહ્મદેવ આપનો થેલો સલામત છે. તમારા થેલામાંથી કાંઈ બળ્યું નથી કે ઓછું થયું નથી સેવકોની પાસે થેલો મંગાવ્યો. થેલો જોતા જ શિષ્ય ગુમાવેલું ધન પાછું મળ્યું હોય તેમ રાજી થઈ થયો અને જનકને પ્રણામ કરતા કહ્યું કે મહાત્મા તમારા દૃષ્ટાંત સાથે હું બધું જ સમજી ગયો છું. ત્યાગ એ શું તત્વ છે તે હું દિવસોના દિવસો સુધી જે ચર્ચાથી ન સમજી શકેત તે મને આજની ઘટનાએ સમજાવી દીધું છે.

નદીના તટ ઉપરથી પસાર થઈ રહેલા બુદ્ધે તટ પર રેતીના મકાનો બનાવીને રમી રહેલા બાળકોને જોઈને તેના સંન્યાસીઓને કહ્યું કે ઘડીભર ઉભા રહો અને આ બાળકોને ગુરૂ બનાવીને સંન્યાસનો સાચો અર્થ જાણો. બુદ્ધના શિષ્ય આનંદે પૂછ્યું કે આ બાળકો કે જે રેતીના મકાનો બનાવી રહ્યા છે, રેતીના મકાનોની મમતાના કારણે જો તેના મકાનને કોઈ બીજુ બાળક થોડું પણ નુકસાન કરે તો ઝઘડો કરવા લાગે છે. કોઈ રડવા બેસે છે તે બાળક સંન્યાસ જેવી બાબતને સમજાવવા ગુરૂ કેમ બની શકે ?

બુદ્ધે કહ્યું બેસો ઘડીભર. થોડીવાર પછી ધીરે-ધીરે સાંજ ઢળવા લાગી અને સૂર્ય દેવ પૃથ્વી ઉપરથી તેના કિરણોને સમેટીને અસ્તાચળમાં ડૂબવા લાગ્યા. તેવામાં બાળકોની માતાઓએ અવાજ કર્યો કે બાળકો ચાલો ઘરે હવે સાંજ થઈ ગઈ અને રાત પડવા આવી. બસ, માતાનો અવાજ સાંભળતા જ બાળકો તેણે બનાવેલા એ રેતીના મકાનો ઉપર કૂદ્યા, જે રેતીના મકાનો માટે ઝઘડાઓ હતા તે જ મકાનોને જાતે જ આનંદ-કિલ્લોલની ચિચિયારીઓ પાડતા ધ્વસ્ત કરીને માતાના સાદે પોત-પોતાના ઘેર જવા નીકળી પડ્યા. બુદ્ધે કહ્યું, સાધકો, આજ સંન્યાસનો સાચો અર્થ છે. જ્યાં રાગ-દ્વેષ અને મમતાના કર્મોને આનંદ અને હર્ષોલ્લાસથી છોડી દેવામાં આવે છે તે જ સાચો સંન્યાસ છે.

કૃષ્ણ કર્મોને યોગભાવથી સંન્યસ્ત કરવાની જે વાત કરે છે તે સંન્યાસ અને યોગમાં કોઈ તફાવત નથી. યાદ રાખવા જેવી બાબત એ છે કે યોગભાવ વગર સંન્યસ્ત થયેલા કર્મો દુઃખથી છોડાવવા સમર્થ નથી. જ્યારે યોગભાવથી સંન્યસ્ત થયેલા કર્મોમાં કોઈ વિષાદ શેષ બચતો નથી.

***