નો રીટર્ન-૨
ભાગ-૮૭
આભો બનીને હું જોઇ રહ્યો. અંધકાર એટલો ગહેરો હતો કે બરાબર દેખાતું નહોતું છતાં મારા ચહેરા ઉપર દુનિયાભરનું આશ્વર્ય આવીને રમતું હતું. “ ઓહ ગોડ... હે ભગવાન... “ બસ, આટલાં જ શબ્દો સતત મોઢામાંથી નિકળતાં રહયાં. હતું જ એવું કે એથી વધું બોલવાનાં હોશ બચ્યાં જ નહોતાં. મારા હાથમાં જે ચીજ રમતી હતી એ ચીજ જબરી આશ્વર્ય જનક હતી. અનેરી ક્યાંકથી એ ઉઠાવી લાવી હતી અને મને આપી હતી, અને પછી અમે વાતોએ વળગ્યાં હતાં. એ સમગ્ર સમય દરમ્યાન મારું ધ્યાન એ ચીજ ઉપર હતું જ નહી પરંતુ એકાએક જ તેનો થોડો અણીયાળો ભાગ મારી આંગળીનાં ટેરવે ખૂંપ્યો હતો અને પછી એ શું વાગ્યું એ જાણવાં મેં એ ભાગ રગડવો શરૂ કર્યો હતો. એ સાવ સાહજીક ક્રિયા હતી... કશુંક વાગવાથી આપણને થોડી જિજ્ઞાસા ઉદભવતી હોય છે, એવી જ જિજ્ઞાસા મને ઉદભવી હતી અને અનાયાસે મેં એ થોડા ખરબચડા અને વજનદાર પથ્થરનાં ટૂકડા જેવી ચીજને હથેળીમાં ઘસી હતી. મારા ભયાનક આશ્વર્ય વચ્ચે તેનું ઉપરનું પડ હથેળીનાં ઘર્ષણથી જોતજોતામાં ખરી પડયું હતું અને તેની અંદરથી એક લીસ્સો... પીળો ચળકાટ ભરેલો પદાર્થ મારી નજરો સમક્ષ ઉજાગર થયો.
મારા રૂઆડાં ખડા થઇ ગયાં. આભો બનીને હું એ આછો પીળો પ્રકાશ ફેલાવતી ચીજને જોઇ રહ્યો. મારા હદયની ધડકનોમાં ભયંકર તેજી ભળી હતી. હું જે વિચારતો હતો એ મુજબની જ જો આ ચીજ હોય તો અમે ખજાનાની બિલકુલ નજીક હતાં. અને... તેનાથી એક વાત એ પણ સાબિત થતી હતી કે ખજાના વિશે મેં જે વાતો અમે સાંભળી હતી હતી એ વાતો કોઇ “મીથ” નહોતી. બલ્કે હકીકતમાં કોઇ ખજાનો હતો અને એની સાબિતી મારા હાથમાં હતી. યસ્સ... જે ચીજ અનેરીને મળી હતી એ ચીજ સોનાનાં એક નાનાં ગોળ સિક્કા જેવી વસ્તું હતી. શક્યતહઃ એ એક સિક્કો જ હતો જેની ઉપર ધૂળ, માટી અને ક્ષારનું પડ જામી ગયું હતું.
“ ક્યાંથી ઉઠાવી લાવી આ તું...? “ જબરા આશ્વર્યથી મે અનેરીને પુંછયું.
“ સામેથી.... “ તેણે અંધકારમાં હાથ લંબાવ્યો. “ પણ તને આટલું આશ્વર્ય શેનું ઉપજે છે...? શું છે એ... લાવ જોવા દે તો...! “ મેં એ ચીજ તેનાં હાથમાં મુકી. તેણે અંધકારમાં આંખો ફાડીને તેને બરાબરની નિરખી, હવે આશ્વર્ય ચકિત થવાનો તેનો વારો હતો. “ માય ગોડ પવન... આ તો સોનાનો સિક્કો છે...” જબરી ઉત્તેજનાંથી તે બોલી ઉઠી.
“ તને આ ક્યાંથી મળ્યો...? ચાલ ઉભી થાં અને એ ચોક્કસ સ્થળ બતાવ મને.. “ હું ઉભો થઇ ગયો હતો. અનેરી પણ ઉભી થઇ અને પથ્થર ઉપરથી નીચે ઉતરીને મારી આગળ ચાલી નિકળી.
“ જમ્યાં પછી તને આ તરફ આવતાં મેં જોયો હતો એટલે થોડીવાર બાદ હું પણ તારી પાછળ આવવાં નિકળી હતી. હજું થોડુંક જ ચાલી હોઇશ કે એક નાનકડી માટીની ટેકરી સાથે મારો પગ અથડાયો અને ઠેસ લાગવાથી પડતાં- પડતાં હું માંડ બચી. મનેય ખ્યાલ નહોતો કે મારો પગ ક્યાં ભરાયો છે...! હાથ ફંફોસીને મેં જોવાની કોશિશ કરી ત્યારે આ ચીજ મારા હાથમાં આવી અને બસ... એમ જ હું સાથે લેતી આવી. “ તેણે કહયું એ દરમ્યાન અમે એ જગ્યાએ આવી પહોચ્યાં હતાં જ્યાં અનેરીને ઠેસ વાગી હતી.
“ આટલામાં ક્યાંક જ હું પડતાં બચી હતી... “ તેણે કહ્યું અને અમે નીચે જમીન ઉપર ખાંખાખોળા કરવા માંડયાં. અમારી પાસે ટોર્ચ કે બેટરી નહોતી. એ બધું આદીવાસીઓ સાથે થયેલાં ધમાસાણ યુધ્ધમાં ત્યાં જ છૂટી ગયું હતું, એટલે ઘોર અંધારામાં જ અમે તપાસ આદરી હતી. અનેરી કહેતી હતી તો ચોક્કસ આટલામાં ક્યાંક માટીની એ ટેકરી હોવી જોઇએ એવું મારું અનુમાન હતું.
“ તને પાક્કી ખબર છે ને કે અહી જ તને ઠેસ વાગી હતી...? “ જંગલમાં મોટેભાગે દિશા ભાન રહેતું નથી એટલે ચોકસાઇ ખાતર મેં અનેરીને પુંછયું હતું.
“ અરે, હું આ રસ્તે જ તારી પાછળ આવી હતી. એટલું તો યાદ હોય કે નહી...! જો આ રહી એ જગ્યાં. હું કહું છું ને... “ તે અકળાઇને બોલી હતી અને પછી નાનકડી એક ટેકરી પાસે પહોંચી હતી. એ ત્યાં બેસી ગઇ અને હાથ પસવારીને ટેકરીને ફેંદવા લાગી.
“ અરે ઉભી રહે, ત્યાં કોઇ સાપનું દર હશે તો ઉપાધી સર્જાશે..! “ હું જલ્દીથી તેની નજીક પહોચ્યોં અને તેની મદદમાં લાગ્યો. તરત મને ખ્યાલ આવ્યો હતો કે એ સાપનું નહી પણ ઉધઇનું દર હતું. આવા જંગલોમાં સામાન્ય રીતે ઉધઇઓ જમીનની અંદર દર બનાવવાને બદલે માટીનાં ટેકરાં રૂપી દર બનાવે છે જેથી વરસાદનું પાણી દરમાં ઘૂસી ન જાય. નાનો અમથો ટેકરો બહું મજબૂત નહોતો એટલે જલ્દી વિખેરાયો હતો. અચાનક અમે બન્ને ચમકી ઉઠયાં. ટેકરાની સતહમાં... છેક નીચે... અનેરી ઉઠાવી લાવી હતી એવાં... ક્ષાર ચઢેલાં સિક્કાઓનો નાનકડો ઢગલો અમારાં હાથે લાગ્યો. ભારે ખૂશીથી અમે બન્ને ઝૂમી ઉઠયાં. અમને જેની શોધ હતી એ અચાનક, અનાયાસે અમારા હાથ લાગ્યું હતું.
“ ઓહ ગોડ... પવન.... આ જો...! “ ઘણા બધાં સિક્કોઓને હાથમાં લઇને અનેરી મને બતાવાં લાગી. મારાં હાથમાં પણ એવાં જ, માટી અને ક્ષારથી ઢંકાયેલાં સિક્કાઓ હતાં. એક પછી એક હું એ સિક્કાઓ ઉપરથી ક્ષારનું પડ કાઢીને ખાતરી કરવાં લાગ્યો કે ખરેખર એ સોનાનાં બનેલાં સિક્કાઓ જ છે ને...! અને અમારાં આશ્વર્ય વચ્ચે એ સોનું જ હતું. ખરું સોનું....! ઘોર અંધકારભર્યા વાતાવરણમાં પણ એ સોનું ચળકતું હતું. મને તો સમજણ નહોતી પડતી કે હવે શું કરવું...? જો અહી આ સોનાનાં સિક્કાઓ મળ્યાં છે તો ચોક્કસ ખજાનો પણ આસપાસમાં જ ક્યાંક દટાયેલો હોવો જોઇએ એવો એક વિચાર મને ઝબકી ગયો. મતલબ કે અમે ખજાનો શોધી કાઢયો હતો..! એ વિચારે મારા જીગરમાં જબરી ઉત્તેજનાં ભરી દીધી. મારી જેવી જ હાલત અનેરીની હતી. સિક્કાઓ તેનાં હાથમાં હતાં છતાં હજું તેને વિશ્વાસ આવતો નહોતો કે તે જે જોઇ રહી છે એ સાચું છે કે કોઇ સ્વપ્ન છે...! ભારે ઉત્તેજનાથી તેની છાતી ધબકતી હતી.
“ આપણે ખજાનો શોધી લીધો પવન... આપણે ખજાનો શોધી લીધો...! “ ઉત્સાહનાં અતીરેકથી એ લગભગ ઝૂમવા લાગી હતી અને જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. મને ડર પેઠો કે અનેરી ક્યાંક પાગલ ન બની જાય..! આ આખો મામલો તેનાં કારણે જ તો ઉજાગર થયો હતો. જો તેણે બ્રાઝિલનાં મ્યૂઝીયમમાં મુકેલાં દસ્તાવેજોનો પીછો પકડયો ન હોત, અને કાર્લોસનાં તાબે થઇને “ઇન્દ્રગઢ” આવી ન હોત તો કદાચ અમે અહી સુધી ક્યારેય પહોચ્યાં જ ન હોત. આ હકીકત હતી જેને હું ઝૂઠલાવી શકું તેમ નહોતો.
“ બસ હવે, આમ બૂમો પાડવાનું બંધ કર અને વિચારવા દે કે આગળ શું કરવું...? “ જે હિસાબે અને જોરથી તે બૂમો પાડીને નાંચતી હતી એ જોતાં મને લાગતું હતું કે ચોક્કસ કોઇ ખતરો ઉદભવશે. કાર્લોસ અને એના પણ ચીચીયારીઓ સાંભળીને અહી આવતાં જ હોવાં જોઇએ. એ પહેલાં મારે વિચારવાનું હતું કે ખરેખર આગળ શું પગલાં ભરવા જોઇએ..? હજું ખજાનાનો ખાલી નાનકડો અમથો એક વરતારો જ અમને મળ્યો હતો. કોઇ જંગી ખજાનો છે કે નહી એની ખાતરી આટલાં સોનાનાં સિક્કાઓ મળવાથી થઇ જતી નહોતી. એ ખાતરી કરવાં માટે હવે અમારે સવાર થવાની રાહ જોવી પડે એમ હતી કારણકે અંધારામાં વધું કંઇ ખાંખાખોળાં થઇ શકે તેમ નહોતાં. સવારનો ઉજાસ થાય પછી જ અહી શું છે એ સ્થિતિ સ્પષ્ટ થવાની હતી એટલે ફીલહાલ આટલો દેકારો કરવો પણ નકામો હતો. પણ... અનેરીને મારી વાત સમજાઇ નહોતી. એ તો બસ... કોઇ પાગલ વ્યક્તિની જેમ બેતહાશા નાચતી હતી. હું તેનું એ પાગલપણું જોઇ રહયો. ખરેખર અજીબ હતી એ...!
બરાબર એ સમયે જ કેટલાક પગલાંઓ અમારી તરફ દોડતાં આવ્યાં અને હું સાબદો થયો. મને ખબર તો હતી જ કે એ કોણ હોઇ શકે..! છતાં સાવધ થવું જરૂરી હતું.
“ વોટ હેપન હીયર, વાઇ આર યુ સો મચ શાઉટીંગ...! “ એનાંએ અમારી નજીક આવતાં પુછયું. તેની સાથે ક્રેસ્ટો પણ હતો. હું મુંઝવણમાં મુકાયો. સિક્કાઓ મળ્યા એ વાત હજું હમણાં આ લોકોને નહોતી જણાવવી પરતું હવે એ છૂપાવવું પણ અઘરૂં હતું. અનેરીનાં ઉન્માદે બાઝી બગાડી નાંખી હતી.
“ એના... આ જો. “ અનેરી ખરેખર પાગલ બની ગઇ હતી. સામે ચાલીને તેણે એનાને પોતાનાં હાથમાં હતાં એ સિક્કાઓ બતાવ્યાં. એનાએ તેનાં હાથમાંથી એક સિક્કો ઉઠાવ્યો. અને પછી... તે આભી બનીને જોઇ રહી. તેનાં હાથમાં મશાલ જલતી હતી. અહી આવ્યાં ત્યારે જ અમે મશાલો બનાવીને રોશની થાય એવી સગવડ કરી લીધી હતી. એના એવી જ એક મશાલ હાથમાં લેતી આવી હતી. એ મશાલની ફગફગતી રોશનીમાં પીળા કલરની ધાતું સ્પષ્ટ ઉજાગર થઇ. એનાની આંખોમાં દુનીયાભરનું વિસ્મય આવીને સમાયું હતું.
“ ઓહ... માય... માય... !! ક્યાંથી મળ્યું આ...? “ અપાર આશ્વર્યથી તેણે મને પુછયું.
“ અહીથી... “ મેં પેલો ઉધઇનો રાફડો એનાને બતાવ્યો.
“ બસ આટલું જ મળ્યું કે બીજું કંઇ છે હજું...? “ તેનું વિસ્મય કેમ કરીને ઓસરતું નહોતું.
“ એ સવારે ખબર પડશે..! ફીલહાલ તો આ સિક્કાઓ જ હાથ લાગ્યાં છે. “
“ સવારે કેમ...? આપણી પાસે મશાલો છે જ, ચાલો અત્યારે જ સર્ચ કરીએ. “ એના બોલી ઉઠી. મને તેનો સૂઝાવ પસંદ આવ્યો. ક્રેસ્ટો દોડતો ગયો અને અમારાં પડાવેથી બીજી મશાલ લેતો આવ્યો. અને... ઘનઘોર અંધારી રાતમાં જ અમારી શોધખોળ શરૂ થઇ. બે મશાલોનાં અજવાળે એમેઝોનનાં એ વિચિત્ર જંગલમાં એક અજીબો ગરીબ ખજાનાની બડી દિલચસ્પ તલાશ અમે આદરી. જે રાફડામાંથી અમને સોનાનાં સિક્કાઓ મળ્યાં હતાં એ રાફડાની આસપાસની તમામ ધરતી અમે ખૂંદી નાંખી. એક- એક ઇંચ જેટલી જગ્યાં પણ બાકી છોડી નહી. પછી તપાસનો દાયરો ઓર વધાર્યો. થોડીવાર પહેલાં અમે જ્યાં બેઠા હતાં એ ઝરણાં સુધી અમે જઇ આવ્યાં. ત્યાંથી ઉત્તર.. દક્ષીણ.. અને પૂર્વમાં પણ લગભગ બે- ત્રણ કિલોમીટરની ત્રીજીયા સુધી અમે ફરી આવ્યાં. લગભગ ચાર કલાક એ મશક્કત ચાલી હતી. રાફડા પાસે સિક્કાઓ મળ્યાં હતાં ત્યારે શરૂઆતનો જે ઉત્સાહ હતો એ ધીમે- ધીમે ઓસરવાં માંડયો હતો. અહી રાતનાં ઠંડા વાતાવરણમાં પણ અમે બધા પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં. લાંબી દડમઝલને અંતે પણ અમને કંઇ મળ્યું નહી એટલે નિરાશ થઇને અમે અમારા પડાવે આવી પહોચ્યાં હતાં અને સવારે ફરીથી તપાસ કરવાનું નક્કી કરી થાકયાં પાક્યાં બધાં સૂઇ ગયાં હતાં.
ત્યારે... અમે નહોતાં જાણતાં કે ખજાનો તો બસ... અમારી નજરો સમક્ષ જ હતો.
અને... એ ખજાનો મેળવવાં અમારે ભિષણ જંગ લડવાની હતી. જે આદીવાસી લોકોને અમે માર્યા હતાં એ લોકો જ આ ખજાનાનાં અસલી રખવાળ હતાં. અમને એ બધું પછી સમજાયું હતું.
( ક્રમશઃ )
રહસ્ય અને રોમાંચ એ હંમેશા મારો પ્રિય વિષય રહયો છે. હું એટલે જ એવું લખી શકતો હોઇશ. મારા વાચકમિત્રોને પણ એ કહાનીઓ અનહદ પસંદ આવી રહી છે એ જોઇને મને ખરેખર આનંદ થાય છે.
માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ થઇ છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.
ઉપરાંત,
રેટીંગ ચોક્કસ આપજો.
જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....
નસીબ
અંજામ
નગર
નો રીટર્ન