વિડિયો કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ હતી. સામે સ્ક્રીન પર બધાને અભિનંદન આપતો કે. કે. નો ચહેરો દેખાતો હતો. તેના ચહેરા પર સતત પ્રોફેશનલ સ્મિત છવાયેલુ હતું. થોડી ઔપચારિક વાતો પછી સિંગાપુર વાળો ફેશન શો પણ 'ડ્રીમ્સ અનલિમિટેડ' ને સોંપવાની જાહેરાત કરી. તાળીઓના ગડગડાટ વચ્ચે કેયૂરે એક ફાઈલ રાગિણી ને આપી.
રાગિણી એ એકદમ ચમકીને ફાઈલ હાથમાં લીધી. તેના ચહેરા પર કોઈ અલગ જ ભાવ હતા. તે તદ્દન અલિપ્ત હોય તેવું લાગ્યું. તેનું ધ્યાન સતત સ્ક્રીન પર જ હતું. ફાઇલ લેવા પૂરતી પણ તેણે સ્ક્રીન પરથી નજર ન હટાવી!
એ સ્ક્રીન પર તેને કંઇક અલગ જ દેખાતુ હતું. બીજા બધા કરતાં કંઇક વધુ... કંઇક વિશેષ! જેવો સ્ક્રીન પર કે. કે. નો ચહેરો દેખાયો, એ સાથે જ, તેની ફરતે અનેક વલયો દેખાયા... ક્યારેક આછા... ક્યારેક ઘેરા... તો ક્યારેક તદ્દન કાળા... કદાચ એ તેના શરીર નુ આભામંડળ હતુ કે જે અત્યંત દૂષિત થઈ ગયુ હતું! તેણે આવું ક્યાંક વાંચ્યું હતું કે દરેક સજીવ ને પોતિકી અૉરા... પોતાનુ આભામંડળ હોય છે. સ્વસ્થ શરીર નુ આભામંડળ અત્યંત પ્રકાશિત હોય છે, જ્યારે બીમાર શરીર નુ પ્રમાણ મા નિસ્તેજ તથા કાળુ! એવા કેટલાક નિષ્ણાતો છે કે જે અૉરા ને જોઈ શકે છે, તથા તેને એનર્જી પૂરી પાડી ને બીમારી નો ઈલાજ પણ કરી શકે છે...
રાગિણી કન્ફ્યુઝ થઈ ગઈ હતી. જે તેણે જોયું એ શું હતું? બીજા બધાને પણ એજ દેખાયું? પણ કોઇના એક્સપ્રેશન્સ તો એવા નહોતા... કશું સમજાતું નહોતું. તેણે બસ એક સ્મિત સાથે ફાઇલ લઈ લીધી અને પછી જણાવવાનુ કહી ત્યાથી નીકળી ગઈ. બધા અચરજથી તેને જતી જોઈ રહ્યા. તેની આખી ટીમ અને કેયૂર પણ!
*********
"વ્હોટ હેપ્પન્ડ ડિયર? આવી રીતે કેમ ત્યાથી નીકળી ગઈ? ઇઝ એવરીથીંગ ઓકે? "
રાગિણી અત્યારે તેની કેબિનમાં તેની ચેર પર બેઠી હતી. તેની બંને કોણી ટેબલ પર ટેકવેલી હતી. બંને અંગૂઠા લમણે અને પહેલી આંગળી કપાળે સપોર્ટ કરતી હતી. જાણે પોતાના માથાનુ પણ વજન લાગતું હોય એ રીતે બધું જ વજન બંને આંગળી અને અંગૂઠા પર રાખી દીધું હતું. વારેવારે અંગૂઠા વડે સર્ક્યુલર મોશનમા લમણે મસાજ કરતી હતી. પોતાના સવાલનો જવાબ ન મળતાં સમીરા એ તેની હડપચી પકડીને તેનો ચહેરો ઉંચો કર્યો. તેના આશ્ચર્ય વચ્ચે રાગિણી ની બંધ પાંપણો વચ્ચે અશ્રુબિંદુ લટકી રહ્યા હતા. સમીરા થોડી વધારે ટેન્શનમા આવી ગઈ. તેણે ટેબલ પર રહેલી બોટલમાંથી ગ્લાસ ભરી રાગિણી સામે ધર્યો. હજુ પણ રાગિણી ની આંખો બંધ જ હતી. સમીરાએ પ્રેમથી તેનો ગાલ થપથપાવી પાણી લેવા કહ્યું, પરંતુ રાગિણી ટેબલ પર ઢળી પડી... તે આખી પરસેવે નીતરી ગઈ હતી. શરીર પણ ઠંડુ પડી રહ્યુ હતું...
"રાગિણી..... "
સમીરા થી ચીસ પડાઇ ગઇ. તેણે તરતજ ઈન્ટરકોમ પર બધાને મેસેજ આપ્યા. મિલીટરી ના ધોરણે કામ ચાલુ થઈ ગયું. ઈમરાને તાબડતોબ ડો. બાટલીવાલાને કોલ કર્યો. સમીરાએ તેના ચહેરા પર પાણી ની છાલક મારી. રીટા હાથની હથેળી ઘસવા માંડી અને પારસ પગના તળિયા... એસી ની સાથે પંખો પણ ફૂલ સ્પીડમા ફરવા માંડ્યો. પ્યૂન શામુકાકાના પોકેટમા હંમેશા વીક્સ ઈન્હેલર રહેતુ. એ પણ ખોલીને તેની અંદરનુ ફીલ અપ રાગિણી ના હાથ પર ઘસી જોયું!
જેને જે સૂઝ્યુ તે કર્યું. થોડીવાર મા ડોક્ટર પણ આવી ગયા. . તેમણે ત્યાં જ ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ આપી. હવે રાગિણી ના ઠંડા પડી ગયેલા શરીર મા થોડો ગરમાવો આવ્યો. પરસેવાની તીવ્રતા પણ ઓછી થઈ ગઈ હતી. થોડીવારે રાગિણી એ આંખો ખોલી. અને બધાના ચહેરા પર હા'શ છવાઇ ગઇ...
ડો. બાટલીવાલા રાગિણી ના માથે હળવી ટપલી મારી ને બોલ્યા,
"ગાંડી પોઈરી, આવુ કરવાય કે? જો ની, બઢ્ઢા તારી કેટલી ટેન્સન કરતા હુતા. હવે બોલ જોઉં, શું થેયલું? કેના ચક્કર આવી ગેયલા? "
રાગિણી ઘડીક તો મૂઢની જેમ બેસી રહી. ધીરે ધીરે તેના ચહેરાની લાલી પાછી આવી. હવે તે સ્વસ્થ હોય એવું લાગતું હતું.
"બોલ ની પોઈરી, શાનું ટેન્સન ચડી ગેયલુ માથા પર? "
હજુય રાગિણી તરફથી કોઇ પ્રતિક્રિયા ન મળતાં ડૉ. બાટલીવાલા સમીરા સામે જોઇને બોલ્યા,
"સારું... સારું... જો ડિકરા, હવે એવનને બે ડિવસ માટે કંપ્લીટ આરામ આપવાનો છે. લોટ્સ ઓફ વોટર પીવાનું છે. બિલ્કુલ ટેન્સન રાખવાનું નઠી... "
સમીરા એ માત્ર ડોકી હલાવી સહમતી દર્શાવી. ડૉ. બાટલીવાલા એ પોતાની બેગ પેક કરી અને દરવાજા તરફ આગળ વધ્યા.ઇમરાન તેમની સાથે ગયો. વળી દરવાજે પહોંચીને રાગિણી તરફ ફરીને કહ્યું,
"પોઇરી, ટારી રોશન આંટી પન ટને બૌ યાદ કેવચ. ટાઈમ મલે તો મલવા આવજે. "
એમ કહી ડૉ. બાટલીવાલા રાગિણી ની કેબિન ની બહાર નીકળી ગયા. ઇમરાન તેમને નીચે સુધી મૂકવા ગયો. થોડી વારે રાગિણી પ્રમાણ મા સ્વસ્થ લાગતા સમીરા એ તેને ઘરે જઈ આરામ કરવા કહ્યું. સમીરાએ તેને ઘરે મૂકવા જવાનો આગ્રહ કર્યો, જે રાગિણી ને પરાણે માનવું પડ્યું. તે બંને સાથે નીચે ઉતર્યા ત્યારે સમીરા એ જોયુ કે ડૉ. બાટલીવાલા હજુ સુધી ત્યાજ હતા અને ઇમરાન સાથે ધીમા અવાજે કશીક વાત કરતા હતા.
"ચાલ પોઇરા, પછી મલવા.. હં કે... "
જેવી ડોક્ટર ની નજર રાગિણી અને સમીરા પર પડી કે તરત વાત અધૂરી મૂકી ત્યાથી નીકળી ગયા.