બેવફા
કનુ ભગદેવ
પ્રકરણ - 15
અસલી ગુનેગાર અને અંત !
કાશીનાથ ખૂબ જ ઉદાસ હતો. મોટી મોટી મુશ્કેલીઓ અને આઘાતોથી હાર ન માનનારા કશીનાથ, પોતાના પુત્ર આનંદના મૃત્યુના આઘાતથી ભાંગી પડ્યો હતો.
આનંદ વગરનું જીવન તેને સૂનકાર ભાસતું હતું. બંગલાની દીવાલો જાણે કે તેને કરડવા દોડતી હતી.
સાધનાના લગ્ન પછી બધું વ્યવસ્થિત થઈ જશે એવી આશામાં જ તે જીવતો હતો. પરંતુ બધું તેની આશાથી ઊલટું જ થયું હતું.
લગ્નની વાતો તો એક તરફ રહી, ઊલટું આનંદ જ હંમેશને માટે તેનો સાથ છોડીને ઈશ્વરના દરબારમાં ચાલ્યો ગયો હતો.
કાશીનાથે શરાબની બોટલો ભરેલી કેબિનેટ સામે જોયું. એની ફેકટરી, બંગલો વિગેરે ગીરો પડ્યું હતું. એની બેંક બેલેન્સના તળીયાં દેખાવા માંડ્યા હતાં. બેલેન્સના નામ પર બેંકમાં કંઈ જ નહોતું. ઊલટું બેંક તેની પાસે ઓવર ડ્રાફ્ટની રકમ માગતી હતી.
એણે કાઉન્ટર પરથી વ્હીસ્કી ભરેલો ગ્લાસ ઊંચકીને એકી શ્વાસે ખાલી કરી નાંખ્યો.
પછી કંઈક વિચારી, કાઉન્ટરનું ખાનું ઊઘાડીને એણે રિર્વોલ્વર બહાર કાઢીને તેની ચેમ્બર તપાસી. તેમાં ગોળીઓ મોઝુદ હતી. રિવોલ્વરને પુન: ખાનામાં મૂકીને તે બબડયો-હું આનંદના ખૂનીને જીવતો નહીં મૂકું...!
સાધનાએ જ આનંદ તથા આશાનાં ખૂન કર્યાં છે, એ વાત તેના ગળે નહોતી ઊતરતી.
એના દિમાગમાં એક પછી એક વિચારો આવતા જતા હતા.
તો પછી ખૂન કોણે કર્યા હશે ?
પૂરણે...?
ના, પૂરણને તો પોતે આશાનું ખૂન કરવા માટે રોક્યો હતો.
શું એ આશાના કહેવાથી લખપતિદાસને મારીને નાસી છૂટ્યો ? પોતાનો આ વિચાર તેને તર્ક સંગત લાગ્યો.
તો પછી આશાનું ખૂન કોણે કર્યું ?
અને સૌથી મોટી વાત તો એ હતી કે આનંદને કોણે મારી નાખ્યો ?
આનંદ તથા આશાના ખૂનમાં તેની વિચારધારા પુન:સાધના પર આવીને અટકી ગઈ.
શું સાધનાએ જ આનંદ તથા આશાનું ખૂન કર્યું કે કરાવ્યું છે ?
આ બધા સવાલો હથોડાની માફક તેના દિમાગમાં ઝીંકાતા હતા.
એણે એક વધુ પેગ પેટમાં ઠાલવ્યો. પછી શર્ટની બાંયથી મોં લૂછી, એક સિગારેટ પેટાવીને પુન:વિચારમાં ડૂબી ગયો.
વિચારતાં વિચારતા જ તેની નજર સામે પૂરણનો ચહેરો તરવરી ઊઠ્યો.
એ કદાચ ખૂન કરવાની હિંમત નહીં દાખવી શક્યો હોય ?
માણસ અને ઘોડાનું ખૂન કરવામાં ઘણો ફર્ક છે.
કદાચ પૂરણ પોતાના ઘડપણથી ગભરાઈ ગયો હશે. ઘરડે ઘડપણ જેલના સળીયા ગણવા પડશે અથવા તો પછી ફાંસીના માંચડે લટકવું પડશે એવા ભયથી તે નાસી છૂટ્યો હતો.
પછી અચાનક જ વીસ હજાર રૂપિયા ગજવામાં મૂક્યા અને પૂરણે સ્મિત ફરકાવેલું લુચ્ચું સ્મિત તેને યાદ આવ્યું.
સાલ્લો...લબાડ...છેવટે એ પોતાની જાત બતાવી જ ગયો ! એ મનોમન પૂરણને ખાટી-મીઠી સંભળાવી.
હવે શું કરવું ? આનંદના મૃત્યુથી તે સાવ નિરાધાર થઈ ગયો હતો. એના પર પુષ્કળ દેવું થઈ ગયું હતું. એને પોતાની આબરૂ જોખમમાં દેખાતી હતી.
આનંદના ખૂની સાથે બદલો લેવાનો વિચાર કાશીનાથે ન કર્યો હોત તો અત્યાર સુધીમાં ક્યારનો ય એણે આપઘાત કરી લીધો હોત !
રહી રહીને તેને આનંદે ટેલિફોન પર જણાવેલી વાત યાદ યાદ આવતી હતી: ડેડી... આપનો ખાસ વિશ્વાસું પૂરણને મેં હમણાં જ રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી જવા માટે રવાના થતો જોયો છે. આપની વીસ હજાર રૂપિયા ડૂબી ગયા હોય એવું મને લાગે છે. હવે આપ કોઈ બીજાને આશાનું ખૂન કરવાનું કામ સોંપી દો.’
પરંતુ એ વખતે કાશીનાથને તેની વાત પર ભરોસો નહોતો બેઠો. પણ પૂરણ ખરેખર જ પોતાની સાથે છેતરપીંડી કરી ગયો છે એવું મને લાગતું હતું. કદાચ એણે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું હશે. અને મફતમા પૈસા મેળવવાની લાલચ તે નહીં રોકી શક્યો હોય ! આ કારણસર જ જ્યારે પોતે તેને બોલાવ્યો હતો ત્યારે તે દોડતો આવી પહોંચ્યો હતો.
પણ એમાં પૂરણનો શું વાંક ?
વાંક તો તેનો પોતાનો જ હતો. પંદર વર્ષનો સમય કંઈ ઓછો નથી હોતો! આટલા સમયમાં તો ખૂની શરીફ, અને શરીફ ખૂની બની શકે છે.
પોતાને આ રીતે પૂરણને એડવાન્સમાં વીસ હજાર રૂપિયા આપવાની જરૂર નહોતી. પણ હવે આ બધું વિચારવાથી શું લાભ થવાનો હતો ? પોતાનો પુત્ર આનંદ તો હવે જ્યાં ગયો છે, ત્યાંથી પાછો આવી શકે તેમ નથી.
એણે એક વધુ પેગ પેટમાં ઠાલવ્યો. શર્ટની બાંયથી મોં લૂછ્યુ. એક સિગારેટ સળગાવીને તે ધીમે ધીમે તેના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો.
મારી પાસે શું નહોતું ? કઈ ચીજની કમી હતી ? બધું જ હતું. !
હું યોગ્ય સમયે શા માટે સ્થિર ન થયો ?
મેં રેસમાં શા માટે બધું બરબાદ કરી નાંખ્યું ?
મેં કમાવા કરતાં વધુ ગુમાવ્યું જ છે.
કમ સે કમ મારે, મારા એકના એક દિકરા આનંદનો વિચાર કરવો જોઈતો હતો.
પહેલાં હું પૈસે-ટકે બરબાદ થયો. ત્યારબાદ પૈસાથી પણ વધુ કીંમતી આનંદને ગુમાવ્યો અને હવે મારી આબરૂનો વારો છે. સમાજસેવક હોવાનો નાતે વિશાળગઢમાં મારું ખૂન જ માન છે ! ના...હું મારી આબરૂ ગુમાવવા નથી માગતો.
સિગારેટની આંચથી જ્યારે કાશીનાથની આંગળી દાઝવા લાગી, ત્યારે તેની વિચારધારા તૂટી. એણે એ જ સિગારેટ વડે બીજી સિગારેટ સળગાવી.
હું આનંદના ખૂનીને જીવતો નહીં મૂકું !
પણ એનો ખૂનો કોણ હોઈ શકે છે ?
સાધના...? ના...સાધનાએ ખૂન કર્યું કે કરાવ્યું હશે એ વાત મારે ગળે નથી ઊતરતી.
પણ ખૂન પોતે કર્યા છે, એમ તે કહે છે ! કોર્ટમાં એણે ખૂન કર્યાની વાત કબૂલી લીધી છે...!
‘કમજાતને મેં ના પાડી હતી કે-કમજાત...જયાં સુધી સાધના સાથે તારાં લગ્ન ન થઈ જાય. ત્યાં સુધી તું બીજી કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને પણ જોતો નહીં,’કાશીનાથ મનોમન આનંદ પર ધૂંધવાયો.
પરંતુ તેનો આ બડબડાટ સાંભળવા માટે આનંદ હાજર નહોતો.
હે ઈશ્વર...હવે હું શું કરું...? આ સવાલ દિમાગમાં આવતાં જ તે વ્યાકુળ થઈ ગયો.
છેવટે શરાબ પીતાં પીતાં જ તે ઢળી પડ્યો.
અત્યારે રાતના ત્રણ વાગ્ય હતા.
સહસા ટેલિફોનની ઘંટડીનો અવાજ સાંભળીને નાગપાલની ઊંઘ ઊડી ગઈ.
એણે પલંગ પરથી નીચે ઊતરી, આગળ વધીને રિસિવર ઊંચક્યું.
‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ...!’
‘નાગપાલ...સાહેબ...!’સામે છેડેથી કોઈકનો ધોધરો અવાજ તેના કાને અથડાયો, ‘હું ‘એક્સ’બોલું છું.
નાગપાલ એકદમ ચમકી ગયો.
‘શું...?’
‘હા...’
‘પણ અત્યારે તમે શા માટે ફોન કર્યો છે ?’
‘હું મારી જાતને કાયદાને હવાલે કરવા માગું છું આપ તાબડતોબ, વકીલ સાહેબ, ન્યાયાધીશ સાહેબ, કાશીનાથ, સાધના વિગેરેને લઈને ભૈરવ ચોકમાં આવેલા શેઠ લખપતિદાસના શો રૂમ, નૂર મહેલમાં આવી પહોંચો. મારી પાસે હવે વધુ સમય નથી.’
‘ઓ.કે...હું હમણાં જ આવુ છું.’કહીને નાગપાલે રિસિવર મૂકી દીધું. ત્યારબાદ એણે ડીરેક્ટરી શોધીને કાશીનાથ, સુબોધ જોશી, ન્યાયાધીશ શાહ સાહેબ, સાધના વિગેરે ફોન કરીને તેમને ‘નૂર મહેલે’પહોંચવાની સૂચના આપી દીધી.
અડધા કલાક પછી સૌ ત્યાં પહોંચી ગયા.
શો રૂમનો દરવાજો ઉઘાડો હતો. ત્યાં બહાદુર ઊભો હતો.
એ સૌને લખપતિદાસની વિશાળ ઓફિસમાં લઈ ગયો.
‘નાગપાલ સાહેબ...ફોન સાંભળવામાં આપની કંઈ ભૂલ તો નથી થઈને ?’દસેક મિનિટ સુધી રાહ જોયા બાદ શાહ સાહેબે વ્યગ્ર અવાજે પૂછ્યું.
‘ના...ફોન પર એણે અહીં આવવાનું જ...’નાગપાલનું વાક્ય અધૂરું રહી ગયું.
એ જ વખતે ઓફિસનું બારણું ધકેલીને એક માણસ અંદર પ્રવેશ્યો.
એના ચહેરા પર નજર પડતાં જ સૌ ચમકીને ઊભા થઈ ગયા. બધા નર્યા-નિતર્યા અચરજથીએ માણસના ચ્હેરા સામે તાકી રહ્યા.
આંગતુક બીજુ કોઈ નહીં પણ શેઠ લખપતિદાસ પોતે જ હતો. એના ચહેરા પર અસીમ પીડાના હાવભાવ છવાયેલા હતા.
‘અરે...શેઠ લખપતિદાસ તમે...!’કાશીનાથે આશ્ચર્યથી કહ્યું,
‘હા...હું જ ‘એક્સ’એટલે કે લખપતિદાસ પોતે જ છું.’લખપતિદાસ આગળ વધીને પોતાની રિર્વોલ્વિંગ ચેર પર બેલતાં બોલ્યો.
‘નાગપાલ સાહેબ...દુનિયાની નજરે મરી ચૂકેલો હું જ લખપતિદાસ અત્યારે જીવતો-જાગતો આપ સૌની સામે બેઠો છું. મેં જ આનંદ, આશા તથા અનવરનાં ખૂન કર્યાં છે...!’
‘પિતાજી...!’સાધન અચાનક બોલી ઊઠી, ‘મેં ગુનો કબૂલી લીધો છે. પછી તમારે આ બધું કહેવાની શું જરૂર છે...?’
‘ના, દિકરી...આજે મને કહી જ કહેવા દે ! દિકરી, તારા જેવું સંતાન પામીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું. પરંતુ હું બાપ તરીકેની ફરજ પૂરી નથી કરી શક્યો અને તેનું દુ:ખ આજે પણ મને છે. ન્યાયાધીશ સાહેબ...!’એણે શાહ સાહેબ સામે જોયું, હું આપને બધી જ હકીકત જણાવી દઉં છું. મારી વાત સાંભળ્યા પછી આપ આપનો નિર્ણય બદલી નાખશો તેની મને ખાતરી છે. હું જે કંઈ કહું છું. તે બરાબર રીતે સમજીને-વિચારીને, પૂરેપૂરા ભાનમાં રહીને જ કહું છું. મારી આ જુબાની અંતિમ અને સાચી છે. અત્યારે હું પણ મૃત્યુના આરે ઊભો છું. અહીં આવતા પહેલાં મેં ઝેર પી લીધું છે...ના...ના... મને હોસ્પિટલ ખસેંડવાની કંઈ જ જરૂર નથી. આમેય હું બચવાનો નથી. મરતા પહેલાં હું બધી હકીકત જણાવી દેવા માગુ છું. પ્લીઝ...સાધના...રડ નહીં...તું અંતિમ સમયે હસીને મને વિદાય કર એમ હું ઈચ્છું છું વકીલ સાહેબ, મારી જુબાની ફટાફટ નોંધવા માંડો...મારી પાસે સમય ઓછો છે.’લખપતિદાસ ઝડપભેર કહેતો ગયો.
સુબોધ તેની જુબાની નોંધવા લાગ્યો.
‘સાહેબ...હું ખૂબ જ નસીબદાર માણસ હતો. મારી પાસે પૈસા, આબરૂ, સંતાનસુખ વિગેરે બધું જ હતું. પરંતુ ઘરડે ઘડપણ મારી સાઠે બુદ્ધિ નાઠી ! મેં લાગણીના પ્રવાહમાં તણાઈને મારી દિકરીની ઉંમર જેટલી જ યુવતી સાથે લગ્ન કરી નાંખ્યા. બસ, આ લગ્નથી જ મારી બરબાદીની શરૂઆત થઈ. આજે હું મારી દિકરીની હાજરીમાંજ જે કંઈ કહું છું. તેનાથી કદાચ દરેક વૃદ્ધ માણસને પાઠ ભણવા મળશે. હું મારી વૃદ્ધાવસ્થાને કારણે આશાને શારીરિક સુખ ન આપી શક્યો. અને આશાને પગ લપસી ગયો. આમાં આશાનો કંઈ જ વાંક નહોતો. કારણ કે તે યુવાન હતી. અને કોઈપણ યુવાન સ્ત્રીને જ્યારે શારિરિક સુખ ન મળે ત્યારે તેના પગ લપસી જાય એ સ્વાભાવિક જ છે. આશા સાથે કઈ રીતે છૂટાછેડા લેવા એના હું વિચાર કરતો હતો. પરંતુ એક રાત્રે, બંગલામાં એક એવો બનાવ બન્યો કે જે શરમજનક હોવાની સાથે સાથે ભરોસો ન બેસે તેવો હતો. અને આ બનાવે જ શેઠ લખપતિદાસને ગુનેગાર બનાવી દીધો. ઘરડે ઘડપણ યુવાન સ્ત્રી સાથે લગ્ન કરવાની મારી ભૂલે મને અપરાધની દલદલમાં ધકેલી દીધો. અને હું છેવટ સુધી તેમાંથી બહાર ન નીકળી શક્યો. એ રાતે આશાને મારા બેડરૂમમાં ગેરહાજર જોઈને હું બંગલાના પાછળના ભાગમાં પહોંચ્યો. બંગલના પાછળના ભાગમાં દરિયાકિનારે આશા, મારા ભાવિ જમાઈ આનંદ સાથે શારિરીક સંબંધ સ્થાપી ચુકી હતી. એ બંનેને એવી હાલતમાં જોઈને મારા ક્રોધનો પાર ન રહ્યો. એ બંનેને ગોળી ઝીંકી દેવાની તીવ્ર લાલસા મારા રોમેરોમમાં ઉછાળા મારવા લાગી, પણ પછી સાધનાના ભવિષ્યનો વિચાર આવતાં જ તેમના પર ગોળી છોડવા માટે લંબાયેલો મારો હાથ આપોઆપ નીચો નમી ગયો. ત્યારબાદ હું ચૂપચાપ વરંડામાં આવ્યો. એ જ વખતે બહાદુર મારી પાસે આવ્યો. એણે મારા રૂમ તરફ સંકેત કરીને, હમણાં જ પોતે એક માણસને તેમાં દાખલ થતો જોયો છે, એમ મને જણાવ્યું. રૂમમાં હું દાખલ થયો છું. એમ તે માનતો હતો. પણ મને વરંડામાં જોઈને તે ચમક્યો. મારી રૂમમાં કોઈક અજાણ્યો માણસ દાખલ થયોછે, એ જોઈને હું રિર્વોલ્વર સાથે રૂમમાં પહોચ્યો. મારી રૂમમાં મારા જેટલી જ ઉંમર ધરાવતો, ધોતિયું તથા ઝભ્ભો પહેરેલો એક માણસ હાજર હતો. એના હાથમાં લાંબી છૂરી જકડાયેલી હતી. પરંતુ મારી રિર્વોલ્વર સામે તે લાચાર બની ગયો.’કહીને લખપતિદાસ થોડી પળો માટે અટક્યો.
‘સાહેબ...’એક ઊંડો શ્વાસ લઈને લખપતિદાસે પોતાની વાત આગળ લંબાવી, ‘માણસ જો સૌથી વધુ કોઈ ભય સતાવતો હોય, તો એ ભય મોતનો છે ! મોતના ભયથી એ માણસે મને જણાવી દીધું કે તે કાશીનાથના કહેવાથી મારું ખૂન કરવા માટે આવ્યો છે.’એણે નફરતભરી નજરે કાશીનાથ સામે જોયું, ‘એ માણસને જોઈને આશાથી છૂટકારો મેળવવાની શક્તિ મને સૂઝી આવી. મેં એને રિર્વોલ્વરના જોરે પલંગ પર બેસાડી દીધો. ત્યારબાદ પાણીની ગ્લાસમાં ઉંઘની ગોળીઓ ભેળવીને, એ પાણી પીવા માટે તેને લાચાર કરી દીધો. પરંતુ ઊંઘની ગોળીઓ વધુ પડતી પડી ગઈ હતી. પાણી પીધા પછી બે મિનિટ બાદ તે પલંગ પર ઢળી પડ્યો. મેં તેને ચાદર ઓઢાડી દીધી. મારો હેતું, આશાના રૂમમાં આવ્યા પછી, એ માણસ સાથે આશાને બદનામ કરીને તેનાથી છૂટકારો મેળવવાનો હતો.’
‘એ તો આપ આનંદ સાથે પણ તેને બદનામ કરી શકો તેમ હતા.’નાગપાલે કહ્યું.
‘ના...નાગપાલ સાહેબ...! મારે સાધનાના ભવિષ્યનો પણ વિચાર કરવાનો હતો. જોકે મારે માટે તો આનંદ જમાઈના રૂપમાં મરી જ ચૂક્યો હતો. પરંતુ તેમ છતાં ય આશાને આનંદ સાથે બદનામ કરીને મારી પુત્રી તથા સાસુ-જમાઈના સંબંધ પર કલંક લગાવવા નહોતા માંગતો. આ દરમિયાનમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. હું પાછો બહાદુર પાસે પહોંચ્યો. બીજી તરફ આનંદ તથા આશાએ મારી રૂમમાં જઈને, પથ્થર તથા લોખંડના સળિયાથી એ માણસને મારી નાખ્યો. એ લોકોએ તેનો ચહેરો છુંદી નાંખ્યો હતો. તેમણે મને જ મારી નાખ્યો છે, એમ તેઓ માનતા હતા. તેમનું આવું હિચકારૂં, શયતાનીયત ભર્યું કૃત્ય જોઈને હું ધ્રુજી ઊઠ્યો. ત્યારબાદ મૃતદેહને ચાદરમાં બાંધીને એ બંને બહારના વાતાવરણનો તાગ મેળવવા માટે ચાલ્યા ગયા. બહાદુરને ફાટક પાસે મોકલીને મેં તેમનો પીછો કર્યો. એ બંને બંગલાના પાછળના ભાગમાં પહેલાં દરિયાકિનારે અને પછી ખાલી પ્લોટ તરફ ગયા. તેઓ મૃતદેહને ખાલી પ્લોટમાં ઠેકાણે પાડવા માગે છે, એ વાત તરત જ મને સમજાઈ ગઈ. હું બંગલામાં પાછો ફર્યો. હું ઝડપભેર મારી રૂમમાં ગયો. મેં મૃતદેહનું પોટલું છોડી નાંખ્યું. મરનારે મારા જેવાં જ વસ્ત્રો પહેર્યા હતા. મેં તને મારી ઘડિયાળ પહેરાવી દીધી.એણેપહેરેલો સોનાનો ચેન કાઢીને મારી તુલસીની માળા તેની ડોકમાં પહેરાવી દીધી. ત્યારબાદ તેના પગમાં મારા ચપ્પલ પહેરાવી દીધા. એણે પહેરેલી જનોઈમાં તિજોરીની ચાવી બાંધી દીધી. હવે એક જ કામ બાકી રહી ગયું હતું. અને એ કામ હતું ચશ્માનું...મરનાર ચશ્મા નહોતો પહેરતો. મે કબાટમાંથી સ્પેર રાખેલા ચશ્મા કાઢી, તેને તોડીને એનાં કચડાયેલા ચહેરા પર પહેરાવી દીધા. હવે એ મૃતદેહ મારો નથી એમ કોઈ જ કહી શકે તેમ નહોતું. ત્યારબાદ મૃતદેહને ફરીથી ચાદરમાં બાંધીને હું નીકળવા જતો હતો, ત્યાં જ કોઈના પગલાનો અવાજ મને સંભળાયો. આગંતુકો બીજું કોઈ નહીં પણ, આનંદ તથા મારી ચારિત્ર્યહીન પત્ની આશા છે, એ હું તરત જ સમજી ગયો. ઝડપથી ડબલ બેડના પલંગ નીચે છૂપાઈ ગયો. એ બંને મૃતદેહ બાધેલું પોટલું ઊંચકીને ચાલ્યા ગયા. હું બહાર નીકળીને પાછળના ભાગમાં પહોંચ્યો. પછી સહસા મારી નજર બારી મારફત સાધનની રૂમમાં દાખલ થતા એક માણસ પર પડી. બારીની નીચે પણ એક અન્ય માણસ ઊભો હતો. મેં નીચે ઊભેલા માણસ પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. એ ગભરાઈને ત્યાંથી નાસી છૂટ્યો. જો કે હું તેને ઓળખી ગયો હતો. એ આશાનો ભૂતપૂર્વ પ્રેમી કિશોર હતો. એ શા માટે આવ્યો હશે તે મને નહોતું સમજાતું. પછી અચાનક મને સાધનાની રૂમમાં દાખલ થયેલા માણસ યાદ આવ્યો. સાધનાની આબરૂ જોખમમાં હોય એવું મને લાગ્યુ. પરિણામે હું પણ બારી મારફત સાધનાની રૂમમાં પહોંચ્યો. મેં જોયું તો અંદર એક માણસે સાધનાનું મોં દબાવી રાખ્યું હતું. એ માણસની પીઠ મારી તરફ હતી.’લખપતિદાસ થોડી પળો માટે અટક્યો.
એનો અવાજ પ્રત્યેક પળે ધીમો થતો જતો હતો.
‘સાહેબ...!’લખપતિદાસે કહ્યું, ‘એ બદમાશ મને પોતાનો સાથીદાર માનીને, સાધના વિશે મારી સાથે ગંદી ગંદી વાતો કરવા લાગ્યો. આ દુનિયામાં એવો કયો બાપ હશે કે જે પોતાની પુત્રી વિશે આવી ગંદી વાતો સાંભળી લે ? મારી રિર્વોલ્વર મારા ગજવામાં જ હતી. પરંતુ તેમ છતાંય મેં તકીયા નીચેથી સાધનાની રિર્વોલ્વર કાઢી લીધી. મારા હાથમાં રિર્વોલ્વરમાંથી તેને ગોળી ઝીંકી દીધી. એ બદમાશ રિર્વોલ્વર કબજે કરી લેશે એવો ભય મને લાગ્યો હતો. પરિણામે એની પહેલાં જ મેં સાધનાની રિર્વોલ્વર મારા કબજામાં લઈ લીધી હતી. સાધનાની રિર્વોલ્વર સાઈલેન્સર યુક્ત હોવાને કારણે ગોળી છૂટવાનોઅવાજ નહોતો થયો. મને બદમાશનો સાથીદાર સમજીને સાધના બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આશાને ફસવવા માટે મેં બહાદુરની મદદથી એ બદમાશના મૃતદેહને સાધનાની રૂમમાંથી ખસેડીને મારી રૂમના વોર્ડરોબમાં છૂપાવી દીધો. મૃતદેહને છૂપાવતાં પહેલાં મેં મારી રિર્વોલ્વર પરથી મારા આંગળાની છાપ ભૂંસી, તેના પર અનવરના આંગળાની છાપ ઉપસાવીને તેને પલંગ નીચે મૂકી દીધી, આ દરમિયાનમાં સાધના ભાનમાં આવી ગઈ હતી. મેં તને બધી જ હકીકત જણાવી દીધી. મારી વાત સાંભળ્યા પછી મેં તેને પણ આનંદ તથા આશા પ્રત્યે નફરત થઈ ગઈ. ત્યારબાદ હું ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ આનંદ તથા આશા મને કણાની માફક ખૂંચવા લાગ્યા, ઈચ્છા હોવા છતાં પણ હું મારા દિમાગમાંથી તેમના વિચારોને કાઢી શકતો નહોતો. હું અહી, આ શો રૂમમાં છૂપાઈ ગયો હતો. મારા વફાદાર કૂતરાને હું સાથે જ લાવ્યો હતો. જે રાત્રે સાધનાએ રેલ્વેસ્ટેશન પાસેથી અહીં મને ફોન કર્યો, ત્યારે તેની વાત સાંભળીને મારો ગુસ્સો હદ વટાવી ગયો. સાધનાના કહેવા પ્રમાણે એણે પોતાની સગી આંખે આનંદ તથા આશાને બંગલાના પાછળના ભાગમાં દરિયાકિનારે શરમજનક હાલતમાં જોયા હતા. મારા મૃત્યુ પછી તો જાણે તેમને આવા હુકમો કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. સાધનાની વાત સાંભળ્યા પછી હું મારી જાત પર કાબૂ ન રાખી શક્યો. સાધનાની રિર્વોલ્વર મારી પાસે જ હતી. એ રિર્વોલ્વર લઈને હું સીધો એક ટેક્સીમાં બેસીને બંદર રોડ પર પહોચ્યો. ટેક્સીને સડક પર જ ઊભી રખાવીને હું મારા બંગલાના પાછળના ભાગમાં આવેલા દરિયાકિનારે પહોંચ્યો. ત્યાં એ બંને વાસનાની રમત પૂરી કરીને ઊભા થવાની તૈયારી કરતા હતા. એ બંનેને ગોળી ઝીકીને હુ પુન:ટેક્સીમાં બેસીને નાસી છૂટ્યો. ભૈરવ ચોકથી બંદર રોડ પહોંચતા મન માત્ર પચીસ મિનિટ જ લાગી હતી. ત્યારબાદ પોલીસ વહેલા-મોડી આ શો રૂમમાં તપાસ કરવા માટે આવશે એવા ભયથી હું બહાદુર સાથે આંબેડકર રોડ પર આવેલા મારા ફલેટમાં છૂપાઈ ગયો. આ વાત મેં સાધનાને પણ જણાવી દીધી હતી. આ કારણસર જ એણે મને એ ફલેટ પર ફોન કર્યો હતો. પોલીસ એ ફોન ટેપ કરીને મારા સુધી પહોંચી જશે એવી શંકા મને આવી. પરિણામે એ ફલેટ છોડીને હું ફરીથી અહીં આવીને છૂપાઈ ગયો અને મારી શંકા સાચી પડી હતી. નાગપાલ સાહેબ એ ફલેટ સુધી પહોંચી ગયા હતા. પરંતુ ઉતાવળને કારણે હું સાધનાની રિર્વોલ્વર એ ફલેટમાં જ ભૂલી ગયો હતો. મેં બહાદુરને રિર્વોલ્વર લેવા માટે મોકલ્યો. પરંતુ ઈમારતની નીચે પોલીસની જોપ જોઈને તે ચૂપચાપ પાછો ચાલ્યો આવ્યો.જોકે મેં સાધનાની રિર્વોલ્વર તકીયામાં છૂપાવી દીધી હતી. એટલે પોલીસનુ ધ્યાન તેના પર પડવાની શક્યતા બહુ ઓછી હતી. પરંતુ પેલી કહેવત છે ને ચોર ને બે તો પોલીસને ચાર આંખો હોય છે ! એ મુજબ પોલીસના હાથમાં સાધનાની રિર્વોલ્વર આવી ગઈ અને ત્યારબાદ સાધનાને પકડીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી. મારું એટલે કે ‘એક્સ’નું અસ્તિત્વ પુરવાર કરવા માટે સરકારી વકીલે ઘણા ધમપછાડા કર્યા. પરંતુ સાધના મને બચાવવા માંગતી હતી એટલે તે ટસની મસ ન થઈ !’કહીને લખપતિદાસ અટકયો.
એક ઊંડો શ્વાસ લઈને એણે નખાઈ ગયેલા અવાજે કહ્યું, ‘મારા ગળાનો ગાળીયો એ પોતાના ગળામાં પહેરવા માટે તૈયાર થઈ ગઈ. એટલે કે ન છૂટકે મારે સામે આવવું પડ્યું.’કહીને એણે ટેબલના ખાનામાંથી એક ડાયરી મને, મારું ખૂન કરવા આવેલા પૂરણના ગજવામાંથી મળી હતી. આજ સુધીમાં એણે જેટલા જેટલા ગુનાઓ કર્યા છે, એ બધા આ ડાયરીમાં લખેલા છે.’ત્યારબાદ એણે પોતાના ગજવામાંથી ઈન્ડિયન એર લાઈન્સની એક ટિકિટ કાઢી, ‘આ પૂરણની દિલ્હી-વિશાળગઢ-દિલ્હી કન્ફર્મ ટિકિટ છે. જેમાંથી દિલ્હી-વિશાળગઢના ટિકિટનો ઉપયોગ થઈ ચૂક્યો છે. દુનિયાની નજરે તે રાજધાની એક્સપ્રેસમાં બેસીને દિલ્હી જવા માટે રવાના થઈ ગયો હતો. ટ્રેનમાં એણે એક મુસાફર તથા ટિકિટચેકર સાથે નાનકડી વાતમાં ઝઘડો કર્યો હતો. પરિણામે રેલ્વે પોલીસે તેના પર કેસ કર્યો. આ રેલવેની ટિકિટ તથા પોલીસે કરેલા કેસની નકલ મેં બહાદુરને દિલ્હી મોકલીને પૂરણના નિવાસસ્થાનેથી મંગાવી છે એ મનહૂસ રાત્રે પૂરણ પ્લેનમાં બેસીને દિલ્હીથી વિશાળગઢ આવ્યો. એનો હેતું મારા ખૂન કર્યા પછી એ જ રાતે વળતાં પ્લેનમાં દિલ્હી પહોચી જવાનો હતો. ભવિષ્યમાં તે કોઈ જ ગુનો કરવા નહોતો માંગતો. આ બધું મને તેની ડાયરી પરથી જાણવા મળ્યું છે. નાગપાલ સાહેબને દરિયાકિનારેથી જે વપરાયેલી ગોંળી મળી આવી છે, તેના પર મારા આંગળાની છાપ છે. શાહ સાહેબ,કાયદાની નજરે સાચો ગુનેગાર હું છું. પણ ના...સાચો ગુનેગાર તો...આ...કાશીનાથ...છે...’લખપતિદાસનો અવાજ લથડવા લાગ્યો, ‘એ...માણસ...ન...રૂ...રૂપમાં શયતાન છે… એના… ક… કારણે જ મારા હર્યા-ભર્યા સંસારમાં… આ.. આગલ… લાગી ગઈ છે...સ… સાધના… અને બ… બહાદુર… નિ...નિ… દોર્ષ… છ… છે… નિ...નિ...દોર્ષ છ...છે !’વળતી જ પળે લખપતિદાસનું માથુ ટેબલ પર નમી ગયું.
સાધના તેને વળગીને રડવા લાગી.
સહસા કાશીનાથ ઊભો થઈ ગયો. સૌએ ચમકીને તેની સામે જોયું.
‘હા, નાગપાલ સાહેબ...આ બધાના મૂળમાં હું જ છું...? મારી લાલચે મને તેમજ લખપતિદાસને ક્યાંયના નથી રાખ્યા. મારે કારણે જ અમારા બંનેના કુટુંબ બરબાદ થયાં છે. મને જીવવાનો કોઈ જ અધિકાર નથી.’કહીને એણે ગજવામાંથી રિર્વોલ્વર કાઢીને પોતાના લમણા પર ગોઠવી દીધી.
ત્યારબાદ કોઈ કશું યે સમજે-વિચારે એ પહેલાં જ એણે ટ્રેંગર દબાવી દીધું.
વળતી જ પળે તેનો દેહ ધડામ કરતો જમીન પર પછડાયો.
સાધના બેભાન થઈ ગઈ હતી.
નાગપાલ સહિત સૌ કોઈ એકીટશે બંને મૃતદેહ સામે તાકી રહ્યા.
ન્યાય થઈ ચૂક્યો હતો.
ઘરડે ઘડપણ લગ્ન કરવાથી થયેલ ભૂલને કારણે એક ખૂબ જ શરીફ માણસ સંજોગો સામે લાચાર થઈ. ખૂનની પરંપરા સર્જીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો હતો.
***