સફરમાં મળેલ હમસફર
ભાગ-29
શુભમને ઘરે છોડી રુદ્ર હવેલી તરફ આવ્યો ત્યારે દસને દસ થઈ હતી.રુદ્રએ દરવાજો ખોલ્યો ત્યાં તેની નજર વડથી થોડે દુર ઉભેલા તળશીભાઈના વૃદ્ધ અને અંધ માતા શારદાબેન દેખાયા.શારદાબેનની ઉમર 95 વર્ષની હતી.
“માડી તમે અત્યારે અહિયાં શું કરો છો?”રુદ્રએ શારદાબેન પાસે જઈ પૂછ્યું.
“ઊંઘ નો’તી આવતી એટલે બહાર આવી’તી.આ બાજુ પક્ષીઓ ઉડવાનો અવાજ આવ્યો એટલે મને લાગ્યું કોઈ છે”શારદાબેને ખરડાયેલા અવાજે કહ્યું, “તું ભૂપતનો લાલો છો ને?
“હું ભૂપતકાકાનો લાલો નથી માડી, સંદીપનો દોસ્ત રુદ્ર છું”રુદ્રએ પોતાનો પરિચય આપતાં કહ્યું.રુદ્રએ શારદાબેનને પહેલીવાર જોયાં હતા.શારદાબેન મોટાં ભાગે ઓરડામાં પોતાની ભક્તિમાં લીન રહેતાં એટલે તેનો અને રુદ્રનો ભેટો આ બે દિવસમાં નોહતો થયો.
“આ આંધળી આંખોએ હવે ઓછું દેખાય છે બેટા.માફ કરજે હું તને ઓળખી ના શકી”શારદાબેને વિનમ્રતા દાખવતા કહ્યું.
“એમાં શું માડી”રુદ્રએ પણ વિનમ્રતા દાખવી, “ચાલો હું તમને ઓરડા સુધી છોડી આવું”
“તે ડેલી તો સરખી બંધ કરી છે ને?રાત્રે કૂતરા ઘુસી જશે તો ઢોરને હેરાન કરશે”પોતાની સાવચેતીની આદતને વશ થઈ શારદાબેને પૂછ્યું.
“હા માડી ડેલી બંધ છે ,ચાલો હવે”રુદ્ર શારદાબેનનો હાથ ઝાલી ચાલવા લાગ્યો.શારદાબેને સૂચન આપ્યું એ પ્રમાણે રુદ્ર તેઓને ઓરડા સુધી છોડી પોતાનાં રૂમમાં આવ્યો.રુદ્ર રૂમમાં પહોંચ્યો ત્યાં સુધીમાં સાડા દસ થઈ ગયા હતા.આજે પણ રાતે સેજુ અગાસી પર આવશે એમ વિચારી રુદ્ર બાર વાગ્યાની રાહ જોવા લાગ્યો.થોડીવાર મોબાઈલમાં ચેટિંગ કર્યું ત્યાં સંદીપ રૂમમાં આવ્યો.
“કા ભઇ? આજે ભાભીનો કૉલ નથી આવ્યો?”રુદ્રએ સંદીપની ખેંચતા કહ્યું.
“આવશે હમણાં,તું પેલી બુક આપ બધા સુઈ ગયા છે તો હું રાખી આવું”સંદીપે બુક સાંજે આપવાની છે એ વાત યાદ અપાવતાં કહ્યું.
“અરે યાર,મારે એ બુકની જરૂર છે.થોડા દિવસ હું રાખું તો નહીં ચાલે?”
“ના ચાલે ભાઈ.જો ભૂપતકાકાને આ વાત ખબર પડશે તો બબાલ થઈ જશે.તે સાંજ સુધીનો સમય માંગ્યો હતો તો મેં આપ્યો.હવે હું કંઈ ના કરી શકું”
રુદ્રએ બે મિનિટ વિચાર કર્યો.પછી મોબાઈલમાં હાથમાં લઈ બધાં પેજના ફોટા ખેંચી લીધા સાથે પીડીએફ કન્વર્ટર ડાઉનલોડ કરી બધા ફોટાની એક પીડીએફ બનાવી લીધી.
“હવે કાલે આ પીડીએફની પ્રિન્ટ કરી નવી બુક બનાવી લઈશ તું આ બુક રાખી આવ”સંદીપ તરફ બુક ધરતાં રુદ્રએ કૉલર ઊંચી કરી.
“શાણો હો બાકી તું”રુદ્રની પીઠ થાબડતાં સંદીપે કહ્યું.
“આપણી પાસે બધી પ્રૉબ્લેમનું સોલ્યુશન હોય બકા”પોતાનાં જ વખાણ કરતા રુદ્રએ કહ્યું.
“અચ્છા બધી જ પ્રૉબ્લેમના સોલ્યુશન હોય”સંદીપે કહ્યું, “તારી ભાભી લગ્નમાં આવવાનું કહે છે બોલ છે કોઈ સોલ્યુશન?”
“એમાં શું બોલાવી લે,લગે હાથ તારી પણ સુહાગરાત થઈ જાય”આંખ મારતાં રુદ્રએ કહ્યું.
“એમ ક્યાંથી બોલાવી લઉં?કોણ છે,કોની સાથે આવી એ બધા પૂછશે તો હું શું જવાબ આપીશ?”
“બસ આટલી જ પ્રોબ્લેમ?”રુદ્રએ હસીને કહ્યું, “તું બસ એને બોલાવી લે હું કહી દઈશ કે એ મારી બહેન છે અને સિહોર ફરવાના બહાને લગ્નમાં આવી છે”
“વાહ તારી પાસે તો સાચે સોલ્યુશન મળી ગયું,હું કાલે જ બોલાવી લઉં. અત્યારે તો એણે બધું પેકિંગ પણ કરી લીધું હશે”
“હા ભાઈ ઓળખું છું તને, તમે બંનેએ પહેલેથી જ નક્કી કરેલું છે.મારી પાસે તો બસ કામ કાઢવવાનું હતું”
“શું કરું યાર તારી સિવાય કોઈ મદદ કરે એવું નોહતું એટલે તને પકડ્યો”
“જા હવે મજા કર. હું સંભાળી લઈશ બધું”
સંદીપ બહાર ચાલ્યો ગયો. રુદ્ર મનમાં હસતો હતો.
‘એક દિવસ મારે પણ તારું કામ પડશે બકા’રુદ્ર મનમાં બોલ્યો.ત્યારે જ સેજુનો મૅસેજ આવ્યો.રુદ્ર તેની સાથે વાતોએ ચડી ગયો.બાર વાગવામાં દસ મિનિટની વાર હતી એટલે સેજુએ રુદ્રને અગાસી પર જવા કહ્યું.
રુદ્રને અજીબ લાગતું હતું પણ એ છેલ્લાં ત્રણ દિવસથી સેજુ માટે અગાસી પર જઈ રહ્યો હતો. કોઈ દિવસ કોઈ છોકરીને મળવા તેણે વેઇટ નોહતો કર્યો, સેજુમાં શું વાત હતી એ ખબર નહિ પણ રુદ્ર સેજુ તરફ ચુંબકની જેમ ખેંચાતો હતો.
રુદ્રએ ધીમેથી ઓરડાનું બારણું ખોલ્યું.કોઈ બહાર નથી એ વાતની ખાતરી કરી રુદ્ર બહાર આવ્યો અને બારણું વાસ્યું.રુદ્રએ જેવું બારણું વાસ્યું ત્યાં તેને કોઈની આહટનો અવાજ સંભળાયો.રુદ્રએ જોયું તો તળશીભાઈ ચોરીચુપે આજુબાજુ નજર કરતાં હવેલી બહાર જતાં હતાં.મહેમાનોનો ઓરડો હવેલીના ખૂણામાં પડતો હતો અને અત્યારે જ્યાં રુદ્ર ઉભો હતો ત્યાં અંધારા સિવાય કંઈ નજરે નોહતું ચડતું એટલે રુદ્ર તળશીભાઈની નજરથી બચી ગયો.
તળશીભાઈ હવેલી બહાર નીકળ્યા એટલે રુદ્ર દોડીને અગાસી પર ચડી ગયો.તળશીભાઈ ક્યાં જાય છે એ જાણવાની જિજ્ઞાસાએ રુદ્ર પાળી પાસે જઈ ઉભો રહ્યો.તળશીભાઈ હવેલીની દિવાલના ઓથરે ગેટ તરફ ચાલ્યાં જતાં હતાં.ધીમેથી તેણે ગેટ ખોલ્યો અને સાવચેતીપૂર્વક ગેટ બંધ કરવાનો અવાજ ના થાય એ રીતે ગેટ બંધ કરી ચાલવા લાગ્યા.
રુદ્રએ નિરાંતનો શ્વાસ લીધો.તળશીભાઈ મોડી રાત્રે છુપાઈને ક્યાં ગયા હશે એ સવાલ રુદ્રના મનમાં ઉદ્દભવ્યો પણ થોડીવારમાં સેજુ અગાસી પર આવી એટલે તળશીભાઈનો વિચાર બાજુમાં રહી ગયો.
સેજુ એ જ પીળા રંગની ચણિયાચોલીમાં હતી.રુદ્ર સામે ઉભી રહી સેજુએ બંને હાથથી ચણિયાના ઘેરને પકડ્યો અને ગોળ ફરી.
“શું કરે છે અલી?”રુદ્રએ હસીને પૂછ્યું.
“ત્યારે બધા હતા એટલે તું સરખી રીતે બોલી નોહતો શકતો.અત્યારે કોઈ નથી તું મન ભરીને વખાણ કરી શકે છે”સેજુએ બત્રીસી દેખાડતા હસતી હતી.
“હું શા માટે વખાણ કરું?હું તો મન ભરીને દીદાર કરીશ”
“અચ્છા? મને તો કોઈ એમ કહેતું હતું કે તને પ્રેમનો પહેલો અક્ષર પણ નથી આવડતો અને અત્યારે કેમ શાયર જેમ વાતો કરે છે?”સેજુએ આંખો પલકાવી પૂછ્યું.
“મારો પ્લસ પોઇન્ટ જ એ છે.હું જે પરિસ્થિતિમાં હોવ છું તેને પૂરી રીતે એન્જોય કરું છું. અત્યારે તારા માટે આવી ફીલિંગ્સ આવે છે એટલે તને કહેવામાં હું અચકાતો નથી.”
“ઓહ એ તો સારી વાત છે.હું પણ એવા છોકરાની જ રાહ જોઇને બેઠી હતી જેનું દિલ અને શબ્દો એક ભાષા બોલતાં હોય”સેજુએ રુદ્રની નજીક આવતાં કહ્યું, “તારો આ પ્લસ પોઇન્ટ જ મને તારા તરફ ખેંચે છે”
“અચ્છા એવું,પણ મારામાં હજી એક પ્લસ પોઇન્ટ છે.મને કોઈ પણ ચેલેન્જ હોય પુરી કરવાની આદત છે અને કોઈ મને ચેલેન્જ આપે તો હું એ ચેલેન્જ કોઈ પણ સંજોગોમાં પુરી કરીને રહું છું”
“ચાલ તો તને હજી એક ચેલન્જ આપું.આ ચેલન્જમાં તું મને કેટલો પ્રેમ કરે છે એ પણ જોવાઇ જશે.તારે બસ એક જ કામ કરવાનું છે. લગ્ન પુરા થાય ત્યાં સુધીમાં તારે મારા પરિવારને એ વિશ્વાસ અપાવવાનો છે કે તું મારા માટે બેસ્ટ છે.”
રુદ્ર હસવા લાગ્યો.સેજુની નાદાનીભરી વાતો પર તેને આપમેળે જ હસવું આવી ગયું.
“હું જ બધા પ્રયત્ન કરીશ તો તું શું કરીશ?”રુદ્રએ હસતાં હસતાં પૂછ્યું.
“હું તારી પત્ની બનીશ.સુખદુઃખમાં તારો સાથ આપીશ.તારી સાથે રહેવું છે એટલે તો આવા ચેલેન્જ આપું છું પાગલ”રુદ્રને કપાળે ટપલી મારતાં સેજુ મુસ્કુરાઈ.
“ઉતાવળ શેની છે?હજી આપણે મળ્યા એને ત્રણ જ દિવસ થયા છે.ત્યાં સુખદુઃખની વાતો કરવાં લાગી?”
“મને એ બધી ખબર ના પડે.મને તો એટલી જ ખબર છે કે જ્યાં રુદ્ર જશે ત્યાં સેજુ હશે”કોઈ ફિલ્મી ડાયલોગ માફક સેજુ બોલતી હતી.રુદ્ર પણ સેજુની નાદાનીભરી વાતો સાંભળી મુસ્કુરાતો હતો.
“તું કહે એમ બસ”રુદ્રએ અદબ વાળી કહ્યું.
“સારું ચલ હવે હું નીચે જવ છું.કોઈ જોઈ જશે તો મુશ્કેલી થશે”સેજુએ કહ્યું.
“ઓય ક્યાં જાય છે?બે મિનિટ વાતો કરીને યાર”રુદ્રએ અડપલાં કરતાં કહ્યું.
“અમદાવાદમાં કોઈ નહિ હોય બકા.અહીંયા કોઈ જોઈ જશે તો….”સેજુ વાત અધૂરી છોડી ચાલવા લાગી.રુદ્રએ પણ થોડીવાર પછી પોતાનાં ઓરડા તરફ પગ ઉપાડ્યા.
સેજુ તો પોતાને લાગતાં ડરથી કહેતી હતી કે કોઈ જોઈ જશે તો મુશ્કેલી થશે પણ એનો એ ડર સાચો પાડવાનો હતો એ સેજુ નોહતી જાણતી.
***
સામત વડવાઈ પકડી ઉપર ચડ્યો એટલે વડ પર વાસ કરતાં પક્ષીઓ ઉડવા લાગ્યા હતા.એ પક્ષીઓનો અવાજ સાંભળી શારદાબેન વડ તરફ આવ્યા હતા.બટુક પણ ઉતાવળથી વડવાઈના સહારે વડ પર ચડી ગયો હતો.શારદાબેનનો અવાજ સાંભળી બંનેના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. નક્કી આજે હાથમાં આવી જશું તેવી બંનેને ખાતરી થઈ ગઈ હતી.બરોબર એ જ સમયે રુદ્ર ગેટમાંથી પ્રવેશ્યો હતો.
રુદ્ર અને શારદાબેન વચ્ચેનો સંવાદ સાંભળી બંને એટલું તો સમજી જ ગયા હતા કે તેઓ કોઈની નજરમાં નથી આવ્યા.વડનું ઝાડ ઘટાદાર હતું એટલે આ અંધારામાં સવાર સુધી તેઓને કોઈ જોઈ શકશે નહી એ વાતથી બંનેએ રાહતનો શ્વાસ લીધો.
રુદ્ર શારદાબેનને ઓરડા તરફ લઈ ગયો પછી બટુકે ધીમેથી સામતને કહ્યું, “કંઈ સમજાયું તને?”
“હા આ એ જ છોકરો છે હમણાં મંદિર પાસે હતો.આપણું કામ તો આસાન થઈ ગયું બટુક.”સામતે ખુશ થઈને કહ્યું.
“હા હવે આપણે બંનેની ચહલપહલ ઉપર નજર રાખીશું,જો ખજાનો આના હાથમાં આવી ગયો તો આપણે લૂંટીને ફરાર થઈ જશું નહિ તો તળશી પર નજર રાખવાના બૉસ રૂપિયા આપે જ છે ને!”બટુકે પણ ખુશ થઈ કહ્યું.
“હવે એક કામ કર,તું પેલી ડાળીએ બેસ હું આ બાજુ છું.જેને પણ તળશી દેખાશે એ કૂતરો રડે એવો કુકકક…અવાજે કરશે.”સામતે બટુકને સૂચન આપ્યું.બંનેની જુગલબંધી જૂની હતી.આવા કામો તેઓએ ઘણીવાર અને આસાનીથી પાર પડેલાં એટલે તેઓ માટે આ કામ ચપટી વગાડવા જેવું હતું.
તળશીભાઈ બહાર નીકળે તેની રાહ જોઈ બંને વડ પર જ બેસી રહ્યા.બરોબર બાર વાગ્યે તળશીભાઈ બહાર નીકળ્યા. બટુકની નજર તળશીભાઈ પર પડી એટલે ધીમેથી અવાજ કરી તેણે સામતને સચેત કર્યો.સામતે અવાજ સાંભળી તળશીભાઈ તરફ નજર કરી.તળશીભાઈ ત્યારે દરવાજા તરફ જતાં હતાં.તળશીભાઈ બહાર નીકળ્યા એટલે સામત નીચે ઉતરવાની તૈયારી કરતો હતો ત્યાં અગાસી પર અંધારામાં તેને બે ધૂંધળી આકૃતિ સાથે ઝીણી ઝીણી વાતોનો અવાજ સંભળાયો.
સામત અટકી ગયો.એ બે આકૃતિ કોની છે એ જાણવા તેણે અગાસી તરફ કાન માંડ્યા.
(ક્રમશઃ)
મેર મેહુલ
સામત રુદ્ર અને સેજુની વાત સાંભળી શકશે?શું રુદ્ર અને શુભમ જે ખજાના પાછળ પડ્યા છે એ ખજાના પાછળ બીજું કોઈપણ હશે?રુદ્ર બધી કડીઓ કેવી રીતે જોડશે?જાણવા વાંચતા રહો સફરમાં મળેલ હમસફર.
હવે સફરમાં મળેલ હમસફર ઉપરાંત મારી નવી ક્લાસિક નૉવેલ જૉકર પણ માતૃભારતી પર આવી છે. સોમવારે અને શુક્રવારે સફરમાં મળેલ હમસફર આવશે અને શનિવાર અને બુધવારે જૉકર.
અચૂક રિવ્યુ આપશો.આપના રિવ્યુ લેખક માટે મહત્વના છે.